ધરા કચ્છને જખદેવની ધોડલે શોભે છે અસવારી,
ઘોડલે ધોડલે ધજા ફરકે,નમન કરે છે નરનારી.
કચ્છની શુરવીર ધરતીપર નખત્રાણા તાલુકાનું અણગોરગઢ નામક એક શહેર હતું. એ શહેરની ગાદીપર જામ લાખા ફુલાણી નામનો રાજા રાજ કરતો હતો. લાખાને ધાંઆ નામનો એક સહોદર ભાઇ પણ હતો. તેને સંતાનમાં એક માત્ર પુત્ર હતો તેનુ નામ પુઅંરો હતું.
જે તું મછીંન મારીએ,મેલો રખી ન મન,
પેં થીને તું પુતરજો, આંગણ ઝીઝો અન્ન.
જામ લાખા કુલાણીના ભત્રીજો જામ પુઆંર ના વખત માં તેની રાજધાની પધ્ધર ગઢના પશ્ચીમે અને વોઘડી નદીના કિનારાની બાજૂમાં આવેલ ભેખડોમાં ચમત્કારી સાત ૠષીયો તપસ્યા કરતાં હતા અને લોકોના દુ:ખ-દર્દ દુર કરતા. આ ઋષીઓએ સંઘારકોમના લોકોને પોતાના ભક્ત અને તેમના ઇષ્ટદેવ શીવ અને બૌંતેર યક્ષદેવોના અનુયાયી બનાવ્યા. એ ઋષીયોના રહેઠાણ પાસેની વાધોડી નદીમાં એક માછી દરરોજ માછલા પક્ડવા આવતો. આ માછીને ત્યાં કોઇ સંતાન ન હોવાથી એક દિવસે આ માછી દંપતી સંતાન પ્રાપ્તીની મનોકામના સાથે તપ કરતા સપ્તઋષીની શરણમાં ગયા અને તેમના પગ પક્ડી સંતાન માટે પ્રાથના કરી. તેને ઋષીએ જણાવ્યુ કે “જો તું માછલા મારી જીવ હત્યાનો વ્યવસાય નહી કરે તો તને પુત્ર પ્રાપ્તી થશે અને અન્ન-વસ્ત્ર પણ પુષ્ક્ળ મળશે.” માછીએ તે દિવસથી માછલા ન મારવાની પ્રતિજ્ઞા લીધી. સમય જતા તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ઋષીઓના આ ચમ્તકારની વાત વાયુ વેગે પ્રસરી. આ વાત વેહતી વેહતી પુંઅરાના કાને પોંહચી.
રાણી રથકે જોડેઓં,આવઇ રખીએં વટ્ટ,
વીયા વધાઇયું મું ડેઓ,ત માણક ડીયા ભટ્ટ.
અસીના એડા ઓલીયા,જે ડીયું બે કે બાર,
ઇ નીયા ઉતે થીએ, સાહેબ જે દરબાર.
રાજૈ પુઅરે જામકે, ચઇયું ગાલયું ચાર,
મોઆણી તે મેર કઇ,અસાં કઇ નાકાર
પધ્ધર ગઢમાં જામ પુંઅરાને ત્યાં પુત્રની ખોટ હતી. પુઅરાની રાણીએ જ્યારે ૠષીદેવોના ચમત્કારની જાણ થઇ ત્યારે તેને પણ આ દેવોનું શરણું લેવાની ઇચ્છા થઇ. રાણી રથ જોડાવીને ઋષીઓ પાસે પોંહચી ગઇ અને ઋષીમુની પાસે સંતાનની માગણી કરી અને કહયુ કે, “મને પુત્ર પ્રાપ્તી થાય તો તમોને અમુલ્ય હીરા-માણેકની ભેટ ધરીશ.” ઋષી બોલ્યા “બેટા તું શાંત થા અમે કોઇ મુંડા કે ઠગો નથી, જો અમારી પાસે બાળકો ના વગ હોય તો હમણા જ તને ઝીલીને તેમાંથી આપી દઇએ. પુત્ર પ્રાપ્તી પુર્વ જ્ન્મના પુણ્યના ફ્ળ સ્વરુપે થાય. માણસ કર્મબંધનમાં બંધાયેલ છે.” ટુકમાં કે રાણીના નસીબમાં સંતાન પ્રાપ્તીનું સુખ હતું નહી. ઋષીની વાત સાંભળી રાણી નીરાશ હ્રદયે રાજ મહેલ પાછી આવી. ઋષીઓના પક્ષપાતની રાજાને ખુબ જ ક્રોધ આવ્યો એને રાજા પુંઅરે સાતે ૠષીઓને પક્ડી લવી કારગ્રુહમાં ઘકેલી દીધા. ઋષીઓ રાજાની ધાક્ધમકીથી તે ડર્યા વગર પોતાની વાત પર અડગ રહયા. આથી ક્રોધે ભરાયેલા રાજાપુંઅરે ઋષીઓને સજા આપવા માટે તેને કાંસાની ઘાણી બનાવવીને કાંટાળા ગોખરુ પર તેમને બળદની જેમ ફેરવવા માડયા. આવી રીતે પોતાના પુજ્ય ઋષી પર અત્યાચાર થતા જોઇ સંધારો રાજા પાસે જઇ ઋષીઓને બંધન મુક્ત કરવા વિંનતી કરી. સંધારો પણ રાજાના સેવક હોવાથી તેને પણ પુંઅરાએ પોતાના ક્બજામાં લઇને કારાગારમાં ધકેલી દીધા અને ધણા સંઘારોનો સંહાર કર્યો તો કેટલાક ઉપર અત્યાચારની અતિવૃષ્ટી કરવા લાગ્યો. તદઉપરાંત તાંબાના પતરા તપાવી સંધારો ને ચલાવ્યા અને ઉક્ળતા તેલમાં સાંવરણીઓ બોળી સંઘારોના વાંસે છંટાવી, અત્યાચારો અને શારીરીક તક્લીફોથી મૃતઃપાય જેવા થઇ ગયેલા સંઘારોએ ચીત્કાર કરતા બોલ્યા “હે પુંઅરા અમારા જેવા રંકોની હાયને તું સાંભળતો નથી પણ અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ અને જખ્ખદેવો તારો વિનાશ કરી નાખશે તું રાજસતા ભોગવી નહી શકે.” કેટલા દિવસો સુધી પુંઅરાએ આમાનુસી અત્યાચાર ચાલુ જ રાખ્યા.
