હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે બગીચાનું રૂપ બાંધી રહી છે. ગજરાજોના ગંડસ્થળોમાંથી વેરાયેલા મોતીએ વનના ચોક શોભી ઊઠે એમ રાજમહેલનું આંગણું અરધી રહ્યું છે.
એવે ટાણે ભાવેણા (ભાવનગર)નો ભૂપ ગંગાજળિયા ગોહિલ આતોભાઇ હેતુમિત્રો, સુભટો અને ભાયાતોથી વીંટળાઇને બેઠો છે. હાથમાં સોનેમઢ્યા હુક્કાની ને શોભી રહી છે. ધીરી ધીરી ઘૂંટયું તાણી રહ્યો છેે. રાજકવિ આતાભાઇને ભલકારા ભણી રહ્યો છે. મોખડાજીની મર્દાનગીની વાતુ મંડાણી છે. ભર્યા ડાયરામાં મોજુના તોરા છૂટી રહ્યા છે.
એવે ટાણે તળાજાથી આવેલા કાસદે કાગળનો બીડો આતાભાઇને હાથોહાથ દીધો.
આવનાર અસવાર માથે અલપઝલપ નજર નાખીને કારભારી તરફ બીડાનો ઘા કરી મહારાજાએ કહ્યું;
”ઉકેલો, શું વાવડ છે?”
કારભારીએ કાગળ વાંચવા માંડયો. ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ગોહિલકુળભૂષણ મહારાજ તખતસિંહજી એતાન શ્રી તળાજેથી ખીમાજીના ઝાઝા હેતથી રામ રામ વાંચજો.
મહારાજને માલૂમ થાય જે ઝાંઝમેરનો હમીર ખસીઓ હમણાનો ફાટયો ફરે છે. આપણા રાજના ગામડાને લાગ મળે ભાંગે છે. રૈયતની રાવ વધી રહી છે. તો ઝાંઝમેરવાળાની રાડય બંધ કરાવવા તાબડતોબ બનતા ઉપાય કરશો. બાકી સારાં વાનાં છે. એ જ લીખીતંગ ખીમાજીના જય ખોડિયાર.
કાગળનાં વેણ સાંભળતાં જ આતાભાઇની કાનની બૂટ રાતીચોળ થઇ ગઇ. ધૂંવાપૂંવા થયેલા ભાવેણાના ભૂપના દાઢી-મૂછના કાતરા સળવળ્યા. ક્રોધથી સળગતી આંખ્યુ ખીમાજીના કાગળ માથે ધ્રોબી વેણ કાઢયાં ”દિ’ઉગ્યે ઘોડા સાબદા કરો!” એટલું બોલીને આતોભાઇ ઊઠી ગયા.
શરમાળ છોકરીની સુરખી જેવું તેજ પાથરતા પાછલી રાતના તારા અદ્રશ્ય થયા. પો’ફાટયું, અંધારું ભોંયરામાં ભરાયું, પ્રાગડય નો દોરો ફૂટયો.
આતાભાઇએ પાખર સાથે પલાણ માંડયા. રાંગોવાળી વારને હાંકી ઝાંઝમેર માથે.. બકાક.. ઝેમ બકાક… ઝેમ કરતાં ઘોડા ઉપડયા. જોતજોતામાં આતાભાઇએ ઝાંઝમેરને ભરડે ભીડયું.
રાતનો ઓથાર ઓઢીને હમિર ખસીઓ ભાગ્યો. આતાભાઇએ દુશ્મનના સગડ સાંધ્યા. પગેરુ ગોપનાથ મંદિરન તોતિંગ ડેલે આવીને અટક્યું.
ભાવેણાના ભૂપે ડણક દીધી ઃ
”ઉઘાડો દરવાજા”
પગેરગીરે સામો સવાલકર્યો.ઃ
”કોણ?”
”હું આતોભાઇ.”
ભીડાયેલા ભોગળ અળગા થયા. કીચુડ કરતા કમાડ ઉઘડયા. ચડયે ઘોડે ગોહિલ ગર્જ્યો ઃ
”મે’ત (મહંત), ચોરને તમે સંતાડયો છે?”
ધગીને ત્રાંબાવરણા થઇ ગયેલા મહારાજ ઉપર અમીભરી મીટ માંડીને મહંતે કહ્યું, ‘મહારાજ, પેગડુ છાંડો. ઘડીક પોરો ખાવ.”
”મે’ત, મને ખોટી કરો મા. મારો દુશ્મન દઇ દ્યો. મારે એને ભોંમાં જડી દેવો છે.” બોલતા આતાભાઇએ ભાલો તોળ્યો.
”મહારાજ, તમારો દુશ્મન શિવને ચરણે છે. મારાથી શેં સોંપાય?”
”મે’ત! શિવની સેવા કરવાનો તમારો ધરમ છે એમ રાંકડી રૈયતને રોળનારને ઠાર મારીને રક્ષણ આપવાનો મારો ધરમ છે.”
”મહારાજ, આજ તો ખસીઓ ત્રિલોકના નાથને ખોળે બેઠો છે. ગુણિયલ ગોહિલ ઊઠીને દેવના દરબારની આડ લોપશે?”
મહંતનાં વેણ સાંભળી આતાભાઇનો ક્રોધ સંકેલાવા લાગ્યો!
”મે’ત, તમારી મરજી શું છે?”
”મરજી મહાદેવની. એની માથેથી મોત જવું જોઇએ.”
”એટલે?”
”જીવતદાન”
ઘડીક અબોલા રહીને આતાભાઇ બોલ્યા, ”લૂંટફાટ ન કરે એના હામી કોણ?”
રુદ્રાક્ષના મણકા માથે આંગળીયુંના ટેરવા ફેરવતા મહંત બોલ્યા,
”એનો હામી હું.”
આતોભાઇ દુશ્મનને દેવના દરબારમાં જીવતદાન દઇને વળી નીકળ્યા.
વધુ માહિતીઃ
આ બનાવ ઇ.સ. ૧૭૮૧ના વર્ષમાં બન્યો હતો. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં વખતસિંજી આતાભાઇનું નામ પરાક્રમી પુરુષ તરીકે પંકાયેલું છે.
૧૬ વર્ષની વયે તેમણે પોતાના શૌર્યના સાથિયા પૂરવા માંડયા હતા. તેમણે પોતાના શાસન સમય દરમ્યાન અનેક ધીંગાણા અને યુદ્ધો ખેલ્યાં હતાં, જેમાં તેઓએ વિજય મેળવ્યો હતો. તેઓ ભાવનગરની રાજગાદી પર ઇ.સ. ૧૭૭૨માં આવ્યા હતા. ઇ.સ. ૧૮૧૨માં વૃદ્ધાવસ્થાને કારણે રાજગાદી કુંવર વિજયસિંહજીને સોંપી ડાકોરની યાત્રાએ ગયા હતા.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