પ્રામાણિક અને સત્યાગ્રહી શંભુ

‘સર!’ ધોરણ આઠના વર્ગની બેંચ ઉપરથી, માથા પર લાંબી શિખા, ગળગોટિયો ચહેરો અને ખભે જનોઇવાળો એક વિદ્યાર્થી આંગળી ઊંચી કરી અને તરત ઊભો થયો. આસપાસમાં એણે બાંધી નજરે જોયું પછી ચોપડીઓ ભરેલી થેલીમાં હાથ નાખ્યો અને થેલીના નાકા સરસું નાક લાવીને થેલીના તળિયે ડોકાયો…

પાલિતાણા શહેરની હાઇસ્કૂલના બીજા છોકરા જોઇ રહ્યા કે આ શંભુ ચાલુ વર્ગે ‘સર’ માટે ગાજર લાવ્યો છે. કાં મૂળા… કાં તો મેથીની ભાજી! કાળા પાટિયા પર ચોકસ્ટિક ચલાવ્યે રાખતા શિક્ષકે એ છોકરાના ટહુકા સામે ન જોયું. પિરિયડ ગણિતનો હતો. મનોયત્ન અઘરું…! હાઇસ્કૂલ પાલિતાણા રાજની. ગણિતના શિક્ષકનો સ્વભાવ ઊગ્ર અને મિજાજી ખોપરી…! નોકરી રાજાની એટલે ભલભલાની ઐસી તૈસી કરી નાખે… ત્યાં વળી આ શિખાધારી છોકરાની શી વિસાત?પણ છોકરો ‘વેની’! લીધેલી વાત ન મૂકે એવો…. કોઇથી પાછો ગભરાય નહીં એવો. ફરીથી એ બોલ્યો:

‘સાહેબ!’

પેંડલવાળી સાઇકલનો આગળનો ભાગ વળાંક લે એમ ગણિતના શિક્ષક થોડાક આ અવાજ બાજુ ફર્યા. છોકરાને જોયો ન જોયો કર્યો અને દાંતિયું કર્યું:

‘બેસી જા… ન સમજાય તો પછી પૂછજે કાં મારે ઘેર આવજે. કૂતરાં તગડે એનાં કામ નથી ગણિત શીખવાનાં…’

‘પણ સાહેબ!’ પેલા પૃચ્છક છોકરાના અવાજમાં, આંખોમાં અરે, આખા પડ્યેમાં કશુંક ઊભરતું હતું. હવે તો ઢોળાતું હતું!

‘શું છે બોલ?’ કાળા પાટિયાના પ્રદેશમાંથી ચોક-ડસ્ટર સોતા ગણિત શિક્ષક એ બાળક સામે ફર્યા. છોકરો ચોટલીધારી હતો, બ્રાહ્નણના દીદાર દેખાતા હતા. કંઇક જાતનાં બલાડાં હશે… કાં તો ચોપડા, કાં તો ફી, કાં તો રહેવા માટે ઓરડી. ખાવા માટે આટો… કાંઇ ને કાંઇ લફરાં હશે!

‘બોલી નાખને શું છે?’ શિક્ષક ઘાની જેમ ઉગામાયા…

‘મને એક ચીજ જડી છે, સાહેબ!’

‘શું જડે તને…!’ કોકની તૂટેલી પેન્સિલ, ભાંગેલ વરતણું, રમવાની કોડીઓ અને કાં તો શીશીનું કોઇનું બૂચ…! બીજું તને વળી શું જડવાનું હતું?’

આઠમા ધોરણનો વર્ગ હસી પડ્યો એટલે શિક્ષકે કટાક્ષને વધારે ધાર કાઢી: ‘કાં પછી લોટ માંગવાની તાંબડી!’

‘જુઓ, સાહેબ!’ કહીને છોકરાએ પીળા રંગની ઝળાંહળાં એક વસ્તુ થેલીમાંથી કાઢી. આંગળી ઉપર ટિંગાડી: ‘છડો જડ્યો છે પગમાં પહેરવાનો, સાહેબ!’

