ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ અને બોરોબુદુર કે જે વિષ્ણુ ભગવાનના અતિવિશાળ મંદિરો છે ત્યાં પણ સૂર્ય મદિર છે.
ચક્રવર્તી સમ્રાટ સમુદ્ર્ગુપ્તનો વિસ્તાર છેક કંબોડિયા સુધી થયેલો. પશ્ચિમમાં એક અલગ જ પ્રાંત અને અલગજ સંસ્કૃતિ છે. જેને મેક્સિકન માયન માયથોલોજી કહેવાય છે. ત્યાં આખાં અલગ જ પ્રકારના પીરામીડ જેવાં સૂર્યમંદિરો છે જે જોવાં લાયક જ છે !!!
ભારતનાં ખાસમખાસ જોવાંલાયક જે ૧૨ સૂર્ય મંદિરો છે
તેમનાં નામ આ પ્રમાણે છે —
- કોણાર્કનું સૂર્ય મંદિર
- મોઢેરાનું સૂર્યમંદિર
- માર્તંડ સૂર્ય મંદિર કે જે કાશ્મીરમાં આવેલું છે
- સૂર્ય મંદિર ગ્વાલિયર
- સૂર્ય મંદિર ઉનાવ કે જે મધ્ય પ્રદેશમાં આવેલું છે
- સૂર્ય મંદિર રાંચી આ ધુનીક સૂર્ય મંદિર છે
- સૂર્યમંદિર કટારમલ જે ઉત્તર પ્રદેશના કુમાઉ રીજીયનમાં આવેલું છે
- સૂર્ય પહર મંદિર આસામ
- સૂર્ય નારાયણ મંદિર દોમલું કે જે બેંગલુરૂ પાસે આવેલું છે
- સૂર્યમંદિર ગયા
- સૂર્યનાર મંદિર કુંભકોણમ
- સૂર્યનારાયણ મંદિર અરાસાવલ્લી કે જે આંધ્ર પ્રદેશમાં આવેલું છે
આ તો થયાં ખાસ જોવાં લાયક મંદિરો પણ રાજસ્થાનમાં પણ સૂર્યમંદિરો સ્થિત છે. જેમાનું એક મંદિર તો રાણકપુર જૈન મંદિર સંકુલમાં જ છે (એ વાત ક્યારેક રાણકપુર વિષે લખીશ ત્યારે તેમાં આવશે ) ગુજરાતના વિજયનગર પોળો ફોરેસ્ટમાં પણ અતિપ્રાચીન અને એક વિશાલ પણ જર્જરિત અવસ્થામાં એક સૂર્યમંદિર આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ કે ભારતના ખુણેખુણામાં આ સૂર્ય મંદિરો અને લગભગ દરેક રાજ્યોમાં આ સૂર્ય મંદિરો આવેલાં જ છે
હવે એક વાત એ કે છેક રામાયણ મહાભારતકાળથી બધાં રાજાઓ સૂર્યવંશીઓ એટલે કે ક્ષત્રિય હતાં ‘જે ભારતમાં દરેક નાનકડા રાજયમાં પણ એનું જ્યાં જ્યાં રાજ હતું ત્યાં એમને સૂર્યમંદિરો બંધાવેલા જ છે. સૂર્યની ઉત્પત્તિતો બ્રહમાંડની રચના થઇ ત્યારની જ છે એટલે કે યુગો યુગો પહેલાંની જ. આમેય સૂર્ય વગર તો જીવન શક્ય જ નથીને !!!
જ્યારે માનવજાતિની ઉત્પત્તિ થઇ ત્યારથી જ પ્રત્યેક માનવી સૂર્યપૂજા કે સૂર્યોપાસના કરતો જ આવ્યો છે અને કરતો જ રહેશે !!! રાજાઓ પણ આમાંથી બાકાત ક્યાંથી હોય એટલે એમણે સુર્યમંદિરો બંધાવ્યા !!! મહત્વની વાત એ છે કે બીજાં બધાં મંદિરો બાંધવાં સહેલાં છે પણ સૂર્ય મંદિર બાંધવું ખુબ જ અઘરું છે. અમુક જ દિવસે સૂર્યના કિરણો સીધાં સૂર્યદેવની મૂર્તિ પર પડે અને સુર્યદેવના ચરણોમાં પડે એની ગણતરી અને તકેદારી રાખવી પડતી હોય છે. વિજ્ઞાન અને ગણિતનાં જ્ઞાન વગર સુર્યમંદિરો બાંધવાં શક્ય જ નથી !!!
