ભેંસો સાથે જોડાયેલી કહેવતો અને રસપ્રદ કથાઓ

ગીરમાં વસતા માલધારીઓ પોતાની ભેંસોને સાંકળ વડે કોઈ દિવસ બાંધતા નથી. દોહતી વખતે કે રાત્રે કાંટાની વાડ્યવાળા વાલોડિયામાં છૂટી જ રાખે છે. જંગલના બહોળા ચરિયાણમાં ચરતી અને હિરણ્ય જેવી હલકાળી નદિયુનાં નીર પીતી ગિરની ભેંસો વિકરાળ સાવઝથી જરીયે ડરતી નથી. રાતવરતનો કોઈ સિંહ રબારીના નેસમાં જાનવરને ઉપાડવા આવી ચડે તો ભેંસો બીને ભાગાભાગ કરવાને બદલે ભેગી થઈને હીંહોટા નાખતી સાવઝને શીંગડે ચડાવે છે. એકલદોકલ ભેંસને તો સિંહ એક સપાટે પાડી દે છે પણ ઝાઝી ભેંસોનું જૂથ વનના રાજાને ઊભી પૂંછડિયે ભગાડી મૂકે છે. એની રૂંવાડાં ખડાં કરી દેનારી વાતડિયું માલધારી મલકમાં આજેય સાંભળવા મળે છે.

ગિર પંથકમાં આવેલ કનકાઈના મેકરણ નામના માલધારીની શીંગવડી નામની ભેંસે સાવઝ સાથે કરેલા યુદ્ધની કંઈક વાતો કાવ્યોમાં કંડારાઈ છે. શીંગવડી ભેંસે સાવઝને ભગાડી મૂક્યો ત્યારે મેકરણ માલધારીએ પોતાની ભેંસને ‘શીંગવડી’ને બદલે ‘શીંગવડો’ કહીને શાબાશી આપી. સ્વ. શ્રી શંભુભાઈ દેસાઈએ ભેંસની શૂરવીરતાનું ચારણી ગીત નોંઘ્યું છે ઃ

આઈ કનકાઈની નદીમાં ઊભી’તી
શીંગવડી મેખી મન મેકરણની
કાળરૂપ કેસરી કૂદ્‌યો ત્યાં ખાડુમાં
સાવ મૂકી શરમ મા શરણની
ગાઢ ગોવાળના છક્કા છૂટી ગયા
રાડ્‌ય નીકળી ગઈ ઑય માડી !
પહાડ ઘૂ્રજ્યા અને ધરતી રહી ધણધણી
ત્રાડ જ્યાં જમદૂતે જબ્બર પાડી
મેખીએ કરવતી કરડ કાવા કીધો
લેખીને જવનને બળી બકરો
પેખીયે શીંગડાં સાવજે સાબદાં
શેખીથી પેંતરો ભર્યો જબરો
ક્યાં લગી શીંગવડી વાટ જોયાં કરે
ક્યાં લગી મેખડી ધીરજ ધારે ?
અધીરી એકલી તૂટી પડી અનાડી
ખડેલીનું ખરૂં રૂપ ખીલે
ઉલાળી ઉછાળ્યો વાંભ વનરાજને
કળ વળી ગઈ ચઢ્‌યો જાય ચીલે
નઠારો ઢૂંક્યો નહીં કોઈ દિ’નેસમાં
હેરીને જોયું નહીં ફરીથી હઠીલે.

આવી જ બીજી કથા ગિરના માલધારી હાદાની ટાકુ નામની ભેંસની છે. એમાં ભેંસ અને સાવઝનો સંવાદ આવે છે. આમ સિંહો સામે ટક્કર લેતી અનેક ભેંસોના પ્રસંગો કાવ્યોમાં મઢાઈને અમર થઇ ગયા છે. એકવાર ભૂરિયા નામના ગિરના પાડાએ જુઘ્યે ચડીને સાવઝને ભગાડ્યો હતો એના દૂહા કવિઓ આજેય કહે છે ઃ

ભડ સાવઝને ભૂરિયો, બે આવ્યા બાથે 
પડ લીઘું પૃથ્વીતણું મેવાડે માથે

ભક્તકવિ સ્વ. દુલા ભાયા કાગે કાંગલી નામની સાવઝશૂરી ભેંસ અને એક સિંહ વચ્ચેના સંગ્રામનું સપાખરું ગીત રચ્યું છે. આમ ભેંસોના રૂપ, બહાદુરી અને દાનનાં અસંખ્ય ગીતો રચાયાં છે.

