પુજ્ય શ્રી સવારામ બાપાની અમરવાણી માં વિવાહ નો ગુઢાર્થ

પુજ્ય સવારામ સાહેબ ની અમરધારા માંથી

એક વખત એક ગૃહસ્થને ત્યાં લગ્નપ્રસંગ હતો.આવા શુભ પ્રસંગે પોતાને ત્યા શ્રી સવારામ બાપા જેવા મહાપુરૂષની હાજરી હોયતો ધણુ સારુ એમ વિચારીને તે ગૃહસ્થ સવારામ બાપાને આમંત્રણ આપવા માટે આવ્યા.તેમને કહયું, “બાપુ, મારે ત્યાં મારા દિકરાના લગ્ન છે તો લગ્ન પ્રસંગમાં આપને પધારવાનું આમંત્રણ આપવા માટે આવ્યો છું તો કૃપા કરીને પધારોશો.”

શ્રી સવારામ બાપાએ જવાબ આપ્યો, “ભાઇ, ધાર્મીક પ્રસંગ સિવાય બીજા કોઇ પ્રસંગમાં હું જતો નથી.માટે હું આવીશ નહિ.આપ શાંતીથી આવેલ પ્રસંગ ઉકેલી લો.શ્રી રામદેવજી બાપાની કૃપાથી તમારું સર્વ કાર્ય સફ્ળ થશે.”

પણ ગૃહસ્થે પોતાની વાત છોડી નહિ.તેમને હઠાગ્રહ કર્યો અને કહ્યું,”જો આપ લગ્નમાં પધારશો નહિં તો હું ઘરે જવાનો નથી.જે થવાનું હોય તે થાય દિકરાના લગ્ન થાય તો ય ભલે અને ના થાય તો ય ભલે.”

ગૃહ્સ્થના આવા અડગ નિશ્ચયવાળા શબ્દો સાંભળી તથા આગ્રહ જોઇ સવારામ બાપા આવવાની હા પાડે છે.લગ્નમાં હાજરી આપવા જતી વખતે તેઓ વિચારે છે જે જેવી રામદેવપીર મહારાજની ઇરછા.

શ્રી સવારામ બાપા લગ્ન પ્રસંગમાં ગયા. સર્વે ભક્તોએ ધામધુમથી સામૈયુ કર્યુ અને બીરાજમાન થવા માટે આસન આપ્યું. ભક્તોએ ચરણપુજા કરી ચરણામૃત લીધું.સર્વે ભક્તો સવારામ બાપાને જોઇ આનંદિત બન્યાં.

લગ્નમાં લગ્ન ગીતો ગવાય રહ્યા છે,ઢોલ વાગી રહ્યા છે.સર્વત્ર આનંદ વરતાય રહ્યો છે.તે સમયે ભાવિક ભક્તો આતુરતા અને જીજ્ઞાસાથી શ્રી સવારામ બાપાના શ્રી મુખેથી ઉપદેશ સાંભળી બેઠા હતાં. એક જીજ્ઞાસુએ પ્રશ્ન કર્યોઃ

“બાપુ,આ સંસાસ શું છે? જગત શું છે? વિવા એટલે શું? અને તેની વિધીઓ પાછળ શું છે? કૃપા કરીને આપ અમને સમજાવો.”

આ સમયે શ્રી સવારામ સમયે શ્રી સવારામ સાહેબની ઇશ્વર પરાયણ બનેલી ધારા તૂટી અને ભાવિક ભક્તોને જણાવ્યુ કે જે સંસયનો આહાર કરે છે તેને સંસાર કહે છે.આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી જગે છે તેને જગત કહેવાય છે.

આ પછી તેઓશ્રીના મુખેથી સંસારના વિવાહનું વર્ણન કરતી જ્ઞાનસભર શબ્દધારા પ્રકાશી.

?સાખી?

સગપણ કર્યુ ત્યારે હેડ ઘડાવી પરણ્યો ત્યારે પે’રી;
છોકરાં થયા ત્યારે ખીલી ઠપકારી પછી શું દશા મુરખા તેરી.

વરણવ કર્યો વિવા તણો, સવો કહે સાંભળો સહુ;
અધોગતીના આચરણ, વિવામાં થાય તે કહું.

મરણ અને પરણ આ બે ભયંકર રણ છે.તેમા પરણ ને દુનિયા વિવા કહે છે.આ વિવામાં વીસ-વા-છે.જયારે વીસે-વા ભેગા થાય ત્યારે માણસની આંખ ઉઘડવા દેતા નથી.જેમ વંટોળીયો ચડે ને માણસના ઘરના છાપરાં ઉડાડી મૂકે છે તેમ વીસે-વા-વંટોળીયા જેવા જ છે.તે પણ આપસમાં બોલતા બોલતા છાપરા ઉડાડી છે. વિસ-વા-આ પ્રમાણે છે.

