વાણિયા અને બ્રાહ્મણની બહાદુરીને બહારવટિયા મીરખાં એ સલામ કરી

ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં ઝગારા ઝીલી રહ્યાં છે. એવે વખતે બુકાની બધા ઘોડેસવારે રામપુરા ગામમાં ચકુશેઠના જીનને દરવાજે ઘોડો થંભાવ્યો.

દરવાજે ખડા થઇ રહેલા દરવાનને ચબરખી પકડાવી કરડી આંખ કરી વેણ વદયો ઃ
‘દે જે તારા શેઠને’

એટલું બોલીને વળી નીકળેલા અસવારને દરવાન અચરજથી જોઇ રહ્યો.

આઠ ગડીઓ વળેલી ચબરખી ચકુશેઠે ખોલી

‘ચકુશેઠને માલૂમ થાય કે કાલ સાંજે મોર્ય તમારૂ રામપુરા ગામ મારે ભાંગવું છે. માટે સાબદારે ‘ જો
લખીતંગ મીરખા’

‘જયજીનેદ્ર શેઠ..’ બોલતા દલસુખરામ ગોરે સામેની ગાડી પર બેઠક લઇ તકીઆનો ટેકો લીધો.

દલસુખરામ ગોર એટલે કુંતેશ્વર મહાદેવના પૂજારી. જાતા આભને આધાર દે એવો અડાભીડ આદમી. ચકુશેઠનો બાળ ગોઠીઓ શેઠ ઘરેથી પરવારીને જીનમાં આવે, દલસુખરામ ગોર મહાદેવની પૂજામાંથી પરવારી બેઠક જમાવે. બપોર સુધી બજારની રૂખથી માંડી અલક મલકની વાતના ફગડા મારે, બપોર ટાણે બેઇ ભાઇબંધો ભેળા ઉઠે.

દલસુખરામ ગોરની આજ આયખામાં પેલ વેલું અચરજ થયું. આટલા વરહમાં શેઠ જ્યજીતેન્દ્રનો બોલ ઝીલ્યો નહીં ને સામો હોંકારોય ભણ્યો નહીં. ચબરખી માથે વારે વારે નજર ફેરવતા ચકુશેઠ સામે મીટ માંડીને ગોરે પૂછ્યું ઃ

‘ઇચબરખીમાં એવું તે શું લખ્યું છે તે વારે વાંરે વાંચ્યા જ કરો છો ?

‘લ્યો વાંચો… એટલે બધી વાતના જવાબ જડી રે’શે’

ચકુશેઠે ચિંતાતુર આંખે ચબરખી દલસુખરામ ગોરના હાથમાં મુકી એણેય વાંચી. વાંચતાં જ કપાળની કરચલીઓ ભેળી થઇ. તાજા તણાયેલા ત્રિઘુંડની પોપડી ખરી. પહોળી છાતી પર રમતી રૃદ્રાક્ષની માળાના મણકા પર આંગળા ફેરવવા ગોર બોલ્યા ઃ

‘આ તો જાસા ચિઠ્ઠી’

‘બોલો શું કરવું ?’

શેઠે આંખો પહોળી કરી ભુદેવને પ્રશ્ન પુછયો-
‘તમે શું ધાર્યું છે ?’

દલસુખરામે શેઠનો ઈરાદો જાણવા સામો સવાલ કર્યો.

‘મીરખાંની રૃબરૂ થાવું. બોલો તમારુ શું કેવું થાય છે.?’

‘મીરખાંને મામુલી નો માનજો. ઘરાને ઘમરોળી નાખી છે. ભડાકે દેતા વાર નહીં લગાડે.’

‘સાંભળો ગોર, આ રામપુરા ચકુ શેઠનું કે વાય કે નો કેવાય?’

‘કે’ વાય.’

‘મારી આ સાયબી ત્રણ ભોંખી મેડી મેલાતુ રામપુરાને પરતાપે જને? ભણો હા’

‘હા તો હાઉ! આ રામપુરાની આબરૂ માથે હાથ પડે તો આ ચકુશેઠની જંદગી ધુળ ધાણી થાય ઈ વાત ખરી કે ખોટી?’

‘ખરી’

‘એટલે જ મારે વાતનો છેડો ફાળવો છે. મીરખાં માંગે એટલા રૂપિયા જોખી દેવા છે. બાકી એનો પગ ગામના પાદરમાં પડવા નથી દેવો.’

‘પણ એને ગોતવો ક્યા?’

