શરણેશ્વર મહાદેવ — અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

સાલું વિદેશ જઈએ તો એમ થાય છે કે હજી આખું ભારત તો જોયું જ નથી. ભારતમાં ફરીએ તો એમ થાય છે કે હજી ગુજરાત તો પૂરેપૂરું જોયું નથી અને જયારે ગુજરાતમાં ફરીએ છીએ ત્યારે એમ થાય છે કે આ જગ્યાઓ કેમ કરીને મારાથી છૂટી ગઈ હતી !!! પણ એમ કંઈ થોડી જ છૂટવા દેવાય છે તે !!! મોડું જોવાય પણ સારી રીતે જોવાય એ વધારે સારું ગણાય. આપણી સમજણ પણ ઉંમર જતાં વધતી જ હોય છે ને !!! સમજણ વધે એટલે રસ પણ વધે અને રસ વધે ત્યારેજ આવી સરસ જગ્યાઓ જોવાય એજ વધારે ઉચિત ગણાય ભલે મોડું તો મોડું પણ જોવાય તો છે જ ને !!!

હવે જેનાં વિષે લખું છું એ છે શરણેશ્વર મહાદેવ. આ મંદિર જ અમે વિજયનગર પ્રવાસમાં પહેલું જોયું હતું !!! આ સ્થાન વિષે અને આ સમગ્ર વિજયનગર પોળો ફોરેસ્ટ વિષે સાંભળ્યું તો બહુ જ હતું અને વાંચ્યું પણ બહુ જ હતું. આ જગ્યાએ હજી પણ બહુ ઓછાં લોકો જ જાય છે !!! કારણકે આ જગ્યા આમ તો પુરાણી જ છે પણ પૌરાણિક નહીં ઐતિહાસિક !!! અરવલ્લી પર્વતોનું સાનિધ્ય જો માણવું હોય તો આ સ્થાન અતિઉત્તમ છે. એક જગ્યાએ તમને કુદરત, ઈતિહાસ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવાં મળશે !!! શરણેશ્વર મહાદેવ એ ભિલોડા તરફથી આવો તો એ બંધ, છત્રીઓ અને જૈન મંદિરો પછી આવે છે. આ એક મંદિર એવું છે કે જે જોવાં કોઇએ પણ જવું જ જોઈએ સાથે સાથે બીજું જે કંઈ ત્યાં જોવાં જેવું છે એ જોઈ લેવું જોઈએ. તાત્પર્ય એ કે આ આખાં વિજયનગર પોળો ફોરેસ્ટમાં આ મંદિર જ મહત્વનું અને અતિ પ્રખ્યાત છે.

Sharneshwar Mahadev 4

ઈતિહાસ કયારેય મૃતપ્રાય થતો જ નથી એ સદાય જીવંત જ હોય છે. આપણે જોવાં જઈએ તોય શું અને ના જોવાં જઈએ તોય શું !!! ઈતિહાસ એ ઈતિહાસ જ રહે છે એને કોઈ મિટાવી શકતું જ નથી ઈતિહાસ માણવાની ત્યારેજ મજા આવે જ્યારે આજુબાજુનું વાતાવરણ અને એનું પ્રાકૃતિક સૌન્દર્ય અદભૂત હોય !!! બાકી મંદિરો એ માત્ર દર્શન કરવાના સ્થાન જ બની રહે પણ દર્શન સાથે એ ઐતીહાસિક હોય અને આજુબાજુનું વાતાવરણ સરસ હોય તો એ કોઈનેય પણ આકર્ષે જ. આ જ ચુંબકીય આકર્ષણ જ આપણને આવાં મંદિરો તરફ અને ઈતિહાસ તરફ ખેંચતું હોય છે !!! પહેલાં પણ આ જગ્યા તો હતી જે અત્યારે ત્યાં છે. પહેલાં પણ આ મંદિર હતું જે અત્યારે ત્યાં છે અન્ય સ્થાનકો પણ ત્યાં હતાં જે અત્યારે ત્યાં છે અને અરવલ્લીના પહાડો તો આ સ્મારકો બન્યાં એ પહેલાનાં ત્યાં જ ઉભાં છે જ્યાં અત્યારે ત્યાં છે એમના એમ જ !!! આ સ્થાનોનું મહત્વ એ વિશે આપણે જેમ જેમ જાણતાં થઈએ છીએ ત્યારે જ જ્ઞાત થઈએ છીએ.

