સૌરાષ્ટ્રની સંત પરંપરાને અજવાળતી અનોખી સત્યઘટના

ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. સુમનમાંથી સુવાસને ઉઠાવી શિળો સમીર સૃષ્ટિમાં સરી રહ્યો છે.

એવા રૂડા ટાણે સરવા નામના નાનકડા ગામમાં ઉજમ સામ્યો સમાતો નથી. ઉડતા અબીલ ગુલાલે રંગ મેળો રચાઇ રહ્યો છે. ઝોઝ પખાજ ઢોલ, ત્રાસા અને શરણાયુના સૂરે દોથા જેવડા ગામના શેરીયું અને ચોક છલકાઇ રહ્યો છે.

ગામની બહેન દીકરીયું અને વહુઆરૂઓના ભાતીગણ વસ્ત્રો ફુલવાડીનું રૂપ રચી રહ્યાં છે.

વાત એમ બની છે કે, સૌરાષ્ટ્રની સંત પરંપરાના છોગા જેવા પાળીઆદના પીર લેખાના વિસામણ બાપુની જગ્યાના મહારાજ ઉનડ બાપુની પધરામણી થઇ રહી છે. તેના સામૈયા કરીને વાજતે ગાજતે ઉતારે તેડી લાવ્યા.

કુંભાર ભગત કોરૂ માટલું મૂકીને પાણી ભરવા લાગ્યો. બાપુની નજર પાણી ભરતા માણસ ઉપર પડી.

બાપુના બોલ નીકળ્યા.

આજ મોતીને બદલે તમે આવ્યા ! મોતી ક્યાં છે ?

બાપુના વેણને પાણી ભરનાર ગળી ગયો. એટલે લગોલગ બેઠેલા ખસ ગામના તભુ મહારાજ ફોડ પાડયો. મોતીને ઘરેથી બાઇ મદવાડને ખાટલે છે એટલે ખડયથી અવાણું નહિ હોય.

એવો તે કેવો મંદવાડ કે પાણીનું માટલું ભર્યાનું વેળુ ન મળે !

હા બાપુ, મંદવાડ ભારે છે. ઘડિયું ગણાય છે. એટલામાં બધુ ય આવી જાય.

તભુ મહારાજની વાત સાંભળીને બાપુએ લાંબી પડપૂછ કરવાનું માંડી વાળ્યું. નિરમળ આખ માથે પોપચા ઢાળી દીધા. બીજી પળે પાછા ઉઘાડી સત્તસંગે વળ્યા. સૌ સેવકોની સાથે હસી હસીને હરિ કિર્તનની વાતું કરી કિરતારની કરામત્યની કુંચીયું દેખાડી સાજ સુધી ભક્તિની ભભક છૂટી.

વાળુ પાણી પરવારીને ઉતારે અલખનો આરાધ મંડયો. અંધાર વીંટયા ગામડાના ઉતારે એક જ્યોત્ય ઝબૂકતી હતી. એકતારામાંથી મધપૂડામાંથી મીઠપ ગળે એમ સૂર ગળાતા હતા. મધરાત ગળતી હતી. હરિરસની હેલીમાં હિચોળા લેતા હતા.

ઠાકર થાળી ફરતી હતી. મંજીરાની ઠોર બોલતી હતી. નરધા પર થાળી પડતી હતી. તેમાંથી નાદબ્રહ્મ ઉઠ્તો હતો. રાત્રીના ચંદ્ર તેજમાંથી અમરત ટપકતું હતું. મોટા ભળકડે ભૈરવીના છેલ્લા સૂર સાથે તંબુરસના તાર જપ્યાં.

દાદાબાપુ મોટું ગામતરૃં કરી ગયા પછી ઉનડ બાપુએ જગ્યાની ધર્મગાડી સંભાળી હતી. ગામના પહેલી વખત પગલા કર્યા હતા.

સવારથી જ બાપુની ઘેર ઘેર પધરામણી થવા લાગી. મોઢાગળ ફાળીઆના આધારે બાંધેલા દોકડ પર થાપીઓ પડતી હતી. કરતાલ તેમા તાલ પુરાવતી હતી. મંજીરાનો મીઠો રણકાર રેલાવતી મંડળી આગળ ચાલતી હતી. તેની પાછળ બાપુ પુનીત પગલા પાડતા હતા. નારીવૃંદ સરવા સાદે.

‘શેરી વળાવી સજ કરૂ હરિ આવો ને’

ધોળ-મંગળના સૂર છેડતું હતું.

આમ પધરામણી કરતી કરતી મંડળી મોતીભાઇના રેણાંક ઘરવાળી શેરીમાં પુગી. મોતીભાઇના ફળીઆમાં ઢૂંગે વળેલાં માણસો જોયાં.

બાપુએ પૂછ્યું.

આટલા બધા માણસો કેમ ભેળા થયા છે ?

કોઇએ કહી નાખ્યું.

મોતીભાઇના ઘરવાળાને વધુ પડતું વહમું લાગે છે. એટલે નાતીલા ભેગા થઇ ગયા છે.

બાપુએ તભુ મહારાજ સામે નજર નાખીએ મોતીભાઇના ફળીઆ તરફ પગ ઉપાડયો, તભુ મહારાજ પણ ભેળા હાલ્યા. મંડળી શેરીમા ચૂપ થઇને ઉભી રહી ગઇ.

ભૂંગણી આડશ કરીને મંદવાડનો ખાટલો ઓસરી પર રાખ્યો હતો. બાપુએ ફળિયામાં ઉભા ઉભા કહ્યું.

ભાઇ મોતી, ભૂંગણ છોડી નાંખ્યો.

બાપુના બોલનો તરત અમલ થયો.

જમ સાથે વડછડ કરતા મોતીભાઇના ઘરવાળા સામે મીટ માંડી પલકવાર હરિનું સ્મરણ કરીને ઉનડ બાપુ બોલ્યા.

દીવા ટાણે આળસ મરડીને બેઠી થઇ ખાવાનું માગે તો જાણજો કે પાળિયાદના ઠાકરે બેઠી કરી.

એટલું વદીને બાપુ મંડળીમાં ભળી ગયાં.

બપોર થયા, રોંઢો ઢળ્યો, ધરતી માથે રોળકોળ્ય દિ’ રહ્યો. સંખ્યાની રૂજ્યુ વળી એમ કરતા દીવે વાટયું ચડી.

બાઇએ પડખું ફેરવ્યું આખ્યું પરથી પોપચા ઉપાડયા. મોમાથી વેણ નીકળ્યો.

પેટમાં લાય લાગી છે ખાવું છે.

સાકર વાળુ દૂધ પિવરાવ્યું. પલકવારમાં જાણે આઠેય કોઠે ચૈતના પ્રજવળી ઉઠી.

હડી કાઢીને માણસો બાપુને ઉતારે પૂગ્યા. જતો જીવ પાછો આવ્યાના ખબર દીધા ત્યારે બાપુ એટલું જ બોલ્યા.

બાપ ઠાકર કોઇનું બુરું કરતો નથી.

ધરતીનો ધબકાર- દોલત ભટ્ટ

error: Content is protected !!