અસીં મલક રૂમસામજા, વડા અસાંજા વીર,
છોડે કો હલડી મિંજા,ત અચેં અસાંજા પીર.
»»{ભાવાર્થઃ અમે રૂમશામના છીએ.અમારી સંભાળ લેનાર મહાન વિરો છે.પણ જો આ હક્ડી માંથી અમે છુટીએ તો જ અમારા દેવો ને અમે બોલાવીએ.}
ક્નેં પાએ કુંકરા, ધરસ બુરાયમ ધાં,
રેઆ રાજ અઘાં,અસાં કો ન આવેઓ.
ક્નેં પાએ કુંકરા, લખાડી ચડીઓ;
બૌંતેર જખ ભેંરા થીઆ, પિંઢમે ધાટ ઘડયો.
આવો જુલમ અને ક્રુર સજા જોઇને રાજાના જાંભીયા નામના એક હજામને તેઓ પર દયા આવી. તેણે ‘ભીખધરસ’ નામના એક ઋષિને પોતાનો પોષાક પહેરાવી તેની જગ્યાએ ઘાણીમાં જોડાઇ મુક્તા કર્યા. મુકત ઋષિએ લાખાડી નામની ટેકરી પર ચડીને બંને કાનોમા આંગળા ભરાવી પોતાના ઉધારક એવા ભોલેનાથ શંકરનો આરાધ કર્યો. ભોળાનાથ શીવે પોતાના ભક્ત એવા ઋષી નો આંક્રદ સાંભળી લીધો અને પોતાના તેજ સ્વરુપ એવા બૌંતેર યક્ષદેવો ને છોડયા. આ બૌંતેર યક્ષો અને તેમની બહેન સાંયરી કચ્છની પવિત્રધરાના જખૌ બંદર નજીક સૌપ્રથમ પ્રગટ થયાં. જે પરથી આ બંદરનું નામ જખૌ પડયું. બૌતેર યક્ષ દેવોને કચ્છી લોકો જખદેવ કહે છે. આ બૌતેર યક્ષ દેવો વીર,ઘીર, શિસ્તબદ્ધ,અતુલ્ય બળશાલી તેમજ દિવ્ય તેજસ્વી હતા.
સચી સાંયે જખજી, અચી વરતાણી આણ,
રૂમ સામ સુરતાણ, બૌંતેર બેલીડે ધણી.
»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના સુલતાન સાંઆ જખની આણ સઘડે ફરી વળી}«
બૌંતેર બેલીડેં ધણી, રૂમસાંમ જોં રા,
સેવક સંગારા,સાઉં ગરીબેં સાય થીએ.
»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના રાજા સાંઓ જખ,જેના સેવકો સંઘાર લોકો છે જે સદાય ગરીબો ની સહાય થાય છે}«
ઝંઢીએ મથે ઝંઢા, પેરણ પટોરા,
તાંસરીએં ખીર પીંએ,જેંજા રખી પુજાર.