આજુબાજુમાં એટલે કે મંદિરોની અંદર અને બાહ્ય દિવાલો પર શિલ્પકૃતિઓ દ્વારા ભારતીય પૌરાણિક ગાથાઓ અને ઈતિહાસ પણ તાદ્રશ કરવો પડતો હોય છે ક્યાં શું મુકવું એનાથી તેઓ જ્ઞાત જ હતાં અને દરેક સૂર્યમંદિર એકબીજાથી અલગ ભાત પાડનારું નીવડે એવું તેઓ કરતાં હતાં અને એને એક વિશિષ્ટ મંદિર બનાવવા માટે તેઓ સભાન હતાં !!!
આનેજ કારણે દરેક સુર્યમંદિરો એકબીજાથી અલગ જ તરી આવે એવાં નોખાં – અનોખાં બન્યાં છે !!! શું ભારતમાં કે શું વિદેશમાં !!! ભારતમાં ઓરિસ્સામાં. બિહારમાં , મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં અને તામીલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ છે જ હવે …… ભારતમાં જે સૌથી જુનું સૂર્યમંદિર છે તે છે સૂર્યનારાયણ મંદિર અરાસાવલ્લી કે જે આંધ્ર પ્રદેશમાં આવેલું છે તે છે.
આ મંદિર સાતમી સદીમાં બનેલું છે અને ભારતમાં સૂર્ય મંદિરોનો વિકાસ ૧૦મી ૧૧મી સદીમાં થયો છે. જેમાં કોણાર્ક , મોઢેરા માર્તંડ સૂર્યમંદિર જેવાં જાણીતાં અને જગપ્રસિદ્ધ સૂર્ય મંદિરો આવે છે. ઉત્તરાખંડમાં પણ એક સૂર્ય મંદિર ૧૦મી સદીનું બનેલું છે ત્યાર પછી ગુજરાતમાં ૧૧મી સદીમાં પણ સૂર્ય મંદિરો બન્યાં અને ૧૩મીથી ૧૫મી સદીમાં પણ અતિપ્રખ્યાત એવાં સૂર્યમંદિરો બન્યાં છે ત્યાર પછી આધુનિક જમાનામાં રાંચી ગ્વાલિયર અને ગુજરાતના બોરસદમાં પણ બન્યાં છે !!! વિશ્વમાં ચીનમાં ૧૫ મી સદીમાં બન્યાં છે. જો પીરામીડને સુર્ય મંદિરમાં ગણવામાં આવે તો એ આજથી ૩૫૦૦ વરસ પહેલાં બનેલાં ગણાય પણ તે આપણી સંસ્કૃતિ તો છે જ નહીને !!! આપણે તો આપણી સંસ્કૃતિની વાતો કરવાની હોય અને એનો જ ગર્વ લેવાનો હોય !!!
