સાચો સંન્યાસી કોને કહેવાય ? વાંચો આ સત્યઘટના 

સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી છે. એક વખત સ્વામી પ્રકાશાનંદજી પીઠડીયા તેમને મળવા આવ્યા. બે સંતોના મિલનથી પીઠડીયાની ધર્મપ્રેમી જનતા ખૂબ રાજી થઇ. પીઠડીયા દરબાર પણ નિયમીત સત્સંગ સાંભળવા આવતા. એક દિવસ સ્વામી પ્રકાશાનંદના સતસંગથી દરબાર પ્રસન્ન ખુબ થતા સ્વામીજી જે માંગે તે આપવાની સૌ સામે ઇચ્છા વ્યક્ત કરતા સ્વામીએ ધર્મસભામાં એક દ્રષ્ટાંત કહી સંભળાવ્યું.

એક દિવસ એક બહુરૂપીયો સંન્યાસીનો ભેખ (વેશ) ધરી એક રાજસભામાં ગયો. રાજકાજમાં વ્યસ્ત સભામાં અચાનક ‘હર હર મહાદેવ’ના નાદ સાથે એક હાથમાં ચીપીયો અને બીજા હાથમાં કમંડળ, ગળામાં રૂદ્રાક્ષની માળાઓ, મૃદુવાણી અને પ્રેમ નિતરતી દ્રષ્ટિ સાથે ભભૂતધારી ભગવાધારી સંન્યાસીને જોઇ રાજાએ સિંહાસન પરથી ઊભા થઇ સ્વાગત કરતા પોતાની સમક્ક્ષ આસન ગ્રહણ કરવા વિનંતી કરી.

‘સંન્યાસી તો ચલતા ભલા ! હમારે લીયે સિંહાસન હો યા ધરતીમા કી ગોદ દોનો એક સમાન હૈ !’
‘મહાત્માજી આપકે લીયે સમાન હૈ, લેકીન સંન્યાસી કા આદર કરના હર સંસારી કા ધર્મ હૈ !’
‘અચ્છા હૈ બચ્ચે તુમ્હારી ભાવના કી હમ કદર કરતે હૈ, લેકીન હમ યહાં સ્થાન ગ્રહણ કરેંગેં’

આમ કહી વેશધારી સંન્યાસીએ રાજસભામાં સામાન્ય આસન ગ્રહણ કરી સભામાં આત્મજ્ઞાન પર ખૂબ સુંદર માર્મીક પ્રવચન આપ્યું. સંન્યાસીના સતસંગથી પ્રસન્ન થયેલા રાજાએ હીરા-ઝવેરાતના થાળ સંન્યાસી સામે ધરતા ભેખધારી સંન્યાસીએ માયા સામેથી મોં ફેરવી રાજાને કહ્યું, ‘અરે ઓ મંદબુધ્ધિ રાજન, તુમ્હે સંન્યાસી કા આદર કરના નહિં આતા ! સંન્યાસી કે લીએ ધન-સંપત્તિ વિષ્ટા સમાન હૈ, તુને યે ભેટ ધર કે હમારા અપમાન કીયા હૈ !’
નારાજ થઇ સંન્યાસીએ પોતાના આસન પરથી ઊભા થઇ જતા રાજાએ બે હાથ જોડી તેની સમક્ષ ફળ-ફુલ ધરી માફી માંગી.

બીજા દિવસે આ બહુરૂપિયો પોતાના સાજ-સાજીંદા સાથે નર્તકનો વેશ ધારણ કરી રાજસભામાં પહોંચી ગયો. રાજા ખૂબ ચતુર હતો, ,તે આગલા દિવસે સંન્યાસીનો વેશ ધરી આવેલા નર્તકને ઓળખી ગયો. રાજાએ કલા રજૂ કરવાની આજ્ઞા આપતા નર્તકે સાજ-સાજીંદા સાથે ખૂબ સુંદર નૃત્ય રજૂ કરતા રાજસભા વાહવાહ પોકારી ઊઠી. રાજાએ નૃત્યથી પ્રસન્ન થતા એક હજાર સોનામહોર નર્તકને ઇનામમાં આપી. પરંતુ નર્તકને પોતાની કલાની યોગ્ય કદર ન થતા રાજા પાસે વધુ ધનની માંગણી કરી. નર્તકની માંગણી સાંભળી રાજા સસ્મિત કહેવા લાગ્યો, ‘કાલે તેં અર્ધુ રાજ માંગ્યું હોત તોય મેં તને તે વિના સંકોચે આપી દીધું હોત !’