»»{ઝંડીઆ જખ ઉપર વાળના ગુચ્છ છે અને તે પટોળા ધારણ કરે છે,તેના જાજા પુજારી તાસળી ભરીને ખીર પીવરાવે છે}«
જખૌ બંદરથી આ જખ્ખબૌંતેરા નનામી ડુંગર પર આવ્યા પરંતુ નનામો ડુંગર તેમનો ક્રોધ સહન ન થતા નમી પડયો. ત્યાંથી તેઓ ધ્રબવા ડુંગર પર આવ્યા પણ ધ્રબવો પણ તેનો ક્રોધ ઝીલી ન શક્તા ધ્રુજવા લાગ્યો. પછી તેઓ ભાંગભાંગ નામની ટેકરી પર આવ્યા. તે ટેકરી પણ તેમનો ભાર સહન ન કરી શક્વાથી ભાંગી પડી, પછી તેઓ લાખડીયા ટેકરી પર અને પછી અધો છીણી પર આવ્યા, પણ એમાનુ એક પણ સ્થળ તેમને બરાબર યોગ્ય ન જણાતા આખરે તેઓ પધ્ધરગઢની પશ્ચિમે એકાદ માઇલને અંતરે આવ્યા. એ સ્થાન તેમને સર્વ રીતે યોગ્ય જણાવાથી તેમણે ત્યાં જ પોતાનું સ્થાન બનાવ્યું. બહેન સાંયરી ખુબજ ચપળ, ચાલાક અને અત્યંત કાર્યકુશળ હતા. તેને પધ્ધરગઢની તેમજ રાજા રાણીની માહીતી મેળવવા મોક્લ્યા, થોડીજ વારમાં સાંયરી જીણવટપુર્વક બધી જ માહીતી એક્ઠી કરી લાવ્યા.
કક્ડ કાની ઉખતી, કાની કેઓ ઠકા,
પુંઅરો વેંધે પાટતેં, છીપર થઇ મથા.
»»{ક્ક્ડ જખે મારેલુ બાણ છીંપર પર વાગતા તે છીંપર પુંઅરો નાહવા બેઠોતો તેના માથે પડી}«
આમ જખ્ખબૌંતેરાએ યોદ્ધાઓની જેમ સેના સ્વરૂપે પઘ્ઘરગઢની સામે જ આવેલી કકડભટ્ટ નામની ટેકરી ઉપર મુકામ કર્યા. આ ટેકરીનું નામ કકડભટ્ટ એટલા માટે પડયું કે બૌતેર યક્ષ દેવોમાં ‘કકડ’ નામે એક બાણધારી યક્ષ યોદ્ધા હતા. બીજે દિવસે પુંઅરો નાહવા બેઠો ત્યારે આ કક્ડ નામના યક્ષ દેવે બાણ દ્ધારા જામ પુંઅરાના મહેલના સ્નાનાગારની શિલાનો ધ્વંશ કર્યો. આ સમયે જામ પૂંઅરો સ્નાન કરવા કુંડમા પડયો હતો, ઉપરથી શિલા પડતાં તેના નીચે દબાયેલા ક્રુર રાજવીનુ રીબાઇને મૃત્યુ થયું અને સંઘારો તથા ઋષીઓને પુંઅરાના ત્રાસ માંથી મુક્ત કરી જખ્ખબૌંતેરા અદ્રશ્ય થઇ ગયા. પછી લોકો કક્ડભટ્ટ નામની ટેકરી પર તેમના પ્રતીક સ્વરૂપ બૌંતેર મૂર્તીની પ્રતીષ્ઠા કરીને તેમની પૂજા કરવા લાગ્યાં.
☀
રાવશ્રી તમાચીજીના વખતમાં અજાચી ભારમલ રત્નું ચારણનો ઉલ્લેખ છે. એમને ત્રણ પુત્રો થયેલાઃ ૧. ગિરધર ૨. ગોક્ળ ૩. હરિરામ આ ત્રણેય ભાઇઓના નામે રાવ પ્રાગમલજીએ રાયધણપુર નામે ગામ આપેલ. તે પૈકી ગિરધર રત્નુ પાછળ તેમના એક દિકરા હમીરજી રત્નુ થયા. આ હમીરજી ધણા જ વિદ્વાન થયા. તેઓ શ્રી સંસ્કૃત સાહિત્યમાં પિંગળશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, આદિમાં એક વખત ક્ચ્છ, ગુજરાત, રાજસ્થાનમાં ખ્યાતનામ કવિ થયા તેમ હમીરજી પણ એક હતા. આ હમિરજી રાવશ્રી દેશળજીના પેહલાના તેઓ ભુજમા માનીતા અજાચી રાજકવિ બન્યા.
કચ્છની સમસ્ત પ્રજા જાણે છે કે ક્ચ્છમાં આપણે યક્ષદેવને દેવ તરીખે માની તેમની માનતાઓ કરી ભાદરવામાં મેળા ભરીએ છીએ. આ દેવોની માનતા ભારતભરમાં ફ્ક્ત કચ્છ દેશમાં જ થાય છે. ત્યાર પછી રાવશ્રી પેહલા દેશળજીએ વિક્ટ સમયે ક્ચ્છના તમામ દેવોની દુઆ માંગી તેમા જખ્ખોનો ઉલ્લેખ કરી લખેલ છે કે,”જીપાવણ આયા બંઉતર જખ.” ક્ચ્છના તમામ દેવોને યાદ કરી તેમની પુજા કરવા ઘણો સમય લાગવાથી એ દેવોને યાદ કરવા માટે તેમણે પોતાના રાજકવિ હમીરજી રત્નુ પાસેથી એક ગીત તૈયાર કરાવેલ જેમા પણ જખદેવોના નામનો ઉલ્લેખ કરેલ. તે પછી યુધ્ધ કાવ્યમાં પણ હમીરજીએ આ દેવોની સંખ્યા બોંઉતેર બતાવેલ. આ લડાઇ કાળ પત્યા પછી સુખ શાંતીના દિવસોમાં રાવશ્રી કવિરાજ હમીરજી ને પ્રશ્ન કરે છે કે “ગઢવી, આપણા કચ્છ દેશના દેવોમાં યક્ષોને પણ તમે દેવો માન્યા છે અને તેની સંખ્યા બોંતેર બતાવી છે. તો તેનો આધાર તમારી પાસે ખરો?”
