જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી

થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ને બોલી ઊઠ્યો: ગિરના અભણ રબારીઓ સામવેદનું સંગીત ગાતાં હોય ઈ દેશના વિદ્વાનો કેટલા મહાન હશે!’ આ વાત મારા કાને આવી ત્યારે મને મારું વતન સાંભર્યું. સાઈઠ વર્ષ પૂર્વેના મારા યુવાનીકાળના સંશોધન-પ્રવાસોનું સોનેરી સ્મરણ સ્મૃતિપટ પર સળવળાટ કરતું બેઠું થયું.

ભાલપ્રદેશના ઉનાળાની એક ઢળતી સાંજ હતી. હું અમારા આકરુ ગામના ઠાકર-દુવારાના ચોકમાં લીલાછમ લીંમડા નીચે ઢાળેલી ઢોરણી ઉપર પાથરેલી ધડકી માથે બેઠોબેઠો રાત’દિ વગડામાં પડયાપાથર્યા રહેતા વારતાકથક ભરવાડ કુંવરાભૈ મેવાડાનો હૈયાકપાટ ઉઘડાવી લોકવાણીની મૂડી કાગળમાથે માંડતો હતો. ‘હે ઠાકર મા’રાજ’ બોલી ઢીલી યાદદાસ્તને ઢંઢોળતા કુંવરાભાઇએ એક વરત (ઉખાણું) નાખ્યું:

દુઝણિયું તો સૌ કોઇ દોવે, પાંકડિયું દોવે નઈં કોઈ;
વાંઝણિયું વિંહાય ને, પાંકડિયું પાહરો મૂકે.

અર્થાત્‌ ઃ દુઝણિયું ભેંસુને તો દુનિયા આખી દોહવા બેસી જાય. પણ પાંકડિયું (વિંહાયા વિનાની)ને મલકમાં કોઇ દોહતું નથી ઃ ‘‘ભઇલા જોરુભૈ તારું ભણતરે ય નિયારું ને તારું કામે ય નિયારું. રજપૂતનો દીકરો શે’રમાં ભણગણીને ભરવાડોની વેણી ભેગી કરવા નીકળ્યો છું ત્યારે વાંઝણિયું વિંહાય ને પાંકડિયું પાહરો મૂકે એવો અમને પોરહ સડે છે. જો ભઇલા, તું કોલેજમાં ભણલો ને મારું બકરા-ગાડર (ઘેટાં)ની નિહાળનું ભણતર. હવે હું પૂછું ઈનો ઉત્તર આલ્ય’’ એમ કહેતા ઉખાણાનો ઘા કર્યો:

હળ કરતાં જમીં પાતળી, ઈનો ખોડણહાર ચતુર શ્યામ, હાથે વાવે ને મોઢે લણે ઈ શું?

હાર સ્વીકારી લેતાં મેં કહ્યું: ‘કુંવારભૈ, તમારી વાતમાં મારો ગજ નંઈ વાગે. તમારે એનો ઉકેલ આપવો પડશે.’

‘બસ એટલું અમથું ય નો આવડ્યું? તમારા હાથમાં શું છે?’

‘ઈન્ડીપેન ને કાગળ.’

‘કાગળરૂપી જમીં (જમીન) ઈન્ડીપેન કરતાં પાતળી કે નઈં? તમારા જેવો ભણેલો ચતુર માણસ કલમથી ખેડ કરે છે, લખે છે. ને મોઢેથી બોલીને વાંચે (લણે) છે.’ મારા જેવો ઠોઠ નિશાળિયો કુંવારાભૈની હડફેટે આવી ગ્યો એટલે એમને તો ભાઇ મૉજના તુર્‌રા છૂટવા માંડ્યા ઃ ‘કાગળ માથે ઉતારવા માંડો. તમે લખતા થાકો છો કે હું બોલતા થાકું છું! સાંભળો ઃ

તૈણ તહુનું લાકડું, નાખ્યું સુતારીને હાટ
ત્રણહેં સાઈઠ કર્યા રેંટિયા ને બાર કરી લાઈટ

ઘડામણ લઈ લો ને લાકડું વધે ઈ પાછું દ્‌યો.
હવે વરતો મારી વાત ને….

‘કુંવરાભૈ, બાપા! તમારા શાસ્તરમાં અમારી ચાંચ નઈં ડૂબે ભઈલા.’