‘હે રાજન, કાલે હું સંન્યાસીનો ભેખ ધરીને આવ્યો હતો, કાલે અર્ધુ તો શું સમગ્ર રાજ મને દાનમાં આપ્યું હોત તોય મારાથી તે લઇ શકાત નહિં, સંન્યાસીનો ભેખ ધરી જો હું ધનની લાલચ કરૂં તો મારો ભેખ લાજી મરે !’

નર્તકની વાત સાંભળી રાજાએ પ્રસન્ન થઇ વધુ ધન આપી ખુશ કર્યો. સ્વામીજીએ દ્રષ્ટાંત પુરૂ કરતા પીઠડીયા દરબાર કહેવા લાગ્યા, ‘મહાત્માજી, સંસારીનો ધર્મ છે કે કંઇક આપવું !’ ’દરબાર તમારો ધર્મ આપવાનો છે, પરંતુ સંન્યાસી માટે લેવું એ અધર્મ છે. ઇશ્વરના નામનો વેપાર કરનારા બટકુ રોટલા માટે કુતરાની જેમ ઘેર ઘેર હડધુત થતા હોઇ આજકાલ ધરમની હાટડીઓ લઇ બેઠેલા ભેખધારીઓએ સાચાખોટા સંન્યાસીની ઓળખ મુશ્કેલ બનાવી દીધી છે.’

‘મહાત્માજી, સંસારી સાધુ-સંત પાસે ખાલી હાથે જાય તો તે અવિવેક ગણાય એટલે તમે કંઇક ગ્રહણ કરો તેવી અમારી વિનંતી છે !’ ’દરબાર તમે સંન્યાસીને બળજબરીથી કંઇક આપવા હઠાગ્રહ કરી રહ્યા છો જે અવિવેક ગણાય, સંસારીએ સાધુ-સંત પાસે જતી વખતે સાધુની જરૂરીયાતથી વધુ ન હોય તેટલા ફળ, ફુલ લઇ જવા જોઇએ પરંતુ તેથી વધુ કંઇ ન હોવુ જોઇએ !’ ’મહાત્માજી, આપની વાત અમ જેવા સંન્યાસી માટે સમજવી અધરી છે !’ ’આમાં કંઇ અધરૂં નથી, જો એક વેશધારી બહુરૂપીયો સંન્યાસીનો ભેખ ધરી ધનની લાલસાથી દૂર રહી શકતો હોય તો અમે તો ધન સંપત્તિનો ત્યાગ કરી સાચે ભેખ જ ધર્યો હોય અમને માંગણ જેવા ગણી ધન ગ્રહણ કરવાનો આગ્રહ તમારે ન કરવો જોઈએ !’ સ્વામીજીની કડવી પણ સત્યવાણી સાંભળી દરબાર ચૂપ થઇ ગયા.

જગતનિયંતાએ સંસારમાં આપણને સૌને કોઇને કોઇ વેશ ભજવવા મોકલ્યા છે. આપણા નસીબમાં જે વેશ ભજવવાનો આવ્યો છે, તે આપણે કેટલી વફાદારીથી ભજવીએ છીએ ? તે અંગેનું સાચું મુલ્યાંકન જે તે વેશ ભજવનાર જ કરી શકે અન્ય કોઇ નહિં. આજે આપણે લાંચીયા અધિકારી/કર્મચારીઓ, ભેળસેળિયા વેપારી/પશુપાલકો, ધનના ઢગલાઓ વચ્ચે આળોટતા ભેખધારીઓ, ચારીત્ર્યહીન સામાજીક આગેવાનો અને રાજધર્મ વગરના માટીપગા રાજકારણીઓ વચ્ચે ચારેબાજુથી ઘેરાયેલા છીએ. હા ક્યાંક ખારા સમંદરમાં મીઠી વિરડી જેવા અપવાદ સ્વરૂપ દરેક ક્ષેત્રમાં રહેલા મુઠ્ઠીભર માણસોને કારણે માણસાઈ જળવાય રહેલી જોવા મળે છે. ઈશ્વરે આપણને જે ભેખ ભજવવા મોકલ્યા છે, તે ભેખની મર્યાદા રાખી જીવીએ તો આપણી સંસ્કૃતિ ખરેખર દીપી ઊઠે ! બાકી તો રામ હી રાખે……….

લેખક : જયંતિભાઈ આહીર

error: Content is protected !!