ટાંગીનાથ ધામ – ડુમરી (ગુમલા – ઝારખંડ)

ભારતમાં આમેય ભગવાન પરશુરામજીનાં મંદિરો ઓછાં છે. ભગવાન પરશુરામજીમાં ભારતનાં ઘણાં લોકોને આસ્થા છે એમાં હું પણ બાકાત નથી જ એટલે જ તો રોજ બધાને કહેતો હોઉં છું “જય પરશુરામ” અને આ આસ્થાના પ્રતિક હોય છે આવા મંદિરો કે આવી ગુફાઓ કે આવાં સ્થળો.. ભગવાન પરશુરામ પર તો એક લેખ લખ્યો જ હતો બહુ પહેલાં પણ બાકી રહી જતાં હતાં એમના મંદિરો કે એમની સાથે જોડાયેલાં કેટલાંક સ્થળો.. કેટલાંક તો મેં જોયાં છે અને અનુભુત કર્યા છે પણ ભારતમાં આવા સ્થાનો ઠેર ઠેર ઠેકાણે છે પણ એ બધાં તો કઈ આ જન્મમાં જોઈ શકાય એવું લાગતું તો નથી જ એટલે આ લખીને હું જાણે ત્યાં જ ગયો હોઉં અને આસ્થાપુર્વક ત્યાં નમન અને પૂજા કરતો હોઉં એવું જ મને પ્રતિત થાય છે.. આ પ્રતીતિ જ મારી આવા સ્થાનો પ્રત્યેની પ્રીતિ દર્શાવવા માટે પુરતી છે !!!

પ્રીતિ એ ભય કે ડર તો નથી જ એ એક આસ્થા જ છે એટલેજ આ પ્રીતિની પ્રતીતિ મને ડગલેને પગલે થતી જ રહેતી હોય છે !!! આવી પ્રીતિ અને પ્રતીતિ દરેકને થવી જ જોઈએ એવું ભાઈ હું તો માનું જ છું. તમે શું માનો છો એ તો તમે જાણો !!! ભલે તમે માનતા નાં હોવ પણ માણો તો ખરાં. માણવાં માટે ત્યાં જવાની બિલકુલ જરૂર નથી પણ જઈ શકાય તો વધારે સારું અને જો ના જ જઈ શકાય તો એનાં લખાણો વાંચીને સંતોષ જરૂર મેળવવો જોઈએ કે અનુભવવો જોઈએ દરેક માણસે !!!

ભારતની લગભગ દરેક ભાષામાં અને એનાં સાહિત્યમાં ભગવાન પરશુરામના વખાણ કરવામાં આવ્યાં છે અને એમનાં ગુણગાન ગાવાંમાં કોઈજ કચાશ રાખી નથી. એમનાં નામે અનેક નવલકથાઓ અને નાટકો પણ રચાયાં છે. અનેક પ્રશસ્તિઓ રચાઈ છે અનેક પ્રાર્થનાઓ લખાઈ છે અને ગવાઈ પણ છે. એમનાં પર અનેકોએ કાવ્યો પણ રચ્યાં છે જ !!! એનું કારણ એ છે કે ભગવાન પરશુરામને સપ્ત ચિરંજીવીઓમાંનાં એક ગણાયા છે તાત્પર્યાર્થ એ કે આ ભગવાન અમર છે. વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર છે એ તેઓ રામાયણમાં પણ હયાત હતાં અને મહાભારતકાળમાં પણ હતાં. તેઓ એક શુરવીર યોધ્ધા હતાં સાથે તેઓ પરમ જ્ઞાની એક મહાન તપસ્વી પણ હતાં !!! એટલે જ તેઓ ચિરંજીવી છે !!!

એમનો ઉલ્લેખ આપણને રામાયણ, મહાભારત, ભગવત પુરાણ, કલ્કિપુરાણ આદિમાં થયેલો જોવાં મળે છે. એમનું નામ બે શબ્દો સાથે મળીને બનેલું છે —— “પરશુ ” અને “રામ”. પરશુનો અર્થ થાય છે —- “કુહાડી”. આ રીતે એમનાં નામનો અર્થ આ પ્રમાણે થાય ——– કુહાડીની સાથે રામ એટલે કે કુહાડી હાથમાં ધારણ કરેલાં રામ. ઋષિપુત્ર હોવાં છતાં પણ તેઓ એક કુશળ યોદ્ધા હતાં એમનું ખાસ માનીતું શસ્ત્ર હતું આ પરશુ. જેને ફરસુ અથવા પરશુ કહેવાય છે !!! ભગવાન શિવજી પાસેથી એમને દેવતાઓનાં બધાં જ શત્રુઓ, દૈત્યો, રાક્ષસો અને દાનવોનાં સંહાર કરવાંની સક્ષમતા પ્રદાન કરવાં ભગવાન શિવજીએ એમની કઠોર તપસ્યાની ફલશ્રુતિ સ્વરૂપે આ પરશુ એમને ભેટ કરી હતી !!! અને તેમણે વરદાન આપ્યું હતું કે તેઓ આનાથી જ બધાં દુષ્ટોનો નાશ કરશે !!! ભગવાન પરશુરામજીનાં આ પર્શુનો આકાર -પ્રાકાર ને જોતાં જ એ અતિ ભયંકર લાગે તેવો હતો કે જોતાં જ કોઈ પણ કોઈની પણ આત્મા ગભરાઈ જાય !!! આજે પણ આ પરશુ -ફરસુ ઝારખંડનાં “ટાંગીનાથ ધામ”માં ગડાયેલું છે !!!

tanginath dham

ક્યાં આવ્યું છે આ ટાંગીનાથ ધામ —–

ઝારખંડની રાજધાની રાંચીથી ૧૫૦ કિલોમીટર દૂર જીલ્લા મુખ્યાલય ગુમલાથી ૭૫ કિલોમીટર દૂર સ્થિત ડુમરી પ્રખંડથી માત્ર ૮ કિલોમીટર દૂર લુચુતપાટની પહાડીઓ માં બાબા ટાંગીનાથ ધામ સ્થિત છે. આ હિન્દુઓનું અતિપ્રાચીન મંદિર અને આસ્થાનું કેન્દ્ર છે. આજ જગ્યાએ આજે પણ ભગવાન પરશુરામજીનું એ અમોધ અને અતિપ્રિય શસ્ત્ર જમીનમાં ગાડાયેલું જોવાં મળે છે. ફરસુને ઝારખંડની નાગપુરિયા ભાષામાં “ટાંગી” કહેવામાં આવે છે એટલાં માટે આ સ્થળનું નામ “ટાંગીનાથ ધામ” પડી ગયું. ભગવાન પરશુરામજીનાં આ પરશુ અતિરિક્ત એમનાં “પદચિન્હ”ની મૌજૂદગી પણ આસ્થાનની વિશેષતા છે !!! બાબા ટાંગીનાથ ધામમાં ભગવાન શિવજીનું મંદિર સ્થિત છે. આ એક મંદિર સિવાય અહી ઘણાં નાનાં મંદિરો છે. આ સ્થળ ઐતિહાસિક અને પુરાતાત્વિક મહત્વ પણ ધરાવે છે.. અહી ચારે તરફ સેંકડો શિવલિંગ અને દેવી દેવતાઓની મૂર્તિઓ વેરવિખેર થયેલી પથરાયેલી પડેલી છે. જે આપણને આશ્ચર્યચકિત કરી દેવાં માટે પુરતી છે !!!

લુચુતપાટની આ પહાડીમાં સેંકડો શિવલિંગ સમેત અન્ય દેવી -દેવતાઓની પ્રતિમા વિખેરાયેલી પડી હતી પાછલાં કેટલાંક વર્ષોમાં આ પહાડીમાં વિખેરાયેલી પ્રતિમાઓ અને શિવલિંગ અને દેવી-દેવતાઓની પ્રતિમાઓને એકસરખી કતારબદ્ધ રીતે ગોઠવી દઈને એમને સ્થાપિત કરી દઈને અને પ્રાગ ઐતિહાસિક શિવમંદિરને એક નવો આકાર પ્રદાન કરવાં એમાં એક નવો આત્મા મુકીને પર્યટન વિભાગ અને જીલ્લા પ્રશાસને ભવ્ય અને આકર્ષક મંદિરનું નિર્માણ કર્યું છે !!! ધાર્મિક માન્યતાઓ અનુસાર બાબા ટાંગીનાથ ધામ એ ભગવાન પરશુરામની તપોસ્થળી છે !!! ભગવાન પરશુરામે અહિયાં ભગવાન શિવજીની ઘોર ઉપાસના કરી હતી અને અહીં જ એમણે પોતાનાં પરશુને જમીનમાં ગાડી દીધું હતું. આ પરશુની ઉપરી આકૃતિ કેટલેક અંશે ત્રીશુલને મળતીઝૂલતી છે !!! આ જ એક મોટું કારણ છે કે અહી શ્રદ્ધાળુ આ પરશુની પૂજા-અર્ચના કરે છે !!!

આ જગ્યા એ પોતાનામાં જ એક સુંદર સ્થાન છે. રસ્તો બહુજ સરસ છે આજુબાજુનાં જંગલનાં દ્રશ્યો મનલોભામણા છે. આખરે આ મંદિર આમ તો એક મંદિર સંકુલ જ છે. જે જંગલમાં પહાડીઓ પર સ્થિત છે. અહીં એક ઝરણું પણ વહે છે લોકો એમાંથી જળ લઈને જલાભિષેક કરતાં નજરે પડતાં હોય છે. આ મંદિર હાલમાં જ બનેલું હોવાથી એમાં કંઇ વિશેષ જોવાનું નથી. જંગલમાં અને પહાડી પર હોય એવું જ આ મંદિર છે. કહેવાનો મતલબ એ કે અહીં કોઈ જ શિલ્પ સ્થાપત્ય કે કલાકોતરણી નથી જ !!! પણ આજુબાજુનું વાતાવરણ અને આ અતિસુંદર છે એમાં બેમત નથી જ. જંગલ હોય એટલે ઝાડ-પાન તો હોય જ અને પહાડ હોય એટલે ઝરણાં તો હોવાનાં જ. પણ મંદિરનું વાતાવરણ અદભૂત છે. આપણે મંદિરમાં દર્શન કરવાં જઈએ છીએ કંઇ શિલ્પસ્થાપત્યો જોવાં નહીં જ !!! એ જોવાં મળતાં હોય તો વધારે સારું નહીં તો અહી જેની મહત્તા છે અને શામાટે પ્રાચીન અને પ્રખ્યાત છે એ જોવાનું અને પોતાની મરજી મુજબ મન્નતો પણ માનવાની બીજું શું !!! પણ આનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ શું છે એ અવશ્ય જાણવું જ જોઈએ દરેકે !!!

tanginath dham 3

અહી જે મુખ્ય મંદિર છે એ ભગવાન શિવનું મંદિર છે. આ મંદિરમાં શિવલિંગ એ સામાન્ય શિવલિંગ હોય છે એવું શિવલિંગ નથી. અહીં સ્થિત પ્રાચીન શિવલિંગ એ ચંદનના ઝાડમાંથી બનાવેલું એક શિવલિંગ છે. અહી જ લોકો જલાભિષેક કરે છે અને નારીયેળ વધેરે છે. કહેવાય છે કે ભગવાન શિવજી આમાં જ સમાયેલા છે !!! અને એટલેજ આ મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું પ્રતિક બની શક્યું છે. એમ કહેવાય છે કે આ ટાંગીનાથ ધામની સ્થાપના એટલે કે અહી બાજુમાં એક અત્યંત પ્રાચીન મંદિર છે જે શિલ્પસ્થાપત્યનો એક ઉત્તમ નમુનો ગણી જ શકાય એમ છે. એની સ્થાપના ભગવાન વિશ્વકર્માએ પોતાનાં હાથે જ કરી હતી !!! આજ મંદિરમાં ભગવાન પરશુરામજીનાં પદચિન્હો છે.

આ સ્થાનનું મહત્વ ઐતહાસિક ,પુરાતાત્વિક અને ધાર્મિક દ્રષ્ટીએ એકસમાન છે. જો કે આવાં મંદિરો તો ભારતમાં ઘણાં જ છે પણ આની તો વાત જ કંઇ નિરાળી છે કારણકે અહીં ચાલતાં ચાલતાં જંગલો અને પહાડોમાં ટ્રેકિંગ કરીએ છીએ એમ અહીં પહોંચવું પડે છે. જેની આજબાજુના દ્રશ્યો નયનરમ્ય છે અને જંગલ પણ ગીચ અને સરસ છે. ઉપર પહોંચીને પણ ચોફેર નજર દોડાવતાં મન પ્રફુલ્લિત થઇ જાય છે. અહી જંગલમાં કેડીઓ અને પગથીયાં મારફતે જવું પડે છે. પહાડી બહુ ઉંચી નથી એટલે બહુ વાંધો આવી શકે એમ નથી. આ મંદિરમાં માં પરિસર નથી પણ આજુબાજુ ઝાડો ઝુંપડીઓ અને નાનાં નાનાં મંદિરો ઘણાં છે. અહીજ ભગવાન પરશુરામજીનું પરશુ છે અને આજુબાજુ અસંખ્ય શિવલિંગો અને દેવીદેવતાઓની મૂર્તિઓ ગોઠવાયેલી છે. જે પહેલાં અસ્તવ્યસ્ત હતી તે હવે સરખી ગોઠવાયેલી છે !!! લોકો આ અદભૂત શિવલિંગની સાથે આ કુદરતનો કરિશ્મા પણ જોવાનું ભૂલતાં નથી અને સાથે સાથે આ હજારોની સંખ્યામાં ગોઠવાયેલાં શિવલિંગો અને ખાસ તો આ ભગવાન પરશુરામજીનું પરશુ અને એમનાં પદચિન્હો !!!

અહી જે એક મંદિર છે એક છઠ્ઠી સ્થાબ્દીનું મંદિર પણ છે જે શિલ્પસ્થાપત્યની દ્રષ્ટીએ ખાસ જ જોવાં જેવું છે. એ હાલમાં ખંડિત થએલું છે જેનો ઉપરી હિસ્સો એટલે કે શિખર તૂટેલું છે અને એ તૂટેલું શિખર એની આજુબાજુમાં અને કેટલીક મૂર્તિઓ પણ એની સમીપ ગોઠવાયેલી છે. આ મંદિર અર્કીયોલોજીમાં જેને રસ હોય એણે ખાસ જોવું જોઈએ આવું મંદિર આવી સ્થાપત્યકલા તમને બીજે ક્યાંય જોવાં નહીં જ મળે એટલે એની તુલના બીજાં મંદિરો સાથે કરવી વ્યાજબી નથી જ !!! અહી જે મૂર્તિઓ અને શિલ્પો મળી આવ્યાં છે એ છઠ્ઠીસદીથી લઈને અત્યારનાં આધુનિક યુગ સુધીના શિલ્પો છે. જેમાં જ આવા અસંખ્ય શિવલિંગોનો સમાવેશ થાય છે એવું પણ નથી કે માત્ર શિવલિંગો જ મળી આવ્યાં છે પણ વિધવિધ આકારનાં નાનાં મોટાં નદી પણ મળી આવ્યાં છે. જોડે જોડે અદભૂત મૂર્તિઓ તો ખરી જ ખરી !!! અહી એક ટુકડાઓને જોડીને બનાવેલું યોગી માતાનું મંદિર છે તે જ આ મંદિર છે !!! અહી જે મૂર્તિઓ પ્રાપ્ત થઇ છે જે અ મંદિરની આસપાસ છે તેમાં વધારે તો શૈવ મૂર્તિઓ છે. જોડેજોડે ઉમા-મહેશ્વર, કાર્તિકેય અને બહ્ગ્વન ગણેશજીની મૂર્તિઓ વધારે છે. એટલે એમ જરૂર કહી શકાય એમ છે કે અહી ભગવાન શિવજી પ્રધાનતા રહી હશે !!! પુરાતત્વ ખાતાને આ મંદિરની નીચે અને પહાડીની આજુબાજુ ખોદકામ કરતાં બીજાં પણ મંદિરોના અવશેષો દેખાયાં છે જેની ખોદાઈ અને જાંચ-તપાસ હજી ચાલુ જ છે !!!

આ મંદિર માં આટલા બધાં શિવલિંગો અને આટલી બધી મૂર્તિઓ કેમ મળી આવી છે એનું સાચું રહસ્ય આજે તમને જણાવી જ દઉં છું. અહીંથી ઉતરમાં થોડેક જ દુર એક પહાડી છે જેનું નામ છે ગઢ મઢી ત્યાં આવી મૂર્તિઓ બનતી હતી કારણકે ત્યાંના પથ્થરો અને અને અહીના પથ્થરો મેળ ખાતાં નજરે પડે છે !!! અને ત્યાંથી અહી લાવવમાં આવતી હતી. અહીંથી મૂર્તિઓનો વ્યાપાર થતો હતો મોટાં પાયે. વ્યાપાર પણ થતો હતો એટલે આ સ્થળ એ મૂર્તિઓનું મોટું વિક્રેતાકેન્દ્ર હતું એટલે કે આ ટાંગીનાથ ધામ એ મૂર્તિઓ બનવવાનું એક મોટું કેન્દ્ર રહ્યું હશે અને અહી કદાચ મૂર્તિ બનાવતાં શીખવાડાતું હશે કદાચ અને મૂર્તિઓ બનાવી ને મંદિરોમાં અહીંથી જ અપાતી હશે કદાચ. જે મૂર્તિઓ મળી છે અને એ પણ આટલી વિપુલ સંખ્યામાં એ પણ એ જ દર્શાવે છે. જોકે સાલવારીમાં એ ચોક્કસ નથી જ કહી શકાતું કે કયારે શરુ થયું હશે અને ક્યાં સુધી ચાલ્યું હશે ?

tanginath dham 4

અહીંનું મુખ્ય આકર્ષણ છે એ છે ભગવાન પરશુરામજીનું પરશુ. આ પરશુ વિષે વાત કરીએ તે પહેલાં અહીની દંતકથાઓ જોઈ લઈએ

ભગવાન પરશુરામે અહિયાં કરી હતી ઘોર તપસ્યા

ટાંગીનાથ ધામમાં ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન પરશુરામ ટાંગીનાથ કેવી રીતે પહોંચ્યા એની કથા કંઇક આ પ્રકારે છે. જ્યારે ભગવાન શ્રી રામરાજા જનક દ્વારા સીતા માટે આયોજિત કરાયેલા સ્વયંવરમાં ભગવાન શિવજીનું ધનુષ તોડી દે છે તો ભગવાન પરશુરામ બહુજ ક્રોધિત થઈને ત્યાં પહોંચે છે અને ભગવાન શ્રી રામને ભગવાન શિવજીનું આ ધનુષ તોડવાં માટે ખરું -ખોટું સંભળાવે છે. આ બધું સાંભળીને પણ ભગવાન શ્રી રામ મૌન જ રહે છે. આ જોઇને લક્ષ્મણને ક્રોધ આવી જાય છે અને એ ભગવાન પરશુરામજી જોડે વાદવિવાદમાં ઉતરી પડે છે. આ વાદવિવાદ દરમિયાન જયારે ભગવાન પરશુરામજીને એ જ્ઞાત થાય છે કે ભગવાન રામ જ ભગવાન વિષ્ણુનાં અવતાર છે એ બહુજ લજ્જિત થાય છે અને ત્યાંથી નીકળી જઈને પશ્ચાતાપ કરવાં માટે ગાઢ જંગલમાં એક નાની પહાડી પર ત્પસ્શ્ચર્યા કરવાં આવી જાય છે. જેથી તેમનાં મનને શાંતિ મળે અને એમનો ક્રોધ શાંત થાય !!! અહીં એ ભગવાન શિવજીની સ્થાપના કરીને એની પાસે જ પોતાનું પરશુ ગાડી દઈને તપસ્યા કરવાં માંડે છે. એ જ જગ્યા એ આજનું આ ટાંગીનાથ ધામ છે !!!

અહિયાં ગાડાયેલું જે પરશુ છે તે લોખંડનું છે એની એક વિશેષતા એ છે કે એ હજારો વર્ષોથી આ ખુલામાં બદલાતી ઋતુઓ અને બદલાતાં વાતાવરણમાં અને હજારો વર્ષો કે સદીઓ રહેવાં છતાં પણ એણે કાટ નથી લાગ્યો અને બીજી વિશેષતા એ છે કે એ જમીનમાં કેટલું નીચે સુધી ગડાયેલું છે એની પણ કોઈને કોઈ જાણકારી નથી. એક અનુમાન છે કે એ નીછે ૧૭ ફૂટ ગડાયેલું હોઈ શકે છે.

tanginath dham 5

ફરસુ સાથે જોડાયેલી કિવદંતી —-

એમ કહેવાય છે કે એક વખત આ ક્ષેત્રમાં રહેતી લુહાર જાતિનાં કેટલાંક લોકોએ આનું લોઢું કાપવાની કોશિશ કરી હતી પરંતુ એ લોકો ફરસુને તો ના કાપી શકયાં પણ એમની જાતિનાં લોકોને આ દુસ્સાહસની કિંમત ચૂકવવી પડી અને એ લોકો આપોઆપ -ટપોટપ મરવાં લાગ્યાં. આના ડરથી લુહાર જાતિએ એ ક્ષેત્ર જ છોડી દીધું અને આજે પણ આ ધામથી ૧૫ કિલોમીટર સુધીની સીમા સુધી આ લુહાર જાતિનાં લોકો નથી વસતાં !!!

ભગવાન શિવજી સાથે પણ જોડવામાં આવે છે ટાંગીનાથનો સંબંધ —–

કેટલાંક લોકો ટાંગીનાથ ધામમાં ગાડાયેલું આ ફરસુને ભગવાન શિવજીનું ત્રિશુલ બાતાવે છે અને એનો સંબંધ ભગવાન શિવજી સાથે જોડે છે આને માટે તેઓ એક પુરાણકથાનો ઉલ્લેખ કરે છે. જે અનુસાર —- એક વાર ભગવાન શિવજી કોઈ વાતે શનિ દેવ પર ક્રોધિત થઇ જાય છે. ગુસ્સામાંને ગુસ્સામાં એ પોતાનાં ત્રિશૂળથી શનિદેવ પર પ્રહાર કરે છે. શનિદેવ તો કોઈને કોઈ રીતે પોતાની જાતને બચાવી લે છે પરંતુ ભગવાન શિવજી દ્વારા ફેંકાયેલું આ ત્રિશુલ એક પર્વતના શિખર પર જઈને જમીનમાં ખૂંપાઈ જાય છે. આ ખૂંપાયેલું ત્રિશુલ આજે પણ યથાવત ત્યાંજ ગડાયેલું છે કારણકે ટાંગીનાથ ધામમાં આ ગડાયેલાં ફરસુની ઉપરી આકૃતિ એ કેટલીક રીતે ત્રિશુલ સાથે મળતી આવે છે એટલાં માટે આને કેટલાંક લોકો ભગવાન શિવજીનું ત્રિશુલ પણ માને છે

ઐતિહાસિક અને પુરાતાત્વિક સંપદાથી પરિપૂર્ણ છે ટાંગીનાથ ધામ ———-

આપણે આપણી ઐતિહાસિક અને પુરાતાત્વિક ધરોહરો પ્રતિ કેટલાં લાપરવાહ છીએ. ટાંગીનાથ ધામ એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. અહીં સેંકડોની સંખ્યામાં પ્રાચીન શિવલિંગ અને મૂર્તિઓ વેરવિખરાયેલી પડી છે પણ એમનાં રખરખાવ માટે અહીં કોઈ પ્રબંધ થયો નથી અને જે થયો છે એ પુરતો નથી !!! એ બધાંની આવી સ્થિતિ જોઇને સહેજે એ અંદાજો લગાવી શકાય છે કે અત્યાર સુધી કેટલી પુરાસંપદા ગલત હાથોમાં પડી ગઈ હશે !!! ટાંગીનાથમાં સ્થિત આ પ્રતિમાઓ ઉત્ક્લનાં ભુવનેશ્વર, મુક્તેશ્વર કે ગૌરી કેદારમાં પ્રાપ્ત પ્રતિમાઓ સાથે મેળ ખાતી જણાય છે

ટાંગીનાથ ધામમાં થઇ હતી ખોદાઈ અને ત્યાંથી મળ્યાં હતાં સોના અને ચાંદીના આભુષણ ———–

ઇસવીસન ૧૯૮૯માં પુરાતત્વ વિભાગે આ ટાંગીનાથ ધામમાં ખોદાઈ કરી હતી. ખોદકામ કરતાં એમણે સોના ચાંદીનાં અભુશ્ન સહિત અનેક મુલ્યવાન વસ્તુઓ મળી આવી હતી પરંતુ કેટલાંક કારણોસર અહીનું ખોદકામ અટકાવી દેવામાં આવ્યું અને પછી ક્યારેય પણ અહીં ખોદાઈ નથી કરવામાં આવી !!!ખોદકામમાં એમણે હીરા જડિત મુકુટ , ચાંદીના અર્ધગોળાકાર સિક્કાઓ, સોનાનાં કડા , કાનની સોનાની વાળી, તાંબાનાં બનેલાં ટીફીનો કે જેમાં કાળા તલ અને ચોખા રાખેલાં હતાં આદિ ચીજો પ્રાપ્ત થઇ હતી !!! આ બધી જ વસ્તુઓ આજે પણ ડુંમરી થાણાનાં મ્યુઝીયમમાં રખાયેલી છે. હવે સંદેહમાં નાંખવાવાળી અને આશ્ચર્યચકિત કરવાંવાળી વાત તો એ છે કે જ્યારે ત્યાંથી આટલી બધી મુલ્યવાન ચીજવસ્તુઓ મળી રહી હતી તો આખરે ત્યાં ખોદકામ કેમ બંધ કરવામાં આવ્યું ? બની શકે છે કે જો ત્યાં જો વધુ ખોદકામ આવ્યું હોત તો અને જો આજે પણ કરવામાં આવે તો આ ટાંગીનાથ ધામ વિષે આપણને કેટલીક નવી જાણકારી પ્રાપ્ત થઇ શકી હોત !!!

tanginath dham 2

ક્યારેક રહ્યું હતું આ હિન્દુઓનું પ્રમુખ તીર્થ સ્થળ

ટાંગીનાથ ધામનાં આ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલાં અગણિત અવશેષો એ બતાવવાં માટે કાફી છે કે આ ક્ષેત્ર કોઈને કોઈ જમાનામાં હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ રહ્યું હશે !!! પણ કોઈ કારણવશ આ ક્ષેત્ર ખંડહરમાં તબદીલ થઇ ગયું અને અહી ભક્તોનું આવવું- જવું ઓછું થઇ ગયું.. રહી સહી કમી વર્તમાન સમયમાં સરકારી ઉપેક્ષા અને નકસલવાદીઓએ કરી દીધી !!!

પરંતુ હવે એમ લાગતું નથી પણ એમ જ છે કે આ પવિત્રધામની હાલત હવે સુધરવા લાગી છે. સુધરવા લાગી છે નહીં સુધરી જ ગઈ છે. પુરાતત્વ ખાતું ઊંઘતું તો નથી જ એ પૂરતાં પ્રયત્નો કરી જ રહ્યું છે. આ સ્થાન ધાર્મિક સ્થળ હોવાથી અને એ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલું હોવાથી એમની ધાર્મિક માન્યતાઓને ઠેસ ના પહોંચે એટલાં માટે તેઓએ કહેવાતી ચુપકીદી સેવી દીધી છે. એટલું તો ચોક્કસ છે કે તેઓ પ્રયત્નશીલ તો છે જ !!! જો આટલાં બધાં લોકો અહી આવી શકતાં હોય અને મંદિર ખરેખર સુંદર બન્યું છે ત્યાં તેઓ લાઈનમાં ઊભાં રહીને દર્શન કરી શકતાં હોય તો અને કોઈ ભય વિના તેઓ ત્યાં જઈ શકતાં હોય અને પોતાની મન્નતો માંગી શકતાં હોય તો એને નક્સલવાદી પ્રભાવિત જગ્યા કે વિસ્તાર કેવી રીતે કહી શકાય

કારણકે આ જગ્યા એ ભગવાન પરશુરામજી સાથે સંકળાયેલી છે. ભગવાન પરશુરામજી એ તથ્યનો વિષય નથી એ આપણા હિંદુ ધર્મમાં આસ્થાનું પ્રતિક ગણાય છે. જ્યાં આસ્થા હોય ત્યાં તટસ્થતા પણ હોવી જ જોઈએ જેમાં આપણે ઉણા ઉતરતાં હોઈએ એવું મને તો અવશ્ય લાગે છે. કથાઓ તો અમર છે જ છે પણ સાથોસાથ આ જગ્યા અને આ સ્થળ સાથે જોડાયેલાં સ્મારકો અને પૌરાણિક પુરાવાઓ પણ અમર છે !!! જે પહેલાં પૌરાણિક હતું તે કદાચ આજે ઐતિહાસિક ગણાતું હોય એવું પણ બને કદાચ પ્રાગઐતિહાસિકકાળની અનેક ચીજ વસ્તુઓ અને સ્થળો ખોદકામમાંથી મળી આવ્યાં જ છે. આમ તો આ પ્રાગ ઐતિહાસિક યુગ એ લાખો વર્ષ પુરાણો છે. આપણે જેને ઓળખીએ છીએ એ સિંધુ સંસ્કૃતિ છે. જે સિંધુસંસ્કૃતિનો એક ભાગ જ છે !!! આ પ્રાગ ઐતિહાસિક કાળનો પણ એક ઈતિહાસ છે. એનાંય તબક્કા છે !!! આમ તો આ યુગ ઘણો જ જુનો છે

  1. પાષાણ યુગ
  2.  તામ્ર યુગ
  3.  લોહ યુગ

પણ આપણે જો સિંધુ સંસ્કૃતિની વાત કરીએ એટલે કે હરપ્પન સંસ્કૃતિની તેની સાબિતી અને પુરાવાઓ આપણને ઇસવીસન પૂર્વે ૭૦૦૦થી ૫૫૦૦ વર્ષ પહેલાં લઇ જાય છે. લોહયુગ તો ઇસવીસન પૂર્વે ૧૩૦૦થી ૬૦૦ અને ઇસવીસન પૂર્વે ૬૦૦થી ૩૦૦ નો સમયગાળો દર્શાવે છે. લોખંડ અને અન્ય ધાતુઓ ખરેખર ક્યારે વપરાતી થઇ એ સંશોધનનો વિષય ખરો અને બીજી વાત કે એને અને આપણા પૌરાણિકકાળ સાથે શું સંબંધ ? આપણે જેણે પૌરાણિકકાળ કહીએ છીએ એતો આશરે ૫૦૦૦થી ૫૫૦૦ વર્ષ પુરાણો છે. એટલે બની શકે કે આ યુગ હરપ્પન સંકૃતિમાં તામ્ર યુગ કહેવાતો હોય. શસ્ત્રો તો લોખંડ કે તામ્ર કે એ બધાંમાંથી બનાવેલી મિશ્ર ધાતુનાં પણ હોઈ જ શકે છે !!!

હવે વાત ભગવાન પરશુરામજીની તો એમ કહેવાય છે કે એમનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૧૪૨ વિક્રમ સંવતમાં થયો હતો. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૧૧૪ વિક્રમ સંવતમાં થયો હતો એટલે કે અત્યારની કાળગણતરી પ્રમાણે એ તામ્ર્યુગમાં આવે. એટલે એ શક્ય છે કે એમનું અમોધ શસ્ત્ર પરશુ પણ એ યુગની જ બનાવટ હોઈ શકે છે. આપને એ તો નીશ્ચિત પણે નથી જ કહી શકતાં કે એમનું પ્રિય શસ્ત્ર આ પરશુ એ લોખંડનું જ હોય ? બની શકે છે કે મિશ્રધાતુનું પણ બનેલું હોઈ શકે છે !!! જે શક્ય તો છે જ !!! પણ આ ટાંગીનાથ ધામમાં એ જ શસ્ત્ર છે જે ભગવાન પરશુરામજી પાસે હતું એ કેવી રીતે કહી શકાય ? પરશુ ભગવાન પરશુરામનું શસ્ત્ર હતું એ વાત તો સાચી પણ એ આજ શસ્ત્ર છે એવું કહેવું જરા કઠીન છે.

tanginath dham 6

હવે એને લાગતું તથ્ય ——

દિલ્હીમાં મહેરોલીમાં જે લોહ સ્તંભ છે એને આ પરશુને મેળખાતો નજરે પડે છે. પુરાતત્વવિદોના જણાવ્યા પ્રમાણે આ પરશુને કયારેય કાટ નથી લાગતો એમ મહેરોલીના લોહસ્તંભને પણ કાટ નથી લાગતો. આ સ્તમ્ભ એ ઈસ્વીસનની પાંચમી સદીમાં બન્યો છે ગુપ્તકાલીન સમયમાં. હવે પુરાતત્વવિદોનાં સંશોધન પરમને અને એમની જાણકારી મુજબ આ ગુપ્તકાલીન સમયમાં એટલે કે મગધમાં આવાં જ શસ્ત્રોનો ઉપયોગ થતો હતો. આ મગધ એટલે આજનું બિહાર અને આ ઝારખંડ પણ પહેલાં બિહાર રાજ્યનો જ એક ભાગ હતું એટલે એ પણ મગધમાં જ આવે એટલે એ સમયનું આ શસ્ત્ર છે જેને આપણે પરશુ અને અહીના કેટલાંક લોકો એને ત્રિશુલ કહે છે.. તે આ સમયમાં જ બનેલું છે. જોકે પુરાતત્વ ખાતું એમ કહે છે કે આ સ્થળની વધારે ખોદાઈ કરવામાં આવે અને આ પરશુનું જો કાર્બન ડેટિંગ કરવામાં આવે તો એ આપણને ભગવાન પરશુરામ પાસે પણ લઇ જઈ શકે છે !!! એ જો આપણને ભગવાન પરશુરામજી પાસે લઇ જાય તો ભયો ભયો !!!

પણ જે છે તે આ જ છે. અત્યારે તો આ પરશુ છે જેણે કાટ નથી લાગતો. ભગવાન પરશુરામજી સાથે આપણી આસ્થા જોડાયેલી હોવાથી એને સાચું ના માની લીએ એટલાં મૂરખા તો આપણે નથી જ. એ સાચું માની લેવામાં આપણને વાંધો પણ શું હોઈ શકે છે !!!! એટલે ચાલો આપણે માની લઈએ અને એના દર્શન કરીએ !!!

અહીં જે ભગવાન શિવજીનું મંદિર છે એ આ ટાંગીનાથ ધામમાં સાક્ષાત ભગવાન શિવજીનો નિવાસ છે. સ્થાનીય આદિવાસી બૈગા અને પાહન જાતિના લોકોઅહીના પુજારીઓ છે. એમના કહ્યા પ્રમાણે તો આ મંદિર અત્યંત પ્રાચીન છે. અહીના આદિવાસી લોકોને એમાં અપાર શ્રદ્ધા છે. તેઓ પોતાની માનતા જલ્દીથી પૂરી થાય એને માટે એક અને એનાથી પણ જલ્દીથી પૂરી થાય એ માટે ૨ શ્રીફળ વધેરતાં હોય છે આવી એક માન્યતા પણ અહી પ્રચલિત છે !!!

બાકી આજુબાજુનાં રમણીય દ્રશ્યો, પહાડીઓ અને ઝરણાઓ અને એક સાથે આટલાં બધાં શિવલિંગો અને મૂર્તિઓ અને ખાસ તો આ ભગવાન પરશુરામજીનું અદભૂત પરશુ અને ભગવાન પરશુરામજીનાં આ પદચિન્હો જોવાં તો એકવાર તો આ ડુમરી-ગુમલી ઝારખંડ જવું જ રહ્યું. તો જઈ આવજો ક્યારેક બધાં !!!!

!!જય પરશુરામ!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!