‘પણ ભણેલાને સાંસ હોય તો ડૂબે ને! સાંસ (ચાંચ) તો ભણતરવાળા પાંહે નઈં, ગણતર (કોઠાસૂઝ)વાળા પાંહે હોય. સાંભળો ઃ ત્રણ તહુ એટલે શિયાળો, ઉનાળો ને ચોમાહુ. ૩૬૦ રેંટિયા એટલા વરસના એટલા દિવસ. બાર લાઈટુ ઈ બાર મઈના. જે વધે ઈ વરહ. દર વરસે વરહ આવે જ.’ કુંવરાભૈની વાણી અસ્ખલિત વહેતી હતી ઃ

ધંઘુકા જેવું શહેર. ઈના પાદરમાં આવેલા ફટફટિયા જીનભણી ચાર સરખે સરખી ગોઠણ્યું (સાહેલીઓ) રમે. રમતાં રમતાં ચારે ય ભૂંખિયું થઈ, એટલે કંદોઈના હાટે આવીને ઊભી રઈ. ઈમાં તૈણ હેઠી ઊભીને એક ઓટલે જઇને બોલી ઃ ‘શેઠિયા, શેર પેંડા જોખી દે.’ કંદોઈએ પેંડા જોખી પડીકું એના હાથમાં દીઘું. પછી ઈ ફટ પાછી વળી. કંદોઈ કહે: ‘બેન! પેંડાના પૈસા દીધા વિના કાં વઈ જા?’ ચતુર દિકરી બોલી: ‘તું નથી જાણતો હું કોની દિકરી છું?’ ‘ના બોન!’ તો સાંભળ:

શૂળી માથે વાળી ચડે, વાળી માથે વાવટા,
જન્મ્યા મોર્ય નામ પડે ઈની દિકરી હું પુનેતા.

ઈમ કહી પેંડા લઈ વહેતી થઈ. બીજીએ આવીને શેર પેંડા જોખાવ્યા. પૈસા આપવાના થયા એટલે કહે: ‘તું મને નથી આળખતો? હું કોની દિકરી છું સાંભળ:

રજમાથી ગજ કરે ગજ કરે મમતા
ઘૂણીધર બાવે ઘૂણી ધખાવી
ઈની દિકરી હું પુનેતા.

ત્રીજીએ આવીને પેંડાનું પડીકું વળાવ્યું ત્યારે કંદોઈ કહે: ‘ચાર રૂપિયે શેરના પેંડા છે. તું પૈસા દીધા વિના કાં જાય છે?’ ત્યારે ઈ બોલી: ‘તું મને નથી ઓળખતો? સાંભળ:

સાહ તાંણે ફૂંક તાણે, તૈણ તાંણે તરપેટા
જેને ઘેર હંમેશ કજિયો
ઈની દિકરી હું પુનેતા.’

હવે આવ્યો છેલ્લીનો વારો. એણે શેર પેંડા જોખાવીને પડીકું બંધાવ્યું ત્યારે કંદોઈ માથું કૂટતો કહેવા લાગ્યો: ‘બોન દિકરી, તારા બાપુનું નામ કહે તો હું પૈસા લેવા આવું. તું કોની દિકરી છું? ત્યારે એ બોલી:

આઠ હાથમાંથી હાથ કાઢે,
હાથ કરે મમતા
કાળિયા વાંહે ધોળિયો ધોડ્યો જાય ઈની દિકરી હું પુનેતા.

આ ચારેય દિકરીયુંએ તો પેંડાના પડિકાં લઇને ખેંતાળી મૂક્યા. હવે આ કંદોઈને કોની પાંહેથી પૈસા લેવા? ચારે દિકરીયું કોની હતી?’
ચીંથરેવીંટ્યા કુંવરાભૈનું ચતુરાઇભર્યું ઉખાણું સાંભળીને હું માથું ખંજવાળવા મંડાણો. ત્યારે એમણે મરકીને વેણ કાઢ્‌યું: પહેલી દીકરી કુંભારની, બીજી દિકરી સોનીની, ત્રીજી લુહારની અને ચોથી સઈ (દરજી)ની હતી.’ કુંવરાભૈએ પોતાનો હૈયાકપાટ આજ ઉઘાડો મૂકી દીધો:

ખટકે ખાટ ભરકડાં
બે જણ ચાવે પાન
બેનાં બાવીસ કાન.

‘કુવરાભૈ, વ્યવહારિક વાતુંવાળું ઉખાણું કહો તો કંઇક સમજાય. બે જણને ૨૨ કાન હોતા હશે!’

