શ્રી સારણેશ્વર મહાદેવ — સિરોહી (રાજસ્થાન)

એક નામનાં ભારતમાં અનેકો મંદિરો છે. અરે એક જ નામનાં ઘણાં મહાદેવ મંદિરો તો આપણા ગુજરાતમાં પણ છે. પણ ……. ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે એક જ મહાદેવનાં મંદિર જેવું એજ નામનું મંદિર એજ રીતે લગબગ ૩૦૦ વર્ષ પછી બન્યું હોય !!! હમણાં જ આપણે જાણ્યું કે વિજયનગર પોળો ફોરેસ્ટમાં શરણેશ્વર મહાદેવ મંદિર સ્થિત છે આ મંદિર જેટલું સરસ છે એટલી એની કોતરણી પણ સરસ છે !!!

આ મંદિર તો સરસ જ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી પણ આ મંદિર એ સીરોહીના શરણેશ્વર મહાદેવ મંદિરની આબેહુબ કાર્બન કોપી જ છે. આપણે એવું કહીએ કે આના પરથી જ એક આઈડિયા લઈને આ મંદિર બનાવવામાં આવ્યું છે. એ મંદિર પહેલાં બન્યું હતું સિરોહીમાં અને પછી એની જ રાજકુંવરી જે વિજયનગરના રાજકુંવર સાથે પરણી ત્યારે એને તે બંધાવ્યું હતું વિજયનગરમાં !!! આ જ નામે અને બિલકુલ એવી જ રીતે !!! કેવી રીતે એની જ તો મારે વાત કરવાની છે !!!

સૌ પ્રથમ તો આ સીરોહીના શરણેશ્વર મહાદેવ વિષે જાણી લેવું અત્યંત આવશ્યક ગણાય. આ મંદિર આજે પણ અત્યારે ત્યાં આસ્થાનું પ્રતિક ગણાય છે. લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને અત્યંત આસ્થા પૂર્વક ત્યાં પોતાનું માથું ટેકવે છે !!! દેખાવમાં એક કિલ્લા જેવું મંદિર તમને એકલિંગજીનાં મંદિરની યાદ અપાવ્યાં વગર રહેતું નથી.

આ મંદિર વિષે પછી વાત કરીએ પણ એનો ઈતિહાસ જાણવાં જેવો છે. એનો ઈતિહાસ એ કુખ્યાત અલ્લાઉદ્દીન ખીલજી સાથે સંકળાયેલો છે. ખીલજી સાથે લડનાર ઘણાં રજાઓ વિષે લખ્યું છે પણ આ મંદિર વિષે હમણાં જ વાંચવામાં આવ્યું એટલે એ રહી ગયું હતું. હવે એ લખું છું !!!!

શરણેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ

સિરોહી રાજ્યની સ્થાપના ઇસવીસન ૧૨૦૬ માં થઇ. આ રાજ્યનાં તૃતીય શાસક મહારાવ વિજયરાજજી ઉર્ફે બીજડ. જેમનો શાસનકાલ હતો ઇસવીસન ૧૨૫૦થી ઇસવીસન ૧૩૧૧ તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી !!!

ઇસવીસન ૧૨૯૩માં દિલ્હીના કુખ્યાત સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાં સોલંકી શાસનનો અંત લાવી દીધો હતો અને એણે જ સિદ્ધરાજ જયસિંહ અને અને અન્ય સોલંકીયુગના રાજાઓ દ્વારા નિર્મિત વિશાળ રૂદ્રમહાલયનાં શિવાલયને તોડી નાખ્યું અને એનો નાશ કર્યો અને એના શિવલિંગને ઉખાડી નાખીને એક ખૂનથી લથપથ ગાયના ચામડામાં વીંટાળીને સાંકળોથી બાંધીને હાથીના પગ પાછળ બાંધીને ઘસડતો ઘસડતો દિલ્હી તરફ અગ્રેસર થયો !!! એ જયારે આબુ પર્વતની તળેટીમાં વસેલી મહાનગરી ચંદ્રાવતી પહોંચ્યો ત્યારે એની સુચના સીરોહીના મહારાવ વિજયજીને મળી ગઈ હતી. એમણે આની ખબર એમનાં ભત્રીજા ઝાલૌરના મહાન શુરવીર કાન્હડદેવ સોનીગરાને પત્ર દ્વારા આપી !!! અને એક બીજો પત્ર લખ્યો એમનાં વેવાઈ મહારાણા રતનસિંહને કે —- આનાથી વધારે સારો અવસર તમને ક્યારેય પ્રાપ્ત નહીં થાય !!!

