‘શાલિહોત્ર સંહિતા’ ની રસપ્રદ વાતો

ભારત આદિકાળથી ખેતીપ્રધાન દેશ હોવાને કારણે ગાય, બળદ, ભેંસ ઈત્યાદિ જાનવરોની માવજત ખૂબ જ અગત્યની ગણાતી. એજ રીતે અશ્વો અને હાથીઓની પણ યુધ્ધવેળાએ અનિવાર્યતા હતી. યુદ્ધમાં આ બે પ્રાણીઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. શસ્ત્રાસ્ત્રોના અનેક ઘા ઝીલ્યા છતાં મરણ સુધી એમણે પોતાના સવારોને વિજયની વરમાળા અને યશકલગીઓ પહેરાવી છે. આ પ્રાણીઓને બલપ્રદ અને નિરામય રાખવામાં શાલિહોત્રનો ફાળો અવિસ્મરણીય ગણાય છે.

જૂના કાળે મહારાજા નળ, નકુલ અને સહદેવ હાથીઘોડાના ખાસ ઉપચારો જાણતા અને પ્રાણીઓને પોતાના સમયમાં તંદુરસ્ત રાખતા. દ્રોણાચાર્ય અશ્વચિકિત્સા જાણતા હતા અને એમણે જ નકુલ, સહદેવને આ વિદ્યા શીખવી હતી, પણ એ ગ્રંથસ્થ થઈ નહોતી. ઋતુપર્ણને સ્વયંવરમાં જલ્દી પહોંચાડવા નળે ઘોડાને અમુક પેય પાયાં હતાં અને પગે અમુક જાતના લેપ લગાડયાં હતાં, જેથી એ પવનવેગી બન્યા હતા એવી અનુશ્રુતિ છે.

મહારાજ દશરથના સમયમાં એમનો સમકાલીન રાજા રોમીયાદ ગજાયુર્વેદ અને હયાયુર્વેદ રચી ગયો હતો. એમાં અશ્વો અને હસ્તિઓની ચિકિત્સા અને ઉપચારોનાં વિશદ્વર્ણનો હતા. પણ એના નિધન પછી આ પ્રાચીન ભારતીય વિદ્યા સાવ જ વિસરાઈ ગઈ. જો કે ચરક. સુશ્રુત અને હારીત સંહિતાઓમાં અશ્વો અને હસ્તિઓની માવજતના ઉપચારો આલેખાયા છે ખરા પણ એનું સવિસ્તર આલેખન તો શાલિહોત્રએ કર્યું. શાલિહોત્ર સંહિતાની રચના પૂર્વે લોકસમાજમાં ઉપયોગી એવા અશ્વોના વૈજ્ઞાાનિક ઉપચારો માટે ખાસ કોઈ ગ્રંથો આપણે ત્યાં નહોતા. આથી શાલિહોત્રને પ્રાણીવિજ્ઞાન-વેટનરી સાયંસનો પિતા ગણવામાં આવે છે એમ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ નોંધે છે. આપણા પ્રાચીન ભારતના મહાન વૈદ્ય અને વિવિધ સંહિતાઓના રચયિતા ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટને જાણીએ છીએ પણ શાલિહોત્રને સૌરાષ્ટ્રના થોડાક અશ્વપાલકો અને અશ્વપ્રેમીઓ સિવાય બહુ ઓછા લોકો જાણે છે. આજે મારે શાલિહોત્ર અને શાલિહોત્ર સંહિતા ગ્રંથની વાતુંને ઉજાગર કરવી છે.

શાલિહોત્રનો જન્મ ઈ.સ. પહેલાં આઠમા સૈકામાં શ્રાવસ્તી નગરીમાં હયઘોષ નામના ઋષિને ત્યાં થયો હતો. કેટલાક એનું જન્મસ્થાન ગાંધારમાં હતું એમ પણ માને છે. શાલિહોત્ર અને અગ્નિવેષ બંને એક જ ગુરુના શિષ્ય હતા. કેટલાક ગ્રંથોમાં પ્રખ્યાત સુશ્રુતસંહિતાનો રચયિતા સુશ્રુત એનો જ શિષ્ય હતો એવું પણ આલેખન જોવા મળે છે. શાલિહોત્ર ખાસ કરીને અશ્વવૈદ્ય હતો. હાલની પ્રસિદ્ધ ‘હયઆયુર્વેદ સંહિતા’ પ્રથમ એણે જ રચી છે. એનું બીજું નામ તુરંગમશાસ્ત્ર અથવા શાલિહોત્રસંહિતા છે. ‘અશ્વપરીક્ષા’ અને ‘અશ્વશાસ્ત્ર’ પણ એના રચેલા ગ્રંથો છે.

