‘ઘરના દીવાથી ઘર કાં સળગાવો !’

તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો વખત જીરવાણો નહિ શેષાભાઇને નારીચાણા ગામ આપીેને સમાધાન કર્યું. તે વખતથી રાજગજસિંહજી શેષાભાઇની રાજકારોબારની ચોપાટની સોગઠીએ ચાલવા લાગ્યા તેથી ચતુર સુજાણી ચાવડી રાણી જીજીબા ચેતી ગયા. તેમણે મનોમન વિચારી લીધું કે જાતે દિ’એ સત્તાલાલચુ કુંવર નું કાસળ કાઢી નાખતા વાર નહિ લગાડે. એ દિ’ પંડયના કવર જયવંતસિંહને લઇને પિયરનો પંથ પકડી લીધો. વખંભર કોંતલનો પંથ કાપીને વરસોડા પૂગ્યા.

વરસોડા માથે પિતા બાદરસિંહનું રાજ તપે. ભલભલા ભૂપના હલ્લાઓ ખાળીને ટાળીને વરસોડું જાણ્યે પ્રભુને ખોળે બેઠેલું હતું. ચાવડાની શૂરવીરતાથી શેષોભાઇ અજાણ્યો નોતો. તેમ જીજીબાની ચપળતા અને રાજકીય રીતરસમથી પણ અણદીઠ નહોતા. પેશ્વાની મદદનો ત્રગડ રચીને નારીચાણા પર ખાબકતા વાર નહિ લગાડે. પહેલો ઘા પરમેશ્વરનો ધારીને હળવદ માથે ઝપટ બોલાવી. ગજસિંહજી રાજને રેઢુ મુકીને પુગ્યા બાવળી. તે  સમયે સગપણે કલાભાઇ તેના કાકા થાય. કલાભાઇને કુબેર ભંડારી સમા ધાના રાબાની જબરી ઓથ હતી. બન્ને વચ્ચે ભેરૂબંધીની લીંગઠ ગાંઠ વળી ગયેલી. કોઠાસૂજ અને વખત આવ્યે તેગ તાણવાની કળા તેમને કિસતારની ભેટ હતી.

કાકા પાસે ભત્રીજાએ પોતાની ભીડ ભાંગવા આધાર માંગ્યો.
વાત સાંભળતાં જ કલાભાઇએ ઘોડા પર પાખર મંડાવ્યા. ભેટ વાળી પાડાની જીભ જેવો બેધારો જમૈયો ભેરવ્યો. માથેઆંટી આળી પાઘડી મૂકી ખંભે સોનામહોરે જડેલ હંબેલ પટાવાળી મખમલે મઢેલ શિરોહી તેગ ટાંગી. જે શક્તિમા બોલીને કલાભાઇએ ઘોડાને હળવદના મારગે વેતો કર્યો. રેવાલ ચાલે, અશ્વે હળવદનો પંથ ટૂંકો કર્યો.

પાદરમાં તણાયેલી શેષાભાઇની છાવણી પાસે ઘોડાના ડાબા થંભ્યા, કલાભાઇને જોતાં જ છાવણીની ચોકી કરતા સિપાઇએ શેષાભાઇને ખબર દીધા કે કલાભાઇ પૂગ્યા છે.

ભલે આવ્યા .. હાલ્ય હું સામે પગલે આવું છું. કુટુંબી કાકા-ભત્રીજા ભેટયા. બીરાજો કાકા… બોલીને શેષાભાઇએ વિવેક કર્યો. ત્રીજી કણ્યે ચઢેલા હોકાની ઘુંટય લેઇને શેષાભાઇએ સવાલ કર્યો ઃ

‘ઠેઠ બાવળીથી આંઇ લગણ અણધાર્યું આવવું થયું..’
કલાભાઇએ નજર ધ્રોબીને વળતો ઉત્તર દીધો ઃ
‘આવ્યો છું ધારીને, અણધારીને નહિ’

‘શું ધારીને આવ્યો છો?’
‘શેષાભાઇ તમે કાંડાબળિયા છો. તમારી જોરાવરી જબરી છે પણ…’
કલાભાઇ થંભ્યા એટલે શેષાભાઇએ કહ્યું.

‘પણ શું?’

