એલા! આ સગરામો કેમ દેખાતો નથી?
લીંબડી નરેશે પોતાના નોકર-ચાકરને પૂછ્યું : ‘ક્યાંય ગામતરે ગયો છે?’
‘ક્યાંય ગામતરે નથી ગયો. જેમ છે એમ લીંબડીમાં જ છે.’
‘તો કેમ અહીં આવતો નથી! આ સાલે શિકારી કૂતરા લાવ્યો કે નથી લાવ્યો?’
બાપુની મફતમાં કઢી ખાનારાને આજ મોકો મળી ગયો હતો. સગરામાને ઘરેથી આ બધાને શિકારનો માલ મફતમાં મળતો એ બંધ થયો. સગરામો ભક્ત થયો કે શિકાર બંધ કર્યો હતો. આજ સગરામાને ચડાવી દેવાનો મોકો છે.
નોકર ચાકરો બોલ્યા કે ‘બાપુ! સગરામો આવતો નથી, આવશે પણ નહીં.’ વાતનો વળ ચડાવ્યો. ‘એને અભિમાન આવી ગયું છે.’ હવે મારા જેવું કોઇ નથી. હું સૌથી મોટો અને પવિત્ર છું. હું ભગવાનવાળો છું.’
‘ભગવાનવાળો?‘કયો ધર્મ? કોણે આપ્યો ધર્મ?’,
‘સ્વામિનારાયણનો ધર્મ.’,
‘કોણ છે? ધર્મ આપનાર?’,
‘સ્વામિનારાયણ સાધુ.’
ઠાકોર પળભર વિચારી રહ્યા. સગરામો નાહીં-ધોઇને પૂજા કરતો હોય એને અભિમાન ન કહેવાય.
‘બાપુ! કોઇ સાધારણ માણસને ન મળે તો ચાલે, બાકી લીંબડીના ધણીને ન મળે એને ગાડે બાંધીને ચીરવો જોઇએ.’
‘એમ જ કરીશું. બોલાવો સગરામાને.’ ઠાકોર હસ્યા.
‘બાપુના માણસોએ સગરામાને બચ્ચોટે ઝાલીને ઉપાડ્યો. ‘આજ તારું બધું અભિમાન ઊતરી જાશે. બાપુ તારો ચાંદલો જોઇને તને ઢિબાવી નાખશે.’
‘મારા ભગવાનની ઇચ્છા હશે એમ થાશે.’ સગરામો હસીને બોલ્યો. ‘બાપુ કરતાં તમે વધારે હેરાન કરોમા’ આવું છું. તમે દયા રાખો.’
‘હા અમારી દયા જ છે, નીકર તને સોટાવાળી કરીને લઇ જાત.’
બાપુ રાહ જોતા હતા. સગરામો દરવાજાની બહાર ઊભો રહ્યો. સગરામાને કાયમ માટે બાપુની રજા ન મળે તો બહાર ઊભા રહેવાનો રિવાજ હતો.
‘બાપુ, સગરામો આવી ગયો છે.’
‘ક્યાં છે.’,
‘દરવાજા બહાર ઊભો છે.’
‘હવે એને બહાર ન ઊભો રખાય. ગમે તેવો પણ ભગવાનનો ભક્ત થયો છે.’ બાપુ બોલ્યા અને ચોકીદારો છોભીલા પડ્યા. બહાર ઊભેલા સગરામાએ આ સાંભળ્યું. ભગવાન મારી ભેરે છે એની ખાતરી થઇ… બાપુની આજ્ઞા મળતાં અંદર જવા તૈયાર થયો.
સિપાઇઓએ કહ્યું કે ‘ચાંલ્લો ભૂંસી નાખ નીકર બાપુ ધમારી નાખશે.’
‘ખમી ખાશ. મારી નાખશે તોય હું મારા ભગવાનનો ચાંલ્લો નહીં ભૂંસું.’
‘તારા ભાગ્ય. હાડકાં રંગાવાનાં હશે એ કાંઇ મિથ્યા થશે.’ અને સગરામાને બાવડેથી પકડીને અંદર લાવ્યા. ધોયેલાં સાદાં કપડાં, માથા પર પાઘડી, કપાળમાં અરધા રૂપિયા જેવડો ચાંલ્લો, ગળામાં કંઠી, હાથમાં માળા, સગરામો બાપુની કચેરીમાં હાજર થયો. હાથ જોડીને, માથું નમાવીને પ્રથમ બાપુને પછી આખી સભાને વંદન કર્યા અને અદબવાળીને બાપુ સાથે ઊભીને બોલ્યો : ‘મારું નામ સગરામો. આપે મને બોલાવ્યો એ જાણીને ધન્ય થયો બાપુ! ફરમાવો!’