ગામડાગામમાં સરખે સરખી દીકરિયું ગામને પાદર ભેગી થઈને રમતો રમતી રમતી ગીતો ગાય છે તેમાંય ભેંસની પણ વાત આવે છે. છોકરિયુંના બે પક્ષ સામસામા નાચતા જાય ને ગાતાં જાય ઃ

આવ રે નાર નઇં આવું
તારી કોઠીએ જા’ર નઇં આવું
તારી ભેંસ વિયાણી નઇં આવું
એનું પાડું જોવા આવ્ય, નઇં આવું
ભઘરી ભેંસ નઇં આવું
ભૂરિયો પાડો નઇં આવું
એની બળી ખાવા આવ્ય, ઝટ આવું.

જૂના કાળે ગામડાઓમાં ભવાયાના પેડાં (ટોળાં) રમત કરવા આવતાં. ભવાઈમાં ડાગલો ‘પાંચકડાં’ ગાતો, પાંચકડાંમાં નજીકમાં બનેલી કોઈ ઘટનાને હાસ્ય રમૂજ દ્વારા રજૂ કરી આનંદનો અબિલ ગુલાલ ઉડાડતો

ભૂરાભૈએ ભેંસ લીધી મોટાં શીંગડે મો’યા.
દોણું લઈને દો’વા બેઠા, રાત બધી રોયા
હરિ તારાં પાંચ પાંચકડાં ગાઈ
પરભુના ટાંટિયે લખડ્યા જાઇં

ગામડામાં ભેંસો તો સૌ રાખે પણ કણબી પટેલિયા ભારે ચિવટવાળા ગણાય. ગાયો, બળદો ને ભેંસોની માવજતેય એવી કરે. એમની ભેંસોને ચૂંટલો ખણો તો લોહીના ટસિયા ફૂેટ. તેઓ ઘરનાં ઘી દૂધ ખાવા ભેંસો ઘણી રાખે. કણબીવાડા એનાથી જ ઓળખાઈ જાય ઃ

ભેંસું ઘણી ને બાંધવા ડેલાં,
લૂગડાં જાડાં ને ઘાસના ભારા,
છોકરાં રોવે ને પાડે બરાડા
ઈ એંધાણિયે કણબીવાડા.

કોઠાસૂઝવાળા ખેડૂતો ભેંસ ખરીદતી વખતે તેના શુભાશુભ લક્ષણો પણ જુએ છે. વરાહમિહિરે બૃહત્સંહિતામાં લખેલી વાતની અભણ ખેડૂતોને ખબર હોય છે. તેથી તેઓ વારંવાર મોંની બહાર જીભ કાઢીને ચાટ્યા કરે એવી ‘સરપણ’ અને ખીલે બાંધી હોય ત્યારે સિંઘડાં ઠોક્યા કરે એવી ‘સિંઘઠોક’ ભેંસો ખરીદતા નથી. તેઓ પાણીથી ભીંજાયેલ શરીરવાળી, કાળી ચીકણી ચામડીવાળી, રોમાંચયુક્ત અને પશુધનમાં વૃદ્ધિ કરે એવી ઉત્તમ ઓલાદની ભેંસો જ ખરીદે છે.

ભારતીય ‘શુકનશાસ્ત્ર’માં પણ ભેંસના શુકનનો વિચાર કરવામાં આવ્યો છે ઃ

ચલત ગ્રામ મહિષા વૃષભ
ચરતે અશુભ બખાની,
બૈઠે ચલતે જા દિન મિલૈં
તા દિન કરો પયાનિ.

બહારગામ જવા નીકળેલા મુસાફરે ચાલતી ભેંસ કે સાંઢને જુએ તો એને અપશુકન માની પાછાવાળી જવું જોઈએ, પણ જો ચાલતી, ચરતી કે બેઠેલી ભેંસ અથવા આખલાને જુએ તો તેની જમણી તરફથી પ્રયાણ કરવાથી સારા શુકન થાય છે અને કામ ફતેહ થાય છે.

જો યાત્રીને પ્રસ્થાન સમયે એકી સાથે બે ભેંસો જમણેથી ડાબે જતી જોવા મળે તો યુદ્ધ અને વિનાશ સૂચવે છે. બે ભેંસો અંદર અંદર લડતી યાત્રીકની જમણી બાજુથી ડાબી બાજુ જાય તો રસ્તામાં તેને કોઈની સાથે લડાઈ ઝઘડો થાય છે. એમાં તેનો વિનાશ થાય છે, તેમ શ્રી જયલાભ કૃત ‘અથ શુકન પ્રદીપ શાસ્ત્ર’માં જણાવ્યું છે.

