મહારાજા વખતસિંહ બાપુ

આતાભાઇ નામથી ઓળખાતા ભાવનગરના રાજવી વખતસિંહજી (રાજ્યકાળ ૧૭૭૨-૧૮૧૬) ઇતિહાસનું એક દંતકથારૂપ પાત્ર છે. ત્રણ તાલુકા જેવડા ભાવનગર રાજ્યને તેમણે ત્રણ જ દાયકામાં યુદ્ધો લડી ૧૦ તાલુકા જેવડું સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને જામનગર પછીના ત્રીજા ક્રમનું રાજ્ય બનાવી દીધેલું. તેમણે જીતીને ભાવનગર રાજ્યમાં સમાવી લીધેલા વિસ્તારોમાં તળાજા, ઝાંઝમેર, મહુવા, વાઘનગર, ગઢડા, બોટાદ, લીલીયા, સાવરકુંડલા, ડેડાણ, મિતિયાળા, રાજુલા વગેરેનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ત્રીજા ક્રમે હોવા છતાં ભાવનગર આવકની દ્રષ્ટિએ પહેલા ક્રમે પહોંચી ગયું છે.

અઢારમી સદીના કાઠિયાવાડના ચાર સમર્થ ઘડવૈયાઓમાં વખતસિંહજીનું સ્થાન છે. જૂનાગઢના દીવાન અમરજી, જામનગરના દીવાન મેરુ ખવાસ, ગોંડળના ભા’કુંભાજી અને ભાવનગરના વખતસિંહજી.

ભાવનગરની શામળદાસ કોલેજના પૂર્વ આચાર્ય ગંભીરસિંહજી ગોહિલે મોકલેલી વીગતોના આધારે અહી રજૂઆત કરવામાં આવી છે. આવા વખતસિંહજી આતાભાઇ વિશે તેમના જીવનકાળમાં જ ચારણ કવિ ફૂલ વરસડાએ ઇ.સ.૧૭૮૬માં તેમના યુદ્ધો, ધર્મયાત્રાઓ, નગરવર્ણનો વગેરે સાથેનું ચારણી કથા કાવ્ય લખ્યું છે. જે શોધપ્રવાસ કરીને મેળવનાર અને અભ્યાસપૂર્ણ રીતે સંપાદન કરી પ્રકાશિત કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કુલપતિ (ઉત્તર ગુજરાત યુનિ.) ડૉ.બળવંતભાઇ જાનીને તેમના સાથીદારો સાથે પૂર્ણ યશ ઘટે છે. તેમણે સંશોધન કરી ગોહિલોને ચંદ્રવંશી નહિ પણ સૂર્યવંશી સિદ્ધ કર્યા છે.

વખતસિંહજી જેવા સમર્થ રાજવી વિશે તેમના જીવનકાળ દરમ્યાન જ કચ્છભૂજ કાવ્યરચના પાઠશાળામાં ૭ વર્ષ અધ્યયન કરી તૈયાર થયેલા કવિ ફૂલ વરસડા પવાડા પ્રકારનું ‘વખત બલંદ’ નામનું કાવ્ય રચે તે એક અદ્ભૂત ઘટના છે. તેના શોધ-સંપાદન માટે ડૉ.બળવંત જાની સ્વ.રતુદાન રોહડિયાને અને ડૉ.તીર્થંકર ર.રોહડિયાને મુબારક બાદી ઘટે છે.

સંપાદકોએ ચારણી કાવ્યને ગુજરાતીમાં શબ્દાર્થ સહિત મૂકી આપેલ છે એવું ડૉ.બળવંત જાનીએ તેનો બાવન પાનાનો વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ રજૂ કર્યો છે. ડૉ.એસ.પી. જાનીએ આ મુખ લખ્યો છે. છેલ્લે ડૉ.બળવંતભાઇએ પેરિસની સોરબોન યુનિવર્સિટીમાં જે અભ્યાસ રજૂ કરેલો તેનો ગુજરાતી અનુવાદ ‘ચારણી સાહિત્ય ઃ રાજ્યાશ્રિત છતાં તથ્યાશ્રિત’ આ ગ્રંથનું મૂલ્ય વધારે છે.