sarneshwar mahadev5

કાન્હડદેવ સોનીગરા પોતાના આખાં સૈન્યબળ સાથે ઉપસ્થિત થયાં અને મહારાણા રતનસિંહે પોતાની સેના મોકલી !!! સિરોહી, ઝાલૌર અને મેવાડની રાજપૂત સેનાએ સાથે મળીને સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીનો પીછો કર્યો અને એને સિરણવા પહાડની તળેટીમાં એને ઘેરી લીધો અને ત્યાં ભયંકર યુદ્ધનો પ્રારંભ થયો. જેમાં ભગવાન શંકરની અસીમ કૃપાથી રાજપૂત સેનાઓનો વિજય થયો અને દિલ્હીનો એ કુખ્યાત એ સુલતાન હાર્યો. સાથે મળીને લડયા માટે જ વિજયી થયાં એમ કહેવું જરાય અતિશયોક્તિ ભરેલું નથી !!!

આ દિવસ એ દીપાવલીનો દિવસ હતો અને આજ દિવસે સિરોહી નરેશ મહારાવ વિજયરાજજીએ દુષ્ટ સુલતાન પાસેથી રૂદ્રમહાલયનું એ શિવલિંગ પ્રાપ્ત કરીને એને સિરણવા પહાડનાં પવિત્ર શુકલતીર્થની સામે જ એને સ્થાપિત કર્યું. આ મંદિરનું નામ “ક્ષારણેશ્વર” રાખવામાં આવ્યું કારણકે આ યુધ્ધમાં બહુ જ તલવારો ઉછળી હતી અને એનાં જ કારણે આ મંદિરની સ્થાપના થઇ. કાલાંતરમાં એ સારણેશ્વર કે શારણેશ્વર મહાદેવ કહેવાયા અને એ સીરોહીના દેવડા ચૌહાણ વંશના ઇષ્ટદેવનાં રૂપમાં પૂજવામાં આવે છે !!!

સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીની શર્મનાક હાર પછી એ દિલ્હી ભેગો થઇ ગયો પરંતુ ૧૦ જ મહિના પછી એ પાછો એક વિશાળ સેના લઈને પોતાની આ હારનો બદલો લેવાં માટે એ ઇસવીસન ૧૨૯૯માં ભાદ્ર્માસમાં સિરોહી પર આક્રમણ કર્યું. એનો આશય એ હતો કે એ ક્ષારણેશ્વર મહાદેવનાં લિંગને તોડીને એનાં ટુકડેટુકડા કરીને એ સીરોહીના નરેશનું માથું કાપીને દિલ્હી લઇ જશે !!! ત્યારે સીરોહીની પ્રજાએ નરેશને વિનંતી કરી કે ધર્મની રક્ષા માટે એ બધાં મરવા પણ તૈયાર જ છે અને મારવાં પણ !!! આ ભીષણ યુધ્ધમાં બ્રાહ્મણોએ એટલું બધું બલિદાન આપ્યું હતું કે ના પૂછો વાત !!! એમણે સવામણ જનોઈ ઉતારી હતી તો રબારીઓએ સિરણવા પહાડનાં દરેક પથ્થર અને ઝાડ પાછળ છુપાઈને ગોફણમાંથી પથ્થરો ફેંકીને મુસલમાન સેના પર એવો ભીષણ પ્રહાર કર્યો કે સુલતાન પાછો દિલ્હી ભાગી ગયો !!! આમ એને બીજી વખત પણ પરાજિત થવું પડયું !!!