હમીરજી એ વખતે જરા વિચારમાં પડી ગયા. કેમકે એ વખતે જે પ્રચલીત દેવો, શૂરાપૂરાઓ વગેરે પુજાતા હતા અને તેમને ધ્યાનમાં હતા એ બધા દેવોનો તેમને ઉલ્લેખ કર્યો હતો. તેમા તેઓ ઉંડે ઉતર્યા ન હતા. એટલે રાવ સાહેબ ને તેણે જણાવ્યુ કે,’હજૂર આખો ક્ચ્છ જેમને દેવ માને છે તેને મે પણ માન્યા છે અને ધણી જગ્યાએ સાંભળ્યું છે તેમ મેં પણ તે દેવોની સંખ્યા બોંતેરની બતાવી છે. તે પરથી રાવ સાહેબે કહ્યું કે ‘કવિરાજ તો પછી બોંતેર નામો પણ અલગ અલગ હોવા જોઇએ તે મેળવવા માટે તજવીજ કરો.’ આ વાત જરા ભારપુર્વક થઇ અને હમીરજી પર ફરજ પાડવામાં આવી. આ વખતે હમીરજી પણ મક્ક્મ રહ્યા અને જણાવ્યુ કે, ‘ હજુર જે દેવો છે, અને પૂજાય છે તેની સંખ્યા બોંતેરની કેહવાય છે તો તેમના નામો પણ હશે જ એને તે મેળવવા માટે હું તજવીજ કરતો રહીશ.’
આ પ્રસંગને ચાર-છ માસ વીતી ગયા. એ વાત ફરી યાદ આવતાં રાવસાહેબે હમીરજીને પૂછ્યુ કે બારોટજી,’જખ દેવના નામ મેળવ્યા કે કેમ?’ આનો જવાબ આવતા હમીરજીએ કહ્યુ કે, ‘હજૂર, હજુ સુધીતો મળ્યા નથી. અને તેના માટે મેં ખાસ પ્રયત્નો પણ કર્યા નથી.’ પણ હવેથી કરીશ. ત્યારબાદ એક આદ બે વખત આવીજ વાતોની યાદ હમીરજીને રાવ સાહેબ તરફથી અપાતી રહી. આ પરથી હમીરજીએ નિશ્ચય કર્યો કે ગમે તેટલો સમય લાગે પણ બહાર ફરી આ દેવોના નામોની શોધ કરવી. એથી રાવ સાહેબ પાસે તેમને ચાર-છ માસ બહાર જવાની રજા માંગી. એ પછી તેઓ ઘોડી લઇ ક્ચ્છના બીજા જાગીરદારોને ગામ જવા નિક્ળ્યા અને નિશ્ચય કર્યો કે ગમે ત્યાંથી આ દેવોના નામ શોધીને જ રાવ સાહેબને મોઢુ બતાવવુ અને ના મળે તો કોઇ તીર્થસ્થાનમાં જ આખરની જિંદગી વિતાવવી. આવા દ્રઢ નિશ્ચય સાથે લાંબી મુસાફરીએ જવાનું પોતાના કુટુંબ વગેરેમાં જણાવી તેઓ રવાના થયા.
ઉપરોક્ત વિચારો સાથે હમીરજીએ ભુજથી સાંજે રવાના થઇ રાત્રે કેરાના જાગીરદારો પાસે રોકાઇ પછી આગળ જવાનો વિચાર કર્યો. કેરા જતાં લંકાની ધાર ઓળંગી, આજનું ભારપર સેનેટોરિયમ જયાં બંધાયેલ છે ત્યાંથી થોડે આગળ એક સિંદોર વાવ નામની જગ્યા, ધર્મશાળા વગેરેનું સ્થાન આવે છે. આ જગ્યાએ જયારે હમીરજી પોંહચીયા ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી અને દીવાબતી નો સમય થઇ ચૂક્યો હતો. આ વખતે હમીરજી રસ્તે થી પસાર થઇ રહ્યા હતા તેની પુર્વમાં જ એક છાવણી પડેલી, ઘોડા બંધાયેલા અને રસ્તે ચાલતા કોઇ જાગીરદારોએ જાણે ત્યાં પડાવ નાખ્યો હોય તેવુ દ્રશ્ય આછા અંજવાળામાં હમીરજીએ જોયું. તેમણે વિચાર્યુ કે મારે આ પડાવ સાથે શું કામ છે? ગમે તે હોય મારે તો કેરા જ પોંહચવુ છે. તેથી તેઓ ચાલતા રહ્યા. થોડે ગયા કે બાજુમાં અવાજ આવ્યો કે, ‘બારોટજી, અત્યારે રાત્રે ક્યાં જવાં નીક્ળ્યા છો? અને અમારી છાવણીનો ટારો દઇ કાંઇ પણ પૂછપરછ કર્યા વિના પરબારા ક્યાં ચાલી નીક્ળ્યા છો?’ આમ સાંભળતાતો એક માણસ હમીરજી પાસે આવી પોંહચ્યો અને તેમના ઘોડાની લગામ ઝાલી છાવણી તરફ દોરી ગયો.
