સરદાર પટેલ પોતે જ ઇતિહાસ છે સાહિત્યકારો સરદાર નો ઇતિહાસ બદલવા ની ભૂલ નાં કરે. 

સરદાર પટેલ પોતે જ ઇતિહાસ છે … કાલ સવારે ઉગી ને ઉભા થયેલા સાહિત્યકારો સરદાર નો ઇતિહાસ બદલવા ની ભૂલ નાં કરે …. ?

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાં મોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંઘ પણ બનાવી શકો છો.

આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી.

એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામાં દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમાં જોડાઈ જવામાં જ એમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આગવી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમાં જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે.

મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામાં ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં.

જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડાઓ માં વહેંચાઈ જાત.

આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.

૫મી જુલાઈ, ૧૯૪૭ના દિવસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સરદારને સોંપવામાં આવ્યું. સરદારે વી. પી. મેનન અને લૉર્ડ માઉંટબેટનની મદદથી રાજાઓ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી. એમણે રાજાઓને કહ્યું કે રક્ષાખાતું, વિદેશખાતું અને સંચાર વ્યવસ્થા (ટપાલ અને રેલવે) આ ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દ્યો અને બાકીનાં ખાતાંઓનો વહિવટ તમે જ ચલાવો.

આઝાદીની શરૂઆતમાં જ સરદારની ઇચ્છા રાજાઓ સાથે અથડામણમાં આવવાની ન હતી. રાજાઓમાં પણ સરદારે દેશપ્રેમની ભાવના જગાડી અને એમના હિતોનું પોતે ધ્યાન રાખશે એવી ખાતરી આપી.

ત્રણ રાજ્યોને છોડી બાકીનાં રાજ્યો સરદારની વાત માની ગયાં. સરદારે જરા પણ સમય ગુમાવ્યા વગર બધાં સાથે કરાર કરી લીધા. આટલું મોટું કામ સરદારે ૫મી જુલાઈ,૧૯૪૭ અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના ગાળામાં કરી લીધું. જયારે જ્યારે કંઈ અડચણ આવી ત્યારે સરદારે ત્વરિત નિર્ણયો લીધા, જરૂર પડી ત્યાં નેહરુને વિશ્વાસમા લીધા. નેહરુ નહિ માને એવું લાગ્યું ત્યાં ત્યાં સીધા ગાંધીજી પાસેથી મંજૂરી લઈ લીધી. ક્યારેક લૉર્ડ માઉંટબેટનને વચ્ચે રાખી નેહરુને મનાવી લીધા.

૧૬મી ડીસેંબર, ૧૯૪૭ના રોજ સરદારે એક નિવેદન દ્વારા રજવાડાંઓનો આભાર માન્યો. ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ની એક પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જાગૃત પ્રજા અને રાજાઓના સહકારથી આ બધું શક્ય થયું છે .

સરદારની આ સફળતા પાછળ એક કારણ એ હતું કે રાજાઓને વિશ્વાસ હતો કે સરદાર વચનના પાકા છે. બીજા રાજદ્વારી લોકોની જેમ વચન આપી ફરી જાય એમાંના સરદાર ન હતા. એમણે એમનાં સાલિયાણાંનો હક્ક બંધારણ દ્વારા આપ્યો એટલું જ નહિ પણ યોગ્ય રાજાઓને રાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરે સ્થાને નિમ્યા. રાજ્ય સોંપી દીધા પછી પસ્તાવાનો વારો ન આવે એ બાબત પ્રત્યે સરદારે ખાસ ધ્યાન આપ્યું.