(૧)પરણવા (૧૧) ખાવા
(૨)રીસાવા (૧૨) પીવા
(૩)મનાવા (૧૩) લેવા
(૪)ઉરવા (૧૪) દેવા
(૫)ઝુરવા (૧૫) ગાવા
(૬)રઘવા (૧૬) બજાવવા
(૭)હડક્વા (૧૭) સુવા
(૮)વઢવા (૧૮) બેસવા
(૯)પહેરવા (૧૯) જાવા
(૧૦)ઓઢવા (૨૦)આવવા

મારા સવારામ વિવા કરવા જતા ત્યારે આ વીસે વા બેઠા બેઠા જોયા રાખતા.પછી ઢોલ વાગ્યા એટલે વીસે વા તો હતા જ ને તેમાંય ત્રણ શુરા ચડ્યા કામ,ક્રોધ અને અભિમાન તેને જગત શુરાતન કહે છે.

આ ત્રણ શુરા જાનમાં આગેવાની કર્તા હતા.કર્તા એટલે પરમાત્માં, તેને હરનારા એટલે હર્તા.આમ ત્રણે પરમાત્માંને હરનાર એટલે કે કર્તા હર્તા હતા.એ વખતે સૌને એમજ હોય છે પરમાત્માતે કોણ વળી?

Savaram bapa

?સાખી?

ઢોલ વાગ્યો ને આંખો ફાટી, જગત કે વિવા;
ઘરમાં છાંટો દિવેલ નહિ ને શેના કરવા દિવા.

આ સમયે વિવાહ કરનાર પુરુષ કે સ્ત્રીના ઘરમાં એટલે કે ચિત્તમાં જ્ઞાનનાં છાંટા રૂપી દિવેલ હોતુ નથી તો શાના વડે સ્તય-અસ્ત્યના વિવેક રૂપી દિવો કરવો? ત્યાં તો ઘોર અંધારું જ છે.

પાંચ ઇન્દ્રિય અને છઠઠું મન,એના ઘરમાં અંધારી રાત અને વાદળો હોય તેવુ અંધારું હતુ. તેવી રાતમાં વર તોરણીયે આવ્યો એટલે મરણ્યો થયો.હવે તે માયાના રણમાંથી બચે છે કે નહિ?

બ્રહ્મદેવ હવે ઉપદેશ કરવા લાગ્યા.સૌ પ્રથમ બળદનું ધુંસરૂ બતાવ્યું.”અરે ભાઇ ! તું વેવારનું ધુંસરૂ કાંધે માંડીશ તો ધડીએ પ્રભુ ભજન માટે નવરાશ નહિ રહે.માંડ માંડ મહામુલો મનુષ્ય અવતાર મલ્યો છે તે જોત જોતામાં જતો રહેશે.માટે પ્રભુ ભજન કરીલે જેથી જન્મ મરણ મટી જાય.”

બ્રહ્મદેવે આપેલો ઉપદેશ માન્યો નહિ ત્યારે બ્રહ્મદેવે છાશ વલોવાનો રવૈયો બતાવ્યો અને શાન કરી કે, “ભાઇ તું આડો અવડો રખડવા માથી નવરો નહિ થાય.પ્રભુ ભજન બિલકુલ નહિ બની શકે.”

ત્યાર પછી બ્રહ્મદેવે તીર બતાવ્યુ શાન કરી કે “મૂરખ ! જેમ તીર વાગેને રોમ રોમ પીડા થાય તેથી પણ વિશેષ પીડા ખોટા જગતથી સગપણ બાંધવામાં છે, માટે પ્રભુથી સગપણ રાખ, પ્રભુથી સગપણ રાખીશ તો ત્રણે તાપથી મુક્ત થઇશ.આ ઉપદેશ પણ વરને ઠિક્ના લાગ્યો.”

ત્યાર પછી બ્રહ્મદેવે આનાજના પીંડીઆ બતાવ્યા અને કહ્યું, “ભાઇ આ દેહની ખોરાકી નિંદ્રા,મૈથુન અને આહાર છે.જો તું ચોરાશીમાં જઇશ તો પશુ પક્ષીનો અવતાર થશે તો ત્યારે પણ દેહની ખોરાકી તને મળશે, આ મનુષ્ય અવતાર સિવાય પ્રભુ ભજન કરવું શક્ય નથી. માટે મનુષ્ય અવતાર ના ગુમાવી પ્રભુ ભજન કર.”

