41. રાક્ષસ અને ચાણક્ય – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

રાક્ષસ પોતાના મંદિરમાં ચિંતામાં નિમગ્ન થએલો બેઠો હતો. પોતાની આવી દુર્દશા શાથી થઈ એનો વિચાર સદાના નિયમ પ્રમાણે તેના મનમાં ચાલતો હતો, “હું આવો અંધ કેમ બની ગયો ? હું પુષ્પપુરીમાં જીવતો જાગતો બેઠેલો છતાં એકાએક આટલો મોટો ભયંકર પ્રાણનાશ – રાજકુળનો પ્રાણનાશ કરવાનો વ્યૂહ મારા જાણવામાં ન આવી શકે, તેવી રીતે મારાં જ માણસોને ફોડીને રચ્યો અને તેને યથાસ્થિત પાર પાડ્યો, તે મનુષ્ય કેટલો બધો મહાન્ બુદ્ધિમાન્ હોવો જોઇએ ! અને તેના પ્રમાણમાં હું કેટલો બધો દુર્બળ, કેટલો બધો મૂર્ખ!!” એવા વિચારો એક પછી એક રાક્ષસના મનમાં આવતા જતા હતા. “જે દિવસે રાજા ધનાનન્દ મુરાદેવીના મહાલયમાં ગયા, તે દિવસથી જ રાજાના નાશનું બીજ રોપાઈ ચૂક્યું હતું. કુમાર સુમાલ્યનો જે દિવસે રાજ્યાભિષેક થયો, તે દિવસે બીજાં બંદિવાનો સાથે મુરાદેવી – દુષ્ટ મુરાને પણ બંધનમુક્ત કરવામાં આવી, એ જ પ્રથમ મોટી ભૂલ થઈ, પરંતુ એને ભૂલ પણ કેમ કહી શકાય? કારણ કે, મુરા આટલાં અને આવાં ભયંકર કાવત્રાં રચશે, એની કોઇને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ. ઠીક – જે થવાનું હતું તે થયું. પણ હવે શું કરવું? આજે આટઆટલાં વર્ષો થયાં જે યવનોને દૂરના દૂર રાખ્યા છે અને મગધદેશમાં જેમનો પદસંચાર થવા દીધો નથી, તેમને અહીં પ્રવેશ કરવાનો આ સ્વાભાવિક પ્રસંગ મળશે કે શું? પર્વતેશ્વરને ખોટાં પત્ર લખી તે થોડા સૈન્ય સાથે આવે એવી યુક્તિ રચીને તેને પકડ્યો, એ કાર્ય જેટલું સરળ હતું, તેટલું સરળ પોતાના પિતાને વિશ્વાસઘાતથી પકડવા માટે એમના પારિ૫ત્યની પ્રતિજ્ઞા લઈ બેઠેલો મલયકેતુ સલૂક્ષસના સહાયક સૈન્ય સાથે મગધપર ચઢાઈ કરશે,

તેને પાછો હાંકી કાઢવાનું કાર્ય નથી. તેને પાછો હાંકી કાઢવા જેટલી સેના મગધમાં નથી, એમ નથી – સેના વિપુલ છે; પરંતુ હમણાંના ચમત્કારિક પ્રસંગે એકલા ભાગુરાયણથી સૈન્યની વ્યવસ્થા જોઇએ તેવી કરી શકાશે કે નહિ, એની શંકા છે.” રાક્ષસના હસ્તમાં અત્યારે કોઈ પણ પ્રકારની સત્તા હતી નહિ. જેવી રીતે દર્ભને ઉખેડી નાંખવામાં આવે છે, તેવી રીતે ચાણક્યે તેને રાજયવ્યવસ્થાની સત્તામાંથી ઉખેડીને દૂર નાંખી દીધો હતો. પરંતુ મગધદેશપર આપત્તિ આવવાના ચિન્હો દેખાતાં જ તેના હૃદયના ચૂરેચૂરા થવા લાગ્યા. હવે શો ઉપાય કરવો, એની તેને સૂઝ ન પડી. ચન્દ્રગુપ્તને મગધના રાજા તરીકે માન્ય કરીને તેને સહાયતા કરવાની વાત તો તેના મનમાં આવી જ નહિ. યવનોની સહાયતાથી મગધને જિતવા ચહાતા મલયકેતુને સહાયતા આપવી, એટલે પોતાના દેશને પોતાના હાથે જ યવનોના હાથમાં સોંપવો, એવું થતું હતું. અને એમ તો તેનાથી કાલત્રયે પણ બની શકે તેમ હતું નહિ. અર્થાત્ આવા પ્રસંગે શાંત થઈને બેસી રહેવા વિના તેના માટે બીજો માર્ગ જ રહ્યો ન હોતો.