આખો વર્ગ હવે, ગણિતને ગોંદરે મૂકીને એ બાળક તરફ મંડાયો…

‘લાવ જોઉં…’

પ્રથમ નજરે જ છડો કીમતી લાગવાથી શિક્ષક બાળકની પાસે આવ્યા. છડો હાથમાં લીધો. હતું તો સોનું જ! છતાં ચકાસણી કરવા જમણા હાથની હથેળીમાં રાખીને બે ચાર વાર ઉછાળી લીધું. ખાતરી થઇ ગઇ-છડો સોનાનો જ છે.

‘શું નામ તારું?’ અંચબો પામીને શિક્ષકે પૂછ્યું.

‘શંભુ…’

‘આખું નામ બોલ…’

‘ત્રિવેદી શંભુશંકર ધનજીભાઇ…’

‘વતન?’

‘ગારીઆધાર…સર!’

‘જ્ઞાતિએ બ્રાહ્નણને?’

‘હા, સાહેબ…’

‘શું કરે છે, તારા પિતા?’

‘શાસ્ત્રી છે… યજમાનવૃત્તિ કરે છે.’

‘છડો તને ક્યાંથી જડ્યો શંભુ?’

‘રસ્તા ઉપરથી… આજ…’

‘ભલે… બેસી જા… પિરિયડ પૂરો થાય પછી મને મળજે.’ અને ગણિતનો તાસ પૂરો કરીને વર્ગશિક્ષકે શંભુને કહ્યું: ‘ચાલ, આચાર્ય પાસે જઇએ…’ અને બંને હાઇસ્કૂલના હેડમાસ્તરની ઓફિસમાં પ્રવેશ્યા… સોનાનો છડો રજૂ કરનાર વિદ્યાર્થીનો વર્ગશિક્ષકે પરિચય આપ્યો… હેડમાસ્તરે શંભુને શાબાશી આપી. અને સ્કૂલના કાળા પાટિયા પર સોનાનો છડો જડ્યાની જાહેરાત લખાવીને પાટિયું બજારમાં મૂકર્યું:

‘સોનાનો છડો અમારી સ્કૂલના એક વિદ્યાર્થીને મળ્યો છે. જેનો હોય તેમણે બીજો છડો રજૂ કરીને, ખાતરી આપીને દિવસ બેમાં લઇ જવો નહીંતર રાજદરબારમાં દાખલ થશે…’ છડો લેવા કોઇ આવ્યું નહીં. ત્રીજા દિવસે શંભુશંકર જ્યારે હાઇસ્કૂલના પ્રાંગણમાં આવ્યો ત્યારે ઘોડાગાડી એની રાહ જોતી હતી.

‘આપણે શંભુશંકર, રાજદરબારમાં જવાનું છે.’ કહીને હાઇસ્કૂલના હેડમાસ્તરે શંભુને ઘોડાગાડીમાં સાથે લીધો:

‘જો શંભુશંકર! મહારાજા સાહેબ, તને કાંઇ કડક થઇને પૂછે તો ગભરાતો નહીં…’

‘શું કામ ગભરાઉં, સાહેબ?’

‘કેમ?’ માસ્તર સાહેબ આશ્ચર્યથી શંભુશંકર સામે જોઇ રહ્યા. જ્યાં જતાં ખુદ પોતે ડરતા હતા એવા રાજદરબારમાં, રાજા પાસે જવા માટે આ છોકરાના મનમાં કાંઇ ફડક કાં ન મળે?

‘જો શંભુ, માનસિંહજી એ કોઇ સાધારણ માણસ નથી. તું જાણે છે? એ પાલિતાણા રાજના ધણી છે… એની પાસે જતાં ડર ન લાગે?’

‘ન લાગે, સાહેબ!’ માથાની શિખા પર આરામથી હાથ ફેરવી લઇને ધોરણ આઠનો વિદ્યાર્થી બોલ્યો:

‘ડર શા માટે લાગે? આપણે તો એની વસ્તુ પાછી આપવા જઇએ છીએ… આ છડો સોનાનો છે. ઘણો કીમતી છે. મેં સાંભળ્યું છે કે રાજકુટુંબમાંથી બહેનો રાજબાઇને ઓરડે દર્શન કરવા ગયાં હશે અને છડો નીકળી ગયો હશે.’