આ સૂર્ય મંદિરોમાં એક ઉલ્લેખ છે મુલતાનના સૂર્ય મંદિરનો. પાકિસ્તાનમાં હિંગળાજ માતાની શક્તિપીઠ આવેલી જ છે જે આજે હયાત છે પણ આ સૂર્ય મંદિર આજે હયાત નથી !!! કેમ તે આગળ જતાં જોઈશું ……
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જે અત્યારે જુદા દેશો છે તે એ સમયમાં નહોતાં. મહાભારતમાં ગાંધાર પ્રદેશનો જે ઉલ્લેખ છે જે અત્યારનું અફઘાનિસ્તાન જ છે. અલબત્ત ત્યાંનાં લોકો આજેય શકુનીની ઔલાદો જ છે. પાકિસ્તાન એ ભારતને અડીને આવેલો અને અફઘાનિસ્તાનને અડીને આવેલો આપણો પાડોશી દેશ છે. ત્યાં ઘણાં હિંદુ મંદિરો હતાં પણ એનો દ્વંસ કરવામાં આવ્યો છે !!! મહાભારતની વાત જ્યાં પૂરી થાય છે ત્યાં પુરાણોની વાત-વાર્તાઓ અને કિવદંતિઓ આગળ વધે છે. મહાભારતની કથા પાંડવોના સ્વર્ગારોહણ સુધીની જ છે
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કેમ થયો હતો એ વાત તો ભાગવત અને પુરાણોમાં વધુ આવે છે, યાદવોનો નાશ !!! ક્ષત્રિયો જે છાકટા બની ગયાં હતાં તેમને અંદરોઅંદર લડાવીને પૃથ્વીને પાપના ભારમાંથી મુક્ત કરવી !!! આ વાતનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણ , સ્કંદ પુરાણ અને વરાહ પુરાણમાં છે. આમાં જ આ મુલતાનના સૂર્ય મંદિરનો પણ ઉલ્લેખ પણ છે !!!!
ભગવાન શ્રીકૃષ્ણનો એક પુત્ર હતો સાંબા. આ દારૂડિયો અને કોઢી હતો, માં બાપનું માન રાખતો નહોતો, સ્ત્રીઓનું માન જળવાતો નહોતો, સ્ત્રીઓ એને મન શરીર સુખનું સાધન જ હતું !! આ સાંબાને કોઢી થઇ જવાનો શ્રાપ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે જ આપ્યો હતો !!! આ શ્રાપમાંથી મુક્ત થવા માટે સાંબાએ એક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે પાકિસ્તાનના મુલતાન શહેરમાં સ્થિત હતું. આ મંદિરને આદિત્ય મંદિરના નામે પણ ઓળખવામાં આવતું હતું. હવે તમને એ આશ્ચર્ય જરૂર થતું હશેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે આવું કેમ કર્યું તે !!!
એ આખી વાત કૈંક આવી છે —–
ભગવાન શ્રીકૃષ્ણને આઠ રાણીઓ હતી અલબત્ત આ પુરાણો પ્રમાણે હોં !!! જેમાં એક નિષાદરાજ જામવંતની પુત્રી જામવંતી હતી. જામવંત એક એવું પૌરાણિક પાત્ર છે કે જે રામાયણ અને મહાભારત એમ એ બંને કાળમાં ઉપસ્થિત હતું. ગ્રંથો પ્રમાણે બહુમુલ્ય મણીહાંસલ કરવાં માટે ભગવાન શ્રીકૃષ્ણ અને જામવંત વચ્ચે ૨૮ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. યુદ્ધ દરમિયાન જામવંતે ભગવાન શ્રીકૃષ્ણનાં અસલી સ્વરૂપને ઓળખી લીધું અને એમને મણી સહિત પોતાની પુત્રી જામવંતી નો હાથ પણ શ્રીકૃષ્ણના હાથમાં થમાવી દીધો !!! આ જામવંતી અને ભગવાન શ્રીકૃષ્ણના પુત્રનું નામ સાંબા હતું. દેખાવમાં એ તો સ્વરૂપવાન હતો કે ભગવાન શ્રીકૃષ્ણની નાની નાની રાણીઓ એના પ્રત્યે આકર્ષિત થતી હતી !!!
એક દિવસે ભગવાન શ્રીકૃષ્ણની એક રાણીએ સાંબની પત્નીનું રૂપ ધારણ કરીને સાંબાને પોતાની બાહોમાં લઇ લીધો. આજ સમયે ભગવાન શ્રીકૃષ્ણે એ બંનેને આવું કરતાં જોઈ લીધાં ……. ક્રોધિત થઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાનાં જ પુત્રને કોઢી થઇ જવાનો અને એના મૃત્ય પશ્ચાત એની પત્નીઓને ડાકુઓ દ્વારા અપહરણ કરી જવાનો શ્રાપ આપ્યો !!!