અનેક પ્રકારના વિચારો તેના મનમાં આવ્યા કરતા હતા. પરંતુ સ્વસ્થ થઈ બેસી રહેવાનો વિચાર પણ તેને રુચ્યો નહિ. તે ઘણો જ અસ્વસ્થ અને આકુળ વ્યાકુળ થઈ ગયો. એટલામાં “કોઈ આપને મળવા માટે આવ્યું છે” એવા પ્રતિહારીએ આવીને સમાચાર આપ્યા, “કોણ છે ?” એવો રાક્ષસે પ્રશ્ન કર્યો, એટલે તેનું “કોઈ એક બ્રાહ્મણ અને તેની સાથે એક શિષ્ય છે,” એવું ઉત્તર મળ્યું. રાક્ષસે ક્ષણ બે ક્ષણ વિચાર કર્યો. એ બ્રાહ્મણ કોણ હશે, એ વિશે તેનો તર્ક ચાલી શક્યો નહિ. કોઈ અતિથિ અભ્યાગત હશે, એમ ધારીને તેણે પ્રતિહારીને તેમને અંદર લાવવા માટેની આજ્ઞા આપી. આજ્ઞા અનુસાર પ્રતિહારી તે બ્રાહ્મણને અંદર લઈ આવ્યા અને રાક્ષસે ઉઠીને તેને માન આપી બેસવા માટે એક ઉચ્ચાસન દેખાડ્યું, તે આસનપર તે બ્રાહ્મણના શિષ્યે મૃગચર્મ પાથર્યું. બ્રાહ્મણ બેઠો અને તેણે પોતાના શિષ્યને બહાર જઇને બેસવાની સાંકેતિક આજ્ઞા કરી. શિષ્ય ચાલ્યો ગયો. બ્રાહ્મણની મુખમુદ્રા ઘણી જ તેજસ્વી દેખાતી હતી. ચાણક્યના સ્વરૂપનું વર્ણન રાક્ષસે સાંભળેલું હતું, તેથી “એ ચાણક્ય તો નહિ હોય !” એવી પ્રથમ તેના મનમાં શંકા આવી, પરંતુ “ચાણક્ય મારે ત્યાં શામાટે આવે?” એવો બીજો વિચાર મનમાં આવવાથી પ્રથમની શંકાને તેણે દૂર કરી દીધી. બ્રાહ્મણ આસને બેઠા પછી રાક્ષસે પુનઃ તેનું અભિવંદન કરીને તેને નમ્રતાથી કહ્યું કે, “બ્રાહ્મણશ્રેષ્ઠ ! આપની હું શી સેવા કરું? મારી કઈ સેવાથી આપને સંતોષ થવાનો સંભવ છે ? કયા કાર્ય માટે આ રાક્ષસને ઘેર આપનું પધારવું થયું છે? કૃપા કરીને કહી સંભળાવો.”

એ સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે, “અમાત્યરાજ !.…. ……….. .”

પરંતુ રાક્ષસે તેને વચમાં જ થોભાવીને કહ્યું કે, “બ્રહ્મન્ ! હું હવે અમાત્ય નથી. આ પુષ્પપુરીમાં થોડાક દિવસોથી જે એક હાહાકાર પ્રવર્ત્તી રહ્યો છે, તે વિશે તે આપે સાંભળ્યું હશે જ. માટે હવે મને અમાત્યના નામથી શામાટે બોલાવો છો વારુ?”

“એ હાહાકારથી તમારી અમાત્યપદવીને શો બાધ આવે તેમ છે? તમે તો પુષ્પપુરીના સિંહાસનના અમાત્ય છો જ, ઉપરાંત અમાત્યની પદવી ધરાવનારા પુરુષમાં જે યોગ્યતા હોવી જોઇએ, તે સર્વ યોગ્યતા તમારા અંગમાં છે, એટલે પછી તમને અમાત્યના નામથી શામાટે ન બોલાવવા વારુ? ખાસ હું તો તમને અમાત્ય જ ધારું છું, અને તેથી હું તો તમને અમાત્યના નામથી જ બોલાવવાનો !” ચાણક્યે તેના મતનું ખંડન કર્યું.