હાઇસ્કૂલના હેડમાસ્તરને વાત આખી રસના ઘૂંટડા પેઠે ગળે ઊતરી ગઇ. છડો રાજકુટુંબનો જ હોય, જાહેરાત કરી છતાં કોઇ લેવા ન આવ્યું. લેવા આવે તો રાજરાણીઓને છડો ખોઇ નાખવાની ભૂલ બદલ રાજવી તરફથી ઉગ્ર ઠપકો મળે, માટે છડો ખોવાયો છે એ વાત જ દપટી દીધી હશે! ‘તારી વાત તો સાચી, શંભુ!’

‘મેં મારી સત્યતા પુરવાર કરી સાહેબ! પછી શા માટે ડરું?’

‘હં… શંભુ! તું આ ‘સત્યતા’ શબ્દ ક્યાંથી શીખ્યો?’

‘મારા પિતા ધનજીભાઇ ત્રિવેદી, વિદ્વાન શાસ્ત્રી છે. અમારા ઘરમાં સત્યતા, પ્રામાણિકતાની વાતો રોજ થાય.’ અને ઘોડાગાડીમાંથી શંભુને આંગળીએ વળગાડીને હેડમાસ્તર, રાજવીના સિંહાસન સુધી દોરી ગયા. બાળક શંભુને જડેલો સોનાનો છડો ઠાકોર માનસિંહજી આગળ મૂક્યો અને શંભુના ખભા પર હાથ મૂકીને માસ્તર સાહેબે નમ્ર અવાજે પરિચય આપ્યો.

‘આ શંભુ આપણી હાઇસ્કૂલમાં આઠમા ધોરણમાં ભણે છે, બાપુ! બ્રાહ્નણ છે. એના બાપા શાસ્ત્રી છે. ગારીઆધારનો રહેવાસી આ શંભુ ભારે પ્રામાણિક અને હુશિયાર વિદ્યાર્થી છે હોં બાપુ!’

‘એમ? વાહ! શંભુ અહીં આવ.’

રાજવી માનસિંહે વિદ્યાર્થી શંભુને પાસે બોલાવીને શાબાશી આપી. પાલિતાણાના રાજવીનો રેશમી અંગરખાની બાંયવાળો, હીરામોતીની પોંચીઓવાળો હાથ વિદ્યાર્થી શંભુની પીઠ પર ફરતો રહ્યો. પ્રશ્ન થયો.

‘તારે આગળ ભણવું છે, શંભુ?’,

‘હા બાપુ!’

‘શંભુ! મેટ્રિક સુધી ભણવાની તમામ સગવડ તને પાલિતાણા રાજ આપશે, રહેવા-જમવાની અને ચોપડાં સુધ્ધાં!’

હેડમાસ્તર રાજી થઇ ગયા…સોનાનો છડો શંભુશંકર માટે એની પ્રગતિનો છડીદાર બન્યો. શંભુશંકરે પાલિતાણાની હાઇસ્કૂલમાં મેટ્રિકમાં ૭૫ ટકા ગુણ મેળવીને રાજવીની પ્રસન્નતા અને ઉદારીનો જવાબ આપ્યો.

‘હજી તારે આગળ ભણવું છે, શંભુ?’ રાજવીનો ફરી પ્રશ્ન…

‘હા, બાપુ!’ શંભુનો જવાબ.

‘લે!’ માનસિંહજીએ અમદાવાદ કોલેજના અગ્રેસર ઉપર ભલામણ ચિઠ્ઠી લખી આપી. રાજવીનો પત્ર ગજવે નાખીને શંભુશંકરે અમદાવાદનો રસ્તો લીધો. રસ્તામાં જ અમદાવાદના શ્રેષ્ઠી લલ્લુભાઇ ગોરધનભાઇ મહેતાનો ભેટો થઇ ગયો. પાણીદાર મોતીને બે મિલના માલિકે પારખી લીધું અને પોતાના ખર્ચે શંભુશંકરને કોલેજમાં દાખલ કરાવ્યા અને પછી સ્નાતક થઇ ગયેલ શંભુશંકરને પોતાની મિલમાં જ મેનેજર તરીકે નિમણુંક આપી…