કવિ ફૂલ વરસડા ચરોતર પ્રદેશના પુનાજ ગામના વતની હતા અને વખતસિંહજીએ તેમને રાજકવિનું પદ આપેલું. વખતસિંહજીના જીવનકાળ દરમ્યાન જ કવિ અવસાન પામ્યા હતા. તેમણે ‘વખત બલંદ’માં તળાજા ઝાંઝમેર, મહુવા, પાલિતાણા વગેરેના યુદ્ધોનો સુંદર ચિતાર આપ્યો છે.

તળાજા ખંભાતના નવાબ પાસે હતુ. તેનો સુબો નુરૃદ્દીન ગોહત્યા કરતો અને લોકોને રંજાડતો. આથી ખંભાતના નવાબને આતાભાઇએ વાત કરતા નવાબે ૭૫૦૦૦ રૃા.માં તળાજા વેચાતુ આપી દીધું પણ વખતસિંહજી કબજો લેવા ગયા તો નુરૂદ્દીને તે ખાલી કરવાની ના કહી. જો કે નવાબનો તેને ટેકો અને મદદ હતા.

આથી વખતસિંહજીએ તળાજા પર ચડાઇ કરી. ઘેરો સાત દિવસ ચાલ્યો. અંતે નુરૂદ્દીન શરણે આવ્યો. તેથી રહેમ દર્શાવી. વખતસિંહજીએ નુરૂદ્દીનને જીવતો જવા દીધો. આમ તળાજા તાલુકો ભાવનગર રાજ્યમાં ભેળવી દેવાયો. તેના વિજયના દિવસે ગોકુળ આઠમ હતી અને વખતસિંહના રાણી અદી બાએ યુવરાજને જન્મ આપ્યો. તેમનું નામ યાદગીરીમાં વિજયસિંહ રાખ્યું. લોકો તેમને કનૈયો કહેતા.

મિસરી ખસિયાએ ખરેડિયા જાતિના મુસ્લિમો પાસેથી મહુવા લઇ લીધું હતું. તેનો ભત્રીજો હમીર મહત્વાકાંક્ષી હોવાથી તેને વાઘનગર આપીને જુદો કર્યો હતો. હમીરે ગોપનાથ, ઝાંઝમેર, ઊંચડી, કોટડા વગેરે જીતી લીધા હતા. તે ઝાંઝમેરના કિલ્લામાં રહી લૂંટફાટ કરતો, લોકોને ત્રાસ આપતો. તળાજા થાણેદાર ખીમાભાઇ વખતસિંહજીના સસરા હતા. તેમની પાસેથી માહિતી મળતા વખતસિંહજી એ ઝાંઝમેર પર ચડાઇ કરી.

પહોંચી નહી શકે એમ લાગતા હમીર ભાગી ગયો. તે પ્રદેશના મૂળ માલિક વાની દરબારોને મધુવન ગામ આપી બાકીનો પ્રદેશ વખતસિંહજી એ ભાવનગર રાજ્યમાં ભેળવી દીધો.

આ બધા કરતાં મહુવા વધુ વિશાળ અને અગત્યનો પ્રદેશ હતો. તેનો ભોગવટો કરતો જશો ખસિયો લૂંટફાટ કરતો, ચાંચિયાગીરી કરી વહાણોનો માલ પડાવી લેતો. મુંબઇના ગવર્નરે સુરતના કલેકટર મારફત જશાને કાબૂમાં લેવા જણાવેલું. વખતસિંહજીના મામા ગોપાળજી સરવૈયા મહુવા જશા ખસિયાને મળવા જતાં તેણે યાત્રાવેરો માગી અપમાન કરેલું.

આ બધા કારણો એકત્ર થતાં વખતસિંહજીએ મહુવા પર આક્રમણ કરવાના વિચારથી પંદર હજાર જેટલી સેના તૈયાર કરી. વ્યૂહબાજ વખતસિંહજી થોડા માણસો સાથે મહુવા જઇ ગામ બહાર રાવટીઓ નાખી જશાને કહેવરાવ્યું કે તેઓ તો ભવાની માતાના દર્શને અને અઠવાડિયું આરામ કરવા આવ્યા છે. આથી જશો બેધ્યાન રહ્યો.

