રોડા મંદિર સમૂહ સંકુલ (રોડાના મંદિરો)

ઉત્તર ગુજરાતમાં આવાં સ્મારક સંકુલો ઘણાં આવેલાં છે. ઘણાં વિષે આપણે જાણીએ છીએ તો ઘણાં વિષે આપણે નથી જાણતા હોતાં કે નથી આપણે જોયાં પણ હોતાં. ક્યારેક કયારેક એવું પણ બનતું હોય છે કે એ નામનું પાટિયું જોઈએ છે કે આ અહીંથી માત્ર આટલું જ દૂર છે, પણ તેને વિષે આપણને પુરતી જાણકારી પ્રાપ્ત નાં હોવાને કારણે આપણે ત્યાં જવાનું ટાળીએ છીએ કે હશે ભાઈ એવાં કોઈ મંદિરો તો બધે બહુ જ છે એમાં શું જોવાનું કે જવાનું ? આપણે જ્યાં જવાં નીકળ્યાં છીએ ત્યાં જ પહોંચો ને એટલે ત્યાં જે જોવાનું છે તે તો જોવાય અને તે પણ સમય લઈને !!!આવાં જ કારણોસર આવી જગ્યા છૂટી જતી હોય છે પણ જેમ જેમ આપણે વધુ ફરતાં થઈએ છીએ અને આવાં સ્થાનો વિષે જેમ બને એમ વધુ જાણતાં થઈએ છીએ ત્યારે આવાં સ્થાનોએ જવાની આપણી ઇન્તેજારી વધતી જાય છે. જીવ્યાં કરતાં જોયું ભલું આ સિદ્ધાંત જો અમલમાં મુકી શકાય તો જયારે પણ જઈએ ત્યારે આવા સ્થાનો આપણાથી છૂટી નહીં જ શકે અને કૈંક નવું જોયાનો કૈંક નવું જાણ્યાનો આનંદ જરૂર મળશે આપણને !!!

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં ઠેરઠેર આવા ઐતિહાસિક સ્મારકો અને મંદિર સંકુલો ઠેર ઠેર ઠેકાણે આવેલાં જ છે. એમાંનું એક છે વિજયનગર પોળો ફોરેસ્ટ અને બીજું છે ખેડ રોડા સ્મારક સમૂહ સંકુલ. આનાં અલપઝલપ ફોટાઓ મેં મારા સાબરકાંઠાનાં મિત્રો દ્વારા ફોટાઓ રૂપે કે ટૂંકી માહિતી રૂપે જોયાં હતાં પણ ત્યારે એટલો રસ નહોતો પડયો જેટલો અત્યારે પડયો છે એટલો !!! સમજણ વધે એમ કુતુહલતા વધે અને કુતુહલતા વધે એમ રસ પણ વધે જ વધે !!! જરૂરત છે રસને મેઈનટેઈન કરવાની અને એમાં આપણે ઉણા ના જ ઉતરવું જોઈએ !!! આ રસ સાથે એની જાણકારી અને સમજ હોવી એ પણ અત્યંત જરૂરી છે તો જ આવી જગ્યાઓએ જઈ શકાય – જોઈ શકાય -જાણી શકાય અને માણી શકાય. નહીં તો ખાલી ડેલીએ હાથ દઈને પાછાં આવ્યાં એવી જ પરિસ્થિતિ સર્જાય !!!

આ ખેડ રોડા સ્મારક સમૂહ સંકુલ એ સીઝનલ ઝરણા કે જે પાછળથી હાથમતી નદીને જઈને મળે છે ત્યાં સ્થિત છે. આ ઝરણાનું મહત્વ આ મંદિરો બંધાયા ત્યારે વધારે હતું પણ તોય આજે આ સ્થાન એટલું જ રમણીય અને સુંદર છે. આ સમૂહ સંકુલ એ હિંમતનગરથી માત્ર ૧૮ કિલોમીટર જ દુર આવેલું છે !!! ખેડ ચંદેરી એ ખુબજ નજીકનું ગામ છે !!!