એંસી ટકા ગુણ મેળવીને ગ્રેજ્યુએટ થયેલ શંભુશંકરે મિલનો વહીવટ એવી કાબેલિયતથી કર્યો કે શેઠને બેને બદલે ચાર મિલ થઇ! શેઠને શંભુશંકરનાં પગલાં પનોતાં ભાસ્યાં… પુત્રવત્ ભાવે એમને માન આપતા રહ્યા…ટેબલ ખુરસી પર બેસીને, પંખાની હવા ખાતા શંભુશંકર ત્રિવેદી ‘સાહેબ’ની સુરખી ઓઢીને સુખ નામના પ્રદેશમાં વડની જેમ વિસ્તરી રહ્યા હતા. સુખ અને સન્માન શંભુશંકરની છડી પોકારતાં હતાં! પણ…પણ મિલનો મેનેજર, એક દિવસ કોણ જાણે કેવા ચોઘડિયે ફરવા નીકળ્યો. નીકળ્યો તો સહી પણ સાબરમતી આશ્રમમાં ગાંધી પાસે જઇ ચડ્યો.

માથા પર મૂંડો, ટૂંકી પોતડી, દેશી ફ્રેમનાં દેશી કાચના ચશ્માંધારી, સાબરમતીના સંતનાં એણે દર્શન કર્યા. એની વાતો સાંભળી અને એ જ સ્થળે મહાત્મા ગાંધી નામનો વંટોળિયો ચક્રાકાર ગતિએ એવો તો વીંઝાયો કે શંભુશંકર ત્રિવેદીના પંખા, ટેબલ અને દાળભાત, શાક, રોટલીના પાટલા, થાળી, ઠણણણ કરતાં ઊડી ગયાં! ‘સુવિધા’ નામનો આખો પ્રદેશ શંભુશંકર ધનજીભાઇ ત્રિવેદીના નામના વિપ્ર-નસીબેથી છાપરા સોતો ઊડી ગયો! પગે બરણું અને ભૂખે મરણું એને વીંટળાઇ વળ્યું. નાના અને મોટા મગજનાં બધાં ખાનાંમાં હરજિનસેવા, કાંતણ વણાટ, સત્યાગ્રહ, લાઠીમાર અને જેલયાત્રા જેવા શબ્દો છલોછલ થઇ ગયા!‘શેઠ સાહેબ!’ બીજા કે ત્રીજા દિવસે શંભુશંકરે ચાર મિલના માલિક એવા લલ્લુભાઇ મહેતાને પોતાનો નિર્ણય સંભળાવ્યો.

‘હવે મારાથી આપની નોકરી નહીં થઇ શકે. હું સ્વેચ્છાએ છુટો થાઉં છું.’,

‘પણ શા માટે શંભુશંકર?’ મિલમાલિક શેઠ જનોઇધારી બ્રાહ્નણને અજાયબ આંખે જોઇ રહ્યા!

‘મારે દેશસેવામાં જોડાવું છે, શેઠ! ભારતને આઝાદી ન મળે, ગરીબોનો, દલિતોનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી મારે આ સુખ બધું હરામ છે.’

મિલમેનેજરની સુંવાળી ગાદી ઉપરથી દેશસેવા અને સત્યાગ્રહ નામના ઊંડા ભાડિયામાં અકારણ, આંખો મીંચીને ધૂબાકો મારતા આ યુવાનની ઘેલછાને કરુણ આંખે અને મૌનપણે શેઠ જોઇ રહ્યા. એક ઉદ્યોગપતિ લેખે, ગુણાકારમાંથી ભાગાકારે જઇ રહેલા આ હોશિયાર માણસની સમજણની નસમાં એકાએક લકવા થઇ આવ્યો હોય એવું એણે અનુભવ્યું… દાઝ તો એને એવી ચડી કે ‘શંભુશંકર ભરકડીનો ભાવ ભલે લઇ લે અને દુ:ખીના ડાળિયા ભલે થઇ જાય.’ પણ એની નિષ્ઠા, એની પ્રમાણિકતા અને એની આત્મપ્રિયતાને પડનારો ખાડો પુરાઇ શકે એમ નહોતો! શેઠે થઇ શકે એટલી સમજાવટ કરી જોઇ પણ ત્યાં સુધીમાં તો શંભુશંકરે પગરખાં પહેરી લીધાં હતાં!