ગુજરાતી સાહિત્યમાં ભેંસો સાથે જોડાયેલી કહેવતો અને રસપ્રદ કથાઓ પણ મળે છે. અમારા ગામના ગામોટ પાસે ભેંસ બહુ સારી. ટંકે અધમણનું બોઘરું ભરી દે. ગામમાં રામસંગ રાજપૂત સીમશેઢે ભાત લઈને જવા ટારડું ઘોડું રાખે. એ ઘોડું જોઈને ગામોટને થયું કે આ ઘોડી લઉં તો બે ગામ વઘુ માગવા જવાય. એણે રાજપૂતને ઘોડાની કિંમત પૂછી. પેલો કહે ગાડાનાં પૈડાં જેવા પાનસે રૂપિયા થાહે. ગામોટ કહે ‘મારી કને પાનસેની મૂડી નથી પણ ઈમ કરો ઃ ‘હું મારી ભેંસ આપું. બદલામાં તમે મને ઘોડી આપો.’ રાજપૂતને ઘેર દૂઝણું નહોતું. ગોરાણી કકળાટ કરતી રહીને ગામોટે ખીલેથી ભેંસ છોડી દીધીને ઘોડી લઈ લીધી. બારેક મહિના થયા ત્યાં તો ઘી દૂધ ટટકારીને પીઢિયા જેવા થઈ ગયેલા ગામોટનાં છોકરાં દુકાળમાંથી ઊઠ્યા હોય એવા છોડિયાં જેવા થઈ ગયાં. ગામોટ ઘોડે બેસીને પરગામ લોટ માગવા ગયા તો લોકોએ લોટ આપવાનું બંધ કર્યું ત્યારે પડોશમાં રહેતાં કવિએ દૂહો કીધો ઃ

(૧) બામણિયા મત થોડી, દીધી ભેંસને લીધી ઘોડી, પહેલાં થતો’તો પીંડો હવે (ઘોડી) કરે છે લીંડો.
(૨) પાસો ભેંસો અગન જલ, ઠગ ઠાકોર સુનાર, એતાં ન હોય આપણા, અજ, વાનર, કુનાર.
(૩) ઘોેક જા’ર બાજરી, ધોકે નાર પાંસરી, ધોકે ડોબું દો’વા દે, ધોકે છોકરું છાનું રહે.
(૪) માકડી ભેંસ ને ચાંદરો પાડો,
જાડો સાડલો ને બરડો દેખાડો
ઊઠો વહુજી મહુડા ખાંડો
ઇ એંધાણિયે કણબીવાડો

(૫)ઘરડી ભેંસ ને હેઠે પાડો
જુવાન વહુ ને બુઢ્ઢો લાડો,
એ ત્રણનો રોજ ભવાડો.

(૬) મેયું (ભેંસો) માંદણે ન મેલીએ,
ઘોડા રેઢાં ન હોય,
પરણ્યા પિયર ન વળાવિયે
એને જોખાં હોય.