વી.પી.મેનનની સલાહથી સરદારે પહેલાં માત્ર ત્રણ બાબતો કેન્દ્રને સોંપવાની વાત કરી, કારણ કે સરદાર જાણતા હતા કે એક વાર આ ત્રણ વિષયમાં ભારત એક રાષ્ટ્ર બની જાય, ત્યાર બાદ બધું આપોઆપ થાળે પડશે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બધાં રજવાડાં તો ભારતમાં જોડાઈ ગયાં પણ જૂનાગઢે મુસીબત ઊભી કરી. જૂનાગઢની ૮૫ ટકા વસ્તી હિન્દુ હતી પણ નવાબ મુસ્લિમ હતા. જૂનાગઢ ચારે તરફથી તો ભારત સાથે ભળેલાં રાજ્યોથી ઘેરાયેલું હતું, માત્ર વેરાવળ બંદર દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમા રહી શકે એમ હતું. શાહ નવાબ ભુટ્ટો નામના પ્રધાનની ચડામણીથી નવાબે ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવા માટેના કરાર કરી લીધા.

પ્રજામાં ખળભાટ મચી ગયો. સરદારે ભારતીય સેનાને જૂનાગઢને ચારબાજુથી ઘેરી લઈ નાકાબંધી કરવાનો હુકમ આપી દીધો. સરદારે વી.પી. મેનનને મોકલી, નવાબને સખત ચેતવણી આપી. નવાબ પોતાના કુટુંબ અને લઈ જવાય એવી મિલકત લઈ પાકિસ્તાન નાસી ગયા. સરદારની મંજૂરી લઈ શામળદાસ ગાંધી અને અન્ય નેતાઓએ આરજી હકુમતના નામે સરકારની સ્થાપના કરી જૂનાગઢ પર ચડાઈ કરી. દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનની મદદ માંગી, પણ પાકિસ્તાને કોઈ મદદ મોકલી નહિ. આખરે ૨૭મી ઓકટોબરે ભુટ્ટોએ ભારત સરકારને જૂનાગઢનો કબજો લેવાનો સંદેશો મોકલ્યો અને પોતે પાકિસ્તાન નાસી ગયા. સરદારે ત્યાંની પ્રજાનો મત લઈ, જૂનાગઢનો વિલય ભારતમાં કરી દીધો.

જૂનાગઢના પ્રશ્નનો નિકાલ લાવી સરદારે હૈદરાબાદ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. અહીં પણ ૮૬ ટકા પ્રજા હિન્દુ હતી પણ નિઝામ મુસ્લિમ હતા. નિઝામની ઇચ્છા ભારત અને પાકિસ્તાનની જેમ ત્રીજું સ્વતંત્ર રાજ્ય રચવાની હતી. હૈદરાબાદ પણ ચારે તરફથી ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું અને એનું કોઈ બંદર પણ ન હતું. સરદારની સંમતિથી નિઝામ સાથે વાટાઘાટ કરવાનું કામ લૉર્ડ માઉંટબેટનને સોંપાયું. સરદાર સમજતા હતા કે માઉંટબેટન વચ્ચે હશે તો આંતરાષ્ટ્રીય દબાણ નિવારી શકાશે. તે સિવાય નિઝામના મુખ્ય સલાહકાર વોલ્ટર મોંક્ટન માઉંટબેટનના મિત્ર હતા.

જુલાઈ, ૧૯૪૭માં નિઝામ સાથે વાટાઘાટો શરૂ થઈ, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકી નહિ. ૨૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે માઉંટબેટનને એક પત્ર દ્વારા જણાવ્યું કે નિઝામને જણાવી દો કે અન્ય રાજ્યો જે શરતે ભારતમાં જોડાયાં છે તે જ શરતે હૈદરાબાદે ભારતમાં જોડાવું પડશે. માઉંટબેટન સાથેની વાટાઘાટ નિષ્ફળ ગઈ.

છેવટની વાટાઘાટો સરદારે પોતાના હાથમા લીધી. નિઝામના નજ્દીકી ગણાતા રજાકાર કાસિમ રિઝવી સરદારને મળવા આવ્યા. રિઝવીએ ધમકી આપી કે જો ભારત સરકાર દબાણ કરશે તો હૈદરાબાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેશે. સરદારે સણસણતો જવાબ આપતાં કહ્યું, જો તમારે આપઘાત કરવો હોય તો તમને કોણ રોકી શકે?