આમ બબ્બે વખત પરાજીત થયેલાં કુખ્યાત અલ્લાઉદ્દીન ખિલજી પર ભગવાન શિવજી ક્રોધે ભરાયાં એમનાં આ શ્રાપરૂપે અલ્લાઉદીન ખિલજીને ભયંકર કોઢ થઇ ગયો ……સ્મચતવેલદ્ધ થઇ ગયો !!! એ પછી એ કોઢ એને ત્યારે મટ્યો જયારે એ ભગવાન શંકરના શુક્લતીર્થનાં જળમાં ન્હાયો. ત્યારે જ સુલતાન આલ્લાઉદ્દીન ખિલજીએ હાર માની અને ભગવાન શંકર આગળ પ્રણ લીધું કે પુન: એ ક્યારેય સિરોહી પર આક્રમણ નહીં કરે અને એ પોતાનું બધુજ ધન જે એની સાથે લાવ્યો હતો તે ભગવાન શંકરને અર્પિત કરીને પાછો ચાલ્યો ગયો એને જ કારણે અંદરની સફેદ છત્રીઓ એવં અન્ય ઊપમંદિરો પણ બન્યાં !!!

રબારીઓના આ નિર્ણાયક યોગદાનને ધ્યાનમાં રાખીને સિરોહી નરેશ મહારાવ વિજયરાજજીએ એમને સન્માન પ્રદાન કરવાં માટે આ જે બીજો વિજય થયો તેને ધ્યાનમાં રાખીને ભાદ્રમાસની શુક્લ પક્ષની એકાદશી અર્થાત દેવઝૂલની એકાદશીએ આ વિજય પ્રાપ્ત થયો હતો તે દિવસે આ મંદિરમાં વાર્ષિકોત્સવ ઉજવવાનું નક્કી કર્યું અને તે દિવસે એક ભવ્ય મેળો પણ ભરવામાં આવ્યો અને આજ દિવસથી એક દિવસ માટે આ મંદિરનો બધો જ વહીવટ રબારીઓના હાથમાં સોંપવામાં આવ્યો !!! આ પરંપરા સિરોહી નરેશ દ્વારા આજ દિન પર્યંત નિભાવવામાં આવે છે અને એટલાં જ માટે આ મેળામાં સર્વાધિક રબારીઓ જ ઉપસ્થિત રહેતાં હોય છે !!! એમની આ ઉપસ્થિતિ જ આ મેળામાં ચાર ચંદ લગાડનારી બનતી હોય છે !!! એમ જરૂર કહી જ શકાય કે ——- રબારીઓ વગર આ મેળો શક્ય જ નથી !!!

sarneshwar mahadev 2

કેટલીક પ્રથાઓ અને કેટલીક પરંપરાઓનું પાલન ભારતનાં ઘણાં બધાં મંદિરોમાં કરવું જ પડતું હોય છે આનાં અનેકો દ્રષ્ટાંતો તમને ભારતના મંદિરમાં જયારે પણ જાઓ ત્યારે જોવાં મળતાં જ હોય છે. એવી એક પ્રથા અને પરંપરા અહીં પણ છે જ !!! આ મંદિરમાં જો કોઈ મુખ્યમંત્રી કે કલેકટરને પણ આવવું હોયને તો એમણે રબારીઓનો પોશાક અને માથે લાલ પાઘડી પહેરીને જ મંદિરમાં દર્શન કરવાં આવવાનું હોય છે. આવી પ્રથાઓ કયારેક ક્યારેક મંદિરની શોભા વધારનારી બનતી હોય છે. જે આમાં બન્યું છે ……. આવી અનેરી પ્રથા અને આવું અનોખું દ્રશ્ય તમને બીજે ક્યાંય પણ જોવાં નહીં જ મળે !!! ભાતીગળતા એ પ્રજાનું અવિનાભાવી અંગ છે અને એ જ તો છે આપણી સંસ્કૃતિ અને આપણો વિકાસ. માનસિક અને બૌદ્ધિક એમ બંને રીતે !!!