 

પહેલાં પણ આ જગ્યાએ બહુ લોકો નહોતાં જતાં આમેય સાબરકાંઠા એ ઉપેક્ષિત અને પછાત-ગરીબ લોકોનો ગણાતો જિલ્લો છે પણ હમણાં હમણાં લોકોમાં જે પ્રી-વેડિંગ શૂટનો જે ક્રેઝ વધ્યો છે એમાં આ સ્થળ એમને મન આદર્શ છે. હિંમતનગરનાં ફોટો સ્ટુડિયોવાળાંએ આને મશહૂર કરી દીધુ છે એમાં બે મત નથી. અત્યારે પણ તમે ત્યાં જાઓને તો કોઈને કોઈ બસ એ આવા શુટિંગ માટે ત્યાં આવેલી જ હોય છે !!! અહીં આમ તો અનેક બસો …….સ્કુલ -કોળેજોવાળાં પણ અહી દરવર્ષે વિદ્યાર્થીઓને લાવતાં થયાં છે અમદાવાદીઓને મન તો હવે આ જગ્યા લોનાવલા -ખંડાલા – પુણે અને મહાબળેશ્વર જ છે. વરસાદી સિઝનમાં તમે ત્યાં જાઓ તમે કાશ્મીર અને સ્વીટઝરલેન્ડને બાજુએ મૂકી દેશો. અહીં પહાડો નાનાં છે અને બરફ નથી એટલું જ બાકી બધું જ છે !!!

વિજયનગર પોળો ફોરેસ્ટ એ નામ પોલ એટલે કે દરવાજો અને આ જગ્યાએ ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચેનો દરવાજો છે એટલે એને પોળો ફોરેસ્ટ કહેવાય છે. સંસ્કૃતમાં પોલ એટલે દરવાજો શબ્દ વપરાય છે !!! એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપ પણ અહી વિચરતાં હતાં અને એમ પણ કહેવાય છે કે મહારાણા પ્રતાપની સમાધી સ્થળ પણ અહીંથી નજીક જ છે !!! તેમની આ અતિપ્રિય ભૂમિ હતી અને એમના પરમ મિત્ર દાનવીર ભામાશા પણ આ જગ્યાએથી અનેકોવાર પસાર થયાં હતાં. તેમનાં મનમાં એક વિચાર આવ્યો એમણે અહી જૈન મંદિર બાંધવાનો વિચાર કર્યો અને એમને એ મંદિર અહીં બનાવ્યું ત્યાર પછી કાળક્રમે અહીં બીજાં મંદિરો બનતાં ગયાં. ધીમે ધીમે કાળક્રમે એ મંદિરોની સંખ્યા વધતી ગઈ અને ૩૦૦ ઉપર પહોંચી ગઈ.

Sharneshwar Mahadev 1

જેમાનાં આજે માત્ર થોડાંક જ બચ્યાં છે પણ એમ જરૂર કહી શકાય એમ છે કે આખા વિસ્તારમાં અસંખ્ય મંદિરો હતાં. જેના અવશેષો આજે પણ જોઈ જ શકાય છે !!! ભામાશાએ જે શરૂઆત કરી હતી તે પહેલાં આપણા સોલંકીયુગીન રાજાઓએ પણ અહીં ઐતિહાસિક સ્મારકો બાંધવાની શરૂઆત કરી જ દીધી હતી. એમાં મુખ્ય છે અભાપુરમાં સ્થિત લગભગ ૧૦૦૦ વર્ષ જુનું સૂર્યમંદિર અને ભગવાન નરસિંહનું મંદિર જે આખાં ગુજરાતમાં આ એક અને માત્ર એક જ છે વિરેશ્વર મંદિર તો અતિપ્રાચીન જ છે !!! આ જૈન મંદિરો એ ઇસવીસનની ૧૫મી સદીમાં બન્યાં છે !!! પણ મને એકાદ સદીનો ગોટાળો જરૂર લાગે છે આમાં કારણકે મહારાણા પ્રતાપ જન્મ્યા છે ૯ મે ૧૫૪૦માં અને અવસાન પામ્યા છે ઇસવીસન ૯ જાન્યુઆરી ૧૫૯૭માં અને ભામાશા એમના મિત્ર હોય તો એપણ આજ સમયગાળા દરમિયાન થયાં હોયને !!!

