સાંજના ઓળા રાતના ખેતરના શેઢે આવીને ઊભા હતા. ખોટી થતા સૂરજને સાંજ જાણે કહેતી કે ‘મારો સમય થઇ ગયો છે. માટે દાદા! હવે તમારે ઘેર પધારી જાવ તો સારું. જુઓ સંધ્યા આવે ટાણે ઊગીને ઊતરવાની રાહમાં છે… સ્વામિનારાયણના સંતો સંધ્યાપૂજા માટે ખંખોિળયું ખાવા નદીના પટમાં પદ્માસન વાળીને આંખો બંધ કરતા હતા કે કાંઠે ‘વછેરી’ ઘોડીના ડાબલા અને ઉપરાઉપરી હીંકો સંભળાણી.
સંતો પદ્માસન ખોલીને ઊભા થયા. નદીના ઢોળાવ ઉપરથી ઠેકડા મારતી ‘ચડાઉ’ વછેરી સાધુના ભગવા જોઇને ઝાડ થઇ, પણ ઉપરનો અસવાર ઘોડાનો ‘ચાબુક’ હોય એવો પાવરધો હતો. વછેરીની ડોક થપથપાવીને સથરી પાડી અને સાધુના ભગવાને કુતૂહલથી જોઇ રહ્યો. નહીં દાઢી, નહીં જટા, નહીં ચીપિયા, ભભૂતિ કે તંબૂડા…!’ સાધુઓને લાગ્યું કે યુવાન કંઇક પૂછવા માટે આવ્યો છે પણ શરમમાં પૂછતો નથી. સાધુ યુવાનની નજીક આવ્યા અને ભાવભરી આંખે જુવાનને પૂછ્યું
‘અત્યારે કાંઇ કામ છે યુવાન?’
‘કામ તો તમારી સાથે શું હોય? પણ તમે કેવા સાધુ છો?’
‘કેવા એટલે શું ભાઇ?’
‘આ ભગવા… અને ટીલાં-ટપકાં…’
‘અમે સ્વામિનારાયણ સંતો છીએ યુવાન! સાંજની પૂજાસંધ્યા કરવા અહીં સ્નાન કર્યું. હવે પૂજા કરશું.’
‘કોની?’
‘ભગવાન સ્વામિનારાયણની’ અને યુવાન હજી વધુ પૂછે એ પહેલાં જ ચોખવટ કરી.
‘સહજાનંદે સ્થાપેલા સ્વામિનારાયણ ધર્મના અમે સાધુ છીએ. તમે?’
‘મારું નામ મુંજો. જ્ઞાતિએ ચારણ છું. મારી અટક સુરૂ એટલે સૌ મુંજા સરૂના નામે સંબોધે છે.’
‘પણ સ્વામિનારાયણનું નામ મેં તો આજે જ સાંભળ્યું. સંતો જરાક વિગતે વાત કરો તો ખબર પડે.’
સ્વામી ગુણાતિતાનંદજી મોહક મીઠું હસ્યા અને ઉમેર્યું, ‘અમે ગોંડલ જઇ રહ્યા છીએ. ગોંડલના રાજાનું નિમંત્રણ છે.’ ગુણાતિતાનંદનું નામ તો સાંભળ્યું છે. આજ દર્શન થયાં.’ ‘તો થોડીવાર બેસો. અમારા સાધુના બે સારાં વેણ સાંભળશો તો જીવનમાં શાંતિ થાશે.’ ‘મુંજો જમીન પર રેતીમાં બેસી ગયો.’ મા’રાજ કરો કાન પવિતર.’ ‘શાસ્ત્રો એમ કહે છે: ચોર્યાસી લાખ અવતાર પછી એક અવતાર મનુષ્યનો મળે છે. મર્યા પછી બધું ભોગવવું પડે… માણસે માણસનો અવતાર માગીને વચન આપેલું ભગવાનને કે હું તમારું ભજન અને ભક્તિ કરીશ. કાંઇ ખોટું કામ નહીં કરું. માટે એક વખત મને મનુષ્ય બનાવો.’