‘રાતે અઘાર ગામ ભાંગીને ગલોદરાની સીમમાં પડયો છે? બપોરા કરીને ગામ આડે પડખે થયું હોય. ઈ ટાણે નીકળવું છે. એને નોખમે (આશરાનું ઠેકાણું) પુગીને પતાવટ કરવી છે.’

અવળચંડી નણંદના મેણાંથી ભોજાઈના તપતા ચીત જેવી ધરતી ઘખી રહી છે. અગન ઝરતા આભને ઝીલતાં ઝાડવાં પક્ષીઓને સંઘરીને ઉભા છે. ઘટાટોપ વડલાનો છાંયો ઓઢીને ગોથન વાગોળી રહયું છે. એવે વખતે ચકુશેઠની બગી ઉભી બજાર લીધીને ગલોદરાની સીમ ઢાળી જઈ રહી છે.

ગામનું માણસ પાદરમાંથી ઉભું ઉભું આંખ્યું માથે નેજવા માંડને જોઈ રહયું છે. ઘરના બારી બારણે ખસની પડદીઓ બંધાવીને જળ ફુવારે હેમાળા જેવો રહીને ઉનાળીને ચાર વાંભ છેટો રાખનાર ચકુશેઠ તકડો માથે લઈને આમ કયાં હાલ્યો?

ઘડી સાંપડીમાં ગામ આખું અચરજમાં આળોટવા લાગ્યું.
કે છે કે બગીમાં રોકડ નાણાંના કોથળા મુકાવ્યા છે. મીઠાઈના ટોપલા પણ ભર્યા છે.

ભલે મીઠાયું ભરી હોય, ટાણું સુવાણ્યનું નહીં પણ કપાણ્યનું છે ઈ વાત નકકી.
આવા અચંબામાં આથડાતા માણસોને ચોકમાં વાવડ મળ્યા છે. ચકુશેઠ બહારવટિયાને મળવા ગયા છે.

સાંભળનારા હબક ખાઈને બોલ્યા ‘હે.. લાખોની આસામી ચુંવાળનો લાડકો ચકુ શેઠ સામે પગલે વાઘના મોંમા હાથ ઘાલવા ઉપડયો! મીરખાં સોનાના ઝોડવાને ઝંઝેડી લેશે.’

આમ ગામ  આખું લોચતું હતું ત્યારે શેઠની બગી બહારવટિયાના નેખમ પાસે પુગું પુગું થઈ રહી હતી.

અઘોર આવળિયાટનો આશરો લઈને આડે પડખે થયેલા મીરખાંના કામ ચકમયા. કોણીનો ટેકો લઈને બળુકી કાયાને ટેકાનને સરવા કર્યા. કાને ઘોડાના ડાબાના પડઘા ઝિલ્યા. સડાક કરતો ખડો થઈને બંદૂક સમાલી ઝીલી નજરે જોયું તો બગીને આવતી ભાળી. બિવરાવના ભડાકો કર્યો. મીરખાંની ઝંઝોળપમાંથી છૂટેલી ગોળી ચકુશેઠની બગી માથેથી રમતી ગઈ. હાકનારો ઝઝક્યો એટલે શેઠ વેણ કહયા.

‘તુ તારી હાક્યા રાખ્ય. જરાય થડકીશમાં. આ ગોરના તારા અને મારા બાઈડી છોકરાની બાજરીની ગોઠવણી કરીને જ બગીમાં બેઠો છું.’

હાંકનારો શેઠના વેણનો મરમ પામી ગયો. તાણેલી લગામ મોકળી મુકી ઘોડાં હાલ્યા.

ત્યાં તો બીજો ભડાકો થયો. બહારવટિયો ત્રીજો ભડાકો કરે ન કરે ત્યાં તો બગી મીરખાંની સામે ખડી થઈ રહી. હેઠા ઉતરીને દલતપરામ ગોરે અને ચકુ શેઠે પોતાના ઘરાક પાસે જતા હોય એટલી નિરાંતથી મીરખાં સામી ડગ દીધાં.

ઘરેલ પારા જેવી કરડી અને કંટી બહારવટિયાની આંખ તાજુબીમાં તરબોળ થઈ તોળાઈ રહી.

‘સલામ મીરખાં.

ભારે નવાઈમાં નાતો મીરખાં બોલ્યો

‘ઓહો.. હો.. હો.. ચકુશેઠ પડયે મોતની સામે? આવો આવો શેઠ’. બોલતા મીરખાંએ હાથમાં તોળેલી ઝંઝોળ્યને ખભે ભેરવી બોલ્યો.

