જામનગરના રણમલ તળાવ નો ઇતિહાસ

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને પ્રજાપ્રિયતાની વાતું કરીને ભૂતકાળને વાગોળતા જોવા મળે છે, તેનું કારણ પણ છે. જૂના કાળના રાજવીઓના હૈયે અહર્નિશ રાજ્યની પ્રજાના કલ્યાણનું હિત વસેલું હોવાને કારણે દુષ્કાળના સમયમાં હાથ જોડીને બેસી નહોતા રહેતા પણ પ્રજાની સુખાકારી અને જરૂરતો પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપતા. કાળ-દુકાળનું કરવરું વરહ આવે ત્યારે પ્રજાને અનાજ-પાણીની સઘળી આવશ્યકતાઓ જાત દેખરેખથી પુરી પાડતા. એના માટે વહીવટદારો દ્વારા પુરતો બંદોબસ્ત કરાવતા. આજે મારે સૌરાષ્ટ્રના હાલાર પંથકના એવા એક રાજવીની વાત માંડવી છે.

ગુજરાતના નગરોની તળાવ-સરોવરના સંદર્ભે એક આગવી ઓળખ છે, અમદાવાદનું કાંકરિયા. ભૂજનું હમીરસર, વડોદરાનું સુરસાગર, ભાવનગરનું ગૌરીશંકર સરોવરની જેમ રણમલ તળાવ જામનગરની ઓળખ જ નહીં, પણ આન, બાન અને શાન બની રહ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હુડકોની ડિઝાઈન મુજબ ૪૫ કરોડના ખર્ચે નવા રંગરૂપ ધરી રહ્યું છે. રિનોવેશનનું ઘણુંખરું કામ પૂરું થતાં તા. ૨૧ જાન્યુઆરી ૧૬ના રોજ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે જામનગરની પ્રજાને તેનું લોકાર્પણ થયું. આ હેરિટેઝ રણમલ તળાવના ઈતિહાસ પર થોડીક ઉડતી નજર કરી લઈએ.

કાઠિયાવાડના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય નવાનગર ઉર્ફે જામનગર છે. કચ્છની ધરા પર ચાર વર્ષ રાજગાદી ભોગવીને જામરાવળજી (સં. ૧૫૬૧થી ૧૬૧૮) એ સૌરાષ્ટ્રમાં આવી જામખંભાળિયામાં ગાદી સ્થાપી અને થોડા વર્ષો પછી નવાનગરની સ્થાપના કરી. સંવત ૧૫૯૬ શ્રાવણ સુદ ૭ને બુધવારે સ્વાતિ નક્ષત્રમાં નવાનગરનું વાસ્તુકર્મ કર્યું. જામે નગર વસાવ્યું હોવાથી પાછળથી જામનગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. જામ રાવળજીના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી આ આખો પંથક હાલારના નામે જાણીતો બન્યો. હાલાર પંથકમાં સને ૧૮૩૪-૩૫, ૧૮૩૯ અને ૧૮૪૬ના વર્ષો કપરા દુષ્કાળનાં હતાં. રાજ્યની દુષ્કાળ પીડિત પ્રજાને રોજી-રોટી અને પેટિયું મળી રહે તેવા ઉમદા હેતુથી જામ રણમલજી બીજાએ (સને ૧૮૨૦ થી ૧૮૫૨) પ્રજાધર્મ નિભાવી રણમલ તળાવ, ભૂજિયો કોઠો અને લાખોટાની મજબૂત બાંધણીની ભવ્ય ઈમારત બંધાવી.

