જ્યારે એક વૃધ્ધ ડોશીએ શિવાજીને “છત્રપતિ શિવાજી” બનાવ્યાં

આ વાત એ સમયની છે જ્યારે શિવાજી ઔરંગઝેબની મુગલસેના સામે છાપામાર યુધ્ધો કરતા.મુગલ સેનાના પડાવ પર અચાનક વિજળીક વેગે હુમલો કરીને તેનું કસાયેલું નાનકડું સૈન્ય બધું ખેદાનમેદાન કરી,અનેકને સુતા જ ઠાર મારી આંખના પલકારામાં ઓજલ થઇ જતું.આ યુધ્ધોમાં મોટેભાગે શિવાજી વેશપલટો કરીને જ નીકળતા.અગાધ બુધ્ધિ અને કૌશલ્ય જો કોઇનામાં હોય તો એ શિવાજીમાં હતું.

એમાં એક વખત શિવાજી પોતાની સેનાથી વિખુટા પડી ગયાં.સાંજ ઢળી રહી હતી અને મહારાષ્ટ્રની ડુંગરાળ ભુમિ પર વેશપલટો કરીને ફરતા શિવાજીને કકડીને ભુખ લાગી.તેઓ ડુંગરાઓની તળેટીમાં આવેલા એક ગામની ભાગોળે ગયાં.પાદરમાં નાનું એક ઝુપડું ઢળી ચુકેલી રાતના આછા અજવાળામાં દેખાયું.અંદર ઝીણો દિવો બળતો હોવાનું પણ નજરમાં આવ્યું.શિવાજી ઝટપટ તે ઝુંપડી તરફ ચાલવા લાગ્યા,ઘણા વખતથી કાંઇ ખાધું ના હોઇ હવે ભુખ જળવાતી નહોતી.જઇને બારણે ટકોરા માર્યા.

“કોણ છે અટાણે ?” અંદરથી એક વૃધ્ધ ડોશીનો ચહેરો ડોકાયો.એના સિવાય અહિં કોઇ રહેતું ના હોવાનુ શિવાજીને લાગ્યું.

“માં ! કાંઇ ખાવા મળશે ? અતિશય ભુખ લાગી છે.”

“હાં,કેમ નહિ ? હવે આ ઉમરે બીજાના પેટ ઠારવાથી મોટું પુણ્ય બીજું કોઇ ના હોય. અંદર આવતો રહે,બેટા ! જો હમણાં જ ગરમાગરમ ભાત રાંધ્યો છે.”

શિવાજી અંદર દાખલ થયાં અને ડોશીએ એક થાળીમાં ભાત હતું તે આપ્યું.ભાત ખદખદતું હતું.જો કે તેની બહારની બાજુ ઠંડી પડી ગઇ હતી.પણ ઉતાવળા બનેલા શિવાજીએ સીધો ભાતની વચ્ચે જ હાથ નાખ્યો.અને એકદમ જ પાછો લઇ લીધો.તેની આગળીઓમાં બળતરા ઉપડી.અંદરની બાજુનો એકદમ ખદખદતા ભાતમાં તેણે હાથ નાખેલો.

Shivaji maharaj

ડોશીએ આ જોયું. તેના મોં પર અણગમાનો ભાવ પેદા થયો.

“તું પણ પેલા મુર્ખા શિવાજી જેવો જ લાગે છે ! સકલ તો એને મળતી આવે છે,અક્કલ પણ એના જેવી જ છે.”

શિવાજીના આશ્વર્યનો પાર ના રહ્યો.આ વૃધ્ધ સ્ત્રી મને શા માટે મૂર્ખો કહેતી હશે ? મેં તો એનું કાંઇ બગાડ્યું નથી.તો શું કારણ હશે ?

પોતે શિવાજીએ વાણી પરથી ઓળખાય ન જાય એવી રીતે શિવાજીએ નીચું જોઇને પ્રશ્ન કર્યો –

“કેમ માજી ? શિવાજી મૂર્ખો છે ?”

“હાસ્તો.મૂર્ખો તો ખરો ને !”

“પણ કેમ ?”

ડોશી બોલ્યાં – ” એ પણ અદ્દલ તારા જેવી જ અક્કલ ધરાવે છે. તે કોરો પરનો વહેલો ઠંડો પડી ગયેલો ભાત ખાવાને બદલે સીધો ભાતની વચ્ચોવચ હાથ નાખ્યો અને એ ધગતો ભાત ખાવાની તારી ત્રેવડ નો’તી એટલે તું ધગી ગયો.”

થોડીવાર ઝુંપડીમાં ચુપી છવાઇ રહી.એક ઉધરસ ખાઇને માજી આગળ બોલ્યાં –

“બસ….એવું જ આ શિવાજીનું છે. એ પહેલાં દુશ્મનોના સીમાડાને અંતે આવેલા ને નબળા કીલ્લા જીતવાને બદલે સીધો વચ્ચે આવેલા દુશ્મનોના અડા જેવા તાકાતવર કિલ્લાઓ પર હાથ નાખવા જાય છે ને દડાંની જેમ ભટકાઇને પાછો આવે છે. એની સેના જ એટલી નથી કે એવા કિલ્લા જીતી શકે.એને બદલે જો એ પહેલાં નાના-નાના કિલ્લા જીતે તો એની તાકાત વધે ને એમ કરતાં-કરતાં એ છેવટે મોટા કિલ્લાઓ પણ કબજે કરી શકે. ભગવાન કરે મારી આ વાત એને કોણ સમજાવે ?” ડોશીએ પોતાની વાત પુરી કરી.એના મોઢા પર નિરાશા વંચાતી હતી.

પણ આ બાજુ શિવાજીના મગજમાં ઝબકારો થઇ ગયો.એને માજીની વાત એકદમ સાચી લાગી. તેણે મનોમન માજીને વંદન કર્યા અને આ પ્રમાણેની રણનિતી અપનાવવાનો સંકલ્પ એ જ સમયે કરી નાખ્યો.

થયું…..દક્ષિણ ભારતના અડીખમ મરાઠા સામ્રાજ્યનો પાયો એ વખતે એ ઝુંપડીમાં નખાઇ ચુક્યો હતો !

બરોબર આ રણનિતીને અનુસરતા પછી તો મરાઠાઓના “જય ભવાની” અને “હર હર મહાદેવ”ના પડઘાઓ સમગ્ર મહારાષ્ટ્રના કિલ્લે-કિલ્લે ગુંજવા લાગ્યાં, પછી તે તોરણા હોય, રાયગઢ હોય કે સિંહગઢ! શિવાજીએ દક્ષિણ ભારતનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને ખરા અર્થમાં “છત્રપતિ”નું બિરૂદ ધારણ કર્યું.

પણ એ વાત ભુલવા જેવી નથી કે આ મહાન સામ્રાજ્યનો પાયો નાખવામાં જેટલો ફાળો જીજાબાઇ,શાહજી,ગુરૂ રામદાસ અને દાદા કોંડદેવનો હતો એટલો જ મહાન ફાળો ઝુંપડામાં રહેતી એક વૃધ્ધ ડોશીનો પણ હતો !

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

error: Content is protected !!