શ્રી રામટેકરી (જુનાગઢ)ની મહંત પરંપરા અને તપની ગાથા

ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. તેઓ બારભાઈ ખાલસાનાં મહંત હતાં તે દરમિયાન ઈ.સ.૧૯૧૫ની આસપાસ ભારતવર્ષમાં હિન્દુ સંસ્કૃતિનું જતન અને સંવર્ધન માટે ઘણાબધાં સાધુઓને સાથે લઈને વૈષ્ણવ સાધુની જમાતમાં વિચરણ કરતા હતાં. તે સમયે સિધ્ધક્ષેત્ર એવા ગિરનાર આવવાનું અવાર-નવાર થતું હતું. તેઓએ ગિરનાર રોડ ઉપર અશોક શિલાલેખની બાજુમાં “શ્રી રામટેકરી” નામે જગ્યા સ્થાપીને શ્રી રામજીમંદિર બનાવી પોતાનાં વરિષ્ઠ શિષ્ય શ્રી રામદાસજી મહારાજને મહંત બનાવ્યાં. સંતોની અને ગૌસેવા કરતાં કરતાં તેઓ પોતાનાં ગુરૂજીની હાજરીમાં જ તા.૩/૧૨/૧૯૩૧ નાં રોજ બ્રહ્મલીન થયાં. ત્યારબાદ શ્રી ગોવિંદદાસજી મહારાજે રામટેકરીમાં નીચે ગુફામાં પોતાની સાધના અને ભજન માટે શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી જેનાં આજે પણ દર્શન કરી શકાય છે.

શ્રી ગોવિંદદાસજી મહારાજ શ્રી હનુમાનજી મહારાજની કઠોર તપસ્યા અને અનુષ્ઠાન કરતાં કરતાં તા.૨૯/૧૨/૧૯૩૩ નાં રોજ બ્રહ્મલીન થયાં. ત્યારબાદ તેમનાં શિષ્ય રામસુખદાસજી મહારાજ મહંત બન્યાં. તેઓ ફળાહારી હતાં અને ચૌર્યાસી ધુણી તાપી અને અખંડ તપસ્યા કરી. સમય જતાં તેઓ બ્રહ્મલીન થતાં તેમનાં ગરૂભાઈ શ્રી રામકિશનદાસજી મહારાજ મહંત બન્યાં. તેઓએ નિત્ય રામાયણનાં પાઠ કરીને ભજન કર્યું હતું. ત્યારબાદ તેઓનાં ગુરૂભાઈ શ્રી રામલખનદાસજી મહારાજ મહંતપદે શોભાયમાન થયાં.

શ્રી ૧૦૦૮ શ્રી રામલખનદાસજી મહારાજે સમાજમાં ગરીબ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સારૂ શિક્ષણ મળી રહે તે માટે “વિધાર્થી ભવન” નું નિર્માણ કરાવીને વિધાર્થીઓને રહેવા તથા જમવા માટે ખુબજ મહેનત કરી સંસ્કારોનું સિંચન કર્યું અને સાથે સાથે ઘણીબધી સમાજ ઉપયોગી પ્રવૃતિ ચાલું કરી. સમગ્ર ભારતવર્ષમાંથી દેશાટને નિકળેલ સાધુ મહાત્માઓને પોતાના ગુરૂ મહારાજની ઈચ્છા મુજબ રહેવા તેમજ જમાડવાની પરંપરાને આગળ વધારી.

શ્રી રામલખનદાસજી મહારાજે પોતાનાં જીવનકાળ દરમિયાન અનેક વૈષ્ણવ વિરક્ત ફક્કડ સાધુઓને તૈયાર કરીને દિક્ષા આપી અને સાધુશાહીને જીવંત રાખી છે. તેઓની શિષ્ય પરંપરાની વાત કરીએ તો મુખ્યત્વે શ્રી શાલીગ્રામદાસજી મહારાજ મોરબીનાં જેતપરમાં શ્રી રામજીમંદિર તેમજ મોરબીમાં શ્રી નરસંગટેકરી સાધના આશ્રમનાં મહંતપદે રહ્યાં હતાં. અન્ય એક શિષ્ય શ્રી રામદાસજી મહારાજ મધ્યપ્રદેશમાં નિમચ શહેરમાં શ્રી હનુમાનજી મંદિરનાં મહંતપદે રહી અનેક સાધુ સંતોની સેવા કરી. અન્ય એક શિષ્ય શ્રી સુરદાસજી મહારાજ અમરેલી જિલ્લાનાં લાઠી ગામે શ્રી વિજય હનુમાનજી મંદિરનાં મહંત તરીકે સેવા કરી. એક અન્ય શિષ્ય

