એક રાજવીએ ઈતિહાસકારનું અદકેરું સન્માન કર્યું

પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, એવી મંગળ ઘડીએ મેવાડ પરગણામાં આવેલ જવાસની રાજગાદી પર રાવ રતનસિંહ આરૂઢ થયો.બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા, જાહન્વીના જળે અભિષેક કરી આશીર્વાદ આપ્યા.

પહોળી છાતી, વિશાળ ભાલ, જોરાવર ભુજાઓ, મો ઉપરની મુછનો દોરો ફુટીને વળ લઈ રહયો છે. ખીનખાબી અંગરખામાં ઢબુરાઈ શોભતા રાવ રતનસિંહજી એ કચેરીમાં એક દિવસ સવાલ કર્યો કે, હું આ રાજ ગાદી ઉપર બેઠો છું તે ચૌહાણ કુળનો ઈતિહાસ શું છે?

બાપુ ઈતિહાસ તો બારોટજીના ચોપડે.
મેતા મસુદીઓએ માથા હલાવી ના ભણી એટલે રાજ કરી જાણવાની લાયકાતવાળા રાજવીએ વળી પાછો પ્રશ્ન કર્યો,

ચૌહાણ કુળના ઈતિહાસનો કોઈ ગ્રંથ ખરો?
જવાબમાં પાઘડાવાળા માથાએ નકારમાં માથા ધુણાવ્યા.
મારે ગ્રંથ લખાવવો છે લેખકને ગોતો.

બાપુ કુળનો ઈતિહાસ લખી જાણે એવો એક લેખક મચ્છુને કાંઠે આવેલા મોરબી નગરમાં વસે છે.
જાણકારે માહિતી આપી.

નામ ઠામ જાણો છો?
મોં માથે મલકાટ પાથરતાં રૂડો રાજવી વેણ વદયો,
રાજપૂરોહિત પંડિત નાનજી બાપનું નામ પુરુસોત્તમ.

તેડાવો રાજપૂરોહિતને
બાપુનો હુકમ થાતાં જ બે અસવારોએ ઘોડે સામાન માંડયા મારગ પકડયો મોરબીનો., ગુજરાતને વીંધીને એક દિ, ઘોડા પુગ્યા મોરબીના ચોકમાં, મેવાડી સિપાઈઓને જોઈને મોરબીનું લોક અચરજભરી આંખે નિહાળી રહયું.

ભાઈ રાજપૂરોહિત નાનજી પંડિતની ડેલી દેખાડશો?

કોઈ છોકરાએ આંગળી ચીંધીને કહયું સામે દુધિયા રંગની ડેલી દેખાય તે પંડિતજીનું ખોરડું. ડેલીએ પુગીને અસવારોએ ઘોડાને પેંગડા છોંડયા. ભૂદેવને પાય લાગીને રાવ રતનસિંહે આપેલા કાગળનો બીડો દીધો. બીડો ઉકેલીને પંડિજીની વાતનો પાર પામ્યા. રાવ રતનસિંહના નોતરાને ઝીલ્યું. કવિ કલાત તરીકે આખા કાઠીયાવાડમાં જેનો કીર્તી કળશ ઝકારા દઈ રહયા છે એવા નાનાજી પંડિતે જવાસ જવાનું પરિયાણ આદર્યું. કુટુંબ કબીલાને મળી લીધું. છોકરા છાબરાને વડીલોની ભળાવી મચ્છુ કાંઠેથી મેવાડ પુગ્યો.

રાવ રતનસિંહે અદકેરા આદરમાન દીધા. એક દિવસ રાજપૂરોહિત નાનજી પંડિતેને પ્રેમપૂર્વક આગ્રહ કર્યો કે,
કવિરાજ ચૌહાણ કલ્પદ્રુમ નામનો ગ્રંથ રચો એવી મારી અંતરની ઈચ્છા પુરી કરવા માટે તમને તેડુ મોકલ્યુ હતું.

જેવી આજ્ઞા.

તો આજથી કરો શ્રીગણેશ, રાજના તમે મહેમાન, તમારી અને તમારા બાલ બચ્ચાની જવાબદારી જવાસના રાવને શિરે છે એટલું જાણજો.

આવી ધરપત આપીને રાવ રતનસિંહે રાજપૂરોહિત નાનજી પંડિતને સંશોધન માટેના કાર્યમાં સહાયભૂત થવા ફરમાનો છોડયો. પંડયે પણ પંડીતજીની પડખે ઉભા રહયા.

નાનજી પંડિતે પોતાના કામનો આદર કર્યો. શિલાલેખ અઘાટ, તામ્રપત્રો અને પરવાનાના પોટલાં ફંફોળવા, જેમ વિગત મળતી ગઈ તેમ નોંધ લેવાતી ગઈ, દંત કથાઓને પણ ચકાસી લીધી. આઠ મહિનાની અખંડ આરાધના પછી રાજપૂરોહિત નાનજી પંડિતે ચૌહાણ કુળનો નાનકડો ગ્રંથ રચીને રાવ રતનસિંહ સન્મુખ ધરી દીધો. નાનકડા ગ્રંથના બહુ વખાણ થયા. ઈતિહાસની જાળવણી થઈ ગઈ જાણી રાવ પણ બહુ રાજી રાજી થયા.

