રાણીજીના વિલાસ – કુરબાનીની કથાઓ

કાશીનાં મહારાણી કરુણા એક સો સહિયરોની સાથે આજ નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલછલ કરતાં વહે છે અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે.

નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે, માટે સહુ ઝૂંપડાવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડયાં છે.

ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી જાણે કોઈ એક નટી દિસે છે : જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ ઝળહળ થઈ રહેલ છે.

રમણીઓ નહાય છે. અંતઃપુરના બંદીખાનેથી છૂટેલી એક સો સખીઓ આજે શરમનાં બંધન શી રીતે માને ? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ : નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની, આકાશમાં જાણે શોર મચ્યો.

નહાઈને મહારાણી કાંઠે આવ્યાં; બૂમ પાડીને બોલ્યાં : ‘અલી, કોઈ દેવતા સળગાવો. હું ટાઢમાં થરથરું છું.’

સો સખીએ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી. પણ એ સુકેામળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત કયાંથી હોય ! રાણીજીએ બૂમ મારી : ‘અલી ! જુવો આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં, એમાંથી એક ઝૂંપડાને દિવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયાં તપાવી લઈશ.’

માલતી નામની દાસી કરુણ કંઠે બોલી : ‘રાણીમા, આવી મશ્કરી તે હોય ! એ ઝૂંપડીમાં કેાઈ સાધુસંન્યાસી રહેતા હશે, કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે, એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો ? ‘

‘અહો મોટાં દયાવંતાં બા !’ રાણીજી બોલ્યાં : ‘છોકરીઓ ! કાઢો અહીંથી આ દયાળુની છોકરીને અને સળગાવી દો એ ઝૂંપડું. ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.’

દાસીઓએ ઝૂંપડાને દિવાસળી લગાવી. પવનના સૂસ વાટાની અંદર જ્વાલા ભભૂકી. પાતાળ ફોડીને નીકળેલી અંગાર મય નાગણીઓ જેવી એ મદોન્મત્ત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.

પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં . બળીને ભસ્મ થયાં. અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.

રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લગાડી એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો. રાજાજીએ વાત સાંભળી. એમની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંતઃપુરમાં પધાર્યા.

‘રાણીજી ! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર ?’ રાજાજીએ પ્રશ્ન કર્યો.

રિસાઈને રાણી બોલ્યાં : ‘કયા હિસાબે એ ગંદાં ઝૂંપડાંને તમે ઘરબાર કહો છે ! એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય ? રાજારાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજા ?’

રાજાની આંખોમાં જવાલા સળગી. રાણીને એણે કહ્યું: ‘જ્યાંસુધી આ રાજવી ઝરૂખામાં બિરાજયાં છે ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલના ઝૂંપડાં બળી જાય તો કંગાલને કેટલું દુઃખ પડે ! ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.’

રાજાજીએ દાસીને બેલાવી આદેશ દીધો : ‘રાણીના રત્નાલંકારો કાઢી નાખો. એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.’

અલંકારો ઊતર્યા. રેશમી એઢણી ઊતરી.

‘હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો .’ રાજાએ હુકમ કર્યો.

દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજી રાણીને હાથ ઝાલીને રાજમાર્ગ ઉપર લઈ ગયા. ભરમેદિની વચ્ચે રાજાએ કહ્યું કે ‘કાશીનાં અભિમાની મહારાણી ! નગરને બારણે બારણે ભીખ માગતાં માગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂપડાં ફરીવાર ન બંધાવી આપો ત્યાંસુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવીને, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!’

રાજાજીની આંખોમાં આંસુ છલકાયાં, રાણીજી એ ભિખારિણીને વેશે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શકયા નહિ.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ વાર્તા કુરબાનીની કથાઓ માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Facebook Comments
error: Content is protected !!