ઇસવીસન ૧૪૦૦થી ઇસવીસન ૧૫૦૦નાં સમયગાળાને ૧૫મી સદી કહેવાય અને ભામાશાનો જીવનકાળ છે ——૧૫૪૨થી ૧૬૦૦. જો ભામાશાએ જ આ મંદિરો બનાવ્યાં હોય તો એ ૧૬મી સદીમાં જ બનાવ્યાં હોય !!! આમાં તમે જ કહો કે આ પંદરમી સદી ક્યાંથી આવી ? જોકે એ ૧૬મી સદીમાં બનાવેલા હોઈ જ શકે છે એમ માનીને ચાલવું એ ઉચિત ગણાશે !!! પણ પંદરમી સદીમાં તો નહીં જ !!! એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આ વિજયનગર એ વિલીન થયેલું રાજ્ય હતું. એ સમયમાં સાબરકાંઠામાં ૨ જ મુખ્ય રાજ્યો હતાં —–રજવાડાં !!! ઇડર અને વિજયનગર ……..

વિજયનગરના રાજાઓએ ઇડરનાં રાજાઓ સાથે ઇસવીસન ૧૧૯૩માં થાનેશ્વ્રરના અતિ પ્રખ્યાત યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને સાથ આપ્યો અને મહંમદ ઘોરી સામેની એમની હારને કારણે ત્યારે એમાં ખતમ થઇ ગયાં. ત્યાર પછી મહમદ ઘોરીએ વેર વાળ્યું અને આ સાથ આપનાર રાજાઓનાં રાજયમાં સ્થિત મંદિરો તોડવાની શરૂઆત કરી અને પ્રજાને રંજાડવામાં પણ આવી હતી. આ મહંમદ ઘોરીનો સમયગાળો હતો ઇસવીસન ૧૧૪૯થી ઇસવીસન ૧૨૦૬. આભાપુરનું પ્રખ્યાત સૂર્ય મંદિર એ મહંમદ ઘોરીએ જ તોડયું હતું. સાબરકાંઠાના ઐતિહાસિક સ્મારકો તોડવાની શરૂઆત એ મહંમદ ઘોરીએ કરી હતી એમ ચોક્કસપણે કહી શકાય એમ છે ત્યાર પછી જ એ અલાઉદ્દીન ખીલજી અને તેનાં ભાઈ અલફ્ખાને પાટણ પરની ચડાઈ વખતે આ સામ્રાજ્યમાં આવેલાં મંદિરો તોડયાં હતાં અને એણે જ આ પ્રખ્યાત શિવમંદિર શરણેશ્વર મહાદેવ મંદિર તોડયું હતું ૧૩મી સદીના અંતભાગમાં. આ એક ઇતિહાસમાં નોંધાયેલી ઘટના છે.

કારણકે અલ્લાઉદ્દીનનો સમયગાળો છે ઈસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૧૬ !!! એટલે કે મંદિર તોડવાની શરૂઆત મહંમદ ઘોરીએ કરી હતી ત્યાર પછી જ અલાઉદ્દીન ખીલજીએ. મહેમુદ ગઝની અહી આવ્યો જ નથી એટલે એનાં નામનો ઉલ્લેખ અહીં કરવો વ્યાજબી નથી જ !!! ત્યાર પછી તો મુઘલોનું આધિપત્ય હતું !!! આ ઇતિહાસની રામાયણ-મહાભારત કથા એટલા માટે કરી છે કે લોકો કેટલાંક ખોટા ખયાલોમાં રહે છે. ઈતિહાસ કેટલો ખોટો ચીતરાયો છે એ જ મારે બતાવવું હતું. આ વિજયનગરના મંદિરો એ ભામાશાએ જૈન મંદિરો બંધાવ્યા પછી જ એ વિસ્તારમાં આજુબાજુ મંદિરો બનતાં ગયાં. જ્યારે ઈતિહાસ ગવાહ છે કે અહી પહેલાં પણ મંદિરો હતાં જ અને જૈન મંદિર પછી પણ અહીં મંદિરો બન્યાં છે કારણકે ૧૫મી -૧૬મી સદીમાં ગુજરાત ઉપર આક્રમણ કદાચ થયું જ નથી અને એ સમયમાં કે ત્યાર પછીના સમયમાં એ મંદિરો તૂટ્યાં જ નથી !!! સૂર્ય મંદિર અને આ શરણેશ્વર મહાદેવ મંદિર એનો જીવતો જાગતો દાખલો છે !!!