દરમ્યાન વખતસિંહજીએ કારીગરો અને મજૂરોને કામે લગાડયા. ત્યારે મહુવા જવા તળાજા થઇને દરિયાકાંઠાના લાંબા રસ્તે જ જઇ શકાતું પણ અઠવાડિયામાં મજૂરોએ વચ્ચેની ઝાડી કાપી નાંખતા લશ્કર મહુવા પહોંચી ગયું. જશો તો ડઘાઇ ગયો. શરણે થવાને બદલે કિલ્લામાં ભરાઇ રહ્યો. છ દિવસ તોપમારો ચલાવી સાતમે દિવસે કિલ્લામાં ગાબડુ પાડી લશ્કર અંદર પ્રવેશ્યુ. જશો નાસીને રાજુલા ગયો.

ત્યાંનો ભોળો ધાબડો પોતે શરણે થયો. પણ જશાને ડેડાણા નાસી જવામાં મદદ કરી. તેથી વખતસિંહજીએ મહુવા ઉપરાંત રાજુલા પણ ખાલસા કર્યું. ડેડાણના દંતા કોટીલાએ વખતસિંહજીનું લશ્કર આવતું જાણી જશાને આશ્રય આપવા ઇન્કાર કરી નજરાણા તરીકે ઘોડો ભેટ આપ્યો, ભાવનગરની સર્વોપરિતા સ્વીકારી. જશાનો પીછો કરવાનું જરૃરી ન લાગતા  વખતસિંહજી પોતાની રાજધાની ભાવનગર પાછા ફર્યા.

જશાએ ગીરમાં રહી ભાવનગર સામે બહાર વટુ શરૂ કર્યું. હમીર પણ તેમાં મદદ કરતો. એટલે આરબ જમાદારને વાઘનગર પર આક્રમણ કરવાનું કહી તેનો કબજો કરી ભાવનગર રાજ્યમાં ભેળવી દેવાયું. આમ ઝાંઝમેર, મહુવા અને વાઘનગર ત્રણે કોળી ચાંચિયાઓને પરાજય આપી પ્રજાને શાંતિ અને વેપારને સલામતી આપતા બ્રિટિશ સરકારે તા.૧૪-૧૨-૧૭૮૫ના પત્ર લખી વખત સિંહજીને અભિનંદન પાઠવ્યા.

કુંડલામાં ખુમાણ કાઠીઓનું શાસન હતું. આલા ખુમાણના છ દીકરા વચ્ચે ખટપટ હતી. એકે ભાવનગરની અને બીજાએ જુનાગઢના નવાબની મદદ માગેલી. વખતસિંહના તોપદળે આક્રમણ કર્યું. જૂનાગઢની સેના પણ આવેલી. અંતે ભાવનગરનો વિજય થયો. કાઠીઓ નાસીને મિતિયાળા તે ઉપરાંત સલડી, લીલિયા, ગુંદરણા, આંસોદર પણ મેળવ્યા.

વખતસિંહજી સામે વારંવાર હારીને રોષે ભરાયેલા કાઠીઓએ ચિત્તળમાં મસલત કરી સમગ્ર કાઠી સમાજે ભાવનગર પર આક્રમણ કરી તેને શાંત કરી દેવાનું નક્કી કર્યું.

પહેલો ઘા રાણાનો એવી વ્યૂહનીતિમાં માનનારા વખતસિંહજીને માહિતી મળી જતાં પોતે જ લશ્કર લઇ ચિત્તળ જવા રવાના થયા. કાઠીઓ કંઇક વિચારે તે પહેલા તો વખતસિંહજીનું લશ્કર ચિત્તળ પહોંચી ગયું. કાઠીઓને સંરક્ષક રીતે લડવાનું ફાવતું નહિ. છતાં લશ્કર સામે આવીને ઉભું રહેતા કિલ્લામાં ભરાઇ તોપમારો કરવા લાગ્યા.

૪૦ દિવસ ઘેરો ચાલ્યો. વખતસિંહજીએ અકળાઇને પૂછ્યું, ‘કોઇ એવો સાહસી છે જે સામેની તોપો બંધ કરે ?’ એક આયર યુવાન તૈયાર થયો. નામ તેનું જાદવ ડાંગર. વખતસિંહજીએ નજીક બોલાવી તેને આશીર્વાદ આપ્યા અને તેનો હયાતી ન હોય તો કુટુંબની જવાબદારી સ્વીકારી. કેમ કે આમાં તો સીધા મોતમાં જ ઓરાવાનું હતું.

