શિવ એ પ્રાગવેદિક અને આરાણયક દેવ મનાયા છે. પ્રો. ધર્માનંદ કોસંબી શિવ-મહાદેવને સરહદી પહાડી પ્રજાના દેવ માને છે, એ દષ્ટિએ શિવ એ લોકદેવ છે. વેદિક સમયનાં પ્રકૃતિનાં વિનાશક રદ્ર સ્વરૂપને યજુર્વેદ અને તૈતરિય ઉપનિષદમાં કલ્યાણકારી શિવસ્વરૂપે માન્યતા આપી છે. રુદ્રને અથર્વવેદમાં પશુપતિ, મહાદેવ અને યજુર્વેદ શિવા કહ્યો છે. વૈદિક રુદ્ર અને જેની લિંગનાં સ્વરૂપે પૂજા થાય છે. તે શિવ બન્ને અલગ અલગ દેવ હતાં. શિવનો સર્વવ્યાપક દેવ તરીકે તેમજ જગતપિતા અને પરમેશ્વર તરીકે સમાદર થયેલ છે, તે ઋગ્વદનાં રુદ્રનું જ પરિવર્તિત અને ઉચ્ચ દાર્શનિકતા પામેલું સ્વરૂપ છે.
જ્ઞાનવિજ્ઞાનનાં અધિષ્ઠાતા અને પ્રજોત્પતિનાં દેવ તરીકે પણ શિવ સ્વીકારાયેલાં છે. ભારતમાં શિવતત્ત્વોનો પ્રાદુર્ભાવ પૂર્વ એશિયાથી થયો હોવાનો મત પ્રવર્તે છે. અનેક રૂપો અને અનેક નામધારી શિવસ્વરૂપ પરમાત્માની ઉપાસના શૈવસંપ્રદાય, માહેશ્વરધર્મને નામે ઓળખાય છે. જેનો સમાવેશ બ્રાહ્મણ પરંપરામાં થાય છે. શૈવ સંપ્રદાય પૂજાને સવિશેષ મહત્ત્વ આપે છે. અસૂરો શિવપૂજક-લિંગપૂજક હતાં. આર્યોએ અસૂરો પાસેથી શિવપૂજા અપનાવી હતી. મહાભારતમાં શૈવ,પાશુપત,કાલમુખ અને કાપાલિક એમ ચાર શૈવ મતનો ઉલ્લેખ છે. શિવપૂજા અનાદિકાળથી પ્રચલિત છે. બ્રાહ્મણો સામાન્ય રીતે જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગનાં, રૌવધર્મને અનુસરી શિવનાં ઉપાસક ને આરાધક રહ્યાં છે. હરહર મહાદેવ હરનું સૂત્ર ગુંજતું કર્યું છે.
સૌરાષ્ટ્ર શિવનું પરિભ્રમણ અને તપશ્ચર્યાનું કેન્દ્ર રહ્યું છે. સમગ્ર પૃથ્વી ઉપર બાલસ્વરૂપનાં શિવજીનો સાક્ષાત્કાર ઘુમલીમાં જ થાય છે. નાઘેર પ્રદેશમાં શિવજી સ્વેચ્છાએ દિગમ્બર સ્વરૂપે વિચરેલાં છે. ગિરનારના પાતાળક્ષેત્રમાં શિવે ઊગ્રતપ કરી મહાશિવરાત્રિના દિવસે ભવનાથમાં વસ્ત્રપતેશ્વર મંદિરની જગ્યાએ વસ્ત્રો મૂકી કૈલાશમાં ગયા ત્યારથી ભવનાથમાં મહાશિવરાત્રિનો સાધુ, સંન્યાસી, સંતો, મહંતો અને લોકસમુદાયના મેળાનો પ્રારંભ થયો હોવાનું મનાય છે. શિવજીએ ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મીભૂત કરતાં કામદેવની પત્ની રતિએ અતિવિલાપ-આજંદ કર્યું. આ કરૂણ આક્રંદને કારણે આર્દ બનેલાં શિવે રતિને “શ્રીકૃષ્ણને ત્યાં કામદેવ પુત્રરૂપે જન્મ લેશે ત્યારે તેને તું પામીશ” એવું વરદાન આપ્યું. રતિ સૌરાષ્ટ્રમાં પાંચાળમાં થાન પાસે ત્રિનેત્રેશ્વર-તરણેતરનું મંદિર બનાવી તેનું પૂજન-અર્ચન-સેવા-પૂજા કરતી ત્યાં દ્વાપર સુધી રહી હતી. આ ત્રિનેત્રેશ્વર-તરણેતર આજે પણ સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ તીર્થધામ છે. તે સ્થળે પ્રતિવર્ષે ભાદરવા સુદ ૪,૫ અને ૬નો. મોટો લોકમેળો ભરાય છે. ઋષિપંચમીના સ્નાનનો આ મેળામાં ખાસ મહિમા છે.