Sharneshwar Mahadev 2

આ શરણેશ્વર મહાદેવ મંદિર બન્યા તવારીખમાં પણ મતભેદ પ્રવર્તે છે કોઈક કહે છે કે આ ઇસવીસનની ૧૧મી સદીમાં બનેલું મંદિર છે તો વધારે લોકો એને ૧૫મી સદીમાં બનેલું માને છે પણ ઇતિહાસના સાંયોગિક અને દાર્શનિક પુરાવાઓ એમ કહે છે કે આ મંદિર કદાચ ૧૧મી સદીમાં બનેલું હોય અને એજ સાચું છે કારણકે આ મંદિર તો ખીલજીના ભાઈએ તોડયું હતું !!! પુરાતત્વ ખાતું આ મુખ્ય મંદિરની આજબાજુના જે જીર્ણ થયેલાં મંદિરો છે એ આ મંદિર પહેલાં બન્યાં હતાં એમ કહી છૂટી ગયું છે જયારે વાત તો આ મુખ્ય શરણેશ્વર મંદિરની જ છે આની બાજુમાં ખંડિત મૂર્તિઓ અને મંદિરો છે ખરાં !!! આ મૂર્તિઓ ઠેર ઠેર ઠેકાણે છૂટી છવાયી પડેલી છે જેની સાચવટની કોઈનેય પડી નથી.

આખરે આ વિસ્તાર પુરાતત્વ ખાતાં અને વનવિભાગ અંતર્ગત હોવાં છતાં પણ આ એક અત્યંત દુઃખદાયક બાબત ગણાય !!! આ મંદિર વિષે ઈતિહાસકારો અને આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ એમ કહીને છૂટી ગયું છે કે આ મંદિર ૫૦૦થી એક હજાર વર્ષ પુરાણું છે એટલે એ ૧૧મી સદીમાં બન્યું હોય એ વાત સાચી લાગે છે. સોલંકીયુગીન અને એમાંય ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયના બાંધકામો સાથે આ મંદિરનું બાંધકામ મેળખાતું દેખાય છે !!! એના શિલ્પો પણ આ જ ચાડી ખાય છે !!! પણ એનાથી એ ફલિત નથી થતું કે એ મંદિર ૧૫મી સદીમાં જ બન્યું હોય !!! પણ જ્યાં જ્યાં વાંચવામાં મળે છે એ આ મંદિર ૧૫મી સદીમાં જ બન્યું હોય એની જ વાત કરે છે અને એના પુરાવાઓ પણ એ જ સમયનાં મળ્યા છે !!! તેમ છતાં તેઓ એ એમ કહેવાનું ચૂકતાં નથી કે આ મંદિર ૫૦૦થી હજાર વર્ષ પુરાણું છે. આ ૫૦૦ વર્ષનો ગાળો સાલું કંઈ સમજાતું નથી હોં !!! પણ એ મંદિર ૧૧મી સદીમાં બન્યું હોય કે ૧૫મી સદીમાં બન્યું હોય. છે તો જોવાંલાયક જ અને એ જ અહીનું મુખ્ય આકર્ષણ છે એમાં તો કોઈજ શંકાને સ્થાન નથી !!!

Sharneshwar Mahadev 3

એક શક્યતા છે જે નકારી શકાય એમ નથી અને એ છે કે —— આ મંદિર બે સમયમાં બન્યું હોય એક ૧૧મી સદીમાં જે ખીલજીના ભાઈએ તોડયું હતું પછી ૧૫મી સદીમાં એ કોઈ રાજાએ ફરી બંધાવ્યું હોય !!! આ શક્યતા નકારી શકાય એમ નથી જ !!!! એ કઈ સાલમાં બન્યું એ ઈતિહાસકારો પર છોડીને આપણે આ મંદિર વિષે વાત કરીએ !!!

