ગુજરાતનું એક માત્ર અને સુંદર હિલસ્ટેશન સાપુતારા 

ડાંગના જંગલો , પર્વતો , સર્પાકાર રસ્તાઓ , નદીઓ અને ઝરણાઓ જોતાં જોતાં સાપુતારા પહોંચવાનો આનંદ અનેરો હોય છે. વાંસના જંગલો જોવાં એ પણ એક અનેરો લ્હાવો જ છે. અનાવિલ બ્રાહ્મણોના ગામડાઓ જોવાં અને એમની ચા-પાણીની સરભરા માણવી એની પણ એક મજા છે હોં !!!! અનાવિલ બ્રાહ્મણોને ઓળખવાની તક મળી એ માટે પણ હું સાપુતારાનો આભારી છું. દક્ષિણ ગુજરાતની અને એમાં પણ અનાવલી મીઠી બોલીનો અનુભવ મને આજ પ્રવાસમાં થયો, આત્યારે તો સુરતથી સાપુતારાના રસ્તે ઠેર ઠેર મોંઘાદાટ અને સુંદર રિસોર્ટ બન્યાં છે. એમાં તક મળે તો રહેવા જેવું ખરું હોં કે !!!! પણ મોંઘા બહુજ છે !!!!

સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.

આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.

સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. .

સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.

ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે. જેમા એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાપુતારાનું સરોવર માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે.
આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે.

ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.

સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે. તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

સાપુતારા અમદાવાદથી ૪૨૦, ભાવનગરથી ૫૮૯, રાજકોટથી ૬૦૩, સુરતથી ૧૭૨, નાસીકથી ૮૦, મુંબઇથી ૧૮૫ અને ભુજ શહેરથી ૭૭૪ કિ.મી.ના અંતરે આવેલું છે. સાપુતારામાં વધઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગીરા અને ગીરમાલનો ધોધ, સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાસંદાનો નેચરપાર્ક, નાગેશ્ચર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યુ પોઇન્ટ જેવા જોવાલાયક સ્થળો છે.

સાપુતારામાં આવ્યા બાદ આપણને એવી અનુભૂતિ થાય કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયા હોય!

ગીરીમલ ધોધ સાપુતારાથી ૮૫ કિ.મી.ના અંતરે છે અને ચોમાસામાં આ ધોધની આસપાસ અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ મળી આવે છે. ડાંગ દરબાર સાપુતારાથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે. જયાં દર વર્ષે વનવાસીઓના પ્રિય એવા હોળીના પર્વ પહેલા ડાંગ દરબાર ભરાય છે.
પાંચ દિવસ ચાલતાં આ દરબારમાં વનવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને માણી શકાય છે.

હાથગઢ કિલ્લો ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પાસે આવેલો છે. નાસિકના મુલ્હર ગામમાં આવેલો આ કિલ્લો સ્થાપત્યનો અદ્‌ભૂત નમૂનો છે. સાહ્યિદ્વી પર્વતમાળા ઉપર આવેલો આ કિલ્લો સમુદ્રની સપાટીએથી ૩૫૦૦ ફૂટની ઊંચાઇએ આવેલો છે. સપ્તશ્રૃંગી એટલે સાત પર્વતીય શિખરો. સપ્તશ્રૃંગી દેવીનું મંદિર સાત શિખરો વચ્ચે આવેલું છે. હિન્દુશાસ્ત્રો પ્રમાણે સપ્તશ્રૃંગી માતા કાલી માતાની બહેન ગણાય છે. વિજયાદશમીના દિવસે અહી મેળો ભરાય છે. સાપુતારાના પ્રગાઢ વનપ્રદેશ વચ્ચે શબરીધામ આવેલું છે.

શું શું જોવું? :

સાપુતારા સંગ્રહાલય, સાપુતારા મધ ઉછેર કેન્દ્ર, સાપુતારા માછલી ઘર, સાપુતારા બાઝાર, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, બોટિંગ, સન સેટ પોઈન્ટ, સન રાઈઝ પોઈન્ટ, ગવર્નલ હિલ, રોપ વે, લોગ હટ, હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર

પણ, પણ, પણ એક ખામી છે સાપુતારામાં. ત્યાં કોઈ સસ્તી હોટેલો જ નથી. એટલે ખુબ પૈસા ખર્ચીને મજા માણવી હોય તો જ જજો !!!! બાકી આટલા પૈસા ખર્ચીને તો ગુજરાતની બહાર સારાં સ્થળોએ  જવાય
બાકી તમારી મરજી !!!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!