એટલું કહીને તે બ્રાહ્મણ કિંચિત થોભી ગયો. સર્વથા અસ્ખલિતા અને આજ્ઞા કરવામાં જ યોજવા યોગ્ય એ બ્રાહ્મણની વાણી કાને પડતાં જ રાક્ષસ સ્તબ્ધ થઈ ગયો. બ્રાહ્મણે પોતાના બોલવાનું કાર્ય આગળ ચલાવ્યું:-

“અમાત્યરાજ ! મારી અહીં એક કુટિલ પુરષ તરીકે ખ્યાતિ થએલી છે અને લોકો મને કૌટિલ્યના નામથી બોલાવવા લાગ્યા છે, એમ પણ મારા સાંભળવામાં આવ્યું છે. જે કાર્ય કુટિલતાથી જ સધાય તેવું હોય, તેને કુટિલતાથી જ સાધવું જોઇએ; તેમ જ સરળતાથી થઈ શકતું હોય, તો કાર્યની સિદ્ધિ સરળતાથી જ કરવી જોઇએ, એ મારો સિદ્ધાન્ત છે અને એ મારી નીતિ છે. તમને અમારા પક્ષમાં લેવા માટે સરળતા વિના હવે બીજો કોઈ ઉપાય નથી અને આ મગધનું રાજ્ય તમારા વિના ચાલવાનું નથી. મગધરાજ્યરથની ધુરાને ધારણ કરવા માટે તમારા જેવા જ પુરુષ પુંગવની આવશ્યકતા છે. એ સઘળાનો વિચાર કરીને જ આજે હું સરળતાથી તમારા સંગે વાતચિત કરવા માટે આવેલો છું.” બ્રાહ્મણે પોતાના કાર્યનો ઉપક્રમ કર્યો.

એ બ્રાહ્મણ કોણ હશે, એ વિશે હવે રાક્ષસના મનમાં શંકા રહી નહિ. તેને એાળખતાં જ પ્રથમ તે ઊઠીને તેને કાઢી મૂકવાનો અને રાજઘાતક પુરુષ સાથે કાંઈ પણ વાત ન કરવાનો તેને વિચાર થઈ ગયો; પરંતુ ત્વરિત જ પોતાને ત્યાં આવેલા અભ્યાગતનું આવી રીતે અપમાન કરવું યોગ્ય નથી, એમ તે શ્રદ્ધાળુ રાક્ષસના મનમાં વિચાર આવતાં તે કાંઈ પણ બોલ્યો નહિ અને ચાણક્યના મુખનું એક ધ્યાનથી અવલોકન કરતો ઉભો રહ્યો.

