ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સાધુ-સંતો, મહાત્માઓ, ઓલિયા પીર-પીરાણાં, શૂરાઓ-સતીઓ અને ભક્તોની ધરતી ગણાય છે. જૂનાકાળથી એમના જીવન સાથે જોડાયેલી કંઈક કિંવદંતીઓ, કથાઓ, દંતકથાઓ, પરચા અને ચમત્કારોની વાતો લોકમુખે સાંભળવા મળે છે. આવી અલૌકિક અને અદ્ભુત રસની કેટલીક વાતો જામનગરના રાજકવિ સ્વ. માવદાનજી રત્નુએ ‘જોબનપગીના જીવન વૃતાંતમાં’ ટાંકી છે. આવી વાતડિયુંને વિજ્ઞાનની સરાણે ચડાવીને તેનું પોસ્ટમોર્ટમ કરવાને બદલે શ્રધ્ધાપૂર્વક એનું વાર્તાતત્ત્વ કે અદ્ભુત રસ માણવામાં ભક્તો અને અનુયાયીઓને વિશેષ ગમતું હોય છે એને કારણે સો બસો કે ત્રણસો વર્ષ પૂર્વેથી લોકસમાજમાં આવી વાતું કહેવાતી આવી છે.
આશરે સવા બસો વર્ષ પૂર્વેની આ વાત છે. વડતાલનો વિખ્યાત લૂંટારો જોબનપગી શ્રીજીની ભક્તિના રંગે રંગાઈને સત્સંગી બન્યો નહોતો તે પૂર્વેની આ કથા છે. જોબને જાણ્યું કે સ્વામિનારાયણ ડભાણમાં મોટો યજ્ઞ કરે છે, તેથી કચ્છ-કાઠિયાવાડના મુલકમાંથી ઘણાં કાઠિયાવાડી ઘોડા આવશે, તેમજ દેશપરદેશથી હજારો માણસોનો સંઘ આવશે. આપણે સહુ સાગરિતોનો સાથ લઈ ત્યાં જઈ આપણી કળા (ચોર્યકળા) અજમાવીએ. આમ વિચારી પોતાના ભાઈ, ભત્રીજા અને મંડળના મુખીઓને બોલાવી જોબનપગીએ વડતાલમાં નારાયણગિરિજીના મઠમાં મંત્રણાઓ શરૂ કરી.
‘યજ્ઞમાં હજારો પૈસાદાર શાહુકારો આવશે. ‘આકડે મધ અને માખીઓ વિનાનું છે.’ જેને જ્યાં ઠીક પડે ત્યાં વેશ બદલો કરીને સંઘમાં ઘૂસી જઈ ઘરેણાં, દ્રવ્ય, ઘોડા જે મળે તે લઈ દૂર નીકળી જવું અને ચાડિકાના સ્થાનકે મળવું. હું સ્વામિનારાયણની માનીતી માણકી (ઘોડી) ઉપાડીને રાતના તારોડિયું ખરે ઈમ ભાગી નીકળીશ. તમે પકડાશો તો હું છોડાવવા નહીં આવું.’
એવામાં એક અજાણ્યો માણસ મઠમાં આવી ચડયો. એને પકડીને પૂછપરછ કરતાં કહે ઃ
‘હું લાખો વડગામો છું. વડગામમાં રહું છું. બાપા, તમારો બાતમીદાર છું.’
જોબન કહે, ‘હા, નામથી ઓળખ્યા.’ પછી કહે અહીં સ્વામિનારાયણ મોટો યજ્ઞ કરે છે તે સાંભળીને હાથ અજમાવવા આવ્યો છું. જોબને પોતાનો જૂનો બાતમીદાર અને નાતીલો જાણી તેને આશરો આપ્યો.
સવાર પડતાં જોબનપગીએ ચોરી ને લૂંટફાટ કરવા માટે બોલાવેલા મેલીકારને જમાડવા માટે રૂડા રખડુ સાથે બે ચાર ભીલો અને લાખા વડગામાને શિકાર કરી લાવવા મોકલ્યા. જોબને સાથે તીરકામઠાં લઈ જવા હુકમ કર્યો એટલે લાખો પગી કહે ઃ
‘જોબન બાપા, હું શિકાર નથી કરતો. મેં એક મહાત્મા પાસેથી શિકાર ન કરવાનું વ્રતમાન લીધું છે.’
