સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા?

એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, કુર્તો પહેરી લે, રામનામી રાખી લે, માળા રાખી લે, તિલક કરી લે, પૂજાપાઠ કરે, કથા કહે, પ્રવચન કરે, યજ્ઞ કરે એમને? એ બધાં સાધકના લક્ષણ છે અવશ્ય, પરંતુ શું સંતત્વ એટલામાં જ સમાઈ જાય છે? સંત કોણ? સંતના થોડાંક લક્ષણો હું તમારી સામે રજૂ કરવા માંગુ છું.

તો એવા કયાં સરળ સૂત્રો છે, જેનાથી આપણે સંતને બરાબર ઓળખી શકીએ અને ક્યારેય ધોખો ન ખાઈએ? પહેલું સૂત્ર, શાંતમ્. જે વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં નિરંતર શાંત રહે છે, એ સાધુનું પહેલું લક્ષણ છે. કેટલાક લોકો સહજ શાંત હોય છે. જેમનો આકાર જ શાંત હોય, જેમનું હોવું જ એક પ્રકારની શાંતિનો અનુભવ કરાવે તે સંત. પણ અમુક એવા હોય છે જેઓ પોતાને શાંત રાખવાની દાંભિક કોશિશ કરે છે. તમે કહેશો કે, એની શાંતિ સહજ છે કે દાંભિક, એ અમે કેમ ઓળખી શકીએ? ઓળખ થઈ જશે. નાની એવી વાત ધ્યાનમાં રાખજો.

જેમની પાસે જઈને પાછા ફર્યા પછી તમને પણ શાંતિનો અનુભવ થાય તો સમજવું, એ સાધુ શાંત છે. ‘શાંતિ પમાડે તેને સંત કહીએ.’ સાહેબ, બગીચામાંથી કોઈ આવે છે ત્યારે એને કહેવું નથી પડતું કે, હું બગીચામાંથી પસાર થઈને આવ્યો છું, કારણ કે ફૂલોની ખુશ્બૂ એનાં કપડાંમાં થોડીઘણી તો આવી જ જાય છે. એવી રીતે સાધુને મળીને કોઈ પાછા ફરે છે ત્યારે શાંતિનો પ્રસાદ લઈને પાછા ફરે છે. સંતનું પહેલું લક્ષણ શાંતમ્.

મારી સમજ મુજબ બીજું લક્ષણ છે કુલીનતા, વંશની ખાનદાની. આમ તો કોઈ કુળને વિશેષ મહત્ત્વ આપવા નથી માગતો, કેમ કે એમાં પાછો ભેદભાવ થઈ જશે, પરંતુ કુળ કામ કરે છે. જો રોગ જિન્સમાં આવે છે, તો સારાં લક્ષણો તો ઘણા પ્રભાવની સાથે આવે છે.

મારી વ્યાસપીઠના અભિપ્રાય મુજબ જેમનામાં આશ્રમી નિષ્ઠા હોય એ સંતનું ત્રીજું લક્ષણ છે. જે આશ્રમમાં એ હોય તે આશ્રમની ઈજ્જત વધારે એ સંત છે; અથવા તો સરળ કરીને એમ કહું કે જેમનું જીવન જ આપણને હરતો-ફરતો આશ્રમ લાગે એ સાધુનું લક્ષણ છે.

દીવો ક્યાંય પણ લઈ જાઓ, ત્યાં એ પ્રકાશ ફેલાવશે, કારણ કે દીવાને પોતાનું કોઈ મકાન નથી હોતું કે એ ત્યાં જ પ્રકાશ આપે. એનો જંગમ પ્રકાશ હોય છે. સાધુ ક્યાંય પણ જાય, જો આપણી પાસે આંખ હશે અને એ સાધુ હશે, તો લાગશે કે એક તીરથ ચાલી રહ્યું છે. હું પ્રાર્થના કરું કે તમને એવા સાધુ મળે, કોઈ એવા સંત વગર બોલાવ્યે પોતાની મોજથી તમારે ઘેર આવી જાય, ત્યારે સમજવું કે આજે આપણે ઘેર હરિદ્વાર આવ્યું છે, પ્રયાગ આવ્યો છે, ગંગોત્રી આવી છે, યમુનોત્રી આવી છે.

