રૂપિયાની રેલ

” પીઠા ખુમાણ ! આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય…”
” તમે તો બાપુ…કોપ કરવા માંડ્યા છો…”

ડેડાણ ગામની લાંબી – ચોડી બજારમાં, ઢોલ – ત્રાંસાં અને શરણાઈઓ ગહેકે છે. ઢોલીડા ઢોલ રમે છે અને પાછળના ભાગમાં વરઘોડો ચાલ્યો આવે છે. સો સો ઘોડાં હમચી ખૂંદે છે. પઢાવેલાં ઘોડાં બે પગે ” જાડ” થઈને બજારની દીવાલો ઉપર ડાબા માંડે છે અને આખું ડેડાણ ગામ જોવા ટોળે વળ્યું છે.

કુંડલા પરગણાના શેલણા ગામના ગામધણી, પીઠા ખુમાણના દીકરાની જાન ડેડાણ ગામે પરણવા આવી છે. જેની ઉદારતાએ ઘણીવાર આડો આંક વાળી દીધો છે એવા પીઠા ખુમાણ, દીકરાના લગનની ખુશાલીમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા ભરી ભરીને બજારમાં ઉછાળે છે અને રૂપિયા હાથ કરવા માટે માણસનાં ટોળાં દોડે છે, પડે છે અને ધૂળ ખંખેરતાં વળી ઊભાં થાય છે. આ બધો તમાશો જોઈને શેલણાના ધણીને વધુ ને વધુ તાન ચડે છે અને રૂપિયાના ખોબા ફગાવે છે.

જાનના અને ડેડાણ ગામના વહેવાર – ડાહ્યા માણસો, આડા હાથ દે છે કે, ” પીઠા બાપુ ! તમે કાંક વિચાર તો કરો? રૂપિયા કાંઈ આમ ફોગટમાં વાપરી નંખાય ? રૂપિયાનાં ક્યાંક સારાં દાન થાય…!”

” હા હા, પીઠા ખુમાણ ! રૂપિયા કાંક રીતે વપરાય ! ”
હસીને ગામધણી કહે છે : ” સારાં દાન વળી કેવાં હોય, ભાઈ ? ”
” અરે, દાન કરવાનાં તો હજારો ઠેકાણાં છે, બાપ ! આ તો બધું અલેખે જાય છે. તમારા રૂપિયા વીણનારાં અને ખિસ્સાં ભરનારાં કાંઈ સુપાત્ર થોડાં છે ? કાવડિયાં લઈ જઈને મોજમજા કરવાનાં.”

” નવ હાથની આંટાળી પાધડીવાળું મહોરું ખડખડાટ હસી પડ્યું : ” તે આ અવસર પણ મોજમજાનો જ છે, ભાઈ !”
” ભલે… પણ લેનારાં સુપાત્ર હોવાં જોઈએ ને ?”
” તમે ભાઈ, મે ‘ ને વરસતાં જોયો છે કે નૈ ? ” પીઠા ખુમાણ પૂછે છે.

” હા બાપુ ! મે ‘ ને વરસતાં તો જોયો હોય ને ?”
” બસ તંઈ… ઈ કોઈ દી આપણી જેવી ગણતરી કરે છે ? આ ખેતર, આ સીમ, આ વાડી, સુપાતરની છે કે કુપાતરની ? મારે તો દીકરાનાં લગન છે. માટે મે ‘ ની જેમ વરસવું છે. નાણું કાલે મળશે, પણ ટાણું ? ટાણું તો ભગવાન એકાદવાર જ આપે છે. ” જાણો છો ને ? ”

” હા, બાપુ ! શેલણાનો ગરાસ ઘણો મોટો.”

” અને આ ટાણું, મારા એકના એક દીકરાના લગનનું છે. ઈ પણ જાણો છો ના ? ”

” હા બાપુ ! જાનમાં આવ્યા છંઈ. કેમ ન જાણીએ ?”

” મારો બાપલિયો ! ” પીઠા ખુમાણે ચાતુરીભરી પ્રશ્નોતરી આગળ વધારી : ” અને ભાણભાઈની આ જાન, ડેડાણે કેટલા દિ ‘ એ પોગી ? ”

” આઠ દિ’ થયા… આપણે શેલણાથી જાન જોડી એને.”

” હં … જાનને આઠ આઠ દિવસનો વિલંબ કેમ થયો ? ”

” વિલંબ તો થાય ને બાપુ ! જાન ગામેગામ રોકાતી આવે, દાયરા થાય. કાવા – કસુંબા નીકળે, છાશું પિવાય, વાળુ થાય. સગાં – કુટુંબીઓ અને ગરાસદારો, ભાઈ – દીકરાના આકરા સમ દઈને જાનને રોકે.”

” આ રોકાણ અને મહેમાનગતિ કઈ રીતે બને, ભાઈ ? ”

” ઈ તો બાપુ ! આપની રખાવટ અને અમીરાતને કારણે.”