શરણેશ્વર મહાદેવ મંદિર ——–

સીરોહીથી માત્ર ૫ જ કિલોમીટર દુર સિરોહી -જયપુર માર્ગ ઉપર આ શરણેશ્વર મહાદેવ સ્થિત છે. આ મંદિર આમ તો દેખાવમાં બિલકુલ એકલિંગજી જેવું જ છે અંદરથી અને બહારથી પણ !!! બહારથી જોઈએ તો એક કિલ્લા જેવું લાગે છે !!! આ મંદિર અરવલ્લીના પહાડો વચ્ચે આજુબાજુ કિલ્લાની દીવાલથી ઘેરાયેલું અને એ આમ વચ્ચેથી સુરક્ષિત કરાયેલું આ મંદિર છે. આમ તો આ મંદિર સમુહમાં અનેકો નાનાં નાનાં મંદિરો છે !!! મુખ્ય મંદિરનું શિખર બિલકુલ રાજસ્થાનના મંદિરોની શિલ્પકલાને મળતું ઝૂલતું છે એનું સમગ્ર બાંધકામ જ રાજસ્થાનની પ્રચલિત શિલ્પ-સ્થાપત્ય કળાની ચાડી ખાય છે. સમગ્ર રાજસ્થાનમાં સદીઓથી આવા જ મંદિરો બંધાતા આવ્યાં છે અને હજીપણ આજ રીતે બંધાતા હોય છે !!! પણ એનું બાંધકામ અને એની મહત્તા કોક રીતે જુદી પડતી જ હોય છે જે આ મંદિરમાં પણ બન્યું છે !!!

આ મંદિરની દિવાલો અને મંદિર બધે જ સફેદ પથ્થર અને ચુના માટીમાંથી બન્યું છે !!! એ જ તો છે એની આગવી વિશેષતા !!! સરણેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ એક દુર્ગના રૂપમાં કરવામાં આવ્યું છે. કદાચ તમને આમાં એકલિંગજી અને દેશણોકનાં કરણી માતાના મંદિરની છાંટ દેખાય પણ ખરી !!! મંદિરની બહાર પહાડી પર ઊંચાઈ પર ચોકીઓ બનેલી છે કારણકે જો યુદ્ધની નોબત આવે તો એના પર સૈનિકો તૈનાત કરી શકાય !!! મંદિરનો દરવાજો અતિ વિશાળ નથી પણ એ દરવાજામાં દસેક પગથિયાં ચડીને જ જવાય છે. દરવાજો બીલકુલ મંદિરમાં હોય એવો જ છે. આ મંદિરની બાજુમાં એક કોઈ સુંદર હવેલી હોય એવું મકાન પણ છે જે પણ આ મંદિરની શોભા વધારે છે !!! પણ અહી મુખ્ય દરવાજા પાસે બંને બાજુએ બે હાથી છે. જેના પર મહાવતની સાથે સૈનિકોને બેસાડવામાં આવ્યાં છે. આ મૂર્તિકલા પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે !!! દરવાજાની ઉપર એક ઝરુખો પણ છે આજુબાજુ પહાડ ઉપર કિલ્લાની દીવાલ છે. જે જોવામાં પણ સુંદર છે અને સુરક્ષના હેતુસર પણ વધારે લાભદાયી નીવડે છે !!!

sarneshwar mahadev 3

આ હાથીઓને કારણે આ મંદિરનાં મુખ્યદ્વારને ગજદ્વાર પણ કહેવામાં આવે છે. મંદિરમાં દાખલ થતાંની સાથે જ દરવાજાની બાજુમાં સંગેમરમરના સિંહનાં શિલ્પો છે. જેવાં મંદિર પરિસરમાં દાખલ થઈએ એટલે એની જમણી બાજુએ ભગવાન આદિવિનાયક અને ભગવાન હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. એની બિલકુલ સામેજ એક ચબુતરા એટલે કે એક મોટા ઓટલા પર નંદીની વિશાળ પ્રતિમા છે જે એ સમયના મહારાજા મહારાવ અભયરાજે કરાવી હતી !!! આ ભગવાન આદિવિનાયક અને ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના વિક્રમ સંવત ૧૫૨૬માં મહારાણા લાખની પત્ની અપૂર્વદેવીએ કરાવી હતી !!! નંદીની બિલકુલ પાછળ એક મોટું ૧૨ ફૂટનું વિશાળ ત્રીશુલનું સંગેમરમરનું શિલ્પ છે. આ વિશાળ ત્રિશુળની પૂજા તીર્થસ્થાનના રૂપમાં કરવામાં આવે છે