‘ઓ હો હો મા’રાજ! આ તો બૌ મોટી વાત. ચોરાસી લાખ અવતાર લેતા લાખો વર્ષ નીકળી જાય! પછી માણસનો અવતાર મળે. અરેરે મેં તો આ અવતાર પામીને અઘોર પાપ કર્યું છે. મારું શું થાશે, બાપ?’ મુંજા સરૂએ ઘરે આવીને સૌને વાત કરી કે આજ તો એવા સાધુ મળી ગયા કે ન પૂછો વાત. ‘સાધુ મળ્યા એમાં આટલો બધો હરખ?’ ‘સાતવાર… હરખ…! સાંભળો : સાધુએ અમને કીધું કે તમે ભગવાનનો પૂજાપાઠ, ભજો છો!’ અમે ના કહી પછી કહ્યું. ‘મા’રાજ નહાવા ધોવાનાં ઠેકાણાં નહીં અને ભગવાનની પૂજા કેમ થાય? વળી રાત દી’ વગડામાં પડ્યું રહેવાનું. નહીં મંદિર નહીં મૂર્તિ… માળા…’ ‘પછી’ ‘પછી શું એમણે મોકળાશ કરી આપી. પ્રેમથી કહે:’ સગવડે નવાય ધોવાય અને વગડામાં પણ પ્રભુની ભક્તિ થઇ શકે. ગમે ત્યાં, હાલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં તમે ભગવાનનું નામ લીધા કરો. એ પણ ભક્તિ ગણાય અને ભગવાન રાજી થાય. હવે જા, બાપુને સમાચાર દઇ આવ કે સંતો આવે છે…’
મુંજાએ સમાચાર દીધા. ગોંડલ બાપુ સાથે ગામલોક પણ આવ્યું. સંત મંડળી આવી પહોંચી. સૌએ સ્વાગત કર્યું. સંત મંડળ બાપુની ડેલીએ ગયું. અલગ ઉતારો અપાવ્યો. બાપુનો ભાવ જોઇને સંતો ત્રણ-ચાર દિવસ રોકાઇ ગયા. કથા વાર્તાઓ, ભજન સ્મરણ થયાં. મુંજા સરૂ ભક્તિ રંગમાં રસબોળ થયા. નાહી ધોઇને દોડતો આવ્યો :
‘લો, મા’રાજ હવે તો કંઠી બાંધશો ને? હું’ ‘પણ દોડ્યો કેમ…? પવિત્રતા ઉપર પડછાયો પડે તો? માટે’ હસીને સંતોએ કંઠી બાંધી. પાંચ નિયમ લેવડાવ્યા. વટલાવું નહીં. વટલાવવું નહીં. પ્રભુની ભક્તિ કરવી, દૂધ-પાણી પણ ગાળીને પીવાં અને કોઇ ધર્મની નિંદા કરવી નહીં. સૌને આદર આપવો.’ ‘ઇ તો સંતો! હું જીવના ભોગે પણ પાળીશ. બાકી મારાં કૂડા કર્મ કેમ જાશે?’ ‘દિલથી પસ્તાવો કરવો. આંસુ વહે કે પાપ ગયાં…’ અને પછી તો મુંજો માળા ફેરવતો ફેરવતો ભાવવિભોર થઇ જતો. આંખ વરસાવતો… ઇશ્વરને પોકાર કરતો ક્યારેક નાચે, ક્યારેક સાદ પાડે… ગામ-પરગામના લોકો ભારે ખુશ થયા. ‘અહો! આનું નામ સાધુ… માણસનો મનખો સુધારે એને જ સાધુ કહેવાતા હશેને?’
તોરણ – નાનાભાઈ જેબલિયા