રોડા શબ્દ આપણી માતૃભાષામાં ઇંટોણનાં નાનાં નાનાં ટુકડાઓ અને કચરામાટી માટે પાયો નાંખવામાં કે અમુક બાંધકામમાં વપરાય છે એજ સંદર્ભે અહી પણ વપરાયો છે. આ એક ઇંટોના ટુકડાઓ અને ઇંટોનો ઉપયોગ એટલેકે રોડાઓનો ઉપયોગ ૨૦મી સદીની શરૂઆતમાં થયો હતો. એનું જીવતું જાગતું અને પુરાણું દ્રષ્ટાંત આ મંદિર સમૂહ સંકુલ છે !!! આ જગ્યાની શોધ ઈસ્વીસન ૧૯૨૬માં એક આર્કિયોલોજીસ્ટ પી એ ઈનામદારે કરી હતી
પછી અનો ઊંડો અને વિગતે અભ્યાસ ઇસવીસન ૧૯૬૦માં એમ એ ઢાકે કર્યો. એમણે એ બતાવ્યું કે —– આ મંદિરો એ મારુ ગુર્જર સ્થાપત્યકળાનાં પિતામહ છે !!!

આ મંદિરો આમતો ૬ મંદિરોનો સમૂહ છે પણ એનો ફોટોગ્રાફિક રેકોર્ડ એવું સૂચિત કરે છે કે આ સાત મંદિરોનો સમૂહ છે. આ મંદિરો વિષે થોડું વિગતે જાણીએ એ પહેલાં એ કોણે બંધાવ્યા હતાં અને કેટલા પુરાણા છે તે પણ જોઈ જ લઈએ

કોણે બંધાવ્યાં હતાં આ મંદિરો ?

આ મંદિરો એ ઇસવીસનની સાતમી આઠમી સદી દરમિયાન ગુર્જર – પ્રતિહાર કે રાષ્ટ્રકૂટ સમયગાળા દરમિયાન બનેલાં છે. જોકે કે એ કયા રાજવંશના સમયમાં બનેલાં છે એ ચોક્કસપણે કહી શકાતું નથી. આ મંદિરો ૩ વર્ષના સંઘર્ષકાળ પછી બન્યાં હોય એવું લાગે છે. જો આપણે એને રાષ્ટ્રકૂટ સમયગાળા દરમિયાન તે બનેલાં છે એવું માનીને ચાલીએ તો આ મંદિરોમાં રાષ્ટ્ર્કૂટ સ્થાપત્ય કળાની છાંટ જણાયા વગર રહેતી નથી જોકે એમણે નથી જ બંધાવ્યા એવી જો કોઈ દલીલ કરે તો એ વ્યાજબી પણ નથી જ !!!
કારણકે આ સમય દરમિયાન મધ્ય ગુજરાતમાં આ જ નિર્માણ શૈલી પ્રચલિત હતી અને એની અઈકોનોગ્રાફી પણ એજ દર્શાવે છે કે એ રાષ્ટ્રકૂટ રાજવીઓએ બંધાવ્યા હોય !!! જ્યારે કેટલાંક તેને ગુર્જર-પ્રતિહારની અદભૂત સ્થાપત્ય શૈલી માને છે !!! આ મંદિર સમૂહ સંકુલમાં એક મોટો કુંડ અને અને વાવ પણ સ્થિત છે કારણકે એજ તો ગુજરાતની આગવી વિશેષતા છે !!!

ખેડ રોડા સમૂહ સંકુલનાં મંદિરો ———-

કુલ ૭ મંદિરો હતાં જેમાંના ૬ આજે હયાત છે જયારે એકનો માત્ર પાયો જ બચ્યો છે એટલે કે એ માત્ર જગ્યા જ છે …… મંદિર નહીં. એ માત અવશેષ જ છે. આ મંદિરોને એનાં બનાવ્યાંનાં ક્રમ મુજબ જ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે એને એજ રીતે નંબર આપવામાં આવ્યાં છે !!! એમાંનાં પહેલાં ૨ મંદિરો તો ૧-૨ કિલોમીટર રોડ પર જ છે આ બે મંદિરો છે

મંદિર- ૧ = શિવ મંદિર
અને
મંદિર -૨ = પક્ષી મંદિર

મંદિર -૧ = શિવ મંદિર ———-

પહેલું મંદિર છે જે શિવમંદિર છે. તેને નિરંધર મંદિર કે જેને એનાં બાંધકામ અનુસાર દ્વિ -અંગ મંદિર પણ કહેવાય છે. એ એની પ્લીન્થ (જગતિ)થી પૂર્વ દિશાએ સ્થિત છે. એનું મુખ પૂર્વ દિશા તરફનું છે એટલે એમાં વાસ્તુશાસ્ત્રનો નિયમ પણ સંમિલિત છે કે દરવાજો એટલે કે પ્રવેશદ્વાર પૂર્વ તરફનું જ હોય !!! એની દરવાજા પાસેનો મંડપ એ પ્રાગ -ગ્રીવા શૈલીનો છે. જે ચાર સ્તંભોનો બનેલો છે !!! અને આ મંડપ અંદરથી ચોરસ છે.

