10. તીર્થના બ્રાહ્મણો – રા’ ગંગાજળિયો

ગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા.

‘સાંભળ્યું ને? વીજલજીનાં રગતપીત રા’એ કાઢ્યાં.’

‘ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય. બામણનો શરાપ કાઢે જોઉં રા’ માંડળિક?’

‘એમાં એની શી સદ્ધાઇ? એ તો ગંગોદકના પ્રતાપ.’

આવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-

‘કોનો પ્રભાવ એ નક્કી કરવું હોય તો મોકલોને રા’ની પાસે ઓલી રક્તપીતીઅલ ભાટડીને.’

‘રા’ તે એને બથ ભરે?’ એક બોખલા બુઢ્ઢાએ કહ્યું. સર્વ બ્રાહ્મણો હસ્યા.

‘રા’ ની આસ્થા ય દિ’માં દસ વાર બદલે છે. સવારે ગંગોદકે નહાય, પછી પાછા ચારણોની જોગમાયાઓની પણ સ્તુતિઓ સાંભળે, કસૂંબો તો બસ ચારણના હાથનો જ ખપે ! સાંજે પાછા ફકીરો દરવેશોનો ય સંગ કરે. ઓછામાં પૂરૂં ઓલ્યો વરણાગીયો નાગર નરસૈયો હાલી મળ્યો છે, શંકરભક્તિનું જડાબીડ કાઢી નાખીને કાન ગોપીની ભક્તિ ફેલાવી રહ્યો છે, એનાં ય નાચણકૂદનીયાં ગીતો સાંભળે.’

‘નરસૈયાની ભક્તિમાં તો ભળવા જેવું ય ખરૂં હો ભાઇ ! લીસોલપટ ને સુંવાળો મારગ એણે તો બતાવી દીધો છે.’

‘એને મામી રતનબાઇ છે જુવાન, રૂપે છે રૂડીએ, મામો છે મોટી ઉમરનો. રતનબાઇને લાગી ગઇ છે જુવાન ભાણેજની ભક્તિમાર્ગની રામતાળી. ભાણેજ ભજન કરે ને ગાતાં ગાતાં ગળું સૂકાય, તો પાણી પાવાનો અધિકાર એક એ રતન મામીનો. રા’ હોય કે રંક હોય, ગમે તે હોય, કોને આ પંથની લીસી સુંવાળી કેડી ન ગમે?’

‘પણ રા’ હમણે હમણે આંહી ઓલ્યા દરવેશ સમસુદ્દીન બોખારીની પાસે કેમ બહુ આવ જા કરે છે?’

‘ઓલી ભાટડી ત્યાં શમસુદ્દીન ફકીરની જગ્યામાં છે એમ પણ વાત હાલે છે.’

‘ત્યાં ક્યાંથી?’

‘આપણે એ રગતપીતણીને વેશાખને પૂનમે ઢરડીને ગામ બહાર ફગાવી આવ્યા ને, તે પછી કહે છે કે રાતોરાત શમસુદ્દીન આવીને ઉપાડી ગયો છે.’

‘એ ભાઇઓ !’ ઊંચી ભેખડ ઉપર ઊભેલા એક બ્રાહ્મણે હર્ષનો અવાજ કર્યો; ‘આઘે આઘે કોઇક વેલડું હાલ્યું આવે છે. રાતોચોળ માફો કળાય છે.’

‘રાતોચોળ !’

‘હા, રાતોચોળ.’

‘કોક રાજપૂતનું ઓજણું : તીરથે સ્નાન કરવા આવતાં લાગે છે.’

‘હાલો પહેલેથી જ દક્ષિણાનું નક્કી કરીએ’

‘ભેળા વોળાવિયા હશે.’

‘માર્યા ફરે વોળાવિયા. આપણું તીરથનાં બાળનું નામ તો લઇ જોવે ! હાલો.’

‘હાલો, હાલો, હાલો.’