પ્રચીનકાળથી પ્રભાસ-સોમનાથ શિવપૂજાનું મહાકેન્દ્ર અને જયોતિલિંગ રહ્યું છે મહાભારતે પ્રભાસને અગ્નિતીર્થ તથા સોમતીર્થ તરીકે ઓળખાવ્યુ છે. પ્રભાસમાં ભગવાન રામે અને સોમશર્માએ શિવજીનું સુવર્ણમદિર, રાવણે રૂપાનું, શ્રીકૃષ્ણ કાષ્ઠનું, વલભીકાળે પત્થરનું મંદિર બનાવ્યાં હતાં. ભીમદેવે, કુમારપાળે, અહલ્યાબાઇએ અને સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનાં સંસ્કરણો કર્યા હતાં. અલબેરુની સોમનાથ અંગે નોંધે છે કે : “સોમનાથ સૌથી વિખ્યાત હતું. અહીં ગંગાજળનો એક કુંભ અને કાશ્મીરથી ફુલની ટોપલી દરરોજ આવતા. લોકોમાં એવી શ્રધ્ધા હતી કે સોમનાથનું લિંગ પ્રત્યેક રોગને સમાપ્ત કરે છે અને તીવ્ર તેમજ અસાધ્ય રોગને પણ શાંત કરે છે”. સોમનાથ શિવનું કાલાગ્નિરૂપ ગણાય છે. સોમનાથનાં પૂજારી હંમેશા ગૌડ બંગાળી બ્રાહ્મણો જ રહ્યાં છે. આવાં સોમનાથ અદ્વિતીય અને અનન્ય છે.
શિવલિંગની પૂજાનો પ્રાદુર્ભાવ અગ્નિમાંથી થયો હોવાનો એક મત પ્રવર્તે છે. શિવલિંગની પૂજાનો પ્રારંભ વિક્રમ સંવતના આરંભકાળમાં થયો હોવાનું મનાય છે. લિંગપૂજા પ્રારંભમાં જનનેન્દ્રિય સંબંધીત હતી. સૌરાષ્ટ્રનાં સરસ્વતીને તીરે પ્રાચી પાસેના બુટેશ્વર મહાદેવનાં લિંગને બરોબર ભેટનાર વાંઝણી સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી, તેવી લોકવાયકા આ હકિક્તને પુષ્ટિ આપે છે. આર્યોએ લિંગપૂજા સ્વીકારતાં તેનાં મૂળસ્વરૂપને બિસ્કુલ ઉલટાવી નાખી, નિર્ગુણનું પ્રતીક બનાવી પ્રતિષ્ઠિત કર્યું. ભૌમિતિક આકૃતિઓમાં ચોરસ, અષ્ટકોણ અને ઉપર વર્તુલ મળીને શિવલિંગ બને છે. તેમાં ચોરસમાં બ્રહ્માનાં નવ ભાગ, અષ્ટકોણમાં વિષ્ણુનાં આઠ ભાગ અને વર્તુળમાં શિવનાં સાત ભાગ મળી કુલ ૨૪ ભાગનાં સ્થાપનમાં ત્રિદેવનું સ્થાન રહેલું છે. ચંદ્ર તથા ગંગા સ્વર્ગમાં પ્રતિક મનાય છે. શિવનો શિલ્પ સાથેનો સંબંધ ઘણાં મંદિરોમાં જોવા મળે છે. આથી શિવલિંગ શિલ્પશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. લિંગપૂજા, શકિતપૂજા અને તંત્ર સાધના ભારતમાં બહારથી પ્રવેશી છે. ઈ.