જાદવ ડાંગર ઘોડીને રાગમાં લઇ ભેટમાં ખીલા અને હથોડા બાંધી તલવાર અને ભાલા સાથે રાતના વખતે નીકળી પડયો. છુપાઇને તોપો પાસે પહોંચી જાય છે. તોપચી દેખાય તો ઝટકાવી દે છે અને તોપના કાનમાં ખીલા ભરાવતો કામ પૂરું કરે છે ઘાયલ થયા છતાં હેમખેમ પાછો પણ વળે છે.

બીજે દિવસે નકામી થયેલી તોપો પાસે થઇને લશ્કર કિલ્લામાં ઘસી જાય છે. જેતપુરના વીરાવાળા, જસદણાના વાજસુર ખાચર, ચિત્તળના કુંપાવાળા અને પાળિયાદ, ચોટીલા, બોટાદ ગઢડાના શાસકોનો સંઘ વીખેરાઇ ગયો. સૌ નાસવા લાગ્યા. કુંપાવાળાના ભાઇ ભાયાવાળા પકડાયા. પણ વખતસિંહજીને તેની સાથે સીધું વેર હતું નહિ, તેને છોડી મૂક્યા. ચિત્તળ કબજે કરી વ્યવસ્થા ગોઠવી. ગઢડા, બોટાદ, ભીલડાદ વગેરે ગામો સર કર્યા. જસદણનો કિલ્લો તોડયો. અન્ય ગામો કબજે કર્યા.

કાઠીઓના સંઘનો આ કદાચ પહેલો પ્રયોગ હતો પણ વખતસિંહજીએ તેને નિષ્ફળ બનાવ્યો. સૌ સમસમી ગયા. મહિને કળ વળતાં સમાધાનનું કહેણ મોકલાવ્યું.

વખતસિંહજી સામેથી ચિત્તળ આવ્યા. કાઠી રાજવીઓ- આગેવાનો સાથે વાત કરી. ભાવનગર સામેનો વિરોધ કે સંઘર્ષ મૂકી દેવા, બહારવટિયાઓ વગેરેને મદદ નહિ કરવા, તેમને આશ્રય નહિ આપવાની ખાતરી મેળવી સામેથી ચિત્તળ પાછું આપ્યું. સાથે કસુંબો પીધો. સૌ હળીમળીને ભેટયા. પછીથી વિજયસિંહજીના વખતમાં અંગત કારણોસર જોગીદાસ ખુમાણનું બહારવટું થયેલું. તેવા અપવાદો સિવાય કાઠીઓ સાથેનો સંઘર્ષ શમી ગયો.

ચિત્તળની લડાઇ (૧૭૯૩) પહેલા ફૂલ વરસડાનું ચારણી કાવ્ય ‘વખત બલંદ’ (બળવા, વિખ્યાત વખત સિંહજી) લખાઇ ચૂક્યું હતું. એટલે તેમાં ચિત્તળનું યુદ્ધવર્ણન આવતું નથી. પણ ચિત્તળની લડાઇ પહેલા જ વખત સિંહજીએ કચ્છભૂજના ચિતારાઓને બોલાવ્યા હતા. સલાટી- શિલાવત, કમાંગરી અને લોક ચિત્ર શૈલીઓમાં ત્યારે ચિત્રકામ થતું હતું. ચિત્તળ જવા લશ્કર તૈયાર થઇ રહ્યું હતું. એટલે વખતસિંહજીએ ચિતારાઓને તેની સાથે જોડાઇ જવા કહ્યું જેથી તેઓ બધું જોઇ શકે અને તેના આધારે ચિત્રકામ કરી શકે.

સવાબસો વર્ષ પહેલા આ કલાકારોએ યુદ્ધ પછી શિહોરના દરબાર ગઢના બીજા મજલાની પસારળ, રામજી મંદિર- સિહોર, મોટા ગોપનાથના મહંતના આવાસની પરસાળ, મહુવા સહકારી હાટના ડેલામાં, નાના ગોપનાથ, ખદરપર વગેરે સ્થળે ૧૭૯૩-૯૫માં ભીત ચિત્રો કર્યા છે જે આજે નાશ પામવા લાગ્યા છે.