એમ પણ કહેવાય છે કે નવાનગરમાં થયેલા જામ રણમલજી પહેલાએ પોતાના પિતા લાખાજીની સ્મૃતિમાં લાખોટાના નામે કોઠો બંધાવવાની શરૂઆત કરેલી. એ કાર્ય અધૂરું રહેતા જામરણમલજી બીજાએ કાર્ય પૂરું કરાવ્યું. લાખોટા કોઠાને કારણે આ તળાવ લાખોટા તળાવને નામે પણ ઓળખાય છે. આમ ભૂજિયો કોઠો, લાખોટો અને રણમલ તળાવ પાછળ રાજવીઓનો અઢીસો વર્ષનો પુરુષાર્થ ધબકતો પડયો છે. એ સોંઘવારીના સમયમાં લાખોના ખર્ચે તૈયાર થયેલ લાખેણો લાખોટો કહેવાય છે.

જામનગરની મધ્યમાં આવેલ રણમલ તળાવ ૭૦૦ એકરના વિસ્તારમાં પથરાયેલું છે. જૂના કાળે રંગમતી નદીમાંથી ૩ માઈલ લાંબી નહેર કાઢીને આ તળાવ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચોમાસામાં વરસાદનું પાણી અને નદીના પાણીથી તળાવ છલોછલ ભરાઈ જતું. એ પછી સને ૧૯૩૦ની આસપાસ જામશ્રી રણજીતસિંહજીના શાસન દરમ્યાન ગંગાસાગર ડેમ બાંધવામાં આવ્યો. જામનગરથી પંદરેક કી.મીટર દૂર આવેલ અને ૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ડેમનું નામ ગંગાસાગર હતું એ પછી આજે એ રણજીત સાગરના નામે જ ઓળખાય છે, ચાર ચોરસ માઈલના ઘેરાવામાં ૧૨૦૦૦ ઘનફૂટ પાણીનો સંગ્રહ અહીં થાય છે. ચોમાસામાં મેઘો-વરસાદ મંડાય ત્યારે રણજીત સાગરનું પાણી છલકાઈને કેનાલ વાટે રણમલ તળાવમાં આવે છે. હરખઘેલા નગરજનો નવા પાણીને વધાવવા અને નજારો જોવા તળાવ પર ઉમટી પડે છે.

આશરે બે માઈલ જેટલો ઘેરાવો ધરાવતું રણમલ તળાવ વૃક્ષ વનરાજિનું અનુપમ નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે એને કારણે દેશ વિદેશના પક્ષીઓ જ નહીં પણ જૂના કાળે અન્ય રાજ્યોના રાજવીઓ પણ અહીં રચેલા જામવિજય સંસ્કૃત કાવ્યના એક શ્લોકમાં રણમલ તળાવનું વર્ણન આ રીતે આપ્યું છે : ‘નાગરવેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને અસંખ્ય ગુલાબી કમળોથી શોભતા તળાવ, ભૂજિયોકોઠો અને લાખોટાથી શોભતી આ નગરી (જામનગર) અમરાવતી જેવી લાગે છે.’

રણમલ તળાવ તળના જામનગરને અવિરત પાણીનો પુરવઠો પુરો પાડે છે. આ તળાવને કારણે પાણીના તળ ઉંચા આવ્યાં છે. જામનગર શહેરની કોઈ ડંકી આજ લગી ડુંકી નથી. ત્રણ વિભાગમાં વહેંચાયેલા આ તળાવનો નજારો કંઈક અલગ જ છે. તળાવમાં વાવ અને કૂવા દ્રષ્ટિગોચર થાય છે. લાખોટા કોઠાની પાછળ દેરાણી જેઠાણીના ડેરા તરીકે ઓળખાતી જગ્યાએ વાવ મળી આવેલ છે. ભૂજિયા કોઠા નજીક બાલાહનુમાન મંદિર અને સામે મોટો ઘડિયાળી કૂવો આવેલા છે.

પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું રણમલ તળાવ શિયાળામાં આવતાં વિદેશી પક્ષીઓને ખોરાક અને સલામતિ પુરાં પાડે છે. પાસપોર્ટ, ટિકિટી, વીઝા અને લગેજની ચિંતા વગર હજારો કિ.મી.ની યાત્રા કરીને ઠંડા મુલક સાયબિરિયા તરફથી ઉડીને આવતાં પાયાવર પક્ષીઓને આ તળાવ આકર્ષે છે. સિંગલ, કોર-મરચન્ટ, કોમ્બડક, સ્પોટબીલડક, ગ્રેહેરન, કૂટ, લેસરવિસ્ટીંગ, ડક, રૂપેરી પેણ, ગુલાબી પેણ, કાશ્મીરી વા બગલી, નીલ, જલમુરઘો, ગયણો, નિલશિર, નાની મુરઘાની, વાઘોમડી, મોટો ગડેરો, નાનો ગડેરો, કાળિયો કોશી, શ્વેત શિર, સમડી, સાંગપર, ડુબકી અને વૈયાના ઘેરા તળાવના નભોમંડળમાં ઉડતા સાંજના સમયે કિલ્લો કરે છે. અહીં ૩૦-૩૫થી વધુ વિદેશી પક્ષીઓનો મેળો જામે છે. શિસ્તબદ્ધ રીતે લાઈન તોડયા વિના આભમાં ઘૂમરિયું લેતાં વૈવા પક્ષીઓના ઘેરાને નિહાળવાનો આનંદ પણ અનેરો છે.

રણમલ તળાવનો ભૂજિયો કોઠો પ્રથમ નજરે રક્ષણાત્મક વ્યૂહ જેવો લાગે. જૂના કાળે લશ્કરનો દારુગોળો (મેગઝીન) તોપખાનું વગેરે સહિસલામત જળવાઈ રહે તે માટે ચોતરફ પાણી ભરીને લાખોટાની ઈમારત બાંધેલી છે. તેના ઉપર સર્ચલાઈટ મુકેલી હતી. જેનો પ્રકાશ માઈલોના માઈલો સુધી પહોંચતો. કહેવાય છે કે એ સમયે લાખોટા કોઠા ઉપરથી હેલિયોગ્રાફી સંદેશા મોકલવાની પદ્ધતિ સર્ચલાઈટના પ્રકાશ વડે અમલમાં હતી.

સને ૧૯૪૬ના ઓક્ટોબર માસમાં એજ્યુકેશન સેક્રેટરી શ્રી સુરસિંહજી જાડેજા અને સ્વ. શ્રી રંગીલદાસ માંકડના પ્રયત્નોથી લાખોટાની ભવ્ય ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તીત કરવામાં આવી. અહીંના કોઠાને ત્રણ પ્રવેશદ્વાર છે. આ દરવાજા ઉપર પથ્થરમાં કંડારેલી કવિતા જેવા કલાત્મક ઝરૂખા કોઠાની શોભા વધારે છે. પ્રવેશદ્વાર પાસે જામરણજીતસિંહનું સ્ટેચ્યુ મુકાયેલું છે. ત્યાં એમની ક્રિકેટ સિધ્ધિની દુર્લભ તસવીરો પ્રદર્શિત કરાઈ છે.

અહીંથી પગથિયાં ચડીએ એટલે કોઠાનું વર્તુળાકાર દ્રશ્ય જોવા મળે છે. લાખોટાના પૂર્વ તરફના મુખ્ય દ્વારથી ૧૦૦ મીટરના અંતરે આ નગરનાં સ્થાપક જામશ્રી રાવળજીનું યુરોપિયન શિલ્પીઓ પાસે, (અહીંથી સ્ટીમરમાં અસલ કાઠિયાવાડી અશ્વ મોકલીને તૈયાર કરાવેલ) અશ્વારૂઢ સ્ટેચ્યુ તૈયાર કરાવીને ખાસ્સી ઉંચાઈ પર મૂકવામાં આવ્યું છે. લાખોટાના સંગ્રહાલયના પરિસરમાં પ્રાચીન શિલ્પો અને વિશાળ કદની તોપો જોવા મળે છે. લાખોટાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ભૂચર મોરીની લડાઈના ચિત્રો અને જામનગરના રાજવીઓના તૈલચિત્રો મુકાયેલા છે. પરિસરના એક વિભાગમાં ઘૂમલીના તામ્રપત્રો અને રાજવીઓના સમયની એન્ટીક વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે જે આ લખનારે નિહાળી છે. રણમલ તળાવની શોભા વધારતા લાખોટાનું વર્ણન ચારણ કવિ વ્રજમાલજી એક કવિતામાં આ રીતે આપે છે :