‘તને એવો કિયો મોટો સિધ્ધ મહાત્મા ભેટી ગયો ? આપણો કોળીઓનો બાપદાદાનો ધંધો છે. તે ન કરવાનું તને શું સૂઝ્યું ? કે તે મેલીને ભગતડો થઈ બેઠો ?’
લાખો બે હાથ જોડીને બોલ્યો ઃ ‘બાપા, ઈ મહાત્મા તો પ્રભુ જેવા હતા. મારા હાથમાંથી વિયાગિયા પણ આટલું સંભારણું દેતા ગયા કે, હવે આજથી કોઈ જીવડાને મારજે મા.’ મેં પણ કોઈ ચમત્કારી મહાત્મા જાણી તેના ચરણમાં પાણી મેલ્યું કે હવે જીવીશ ત્યાં લગી જીવડાંને નઈં મારું. એથી શિકાર છોડી દીધો છે. એ સિવાય તમે બતાવશો ઈ સંધાય કામ કરી દઈશ. એટલે જોબનપગીએ તેને શિકારીઓની સાથે નહીં મોકલતાં પોતાની પાસે રાખી મહાત્માની વાત સંભળાવવા કહ્યું, અને પછી લાખા પગીએ વાત માંડી.
‘એક દિ’ના સમે ઝડવઝડ દિ’ રહ્યો હશે એવા ટાણે સાબર નદીના શિકોતરના આરે મોટા મોટા આશરે મણએક માછલાં મારી તેની ઝોળી ભરી, કાંધે ભરાવી ગામભણી જતો હતો, ત્યાં એક લટુરિયો બાવો, હજુ મૂંછનો દોરો ફૂટતો હતો તેવો ને સૂકલકડી જેવો. પાસે કાંઈ ઝોળી કે ઓઢવા પાથરવાના લૂગડાં વિનાનો, એક લંગોટી વાળો હાથમાં માળા ફેરવતો, માથે ભૂરી લટૂરીઉંવાળો સામો મળ્યો. એને જોઈ હું તેનાથી ચીલો ચાતરીને આઘો હાલ્યો, એટલે તેણે મને જોઈને પૂછ્યું કે ‘લાખા, તારી ઝોળીમાં શું છે ?’ તે સાંભળીને હું હેરત પામી ગયો. મને મનમાં થયું કે મારું નામ લઈને પૂછે છે, હું તો તેને દીઠેય ઓળખતો નથી. તો હવે મારે તે મહાત્માને શું જવાબ દેવો ? એમ વિચારું છું ત્યાં તો તેઓ ફરી બોલ્યા કે, ‘લાખા તારી ઝોળીમાં માછલાં છે ને ?’
મેં કહ્યું ઃ ‘હા, બાપજી.’
‘તારા એક પેટ સારું કેટલાં જીવડાંના પેટ ફોડયાં ? મજૂરી કર, ખેતી કર, નોકરી કર પણ પાપ કરીશ તો તને મરવા ટાણે આડાં આવશે. તારું મોત અને આવતો જન્મારો બેય બગડશે. સુખી નઈ થા. લાખા, પાપ કરીને પેટ ન ભરાય.’
આટલું સાંભળતાં હું મૂંઝાણો ને હાથ જોડી બોલ્યો કે, ‘બાવાજી ! હવે આટલાં બધાં માછલાં માર્યાં એનું મારે શું કરવું ?’ તે કહે કે પાછો હાલ નદીને કાંઠે. નદીકાંઠે તેણે ઝોળી છોડાવી જોયું તો તેમાં કોઈ માછલાં વેંતવેંતનાં, કોઈ મોટાં નાના અસંખ્ય માછલાં મરેલાં હતાં. તેના સામુ જોઈ નદીમાંથી પાણીની અંજલિ ભરી છાંટી ત્યાં તો બધાં ય માછલાં જીવતાં થઈ પાણીમાં ફટોફટ ઉછળી ઉછળીને પડવા મંડાણાં. પ્રભુ વગર આવું કોણ વતાવે ? મારે ઘેર રાત રિયો.