દિવસ પછી દિવસ જવા લાગ્યા તોય રાવ લેખકનું નામ કાં લેતા નથી? રાવ રાજપૂરોહિતની કે કાંઈ કદર કરતાં નથી એવી વાતુ એક કાનથી બીજા કાન વેતી રહી. શિશિર પાછી વળી ગઈ અને વસંતનું આગમન થયું. અઢારભાર વનસ્પતિઓએ અંગ મરોડયા. વૃક્ષોને વેલડીયું વલોટવા લાગી. પાંદડાના પારણાં કરી પોપટ અને મેનાઓ હાલરડા ગાવા લાગી ગઈ. કેસૂડાની કલગીએ વગડો શોભવા લાગ્યો.

ફાગણ સુદ પૂનમના દિવસે રાવ રતનસિંહે કુંવર નોબતસિંહનો ઢુંઢનો પ્રસંગ ઉજવવાના નોતરા દીધા.
શુભ દિવસ આવ્યો, રાવ રતનસિંહ સિંહાસન પર બિરાજ્યા. શંકરના જેવો ઉદાર, હિન્દુઓની મરજાદા જેવો બોતેર કળાઓને જાણનાર, સુર્યના જેવો તેજસ્વી મૃત્યુ લોકના ઈન્દ્રની જેમ શોભી રહયો. ભાપાતો સરદારો સુભટ્ટો અને સામંતોની હાજરીવાળી પરિપૂર્ણ સભા રચાઈ રહી. મંગળ પ્રસંગ પૂરો થયો એટલે ખુદ રાવ રતનસિંહ ભરી સભામાં ખડા થઈને વેણ વદયાં.

રાજપૂરોહિત નાનજી પંડિત આપે જે મારા ચૌહાણ કુળનો ઈતિહાસ લખ્યો છે તેનો અલ્પ બદલો પણ મારાથી અપાય તેમ નથી. જે કાંઈ હું આ વખતે આપું છું તેને આપ લાખ પસાવ માનસો.

એટલા વેણ કરીને રાવે દિવાન પુનમચંદ સામી મીટ માંડી.
દિવાન પુનમચંદજી ઉભા થઈને બોલ્યા,

શ્રીમાન મહારાઓશ્રી રતનસિંહજી સાહેબ બહાદુરની આજ્ઞાથી ચૌહાણ કલ્પદ્રુમના કર્તા પંડિતજી નાનજી પુરુસોત્તમ, મોરબી નિવાસી આજરોજ મોજે બે ગામ ખાની આ લીંબડી તથા ધારપુર આપ તથા આપના વંશ અને વારસને વંશ પરંપરાને માટે બક્ષિસ આપવામાં આવે છે. અને આપશ્રીને કવિરાજશ્રીનું પદ આપી અહીંના આજથી રાજકવિની પદવી આપવામાં આવે છે. તથા રૂ.૧પ  અંકે રૂપિયા પંદરનો પગાર દર મહિને આજરોજથી રાજકવિ તરીકે સવસ્થાન તરફથી તમોને આપવામાં આવશે. તે પગાર તમો તથા તમારા વંશ તથા વારસોને પણ આપવામાં આવશે. એટલી જાહેરાત કરીને દિવાન સાહેબે પોતાની બેઠક લીધા પછી

સુવર્ણના અલંકારો સહિતનો પોશાક આપી ખુદ રાવ રતનસિંહ પોતાના આસન પરથી ઉઠી લેખક નાનજી પંડિતનો હાથ પકડી કચેરીના બહાર લાવી હાથી પર બેસાડી વાજતે ગાજતે તેમના મુકામ તરફ વિદાય આપી બહુમાન કરી પોતાનું નામ રાવ રતનસિંહે ઈતિહાસમાં સોનાના અક્ષરે અંકિત કરી દીધું.

ઓળખ-આ બનાવ સંવત ૧૯૭૩ના ફાગણ સુદ ૧પના રોજ બન્યો હતો. બન્ને ગામની બક્ષિસનો લેખ સવંત ૧૯૭૩ના ચૈત્ર વદી ૭ના રોજ નં.૨૫૬થી અપાયો હતો.

જે હાથી પર લેખકને વિદાય આપવામાં આવેલી તે હાથીની કિંમત જેટલી રોકડ રકમ લેખકને રાજ તરફથી આપવામાં આવેલી. રાવ રતનસિંહજીના પ્રથમ લગ્ન પાનરવાના રાણા ભવાની સિંહજીના કુંવરી સાથે સવંત ૧૯૫૨ના વૈશાખ સુદ ૩ના રોજ થયા હતા. સવંત ૧૯૬૩ની સાલમાં ઓગણાના રાજવી અમરસિંહજીની કુંવરી સાથે થયા હતા.

સવંત ૧૯૭૦ના વૈશાખમાં તેમના લગ્ન માદડીના ઠાકોરશ્રી પ્રતાપસિંહજીના કુંવરી સાથે થયા હતા. ચોથા લગ્ન, સુરેન્દ્રનગર જિલ્લાના વણા ગામના ઠાકોર શ્રી બાલસિંહજીના કુંવરીશ્રી સાથે સવંત ૧૯૭૩ના ફાગણ સુદી ૬ના રોજ થયા હતા. પ્રજાવત્સલ અને કદરદાન રાજવીએ છપન્નીયા કાળમાં દેવું કરીને પણ પ્રજાને પીડામાંથી ઉગારી ઉદારતા દાખવી હતી…

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!