ઈન્દ્રકી અટારી કીંધો ગીર શંકર કી
કારીગર કીની હદ ચાતુરતા અતીકા

ઝરોંખા અનોખા અરી ન્યારી કીની છબ
વિશ્વકર્મા રચી સારી ભારી નેક ભક્તિ કો

પુન્ય કો પ્રકાશ કીધો જસકો ઉદાસદીસે
મનકો હુલાસકે વિલાસ કામ-રતિકો

શોભાકી શિરોમની કે કવિ વ્રજમાલ કહે
કીધો હે અનોકો કોઠો પચ્છોધર પતિકો.

રજવાડાઓ જતાં સમાજનો તળાવો સાથેનો સંબંધ જાણે કે સાવ જ કપાઈ ગયો. તળાવો કાંપથી પુરાવા માંડયા. આ સમસ્યા હલ કરવાને બદલે સ્થાનિક વહીવટી તંત્ર બહાના બતાવીને કહે છે કે તળાવનો કાંપ કઢાવવાનો ખર્ચ નવા તળાવ જેટલો થાય છે. એટલામાં નવું તળાવ બની જાય. આમ ચાલતું રહ્યું. તળાવોનો કાંપ કઢાયો નહીં. નવા તળાવો બન્યાં નહીં.

આવી પરિસ્થિતિને કારણે ૫.૬૦ લાખ ચોરસ મીટરનો ફેલાવો ધરાવતું અને ૪૦ મિલિયન ક્યુબીક ફીટની જળસંગ્રહ શક્તિ ધરાવતું લાખોટા-રણમલ તળાવ ૧૫ ફૂટ જેટલા કાંપથી ભરાઈ ગયું. થોડા વર્ષો પૂર્વે તેને ખોદીને ઊંડુ કરવાનું ભગીરથ કાર્ય ૪.૫૦ કરોડના અંદાજીત ખર્ચે યુદ્ધના ધોરણે શ્રી લાખોટી જળસંચય અભિયાન સમિતિએ લોકફાળાથી શરૂ કર્યું હતું. જામનગરની આણંદબાવા આશ્રમ સંસ્થાના મહંત દેવીદાસજી મહારાજના અધ્યક્ષપદે આ અભિયાન સમિતિ રચાઈ હતી. જેમાં આણંદબાવા સંસ્થાએ ૩૧ લાખના દાનથી આ કાર્યના શ્રીગણેશ માંડયા હતા. તેમાં કબીર આશ્રમ સ્વામીનારાયણ મંદિર, પ્રણામી સંપ્રદાય, વૈષ્ણવાચાર્ય જેવી ધાર્મિક સંસ્થાઓ અને વેપારી મહાજનો જોડાયા હતા.