છાંવણીમાં મુખ્ય તંબૂ પાસે આવતા બે ચાર સરદારો તંબૂમાંથી બહાર આવ્યા અને બારોટજીને હાથ દઇ ઘોડી પરથી ઉતારી પરસ્પર પ્રેમથી ભેટ્યાં. હમીરજીને તંબૂમાં લઇ જઇ આગતાસ્વાગતા કરવા લાગ્યા. કાવા કસુંબા ચાલુ હતા અને મનુહારો થવા લાગી અને પૂછવા લાગ્યા કે અત્યારે મોડા મોડા ક્યાં જવા નીક્ળ્યા છો? હમીરજીએ કહ્યુ કેરા જતો હતો. તે પરથી તેમણે જણાવ્યુ કે આજની રાત આંહીં જ રોકાઇ જાઓ. સવારે કેરા જજો. આમ બહુ જ આગ્રહ અને પ્રેમભર્યા ઉદગારો પરથી હમીરજી સમજ્યા કે આ કોઇ રાજ્યના ભાયાતો છે અને ભુજ જવા નિક્ળ્યાં છે. તેઓ પોતાને બરાબર અંગત નામથી જાણે છે. ‘બાપુ,તમે કોણ છો?’ એમ સીધું પુછવાનું એમને યોગ્ય ન લાગ્યું. વાતચીતમાં હમણાં જ તેમની પેહચાન થઇ જાશે, એમ માની તેઓ પણ સમયને અનુસરતી તેમની સાથે બીજી વાતો કરવા લાગ્યાં. થોડીવાર તંબૂમાં બે ચાર જણા અગ્રેસરો હતા તેમની સાથે તેમની જમવાની થાળી પણ આવી. બધા સાથે તેઓ ત્યાંજ જમ્યા. જમ્યા બાદ હોકો આવ્યો. તે પણ તેમની સાથે ડાયરામાં તેઓ પીવા લાગ્યાં. અને બીજી અલક મલકની વાતો થવા લાગી. આ વાતો વચ્ચે હમીરજીને તેમની ઓળખાણ પુછવા માટેનો પણ સમય ન મળ્યો. અને તેઓ સમજ્યા કે અત્યારે અંધારું છે, તેથી તેમને હું બરાબર ઓળખી શકતો નથી. સવારમાં તેઓ ઓળખાય જશે. તેથી આ અંગે તેઓ મૌન રહ્યા અને બીજી વાતો થવા લાગી. છાવણીમાં ઘોડાઓને જોગાણ આપવામાં આવ્યું. છાવણીના બીજા માણસો પણ સૌ જમ્યાં. બાદ મોડી રાત્રે એ જ તંબૂમાં બીજા સરદારોની સાથે હમીરજીની પથારી પણ પાથરી દેવામાં આવી. સૌ રાત્રે થાક્યા હોય તેમ તરત જ સૂઇગયા અને છાવણી શાંત થઇ ગઇ.
સવારના વેહલી પરોઢે ઉષાનાં અજવાળાં થયે હમીરજી જાગ્યા. જાગીને જુએ છે તો બધી બાજુ કેવળ જંગલ જંગલ જેવો ભાસ થયો. પોતે પોતાની ધોડીના ધાસિયાની એક ગાદલીપર સૂતા છે. બાજુના એક ઝાડ પાસે પોતાની ઘોડી બાંધેલી છે. તેના મોઢા પર જોગાણનો પાવરો ચડેલ છે. ન તો બાજુમાં ક્યાંય તંબૂ છે કે રાવટી છે કે રાત્રે ત્યાં જ બીજા ઘોડા બાંધેલા જોયા હતા તે છે. આથી હમીરજી વિચારમાં પડી ગયા કે આ શું? કે કોઇ ભૂત-ભૂતાવળનો ભાસ થયો કે રાત્રે શું થયું? મે રાત્રે દ્રશ્ય જોયુ હ્તુ તે પૈકીનું આંહીં કાંઇ જ નથી! કેવળ હું અને મારી ઘોડી જ છીએ. આ બધુ શું થયું? પોતે કાંઇ નક્કી કરી શક્યા નહીં અને ભ્રમમાં પડી ગયાં. પણ જે બન્યુ એ સાચુ જ છે એનો ખુલાસો પણ કોણ આપે? ખેર. જે થયુ તે ખરું,.આમ વિચારી હમીરજી પોતાની પથારી પરથી ઉભા થયા અને બાજુમાં બાંધેલી ઘોડી પર સાજ કરવા લાગ્યાં. પડછી, ખોગરી, કાંઠો વગેરે માંડી તે પરની ગાદલી, જે રાત્રે સૂતા હતા તે ઉઠાવી.