શ્રી ચત્રભુજદાસજી મહારાજ જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકામાં દાણીધારે શ્રી નાથજીદાદાની જગ્યા આવેલી છે. ત્યાં શ્રી નાથજીદાદા તેમજ તેનાં અન્ય શિષ્યો સહિત ૧૨ સંતોની જીવતા ચેતન સમાધીઓ શોભાયમાન છે. અહીં ઈ.સ.૧૯૮૨માં શ્રી ચત્રભુજદાસજી મહારાજ (શ્રી ઉપવાસીબાપુ) આવ્યા હતાં. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન સતત ૫૦ વર્ષ સુધી અન્ન લીધા વિના ઉપવાસ કર્યા જેથી તેઓ ઉપવાસીબાપુ તરીકે પ્રખ્યાત થયાં. તેઓએ પણ પોતાનાં દાદાગુરૂ શ્રી ગોવિંદદાસજી મહારાજની જેમ કઠોર તપશ્ચર્યા કરી હતી. શ્રી ઉપવાસીબાપુ દાણીધાર જગ્યામાં આવ્યા પછી જગ્યાનો ખુબજ વિકાસ થયો. તેઓ દરવર્ષે જગ્યાનાં સેવકોને ત્યાં ટેલ કરવા જતા હતાં. હાલ તેઓએ નવું રામજીમંદીર, શ્રી નાથજીદાદાનું નુતન સમાધી મંદીર, વિશાળ ભોજનાલય, વિશાળ ધર્મશાળાઓ, કલાત્મક પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. દાણીધારની આ જગ્યામાં પુ.ઉપવાસીબાપુએ પોતાનાં ગુરૂ શ્રી રામલખનદાસજીબાપુની પ્રેરણાથી વિક્રમ સંવત ૨૦૬૨ મહા સુદ પંચમી તા.૨/૨/૨૦૦૬ ગુરૂવાર નાં શુભ દિવસે શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞનો પ્રારંભ કરાવેલ. આ યજ્ઞ પુરો ૧ વર્ષ એટલે કે ૩૬૫ દિવસ સુધી ચાલેલ. તે દરમિયાન પુ.બાપુનું પ્રારબ્ધ પુર્ણ થતા વિક્રમ સંવત ૨૦૬૨ ચૈત્ર સુદ-૧૧, તા.૯/૦૪/૨૦૦૬નાં દિવસે તેઓ બ્રહ્મલીન થયા. પોતાને મળેલ ગુરૂઆજ્ઞાને શિરોમાન્ય રાખીને તેમના શિષ્યોએ બાપુએ શરૂ કરેલ શ્રી વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞને તેમનાં આશિર્વાદથી પુરો કરાવ્યો હતો.

પુ.ઉપવાસીબાપુ છેલ્લે સુધી શ્રી રામટેકરી જુનાગઢ અને શ્રી નાથજીદાદાની જગ્યા-દાણીધારનાં મહંત પદે બિરાજતા હતાં. જેમાં પુ.ઉપવાસીબાપુ દ્વારા રામટેકરીમાં ૧૨૫ જેટલા વિધાર્થીઓને રહેવા તેમજ જમવાની નિ:શુલ્ક સુવિધાઓ આપવામાં આવતી હતી. અને અહીં દાણીધારમાં પણ રોજ અન્નક્ષેત્ર ચાલુ છે અને રહેવાની સગવળતાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. પુ.બાપુનો ખુબજ વિશાળ શિષ્યવર્ગ છે.

શ્રી રામલખનદાસજી મહારાજનાં સૌથી નાના શિષ્ય શ્રી રામકૃપાલદાસજી મહારાજ પોતાનાં ગુરૂજી સાથે રામટેકરીમાં જ રહેતા હતાં. શ્રી રામલખનદાસજી મહારાજ ગિરનાર ક્ષેત્રમાં સેવાની સુવાસ ફેલાવી તા.૨૫/૦૯/૨૦૦૦ નાં રોજ બ્રહ્મલીન થયાં પછી રામટેકરીમાં શ્રી રામકૃપાલદાસજી મહારાજ મહંત બન્યાં. તેઓ તા.૨૮/૧૦/૨૦૦૩ નાં રોજ બ્રહ્મલીન થયાં. તેમનાં સ્થાને તેમનાં મોટા ગુરૂભાઈ શ્રી ચત્રભુજદાસજી મહારાજ (શ્રી ઉપવાસીબાપુ)ને મહંત તરીકે શોભાયમાન થયાં. તેઓ તા.૯/૦૪/૨૦૦૬ નાં રોજ બ્રહ્મલીન થયાં હતાં. ત્યારબાદ શ્રી રામટેકરી અને શ્રી રામજીમંદિર – ઉના એમ બન્ને જગ્યામાં હાલ શ્રી રામકૃપાલદાસજી મહારાજનાં એકમાત્ર શિષ્ય શ્રી કિશનદાસજીબાપુ મહંતપદે બિરાજમાન છે અને ઘણીબધી સેવા પ્રવૃતિ કરી રહ્યા છે…

આવી રીતે શ્રી રામટેકરી જગ્યામાં શ્રી રામચંદ્રજી અને ગુફાવાળા હનુમાનજી મહારાજનાં આશિર્વાદથી શ્રી વૈષ્ણવ સંપ્રદાયની બેતીયા બારભાઈ ખાખી ફક્કડ શિષ્ય પરંપરાનાં વટવૃક્ષ સમાન સંતોનાં તપ અને ભજનની ગાથાને અહીં મુકવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ શ્રી ગોવિંદદાસજી મહારાજ તેમજ તેની શિષ્ય પરંપરાને દંડવત્ પ્રણામ કરૂં છું.

માહિતી સાભાર : મહંતશ્રી કિશનદાસજી ગુરૂશ્રી રામકૃપાલદાસજી, શ્રી રામટેકરી (જુનાગઢ)

લેખન અને સંકલનઃ
શ્રી નાથજીદાદાનો સેવક જીતેન્દ્રસિંહ ચૌહાણ (રાજકોટ) મો.9909970303

નોંધઃ- ટ્રસ્ટનાં નિયમોને આધીન ઉપરોકત માહિતીમાં સુધારા-વધારા કે ફેરફાર કરવો નહિ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!