રણમલ તળાવના લાખોટા કોઠા સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટના માવદાનજી રત્નુએ યદુવંશ પ્રકાશમાં આ રીતે નોંધી છે. જામરણમલજી બીજા પાસે નટ વિદ્યામાં મહાકુશલ એક નટ કુટુંબે આવીને માગણી મૂકી કે ‘અમે આકાશમાર્ગે ઉડીને ધારેલા સ્થળે ઉતરી શકીએ તેવા ગગનવિહારી છીએ.’ જામશ્રીએ રમત જોવાની ઈચ્છા બતાવતાં નટોએ એવી શરત મૂકી કે, ‘અમો ઉડીને જે ગામે ઉતરીએ એ ગામ રાજ્ય તરફથી અમને બક્ષિસ આપવું.’ જામશ્રીએ વાત કબૂલ કરતાં નટો અનુકૂળ દિવસે લાખોટા તળાવની મધ્યમાં આવેલા લાખોટા કોઠાનાં ઉંચા મકાનો પરથી ઉડયા. તેમાં ત્રણ નટોએ પોતાના બાવડા પર ગેંડાની મોટી ઢાલો બાંધી તેના ઉપર જાડી પછેડીઓના હવા ભરાય તેવા ગબારા બનાવી જામસાહેબની મહોરછાપ વાળી ચીઠ્ઠીઓ – (આ લોકો જે ગામ ઉડતા ઉતરે તે ગામ તેમને બક્ષિસમાં આપેલ છે તેમ ત્યાંના પટેલે જાણવું. તેવા મતલબની.) કેકિયાની કસેં બાંધી આકાશ માર્ગે ઉડયા હતા.

તે જોવા જામરણમલજી કોઠા ઉપર કચેરી ભરીને બીરાજ્યા. ઉડનારા નટોની પાછળ ઘોડેસ્વારોને દોડાવ્યા. હજારોની માનવમેદની દ્રષ્ટિ મર્યાદાથી તે ત્રણેય નટ જુવાનડા આકાશ માર્ગે ઉડતા ઉડતા અદ્રશ્ય થયા. તેમાંનો એક નટ ઉડવામાં ઘણો કુશળ હતો. તેણે શીતળાનું કાલાવડ કહેવાતું ત્યાં ઉતરવાનો મનસુબો કરી ઉડવા માંડયો. બીજાએ જામખંભાળિયા ઉતરાણ કરવાનું વિચાર્યું જ્યારે ત્રીજો નટ જામનગરથી માત્ર ચાર માઈલના અંતરે આવેલ ઠેબા ગામે સહિસલામત ઊતર્યો. તેણે જઈને ગામના પટેલને ચીઠ્ઠી આપી.

એટલામાં જામનગરના ઘોડેસ્વાર આવી પહોંચ્યા. શરત મુજબ નટને ઠેબા ગામ બક્ષિસ મળતા આજે ય ‘નટના ઠેબા’ તરીકે ઓળખાય છે. જે નટે કાલાવડ ઉતરવાનું વિચારેલું તે પછેડીની પાંખો કુદરતી રીતે તૂટી જતાં ત્યાં પડીને મરણ પામ્યો. ત્યાંના શ્રધ્ધાળુ લોકો તો આજેય કહે છે કે શીતળાનું કાલાવડ આવતી કાલે નટનું કાલાવડ ન કહેવાય તે માટે માતાજીએ એને ગામમાં આવતો અટકાવ્યો હતો. તેથી શિતળાનું કાલાવડ નામ કાયમ રહ્યું. હાલમાં આ નટની સમાધિ ધોળાવડી નદી અને કપુરિયા વોંકળાના સંગમતટે શિતળા માતાજીના દેવળથી જામનગર જવાના રસ્તા પર જીર્ણશિર્ણ સ્થિતિમાં મોજૂદ છે.

સૂરતના ગોપી તળાવની જેમ જામનગરની વિરાસતસમું રણમલ તળાવ ૪૫ કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે. સને ૨૦૦૧ના ધરતીકંપે ભૂજિયા કોઠાને અને લાખોટાની મજબૂત ઈમારતને ભારે મોટું નુકશાન પહોંચાડયું હતું. આજે તળાવના આ કોઠા પહેલા જેવા નવા રંગરૂપ ધારણ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો કાર્યભાર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી એન્જીનીયર શ્રી શૈલેશ જોષી સંભાળી રહ્યા છે. પ્રોજેક્ટ પુરો થતાં રણમલ તળાવનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠશે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. પ્રાચીન તળાવોની આવી દેખભાળ રાખવામાં આવે તો પ્રજાને પાણીના દુકાળથી અવશ્ય બચાવી શકાય…

(માહિતી : કિશોર પીઠડિયા)

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!