” તો પછી ભાઈ, મારી ઈ અમીરાત આજ ન દેખાડું તો ક્યારે દેખાડું ? અને મારે ક્યાં ઝાઝા દીકરા છે ? ભાણ ભાઈ સાતખોટનો એક જ દીકરો. દીકરાનાં લગન… લગનનો વરઘોડો અને દંતા કોટીલાની ઈતિહાસ પ્રસિધ્ધ આ ડેડાણ… ડેડાણને યાદ રહેવું જોઈએ કે જાન આવી ‘ તી શેલણાની. હવે વાત રહી રાણી સિક્કાના રૂપિયાની. જુઓ ભાઈ, આ રૂપિયા જેના જેના હાથમાં જાય છે ઈ કેવા રાજી થાય છે ? આમાં તો બાપા, અઢારેય વરણનો રાજીપો છે. જો આપણે દાનની વાત કરશું તો અન્ય વરણ આ રૂપિયા લેશે ? ”

સમજાવા જનારને સમજાઈ ગયું : ” વાત તો તમારી સાવ સાચી, બાપુ ! ”

” હાઉં તઈં… જોવો અને રાજી થાવ…” કહીને પીઠા બાપુએ પોતાના ખેડૂત વસ્તા ઉકાણીને આજ્ઞા આપી :” ઉકા પટલ ! ખોબા ભરીને ઉછાળ્ય તું તારે… જોજે હાથ પાછો ન ચોરીશ. ”

શેલણા ગામના ગામધણીના ભેરૂબંધ એવા વસ્તા ઉકાણીએ વળી પાછા રૂપિયાના ખોબા ઉછાળવા ચાલુ કર્યા.

અને વરઘોડો માંડવે પહોંચે ત્યાં સુધીમાં રાણી સિક્કાના રૂપિયા પાંચેક હજાર ઉછાળાઈ ગયા !

અને આ વાતની જાણકારોને મન બહુ નવાઈ નહોતી. ભાણ ખુમાણની જાનમાં શેલણા ગામ આખું જાનૈયું હતું. જાન જૂતી ત્યારે ચાર – પાંચ દૂઝણી ભેંસો પણ સાથે લીધેલી. રસ્તામાં બાળબચ્ચાં ભૂખ્યાં થાય તો તાજું દૂધ પાવા થાય. પટારો ભરીને લાડવા સાથે લીધેલાં. રસ્તામાં સૌને ” ટીમણ ” કરવા થાય. થોડાક ગાઉના અંતરે હડદો લાગવાથી પટારો ભાંગ્યો અને લાડવા વેરાવા લાગ્યા. પીઠા બાપુને કોઈ કે વળી સલાહ આપી : ” બાપુ, લાડવાનો બગાડો થાય છે. ”

” બગાડો શાનો બાપા ! સીમનાં જાનવરને ગળામણ મળશે. કીડી – મકોડા ખાશે અને વાટમારગુને ભાતું મળશે – જીવને મોઢે જે વસ્તુ પોગે, એને બગાડો ન કહેવાય. ઢોળાવા દ્યો. ”

શેલણાની જાડેરી જાનને ડેડાણે સાચવી જાણી. પણ મધરાતે હિસાબ માંડતા રૂપિયા તૂટ્યા. એ સમયે જાનવાળા વેવાઈને ગામે, પાદર જઈને ” દાત ” દેતા. ( દાત – દાન ) સવારે ડેડાણ ગામને પાદર જઈને દાત દેવાની હતી પણ રૂપિયા ન મળે !

” બાપુનો આ પટેલ દાતમાં દેવા જેવો છે. ” શેલણાના કણબી વસ્તા ઉકાણી તરફ કોઈક મહર બોલ્યું.

” હા, પટેલ ઘણો જાડો છે. દાતમાં પૂરો પડી રહેશે. ”

” દાતમાં પૂરો પડીને વેંત એક વધીશ. ” વસ્તા ઉકાણીએ માથા પર પાઘડી બાંધી : ” મારી સાથે બે ઊંટ મોકલો. ખાનગી ખૂણેથી મરમભર્યો પ્રશ્ન પૂછાયો : ” ઊંટ લઈને ક્યાં જાશે પટેલ ? ”

” રાજુલે જાશે ! ” ધીમું હાસ્ય ઊઠ્યું : ” રાજુલે જઈને પાણા ભરી લાવશે. ”

વસ્તા ઉકાણીએ રૂપિયા ભરવા માટે બે ઊંટ લીધા. રાતોરાત ગઢડા મંદિરમાંથી, વહેવારે વીસ હજાર રાણી સિક્કા લીધા અને સવારે ડેડાણ આવી ગયા.

અને સવારના પહોરમાં, ડેડાણ ગામને પાદરે સાધુ, બ્રાહ્મણ અને અતીત – ફકીરની લાંબી કતારો લાગી.

પીઠા ખુમાણ ” દાત ” દેવા પાદરે આવ્યા, ત્યારે વસ્તા પટેલે કીધું : ” બાપુ ! ખોબા મોઢે દેજ્યો . ”

પીઠા ખુમાણે સૂચક નજરે વસ્તા પટેલના ચહેરામાં જોયું ત્યારે પટેલે કહ્યું : ” વીસ હજાર લાવ્યો છું, બાપુ ! ” પરતાપ છે શેલણાના ગરાસનો. ”

અને ડેડાણમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા દાનમાં દેવાયા ત્યારે ટોળે વળેલ સમાજ આખો, મોંમાં આંગળીઓ નાખી ગયો કે જેવો ગામનો ધણી ઉદાર છે એવો જ એનો ખેડૂત વટદાર છે.

નોંધ : ” દાત ” શબ્દ હિન્દુસ્તાની ભાષાનો છે એનો અર્થ દાન એવો થાય છે. કાઠી જ્ઞાતિમાં હજી હમણાં સુધી ” દાત ” દેવાનો આ રિવાજ હતો.

સંદર્ભ:- “ઇતિહાસનું ઉજળું પાનું” પુસ્તક
લેખક – નાનાભાઈ જેબલિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!