સ. પૂ. ના પ્રારંભમાં સમગ્ર ભારતમાં અનેક પ્રકારે શિવપૂજા વ્યાપી હતી. મહાક્ષત્રપ રુદ્રદામનનો શિલાલેખ સૌરાષ્ટ્રમાં શૈવ સંપ્રદાયની પ્રસિદ્ધિની સાક્ષી પુરે છે. વલભીના મહારાજા પરમ માહેશ્વરથી પ્રચલિત હતાં. મૈત્રક રાજમુદ્રામાં શિવના વાહન નંદીનું લાંછન હતું. મૈત્રકકાલીન સૌરાષ્ટ્રમાં શૈવ સંપ્રદાયનું પ્રાબાલ્ય અને પ્રભાવ વિશેષ રહ્યાં હતાં, પરિણામે ભારતમાં પણ જોટો ન જડે તેવાં પ્રાચીન શિવલિંગો વલ્લભીપુરમાં આજે પણ જોવા મળે છે. પ્રભાસનું સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર આ કાળમાં બંધાયું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રનો રાજધર્મ શૈવ હતો. ઇ.સ. બીજા સૈકાનાં ક્ષત્રપ રાજાઓ પોતાનાં નામના અંતે ‘રુદ્ર’ લગાડતાં અને વલભીના રાજાઓ દાનપત્રમાં પોતાને “માહેશ્વર” તરીકે ઓળખાવતા. વલભી સાથે સંકળાયેલાં સિકકાઓ પર શિવનું આયુધ ત્રિશુળનું પ્રતિક હતું. ચાલુકય રાજા કુમારપાળના પ્રભાસપાટણનાં શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ત્રિપુરાંતક સોમનાથ મંદિરના છઠ્ઠા મહતર નિમાયા હતાં. તેમણે તીર્થસ્થાનમાં પાંચ મંદિરો બંધાવ્યાં હતાં. સોમનાથ રાજપૂતોનાં ઈષ્ટદેવ હોવાથી તેને માટે અનેક યુધ્ધો લડાયાં છે.
ઇ.સ. પહેલી સદીમાં થયેલાં સોમશર્મા શિવના ૨૭ માં અવતાર ગણાયાં હતા. તેમણે શૈવધર્મની સોમ સિધ્ધાંત શાખા શરૂ કરી અને પ્રભાસને પાશુપત સંપ્રદાયનું કેન્દ્ર બનાવી, પાશુપત મતને ફેલાવ્યો હતો. પ્રસર્વજ્ઞ, ભાવબૃહસ્પતિ, વિશ્વેશ્વરરાશી, વિમલ, શિવમુનિ, વિદ્યારાશી વગેરે પ્રસિધ્ધ પાશુપત આચાર્યો દ્વારા પાશુપતમતનું પ્રભુત્વ પ્રસ્થાપિત થયું હતું.