સગરામાની વાણી અને વર્તનમાં અજાયબ પરિવર્તન જોઇ બાપુ અંદરથી ખુશ થયા. ‘વાહ! સગરામાનો ભવ સુધર્યો. કેવી મીઠી વાણી?’ ‘એલા, સગરામા!’ બાપુ બોલ્યા : ‘હમણાં હમણાં તું દેખાતો નથી. આ વરસે નવાં કૂતરાં પણ દેવા આવ્યો નથી.’
‘બાપુ! માફ કરજો.’ સગરામાએ વળી હાથ જોડ્યા. ‘હવે હું આપને શિકારી કૂતરાં નહીં આપી શકું. ચાહે તો મારો, ચાહે તો તારો.’
‘વિગતે વાત કર્ય, કેમ નથી આવતો?’
‘હું સ્વામીનારાયણનો ભક્ત થયો છું બાપુ’
‘તને વળી કોણે ભક્ત બનાવ્યો?’ બાપુ કટાક્ષમાં હસ્યા : ‘એલા, તું તો ગામેચો… તને કંઠી કોણે બાંધી?’
‘સ્વામિનારાયણના સાધુએ. હું હવે દારૂ, પરમાટી, શિકાર કરતો નથી. મેં સાધુ પાસેથી પાંચ નિયમો લીધા છે. દારૂ, પરમાટી, ચોરી, અવેરી અને મારામારી.’ સગરામો નમ્રપણે બોલી ગયો. સાધુએ મને ઉપદેશ આપ્યો. એ બધી ચીજો પાપકારક છે. ભગવાનને જવાબ દેવા પડે છે માટે બાપુ! હું પાંચ નિયમો પાળું છું. હવે તો ખેડૂતોની મજૂરી કરીને, પાપ વગરનો રોટલો ખાઉં છું. ભગવાન મને ભૂખ્યો નથી રાખતો.’
‘તારા કપાળનો ચાંલ્લો સારો લાગે છે. સગરામા, ક્યારે કરે છે?’
‘બાપુ! નાહી ધોઇને, પૂજા કરવા બેસું ત્યારે ચાંલ્લો કરું છું. સાધુ-સંતોએ મને માળા પણ આપી છે. એક મૂર્તિ પણ આપી છે. મજૂરી કરતાં કરતાં પણ મોઢેથી મારા ભગવાનનું નામ લીધા કરું છું.’
‘તો તો સગરામા! તું ચમત્કારી બની ગયો. ઠાકોર હસ્યા : એકાદ પરચો તો દેખાડ?’
‘બાપુ! હું સાધારણ માણસ છું. મારી પાસે પરચો ક્યાંથી હોય? બાકી પરચા તો સ્વામિનારાયણ ભગવાન દેખાડે.’
‘પણ તારામાં કાંઇ પરિવર્તન આવ્યું.’
‘હા બાપુ! મારામાં બૌ મોટું પરિવર્તન આવ્યું અને પરચો પણ આપ્યો.’,
‘તો દેખાડ પરચો.’
‘બાપુ! આપની પાસે ઊભો છું ઇ મોટામાં મોટો પરચો છે. પહેલાં હું આપનાં પગરખાં પાસે ઊભો રહેતો હવે આપની પાસે ઊભો છું.’ લીંબડી નરેશ સગરામાની વાણી સાંભળીને ખુશ થયા… કચેરીના માણસો પ્રભાવિત થયા.
‘તું દેવીપૂજક મટીને વૈષ્ણવ થઇ ગયો. શાબાશ સગરામા!’,
‘બાપુ! આપની મારા ઉપર રહેમ નજર છે. એવી જ કાયમ રાખજો. બસ એટલું જ માગવું છે. બીજું શું માગું બાપુ!’ ભગવાન સ્વામિનારાયણે ઝૂંપડીઓમાં જઇને, કોઇ બોલાવતું નહીં એવાને કંઠી બાંધીને એના જીવન જીવંત બનાવ્યાં. પછાત અને ગરીબોના જીવનમાં ચેતના ફૂંકી. કજાડા અને કંઠા માણસોને સ્નાન-ધ્યાન કરતા, માળા ફેરવતા કરી દીધા. જીવનથી હારી-થાકીને છેવાડાના માણસોમાં ધર્મ ધ્યાન અને ભક્તિની શક્તિ પ્રસરાવી. આને કારણે સંપ્રદાય ઊજળો બન્યો.
તોરણ – નાનાભાઈ જેબલિયા