સંત હરતું-ફરતું તીર્થ છે. મારાં ભાઈ-બહેનો, જે સાધુના લક્ષણોની હું ચર્ચા કરી રહ્યો છું, એવા કોઈ સાધુ મળી જાય અને વગર બોલાવ્યે તમારા ઘેર આવી જાય તો સમજવું કે પિતૃઓના પુણ્ય પાકી ગયા છે.

સાધુનું પહેલું લક્ષણ, તે શાંત હોય. બીજું લક્ષણ, તે કુલીન હોય. ત્રીજું લક્ષણ, જેનું જીવન આશ્રમી હોય. ચોથું લક્ષણ, જેનામાં ધ્યાનનિષ્ઠા હોય. એ કામ સૌની સાથે કરશે, બોલશે સૌની સાથે, મળશે સૌને, પરંતુ એના અંતરંગ ધ્યાનમાં સ્ખલન નહીં થાય. એને ધ્યાન નથી કરવું પડતું, એને સ્વયં ધ્યાન થઈ જાય છે. જ્યારે તેઓ એકલા ચૂપચાપ બેઠા હોય ત્યારે જ તેઓ ધ્યાનમાં છે એવું ન સમજવું, પ્લીઝ! તેઓ તમારી સાથે વાત કરતા હોય તો પણ એમનું ધ્યાનનું સૂત્ર ચાલુ છે, એમનું સ્મરણનું સૂત્ર ચાલુ છે. ધ્યાનભંગ ન થાય, એ બહુ કઠિન છે. જેમની ધ્યાનનિષ્ઠા પરિપક્વ હોય એમને સાધુ સમજવા. એમને કોઈપણ ઘટના અને પરિસ્થિતિ બેધ્યાન નથી કરી શકતી, પાડી નથી શકતી.

આગળ વધીએ. સાધુ સુવેશ હોય. જેમનો પહેરવેશ સાદો અને સાત્ત્વિક હોય. જરૂર, કોઈનો વેશ રજોગુણી હોય તો એનો અનાદર નથી. જે બહુ જ ઠાઠમાઠથી જીવે છે એવા કેટલાક રાજસી સાધુઓ પણ આપણે ત્યાં થયા છે. એવું પણ બની શકે છે. એની આલોચના નથી. વગર જાણ્યે એમનામાં સાધુતા નથી, એવો નિર્ણય કરવો એ બરાબર નથી; પરંતુ આ વેશનો પણ કેટલોક પ્રભાવ હોય છે. સાધુનો એક પરિચય છે – એનો સાત્ત્વિક વેશ હોય, એ સુવેશ હોય. એ વેશમાં બીજા પર પ્રભાવ પાડવાની કોઈ ચેષ્ટા ન હોય, પરંતુ સીધો-સાદો વેશ હોય.

તો, મારાં ભાઈ-બહેનો, જેનાથી હું સાધુને ઓળખી શકું છું એવાં આ કેટલાંક સાધુના લક્ષણો છે. સાધુને ઓળખવાની મારી આ રીત છે કે આવાં કેટલાંક લક્ષણોથી સંતનો પરિચય થાય છે. આવા સંત મળી જાય તો એ સંતના દર્શનથી પ્રેમ પ્રગટ થાય છે અને પ્રેમ પ્રગટ થઈ જાય તો પછી પ્રેમથી પરમાત્મા પ્રગટ થશે એવું શિવવાક્ય છે.

સમ સીતલ નહિં ત્યાગહિં નીતી । સરલ સુભાઉ સબહિ સન પ્રીતી ।।
મુનિ સુનુ સાધુન્હ કે ગુન જેતે । કહિ ન સકહિં સારદ શ્રુતિ તેતે ।।

લેખન:- પૂ. મોરારિ બાપુ

error: Content is protected !!