અનુમૈત્રકકાળમાં આદ્ય શંકરાચાર્યે શિવનું ભવ્યાતીત મહિમાગાન કર્યું હતું. તેઓની સમગ્ર ભારત તીર્થાટનથી શૈવ સંપ્રદાયનું વર્ચસ્વ વિશેષ સ્થપાયું હતું. જૈનાચાર્ય કલિકાલા તેવી હેમચંદ્રાચાર્યે સોમનાથનાં દર્શન કરી મહિમાગાન-સંકીર્તન કર્યું હતું. સોલંકી રાજવીઓ સોમનાથનાં પરમ ઉપાસકો હતાં. ઋગવેદસંહિતાના આદ્ય પ્રણેતા શાંકલ્ય ઋષિએ પ્રભાસક્ષેત્રમાં શિવની આરાધના કરી સંહિતા રચી હતી. સ્કંદપુરાણમાં સોમનાથ જયોતિલિંગની સ્થાપનાની કથા આપેલી છે. દ્વારકાનાં શારદામઠ અંતર્ગત આવેલાં અખાડાઓ, મઠ, મઢીઓ, દ્વારકાનું નાગેશ્વર જ્યોતિલિંગ આ સર્વથી સૌરા શૈવસંપ્રદાયનો પરમોત્કર્શ થયો છે. તેથી સૌરાષ્ટ્રનું કોઇ એવું ગામ કે આરણય નથી જયાં શિવમંદિર ન હોય, સર્વત્ર શિવાલયો સ્થપાયેલાં છે. તેમજ સાધુ સંતોની સમાધિ ઉપર પણ શિવાલયની સ્થાપના જોવા મળે છે.
સૌરાષ્ટ્રની સાગર સંસ્કૃતિમાં પણ શિવનું પ્રભુત્વ રહયું છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર જયાં જયાં સાગરનો ફાંટો જમીનમાં લંબાઇને આગળ ગયો છે, ત્યાં ત્યાં કુદરતી બંદર ઉપરનાં પ્રવેશ દ્વારે મોટા ખડક, ટેકરા કે શિલા ઉપર શિવલિંગની સ્થાપના અચૂક જોવા મળે છે. શિવ એ તો ભોળાનાથ છે, એટલે એનું સ્થાપન પણ સામાન્ય રહ્યું છે.
ગુજરાતમાં લકુલીશનો પ્રાદુર્ભાવ થયો. લકુલીશના શિષ્ય કૌરષની કૌરષ્ય શાખામાંથી કાળક્રમે કાપાલિક શૈવમત અસ્તિત્વમાં આવ્યો. સૌરાષ્ટ્રમાં ઘૂમલી, માધવપુર અને પોરબંદરમાંથી મળી આવેલી કાપાલિકમૂર્તિઓનાં અવશેષ સૌરાષ્ટ્રમાં કાપાલિકમતના પ્રચારની ગવાહી પૂરે છે. ઘૂમલી, મિયાણી અને માધવપુરની ઊર્ધ્વમેઢયુકત પદ્માસનની. લકુલીશની મૂર્તિઓ શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવે છે. બરડો, ઘૂમલી અને ગિરનાર કાપાલિકોનું નિવાસસ્થાન મનાય છે. ધૂમલીનો સૌથી લાડીલો દેવ તો શિવ જ જણાય છે. ઘૂમલીના નવલખા અને અન્ય શિવમંદિરો રાજધર્મની પ્રતીતિ કરાવે છે. ધૂમલીમાં પાશુપત શૈવ, અઘોરી અને કાપાલિક સંપ્રદાય એક કાળે પ્રચારમાં હશે, તે પ્રાપ્ત અવશેષો ઉપરથી જાણી શકાય છે.
સિધ્ધમાર્ગ, અવધૂતમાર્ગ, યોગમાર્ગ એવાં જુદાં જુદાં નામે ઓળખાતો “નાથ સંપ્રદાય હકીકતે તો વૈષ્ણવ સંપ્રદાયનો ફાંટો મનાય છે, પરંતુ શૈવ સંપ્રદાય સાથે નિકટરમાં સબંધ પણ નાથ સંપ્રદાયનો મનાયો છે.
