અંગ્રેજ દ્વારા પુનઃનિર્મિત ભારતનું એક માત્ર મંદિર – શ્રીબૈજનાથ મહાદેવ

હિન્દુ સંસ્કૃતિ અત્યંત પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે અને હજી સુધી અડિખમ ટકી રહી છે. જ્યારે તેની સહજીવી અમુક સંસ્કૃતિઓ આજે પૂર્ણપણે વિનાશ પામી છે. જેમ કે,ઇજિપ્ત-મિસરની સંસ્કૃતિ…! હિન્દુ સંસ્કૃતિ અર્થાત્ આર્ય સંસ્કૃતિ હજી સુધી અડીખમ છે તો તેની ભવ્યતા, સંસ્કાર અને અડગતાને લીધે. તદ્દોપરાંત,એવા એવા ચમત્કાર આ સંસ્કૃતિમાં થયાં છે જેને લીધે તે સદાય અમર બની ગઇ છે !એ ચમત્કારોમાંના અમુક તો માની ના શકાય એવા છે. અમુક અવર્ણનીય છે તો અમુક બુધ્ધિને કસોટીએ ચડાવે એવા છે ! આજે એક એવા જ મંદિર વિશે વાત કરવી છે જેમાં બિરાજમાન મહાદેવ શંકરે અફઘાનના ભયાવહ મુલ્કમાં એક અંગ્રેજ અફસરની રક્ષા કરેલી !

વાત છે મધ્યપ્રદેશના આગર માલવા નગરમાં સ્થિત શ્રીબૈજનાથ મહાદેવની. જેમનું મંદિર આગર માલવા જીલ્લામાં સ્થિત છે. આજે પણ હજારો ભાવિકો અહિં દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનામાં અને અન્ય વાર-તહેવારે અહિં ખાસ્સી ભીડ રહે છે. કહેવાય છે કે,આ મંદિરનું શિવલિંગ તો છેક મહારાજા નળના વખતનું છે ! અહિં મંદિરમાં એક દોઢેક સદી જુનો એક પ્રશસ્તિ પત્ર છે. જેને વાંચતા જણાય છે કે, આ મંદિરનો જીર્ણોધ્ધાર ૧૮૮૩માં એ વખતના ૧૫ હજાર રૂપિયાને ખર્ચે એક અંગ્રેજ અફસર નામે કર્નલ માર્ટિને કરાવ્યો હતો ! અને આજ આશ્વર્ય છે. એક અંગ્રેજ શા માટે શિવમંદિરનું સમારકામ કરાવે ? એને શી લેવાદેવા ભારતીય સંસ્કૃતિ સાથે કે એના મંદિરો સાથે ? પણ ના, એણે જ કરાવેલો જીર્ણોધ્ધાર. અને તે પાછળ એક કથા રહેલી છે – સત્યકથા. ઇતિહાસ એ વાતની સાક્ષી પુરે છે. અને ભુતકાળમાં ડોકિયું કરી એ વાતનો ઇતિહાસ ખરેખર તપાસવા જેવો છે –

Baijnath Mahadev

વાત એમ બની કે, મધ્યપ્રદેશના આ આગર માળવા નગરમાં ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ પૂર્ણ થયા બાદના વર્ષોમાં માળવા રેજીમેન્ટના કર્નલ તરીકે કર્નલ માર્ટિન નામે એક અંગ્રેજ અફસર તેમના પરિવાર સહિત રહેતો હતો. એ વખતે અફઘાનિસ્તાનના પઠાણોનું જોર વધવાથી તેમની સાથે યુધ્ધ માટે જવાનો હાઇ કમાન્ડનો આદેશ કર્નલ માર્ટિનને મળ્યો. અને તે અફસરો સાથે અફઘાનિસ્તાનની ભૂમિ પર ગયો. એ વાત હતી ઇ.સ.૧૮૭૯ની.

કર્નલ માર્ટિન નિયમિત રીતે અફઘાનિસ્તાનથી માળવામાં રહેતી પોતાની પત્નીને પોતાની ખબરના અને પોતાની ક્ષેમ કુશળતાના સંદેશા મોકલાવતો રહેતો. જેને વાંચીને એમની પત્નીને શાંતિ થતી. પણ પછી એવું બન્યું કે, કર્નલ માર્ટિનના સંદેશા આવતા બંધ થયા ! ઘણો વખત વિત્યો છતાં એકેય સંદેશ પ્રાપ્ત ન થયો ! મિસીસ. માર્ટિનને પોતાના પતિની સ્વાભાવિક પણે જ ભારે ચિંતા થવા લાગી. અજાણ્યા અને ભેકાર-વિષમ આબોહવા વાળા મલકમાં કર્નલનું શું થયું હશે ? સંદેશા કેમ નથી મળતાં ? શું અફઘાનોએ અંગ્રેજ સેનાને…..આવા આવા વિચારો એને આવવા લાગ્યા.