આની જાગતિ એ ભીંત અને પાત્તિકા સાથે સંલગ્ન છે. બહારની દીવાલો એ શિલ્પ કલાકૃતિઓથી શણગારાયેલી છે – સુશોભિત કરાયેલી છે એટલે જ આ મંદિર સુંદર અને જોવાલાયક બન્યું છે !!! આનો મંડપ એ ફણસણ પ્રકારની છત દ્વારા સુરક્ષિત કરાયેલો છે અને લેટીના પ્રકારનું મંદિરનું શિખર અને જાડી જાળ પ્રકાર કાર્વિંગથી સજાવાયેલી છે એની છત એ અભુ મોટી અમાલક પ્રકારની છે..

Roda_Temples-8

શિવ મંદિર (ક્રમાંક ૧) અને પક્ષી મંદિર (ક્રમાંક ૨) Photo by Vijay Barot

મંદિર -૨ = પક્ષી મંદિર ——

આ બીજું મંદિર એ પક્ષી મંદિર છે. એનું શિખર પણ ફણસણ પ્રકારનું જ છે પણ એ સામાન્ય રીતે જેને આપણે લેટીના પ્રકારનું શિખર કહીએ છીએ એવું એનું શિખર નથી. આ મંદિરને પક્ષી મંદિર એટલાં માટે કહેવામાં આવે છે કે એમાં કોઈ પક્ષીની મૂર્તિ નથી પણ આજુબાજુની બધીજ દીવાલો પર પક્ષીઓ જ પક્ષીઓની શિલ્પાકૃતિ કંડારાયેલી છે. આ પક્ષી મંદિર એ આ ૬ હયાત મંદિરોમાનું સૌથી નાનું મંદિર છે !!!

800px-Roda_Temples-3

પક્ષી મંદિર (ક્રમાંક ૨) નુ મુખ્ય દ્વાર અને પક્ષી ચિત્ર Photo by Vijay Barot

ત્યાંથી લગભગ અડધો એક કિલોમીટર દુર ઝરણા તરફ જઈએ તો ૨ મંદિરો જળવાયેલાં અને ૧ બિલકુલ નષ્ટ અવસ્થામાં એટલેકે એની માત્ર જગ્યા જ બચી છે તે દ્રષ્ટિગોચર થાય છે !!! આની જ આજુબાજુ એટલે કે રસ્તામાં કુંડ અને એક વાવ પણ આવે છે. આ મંદિરોને મંદિર -૩,૪ અને ૫ કહેવાય છે.

મંદિર -૩ એ ભગવાન શિવજીનું મંદિર છે
મંદિર -૪ એ ભગવાન વિષ્ણુ નું મંદિર છે
અને મંદિર-૫ તો ઓળખાય એવું રહ્યું જ નથી કે એ કયા ભગવાનનું મંદિર હશે તે જ !!!

આ મંદિરોની સામે જ એક મોટો કુંડ આવેલો છે જે તમને મોઢેરાનાં સૂર્યકુંડની યાદ અવશ્ય અપાવે છે !!!આ કુંડ ચતુષ્કોણીય છે અનેના ચારેય ખૂણે મંદિરો સ્થિત છે નાની નાની દેરીઓ જેવાં જ સ્તો !!! આ કુંડને લડુશાહ કુંડ એવું નામ આપવામાં આવેલું છે. આ કુંડ કદાચ એક સમયે બીજા મંદિર સમૂહનો જ એક ભાગ હશે એવું લાગ્યાં વગર રહેતું નથી. કદાચ એક સમયે ત્યાં સૂર્ય ભગવાન પણ બિરાજમાન હશે અને એની બીજી બાજુએ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન થયાં હશે એવું લાગે છે કારણકે અહીંથી એક સૂર્ય ભગવાનની મૂર્તિ વડોદરાના મ્યુઝીયમમાં લઇ જવામાં આવી છે અને ત્યાં એને સાચવવામાં આવી છે !!! અહીં રસ્તામાં જે એક વાવ આવે છે એનું નામ નાગરાની વાવ છે અને ખેડ ચંદેરી ગામના મુખ્ય દરવાજા પાસે જ છે !!!