શાલિહોત્રરચિત હયઆયુર્વેદમાં આઠ વિભાગ અને ૧૨૦૦૦ શ્લોકો છે. પ્રત્યેક પ્રકરણમાં અશ્વોના રોગો, એનાં ખાનપાન અને માવજત તથા ઉપચારના વિશદ વર્ણનો આપવામાં આવ્યાં છે. પહેલા વિભાગમાં અશ્વોની સ્વભાવ પરીક્ષા અને ગતિ. એના ગુણદોષ, એના વંશવેલાનું મહત્ત્વ, એના કયા વડીલોએ કયા યુદ્ધોમાં મહત્ત્વનો ફાળો આપ્યો વગેરે આપ્યું છે. તેમાં થોડાની ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ એવી ચાર જાતિઓ દર્શાવી છે. શરીરના માપ ઉપર અશ્વની ગતિનો આધાર છે એવું સૌપ્રથમ સંશોધન શાલિહોત્રનું છે. રાજવી માટે કઈ જાતના અશ્વો યોગ્ય છે, સૈનિકો માટે કયા અશ્વો યોગ્ય છે એનું પૃથક્કરણ આપ્યું છે.

બીજા વિભાગમાં અશ્વોને થતાં રોગદોગ અને એના ઉપચારો વર્ણવ્યા છે. કયા ઘોડાને ક્યારે મઠનું જોગાણ અને કયા ઘોડાને ચણાની ચંદી આપવી એ શોધ પણ શાલિહોત્રના ખાતે જમા થાય છે. ઘોડાને તાવ હોય, ચૂંક આવતી હોય, મરડો થયો હોય, બહુ ખદેડવાથી ગુદામાં ચાંદીઓ પડી ગઈ હોય અને ફીણ આવતું હોય, રક્તપાત થયો હોય, સર્પદંશ થયો હોય, દુશ્મનના ઝેરી બાણોથી એને ઘાવ પડયા હોય, બહુ મજલ કાપવાને કારણે પગ સૂઝી ગયા હોય આ બધી જ વિક્રિયાના વૈજ્ઞાનિક ઉપચારો અને વનસ્પતિની ઔષધિઓનાં વર્ણનથી બીજો ભાગ ભરપૂર છે.

ત્રીજા વિભાગમાં માદા પ્રાણીઓના ગર્ભાશયના દર્દોની ચિકિત્સા અને ઉપચારો આપ્યા છે. ઘોડાને મુખપાક થાય ત્યારે કયાં ઔષધો આપવા, કયો ખોરાક આપવો તેનું વર્ણન છે. મારા પિતાશ્રી અશ્વોના અચ્છા જાણકાર હોવાથી ઓછું ભણેલા હોવા છતાં શાલિહોત્રશાસ્ત્રની અનેક વાતો તેમની જીભે રમતી મેં સાંભળી છે. અમારા અણપબળોટ વછેરાને તેઓ ગાજર ખવરાવતા, લીલો રજકો ખવરાવતા. છાશવારો હોય તે દિ’ માખણે ય અમારો વછેરો પામતો. અવારનવાર એના મોઢે ચણાના જોગાણનો તોખરો પણ ચડાવતા.

ચોથા અને પાંચમા વિભાગમાં હાથી અને ઘોડાનાં શરીર પર અવકાશી ગ્રહોની અસરોની વાત વર્ણવી છે. માનવીની જેમ અશ્વોને પણ ગ્રહદશા નડતી હોય છે. તાવ, ચામડીના રોગો, હાડકાંના રોગોને એ ગ્રહોના નડતર તરીકે વર્ણવે છે. છઠ્ઠા વિભાગમાં પણ ગ્રહોની વાત આવે છે. આ માટે હાથી-ઘોડાના વ્યાધિ કયા ગ્રહોને કારણે છે એનો ઊંડો અભ્યાસ અને પ્રયોગો કર્યા હોય એમ એનાં વર્ણનો અને દાખલા-દલીલોથી સમજાય છે. નવા જન્મેલાં વછેરાની જન્મકુંડળીઓ પણ એણે કરી છે. એના ઉપરથી વછેરો ઉંમરલાયક અને ચડવ થાય ત્યારે કયા દુષ્ટ ગ્રહોની અસર નીચે આવશે, એના પર સવારી કરનાર સૈનિકના કેવા હાલહવાલ થશે એનું બુદ્ધિગમ્ય વર્ણન આપ્યું છે. અશ્વો કે સૈનિકો યુદ્ધમાં ઘાયલ કે પાંગળા થઈ જાય છે તેને શાલિહોત્ર ગ્રહોની અસર જ માને છે.