આમ, ખુરસીનો બેસનારો, સાબરમતી આશ્રમમાં જઇને દળવાની ઘંટીએ બેસી ગયો! બસ પછી તો વણવું, કાંતવું, દળવું, રાંધવું-સુંવાળપ નામની પંડ્યેમાં ઘર કરી ગયેલી બધીય ટેવોને એણે સાબરમતીમાં ડુબાડી દીધી! ગાંધીજીના આદેશથી સૌરાષ્ટ્રના રચનાત્મક કામમાં જોતરાઇ ગયા શંભુશંકર!ધનાઢ કુટુંબની પુત્રી સરલાબહેન સાથે લગ્ન થયાં અને સરલાબહેન પણ એને પગલે ચાલ્યાં. સંસારનો રથ બે પૈડે સરખી રીતે ચાલતો રહ્યો…સૌરાષ્ટ્રમાં અસ્પૃશ્યતા નિવારણમાં એ જોડાયા… તન-મનથી એના નિવારણ માટે હરજિનવાસમાં રહેતા થયા. હરજિનોને અક્ષરજ્ઞાન આપવું, બાળકોને નવડાવવાં, ધોવડાવવાં, જમાડવાં અને રમાડવાં… ધર્મપત્ની સાથે આ બ્રાહ્નણ દંપતીએ હાડ નિચોવ્યાં. બ્રહ્નસમાજમાં કાટકો બોલી ગયો. ધનજીભાઇ શાસ્ત્રીનો દીકરો અને દીકરા-વહુએ જાણે આખા બ્રહ્નત્વને મૂળ સોતું ઉખેડી નાખ્યું! ગોળા જેવી ફાંધ્યો ઉપર જનોઇઓ ઘસાણી, કપાળનાં ત્રિપુંડોમાં તિરાડો પડી. શિખાઓ ખળભળી અને શંભુશંકરને ન્યાત બહાર મૂકી દેવાયા, ફટ દઇને! બ્રાહ્નણો સાથે સવર્ણોએ હાથ મિલાવ્યા, સવર્ણોએ પણ શંભુશંકરનો બહિષ્કાર કર્યો.

સરલાબહેન સવર્ણોના કૂવે પાણી ભરવા જાય અને સવર્ણ મહિલાઓ એને અછુત ગણીને આઘી ખસી જાય: ‘બાઇ, અમારા કૂવે પાણીએ ન આવીશ…. અમને અડીશ મા. આઘી રહેજે, બાપા!’શંભુશંકર હાથમાં ગાગર-સિંચણ લઇને કૂવે કૂવે આથડે. જ્યાં ને ત્યાંથી હડોહડો થાય! દરમિયાનમાં અમદાવાદમાં કોમી હુલ્લડો ફાટ્યાં. શંભુશંકર દોડતે પગે અમદાવાદ પોગ્યા. સીધા જમાલપુરના મુસ્લિમવાસમાં, મુસ્લિમોને ઘેર ઊતર્યા! લોહીતરસ્યું ઝનૂન આ જોઇને થીજવા માંડ્યું. હિન્દુઓ કેવા ઉત્તમ હોય છે એનો એણે દાખલો બેસાડ્યો. હિન્દુઓને પણ આત્મજ્ઞાન થયું કે આપણો હિન્દુભાઇ મુસ્લિમ લત્તામાં કેવી સલામતી અને સન્માનથી વસી શકે છે! ભભૂકતા કોમી હુતાશનની જવાળાઓ ઉપર શંભુશંકરે કરુણાની બાલદીઓ ભરી ભરીને ઠાલવી. હુલ્લડ શાંત બન્યાં. ગાંધીબાપુના આશીર્વાદ મળ્યા. સત્યના આગ્રહે જીવનારા, જીવથી ઝૂઝનારા શંભુદાદા નિષ્ઠાવાન માણસો માટે એક આદર્શ હતા અને ભ્રષ્ટાચારીઓ માટે એક ભડક. ૧૯૬૭માં ૧૪મી ઓક્ટોબરે એમણે છેલ્લા શ્વાસ અમદાવાદમાં લીધા અને ત્યારે પણ એની મીંચાયે જતી આંખમાં આઝાદી પછીના ભારતના કરોડો દલિતો, શોષિતોની છબી વારંવાર ઝિલાતી હતી! (સમાપ્ત)

તોરણ, નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!