(૭) અક્કલ બડી કે ભેંસ અર્થાત્‌ બળ કરતાં બુદ્ધિ ચડે. (૮) નવચંદરી ભેંસને હેઠે પાડી – બધી રીતે સરખું હોવું, બધી રીતે સુખ સગવડવાળું હોવું. (૯) કોઈની ભેંસ ને કોઈ ખંજોળે – અઘટિત સંબંધ હોવો. (૧૦) ભેંસ પાડે આવવી ઃ ૠતુમતી થવી, મશ્કરીમાં છિનાળ માટે પણ આ શબ્દપ્રયોગ થાય છે. (૧૧) મિયાંકી ભેંસકો ડોબા ક્યું કહા ? (૧૨) મૂઈ ભેંસનું ઘી ઘણું (૧૩) મૂઈ પાડીનું લાખમાં લેખું. (૧૪) મૂઈ ભેંસના મોટા ડોળા (૧૪) ભેંસનાં શિઘડાં ભેંસને ભારે. (૧૫) હરડી ભેંસને ગળે ડેરો (૧૬) ખીલાના જોરે ભેંસ દુઝે છે. (૧૭) ભાગિયાની ભેંસ ભૂખે મરે (૧૮) કાજીની ભેંસ આખા ગામના ખેતર ભેળે. (૧૯) રાહ, ભાંડ ઔર ભેંસા, વો બિગડે તો કરના કૈસા ? (૨૦) ભેંસ ડૂબાડે, ગાય તારે. (૨૧) દુઝણી ભેંસની પાટું સારી લાગે. (૨૨) ભીડ ઝૂઝે ને ભેંસ દૂઝે (૨૩) વાઘારી સારુ ભેંસ મારવી. (૨૪) જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો. (૨૫) ભેંસની ચોરી ને ખીલાનું દાન (૨૬) પાડાની પીડાએ ભેંસ કઇં પારહો થોડો જ વાળે ? (૨૭) ભેંસ લાવ્યા પહેલાં ખીલો ખોડવો (૨૮) ઘોઘે ભેંસ ને ઘરમાં ધીંગાણું (૨૯) ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરે ધમાધમ. (૩૦) પાડા, પાડીનું શું કામ ? બળી ખાધાનું કામ. (૩૧) ભેંસ જીરવે ખાણ ને ભાર ઝીરવે વહાણ (૩૨) ભેંસ ઝાળામાં મોઢું નાખે તો લીલાના ભરોસે. (૩૩) પાવલાની પાડીને પોણો જણે. (૩૬) ભેંસ પાઘડી ચાવી ગઈ. (૩૭) કોણ જાણે ભેંસને પાડી આવે કે પાડો ? (૩૮) જેને ઘેર કાળી તેને સદાય દિવાળી. (૩૯) ભગરી ભેંસ જેવો – સાવ મૂર્ખ, ગમાર, અક્કલ વગરનો. (૪૦) ભેંસ આગળ ભાગવત – અંધા આગળ આરસી, મૂર્ખને શિખામણ. (૪૧) ભેંસ કાળી ને બકરીયે કાળી, બધાં સરખા હોવા. (૪૨) ભેંસ પાણીમાં ને સાટું બજારમાં, અયોગ્ય ઉતાવળ કરવી. (૪૩) ભેંસ ફાલી જવી, ભેંસને ગર્ભ રહી જવો. (૪૪) ભેંસભડકામણું અર્થાત્‌ બિહામણું, બેડોળ. (૪૫) ભેંસ ભાંગવી, ભેંસ સાથે પાડાનો સંયોગ થવો. (૪૬) ભેંસના બકરી હેઠ ને બકરીના ભેંસ હેઠ કરવાં, આડાંઅવળાં કરવાં.(૪૭)જમતો પરોણો ભેંસ માને.

ભેંસોના દાન પણ દેવાતાં. જૂના કાળે માલધારી ચારણોમાં લગ્ન થતાં ત્યારે તેમના બારોટો આવતા. વરરાજાની જાન દસ પંદર દિવસ કે મહિનો માસ રોકાતી. બારોટો વરકન્યાની બિરદાવલિયું બોલતા. આ પ્રસંગે ડાયરો ભરાતો પછી માંગણો માટે માંડવો વરસાવવામાં આવતો. એમાં બારોટને કપડાં, રોકડ નાણું અને દૂઝણી ભેંસ દેવાતી. નાતાદારને ત્યાં લગ્ન પ્રસંગે હાથગરણા (ચાંલ્લા)માં માલધારીઓ અને ભરવાડો વાછરડો, વાછરડી કે પાડી આપતા.

આજથી સોએક વર્ષ પૂર્વે તાલુકદારો અને ગરાસદારો ચારણો અને કવિઓ રચેલાંએ કીર્તિકાવ્યો સાંભળીને મોજમાં આવતા ત્યારે ગામના તળાવના માંદણામાં પડેલી ભેંસોને ગોરી વાંભ કરીને બોલાવે ને જેટલી ભેંસો બહાર આવે તે બધી ભેંસો દાનમાં દેવાયાના પ્રસંગો બારોટના ચોપડા માથે મંડાયેલા જોવા મળે છે. એ સમયે લગ્ન પ્રસંગે કે આણાંપરિયાણાના પ્રસંગે દૂધ ખાવા માટે દીકરીને દૂઝણી ભેંસ આપવામાં આવતી. એના દાખલા દેવાતાં, જીકુ ફઇને ધામેણામાં એના બાપુએ ભેંસ દીધી. કૃષિ પરિવારોમાં એનું માહાત્મ્ય ઘણું હતું.

ગ્રામ અર્થકારણમાં ભેંસોનું મહત્ત્વ ઘણું હતું. ખેડૂતો દૂઝણી ભેંસોનું દૂધ ખાતાં. પાંકડાં પાડરાં ને વસૂકી ગયેલી ભેંસોને ખળામાં ઘઉં મસાળતી વેળાએ ગાડાના ઠાઠે બાંધતાં. પાડો બતાવવા છતાં જે ઝામણી જ ન થાય એવી ભેંસો ઓડને વેચી દેવામાં આવતી. ઓડ લોકો તેના પર પખાલ મૂકી તળાવેથી પાણી ભરી લાવી ગામલોકોના ઘર ચણતા. આ બધી ભૂતકાળની વાતું થઈ ભાઈ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!