‘અમારી વાતુંમાં ગપ ન હોય. રાવણ અને રાણી મંદોદરી ખાટે હીંચકતા બેઠાં છે. ગણો દહ માથાં રાવણના. ઈના વીહ કાન. ૨ કાન મંદોદરીના. બાવી થ્યા કે નૈ?’ આ તો કાનની વાત થઈ. હવે દાંતની વાત રઈ:

નઈં પાતાળમાં નઈં સરગાપુરીમાં
મરતલોકની માંય વહે

કહે કવિ કરિતાર કો
સોળ વિહુ દાંત કોને હતા?

મેં કહ્યું: ‘ત્રણહે ને વીહ દાંત તો દસ માથાળા રાવણને જ હોય ને. બીજા કોને હોય!’

‘હવે આ વરત ઉકેલો તો ખરા કઉં’:

માનસરોવર બાંધી પાળ
એને છે આરા ચાર; ચારે આરે ચોકીદાર

સોળ સોળ સુંદરી પાણી ભરે
નર ઝુઝે ને નારી મરે.

તૈણ જ અક્ષરનું ટુંકું નામ છે. બોલો, ઈનું નામ ચોપાટ. ચોપાટરૂપી સરોવર. ચાર પાંદડારૂપી આરા છે. ચાર રમનારા ચોકીદાર છે. સુંદરી કહેતા ૧૬ સોગઠાં છે. નર રમે છે ને નારી રમતમાં મરે છે.

ઉખાણાંનો અભ્યાસ કરતાં કરતાં મને સમજાયું કે ઉખાણાં એ લોકસાહિત્યનું મહત્ત્વનું અંગ છે. અંગ્રેજીમાં એને રિડલ, કાઠિયાવાડમાં વરત, કચ્છમાં પિરોલી અને રાજસ્થાનમાં પ્રહેલીના નામે ઓળખાય છે. આચાર્ય દંડી પ્રહેલિકા – (ઉખાણા)ના ૧૬ પ્રભેદો ગણાવે છે. ક્રિડા ગોષ્ઠિઓમાં પ્રહેલિકા જાણનારાઓની ભરી સભામાં પણ ગુપ્ત સંભાષણ કરવામાં અને એવી રીતે બીજાઓને મોહિત કરવામાં પ્રહેલિકાનો ઉપયોગ થાય છે, જેમાં સામેના માણસની ચાતુર્યની પરીક્ષા કરવામાં આવતી. તેનો ઉકેલ આપવો એ બુઘ્ધિમત્તાનું લક્ષણ ગણાતું.

ડૉ. વિનોદ જે. શ્રીમાળી નોંધે છે કે સમસ્યા-ઉખાણાનું મૂળ સ્વરૂપ પાદપૂર્તિ જેવું છે. જે સમાસાર્થા, એટલે જેનો અર્થ પૂર્ણ કરવાનો હોય તે. કવિશક્તિની પરીક્ષા કરવા માટે તેને અપૂર્ણ અર્થનું વાક્ય આપવામાં આવે છે, તેને સમસ્યા કહે છે. આમ વ્યક્તિ કવિ થવાને કેટલો લાયક છે તેની ખાત્રી કરવા માટે સમસ્યાનો ઉપયોગ થતો. સમસ્યાનો ઉપયોગ કવિઓએ વિવિધ રીતે કર્યો છે. કન્યા પતિની કસોટી કરવા અથવા શંકા પડે ત્યારે, પોતે જેને પસંદ કરેલો તે જ પુરુષ છે કે કેમ તેની ખાત્રી કરવા સમસ્યા પૂછે છે. તે રીતનો ઉપયોગ મઘુસૂદન વ્યાસકૃત ‘હંસાવલિ’માં, કુશળ લાભકૃત ‘માધવાનંદ કામકુંદલા’માં, નયનસુંદરકૃત ‘રૂપચંદરાસ કુંવર’માં, શામળની અનેક પદ્યવાર્તાઓમાં અને સોરઠી ગીતકથા ‘સોન હલામણ’ જેવી દુહાબઘ્ધ લોકકથાઓમાં થયેલો જોઇ શકાય છે.

ઉખાણાં-સમસ્યાઓની શબ્દરચના અને એના બંધારણ માટે ખાસ કોઇ નિયમ નથી, પરંતુ તેના શબ્દો કાવ્યમય જોડકણમાં જેવાં કર્ણપ્રિય હોવા જોઇએ અને તેમાં ચમત્કૃતિ પણ હોવી જોઇએ. તે દૂહા-દોહરા અને સોરઠા સ્વરૂપે પણ હોય છે. તેની રચના ચાર-છ, કે આઠ દસ લીટીમાં હોય છે, ક્યારેક એક બે પંક્તિમાં પણ હોય છે. કોઇ જોડકણામાં હોય તો કોઇ સવાલ-જવાબમાં પણ પૂરાં થાય છે. કેટલાક ઉખાણાંમાં સાદાઈ તો કેટલાંક છંદમાં, કાવ્યાત્મક લય, પ્રતીક, કલ્પન, અલંકારો, શબ્દ સંયોજન અને સમાન્તરતાવાળા હોય છે.