આદિનાથ એટલે સ્વયં શિવ, એમનાં બે શિષ્યો જાલંધરનાથ અને મતસ્યેન્દ્ર નાથ અથવા મરછેન્દ્રનાથ, જાલંધરનાથનાં શિષ્ય કૃષ્ણપાદ અને મચ્છેદ્રનાથનાં શિષ્ય ગોરખનાથ. આ ચાર સિધ્ધ યોગેશ્વરો નાથ સંપ્રદાયનાં મૂળ પ્રવર્તકો ગણાયા છે. એમાં જાલંધરનાથ અને કૃષ્ણપાદનો સંબંધ કાપાલિક સાધના સાથે હતો. પ્રવર્તિત નાથસંપ્રદાયમાં મચ્છન્દ્રનાથ અને ગોરખનાથનો વિશેષ ઉલલેખ જોવા મળે છે. ઇ.સ.નવમી શતાબ્દીના ઉતરાર્ધમાં ગોરખનાથ નો સમય ગણવામાં આવ્યો છે.ગોરખનાથ દ્રારા યોગી સંપ્રદાય મુખ્ય ૧૨ શાખામાં વિભકત થઇ છે, એટલે એને “ બારાઈ” કહે છે. ઇ.સ. નવમી કે દસમી સદીમાં યોગમાર્ગી ગોરખનાથે ‘કાનફટા યોગીઓની પલટનો તૈયાર કરી દેશભરમાં ઘૂમતી કરી, નાથસંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરી વિકસાવ્યો હતો. ગુરુ ગોરખનાથ હઠયોગ દ્વારા શરીરમાં પ્રાણ અને અપાન, સૂર્ય અને ચંદ્ર નામક બહિરર્મુખી અને અંતરમુખી શકિતઓ છે, તેને પ્રાણાયામ દ્વારા શમાવવામાં આવે તો સહજ સમાધિ સિધ્ધ થાય છે, તેમ સમજાવ્યું છે. હઠયોગ શરીરને કેન્દ્રમાં રાખી વિશ્વ કે બ્રહ્માંડમાં વ્યાપત ક્રિયાશીલ પરાશકિતને પામવાની સાધના પદ્ધતિ છે. સદાચાર અને બ્રહ્મચર્યને ગોરખનાથે ભારે મહત્ત્વ આપ્યું છે. નિર્ગુણપંથી ભકિતધારા ગોરખનાથથી ભારે પ્રભાવિત છે.
સૌરાષ્ટ્રમાં આ સંપ્રદાયનાં મૂળ ગણાતાં દિવમાંથી મત્સયેન્દ્રનાથ અને જાલંધરનાથની મૂર્તિઓ મળી છે. માધવપુરમાં ગોરખનાથે જયાં તપશ્ચર્યા કરેલી, તે ગુફા ગોરખનાથની ગુફા તરીકે ઓળખાય છે. ગિરનારમાં નવનાથનું બેસણું નવનાથોનાં ગુરૂ દત્તાત્રેયનો ધૂણો, ગોરખનાથના શિષ્ય ભૃતુહરિની ગુફા, ગિરનારની સૌથી ઊંચી ટૂંક ઉપર ગુરૂ ગોરખનાથનો ધૂણો અને પાદુકા છે, પૂર્વમાં ઓઘડનાથની ટૂંક, નીચે ભવનાથમાં નાથ સંપ્રદાયનો અખાડો અને ગોરક્ષનાથજી આશ્રમ, વેરાવળ પાસે ગોરખમઢીમાં નવનાથનાં મંદિરો, ઓડદરમાં ગોરખનાથની જગ્યા, કણેરીમાં ગોરખનાથની ગુફા, શિહોરમાં મંદિરો, ખાખનાથ વગેરે આ પંથના સ્થાનો ગણાય છે. વિક્રમ સંવત ૧૦ મી સદીમાં ઢાંક નગરીમાં દટ્ટણ સો પટ્ટણ કરનાર ધૂંધળીનાથના સમયમાં આ સંપ્રદાય વિશેષ પ્રચલિત બન્યો હતો. ધાંધલપુર ગામની વાવમાં ધૂંધળીનાથની મૂર્તિ દર્શનીય છે. ઢાંકમાં સિધ્ધનાથનો ધૂણો અને વળામાં આશ્રમ છે. સિધ્ધનાથના નામે ઘણા શિવમંદિરો સૌરાષ્ટ્રમાં સ્થપાયાં છે. પાંચાળમાં ગેબીનાથનું ભોંયરું સંતોનું ગુરૂસ્થાન મનાય છે. સૌરાષ્ટ્રમાં નાથ સંપ્રદાયની સંતો અને ભકતો ઉપર ઘેરી અસર છે. હઠયોગ દ્વારા ષડચક્ર જાગૃત કરી બ્રહ્મને પામવા મથનારા સાધકોની સંખ્યા વિશેષ માત્રામાં સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. “અમારી વાણી તો તલવારની ધાર જેવી છે ને વર્તન સો ટકા સાચું છે, અહીં પોથા-પોથીની પિંજણ નથી, પણ અનુભવમાં આવ્યું ને જીવતરમાં ઉતાર્યુ તે આલેખ્યુ છે.” આ નાથોનું સાંપ્રદાયીક મંતવ્ય છે.યોગીક દ્રષ્ટીએ ઘૂમલી અને ગિરનારક્ષેત્ર મહત્ત્વનાં સ્થાનો છે. સિધ્ધોને આત્મ સાક્ષાત્કાર માટે પાર્વતી શંકરની કૃપા અતિ આવશ્યક ગણાય છે.
