રૈયતને રોળનારના માથા માંગનાર રાજવી ભગવતસિંહજી

ગોંડલ ગામ ઉપર ચંદનના લેપથી લિપ્ત સુંદર લલનાના આલિંગનમાં આળોટતા રસિયાના હૃદય જેવી રળીઆમણી રાત ઢળી રહી હતી. આભને ઝરૂખે મદરાક્ષિના રાતા હોઠની રેખા જેવો બીજનો ચંદ્ર શોભી રહ્યો હતો. વિરહિણીના દિલને દઝાડતો શીતળ સલીલ દોટું દઈ રહ્યો હતો.

એવે વખતે ગોંડલની કાજળકોટડીમાં કેદ થયેલો અલીમીયો અધરાતના ટાણાની ઉઘાડી આંખે રાહ જોતો આળોટતો પડયો હતો. મનમાં જેલ તોડવાના મનસૂબા ઘડતો હતો. જારના રોટલા ને મીઠાની કાંજી ખાઈ ખાઈને ખોખરા થયેલા અલીમીયાંને પોતાનું આયખું ટૂંપાતું લાગતું હતું. કોઈ ગુનામાં કાયદાની ઝપટે ચડી ગયેલો અલીમીયાં જેલમાં જાણે ઓગળી રહ્યો હતો.

સનકારો કરીને સરી જતી સુન્દરીની ભુ્રકુટી જેવો ઈન્દુ આભમાં ઓગળી ગયો. તારલાના ભર્યા દરબારના દબદબાભરી રાત શોભી રહી. એવે ટાણે આળોટતો અલીમીયાં ઊઠયો. બળુકાં બાવડાંના બળે એણે જેલના ધીંગા સળીઆને મૂળમાંથી મરડી નાંખ્યા. થયેલા પોલાણમાંથી સાપોલીઆની જેમ પોતાની કાયાને સરકાવી ઝોકે ચડેલા પહેરેગીરોના મૂંડામાં ફડોફડ ધોકા મારી બંદુકો કબજે કરી. બેયની છાતી સામું બંદૂકનું નાળચું નોધી ડણક દીધી,

‘જો કોઈ સળવળ્યું છે તો આ સગી નહિ થાય.’

બંને પહેરેગીરો વાવાઝોડામાં ઝાડવું કાંપે એમ કંપી ઊઠયા. બીજા દસ કેદીઓને મોકળા કરી અલીમીયાં બોલ્યા, ‘જાવ, આ અલીમીયાં તમને માફી આપી છોડી મૂકે છે.’

અને કેદીઓ પીંજરામાંથી પંખીઓ પાંખો ફફડાવી ઊઠે એમ જેલની તોતિંગ દીવાલ ઠેકીને ભાગવા માંડયા. એ જોઈને ચૂપ બેઠેલા પહેરેગીરોમાંથી એક ઊઠીને જેલના દરવાજે પૂગ્યો.

અલીમીયાંની આંખ કરડી બની. ભરેલી બંદૂકને અલીમીયાંએ હાથમાં તોળી તારોડીઆના તેજે નિશાન નોંધી બંદૂકનો ઘોડો પાડયો. ગોળી છૂટી, અલીમીયાંની બંદૂકમાંથી છૂટેલી ગોળી પહેરેગીરની પીઠમાં માથાબોળ નાહીને સોંસરવી નીકળી ગઈ. બંદૂકનો બોદો અવાજ દરબારગઢની દોઢીએ પૂગ્યો. ગોંડલનો રાજવી ઝબકીનો જાગી ગયો.

ભગવતસિંહજીનાં વેણ છૂટયાં ઃ ‘કોણ છે હાજર ?’

‘જી હજૂર’

કહીને અંગરક્ષકોએ હજૂરનાં વેણને ઝીલ્યાં. રૈયતનાં રખવાળાં કરવા રાતદિ’ જાગતા રહેતા ગોંડલનરેશે હુકમ દીધો ઃ ‘જેલ તરફ પૂગો.’

ફોજ છૂટી, ઘડી બે ઘડીમાં તો જેલને ઘેરી લીધી. આઠ કેદીઓ છટકી ગયા. અલીમીયાં અને બાકીના મળી ત્રણ કેદીઓ ભરાઇ પડયા. ત્રણેએ પંડયનાં મોત સામે ભાળ્યાં. એ જાણતા હતા કે જીવતા ઝલાશું તો ભગોબાપો ભોમાં જડી દેશે. અલીમીયાંએ અક્કલને કામે લગાડી.