પોતાના પ્રથમ ભાષણનું સારું પરિણામ થએલું જોઇને ચાણક્ય આગળ વધીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! તમારા સ્વભાવમાં સરળતા છે, એટલે હું પણ સરળ ભાવથી જ અહીં સમાધાન કરવાને આવેલો છું. નન્દે મારું અપમાન કર્યું, તેથી મેં તેનો મૂળ સહિત નાશ કર્યો. તમારી જો કે તેનામાં પરમ નિષ્ઠા છે, પણ હવે તમારી એ નિષ્ઠા તમે ચન્દ્રગુપ્તને અર્પણ કરો, તમારી નિષ્ઠાનું તે સારું મૂલ્ય આંકશે.” બ્રાહ્મણનું એ ભાષણ સાંભળીને રાક્ષસે પોતાના કપાળમાં વળ ચઢાવ્યા. એ બ્રાહ્મણ વિશે હવે તેના મનમાં સંશય તો રહ્યો નહોતો જ. એટલે તે એકદમ તેને કહેવા લાગ્યો કે, “શું, રાજવંશનો ઘાત કરીને પેલા વ્યાધપુત્રને રાજ્યાસને બેસાડનારો ચાણક્ય તે તું જ કે? હા હા – નહિ તો મારે જ ઘેર આવીને મારી સાથે આટલી બધી ધૃષ્ટતાથી બીજું કોણ ભાષણ કરી શકે ? સર્વદા કુટિલતાથી વર્તનારા મનુષ્યો પ્રસંગ વિશેષ સરળતાનો વેશ ધારણ કરે, એ પણ કુટિલનીતિનો જ એક પ્રકાર છે. મારી સરળતાની તું આટલી બધી પ્રશંસા શા માટે કરે છે ? મારી અંધતાનાં મને કેવાં ફળો મળ્યાં છે, તે વિશે મોઢા મોઢ મેણું મારવાને જ તું અહીં આવ્યો છે કે શું ? ઠીક ઠીક; પરંતુ, જો કે મારી અંધતાનો લોકોને આટલો અનુભવ થઈ ચૂકેલો છે, છતાં પણ તું મને પાછો અંતઃકરણપૂર્વક અમાત્ય પદવી આપવાને આવે, એ સત્ય કરીને માનું એટલો બધે હું અદ્યાપિ અંધ થએલો નથી. તું અહીં શા કારણથી આવેલો છે, તે હું સારી રીતે સમજી શકું છું. મારાં નેત્રોમાં કેવી રીતે ધૂળ નાંખીને તે મને આંધળો બનાવ્યો છે, તે પોતાના મુખથી કહી સંભળાવી પોતાની આત્મશ્લાઘા અને મારી ફજેતી કરવાને જ અહીં તારી પધરામણી થએલી છે. પરંતુ એમાં તારે દોષ નથી. જ્યારે મારી બુદ્ધિની નિર્બળતાથી મારા હાથે જ મેં પોતાને ફજેત કર્યો છે, તો તું પોતાની બડાઈ મારીને મને ચીડવવાનો પ્રયત્ન શા માટે ન કરે? પણ ચાણક્ય ! પોતાની કુટિલનીતિથી મેળવેલા વિજયની મારી સમક્ષ પ્રશંસા કરી મને લજ્જિત કરવાથી તારા મનમાં જેટલું સમાધાન થવાનો સંભવ છે, તેના કરતાં મારા એ પરાજયની કથા હું જ તને કહી સંભળાવું તો તેના કરતાં પણ તારા હૃદયમાં અધિક સંતોષ થવાનો સંભવ છે. મુરાદેવીના મહાલયમાંની એક દાસીને મેં દૂતિકા બનાવવાનો પ્રયત્ન કર્યો, તે દાસીને તેં મારા મંદિરમાંની પોતાની ગુપ્ત દૂતિકા બનાવી અને તેની સહાયતાથી તેં મારા અનુચર હિરણ્યગુપ્તને – નહિ, મારા જમણા નેત્રને – ફોડ્યો અને તે દ્વારા……”

રાક્ષસ એવી જ રીતે આગળ બોલવા જતો હતો, એટલામાં ચાણક્યે તેને વચમાં જ કહ્યું કે, “અમાત્ય ! એવી તેવી વાતોનો પુનઃ ઉચ્ચાર કરીને વિનાકારણ હૃદયમાં ઉદ્વેગનો વધારો શા માટે કરો છે ! હું ખરેખર કહું છું કે, તમને સતાવવાને નથી જ આવ્યો.”

“ત્યારે મહારાજ ! આપે આટલે બધો શ્રમ શાને લીધો ?” રાક્ષસે પૂછ્યું.

“તમે ચન્દ્રગુપ્તના અમાત્યપદને વિભૂષિત કરો અને રાજ્યશકટને ચલાવવાનો ભાર પોતાને શિરે લ્યો – અર્થાત્ મગધદેશની પૂર્વ પ્રમાણે અથવા તેથી પણ વધારે સારી વ્યવસ્થા કરો; એટલા માટે જ મેં અહીં આવવાનો શ્રમ લીધો છે, સમજ્યા?” ચાણક્યે ખુલાસો કર્યો.

“એટલે કે જે વાર્તા કાલત્રયે પણ બનવાની નથી, તે સિદ્ધ કરવામાટે જ આપે અહીં પધારવાનો શ્રમ લીધો છે, એમ જ કહી શકાય.” રાક્ષસે જવાબ આપ્યો.

“કેમ વારુ? કાલત્રયે પણ એ વાર્તા બનવાની નથી, એટલે શું?” ચાણક્યે પૂછ્યું.

“રાક્ષસના અનુચર હિરણ્યગુપ્તને ફોડવો અને રાક્ષસને પોતાને ફોડવો, એ બે કાર્યો સર્વથા ભિન્ન છે.” રાક્ષસે પોતાની દૃઢતાનું દર્શન કરાવ્યું.

“તે હું સારી રીતે જાણું છું પરતું મગધનું રાજ્ય યવનોના હસ્તમાં ન જાય, તો વધારે સારું; એવી આપની ઇચ્છા છે, અને યવનો તો ચઢાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે, એનો કાંઈ વિચાર છે?” ચાણક્યે પોતાના કપટજાળનો વિસ્તાર કરવા માંડ્યો.