જાણીતા ચિત્રકાર સ્વ.ખોડીદાસભાઇ પરમારે કેન્દ્ર સરકારની ફેલોશિપ મળતા આવા ભીંતચિત્રો જે ભાવનગર જિલ્લામાં થયાં છે. તેનું સંશોધન કરી ભાવનગર જિલ્લાના સલાટી- શિલાવત કમાંગરી અને લોકશૈલીના ભીતચિત્રો નામનું પુસ્તક તૈયાર કરેલું જે ગુજરાત રાજ્યના માહિતી ખાતાઓ ૧૯૯૭માં પ્રસિદ્ધ કરેલું.

શિહોરના દરબારગઢના ભીતચિત્રો તો બહુમૂલ્ય ઘરેણું છે. આજે પણ તે ભીંત ચિત્રો જોઇ શકાય તેમ છે. પરંતુ સમય ઘણો પસાર થયો એટલે તેની અસરથી,ધૂળ, ભેજ ઘસારો વગેરેના કારણો ઘણું નુકસાન થયેલું છે. આમ છતાં તે આપણી બહુમૂલ્ય વિરાસત છે. હાલમાં તે દરબારગઢ ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાની દેખરેખ હેઠળ છે.

મહારાજા ભાવસિંહજી બીજા (રાજ્યકાળ ૧૮૯૬-૧૯૧૯)ને આવા બહુમૂલ્ય કલાવારસાનું ઘણું ગૌરવ હતું. તેમણે પોતાના રાજ કુમારી મનહરકુંવરબાના ૧૯૧૨માં પન્નાના રાજવી યાદવેન્દ્રસિંહજી સાથે લગ્ન થયા ત્યારે આ ભીંતચિત્રો ઉપરથી ગંજીફો તૈયાર કરાવેલો. તે માટે સારા ફોટોગ્રાફરે લીધેલા કલર ફોટોચિત્રો વિદેશ મોકલાયાં હતા અને તેના આધારે ગંજીફાના પાનાના પાછળના ભાગે એક એક ફોટોચિત્ર આવે તેવું આયોજન કરાયું હતું. ગંજીફાના ૫૨ પાનામાં આવો ૩૪ ફોટોચિત્રો છપાયેલા છે.

આ બહુમૂલ્ય ગંજીફો આજે તો કિંમતી કલેકશન આઇટેમ ગણાય છે. ઘણા સંગ્રાહકોનો સંગ્રહોમાં તે સુરક્ષિત છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઘણી વાર મહેમાનોને અથવા કલાપ્રેમીઓને આ ગંજીફા-સેટની ભેટ આપતા.

ચિત્તળના યુદ્ધ વખતે ઠાકોર વખતસિંહજી આતાભાઇ સહિત જેમણે તેમાં ભાગ લીધો, જે પ્રસંગો બન્યા, તેમાં જે અગ્રણી સૈનિકો કે સેનાધ્યક્ષો હતા. તેમના ચિત્રો તેમાં છે. ધ્વજ લઇ જનાર, પાણીની મશક લઇ જનાર, તોપ લઇ જનાર, ભાગતા કાઠીઓ, લડાઇના દેખાવો, દોડતી સેના વગેરેના ચિત્રો તેમાં આલેખાયા છે એટલે સુધી કે એક મુખ્ય ચિતારાએ પોતાનું સેલ્ફ પાટ્રેટ બનાવેલું તે પણ ખોડીદાસ પરમારે છાપ્યું છે. જો કે ગંજીફામાં તે નથી.

આમ ચિત્રોનો ગંજીફો અને ખોડીદાસભાઇ પરમારનું પુસ્તક આ કલાવારસાની સન્મુખ આપણને મૂકી આપે છે. વળી તેમાં અગત્યની વાત એ છે કે ૧૯૧૨ આસપાસ આ ફોટોચિત્રો લેવાયા ત્યારે હજી ભીંતચિત્રોને બહુ નુકસાન થયેલું નહોતું.

લેખક – ગુણવંત શાહ

error: Content is protected !!