પંદર વીશ જણનું ટોળું એ વેલડાની સામે ઉપડતે પગે ચાલ્યું. બેક ખેતરવા ઉપર આંબી ગયા. પછી પાછળ પાછળ ચાલ્યા. વેલડાની સાથે વોળાવિયા ત્રણ જ હતા. બે ત્રણ બ્રાહ્મણો એની સાથે વાતોએ વળગ્યા. બાકીના વેલડાની નજીક નજીક ચાલવા લાગ્યા. ધીરે ધીરે તેમણે માફાની ફડક ઊંચી કરીને અંદર જોયું. જોઇને તેમણે હાંસી ચલાવી : ‘ઓહોહો ! વાહ સોમનાથ દાદા વાહ ! શાં રૂપ છે!’

વોળાવિયા દોડ્યા, બ્રાહ્મણો આડા ફર્યા.

‘અરે દેવ, પણ આ તમે શું કરો છો?’ વોળાવિયા બ્રાહ્મણોને કરગરવા લાગ્યા.

‘શું કરી નાખ્યું ભાઇ? જોવું ય નહિ?’

‘ઓજલ પરદાવાળાંને આમ જોવાય? તમારું ખોળિયું બ્રાહ્મણનું છે એ તો વિચારો!’

‘ખોળિયું બ્રાહ્મણનું, એટલે શું જોવાનું મન ન થાય?’

‘મનને ઠેકાણે રાખીયેં મહારાજ !’

‘નીકર ? શું બ્રહ્મહત્યા કરશો ? શરાપશું ને , તો બાળીને ભસમ કરી નાખીશું.’

‘પણ માબાપ, વિચાર તો કરો. દરબાર વીજાજીનાં ઠકરાણાં છે. રાજમાતા છે. ઠાકોરને સુવાણ થાય તે સારૂ તો સૂરજકૂંડે સ્નાન કરવા આવેલ છે.’

‘દરબાર વીજાજીનાં લખણ પણ ક્યાં મોળાં છે? લખણ ઝળકાવ્યાં એટલે તો કોઢીયો થયો.’

‘ઝાઝું શીદ બોલવું પડે છે?’

‘બોલવું નથી, જોવું તો છે જ. દરબાર વીજાજીનું ઓજણું તો જોવું જ પડશે. કરો બ્રહ્મ હત્યા, જો તમારો કાળ બોલાવતો હોય તો.

ત્રણે વોળાવિયાનાં હથિયાર પડાવી લઇને બ્રાહ્મણોએ રંઝાડ આદરી. બેઅદબીની ઘડી દૂર ન રહી. તે વખતે ઝાડીમાં સળવળાટ થતો હતો. એ બે પશુઓ હતાં? ચાર પગે ચાલતાં એ કોણ ઝાંખરા સોંસરા આવતાં હતાં? બે પગે ખડાં થયાં. ઘોરખોદિયાં બૂટડાં હતાં? ના, માનવી હતાં. એક ઘનશ્યામ અને એક આછું શ્યામ. એક ઓરત ને એક પુરુષ. એક બુઢ્ઢી ને એક જુવાન. જુવાને ખભેથી કામઠી ઉતારી. તીર ચડાવ્યું. છૂટેલું તીર એ માફાનો પડદો ઉઘાડતા હાથ ઉપર ત્રાજવાં ત્રોફતું ચાલ્યું ગયું.

‘લોહી, લોહી, બ્રાહ્મણોનું લોહી, બ્રહ્મ હત્યા.’ ઇજા પામનાર હેઠો બેસી ગયો. બ્રાહ્મણો વેલડાને છોડી એ તીર છોડનાર તરફ ધસ્યા. એમણે પોતાની સામે પોતાના જ વર્ણથી દીપતો, ખુલ્લે દેહે આરસમાં ઉતારેલો એવો જુવાન જોયો. જુવાને બીજું તીર તૈયાર રાખ્યું હતું. એણે પડકાર આપ્યો: ‘બ્રહ્મહત્યા તો બ્રહ્મહત્યા, પાપભેળાં પાપ. પણ હવે જે આવ્યો છે એના હાથનું નહિ, માથાનું જ લોહી ચખાડીશ આ તીરને.’

બ્રાહ્મણો ખમચાયા.

‘આવજો દાંણેશર.’ ભીલ માતાનો પુત્ર બોલ્યો : ‘ત્યાં તમારી વાટ જોઇશ.’

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle