સ્વામી વિવેકાનંદ

ભારતમાં યુવાશક્તિ, નવચેતના, ભારતીય સંસ્કૃતિમાં નવપ્રાણ સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી, તેમના જન્મના દોઢસો વર્ષ બાદ અને મૃત્યુના આશરે એક શતક બાદ આજે પણ ભારતીય યુવાનના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

પોતાનાં અસરકારક વ્યાખ્યાનો દ્વારા ભારતના આધ્યાત્મિક સામર્થ્યની અને વેદાન્તની વિશ્વના દેશોને ઓળખ કરાવનાર સ્વામી વિવેકાનંદે ચિકાગો (અમેરિકા)માં મળેલ વિશ્વધર્મ પરિષદમાં ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું. પોતાના એ પહેલા ભાષણમાં સ્વામીએ શ્રોતાઓને મિસ્ટર અને મિસિસ સંબોધનોથી ટેવાયેલાં અમેરિકનોને – ‘ભાઈઓ અને બહેનો’ તરીકે સંબોધન કર્યું ત્યારે પરિષદમાં હાજરી આપનાર છથી સાત હજાર જેટલા ધર્મધુરંધરો, પંડિતો અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. એ ભાષણ બહુ પ્રશંસા પામ્યું હતું અને અમેરિકાનાં ઘણાં અખબારોએ એના અહેવાલ મોટા મથાળા સાથે પ્રસિદ્ધ કર્યો હતો.

વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ ૧૨-૧-૧૮૬૩ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરીદેવી હતું. બાળપણથી જ નરેન્દ્ર ખૂબ તેજસ્વી બુદ્ધિ અને અદ્‌ભુત સ્મરણશક્તિ ધરાવતા હતા. બંગાળના સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિધાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું. ઇતિહાસ અને તત્તવદર્શન તેમના પ્રિય વિષયો હતા. બી.એ.ની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં તેમના વકીલ પિતાનું આકસ્મિક અવસાન થયું અને ઘરની બધી જવાબદારી નરેન્દ્ર પર આવી પડી. પિતાના ઉડાઉ ને ખર્ચાળ સ્વભાવથી ઘરની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ. બી.એ.નું પ્રમાણપત્ર હાથમાં લઈ કલકત્તાની સડકો પર રાતદિવસ રખડવા છતાં તેમને નોકરી ના મળી.

swami-vivekananda

બી.એ. થયા તે પહેલા બે વર્ષ અગાઉ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા હતા. અદ્‌ભુત સ્મરણશક્તિ ધરાવનાર નરેન્દ્રને સ્વામીજીએ પૂછ્‌યું હતું કે, ‘શું તમે ઇશ્વરને જોયા છે ?’ જવાબમાં શ્રી રામકૃષ્ણએ ‘હા’ પાડી અને નરેન્દ્રને અંગૂઠાથી સ્પર્શ કરતાં જ નરેન્દ્રને વિચિત્ર અનુભૂતિ થઈ હતી. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ અને તેમણે ઈ.સ. ૧૮૮૪માં તેમણે સંન્યાસ ધારણ કર્યો. બાદમાં ભારતભ્રમણ કર્યું અને છેલ્લે ‘વિવેકાનંદ’ નામ ધારણ કરી તેઓ અમેરિકા ગયા.

પિતાનું અવસાન થતાં અને વારસામાં દેવું ભરવાની જવાબદારી આવી પડવાથી નરેન્દ્રની કફોડી હાલત થઈ હતી. લગ્ન નહી કરવાનો મક્કમ નિર્ધાર કરીને ઘર છોડનાર નરેન્દ્રએ રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય બની ગયા. સ્વામીજીએ નરેન્દ્રમાં પોતાની સાધનાની શક્તિનો વારસો આપ્યો. રામકૃષ્ણની સમાધિ પછી નરેન્દ્ર પરિવ્રાજક બની હિમાલયથી કન્યાકુમારી સુધી સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. અનુભવોથી ઘડાયા અને એમનું જ્ઞાન તલસ્પર્શી બન્યું. નરેન્દ્રનાથને ઉત્તમ અધિકારી જાણીને પ્રથમથી જ રામકૃષ્ણ એમને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા રહ્યા. ૧૮૮૪માં પિતાની અવસાન પછી એમણે સંન્યાસ ધારણ કર્યો. ૧૬મી ઑગષ્ટ, ૧૮૮૬ના રામકૃષ્ણ પરમહંસના નિર્વાણ પછી એમણે અને બીજા ગુરુભાઈઓએ વરાહનગર મઠ સ્થાપીને સંન્યસ્ત જીવન શરૂ કર્યું.