‘ ઘરના દીવાથી ઘર કાં સળગાવો. આ તો જાદવાસ્થળી જેવો ઘાટ થાય છે. તમારી જોરાવરી કાલ્ય જાતી રે’શે તેદિ’ પસ્તાવાનો પાર નહિ રહે.’

‘કાકા, તમે ભીતરના ભેદ જાણતા નથી. જીજીબાની રાજરમત્યને તમે ઓળખતા નથી. જેદિ તે દિ’ ઝાલાવાડ માથે ઝળુંબશે માટે તમને રાજસીતાપુર ગામ બક્ષીસ આપું છું. તે કબુલ કરીને વળી નીકળો’

શેષાભાઇનો પાસો પાછો વાળતા કલાભાઇ કરડી આંખ કરીને વદ્યા.

‘ગામથી વફાદારી વેચાણમાં ન મળે. સાનમાં સમજી જાવ તો સારી વાત છે. કુટુંબકલહ ટળે. ન સમજો તો અમારે પણ સાબદાઇ કરવી પડશે.’

વિજયના કેફમાં ચકચુર શેષાભાઇથી કાકાના વેણ ખમાણા નહિ ત્રાડ નાખીને બોલ્યા ઃ

‘કરો સાબદાય, આ શેષો રણમેદાનમાં ભરી પીશે.’

‘જેેવી શક્તિ માની મરજી’ બોલીને કળવકળના જાણતલ કલોભાઇ ઉભા થઇ છાવણીમાંથી બહાર નીકળી ધોડે રાંગ વાળી વળી નીકળ્યા. એનુ કલેજું કોરાતું હતું. શેષોભાઇ મનાવ્યો માન્યો નહિ એનો વસવસો હતો. અકારણ કુટુંબકલહ થઇ રહ્યો હતો. શેષાભાઇની શક્તિના એ જાણતલ હતા. ખેંરખાઓને એ ખોખલા કરી નાખવામાં મોડું કરતા નહિ. એ કોઇને ખંડણી કે જોરતલબી આપતા નહીં એની સામે જે પડયો એને ભોંભેગો કરી ધૂળચાટતો કરી દેવાની તાકાત એની તેગમાં હતી. કલાભાઇ અને શેષાભાઇ વચ્ચે થયેલી વડછડની વાત પૂગી વરસોડા જીજીબાએ વખતને વધાવી લીધો. પિયર પક્ષ મારફતે પેશ્વાના સરદાર ભગવંતરાવની મદદ લીધી. સેના ઉપડી ઝાલાવડને ઝબ્બે કરવા. બાવળીના કલાભાઇને ભેળા લીધા. ધોળકા અને વિરમગામના કસબાતીઓનો સઘળો સાથ મળ્યો. હડુડુડુ કરતો હલ્લો ખાબક્યો હળવદ માથે મંડી બટાઝટી બોલવા. તલવારો વિંઝાણી. મારો કાપોના હાંકોટા હળવદની માથે ગરજાની જેમ ગુંજવા લાગ્યા. ઘેરાયેલા શેષાભાઇ સૈનિકોનું કુંડાળુ છેદીને ધ્રાંગ્રધ્રા ઉપર ત્રાટક્યા. હલ્લાએ એનું પગેરું દબાવ્યું ત્યાં શેષાભાઇને ઘેરી લીધા. કલાભાઇએ આ કુટુંબકલહનો અંત લાવવા રાજ ગજસિંહ અને શેષાભાઇને સામસામા બેસારી કહુંબા પીવરાવી સમાધાન કરાવી બાવળી વળી નીકળ્યા.

નોંધ ઃ રાણા કલ્યાણસિંહજીનો જન્મ ઇ.સ. ૧૭૧૮માં થયો હતો. તેમનુ અવસાન ઇ.સ. ૧૭૭૮ માં થયું હતું. તેમના આઠમી પેઢીના વંશજ દીલીપસિંહ ઉમેદસિંહ (અમુભા) ઝાલા અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે.

કથા બીજ: શ્રી રણવીંરસિંહજી એલ. ઝાલા ગાંધીનગર.

તણખો: લોકશાસનમાં સ્વતંત્રતા સિવકાર્ય હોય પણે એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તન પામે ત્યારે અનેક વિટંબણોઓને જ્ન્મ આપે છે. એકની સ્વછંદતા તંત્ર અને નિર્દોષ સંતાનોને પીડા આપે છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!