પુરાણમાં વર્ણન છે કે મહર્ષિ કટકે સાંબાને આ કોઢમાંથી મુક્તિ પામવા માટે સૂર્યદેવની આરાધના કરવાં માટે કહ્યું ત્યારે સાંબાએ ચંદ્રભાગા નદીને કિનારે મિત્રવનમાં સૂર્યદેવનું મંદિર બનાવ્યું અને ૧૨ વર્ષ સુધી એણે સુર્યદેવની કઠોર તપશ્ચર્યા કરી એના પછી જ આજ સુધી ચંદ્રભાગા નદીને કોઢમાંથી સાજા કરી દેનારી નદી તરીકે ખ્યાતિ મળી છે. એવી એક માન્યતા પ્રવર્તે છે કે આ નદીમાં સ્નાન કરવાથી માણસનો કોઢ બહુ જલ્દીથી દૂર થઇ જાય છે એ માણસ ફરી પાછો હતો એવોને એવો થઇ જાય છે !!!
મુલતાનના સૂર્ય મંદિરનો ઈતિહાસ —
ચીનમાં રહેતો એક પ્રસિદ્ધ બૌદ્ધ ભીક્ષૂ શુયાંગ જૈંગ જે ભારતમાં બૌદ્ધ ધર્મગ્રંથ ભણવા અને એ વાંચવા માટે આવ્યાં હતાં એમણે ભારતનાં અલગ અલગ રાજ્યોનું વિવરણ કરીને ઇતિહાસને જાણવાનો પ્રયત્ન કર્યો !!! જૈંગે એવાં કૈંક કેટલાંય સ્થળો અને બીજાં ધાર્મિક સ્થળો પ્રત્યે દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું !!! ઇસવીસન ૬૪૧માં શુયાંગ જૈંગ આ સ્થળે પણ આવ્યાં હતાં. એમનું કહેવું છે કે મંદિરમાં સ્થિત સુર્યદેવની મૂર્તિ સોનાની બનેલી હતી. જેમની આંખોમાં બહુમુલ્ય રૂબી પથ્થર લગાવવામાં આવ્યો હતો. સોના-ચાંદીથી બનેલાં આ મંદિરના થાંભલાઓ પર બેહદ કિંમતી પથ્થરો જડેલાં હતાં. લગભગ રોજ જ ઘણી મોટી સંખ્યામાં હિંદુ ધર્મનાં અનુયાયીઓ આ મંદિરમાં પૂજા કરવાં આવતાં હતાં. બૌદ્ધ ભિક્ષુ ના કથન અનુસાર એમણે અહીંયા દેવદાસીઓને પણ નૃત્ય કરતાં પણ જોયાં હતાં. સૂર્ય દેવ સિવાય ભગવાન શિવજી અને ભગવાન બુદ્ધની પણ મૂર્તિ આ મંદિરમાં બિરાજિત હતી !!!!
પણ કાળની થપેટો સમય વીતતાં આ મંદિરનો સુવર્ણકાળ પણ સમાપ્ત થઇ ગયો. મહોંમદ -બિન – કાસિમની સેનાએ જ્યારે મુલતાનને પોતાના હસ્તક લીધું એટલેકે એના પર પોતાનો કબજો જમાવ્યો ત્યારે આ મંદિર એના શાસનકાળ દરમિયાન એના રાજ્યનું કમાણીનું સાધન બનાવી દીધું પછી એને લુંટીને મંદિરમાં જડાયેલા બેહદ કિંમતી પથ્થરો, સોનું, ચાંદી વગરે બધું જ લુંટીને એ પાછો પોતાના વતનમાં જતો રહ્યો !!! મહોંમદ – બિન – કાસિમે આ મંદિરની સાથે એટલેકે એને અડીને એની બાજુમાં એક મસ્જીદનું નિર્માણ પણ કરાવ્યું હતું જે આજે અન મુલતાનના સૌથી વધારે ભીડભાડવાળાં ઇલાકામાં સ્થિત છે !!!! આનાં પછી કોઈ હિન્દુ રાજા મુલતાન પર આક્રમણ નહોતો કરી શક્યો અને આ સૂર્યમંદિરને એક હથિયાર સ્વરૂપે એનો ઉપયોગ થવાં લાગ્યો !!! વાસ્તવમાં …….. આ કાસિમ દરેક હિંદુ શાસકને એવી ધમકી આપતો હતો કે જો એ મુલતાન પર આક્રમણ કરશે તો કાસિમ સૂર્ય મંદિરને નષ્ટ કરી દેશે !!!