જેવી તે ગાદલી ઘોડીના સાજ પર માંડવા ગયા કે તરત જ એ ગાદલીની નીચેથી એક કાગળ સરી પડયો. કાગળ હાથમાં લઇ પોતે વાંચવા લાગ્યાતો તેમાં બોંતેર જખોનાં નામોની નામાવલી જણાવા લાગીં ! આથી તેઓ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે આ હું શું જોઇ રહ્યો છું? મારા મનની વાત શું આ દેવો જાણી ગ્યા છે અને તેથી જ મને રાત્રે આમ ભુલાવી દઇ, રૂબરૂ મળી, તેમણે જ આ નામો મારા હાથે લખાવી આ કાગળ અહીં મુકયો છે કે શું થયું છે? તે ઉંડા વિચારમાં પડી ગયા. પણ એટલુ ચોક્ક્સ કે મને રાત્રે જે દેખાવ થયો હતો તે કોઇ ભૂત-ભૂતાવળ નહી પરંતુ આ અંતરીક્ષના દેવો-યક્ષદેવો જ હતા. અને તેમને જ મને ભુલવામાં રાખી આ નામો આપ્યા છે.
પણ આ વાત જો હું બીજા કોઇને અને રાવશ્રીને કરીશ કે આ નામો મને જખદેવે આપ્યા છે અથવા તો કહીશ કે ફ્લાણી જગ્યાએથી મળ્યા છે, તો તેની મારે સાબિતી આપવી પડશે. અગર જખ્ખ દેવો રૂબરૂમાં મળ્યા કહું તો ગપુ માર્યુ એવુ લાગશે. તો શુ કરવુ? આવા વિચારોમાં તેને નક્કી કર્યુ કે આ દેવો છે તેમાં કોઇ મીનમેખ નથી. કારણ કે મારી જિંદગીમાં આ બીજો ચમ્તકાર છે. એક ચમ્તકાર માતાજી કરણીજીનો આ પેહલા પોતાને થઇ ચુક્યો હતો. પણ એ વખતે પાછળનો કોઇ પ્રશ્ન ન હતો કે જેમા તેઓ જુઠા સાબિત થાય. પણ આ વખતે ઉપરના નામો જાહેર કરતાં ઉપરની વિગતો જાહેર કરે તો તેને કોઇ માને નહીં અને પોતે જુઠા સાબિત થાય. આથી તેઓ ઊંડા વિચારે ચડ્યા કે મારી કરણીમાં કાંઇક ખામી છે જેથી દેવોએ મને પ્રત્યક્ષ દર્શન આપ્યા વિના જ ચાલ્યા ગયા. હવે એ સાક્ષાત દર્શન આપે નહિતર અઠે જ દ્વારકા જેવું કરવું.
આમ વિચારી તેઓએ પોતાની ક્ટાર કાઢી, અને પોતાના પેટમાં હુલવવા માટે હાથ લંબાવ્યો કે તરત જ તેમનો હાથ કોઇકે પક્ડી લીધો અને અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે ‘ શું કામ આત્મ હત્યા કરે છે ? જે નામોની તને જરુર હતી તે નામો તો તને મળી ચુક્યા છે. પછી આત્મહત્યા કરવાનુ શું કામ છે? તેથી હમીરજીએ વિનંતી કરીકે આ નામો મને મલ્યા પણ તે જાહેર કરવાથી મને કલંક લાગે તેમ છે. તેથી બચવા માટે આ જીવનને તમારા ચરણોમાં અહીંજ અર્પણ કરુ છું. ફરીથી અંતરીક્ષમાંથી અવાજ આવ્યો કે હવે શું માંગવુ બાકી છે? એ પરથી હમીરજીએ માંગ્યુ કે આપના નામો હું રાવ દેશળજીની ક્ચેરીમાં જાહેર કરું ત્યા મને આપના દર્શનની જરુર પડે ત્યારે ફરી મને અને સાથે રાવશ્રી દેશળજી તેમજ આખી ક્ચેરીને આપના પ્રત્યક્ષ દર્શન એક વખત થાય. તો હું સાચો ગણાઉં. માટે આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો ફરી દર્શનની યાચના કરું છું. તરત જ તથાસ્તુનો ઉચ્ચાર થયો.