તે કહે કે, ‘મારે ઉતાવળ છે. મારે હમણાં જ નદીના સામા કાંઠે જાવું છે.’
મેં કહ્યું ઃ ‘બાપજી ! આમાં મહી નદી, ખેડી, ખારી, વાત્રક, મેશ્વો વગેરે સાત નદિયું સાબરમતીમાં ભળે છે, સામે દરિયાની વેળ ચડતી આવે છે. અર્ધા ગાઉમાં પાણી સમથળ વાંસજાળ છે. વરસાદ વધી જવાથી નદીમાં પૂર ચડયાં છે. વળી સામે કાંઠે ‘જાળ’ની ઝાડી છે, ને દિ’ આથમવા આવ્યો છે. બાપુ, રોકાઈ જાવ, પાછા વળો.’
‘હવે પાછો નઈં વળું, પણ તું આજથી જીવડાં નઈં મારવાનું નીમ લઈને મારા પગે પાણી મેલ્ય.’
મને તેનો ભરોસો થાતાં મેં નદીમાંથી પાણીની અંજળી ભરી તેના પગે મેલ્યું, ને કીધું. ‘બાપજી ! આજથી હું હવે જીવડાં નઈં મારું.’
તે સાંભળી પોતે રાજી થયા ને મને આશિષ આપ્યા કે, ‘તું ભૂખે નઈં મર.’ આજ ઈ વાતને દહ વરહ થિયાં, પણ ઈ બાવોજી મારી નજરે તરે છે. પછી બાવાજી કહે ઃ ‘લાખા, હવે તું મારા સામું ધ્યાન રાખજે, સામે કાંઠે જઈને આ ધોળું ગરણું છે તે વીંઝીશ એટલે જાણેજે કે અમે સામે કાંઠે પહોંચી ગયા. એમ કહી બાવાજી તો પાણી ઉપર હાલવા માંડયા, પણ જોબનબાપા ! હું શું વાત કરું ? ઈ તો કમાનમાંથી જેમ તીર વછૂટે તેમ તે પાણીમાં ચાલવા માંડયા. તેમના કાંડા સુધી પગ પાણીમાં બૂટતા જોયાને છાતવારમાં સામે કાંઠે જઈ ધોળું લૂગડું વીંઝ્યું. મેં નજરોનજર જોયું ને અલોપ થઈ ગયા. મારાથી બોલાઈ ગયું ઃ ‘અરેરે ! હાથમાંથી પરભુ ગયા, ઉપરની વાત સાંભળીને જોબન કહે, ‘લાખા, તેમ થયું હોય તો તે પ્રભુ ખરા.’ લાખો કહે ઃ ‘મા શિકોતરના સોગંદ ખાઈને કહું છું એમાં એક પણ વેણ ખોટું નથી.’
એ પછી સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચોરવા મધરાતે ગયેલા જોબનપગીને પલંગ પર પોઢેલા સ્વામીએ ઘોડી સામે ઊભા રહીને દર્શન દીધાં અને પગીનો હૃદયપલટો થતાં તે પોતાના ભાઈ ભત્રીજાઓ સાથે અને નાતીલા સાથે હાથમાં શ્રીફળ ને સાકરનો પડો લઈ શ્રીજીના દર્શને ગયા ત્યારે સ્વામી સામેથી બોલ્યા કે ‘આવો જોબનપગી !’ એમ કહી પોતાના સિંહાસન પાસે બેસાડયાને કહ્યું ઃ ‘પગી તમારી આંખો પારેવા જેવી લાલઘૂમ છે ને ? ખૂબ ઉજાગરો કર્યો લાગે છે. માણકી ઘોડી કે બીજા ઘોડા ન લેવાણા ?’ જોબન એ સાંભળીને ઝકલાઈ ગયો ને માથે બાંધેલી મોટી પાઘડી શ્રીજીના ચરણમાં નાખી કરગરવા લાગ્યો ઃ ‘બાપજી, આપ તો અંતરજામી છો. પ્રગટ ભગવાનરૂપે આવી મારા જેવા પાપિયાને દર્શન દીધા ને નિયાલ કર્યો.’ એ પછી જોબનપગી ચુસ્ત સત્સંગી બની ગયા.