દસમી શતાબ્દીમાં અલ બરુની પણ મુલતાન ગયાં હતાં એમણે પણ આ મંદિરનું ખુબ સુંદર વર્ણન એમનાં પુસ્તકમાં કર્યું છે. એમનાં કહ્યા પ્રમાણે ઈસ્વીસન ૧૦૨૬માં મહમૂદ ગઝનીએ આ મંદિરને સપૂર્ણ રીતે તોડી નાંખ્યું હતું. બરુનીના કહ્યા પ્રમાણે ૧૧મી સદીમાં આ મંદિરના દર્શન કરવાં કોઈજ આવતું નહોતું કારણકે અહી કશું બચ્યું જ નહોતું એટલું ખરાબ રીતે ગઝનીએ એને તહસનહસ કરી નાંખ્યું હતું અને ત્યાર પછી કોઈ હિંદુ રાજા ત્યાં જઈ જ નહોતો શક્યો કે ત્યાંના લોકોને એની કશીજ પડી નહોતી કે જેઓ આને ફરીથી બનાવી શકે !!!! આમ મુલતાનના આ સૂર્ય મંદિરનો કરુણાંત ઇસવીસન ૧૦૨૬માં જ આવી ગયો હતો !!! જે પહેલાં હતું પણ ૧૧મી સદી પછી એ રહ્યું જ નહીં. રહ્યું શું તો માત્ર એની કથાઓ અને એની પૂર્વ જાહોજલાલી !!! એ પુસ્તકમાં જ સમાઈને રહી ગયું !!!
હવે થોડીક નજર ઈતિહાસ પર નાંખીએ
મહોમદ – બિન – કાસિમનો સમય છે ઇસવીસન ૬૯૫થી ઇસવીસન ૭૧૫. કારણકે ઈસ્વીસન ૭૧૫માં તો કાસીમનું મૃત્યુ થઇ ગયું હતું. તેનો શાસનકાળ સમય માત્ર ૨થી અઢી વર્ષ જ હતો. તે ઈરાનથી ૬૦૦ સીરિયાઈ સૈનિકોને લઈને કૂફા શહેરથી તે જ્યાંથી આવતો હતો ત્યાં પહેલાં જ સિંધ પ્રદેશ આવે જ્યાં એને મુલતાન જીત્યું હતું પછી એ સૌરાષ્ટ્ર જીતવાં નીકળી પડેલો પણ સૌરાષ્ટ્ર અને વચમાં આવતાં જાટો સાથે થોડીક લડાઈ થઇ એમાં એ જીત્યો પણ ખરો એ રાજાનું નામ હતું દાહિર પણ સૌરાષ્ટ્રમાં એને એવો આદેશ મળ્યો એટલે એને ત્યાંથી પાછાં ફરવું પડયું હતું. મુલતાન પર એનો કબજો હતો એ વાત સાચી પણ ત્યાં ક્યાંય પણ સૂર્ય મંદિર હોવાની વાત ઇતિહાસમાં નોંધાઈ જ નથી !!!