મંદિરના ગર્ભગૃહમાં જે મુખ્ય શિવલિંગ છે તે રુદ્રાક્ષનું બનેલું છે અને આ રુદ્રાક્ષના શિવલિંગને બહુજ ચમત્કારિક માનવામાં આવે છે !!! આવાં શિવલીંગની પૂજા માત્ર સન્યાસી આચરણવાળાં વ્યક્તિઓ જ કરી શકે છે એટલે જ આનાં પુજારીઓ સંસારી નથી બની શકતાં અને એમને સન્યાસ લેવો પડતો હોય છે !!! આમજનતા આ મુખ્ય શિવલીંગની બહાર એક નાનું શિવલિંગ છે એનાં પર જ જળાભિષેક કરી શકે છે મુખ્ય શિવલિંગ પર તો નહીં જ. ગર્ભગૃહમાં માતા પાર્વતી જ ભગવાન મહાદેવ સાથે બિરાજમાન છે અને એ ગર્ભગૃહની બહાર દ્વાદશ જ્યોતિર્લિંગનાં સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી છે !!! મંદિરની છત પર નારીઓના વિવિધ શિલ્પો છે. આ દરેક શિલ્પો એ કલાકૃતિઓનો એક ઉત્તમ નમુનો છે. આ સરણેશ્વર મંદિરમાં પૂજા ત્રિકાલ પદ્ધતિથી કરવામાં આવે છે. આ મંદિર સવારમાં ૩ વાગે જ ખુલી જાય છે. ૪ વાગ્યે મંગળા આરતી થાય છે. આ પ્રહરમાં કરાયેલી પૂજા એ સૌમ્ય પૂજા કહેવાય છે

સવારમાં ૬ વાગે ભગવાન શિવજી પર પંચામૃત અભિષેક કરવામાં આવે છે. આ માં પૂજા-શ્રુંગાર અને આરતી કરવામાં આવતી હોય છે !!! બપોરે ૨.૩૦ વાગે ભગવાન શિવજીની પૂજા અને શ્રુંગાર ભસ્મથી કરવામાં આવે છે. આની સાથોસાથ મંદિરમાં સ્થાપિત અન્ય શિવલિંગોની પણ પૂજા કરવામાં આવે છે !!! આ મંદિરમાં નવવિવાહિતો પોતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની મનોકામના અને બાળકોના મુંડન માટે અહી આવતા હોય છે અને ભગવાન શિવજી તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરતાં હોય છે

મંદિરની પાછળ એક પ્રાકૃતિક જલકુંડ છે. એમાં કોઈપણ ઋતુમાં કોઈપણ સમયે પાણી એટલુંને એટલું જ હોય છે એ નથી ઉભરાતું કે નથી ઓછું થતું આ આની એક વિશેષતા છે !!! એવું માનવામાં આવે છે કે આ વિશાળ જળસ્રોતની બાજુમાં જે નીલમનો પથ્થર છે એને સ્પર્શ કરવાથી ચર્મરોગ તરતજ દુર થઇ જાય છે. આ જે સરોવર છે એની જે મંદિરની દીવાલની પાછળ જ સ્થિત છે એની આજુબાજુ અનેક છત્રીઓ આવેલી છે જે રાજસ્થાનની આગવી વિશેષતા છે !!! આ પવિત્ર કુંડનું જળ એટલું જ પવિત્ર છે જેટલું ગંગાજળ કારણકે આ જળમાં કીટાણુંઓ નથી પડતાં એટલે જ આપણી ૧૦૦ વર્ષ સુધી એવુંને એવું ચોખ્ખું રહે છે !!! આ મંદિર બન્યું પહેલાં એ પહેલાં અહી બૈજનાથ મહાદેવનું મંદિર હતું અને કુંડને મંદાકિની કુંડ કહેવામાં આવતો હતો !!! જેને શુક્લતીજ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે !!!

આ તો થઇ મુખ્ય મંદિરની વાત પણ એની આજુબાજુ અને પાછળની ભાગમાં જે તળાવ છે અને છત્રીઓ છે એની કમાનો જુઓ અને પછી એને શરણેશ્વર મહાદેવ મંદિર વિજયનગર પોળો ફોરેસ્ટ સાથે સરખાવો તો તમને એમાં એક સામ્ય જરૂર દેખાશે. અરવલ્લીના પહાડો પર જે અન્ય મંદિરો છે તેનાં ગોખ તેઓનાં સ્તંભો અને તેનાં ઝરુખા જોશો તો તમને વિજયનગરના શરણેશ્વર મહાદેવમાં ઘણું જ સામ્ય દેખાશે. એની સંરચના પણ વિજયનગર સાથે મળતીઝૂલતી જ છે અને આજુબાજુનું વાતાવરણ અને પ્રાકૃતિક સૌન્દર્ય પણ.