એ વખતે સહજાનંદ સ્વામીએ જોબનપગી સાથે આવેલા પગીઓની સામું જોઈને વડગામ વાળા લાખા પગીને પૂછ્યું, ‘કેમ છે લાખા ઠાકોર. કોઈ ઓળખાણ પડે છે ? માછલાં નદીમાં નંખાવ્યાં, પાણી ઉપર છબછબિયાં કરીને ચાલ્યા. સામે કાંઠે જઈ રૂમાલ વીંઝ્યો. તે અમે હતા. જુઓ મારા સામું. કઈં ઓળખાણ પડે છે ?’ આ સાંભળતાં જ લાખો પગી ઊભો થઈ, માથેથી પાઘડી ઉતારી હાથમાં લઈ બોલ્યો ઃ ‘મારા પરભુ ! દસ વરસે ય તમે મારી સંભાળ લીધી. બાપા, મારા ગના માફ કરો. ‘આ ચમત્કારની વાત જાણીને આવેલ પગી ડાયરાએ જોબનપગીની સાથે જીવનમાં પાંચ વ્રતમાન વ્રતો પાળવાના શ્રીજીના હસ્તે નિયમો લીધા અને કંઠમાં બેવડી કંઠીઓ બંધાવી. મુક્તાનંદ સ્વામીએ પૂજાઓ આપી, તિલક, ચાંલ્લો અને માળા ફેરવવાની રીતિ શીખવી. એ પછી જોબનપગીએ શ્રીજીને વડતાલ પધારવા વિનંતી કરી.
ડભાણનો યજ્ઞ પૂરો કરી થોડા દિવસ થયા એટલે જોબનપગી સહજાનંદ સ્વામીને વડતાલ તેડી જવા મંડી આવ્યા. સત્સંગીઓ અને સૌ સાધુઓ વડતાલ જવા માટે નીકળ્યા. રસ્તામાં જોબનપગી વિચારે છે ‘શ્રીજી ભગવાન તો સાચા છે પણ હજી એક પરીક્ષા કરું. ગામમાં મારી એક જ મેડી છે. અમે સૌ વડતાલ પહોંચીએ તે પહેલાં શ્રીજી મારી મેડીના ગોખમાં બેઠા હોય તેવું દર્શન થાય, તો હું જાણું કે ભગવાન અંતરજામી છે અને પોતાના ભક્તોના મનોરથ પૂરા કરે છે. આમ મનમાં વિચારતા વિચારતા સહુ વડતાલની શેરીમાં દાખલ થયા. શ્રીજી તો ઘણા પાછળ આવતા હતા. સામૈયાની તૈયારી કરવા ઝાંપામાં દાખલ થયાં ત્યાં તો જોબનપગીની મેડીની બારીમાં શ્રીજીને ઘનશ્યામ સ્વરૂપે બિરાજેલા દીઠા. જોબનપગી અને બાવાજી નારાયણગિરિજીની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. પગીને થયું. સ્વામિ આપણી પહેલા શી રીતે આવી ગયા ? રસ્તામાં મેં મનમાં સંકલ્પ કરેલો તે પ્રભુએ સિધ્ધ કર્યો. વડતાલમાં આવીને શ્રીજી મહારાજે જોબનપગીની મેડી માથે ઉતારો કર્યો.
એ પછી રોજ સવારના શ્રીજી હાલ ગોમતી નામે તળાવ છે. (તે વખતે તે ધારુ નામની તલાવડી હતી) ત્યાં સ્નાન કરવા જતાં જોબનપગીએ એ તળાવમાં શ્રીજી સાથે અનેકવાર સ્નાન કરી ધન્ય થવાનો લહાવો લીધેલો, તે પાવનકારી ગોમતી તળાવ આજેય છે. (એવું પણ કહેવાય છે કે પહેલાં ત્યાં ગોમતી નદી હતી.) અહીં સ્વામિનારાયણ ભગવાને અનેકવાર સ્નાન કર્યા પછી વરદાન આપેલું કે અહીં જે કોઈ ભક્ત આવીને સ્નાન કરશે કે એનું પાણી માથે ચડાવશે તેનો મોક્ષ થશે. આજે બસો વર્ષ પછીયે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગોમતી નદીનું પાણી મસ્તકે ચડાવી કૃતાર્થતા અનુભવે છે.