૧૮૮૮માં તેઓ પરિવ્રાજક તરીકે ભારતનાં તીર્થધામોની યાત્રાએ નીકળ્યા અને ફરતા ફરતા છેક દક્ષિણમાં કન્યાકુમારી સુધી પહોંચ્યા. ત્યાં દરિયામાં દૂર એકાંતમાં એક ખડક પર બેસી ધાર્મિક ચિંતન સાથે દેશની આર્થિક ઉન્નતિ અર્થે પણ મનન કર્યું. ગરીબ દેશબાંધવોના ઉદ્ધાર માટે યોગ્ય કેળવણી આપવી અને તે માટે દરિયાપાર જવાનો નિશ્ચય પણ એમણે અહીં જ કરેલો. કન્યાકુમારીમાં જે શિલા ઉપર નરેન્દ્રને પોતાના હૃદયમાં શ્રી ગુરુ અને જગદંબાના દર્શન થયાં એ શિલા ‘વિવેકાનંદ શિલા’ તરીકે સ્મારક બની ગઈ છે.

Swami-Vivekananda-Jayanti-HD-Wallpapers

સ્વામી વિવેકાનંદની શક્તિની ઓળખ કેવળ અમેરિકામાં જ નહિ, ઇંગ્લૅન્ડ, ઇટાલી, ફ્રાંસ, જર્મન, સ્વિટ્‌ઝર્લેન્ડ ઇત્યાદિ દેશોમાં પણ થઈ. પોતાના તેજસ્વી વાણીથી ભારતીય તત્તવજ્ઞાનની સબળ રજૂઆત કરનાર સ્વામીજીના શિષ્યોમાં વિદેશીઓ પણ સારી એવી સંખ્યામાં ભળ્યા. સ્વામી વિવેકાનંદે એ દેશોમાં લગભગ ૧૦૦૦થી પણ વધુ પ્રવચનો કરી હિન્દુ ધર્મના વેદાંતની જયપતાકા ફરકાવી ત્યાંથી તેઓએ સ્વિટઝર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં પણ પોતાના ઓજસ્વી વાણીથી ભારતીય તત્તવજ્ઞાનની સબળ રજૂઆત કરી. લંડનમાં ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી, જાણીતા દાર્શનિક અનેે જર્મન વિદ્વાન મેક્સ મ્યુલર સાથે મુલાકાત થયેલી. વિવેકાનંદે એમને ‘વેદાંતીઓના પણ વેદાંતી’ તરીકે ઓળખાવેલાં.

ભારતમાં પાછા આવીને તેમણે પોતાના ગુરુની સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની અને કલકત્તામાં બેલુર મઠની સ્થાપના કરી. આજે દેશ-વિદેશમાં બેલૂર મઠના સંચાલન હેઠળ ૧૬૫ જેટલા આશ્રમો ચાલે છે. આના જેવો જ બહેનો માટેનો એક મઠ બનાવવાની ઇચ્છા એમના જીવનકાળમાં પૂર્ણ ન થઈ. પરંતુ મા શારદામણિદેવીના જન્મ શતાબ્દી વર્ષ (૧૯૫૩)માં બહેનોના મઠની સ્થાપના થઈ, જેના હાલમાં ભારતમાં ૨૪ કેન્દ્રો ચાલે છે.

વિદેશમાં વેદાંત પ્રચારનું કાર્ય આગળ ધપાવવા તેઓ ૨૯મી જૂન, ૧૮૯૯માં ફરી પશ્ચિમના પ્રવાસે ગયા. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં એમનાં ઠેર ઠેર વકતવ્યો યોજાયાં. ૯મી ડિસેમ્બર, ૧૯૦૦ના તેઓ હિન્દ પરત આવ્યા. સ્વામીજીના ઉપદેશથી પ્રેરાઈને કેટલાક પરદેશીઓ પણ એમનાં શિષ્યો બન્યા હતાં એમાં મિસ માર્ગારેટ એલિઝાબેથ ઉર્ફે ભગિની નિવેદિતા, સેવિયર દંપતિ, મિસ્ટર ગુડવિન વગેરે નામ જાણીતાં છે.

દરમિયાન દમના વ્યાધિથી એમની તબિયત કથળતી જતી હતી. ૧૯૦૧માં બેલૂર મઠનું સંચાલન ટ્રસ્ટી મંડળને સોંપ્યું. આજથી એક સૈકા પૂર્વે અર્થાત્‌ ૪થી જુલાઈ, ૧૯૦૨ અને શુક્રવારે હિન્દુ અસ્મિતાના આ ઉદ્‌ગાતાનું માત્ર ૩૯ વર્ષની યુવાન વયે અવસાન થયું.

ભારતના આવા મહાપુરુષને સત સત નમન..

error: Content is protected !!