“મારે એનો વિચાર શાને રાખવા જોઇએ વારુ ? અત્યારે મગધદેશની સત્તાના જે જે અધિકારીઓ છે, તેઓ એનો પ્રતિકાર કરવાને સર્વ રીતે સમર્થ છે.” રાક્ષસે માર્મિક ઉત્તર આપ્યું.

“કદાચિત તેઓ સમર્થ હશે, છતાં પણ તેમને તમારી સહાયતાની આવશ્યકતા છે; અને તેથી જ મારે અત્યારે અહીં આવવું પડ્યું છે.” ચાણક્યે વાક્યનું અનુસંધાન કર્યું.

“નન્દવિના બીજા કોઈની પણ સેવા ન કરવી, એવી મારી પ્રતિજ્ઞા છે.” રાક્ષસે કહ્યું.

“એટલે મગધદેશની – પાટલિપુત્રની પણ સેવા નથી કરવી કે ?” ચાણક્યે પૂછ્યું.

“કદાચિત ન પણ કરું ! યવનેનો પણ જઈ મળું ! મારો નિયમ નથી!” રાક્ષસે કહ્યું.

“યવનોને મળી જવું, એ વાત આપનાથી કોઈ કાળે પણ બનવાની નથી, એવો અમારો દૃઢતમ નિશ્ચય થઈ ગયો છે. માટે આપનાં આવાં વચનોથી અમે ભ્રમિષ્ટ થવાના નથી જ.” ચાણક્યે પોતાની દીર્ધદૃષ્ટિતાનો અનુભવ કરાવ્યો.

“આપનો એવા દૃઢતમ નિશ્ચય શાથી થયો ? એ નિશ્ચય થવાનું કોઈ મોટું કારણ હોવું જોઇએ.” રાક્ષસે જાણે પોતે શંકાશીલ હોય, તેવા ભાવથી કહ્યું. “કારણ? આપનું પોતાનું જ ભાષણ. બીજું કારણ કયું હોય ?” ચાણક્યે કહ્યું.

“મારું પોતાનું જ ભાષણ? મેં કોઈ દિવસે એ બાબત સંબંધી વિચારો કોઈને પણ જણાવ્યા નથી.” રાક્ષસ વળી પણ અભિમાનમાં તણાયો.

“કોઈને પણ નહિ ! શાકલાયનને પણ નથી જણાવ્યા ?” ચાણક્યે ચોરી પકડી.

“શું શાકલાયને મારા અને તેના વચ્ચે જે વાતચિત થઈ હતી, તે આવીને તમને સંભળાવી છે કે? ત્યારે તો એણે બધી વાત કહી હશે નહિ?” રાક્ષસે પ્રશ્ન પૂછ્યો.

“તેણે પોતે તો એક શબ્દ પણ નથી કહ્યો.” ચાણક્યે ટુંકો જવાબ દીધો.

“ત્યારે તે મારા મંદિરના અંતર્ભાગ પર્યન્ત આપના ગુપ્ત દૂતોનો સંચાર થએલો છે, એમ જ કહી શકાય. કહો, ત્યારે હવે વિશ્વાસ કોનો રાખવો ? મારા બધા પરિચારકો કૃતઘ્ન થઈ ગયા ! વાહ – ચાણક્ય ! વાહ ! તમે પ્રપંચપરાયણ તો પૂરેપૂરા છો, એમાં કશી શંકા નથી.” રાક્ષસે પોતાના પરાજયનો સ્વીકાર કર્યો.

“એ સમાચાર આપનાર તમારો કોઈપણ અનુચર નથી, માટે વ્યર્થ કોઈનામાં શંકા ધારશો નહિ, કિન્તુ શાકલાયન સાથે આવેલા સંવાહક તે મારા દૂતોમાંનો જ એક હતો. તેણે જ મને બધો વૃત્તાન્ત કહી સંભળાવ્યો. હવે તમારે જે કરવું હોય, તે કરવાને તમે પૂર્ણ રીતે સ્વતંત્ર છો.” ચાણક્યે ભેદનો પડદો ખોલી નાંખ્યો.

ચાણક્યનો એ છેલ્લો ખુલાસો સાંભળીને રાક્ષસ સર્વથા સ્તબ્ધ થઈ ગયો. “શાકલાયન સાથે આવેલો સંવાહક ચાણક્યનો ગુપ્ત દૂત હતો અને શાકલાયન તે જાણી ન શક્યો, એ ચાણક્યની કેટલી બધી ચતુરતા ! ચતુરતાની સીમા !” એવી જાતિના ઉદ્દગારો તે મનસ્વી જ કાઢવા લાગ્યો. ત્યારપછી તેણે ચાણક્યને કહ્યું કે;–

“શાકલાયનને પણ મેં બનાવવાનો જ પ્રયત્ન કર્યો હોય તો ?”