મંદિર-૩ = શિવ મંદિર

આ મંદિર આજે પણ ચાલુ અવસ્થામાં છે કહેવાનું તાત્પર્ય એ કે આજે પણ અહી પૂજા અર્ચના થાય છે અને અહીં ઘણી મોટી સંખ્યામાં ભક્તજનોની આવનજાવન ચાલુ જ હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રીએ અહી બધાં બહુજ લોકો આવે છે. મોટો મેળો ભરાય છે અહીં !!! આ મંદિર એ મંદિર-૧ જેવું જ છે માત્ર એની ત્રિ-અંગ શૈલીને કારણે જ એ મંદિર-૧થી અલગ તરી આવે છે

1024px-Roda_Temples-13

મંદિર (ક્રમાંક ૩) અને (ક્રમાંક ૫) Photo by Vijay Barot

મંદિર -૪ ———

આ મંદિર એ મંદિર-૩ અને મંદિર-૫ની વચ્ચે આવેલું છે. આ એ બે મંદિરો કરતાં પ્રમાણમાં ઘણું જ નાનું છે. એનો માત્ર પાયો જ બચ્યો છે એટલે એ કહી શકાતું નથી કે આ કોનું મંદિર હશે તે !!!

મંદિર -૫ = વિષ્ણુ મંદિર——–

આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે. એના ગર્ભગૃહની દિવાલ પર ભગવાન નરસિંહનાં શિલ્પો છે. જે આખા ગુજરાતમાં ભાગ્યેજ કોઈ જગ્યાએ જોવાં મળે છે એવાં !!!ભગવાન વિષ્ણુનાં ત્રિવિક્રમ અને વરાહ અવતારનાં પણ શિલ્પો અહીં જોવાં મળે છે !!!

1024px-Roda_Temples-17

દિર (ક્રમાંક ૩) અને (ક્રમાંક ૫) અને લાડુશાહ કુંડ Photo by Vijay Barot

લડુશાહ કુંડ ——-

મંદિર -૩,૪ અને ૫ એ આ કુંડની આજુબાજુ એટલેકે નજીક જ સ્થિત છે !!! પણ એના ઉતરીય ભાગેથી ખંડિત થયેલો છે !!! એના ચાર ખુણામાં ચાર મંદિરો પણ બનાવેલાં છે. ભગવાન વિષ્ણુ, દેવી, ભગવાન ગણેશજી અને દેવી !!! સપ્ત મૈત્રકનાં શિલ્પો પણ આ ગણેશ મંદિરની પૂર્વ-પશ્ચિમ દિશાએ સ્થિત છે !!!

મંદિર -૬ = નવગ્રહ મંદિર ——

આ નવગ્રહ મંદિર એ મંદિર ૩,૪ અને ૫ ની વિરુદ્ધ દિશામાં સ્થિત છે એણે નવગ્રહ મંદિર કહેવાય છે. કારણકે આ મંદીરમાં ૯ ગ્રહોનાં શિલ્પો છે મંડપમાં બહુજ સુંદર અપ્સરાઓની શિલ્પાકૃતિઓ છે !!! એના દરવાજા પર પણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેનાં શિલ્પોથી શણગારાયેલાં છે. આ મંદિરની આજુબાજુમાં અસંખ્ય અવશેષો છે શિલ્પોનાં !!! આનાં સ્તંભોની એક ખાસ વિશેષતા એ છે કે તે અડધાં માટીમાં દટાયેલાં છે અને અડધાં બહાર છે. એની પર સુંદર રીતે સૂર્ય, ચંદ્ર , યુદ્ધ કરતાં સૈનિકો અને શિવલિંગની પૂજા કરતો ભકત એ મુખ્ય છે !!!