શરણેશ્વર મહાદેવ વિજયનગર એ કોણે બંધાવ્યું એ ભલે આપણને ખબર ના હોય પણ આ સીરોહીની રાજકુંવરી એ વિજયનગરના રાજકુંવર સાથે પરણી હતી ઇસવીસનની ૧૫મી સદીમાં એટલે એના મનમાં તો આ મંદિરની યાદ તાજી જ હોય અને એની માનતા પણ માની હોય કદાચ. કદાચ ત્યાં માથું ટેકવવા પણ ગયાં હોય અને ત્યારેજ માત્ર રાજકુંવરી જ નહિ પણ રાજકુંવરના મનમાં વિજયનગરમાં આવું મંદિર બાંધવાનો વિચાર આવ્યો હોય કદાચ એ સીરોહીના આ મંદિરથી બહુજ પ્રભાવિત થઇ ગયાં હોય અને જ્યાં અલ્લાઉદ્દીન ખિલજી પણ વિલે મોંઢે પાછો ફર્યો હતો એની સામે બદલો લેવાની તક વિજયનગરના મહારાજ કદાચ જવાં દેવાં માંગતા ના હોય. કારણકે આ પહેલાં વિજયનગરનું મંદિર અલ્લાઉદ્દીન ના ભાઈ અલફખાને તોડયું જ હતું ઇસવીસનની ૧૩ની સદીમાં. એટલે જ એનાથી પ્રેરાઈને વિજયનગરના રાજકુંવરે અને સીરોહીના રાજકુંવરે આ શરણેશ્વર મહાદેવ મહાદેવ મંદિર ફરીથી બાંધવાનો નિર્ણય લીધો હોય.

એમાં ગુજરાતની તે સમયની શિલ્પકલા અને રાજસ્થાનની આ કળાની છાંટ સાથે આ અદ્ભુત મંદિર હતું એમ જરૂર કહી શકાય. હેતુ એક જ હતો કે મુસ્લિમ આક્રમણકારોથી વિજયનગરના રાજ્યને બચાવવું પણ બનાવટમાં ઇંટોના વધારે પડતાં ઉપયોગને કારણે એ નષ્ટ બહુ વહેલાં થઇ ગયાં એમ જરૂર કહી શકાય એમ છે. પહાડી વાતાવરણ અને કુદરતી આફતો કદાચ આમાં કારણભૂત હોઈ શકે છે. જયારે સિરોહી માટે તો એમ પણ કહેવાય છે કે ૧૫મી સદીમાં અકબરે પણ અહીં આક્રમણ કર્યું હતું તેનાથી તે કાદાચ તે વખતે નષ્ટ પામ્યાં હોય કે કુદરતી આફતોથી આની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી એટલે એપણ ના કહી શકાય કે સિરોહીનું આ સરણેશ્વર મહાદેવ જેનું એક નામ શરણેશ્વર મહાદેવ પણ છે તેની આજુઅજુનાં મંદિરો કઈ રીતે તૂટ્યાં તે !!!

સીરોહીનું આ સરણેશ્વર મહાદેવ મંદિર જેની ઇતિહાસમાં નોંધ બહુ લેવાઈ એ અલ્લાઉદ્દીન ખિલજીની ૨ વાર હાર અને એના પર ઉતરેલાં કુદરતી પ્રકોપનેકારને હંમેશા યાદ રહેશે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે રબારીઓની દેવાસી જાતિને માત્ર એક જ દિવસ આ મંદિરનાં પુજારી બનવાનો એનો તહેવાર મનાવવાની છૂટ મળે છે બાકી બધાં દિવસ એનાં પુજારી બ્રાહ્મણો જ હોય છે. આવું વિશિષ્ટ મંદિર ભારતમાં તમને બીજે ક્યાંય જોવાં નહીં જ મળે. અહી એ સરણેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તો વિજયનગરમાં એ શરણેશ્વર મહાદેવ મંદિર તરીકે નામ તો બંને સરખાં જ છે અને અમુક અંશે બાંધકામ. તુલના ભલે ના કરવી હોય તો ના સહી પણ એકવાર આ મંદિર જોવાં જેવું તો ખરું જ. તો જઈ આવજો બધાં !!!

—–ઓમ નમ: શિવાય —-
—— હર હર મહાદેવ —–

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!