શાલિહોત્રના સાતમા વિભાગમાં આ પ્રાણીઓનાં દર્દોના ઉપચારોનું વર્ણન છે. એમાં દૂધ, દારૃ તથા વનસ્પતિઓના ઉપચારો સૂચવ્યા છે. આઠમા છેલ્લા વિભાગમાં આ પ્રાણીઓને તંદુરસ્ત અને નિરામય રાખવા કઈ ઔષધિઓ ઉપયોગી છે એની વાત છે. એમાં રાઈ, ગૂગળ, હીરાબોળ, ત્રિફળા, લસણ અને રાળના મલમના પ્રયોગો પણ દર્શાવ્યા છે. ગૂગળ અને લસણને અશ્વની તંદુરસ્તી અને દીર્ઘાયુષના અમોઘ ઉપાય તરીકે જણાવે છે. તેની સાથે અશ્વ ઉછેર, અશ્વને રથે જોડવાની ક્રિયા, તબેલાની સ્વચ્છતાની વાતની સાથોસાથ હાથીને માદક પીણાં પિવડાવી દુશ્મનદળ પર છોડી મૂકવાની વાત પણ લખી છે. સૈનિક માટે ઘોડાનું લોહી પીવાની વાતનો પણ ઉલ્લેખ છે.

શાલિહોત્રસંહિતાનું મૂલ્ય આપણે મન ઝાઝું નથી પણ પશ્ચિમના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો એના પર વારી ગયા છે, અને દોઢ બે સૈકાથી એણે લખેલા પ્રયોગો પર સંશોધન કરે છે. મધ્યકાલીન યુગમાં યુદ્ધ ધીંગાણે અશ્વો ખપમાં લેવાતા ત્યારે આ ગ્રંથનું મૂલ્ય અનેકગણું હતું. આજે તો એ બધું ભૂલાઈ ભૂંસાઈ ગયું છે. શાલિહોત્રસંહિતાનાં કેટલાક પ્રકરણો મત્સ્ય, અગ્નિ અને ગરુડપુરાણમાં લેવાયા છે એ દર્શાવે છે કે શાલિહોત્રસંહિતા રચાયા બાદ એ લખાયાં હોવા જોઈએ. બનારસની નાગરી પ્રચારિણી સભાએ થોડાં વર્ષો પૂર્વે ‘શાલિહોત્ર સંહિતા’ પ્રગટ કરી હતી. આ સંહિતાનાં પર્શિયન, એરેબિક, તિબેટિયન અને અંગ્રેજી ભાષામાં ભાષાંતરો થયા છે એને કારણે આપણા આ ભારતીય ગ્રંથને વિશ્વવ્યાપી કીર્તિ પ્રાપ્ત થઈ છે. પ્રાણીશાસ્ત્ર ગ્રંથના વર્તમાન રચયિતાઓએ આ ગ્રંથને અત્યંત પ્રમાણભૂત માની એમાંથી ઘણી સામગ્રીનો ભરપેટ ઉપયોગ પણ કર્યો છે.

સને ૧૯૪૦ના અરસાની આ વાત છે. જામનગરના પૂર્વ રાજવી જામશ્રી દિગ્વિજયસિંહજીના અશ્વપ્રેમી બાપુ જુવાનસિંહજીના સંગ્રહમાં શાલિહોત્રસંહિતા ગ્રંથની ૧૮૭ વર્ષ જૂની હસ્તપ્રત હતી જે ગોપાલસિંહ નામના કોઈ રાજપૂત વીરે સ્વહસ્તે લખી હતી. આ ગ્રંથની હસ્તલિખિત પ્રતમાં બેત્રણ ભાષાનું મિશ્રણ હતું. એ કાળે ભૂજની વ્રજભાષાની પાઠશાળામાં કાવ્યશાસ્ત્ર ભણી આવેલા નવાનગર જામનગરના રાજકવિ નારાયણદાન ભાઈજીભાઈ બાલિયાએ ૧૦૦૦ જેટલા દૂહા, સોરઠા, કવિતો, છપ્પય અને ગીતો રચીને ‘શાલિહોત્ર શાસ્ત્ર કિંવા અશ્વપરીક્ષા’ના નામે ચારણી ભાષામાં ઉતાર્યા છે. આ કાવ્યબદ્ધ ગ્રંથમાં કાવ્યોને ઉંચા ભાવો, પદ લાલિત્ય અને માધુર્યથી વિભૂષિત કર્યા છે. સાથોસાથ સરળ ગુજરાતી સમજૂતી પણ આપી છે. આ ગ્રંથ જામનગર રાજ્ય તરફથી સને ૧૯૪૦માં પ્રગટ કરવામાં આવ્યો હતો. સને ૧૯૪૨માં તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. અશ્વો અંગે સાંગોપાંગ માહિતી આપતો ગુજરાતી ભાષાનો આ એક ઉત્તમ અને સર્વાંગ સંપૂર્ણ ગ્રંથ છે. આજે એનું પુનઃમુદ્રણ થાય તો અશ્વરસિયાઓને ગોળના ગાડાં મળ્યા જેટલો આનંદ થાય. આ ગ્રંથની વધુ રસપ્રદ વાતો ફરી ક્યારેક કરશું.

ચિત્ર ખોડીદાસ પરમાર
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!