એક લાકડીને છેડે ધાબળો બાંધ્યો અને પછી એ ધાબળો ઉગમણી દ્દશ્યની દીવાલ પાસેથી ઊંચો કર્યો. ઝાંખા તેજમાં માણસના માથા જેવું રૂપ ધરીને દેખાતા ધાબળાને કારણે પોલીસના માણસો ફરેબીમાં પડયા. માણસ જાણી તેના ઉપર ગોળીઓનો મે વરસાવવા માંડયા એ તકનો લાભ લઇને બાકીના બે કેદી આથમણી દીવાલ ઓળંગીને ઊતરી ગયા. છેલ્લે અલીમીયાં ઊતર્યો.

કેદીઓ ભાગી જતાં બચેલા એક પહેરેગીરે પડકાર કર્યો ! ઠાકોર સાહેબનો અંગરક્ષક ભાગતા કેદીઓને પકડવા લંકાના રણમેદાનમાં ભગવાન રામના ધનુષ્યબાણમાંથી રાવણનાં દશ માથાં ઉતારવા છૂટેલા બાણની જેમ છૂટયો. એટલી વારમાં બે કેદીઓ એક વાડીમાં ઊતરી ગયા. અલીઓ ઉઘાડા મારગ ઉપર આવ્યો. અંગરક્ષકે અલીઆને જમીન સાથે જડી દેવા ભરી બંદૂકે પગલે પગલું દબાવ્યું. લાગ આવતાં બંદૂક તોળી ભડાકો કર્યો. પણ નિશાન ખાલી ગયું.

અલીમીયાંએ પાછા ફરી પાછળ આવતા અંગરક્ષક માથે બંદૂકનો ભડાકો કર્યો. અલીમીયાંના અચૂક નિશાન સાથે છૂટેલી ગોળીએ અંગરક્ષકના અંગને આરપાર વીંધી નાખ્યું. બહાદુર ગરાસીઓ પળવાર તરફડીને પ્રાણ છોડી ગયો. આમ બે બહાદુર સિપાઈઓને સુવરાવીને છટકી ગયેલા અલીઆને જીવતો કે મરેલો પકડવા ગોંડલનો ધણી ધગી રહ્યો છે.

રૈયતને રોળનારના માથાનો માંગનાર ભલો ભૂપ ફોજ ઉપર ફરમાન ઉપર ફરમાન છોડે છે, ‘પાતાળ ફોડીને પણ ગોંડલના ગુન્હેગારને હાજર કરો.’

અલીમીયાં ગોંડલનો સીમાડો છોડીને જેતપુરમાં ઊતરી ગયો હતો. એ જાણતો હતો કે છતરાયા થયા ભેળો ગોંડલને હવાળે પૂગીશ. એટલે એ જેતપુરમાં છૂપા વેશે ફરતો હતો. સર ભગતસિંહજીનો પિત્તો સાતમા આસમાનને આંબતો હતો.

‘મારા માણસોનાં મોત કરનારનું મારે માથું જોઈએ.’ ગોંડલનું પોલીસખાતું ખળભળી ઊઠયું.

જેતપુર માથે વિલાસરસમાં તરબોળ બનેલી તરૂણીની અધખુલ્લી આંખ જેવો અરુણ પૂર્વના પગથારે પગલાં પાડી રહ્યો હતો. વિરહિણીના ઉરમાંથી ઊઠતી આગ છૂપી પ્રીતને ઉઘાડી પાડી દે એમ અંધારુ ઓઢીને સૂતેલી ધરતીને તેજકિરણો ઉઘાડી કરી રહ્યાં હતાં.

એવે ટાણે ગોડલના લખમણવાળા નામના પોલીસની આંખ વેશપલટામાં પોતાની જાતને છુપાવીને ઊભેલા અલીમીયાંને માથે પડી. ધારીધારીને અલીમીયાંને ઓળખ્યો. લખમણવાળાએ અલીમીયાંને માથે છાપો માર્યો ! હો હા અને ગોકીરો બોલ્યો. જેતપુર રાજની પોલીસ પૂગી. અલીમીયાંને દોરડે બાંધી ગોંડલના દરબારમાં ખડો કરવામાં આવ્યો ત્યારે સર ભગવતસિંહજીના આઠેય કોઠે ટાઢક વળી.

અલીમીયાં અને બીજા પકડાયેલા બે કેદીઓ ઉપર અદાલતમાં કામ ચાલ્યું ને અંતે જેલ તોડીને ભાગતા બે ખૂનના અપરાધ માટે જેલની સામે ફાંસીને માંચડે ટીંગાડવામાં આવ્યા.

નોંધ ઃ- આ બનાવ ઈ. સ. ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૨૬મી તારીખની રાત્રે બન્યો હતો. અલીમીયાંને ૨૯ મેના રોજ જેતપુરમાંથી ઝબ્બે કરવામાં આવ્યો હતો. અલીમીયાંને પકડનાર લખમણવાળાને રૂ. ૫૦૦નું ઇનામ અને બીજા પકડનારને રૂ. ૨૦૦નું ઇનામ આપવામાં આવ્યું હતું.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!