મહાપંથ, આદિપંથ, મહામાર્ગ, સનાતનધર્મ, પાટપંથ, માર્ગીપંથ, દૂનોધર્મ, બીજમાર્ગ એવાં જુદાં જુદાં નામાભિધાનથી ઓળખાતો, વાસનાના અભાવવાળો પંથ ‘નિજારપંથ’ નામે વિશેષ પ્રસિધ્ધ છે. નિજારપંથનો મહામંત્ર એકાંત ગુફામાં શિવે પાર્વતીને આપ્યો હતો. ત્યારબાદ આ નિર્ગુણ ભકિતપ્રવાહને શુકદેવજી, માર્કંડેયઋષિ, સહદેવ જોષી, ગુરૂ રામાનંદજી, રામદેપીર, લાખો-લોયણ, ખીમરો-દાળલદે, જેસલ-તોરલ વગેરે સોરઠી સંતો, સોરઠી સ્ત્રી સંતો, ભકત કવિઓ વગેરેએ ગુપ્ત પરંપરાગત પાટપૂજાથી ફેલાવ્યો હતો. પાટ પરંપરા લોકજીવનમાં નિરંજન, નિરાકાર, પરમ તેજોમય સ્વરૂપ શિવશકિત, પુરુષ-પ્રકૃતિની સીધી જ ઉપાસના મનાય છે. જયોત પરમતત્ત્વનું નિષ્કલંક અને પ્રકાશિત સ્વરૂપ છે. કળશ દિવ્યતાનાં પ્રતીક તરીકે તાંત્રિક વિધિમાં પ્રતિષ્ઠિત છે. મહાપંથમાં કાળક્રમે યોગ, તંત્ર, ભકિત અને ભજનનાં તત્ત્વોનો સમન્વય થયો છે. આ પંથનો માતંગ ઋષી દ્વારા ૧૧મી સદીમાં સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રચાર થયો હતો. સૌરાષ્ટ્રમાં આ પંથ કોળી, ખાંટ, કુંભાર, રબારી, ભરવાડ, વાળંદ, મેર, આયર, કણબી, કાઠી, ક્ષત્રિય, સાધુ, ખારવા, સતવારા અને પછાત જાતિઓ, વર્ગોમાં વધુ પ્રચલિત છે.