“તો ઈશ્વર જાણે ! પણ અનુભવ તો એમ કહેતો નથી. ગમે તેમ હોય, પણ અમાત્યરાજ ! હવે બનેલી સર્વ બીનાઓનું વિસ્મરણ કરીને તમે ચન્દ્રગુપ્તના સચિવપદનો સ્વીકાર કરો. નન્દના સમયમાં તમારો જેટલો અધિકાર હતો, તેમાં અને તમારા હવે પછી થનારા અધિકારમાં લેશમાત્ર પણ અંતર રહેશે નહિ. કુટિલ નીતિ પણ સદા સર્વદા એક સરખી રીતે લાભકારિણી થઈ નથી શકતી, તમારા વિશે લોકોનાં મનમાં જે ખરાબ વિચારો ઠસાઈ ગયા છે, તે ઘડીના છઠ્ઠા ભાગમાં નીકળી જશે – તેમના નીકળી જવામાં જરાપણ વિલંબ લાગશે નહિ. તમે એ તો જાણો જ છો કે, લોકોનાં મતો અને ગાડરિયો પ્રવાહ એ બન્નેનો સ્વભાવ એક સરખો જ છે. તમારા માટે કોઈના પણ મનમાં વૈષમ્ય નથી. મારો દ્વેષ નન્દ માટે હતો – મારા અપમાનનું પરિમાર્જન કરવા માટે મારે તેના વંશનો નાશ કરવાનો હતો અને તે મેં કર્યો છે. હવે મારે આ રાજ્ય સાથે કશો પણ સંબંધ નથી. તમે આજે એને સ્વીકાર કરવાનું વચન આપો, એટલે કાલે હું તપશ્ચર્યા માટે હિમાલયની કોઈ એક કંદરામાં ચાલ્યો જાઉં, એટલો જ વિલંબ રહ્યો છે. મારા મનમાં માત્ર એક જ બીજી ઇચ્છા છે, અને તે એ કે, તમારે આ યવનોને ગાંધારદેશથી પણ પેલી તરફ હાંકી કાઢવા. ચન્દ્રગુપ્ત ધીર અને શૂરવીર પુરુષ છે, એટલે તમારા જેવાની જો એને સહાયતા મળશે, તો એ કાર્ય ચપટી વગાડવા જેટલા સમયમાં જ સિદ્ધ થઈ જશે. તમે એમના અધિકારની છાયાતળે તક્ષશિલામાં કદાપિ રહેલા નથી, નહિ તો એએા ત્યાંના ગરીબ ગુરબા ઉપર કેટલો બધો જુલમ અને અત્યાચાર કરે છે, તે તમે કાંઈક જાણી શક્યા હોત.” ચાણક્યે પાછા પોતાના હેતુને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો.

ચાણક્ય અંતે રાક્ષસ સાથે એવા સદ્ભાવથી અને હૃદયના સત્ય ઉત્સાહથી બોલવા લાગ્યો, કે તેથી રાક્ષસ ચન્દ્રગુપ્તના સચિવપદને સ્વીકારશે, એવાં સર્વ ચિન્હો તેની મુખમુદ્રામાં જણાયાં. પણ થોડીવાર રહીને રાક્ષસે ઉત્તર દીધું કે, “ચાણક્ય ! મારા સ્વામીનો અને તેના કુળનો જે ઘાત કરનાર હોય, તેની સાથે મારે એક શબ્દ પણ બોલવો જોઈએ નહિ. એ નિયમનો ભંગ કરી આટલા સમયથી હું તમારી સાથે વાચાળપણું કર્યા કરું છું, એ માટે મારા હૃદયમાં ઘણો જ પશ્ચાત્તાપ થાય છે. છતાં પણ તમે જ્યાં સૂધી યવનોના પ્રહારથી મગધદેશને બચાવવાનો યત્ન કરશો, ત્યાં સૂધી હું તમારા કોઈ પણ કાર્યમાં વિઘ્નકર્તા થઈશ નહિ; એ નિશ્ચયપૂર્વક માનવું. તમે મને સચિવ બનાવવા ઇચ્છો છો, તે માત્ર એટલા માટે જ ને? તો તેનું હું વચન આપું છું કે, યવનો સાથે મળીને હું તમને કશી પણ અડચણ કરવાનો નથી અને તમારો ભેદ તેમને જણાવવાનો નથી. ખરું પૂછો તો અત્યારે મારા હાથમાં છે પણ શું, કે હું એવો કોઈ પ્રયત્ન કરી શકું? એટલે મારું આ આશ્વાસન પણ નિરર્થક જેવું જ છે; છતાં પણ તમે જ્યારે મારી પૂઠે જ પડ્યા છો, ત્યારે આ વચન આપવું પડે છે. નહિ તો હવે મારો ભાર શો ?”