‘કેમ આવવું થયું?’

‘કંકોતરી મળતાં વેંત હાથગરણું કરવા આવ્યો છું. બોલ મીરખાં કેટલા મણ રૂપિયો તારી ભુખ ભાંગે. કહે એટલા રૂપિયા જોખી દઉં.’

લંબકોટ પહેરીને પોતાની સામે ખડી થયેલી બહાદુરીને ઘડીભેર જોઈ રહયા પછી બોલ્યો.

‘હવે એક દુકાની પણ નો ખપે.’

‘ના ના તુ કે એટલા આપવા આવ્યો છું.’

‘અરે ! શેઠ કાંક નિરાંત રાખો. ટાઢા પડો.’

‘મારૂ રામપુરા ભંગાતુ હોય અને હું ટાઢો પડું.’

‘નિરાંત તો ત્યારે થાય, જયારે સોદો પાકો થાય. હું વાણિયાનો દિકરો. સોદો પાકો કરીને જ પાછો વળવાનો છું.’

‘સોદો પાક્કો હાઉ.’

‘આ મીરખાં બોલે છે?’

‘હા.’ બોલતાં મીરખાંએ પોતાના પહોળા પંજાની જઠર આંગળીઓ ઘેઘૂર દાઢી મુછના કાતરારૂપ ફેરવી. અફાટ વગડાને ગજાવતો બોલ્યો શેઠ મેં જસાચીઠ્ઠી મોકલ્યા વગર એક પણ ગામ ભાંગ્યું નથી અને એક પણ મરદ મને મળ્યો નથી. આજ વાણિયા બ્રાહ્મણની બહાદુરીને મીરખાં સલામ કરે છે. જાઓ હમણાં અહૂર થાશે.

‘એમ જાઈ કયાં હવે? ખુશાલી ઉજવીએ.’

બોલીને શેઠે બગીમાંથી મીઠાઈના ટોપલા ઉતરાવ્યા. મીઠા મોં કરી ચકુશેઠ અને ચીકાગોર વળી નીકળ્યા. રામપુરના અભય વચનની વરમાળા પહેરાવીને પાદર પુગ્યા. ઠાકર મંદિરે ઝાલર રણઝણી, નગારાના નાદ સંભળાયા.

‘ગાડીને ગોરને ફળિયે હાંક્ય.’
હાંકનારે ગોરના ઘરઢાળા ઘોડો દોર્યો.

‘લ્યો ગોર આ નાણાંની કોથળિયું તમને દીધી. ‘દલપતરામ ગોર ચકુશેઠની માથે નજર ઘોળીને બોલ્યા.

‘કારણ?’

‘કારણ ને બારણ આ રૂપિયા મેં ઘરબારા કાઢયા. હવે ઘરમાં ન ખપે. હું દેવા જોગ છું તમે લેવા જોગ છો.’

‘બસ અરઘા જન્મારાની ભાઈબંધીમાં મને આટલો જ ઓળખ્યો?’

‘બ્રાહ્મણ માં શારદાનો ઉપાસક હોય, લક્ષ્મીનો નહીં, જરૂર પડતાં વધારે બ્રાહ્મણે લીધાનું માંગ્યાનું કયાંય સાંભળ્યું છે?’

ચતુર વાણિયો ભાઈબંધની વાતનો સાર પામી ગયો તો હવે આ રૂપિયાનું કરવું શું?

‘મારું માનો તો  મારગ બતાવું.’

‘માન્યું જાવ.’

‘ખોડો ઝોરને આશરો નથી. પાંજરાપોળ ઉભી કરો.’

‘કબુલ’

બેઉ ભાઈબંધ છુટા પડયા. બીજા દિવસે પાંજરાપોળ માટે બસોને પચ્ચીસ વીઘા જમીન ભરાવી ગાયકવાડ સરકારને રૂપિયા ભરી દીધા.

વધુ માહિતી
ઉપરનો બનાવ વિક્રમ સંવત ૧૯૭૫માં બન્યો હતો. પ૪ વર્ષની વયે ઉદાર અને બહાદુર શેઠ ચકુભાઈ મોતીચંદનું અવસાન થયું.
પાંજરાપોળ પર રામપુર (ભંકોડા) ગામે તેમના નામની તખતી આજે વાંચી શકાય છે. ગામમાં ત્રણ ભોની હવેલી તેમની નેકટેકની ગૌરવગાથા કહેતી ઉભી છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!