આ મંદિર એ ઇડર તરફથી જઈએ તો મુખ્ય રસ્તા પર જમણી બાજુએ આવે છે. રસ્તો ખુબજ રમણીય છે. આજુબાજુ અને ચારેકોર વનરાજી જ વનરાજી વળી પાછાં પહાડો પણ ખરાં !!! રસ્તો જ આટલો સુંદર હોય તો મંદિર પણ સુંદર જ હોય ને વળી !!! ભિલોડા તરફથી આવો તો મંદિર રસ્તાની ડાબીબાજુએ આવે અને એ મુખ્ય રસ્તા પર જ છે ક્યાંય આજુબાજુ કે અંદરની કોરે જવાનું નથી. મંદિર તો થોડું આગળ છે પણ એનું પટાંગણ જ વિશાળ છે. ડાબી અને જમણી બાજુએ આઈસ્ક્રીમ અને ચાની દુકાનો છે. તેની બાજુમાં બહુજ સરસ રીતે બાંકડાઓ મુકવામાં આવેલાં છે. ગાડી કે વાહનો બહાર જ પાર્ક કરવામાં આવે છે અને એ તો એમ જ હોય એમાં કશું જ નવું નથી પણ આ વિશાળ પ્રટાંગણ અત્યંત સ્વચ્છ અને સરસ ચકચકિત પથ્થરો જડેલું છે !!! જેમાં ૧૦૦ પગલાં ચાલ્યા પછીએક નાનાં દરવાજામાંથી આ મંદિર પરિસરમાં જઈ શકાય છે !!!

આ મંદિરમાં દાખલ થાઓને એટલે સામે એક કિલ્લા જેવો મોટો દરવાજો આવે છે. આ દરવાજો ખરેખર જોવાં જેવો છે એની દીવાલ બહુજ મજબુત અને પથ્થરની બનેલી છે અને એ દરવાજો પહોળો ઉંચો અને એક વિશિષ્ટ ભાત પાડનારો છે. આવો દરવાજો ગુજરાતનાં કોઈ જ મંદિરોમાં નથી. આ દરવાજામાં બંને બાજુએ બે ગોખ છે જેમાં એક સમયમાં ભગવાનની મૂર્તિઓ હતી જે આજે નથી ગાયબ થઇ ગયેલી છે. દરવાજાની બિલકુલ સામે એક ઊંચા સ્તંભ ઉપર નંદી બિરાજમાન છે એની બિલકુલ સામે આ બે માળનું શરણેશ્વર મહાદેવ મંદિર છે. એનું પરિસર આજબાજુ નાનાં નાનાં મંદિરો , મૂર્તિઓ અને સુંદર વનરાજીથી ઘેરાયેલું છે

આ મંદિરમાં છેક ઉપર ઓમ નમઃ શિવાય લખાયેલું છે. જેની લાઈટો રાત્રે મંદિરને એક નવો જ ઓપ આપે છે. આ મંદિર અત્યારે તો ખંડિત થયેલું છે પણ એટલું બધું ભવ્ય છે ને કે એ જોતાં જ આપણા મુખેથી “વાહ અદ્ભુત ” એ શબ્દો સર્યા વગર રહે નહીં. આ મંદિરની ઉપરના માળની માત્ર કમાનો એટલે કે ગોખ જેવું જ રહ્યું છે. પહેલી નજરે જોતાં જ આપણા મનમાં સિદ્ધપુરના રુદ્ર્મહાલયની યાદ આવ્યાં વગર રહે જ નહીં. અત્યારે જ્યાં શંકર ભગવાન નું લિંગ સ્થિત છે જ્યાં પૂજા-અર્ચના કરવી હોય તો જઈ જ શકાય છે અલબત્ત બહારથી જ હોં !!! કહેવાનું તાત્પર્ય એ કે આ મંદિર આજે પણ ચાલુ છે પણ એ મંદિરની કલાકોતરણી જ એટલી જ મસ્ત છેને કે દર્શના કરવાં હોય તો કોઈને પણ આ જોવામાં જ બધાને વધુ રસ હોય છે