“અમાત્યરાજ ! આવાં વચનો ન ઉચ્ચારો, મેં તમને ફસાવ્યા અને પોતાના વિશ્વાસુ સ્વભાવથી તમે વધારે પરાજિત થયા, એ ખરું; પણ તેથી તમારી કીંમત હું નથી જાણતો, એમ તમારે ધારવું નહિ. હું તમારી ખરી યોગ્યતાને સારી રીતે જાણું છું અને તેથી જ એકવાર પ્રથમ મેં તમને ભાગુરાયણ દ્વારા વિનતિ કરાવી હતી. ત્યાર પછી બનાવટથી ચન્દનદાસને વધસ્થાનમાં લઈ જવાનું નાટક ભજવ્યું અને મિત્રસ્નેહથી જો તમારું મન વળે, તો વાળવું, એવો પ્રયત્ન કર્યો. પણ જ્યારે એ પ્રયત્ન પણ નિષ્ફળ થએલો જણાયો, ત્યારે તમારા શત્રુઓ સાથે મળી જવાનો તો વિચાર નથી? એવી શંકા થતાં તેના નિવારણ માટે સિદ્ધાર્થકને સંવાહકનો વેષ આપીને તે દ્વારા શાકલાયનને શીશામાં ઉતાર્યો અને તે તમારે ત્યાં આવે એવી વ્યવસ્થા કરીને એ વિષયમાં પણ તમારી પરીક્ષા કરી લીધી. અર્થાત્ મગધદેશ વિશેની પ્રીતિ અને યવનો પ્રતિના દ્વેષનો તમારા અંત:કરણમાં જોઈએ તેટલી પ્રબળતા સહિત નિવાસ છે, એ સારી રીતે જાણી લીધું અને ત્યારપછી જ હું પોતે અહીં તમને વિનતિ કરવાને આવ્યો છું. એ સઘળી બાબતોપરથી તમારી સહાયતાની અમે કેટલી બધી યોગ્યતા સમજીએ છીએ, એનો વિચાર તમારે જ કરી લેવો. હવે તો મારી વિનતિને માન આપી, ચન્દ્રગુપ્તના સચિવપદને દીપાવશો ને? કે હજી પણ કાંઈ વાંધો છે ?” ચાણક્યે ધીમે ધીમે બધો ભેદ ભાંગી નાંખ્યો.

“ચાણક્ય ! હું તમને અનેક વાર કહી ચૂક્યો છું કે, નન્દવિના હું બીજા કોઈની પણ સેવા કરવાનો નથી. માટે હવે તમે વ્યર્થ આગ્રહ શા માટે કરો છો? મારી પ્રતિજ્ઞા કરતાં બીજી કોઈ પણ વસ્તુ આ વિશ્વમાં મને પ્રિય નથી.” રાક્ષસે આટઆટલું થયા છતાં પણ પોતાનો નિશ્ચય જ કાયમ રાખ્યો.

“બહુ સારું, આ૫ પોતાની એ પ્રતિજ્ઞાનું તો એકનિષ્ઠાથી પાલન કરશો ને? નન્દનો જ કોઈ વંશ જ પાટલિપુત્રના સિંહાસને બેસે, તો તેના સચિવ થઈને તેની સેવાનો તો સ્વીકાર કરશો ને ?” ચાણક્યે કહ્યું.