હવે બીજી વાત આવાં ક્રૂર શાસ્કોને એના સૈનિકોને ગાજર મૂળા જેમ કાપી નાંખનાર પણ એક હિંદુ સમ્રાટ હતો. આ એજ રાજા છે જેણે પ્રખ્યાત એકલિંગજીનું શિવ મંદિર બંધાવ્યું અને સિંધ પર થયેલાં અરબી હુમલાને ન માત્ર ખાળ્યું હતું પણ તેમને મારીને ત્યાંથી નાસાડયાં હતાં. તેઓ ફરી સિંધ પર આંખ ઉઠાવીને ના જુએ એ માટે જાતે તેઓ સિંધ જ રહેતાં હતાં. એ રાજાનું નામ છે બપ્પા રાવલ. મેવાડના દીર્ઘ રાજવંશ સિસોદિયા વંશનાં સ્થાપક !!!
હવે ઇતિહાસમાં એક વાતનો ઉલ્લેખ છે કે આ બપ્પા રાવલે મુલ્તાનની આજુબાજુ જ મહોંમદ -બિન -કાસીમને હરાવ્યો હતો !!! અરે એમણે ઘણાં બધાં મુસ્લિમ શાસકોને હરાવ્યાં હતાં એમાં એક નામ છે ગઝનીના શાસક સલીમનું પણ એટલે આ કાસિમ હિંદુ રાજાઓને મુલતાન આવતાં રોકતો હતો એ વાત જ સદંતર ખોટી છે કારણકે મુલતાન અને સિંધ તો બાપ્પા રાવલના કબજામાં હતાં. આ અરબી અને ઈરાની કે અન્ય મુસ્લિમ ઈતિહાસકારોનું કાસિમને મહાન લડવૈયો બતાવવાનું રીતસરનું કાવતરું જ છે એની આબરૂ બચવવા માટે જ ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે !!!
આ બધી વાતમાં ક્યાય પણ મુલતાનના સૂર્ય મંદિરનો ઉલ્લેખ સુધ્ધાં નથી જો ઈસ્વીસન ૬૪૧માં બૌદ્ધ ભિક્ષુ શુયાંગ જૈંગે એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે અહી ભગવાન શિવજીની પણ મૂર્તિ હતી તો ભગવાન શિવાજીના પરમ ઉપાસક એવાં બાપ્પા રાવલે એ મંદિર બંધાવ્યું હોય અથવા ત્યાં ભગવાન શિવજીની મૂર્તિ કે લિંગ પ્રસ્થાપિત કર્યું હોય એવું પણ બને. કાસિમ પરની જીતની ખુશીમાં અને હિંદુઓ પુજા અર્ચના આરાધના કરી શકે એ માટે જ સ્તો.. સૂર્યવંશી તો તેઓ હતાં જ હતાં એ શું કે પ્રજા શું ? પ્રજા સુર્યોપાસક તો હતી જ હતી !!! પણ એ મંદિરની ત્યાંની હયાતી અને ભગવાન શિવજી વચ્ચે મેળ ખાતો નથી હવે રહી વાત ભગવાન બુદ્ધની પ્રતિમાઓની એ કોણે પ્રસ્થાપિત કરી ત્યાં !!! કારણકે ભગવાન બુદ્ધ તો વિષ્ણુનાં નવમાં અવતાર હતાં. એ મૂર્તિ અને બૌદ્ધ ધર્મ તો ત્યાં પ્રચલિત હતો એ વાતની પુષ્ટિ અફઘાનિસ્તાનમાં તોડી નખાયેલી અને હવે ફરી બનાવાયેલી ભગવાન બુદ્ધની અતિ ઉંચી પ્રતિમાઓ પરથી આવેજ છે એટલે આપણે માની લઈએ કે ત્યાં ભગવાનનબુદ્ધની પ્રતિમા (મૂર્તિ) હશે !!! અને ન માનવાનું પણ કોઈ કારણ તો નથી જ !!!!
