19. ફરી પરણ્યા – રા’ ગંગાજળિયો

વળતા દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડાંમાં ભમીને ઊપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિતોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગૂજરાત અને માળવાની સંયુક્ત સુલતાનીએ મીઠાં વાવી દીધાં હતાં. એણે ચારણને જવાબ વાળ્યો હતો કે સૌરાષ્ટ્રનાં દેવસ્થાનાંને લાગતી કોઇ પણ વાત આંહી કઢશો નહિ. ને હમીરજી ગોહિલની રખાત કોઈક ભીલડીના છોકરાને માટે, રા’ માંડળિકને કહેજો, કે પાદશાહી સાથે ઊંડો ખોપ ખોદશો નહિ.

ઇડરરાજે જવાબ આપ્યો કે અમે તો બાપા, અમારી રિયાસત ટકાવવા માટે ગૂજરાતના સુલતાનને દીકરી સોત દીધી છે. હવે વળી અમે બેય વાતે શાને બગાડીએ? રા’માંડળિકને કહેજો કે થોડા વધુ વ્યવહારૂ બની જાય. ભીલના છોકરાને જમાઇ કરવા કરતાં સુલતાનના સાળા સસરા થવું શું ખોટું છે? ગૂજરાતનો સુલતાન વંશ તો અસલ ક્ષત્રિય ઓલાદનો જ છે ના ભાઇ! સમા પ્રમાણે વર્તવું એ ક્ષત્રિયનો સૌ પહેલો ધરમ છે.

પાવાગઢનો પતાઈ રાવળ તો હસવા જ લાગેલો : ‘રા’ને કહો, લેર કરી લે લેર. આપ મુવા પછી ડુબ ગઈ દુનિયા!’

એમ એક પછી એક તમામ રાજવીઓના હોઠ ઉપર પહેલો તેમજ છેલ્લો તો એકનો એક જ બોલ હતો કે ઉતાવાળો થઇને એકલો દોડી જીવ ગુમાવનાર એ અવ્યવહારુ હમીરજીને વીર શા માટે કહેવો? સુલતાનોને સંદેહ જન્મે એવી એની નવેસર પ્રતિષ્ઠા શીદ કરવી? અને એ ક્ષત્રિયને રસ્તામાં ભેટેલી નીચ વર્ણની રખાતના છોકરાને રાજપૂતીના છાપરે ચડાવવાની કુબુદ્ધિ સોરઠના રાજાને કેમ સૂઝે છે?

નાગાજણ ગઢવીના આ બધા સમાચારોએ રા’ને થોડી વાર તો થીજાવી દીધો. પણ વધુ વિચારો રા’ના હ્રદયનો એક છૂપો છાનો, અદીઠો, અતલવાસી માયલો અવાજ બોલી ઊઠ્યો : ‘તું શા માટે ગાડા હેઠળનું કૂતરૂં બની રહ્યો છે? જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે……..’

‘ઠીક. છોડો એ વાત.’ કહીને રા’એ પોતાનાં બેઉ લમણાં પર આંગળીઓ દબાવી. પછી નાગાજણ ગઢવીએ કહ્યું.

‘હુકમ હોય તો એક બીજો જે સંદેશો રાજરજવાડાંએ કહાવ્યો છે તે સંભળાવું.’

નાગાજણનું મોં સ્હેજ મલકાયું એટલે રા’નું કૌતુક જોર પર આવ્યું. એના કાન ચંચળ બન્યા. નાગાજણે કહ્યું.

‘ચિતોડ, ઇડર ને સોરઠનાં સૌ રજવાડાં એક અવાજે ઠપકો દઈ રહ્યાં છે કે રા’ ગંગાજળિયો હજી કેમ નીંદર કરી રહ્યો છે?’

‘શેની નીંદર?’

‘પારકાના ભવિષ્યની પળોજણ કરે છે પણ પોતાના ભવિષ્યનું ભાન જ કેમ નથી રહ્યું?’

‘મારા ભવિષ્યનું ભાન!’

‘એટલે એમ કે ગઢજૂનાનો વારસ ક્યાં છે? ગરવાદેવ જેવું તીરથ સૌને દીકરા વહેંચે, ત્યારે ઘરમાં જ કેમ અમીની છાંટ નથી પડતી?’

‘શું કરીએ ભાઇ! એમાં તો પ્રારબ્ધનો દોષ છે.’

‘ના મારા રા’!’ ગઢવી નાગાજણે રા’ના જવાબમાં સુંવાળી ધરતી જોઇને વખતસર પગ લસરતા મુક્યા: ‘પ્રારબ્ધ આડું નથી. એક કરતાં એકવીસ રજવાડાં પોતાની પદમણીયું જેવી પુત્રીઓ રા’ ગંગાજળિયાને માટે ઓળઘોળ કરવા તૈયાર છે. ને ખમા ! અમારા કુંતાદે બોન પણ એની એજ વાત ઝંખે છે. ધરાઇને ધાન નથી જમતાં.’