આથી હમીરજી પોતાને ધન્ય માનતા જાણે સ્વર્ગ પ્રાપ્તીનો આનંદ મલ્યો હોય તેમ ભુજ તરફ રવાના થયા. ગામમાં આવી ધોડી પોતાને ધેર બાંધી સીધા દરબારગઢ જવા રવાના થયા અને ત્યાંથી રાવશ્રી દેશળજીને મલ્યાં. અને આગલી રાત્રે થયેલા બનાવની આખી વાત રાવશ્રીને જણાવી અને કહ્યુ કે મને જેમ દર્શન થયા છે તેમ આપણી આખી ક્ચેરીને દર્શન થાય એવુ વચન લાવ્યો છું. રાવશ્રી ખુબ જ ખુશ થયા.
આ તરફ વાત સભામાં પ્રસરાતાં માણસો ભેગા થવા લાગ્યાં. બાવાને હમીરજી જખોના પ્રત્યક્ષ દર્શન કરાવશે તેથી આપણે પણ દર્શન થશે એ વાત જેણે જેણે સાંભળેલી તે સૌ દર્શન માટે આવવા લાગ્યા. કચેરીનો હોલ નાનો પડવા લાગ્યો એટલે હમીરજીએ બાવાને અરજ કરી કે, આપે દેવ દર્શન કરવાના છે, તો સાથેના માણસોને પણ દર્શનનો લાભ થશેજ. માટે આપ અહીંથી ધુપેડું આપના હાથમાં લઇ સામે બે ડગ ચાલો અને ભુજના ચોકમાં ઉભા રહો ત્યાં આપની સાથે બધા માણસોને પણ દર્શનનો લાભ મળશે. રાવશ્રી એ આ વાત સ્વીકારી લીધી અને દેવોના ધૂપનું ધુપેડું હાથમાં લીધુ અને ઉધાડા પગે દરબાર ગઢમાંથી ચાલી, (આજે જ્યાં મારકીટની પાછળ હોસ્પિટલનું જ્યાં મકાન છે, જ્યાં જખજાર નામનું સ્થળ છે, એ જગ્યાએ પેહલા ભુજ શહેરનો મોટો ચોક હતો. આજે ત્યાં મારકીટ અને તેની સામેના બીજા મકાનો ઉભા કરવામાં આવ્યા છે)સામેના ચોકમાં આવી ઉભા રહ્યા.
આજુબાજુમાં સેક્ડો લોકો ઉભા રહ્યા. હમીરજી પોતાને જે નામોની યાદી મલી હતી તે નામોનું એક ગીત ક્ચ્છી ભાષામાં ગોઠવી બોલવા લાગ્યા. જેવી તેમને બોલવાની શરુઆત કરીકે સામેના અંતરીક્ષ આકાશમાં ઘોડાની હણહણાટી અને ડાબલા ગાજવા લાગ્યા. એ ધોડાઓ સવાર સાથે જાણે કોઇ સવારી ચાલતી હોય એમ એક પછી એક દેખાવા લાગ્યાં. ત્યા રાવ સાહેબ સાથે બધાલોકોએ જખદેવોના પ્રત્યક્ષ દર્શન કર્યા. આમ બોંતેર નામાવલીનું ગીત પુરુ થયુ અને સવારી પણ દેખાતી બંધ થઇ. રાવસાહેબે એ જગ્યાએ ધુપેડું નીચે મૂકી એ દેખાયેલા દર્શનની દિશા તરફ દંડવત પ્રણામ કર્યા. એ જ વખતે પોતાના કારોભારી ને હુક્મ કર્યો કે આંહીં જ જખદેવનું એક સ્થાનક સ્થાપો અને આજના દિવસને એક પર્વ તરીકે મનાવો. તેથી એ દિવસે ત્યાં સ્થાનકની રચના થઇ એને આજે પણ ભુજની પ્રજા ‘જખજારના’ સ્થાનક તરીકે ઓળખે છે અને પૂજે છે.
આટલેથી ન અટક્ટા રાવ સાહેબે હુક્મ કર્યો કે જે દિશામાં આ દેવોએ દર્શન આપ્યા તે દિશામાં એક મંદિર બનાવો અને આ દિવસે ત્યાં મેળો ભરો અને ભુજથી રાજકુટુંબ સાથે સવારી લઇ જઇ જખદેવના દર્શન કરી ક્ચેરી ભરી રૂબરૂ મુલાકાત લેવી. આ પ્રથા રાજના વિલીનીકરણ સુધી ચાલુ રહી અને મેળો આજે પણ પ્રસીધ્ધ છે. આ મેળો નાના જખના નામે માધાપુર પાસે જે ભરાય છે. અને તે રાવશ્રી પેહલા દેશળજીના વખતથી ચાલુ છે.
કચ્છ દર્શન માંથી..