તેમ છતાં પણ બ્રહ્મદેવે કરેલી શાન વર સમજતો નથી ત્યારે મલોખા બતાવ્યા અને ચારે દિશામાં ફેક્યા.”આ તો ઓવાળાના લાકડા ભેગાં થયા છે.ગણ્યા દિવસોમાં નોખા થઇ જાશે.પ્રભુ વિના તારૂ કોઇ નથી.”

બ્રહ્મદેવનુ ક્હ્યું ભાઇને સારું લાગતું નથી.છેવટે બ્રહ્મદેવે રાખના પિંડીયા બતાવી વરને શાન કરીકે આ અવની પર મોટા મોટાની રાખ થઇ જાય છે તો હજુ સમજ.તેમ છતા પણ વર શાન સમજતો નથી.

આટ આટલા કાલાવાલા કરવા છતાં પણ એક ય વાત કાને ન ધરી અને બધાજ કાલાવાલા એળે ગયા.ત્યારબાદ સાસુએ આવીને શાનમાં કહયું,”અરે મુરખ ! બ્રહ્મદેવ તને આટલુ સમજાવે છે છતાં સમજતો નથી.નાદાન,નાક્વઢા,એમ કહીને વરનું નાક પક્ડ્યું એટલે વર મોઢા આડો ડુચો દઇને હસ્યો.”

ત્યાર પછી બે કોડીયા ઉપરા ઉપરી અવળા સવળાં બાંધીને મૂક્યા અને શાન કરી, “ભાઇ આ તો પોલમ પોલા છે કેવળ પ્રભુનું નામ સત્ય છે માટે પ્રભુને ભજીલે નહિતર હાથ ધસતો રહીશ.”

આટલુ કેહવા છતાં પણ શાન ન સમજાઇ એટલે કોડીયા પાટું મારીને ફોડીયા અને ધરડાઓ બોલ્યા,હવે શુકનથી શબદ અળગા તને બ્રહ્મદેવે આટલુ સમજાવ્યુ છતાં શાન ન આવી તો તારા ફુટયાં.”

બ્રહ્મદેવ નું આટલું સમજાવા છતાં વર માંડવા હેઠે આવે છે અને બ્રહ્મદેવ કહે છે, સાવધાન…..સાવધાન….વર ક્ન્યા.આમ છતા વરની સુરતા બ્રહ્મદેવની એક પણ વાત સાંભળવા તૈયાર નથી.

ત્યારબાદ બધા મનુષ્યો ની વચ્ચે અગ્નિકુંડ પ્રગત કર્યો.આ સમયે વર કહે છે કે અગ્ની દેવની સાક્ષીથી અને બ્રહ્મદેવના વચનથી માયાનો હાથ પકડીને કબુલ કરું છું કે ચોરાસીની ચારે ખાણોમાં જ્ન્મ લેવા તૈયાર છું.પછી માયાનો હાથ હાથમાં લઇને ચાર આંટા ફર્યો અને પરણ માથે લઇ ઘર તરફ આવ્યો.

રસ્તામાં આગળ વધતા જાનના ગાડા સામે બીજુ કોઇ ગરીબનું ગાડું હાલી આવે છે. તેમા પચ્ચીસથી ત્રીસ મણ ભાર ભર્યો છે.બળદ સાવ દુબળા અને હિંમત વિનાના છે.મારગનાં ચીલા બહું ઉંડા છે.આ ગરીબનું ગાડું વરના ગાડાની નજીક આવ્યું.એટલે જાનૈયાઓ બોલ્યા,”ગાડાવાળા તારું ગાડું મારગ છોડીને હાલ જાન આવે છે.”

ત્યારે ગરીબ ગાડાવાળો બોલ્યો,”બાપલા, મારગ ના ચીલા બહું ઉંડા છે અને મારા બળદ પણ હિંમત વગરના છે માટે આ બળદ ગાડું બહાર કાઢી નહી શકે.માટે જાનનું ગાડું તેરવી લ્યો.”

 

આથી જાનૈયા ઓ રોસે ભરાયા અને ગાડાવાળાએ બળદને મારી મારીને તારવ્યા. આથી જાનૈયા બોલ્યા અમારી જાન નહિં તરે, નહિં તરે અને નહિં તરે અને તારું ગાંડુ તરશે, તરશે અને તરશે જ.સવારામ બાપા બોલ્યા આપણે તો કાઈ બોલીજ ન શક્યાં એક તો જાડી જાન અને માથે વિસે-વા નુ જોર.આ વિસે-વા ગમે ત્યારે છાપરા ઉડાડી શકે.

આટલુ કહી શ્રી સવારામ સાહેબે વિવાહનું વર્ણન સમાપ્ત કર્યુ.શ્રી સવારામ સાહેબે વિવાહનું અદભુત આધ્યાત્મિક વર્ણન કરી સૌ જીજ્ઞાસુ ભક્તોને ઉપદેશ સંભળાવી આનંદમાં તરબોળ કર્યા અને જીવનના ક્લ્યાણ માટે વિચાર કરતા કરી મુક્યાં.