‘ખરેજ શું કુંતાએ તમને કાંઇ કહ્યું હતું ગઢવી?’

‘હું વિદાય લેવા ગયો હતો ત્યારે છેલ્લી ને પહેલી ભલામણ એજ હતી કે ભા ! મારે માથેથી મેણું ઊતરાવતા આવજો.’

‘કુંતાદે તો સાચી દેવી છે.’ રા’નું મોં પ્રફુલ્લિત બન્યું. ‘આવી મોટા મનની સ્ત્રીની તો હું પૂજા કર્યા કરૂં એવા ભાવ થાય છે.’

આવા સુંદર શબ્દોનો લેબાસ ધરીને રા’ના હ્રદયની નબળાઇ બોલી રહી હતી. એણે પૂછ્યું ‘નાગાજણ ભાઈ, તમે મારા ચારણ નહિ પણ સગા ભાઈને ઠેકાણે છો. તમારૂં શું ધ્યાન પડે છે તે કહેશો?’

‘હું તો મારા રા’, ઠેકાણું પણ જોઇ કરીને આવ્યો છું.’

‘એટલી બધી ઉતાવળ?’

‘શું કરૂં ? મારાં બોન કુંતાદેને તે વગર મોં કેમ કરી બતાવું?’

‘ક્યાં જોયું ઠેકાણું?’

‘સિદ્ધપુરના ભીમરાજને ઘેર. પણ મારા રા’, એ તો સોરઠભરમાં ડંકો વાગી જાય એવી કન્યા છે.’

‘તમારી વાર્તાઓમાં અપ્સરાનાં વર્ણન આવે છે એવી?’

‘એવી જ – એજ.’

‘કુંતાની આમન્યા તો પાળશે ને?’

‘ચારણનું ગોતેલ ઠેકાણું – ફેર પડે તો મારૂં મોં ન જોજો, ગંગાજળિયા ! પણ એક વાર હસીને હા પાડો તો તે પછી જ હું રાણીજી પાસે જઈ શકું.

‘હા-હા !’ રા’એ એક નિઃશ્વાસ મૂક્યો : ‘ગાદીનો વારસ જોવે, ત્યાં મારી હા કે ના શા ખપની? મારૂં હૈયું કોણ વાંચી શકશે? હું કોની પાસે કલેજું ચીરી બતાવું?’

પછીની કથા તો સીધીદોર છે. સિદ્ધપુર જઇને જૂનાગઢનું ખાંડું ભીમરાજની કુંવરીને તેડી આવ્યું; ને રા’ માંડળિકના હોઠે નવા લગ્નની એક પછી એક રાત્રિએ મદિરાની પ્યાલીઓ મંડાતી રહી.

રાત્રિભર રા’ મદિરા લેતો, પ્રભાતે ગંગાજળે નહાતો. પ્રભાતે પ્રભાતના બીજા પહોરે મોણીએથી નાગાજણ ગઢવી અચૂક હાજર થતા, ને તેના હાથનો કસૂંબો લીધા પછી જ રા’ની નસોમાં પ્રાણ આવતા. અફીણના કેફમાં થનગનાટ કરતો રા’નો જીવ તે પછી ગઢવી નાગાજણને મોંયેથી વ્હેતી અપ્સરાઓની વાતોમાં તણાતો, ખેંચાતો, વમ્મળે ચડતો, ઘૂમરેઓ ખાતો, ને આકાશલોકથી પાતાળ લોક સુધીનાં પરિભ્રમણ કરતો. તેજનો જ્યોતિર્ગોળો જાણે અનંતના આલોકના સીમાડેથી ખરતો, ખરતો, ખરતો ગતાગોળમાં જઈ રહ્યો હતો. એને તો આ પૃથ્વી પર જ સ્વર્ગ સાંપડ્યું હતું. આટલાં વર્ષો પારકી પળોજણમાં નકામાં ગુમાવી દીધાની વાત પણ એને કોઇ કોઇ વાર સાંભરી આવતી ને પોતે પોતાની જ એ ભૂલ ઉપર હસાહસ કરી ઊઠતો.

અમદાવાદની સુલતાનીઅત પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી. દુદાજીને નાબૂદ કરવા બાબત સુલતાને રા’ની વફાદારીની નોંધ લીધી હતી. અને રા’ને નહાવાની ગંગાજળની કાવડ એક પણ વિધ્ન વગર ગૂજરાત તેમજ માળવાની સીમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યો હતો. સુલતાન કુતુબશા પણ, ચિતોડ સુધીની તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો – જશનો ભરવાનું, સુંદરીઓ સાથે મોહબ્બત કરવાનું, શરાબો ઉડાવવાનું, ને મોટી મોટી ઈમારતો બંધાવવાનું.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!