અહીં જ ફોટોગ્રાફીના ચાહકો પડયાં પાથર્યા રહે છે જે ખરેખર સારું અને સાચું છે. એ મંદિરની છત ષટકોણીય છે જેની કમાનો અદ્ભુત છે એક નવોજ દ્રષ્ટિકોણ આપે છે આ મંદિરને !!! આવી કમાનો અને આવાં ગોખ એ તો લગભગ વિજયનગરનાં દરેક મંદિરોમાં છે જૈન મંદિરો અને એક બીજું શિવમંદિર છે ત્યાં પણ આવીજ કમાનો અને ગોખ છે જોકે એને ઝરૂખો કહેવો વધારે યોગ્ય ગણાશે !!! આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ થયેલું જોવાં મળે છે !!! પ્રાચિન સમયમાં અભાપુરના આ શિલ્પ સ્થાપત્યો પોળોના જંગલ તરીકે ઓળખાતાં હતા. શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. આ મંદિરની બહાર નીચેની દીવાલ પર તોરણ અને પાંદડાની અદ્ભુત કોતરણી છે.

આ મંદિરની બાહ્ય દિવાલો પર દ્વિ જંઘા ,યમ, ભૈરવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, પાર્વતી, ઇન્દ્રાણી, શ્રી ગણેશજી, અપ્સરાઓ અને થોડાંક કામસૂત્રનાં શિલ્પો મુખ્ય છે તદુપરાંત સામાન્ય જનજીવન, માણસો,હાથીઓ, હંસો અને છોડનાં શિલ્પો મુખ્ય છે. આમ ચારે બાજુએ ઈંચેઇંચ એ શિલ્પાકૃતિઓથી ભરેલી છે જે જોતાન જ અભિભૂત થઇ જવાય છે. જો ૧૫મી સદીની વાત કરીએ તો આવાં અદ્ભુત શિલ્પો અને આવું સુંદર શિવમંદિર બીજે ક્યાંય પણ જોવાં મળતું નથી આપણા ગુજરાતમાં !!!

આ વિજયનગર પોળો ફોરેસ્ટનાં સ્મારકોની એક ખાસિયત એ પણ છે કે એ બધાં પશ્ચિમાભિમુખ છે. શિલ્પ કલાકૃતિની દ્રષ્ટિએ આ સાંધાર પ્રકારનાં છે
એની પીઠીકામાં કંડારાયેલી ગ્રાસપટ્ટી અને ઊર્મિવેલ મંદિરને અતિઆકર્ષક બનાવે છે !!! મંડપનાં વામનસ્તંભોમાં કંડારેલ હંસાવલી અને નરથર જેવું અલંકરણ એ આ મંદિરની આભા વધારનારું છે જોકે આ બધું તો પુરાતત્વખાતાંએ જે પાટિયું મુક્યું છે એમાં લખાયેલું જ છે પણ લખાણ એ લખાણ છે એ જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે છે કે આ ખરેખર અતિસુંદર છે

આ મંદિરનું ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પથ, સભામંડપ અને શ્રુંગાર ચોકી જેવા અંગો ધરાવતું આ સાદર પ્રકારનું મંદિર છે.. આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી. મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે. મંદિર કુલ બે માળનું છે જે પહેલી નજરે જોતાં એવું લાગે છે. પણ એ કુલ ૩ માળનું છે જેનો ઉપરનો માળ ખરેખર તૂટી ગયેલો છે એટલે એ પહેલાં ૩ માળનું હતું પણ અત્યારે એ બે જ માળનું છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે પણ જે છે એ ખરેખર અદ્ભુત જ છે. આ મંદિરનાં ઝરૂખાઓ ખુબ જ મોટાં અને શણગારાયેલા છે અને તે તમે જુઓને તો તમે અડાલજના ઝરૂખાઓને પણ ભૂલી જાવ એટલાં સરસ છે અને આ ઝરૂખાઓ મંદિરની પાછળ આજુબાજુમાં અને ઉપર પણ છે ઉપરનો ઝરુખો જોતાં જ તમને રૂદ્રમહાલયની યાદ આવ્યાં વગર રહે જ નહીં.