ઉખાણાં એ કંઠસ્થ ફરતું તરતું લોકસાહિત્ય છે. આજના જેવી શાળા-કોલેજો જુના કાળે નહોતી ત્યારે કંઠસ્થ ઉખાણા-સમસ્યાઓ દ્વારા અભણ પ્રજાને શિક્ષણ મળતું. આજે આપણે ભણેલાઓ ઉખાણાં ભૂલી ગયા છીએ પણ ગ્રામપ્રજાના હૈયેહોઠે ઉખાણાં રમતાં જોવા મળે છે. કુંવરાભાઈ મેવાડા જેવા કોઠાસૂઝવાળા અનેક બૂઝૂર્ગો હૈયાંપટારીમાં ઉખાણાંની ગઠરી સંઘરીને બેઠા છે.

કવિ દલપતરામના સમયમાં હોપની વાંચનમાળા ચાલતી. તેમાં પાંચમી ચોપડીમાં શામળ ભટ્ટની એક જ્ઞાનવર્ધક કવિતા ભણવામાં આવતી. એક ભાઇની સાથે કીકો ને કીકી હતા. અર્થાત્‌ બાબો ને બેબી હતાં. બંને ચહેરેમોરે સરખા હતા. બંનેએ એકસરખાં કપડાં પહેર્યાં હતા. હવે આમાં કીકો કયો ને કીકી કઈ? નર નારીને કેમ ઓળખવા એ મોટી સમસ્યા છે. શામળ ભટ્ટની કવિતામાં એનો ખુલાસો મળે છે:

ઉંબર ઓળંગી ઘરમાં આવ
એ બે જણાને ઘરમાં લાવ.

ડાબો પગ ઉપાડે જેહ
જાતે જુવતી જાણો તેહ;

જમણો પગ ઉપાડે જેહ
જાણ પુરુષ પારખું એજ પ્રમાણ.

આજે તો થોડુંક ભણતર વઘ્યું, પણ જૂના કાળે ભરવાડોમાં ભણતર નહોતું. ભરવાડ ગાયો ભેંસો ને ઘેટાં ચરાવવા વગડામાં પડી રહેતા. ઘરનો, દૂધ-ઘીનો વહીવટ અભણ ભરવાડણો કરતી. એકવાર ભરવાડણ અમારે ત્યાં દૂધ દેવા આવી. રોજ એકલી આવતી. આજે એની સાથે એક છોકરો હતો. કોઇએ પૂછ્‌યું: ‘આ છોકરો તારે શું થાય?’ ચતુર ગોવાલણીએ જવાબમાં સમસ્યા નાખી:

નહીં સગો નહીં સાગવો,
રૂપાળો લાવી જોઈ;

એના બાપનો બનેવી
મારો સગો નણદોઈ.

એ તો જવાબ દઇને વહેતી થઈ. ત્યારે ૯૦ દિવાળીઓ જોયેલાં મારાં ઘરડાં દાદીમા બોલ્યાં: ‘છોકરાના બાપનો બનેવી ભરવાડણનો સગો નણદોઈ થાય છે. નણદોઈ એટલે નણંદ, વરની બહેનનો વર, એના વરનો બનેવી. છોકરાના બાપનો બનેવી એ જ જો દૂધવાળીના વરનો બનેવી હોય તો છોકરાનો બાપ દૂધવાળીનો વર થયો. તો આ દૂધવાળી છોકરાની મા થઈ.’ પછી દાદીમાએ બીજાં ઉખાણાં અમને સંભળાવ્યાં:

પાંચ વેંતની પૂતળી, મુખ લોઢાના દાંત;
નારી સંગ નીત રમે, ચતુર કરો વિચાર

જવાબ: છાશનો રવૈયો

તેર પગારો તેતરો, શેરીએ નાઠો જાય,
રાજા પૂછે રાણીને આ કયું જનાવર જાય?

અર્થાત્‌: ગાડું. બળદના આઠ પગ, ગાડના ૨ પૈડાં ને ઊંટડો તથા હાંકનારના ૨ મળીને તેર પગ થયા. તેર પગવાળું જાનવર બજારમાં ચાલ્યું જાય છે. રાણી રાજાને પૂછે છે આ કયું જનાવર જાય છે? આવી છે ભાઇ, અમારી લોકવિદ્યાની વાતડિયું.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!