એક દિવસ ચિંતાતુર એવી તે ઘોડા પર બેસીને નગર વિહાર માટે નીકળી. તેના મોઢા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જણાઇ આવતી હતી. ફરતી ફરતી તે બૈજનાથ મહાદેવના મંદિરની નજીક આવી. ત્યાં તેમના કાને મંત્રોચાર અને શંખનાદના અવાજો સંભળાયા. આકર્ષિત થઇ તે મંદિર નજીક ગઇ અને બ્રાહ્મણને આ શું છે તે પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું કે, અહિં ભગવાન શિવની રૂદ્રી થઇ રહી છે. અને શિવ સર્વ દુ:ખને હણનાર છે. પણ તમારા મોં પર આવી ચિંતાની ઘેરી છાયા શા માટે છે ? બ્રાહ્મણે પ્રશ્ન કર્યો.

મિસીસ. માર્ટિને પોતાની હક્કીકત કહી સંભળાવી. મારા પતિના દિવસોથી કોઇ સમાચાર નથી – કહી તે રોઇ પડી. બ્રાહ્મણે કહ્યું કે, તમે ભગવાન શિવની લઘુ રૂદ્રીનું અનુષ્ઠાન કરો. શિવ તમારા બધા વિઘ્ન હરશે. આ વાત સાંભળી મિસીસ. માર્ટિને પ્રતિજ્ઞા લીધી કે, જો તેમના પતિ હેમખેમ પરત ફરશે તો તે મંદિર પર સુવર્ણ કળશ ચડાવશે અને મંદિરનો જીર્ણોધ્ધાર કરશે. એ પછી તેમણે રૂદ્રીના અનુષ્ઠાનનો આરંભ કર્યો. બૈજનાથ મહાદેવના સાનિધ્યમાં બ્રાહ્મણોના મંત્રોચાર ગુંજી ઉઠ્યા.

રૂદ્રીના પૂર્ણાહુતી દિવસે જ મિસીસ. માર્ટિનને સંદેશો મળ્યો. જેમાં કર્નલ માર્ટિને લખ્યું હતું કે,”ઘણા દિવસોથી અમે અફઘાન પઠાણોના ઘેરાવામાં આવી ગયેલા હોઇ હું તને સંદેશો ના આપી શક્યો. અમે પૂર્ણ રીતે પઠાણોની કાબુમાં હતાં. અમારા અફસરો મરી રહ્યાં હતાં. અમારી સેના હારી રહી હતી. પણ અચાનક એક દિવસ રણમેદાનમાં મને એક જોગંદર સમા કોઇ મહાયોગી દેખાયા. તેમના હાથમાં ત્રણ પાંખાળુ હથિયાર [ત્રિશુળ] હતું. અને અમારા પર થતાં પઠાણોના બધાં વાર નિશાન ચૂકવા લાગ્યાં…!અમારી સેના પઠાણો પર ભારી પડવા લાગી અને આખરે અમે એ યોગીના પ્રતાપે અફઘાનો પર વિજય મેળવ્યો. હવે અમે પરત ફરીએ છીએ !

મિસીસ. માર્ટિનના હરખનો પાર ન રહ્યો. એણે બૈજનાથ મહાદેવ સમક્ષ નતમસ્તક પ્રણામ કર્યાં. રણમાં દેખાયેલ એ યોગી ભગવાન રૂદ્રરૂપ શિવ જ હતાં ને !કર્નલ માર્ટિન પાછો આવ્યો અને પત્નીએ તેને બધી વાત કહી. માર્ટિને ઇ.સ.૧૮૮૩માં મંદિરનું પંદર હજારના ખર્ચે સમારકામ કરાવ્યું અને કળશ મુકાવ્યો ! એક અદ્ભુત સંસ્કૃતિ સંગમનું જ્વલંત ઉદાહરણ !

વર્ષો પહેલાં આ મંદિર અઘોરી સંપ્રદાયની સાધના માટે પણ મહત્વનું હતું. પચાસ ફુટ ઉંચા આ મંદિર પર ચાર ફુટનો સુવર્ણ કળશ છે. મંદિર ઉત્તર અને દક્ષિણ ભારતીય શિલ્પશૈલીના સમન્વયથી બંધાયેલ છે. મંદિરની બહાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત દેવતાઓના કલાત્મક શિલ્પો પણ છે. મંદિર પાછળ આવેલ કમલકુંડમાં રહેલા કમળો કુદરતી રીતે આ મંદિરની શોભામાં ઔર વધારો કરે છે. મંદિરમાંનુ શિવલિંગ આગ્નેય ખડકોનું બનેલ છે.

ભારતીય સંસ્કૃતિની મહાનતાના ઉત્તમ દાખલારૂપ બાણગંગાને કિનારે વસેલ શ્રીબૈજનાથ મહાદેવનું આ મંદિર સદાય ભક્તોને આકર્ષિત કરનાર છે !

– Kaushal Barad.

error: Content is protected !!