સાહુ બેરિયો જિડીયો જખ સચો જખ શિણાગરો
દેવપરી સોમપુરી સાંહેરી દાતાર
કંડેરો વિક્લસેન મેષારોળ મંદ્રકાળ
આરદાસ સુણે જખ જંખેજા આધાર…૧
જખદેવ અભદેવ અભેવાન આદંજખ
મહુપાળ ઓલિયો રતન્ન
સિધાત પદમનાગ સેત્રનાગ મકેસરી
સેવકે કે વડાજખ થિયે સુપ્રસન્ન….૨
મકડ કક્ડ સિધ્ધ સાહડ ચાહડ મેઘા
બિંબર પિંગડ સાહ ઝમુટ બલુક
વિસોત વેયાસગુરુ જસગુરુ વછરાજ
મેલાષ બેલાષ જખ અજિત મહુક….૩
સીધારથ સમરથ ભરત ઉતમસેન
પરતાપી ગૌપાળ ભુપાળ નીપાપ
હથારણ ગંગેસર ધરમ ગૌતમરાજ
બુધવંત તેજવંત જખ માહી બાપ….૪
મકરંદ તાનસેન ધજાબંધ રિષભાણ
દિગભાણ દ્વિજભાણ ડિયેં ઘણા દાન
નિક્ળંક ભગવાન જિતંતા સંસાર નમે
થપે આ ઠેકાણે ઘણે જખે સંધા થાન…૫
મધુવાન રૂપમાલ મક્ત સક્તમાલ
સુરચંદ વીરચંદ આણંદ સધીર
ધરતી જે નયેખંડ પધાર્યા રૂમજા ધણી
હજરા હજૂર પૂછયેં જખે કે હમીર….૬
કવિરાજ હમીરજીએ પણ પોતાના ગામ રાયધણપુરમાં આ જખદેવોનું સ્થાનક ભવિષ્યની યાદ માટે બંધાવેલ છે તે આજે પણ મોજૂદ છે અને ભાદરવા માસમાં પેહલા સોમવારે તેમની પેડીઓ થાય છે. આ સિવાય જ્યાં હમીરજીએ કેરાના રસ્તે સિંદૂર વાવ પાસે પ્રથમ જખોના દર્શન થયાં ત્યાં ટેકરી પર તેમનું સ્થાનક બંધાવેલ છે જે આજે પણ ત્યાં છે. આ સિવાય ક્ચ્છમાં ઠેક ઠેકાણે આ જખદેવોના સ્થાનકો છે.ક્ચ્છની તમામ પ્રજા તેમને ત્યાં પૂજે છે.
♦શ્રી બૌંતેર યક્ષની નામાવલી♦
૧ સાહુ.૨ બેરીઓ.૩ જીંડિયો ૪.જખ્ખ સચો પ શિણાગરો.૬ સોમપુરી.૭ દેવપુરી.૮ સાંહેરી.૯ દાતાર.૧૦ કંડેરો.૧૧ વિક્લશેન.૧૨ મેષારોળ.૧૩ મંદ્રકાળ.૧૪ જખ્ખદેવ.૧૫ અભદેવ.૧૬ અભેવાન.૧૭ આદંજખ.૧૮ મહુપાળ. ૧૯ ઓલીયો ૨૦ રતન્ન. ૨૧ સિધાત ૨૨ પદમનાગ ૨૩ સેન્નનાગ ૨૪ મકેશરી ૨૫ વડા જખ્ખ ૨૬ મક્ડ ૨૭ ક્ક્ડ ૨૮ સિધ્ધ. ૨૯ સાહડ. ૩૦ ચાહડ. ૩૧ મેધા. ૩૨ બિંબર.૩૩ પિંગડ. ૩૪ સાહ. ૩૫ ઝમુટ ૩૬ બલુક ૩૭ વિસોત ૩૮ વેચાસગુરુ ૩૯ જસગુરુ ૪૦ વછરાજ ૪૧ મેલાષ ૪૨ બેલાષ ૪૩ જખ્ખ અજિત ૪૪ મહુક ૪૫ સીધારથ ૪૬ સમરથ ૪૭ ભરત ૪૮ ઉતમસેન ૪૯ પરતાપી ૫૦ ગૌપાળ ૫૧ ભુપાળ ૫૨ નીપાપ ૫૩, હથારણ ૫૪, ગંગેસર ૫૫, ધરમ ૫૬ ગૌતમરાજ ૫૭ બુધવંત ૫૮ તેજવંત ૫૯ મકરંદ ૬૦ તાનસેન ૬૧ ધજાબંધ ૬૨ રિષભાણ ૬૩ દિગભાણ ૬૪ દ્વિજભાણ ૬૫, મધુવાન ૬૬, રૂપમાલ ૬૭, મક્ત ૬૮, સક્તમાલ ૬૯, સુરચંદ ૭૦, વીરચંદ ૭૧ ,આણંદ ૭૨, સધીર
✏ ચીત્રાંક્ન-છબીઃ
કરશનભાઇ ઓડેદરા-પોરબંદર
સંક્લન-પ્રેષિતઃ મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698
સંદર્ભ-માહિતીઃ
ક્ચ્છના સંતો-દુલેરાય કારાણી
ક્ચ્છ દર્શન-શંભુદાનજી ગઢવી
સાભારઃ કિશોરસિંહજી નારણજી સરવૈયા-માંડવી