મહામાર્ગના મૂળ બહુ ઊંડા છે તેની સાધના પધ્ધતિ અત્યંત ગોપનીય વૈવિધ્યસભર અને વિશિષ્ટસભર છે. જેમાં નિરંજનજયોત સ્વરૂપ, આદ્યશક્તિ, શિવ-શકિત, યોગ, તંત્ર, મંત્ર, ગાયત્રી, લયયોગ, હઠયોગ, સ્વરોદય, કળશ, યોનિપૂજા, જતી સતીની નિર્વસ્ત્રા સાધના, દત્તાત્રેય, પીરગાદી, સૂર્ય-ચંદ્ર, જોગણીગાદી, ગાય, કાચબો, પાંચપાંડવ, ભૈરવ, શેષનાગ, ગણપતિ, હનુમાન, વીરગાદી, ગુરૂની સર્વોપરિતા ગુરુને સર્વસ્વ અર્પણ,પ્રત્યેક મંત્રની ગાયત્રી, અજવાળી બીજનું પ્રધાન્ય, આતિથ્ય સત્કાર, નાત-જાતના ભેદ રહિત, સ્ત્રી-પુરુષનું સમાન મહત્ત્વ, દસા, વીસાને પંજાપાટ, સતીની નિવસ્ત્ર પુજા આ પંથની સાધના પધ્ધતિ પરંપરાગત ગુપ્તરીતે પ્રસ્થાપિત છે. આ પંથમાં અનુયાયીઓ સિવાય અન્ય કોઇને પ્રવેશ નિષેધ હોય છે. હાથની આંગિકવિધિ દ્વારા પરિક્ષણ કર્યા પછી પૂજાવિધિમાં પ્રવેશ આપવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મહાપંથનું મુખ્ય કેન્દ્ર માધવપર છે. કાલાવાડ પાસે નવા રણુજા અને ધૂમલીમાં આ પંથના કેન્દ્રો છે.
આ પંથની સાધના પૂજા-વિધિ સ્ત્રી-પુરુષ સજોડે કરતાં હોવાથી તે જતી-સતીના પંથ તરીકે, પાટપૂજાવિધિ અજવાળી બીજની રાત્રિએ જ થતી હોવાથી બીજ-માર્ગ તરીકે, વિ.સં ૧૪૬૯ માં રામદેવજી તુંવર પોકરણ ગઢના રાજવી આ પંથમા જોડાયા હોવાથી રામદેવપીર નો પંથ, પીરાણાપંથ એવાં ગુણવાચક નામોથી આ પંથ પ્રચલિત છે. સાધનાના પ્રારંભથી માંડીને બ્રહ્માનભક્તિ સુધીની જે વિવિધ ભૂમિકાઓ છે, એ વિશ્વનાં અન્ય કોઈ ધર્મ, સંપ્રદાય કે પંથમાં નથી. વિશ્વનાં સર્વ ધર્મ, મત, પંથ, માર્ગ અને સંપ્રદાય, સર્વ સાધના વિધિ અને ઉપાસના ક્રિયાકાંડ, મંત્રો-એ તમામની વિવિધતાઓ અને વિશિષ્ટતાઓનો સમુચ્ચય મહામાર્ગમાં સમાવિષ્ટ છે. તેથી જ વિશ્વમાં મહામાર્ગ અલૌકિક,અદભૂત, અનુભૂત, અવર્ણનીય અને અનન્ય છે. શિવ-શકિતનું સંયુકત મહાત્મય આ પંથમાં ગવાયું છે. દ્રવિડ સંસ્કૃતિમાં પણ શિવ-શકિતની પૂજા થતી હતી. સુખી દામ્પત્યજીવન માટે પણ શંકર-પાર્વતીની કૃપા આવશ્યક છે. સૌરાષ્ટ્રનાં ગરબા નર્તનમાં મહાપંથનો જ પ્રભાવ જણાય છે. મહાપંથ સર્વપ્રકારે પ્રાચીનમાં પ્રાચીન અને સમૃધ્ધમાં સમૃધ્ધ પંથ જણાય છે. શિવમાંથી પાર્વતીજીને સ્વતંત્ર શક્તિ સંપ્રદાયનો પ્રારંભ થયો હોવાનું મનાય છે.
માહિતી-સંદર્ભઃ સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા-જામનગર
- સૌરાષ્ટ્રની પ્રાચીનતા
- સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી
- સૌરાષ્ટ્રનું ધર્મદર્શનઃ લોકધર્મ તથા વેદકાલીન ધર્મ
- સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક પ્રવાહો
- સૌરાષ્ટ્રમાં વિષ્ણુપુજા અને વૈષ્ણવ સંપ્રદાય
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..