ત્યાર પછી એકાદ વર્ષ બાદ હુતાસણી (હોળી)નો ફૂલડોલ ઉત્સવ આવતો હતો. જોબનપગીએ શ્રીજીને આ રંગોત્સવ વડતાલમાં ઉજવવા પ્રાર્થના કરી હતી. સમય થતાં શ્રીજી સંઘ સહિત પગીના ગામમાં આવ્યા ને ફૂલડોલ ઉત્સવ રંગેચંગે ઊજવ્યો. જોબનપગીના આંગણે શ્રીજી હિંડોળે ઝૂલ્યા. શ્રીજીએ રંગખેલં રચાવ્યો. પછી પોતે ચોતરે બેસીને સર્વ સત્સંગીઓને રંગે રમાડયા. ગોમતી સ્નાન કર્યું. પછી નિત્યાનંદ મુનિએ ૬૪ વાટની આરતી પ્રગટાવીને ઉતારી અને સ્વામીને હીરની દોરીથી હિંચોવ્યા. આવો અતિખર્ચાળ અને અદ્ભુત ડોલોત્સવ પૂર્ણ થતાં શ્રીજીએ પ્રસન્ન થઈ જોબનપગીને વરદાન માગવા કહ્યું. જોબનપગીએ માથેથી પાઘડી ઊતારી ગદ્ગદ્ કંઠે કહ્યુપ,
‘બાપજી, આપની કૃપાથી મારે અત્યારે કોઈ કમિના નથી. પુત્ર પરિવાર બહોળો છે. ખેતીવાડીની અઢળક ઉપજ આપે છે. આપને ઓળખ્યા એટલે અમારા પરિવારનું કલ્યાણ થઈ ગયું, મને અંતરમાં એક વાતનું દુઃખ છે.’
શ્રી હરિ કહે ઃ ‘શું દુઃખ છે ?’
ગળગળા થઈને જોબનપગી પસ્તાવો કરતાં કહે છે,
‘હે મહારાજ ! મેં આ ચરોતર દેશમાં જ નહીં પરંતુ સાબરમતીથી પૂના સુધીની પ્રજાને ખૂબ રંજાડી છે. લોહી ઉડાડયા છે ને ખૂબ દુઃખ દીધા છે. ને પાપના પોટલાં બાંધ્યાં છે. આજ હું એમના કલ્યાણ માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. મેં લૂંટયા હોય, માર્યા હોય તે સહુનું કલ્યાણ કરજો, મારા પાપ માફ કરજો.
… અને બાપજી મહિસાગર અને સાબરમતી બંને નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે. મારા આ ચરોતરમાં કોઈ દિ’ કાળ-દુકાળ ન પડે તેવી કૃપા કરો.’
જોબનપગીની સમજણ અને ઉદારતાથી શ્રીજી અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા ઃ ‘જાઓ, આ પ્રમાણે ત્યાં ક્યારેય કાળ નઈં પડે. આ પ્રદેશમાં રહેતા જીવ-પ્રાણી માત્રને અન્ન પાણીનો કોઈ દિવસ ત્રૂટો નઈં પડે.’
પરિણામે શ્રીજીના વચને ત્યાંની પ્રજાને અખૂટ અન્ન-પાણી મળતાં આજે ય આનંદ કરે છે. વરસાદ ખૂબ થતાં વૃક્ષવેલી ફૂલે ફળે છે. ધરતી લીલીછમ તેમાં અસંખ્ય પશુ, પક્ષી, કીટ, પતંગા અને માનવીઓ પોતપોતાનો આહાર મેળવી આનંદમંગળ કરે છે. મનુષ્યોને અઢળક ધનધાન્ય મળતાં માલમત્તાવાળા થઈને મોજ માણે છે. જૂની કહેવત હતી કે ‘જિલ્લો ખેડા અને ન મળે કઈં મેડા.’ જોબનપગીને મળેલા વરદાનને પ્રતાપે આજે વડતાલમાં કોઈ ઘરને મેડો (માળ) ન હતો ત્યાં ત્રણ ત્રણ માળની હવેલીઓ ઊભી થઈ છે. આને તમે ચમત્કાર કે આશીર્વાદ જેમાં ખતવવું હોય તેમાં ખતવો.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