હવે વાત પૌરાણિક કથાની
એ વાતનો માત્ર વાર્તા સ્વરૂપે જ ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણ પુત્ર સાંબાએ એક સૂર્ય મંદિર ત્યાં બનાવ્યું હતું તો આ ૩૫૦૦ વર્ષ દરમિયાન કોઈની નજરમાં તે કેમ ના પડયું ? શિવ મંદિરો તો ભગવાન પરશુરામે ભગવાન રામે ,રાવણે અને ભગવાન શ્રીકૃષ્ણનાં પરમ ભક્ત અર્જુને પણ બંધાવ્યા હતાં. હું પહેલાં જ કહી ચુક્યો છું સૂર્ય મંદિર બાંધવું બહુજ અઘરું છે. તો મહાભારત કાળ પછી જ સૂર્ય મંદિર કેમ બંધાવ્યું ? રામાયણમાં વાલી અને મહાભારતમાં કર્ણ એ તો ખુદ સૂર્ય પુત્રો હતાં તો પછી એમણે એ શું કામ ના બંધાવ્યું !!! આ પ્રશ્ન જરૂર મને કોરી ખાય છે જ !!! ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા, સૌરાષ્ટ્રમાં જાંબવન ગુફા, મહાભારતનું ગાંધાર અને મુલ્તાનનું સૂર્ય મંદિર એ ભૌગોલિક દ્રષ્ટિએ નજીક નજીક જ ગણાય અને એ એક ચોક્કસ પેટર્ન અને વિસ્તાર અને રસ્તોના સૂચક પણ છે !!! બાય ધ વે આ મુલતાન એ ચિનાબ નદીનાં કાંઠા પર વસેલું શહેર છે …… નહીં કે ચંદ્રભાગાનાં કિનારે !!!
આ ચંદ્રભાગા તો મહરાષ્ટ્રમાં અમરાવતી જીલ્લામાં છે જે ગુજરાતમાં નવસારી પાસેની પૂર્ણા નદીનાં નામે ઓળખાય છે !!! મુલ્તાનમાં હતું તો એ વાત તો સાચી પણ એ સૂર્યમંદિર જ હતું એનો કોઈ નક્કર પુરાવો નથી મળતો. આ મદિર શિવ મંદિર પણ હોઈ શકે છે અને બૌદ્ધ મંદિર પણ.. પુરાણ એ વાર્તા છે જયારે ઈતિહાસ એ હકીકત છે.. આ બેને ક્યારેય ના સંકળાય ઇતિ સિધ્ધમ !!! નથી મેળ ખાતો પૌરાણિક કથાઓ સાથે કે નથી મેલ ખાતો ઐતિહાસિક તથ્યો સાથે !!! માત્ર ઉલ્લેખને કારણે એ સૂર્યમંદિર હતું એવું માની લેવાની ભૂલ કમસે કમ હું તો નહિ જ કરું પણ માત્ર આસ્થા અને શ્રધ્ધાના કારણે જ હું આ મંદિર વિષે લખવાં પ્રેરાયો છું.. બાકી બધી કહીસુની વાતો જ છે માત્ર.. માનવું કે ન માનવું એ હું તમારાં પર છોડું છું !!!
આમ એક આર્કિયોલોજીકલ પુરાવો છે ખરો કે મુલ્તાનમાં સૂર્ય મંદિર હત્તું. જે સ્થળ આજે ખંડેર અવસ્થામાં છે. આજે એની નોંધ સુધા આજે કોઈ લેતું નથી પણ એના પુરાવાઓ અને ઉલ્લેખમાં કમી જરૂર છે. આટલી જ વાત છે આ સૂર્યમંદિરની તે કઈ સાલમાં બંધાયું અને કોણે બંધાવ્યું તે તો અધ્યાહાર જ છે. આશ્ચર્ય મને એ વાતનું થાય છે કે એ કઈ સાલમાં તોડાયું અને કોણે કોણે તે તોડયું વિષે બધાં મક્કમ છે. એનાં એમની પાસે નક્કર પુરાવાઓ પણ છે અને થોકબંધ ઉલ્લેખો પણ !!! પણ એ કોણે બંધાવ્યું અને કેવું હતું તે કોઈનેય આજે યાદ નથી. આ છે નક્કર વાસ્તવિકતા.. જે મને કે કમને આપણે સ્વીકારવી જ રહી !!!!
——— જનમેજય અધ્વર્યુ..