1024px-Roda_Temples-18

નવ ગ્રહ મંદિર (ક્રમાંક ૬) Photo by Vijay Barot

મંદિર -૭ = શિવ મંદિર ———

આ આખાં મંદિર સંકૂલનું સૌથી મોટામાં મોટું મંદિર છે. એ ભગવાન શિવજીને સમર્પિત મંદિર છે !!! એમાં જવાં માટે ઝરણાં કે પ્રવાહમાં થઈને જ પગથિયાં ચડીને એક પથ્થર પર સ્થિત છે ત્યાં જવું પડે છે. જ્યાં આપણે માં ચામુંડાના શિલ્પો દિવાલની જમણી બાજુએ જોઈ શકીએ છીએ !!! સાત દરવાજાવાળા આ મંદિરમાં ભાગ્યેજ જોવાં મળતી ભગવાન લકુલીશ અને લલત બિંબની શિલ્પકૃતિઓ છે. જેના થાંભલાઓ પર કોઈપણ જાતનું શિલ્પાંકન થયેલું જ નથી !!! એનાં સીધાંસાદા દરવાજાઓ પર વિસ્તૃત કોતરણીઓ જોવાં મળતી નથી. આ મંદિરમાં ગર્ભગૃહ પણ છે !!!પણ એ ગુજરાતમાં આવેલાં ૨૦૦૧નાં ભૂકંપમાં ખંડિત થઇ ગયું હતું.

1024px-Roda_Temples-21

શિવ મંદિર (ક્રમાંક ૭) Photo by Vijay Barot

આ મંદિરોને આનર્ત સ્કૂલ ઓફ મહા ગુર્જર શૈલીમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. આ મંદિર સમૂહ સંકૂલ એ આ પ્રકારનું એટલે કે આ શૈલીનું સૌથી મોટું મંદિર સંકૂલ છે

આ મંદિરો આમ તો સાચેસાચ કહીએ તો કોઈ ચોક્કસ સાલવારી દર્શાવતાં નથી પણ એની પ્રાપ્ત માહિતી પ્રમાણે એ ૮મી -૯મી સદીમાં બનેલાં છે
એટલે કે મૈત્રક કાળ પછીનાં સમયમાં. આ મંદિરની શૈલી એ સમયને મળતી -ઝૂલતી આવે છે માટે અને આ સમયમાં બીજે પણ આવાં જ મંદિરો બન્યાં હતાં એટલાં માટે પણ ગુર્જર-પ્રતિહાર અને રાષ્ટ્રકૂટોનાં સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં એ સંઘર્ષોનો સમય હતો. તે તેના સંયોગિક પુરાવાને કારણે ૧૦મીથી- ૧૧મી સદીનો સમયગાળો પુરવાર કરે છે. અહીંથી એક શિવ-પાર્વતીનું શિલ્પ મળ્યું હતું જે વડોદરા મ્યુઝીયમમાં છે તેની સાલવારી ઇસવીસન ૧૦૪૮ દર્શાવે છે. એટલે એવું પણ ફલિત થાય છે કે આખું નિર્માણ એ બે સદી પછી પણ થયું હોય !!! એની નજીક નાગરાની વાવ છે તે ઇસવીસન ૧૪૧૮માં બંધાવાઈ હતી !!! આખું સંકુલ એ અર્કીયોલોજીકલ ડીપાર્ટમેન્ટ અને વડોદરા મ્યુઝીયમ દ્વારા સંચાલિત અને આરક્ષિત છે !!!

ઇતિહાસના રસિકજનોને તો આ સ્થાનમાં રસ પડશે જ પડશે બાકી જેઓ ફરવાના શોખીન છે તેમણે માટે પણ આ સ્થાન કંઇ કમ નથી જ નથી. ક્યારેક વિજયનગર પોળો ફોરેસ્ટ તો ક્યારેક સુપ્રસિદ્ધ મોઢેરા તો ક્યારેક વળી દક્ષિણ ભારતના ભુવનેશ્વરના લિંગરાજ મંદિરને યાદ અપાવતું આ મંદિર સમૂહ સંકૂલ એ એની વનરાજી ઝરણાઓ અને હાથમતી નદીના કારણે એ પર્યટકોનાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ફોટોગ્રાફી અને શૂટિંગ માટેનું અદભૂત સ્થાન છે. સાથો સાથ આટલાં બધાં મંદિરો એ આસ્થા ને શ્રદ્ધાનો પણ વિષય પણ બને જ બને. અહી આજે પણ પૂજા-પાઠ થતો જ રહેતો હોવાથી એ મંદિરમાં કે મંદિરોમાં દર્શન કરવાં જાઓ તોય તમારું જીવન સફળ જ ગણાય !!!

ટૂંકમાં સાલવારીને મારો ગોળી માણ્યું તેનું મનન કરવું એય છે એક લ્હાણું
આમદાવાદથી ૧૦૦ કીલોમીટરના અંતરે હોવાથી એક દિવસીય ટ્રીપ અવશ્ય મરાય જ મરાય. જેમ બને એમ જલ્દીથી જઈ આવજો બધાં !!!!આવો મોકો ફરીવાર નહીં મળે !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!