લગ્ન અને લગ્નજીવનનો ઉચ્ચતમ હેતુ અને યથાર્થ શાન સમજ્યા વિના અંતીમ સમયે દારુણ દુઃખ અને યાતના સહન કરવા પડે છે.જ્ઞાન, સમજણ અને સદગુરુની શાન વિના ભોગવેલ લગ્નજીવનમાં ચૌરાશીનું ભાથું જ તૈયાર થાય છે અને જીવ અધોગતી પામે છે.યથાર્થ જ્ઞાન અને સમજ નિજાનંદ સુખની પ્રાપ્તી કરાવી શકે છે.એવુ સંત મહાપુરુષો નું કેહવુ છે.

શ્રી સવારામ સાહેબ કહે છે કે કોઇપણ જીજ્ઞાસુ પોતાના તનમાં સુરતાના લગ્ન શબ્દ સાથે કરી પોતાના મૂળવતનને પામે તો નિજાનંદની પ્રાપ્તી થાય છે.તેઓ એક પદમાં દર્શાવે છે કે *”વર પરણીને ધેર આવીયો, સુરતા શબ્દને ભેટે.”* આ ઉપરાંત બીજા એક પદ “શબ્દ અને સુરતીના વિવાહ” માં પણ કહે છે કે

? સુરતી નો વિવાહ ?
સદગુરૂના દેશમાં સ્વયંવર

સ્વયંવર સતગુરૂનાં દેશમાં પરણે શબ્દને સુરતા નાર,
મરજીવા હશે તે વીવા માણશે જેને મળ્યો હોય લક્ષ લગાર.

સુરતીનું સગપણ સતગુરૂજીએ કર્યુ રે,ઉંચું કૂળ અવિનાશ,
સાકર વેંચાણી સાચા ભાવની,જેને પીયુ રે મળ્યાની હોય પ્યાસ;સ્વયં-૧

લગનીનાં લગન બંધાવીને રે, મોક્લ્યાં પંડીત પુરણાનંદ,
સત ના રસ્તે થઇને ચાલીયા, એકાએકી અસંગ; સ્વયં-૨

માંડવો નખાવ્યો ગુરૂએ મરમનો, થીરતાના રોપ્યા થંભ,
માયરૂં કરાવ્યું મન સંતોષનું, અવીચળ ચૂડો પેર્યો અભંગ; સ્વયં-૩

ગુણ અવગુણના ગીત ગાયા રે, મળીયા મનુષ્ય અપાર,
ખારેકું હતી ખોટા કરમની, લઇ ગયા નીંદક નરને નાર; સ્વયં-૪

સજન પુરૂષે સારા કરમની,લીધી રે ખોબે ખોબે લાણ,
વાણી નીરમળ બોલે વૈખરી, સેવા ચુક્યા નહી સુજાણ; સ્વયં-૫

જાન ગુમાવે તે હાલો જાનમાં,આપું ખોયાની હોય આશ,
હું તું મારૂં હરદે નહીં, એવા ઓળાવા લેજો સાથ; સ્વયં-૬

અરધ ઉરધના ઘાટમાં રે, ખોલ્યો સુખમણાનો કપાટ,
ચન્દ્ર લગનથી ચડી શુનમાં,ખેલે પુરૂષને પતની ચોપાટ; સ્વયં-૭

શરત કરીને રમે સુંદરી રે, પાસા પડે જેના પોબાર,
હું હારૂ તો પીયુજીની પાસમાં, જીતુ તો મારા ભેગા રાખું ભરથાર; સ્વયં-૮

અવિચળ પુરૂષને એમ વરી રે, સુરતા સુવાગણ નાર,
અમર મોડ મસ્તક ધરી, મંગળ વરતી છે ચાર; સ્વયં-૯

નીમક્ની પુતળી નીરમાં રે, પાણી ભેળી પાણી થાય,
મૂળ વતનમાં મળી ગયાં, પોતે પોતામાં સમાય; સ્વયં-૧૦

વીવા વીત્યો મોડ થાંભલે રે,કર્યો ઉલરડીનો ઉછેદ,
ખોટી કરતી’તી ખોટી ક્લ્પના,પરણી પધાર્યા પોતાને દેશ; સ્વયં-૧૧

વરવણ કરીને વીવા તણો રે, ગુરૂ ગમથી જે ગાય,
દાસ સવો કહે સખી સેજની, સુરતા શબ્દમાં સમાય; સ્વયં-૧૨

~સવા ભગત

પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!