થોડા સમય બાદ, સરદારે નેહરુને જણાવ્યું કે નિઝામે વિના શરતે ભારતમાં વિલય થવાનું કબૂલ કરવું જોઈએ. સરદારે ભારતની સેનાને તૈયાર રહેવા જણાવ્યું. નેહરુ આનાકાની કરતા હતા પણ સરદાર મક્કમ હતા. ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ભારતની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો. ત્યારના ગવર્નર જનરલ

સી. રાજગોપાલાચારીએ સરદારના હુકમને કાયદેસર કરવા કેબિનેટની મિટિંગ બોલાવી અને મંજૂરીની મહોર મારી દીધી.

એક અઠવાડિયામાં હૈદરાબાદ કબજે કરી લેવામાં આવ્યું.

કાશ્મીરનો પ્રશ્ન જરા અલગ હતો. અહીં મુસ્લીમોની સંખ્યા વધારે હતી પણ રાજા હિંદુ હતા. કશ્મીરની સીમાઓ ભારત અને પાકિસ્તાનને સરખી લાગતી હતી. જે આધાર ઉપર ભાગલા પાડવામા આવ્યા હતા, એ આધાર પ્રમાણે કશ્મીરના મહારાજા જો પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરે તો ભારત વાંધો ન લેત. પણ નિઝામની જેમ મહારાજા પણ સ્વતંત્ર રાજ્યનાં સપનાં સેવતા હતા. તક જોઈને પાકિસ્તાને કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા ડરીને નાસી જવાની તૈયારીમાં હતા. સરદારે તરત વી.પી. મેનનને મોકલી પરિસ્થિતિ સંભાળવા કહ્યું. મેનને મહારાજાને કુટુંબ સાથે જમ્મુ ચાલ્યા જવાનું કહ્યું, અને દિલ્હી જઈ સરદારને પરિસ્થિતિની જાણ કરી. સરદારે નેહરુ અને માઉંટબેટનને ભારતીય સેના મોકલવા સલાહ આપી. માઉંટબેટને કહ્યું કે મહારાજા ભારતમા વિલયના દસ્તાવેજ પર સહી ન કરે ત્યાં સુધી આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ જશે.

સરદારે તરત વી.પી.મેનનને મોકલી મહારાજાના દસ્તખત મેળવી લીધા. તેમ છતાં નેહરુ પૂરી રીતે તૈયાર નહોતા. સરદારે કહ્યું કે હવે કાશ્મીરનું રક્ષણ કોઈ પણ ભોગે ભારતે કરવું જ જોઈએ, નહિ તો બીજા પ્રદેશોનો ભારત પરથી વિશ્વાસ ઊઠી જશે. ભારતીય સેનાની અજોડ કારવાઈથી હુમલાખોરો પીછેહઠ કરવા લાગ્યા. સરદાર કાશ્મીરનું ભૌગોલિક મહત્ત્વ સમજ્તા હતા એટલે કાશ્મીરનો મુદ્દો પોતે જ ઉકેલવા માગતા હતા પણ નેહરુએ ઇચ્છા વ્યક્ત કરી કે આ પ્રશ્નનો ઉકેલ મને કરવા દો. સરદાર સંમત થયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.

અને આ ફોટા માં સરદાર સાથે જે વ્યક્તિ છે એ હૈદરાબાદ ના નિઝામ છે, જેણે આખી જિંદગી કોઈ સામે હાથ ન્હોતા જોડ્યા એ સરદાર સામે હાથ જોડી ને ઉભા છે એટલા માં સમજી જાવ કે સરદાર શું હતા….. અને આજ કાલ ઉગી નીકળેલા કલાકારો ને કહેવાનું કે સરદાર વિષે બોલતા પહેલા થોડું સામાન્ય જ્ઞાન મેળવી લ્યો… હાલી નિકડા છુઓ સ્ટેજ પર બોલવા….

ભારતના ઇતિહાસમાં સરદારનું નામ ભારતના ટુકડા થતા બચાવનાર તરીકે અને અખંડ ભારતનું નિર્માણ કરનાર તરીકે સદા અમર રહેશે. 

સૌજન્ય – પાટીદાર યશોગાથા – Kanbi History Facebook page

error: Content is protected !!