આ શિવ મંદિરનું ગર્ભગૃહ હંમેશા બંધ જ રહે છે તેનાં દરવાજાને ટાળું મારેલું હોય છે તેમાં દર્શન બહારથી જ કરી શકાય છે અંદર શિવલિંગ સુધી જઈ શકાતું નથી. તેમ છતાં પણ લોકો અહીં પૂજા અર્ચના કરતાં જ હોય છે કારણકે એતો આસ્થાનો વિષય ખરોને !!! એટલે જ આ મંદિર ચાલુ છે એમ મેં કહ્યું છે !!! દર્શન જયાંથી પણ કરાય પણ દર્શન એ દર્શન છે. માત્ર એ દર્શન શ્રદ્ધાપૂર્વક કરવાં જોઈએ પણ !!! વળી આ મંદિરની આજુબાજુ ચોકમાં એક વેદી પર અનેક શિલ્પો અને અને સ્તંભોવાળી કમાનો છે જે આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરનાં બહારના ભાગમાં વેદી પણ છે જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે. મંદિરના સ્તંભો વિશેષ આકર્ષક છે તે છેક ઉપરથી નીચે સુધી વૃત્તાકાર છે

શરણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ચોકમાં ડાબી બાજુએ રક્તચામુંડાની ચાર ભુજાવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે !!! આ મંદિરને શિવપંચાયતન પણ કહેવામાં આવે છે

શરણેશ્વર મંદિરનો ઈતિહાસ

આ મંદિર વિષે એક કથા પણ જોડાયેલી છે !!! આ મંદિરમાં મહાદેવજી સાથે માતા ઉમા પણ બિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના સીરોહીની રાજકુંવરીએ બનાવ્યું હોવાનું ઈતિહાસકારો માને છે. આ રાજકુંવરીનો રોજનો એક નિયમ હતો કે શિવ આરાધના કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું પરંતુ એ રાજકુંવરીનાં લગ્ન વિજયનગરનાં રાજકુમાર સાથે થવાથી એમને ૩-૪ દિવસ તેઓ શિવની આરધના કરી શક્યાં નહીં તેમને ભગવાન શિવના દર્શન થાય તે માટે ઉપાસના કરી !!! આ તપશ્ચર્યાથી અત્યંત પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથે અહીં આ સ્થળે સ્વયંભુ શિવલિંગ રૂપે પ્રગટ થઈને એ રાજકુંવરીને દર્શન આપ્યાં હતાં એવું કહેવાય છે !!! રાજકુમારીએ આનાં માનમાં એક અતિભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું તે જ આ શરણેશ્વર શિવમંદિર !!!

આ મંદિર વિષે બીજી પણ એક લોકવાયકા પ્રચલિત છે. મહારાણા પ્રતાપ અહી ગુપ્ત્વેશમાં રહ્યાં હતાં !!! મહારાણા પ્રતાપ એ પ્રખર શિવભક્ત હતાં. તેમને અહી રહીને જ ભગવાન શિવજીની આરાધના કરી હતી. ભગવાન શિવજીની આરાધનાની ફલશ્રુતિ સ્વરૂપે જ તેમણે અહીંની આદિવાસી પ્રજાનો સાથ અને સહકાર મેળવીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું !!!

આમ તો આ બધી લોકવાયકા અને કિવદંતીઓ જ છે. એમાં કેટલું તથ્ય એ તો રામ જાણે ?

આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ પણ જે છે એ જ સરસ એમ માનીને જુઓ તો આ પંદરમી સદી અત્યારે પણ આપણને જીવંત લાગશે એમાં કોઈજ શંકાને સ્થાન નથી. આ વિજયનગરમાં જયારે પણ જાઓ ત્યારે બીજું ઘણું બધું જોવાનું છે એ શાંતિથી જોજો અને ટ્રેકીંગનો લહાવો લેવાનું ભૂલતાં નહીં હો પાછાં !!! આવાં મંદિરો જોવાં એ જીવનનું અમુલ્ય લ્હાણું જ ગણાય !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!