“હા – મારી એ પ્રતિજ્ઞા દૃઢ છે. જો નન્દનો કોઈ પણ વંશ જ મળી આવશે, તો અત્યંત આનંદથી હું તેની સેવાનો સ્વીકાર કરીશ. ચાણક્ય ! તમે જો કે કુટિલ નીતિમાં નિપુણ છો, પણ હું તમારી કુટિલ નીતિની જરા રતિ પણ ભીતિ ન કરતાં સ્પષ્ટતાથી કહી દઉં છું કે, જો કોઈ નન્દવંશનો નાનામાં નાનો અંકુર પણ મારા જોવામાં આવશે, તો તો હું તેનું કાયા, વાચા અને મનથી સંરક્ષણ કરીશ. તેના લાભ માટે ગમે તેવા કઠિનમાં કઠિન પ્રયત્નો કરીશ અને તારા ચન્દ્રગુપ્તનો ઉચ્છેદ કરીને મગધના સિંહાસને તેની સ્થાપના કરી તેનો સચિવ થઇશ.” રાક્ષસે યથાર્થ ઉત્તર આપ્યું.

રાક્ષસનું એ ભાષણ સાંભળીને ચાણક્ય હસ્યો. તેની એ ચેષ્ટાથી રાક્ષસને જરાક માઠું લાગ્યું અને તેથી તે વળી પણ ચાણક્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ચાણક્યદેવ! તમે આનંદથી હાસ્ય કરો, હું સારી રીતે સમજું છું કે, હું જે બોલું છું, તે તમને અશક્ય લાગવાથી જ તમે મારું હાસ્ય કરો છો.”

“તમારા સમજવામાં ભૂલ છે.” ચાણક્યે રાક્ષસને કહ્યું, “તમે કહો છો, તે વાત સર્વથા શક્ય છે, અને તેથી જ હું હસું છું, અશક્ય લાગવાથી હસતો નથી.”

“તમારો આ બચાવ પણ મારા પરિહાસનું જ એક રૂપ છે, કારણ કે, આજનું મારું આ બોલવું તે શશશૃંગના ધનુષ્યને ધારણ કરનાર અને આકાશપુષ્પના ગુચ્છને ધરનાર વંધ્યાપુત્ર મળ્યો હતો, એ વાક્ય જેવું જ અશક્ય છે એ હું પોતે પણ સારી રીતે જાણી શકું છું, ત્યારે તમને એ અશક્ય જણાય એમાં આશ્ચર્ય તો શું?” રાક્ષસે પોતાના અંત:સ્થ ભાવનું પ્રતિપાદન કર્યું.

“આ૫ માનો કે ન માનો, પણ અમને એમાં એટલી બધી અશક્યતા દેખાતી નથી. આપ કહો તો એ મારા વિચારને હું સિદ્ધ કરી શકું તેમ છે.” ચાણક્યે કહ્યું.

રાક્ષસ એના ઉત્તરમાં કાંઈ પણ ન બોલતાં ખિન્ન વદને તેને જોઈ રહ્યો.

એટલે ચાણક્ય તેને કહેવા લાગ્યો કે ,“અમાત્યરાજ ! હું માત્ર એક જ સવાલ આપને પૂછવાનો છું તે એ કે, જો નંદવંશનો કોઈ અંકુર તમારા જોવામાં આવે, તો તેના પક્ષમાં રહી તેને પાટલિપુત્રના સિંહાસને સ્થાપીને તેની સચિવપદવીને સ્વીકારવાનો આપનો નિશ્ચય તો ડગમગવાનો નથી ને? એ પ્રતિજ્ઞાના પાલનમાં તો કોઈપણ પ્રકારનો પ્રત્યવાય નહિ આવે ને ?

“અનેકવાર કહ્યું કે નહિ વારંવાર એનો એ પ્રશ્ન શામાટે પૂછો છો?” રાક્ષસે કંટાળીને કહ્યું.

“વારંવાર એ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે, નન્દના કોઈ પણ અંકુરને લાવી તમારા સમક્ષ ઊભો રાખી જો ચન્દ્રગુપ્તનો અસ્વીકાર કરતા હો તો આનો સ્વીકાર કરો, એવી મારે તમને વિનતિ કરવાની છે. પણ એમ કરવા પહેલાં આ એક વસ્તુ હું તમને બતાવું છું તે જુઓ. આ શું છે? રક્ષાબંધન કે નહિ ?” એમ કહીને ચાણક્યે પોતાપાસેનું રક્ષાબંધન રાક્ષસના હાથમાં આપ્યું અને તેને જોઈને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ ગયો. તે આશ્ચર્યના ભાવથી જ કહેવા લાગ્યો, “હા – આ રક્ષાબંધન છે અને તે નન્દના વંશનું જ છે. જે રાજા સિંહાસનનો અધિકારી હોય, તેને ત્યાં જે પુત્રનો જન્મ થાય અને તે પ્રથમ પુત્ર હોય, તો તેના મણિબંધપર આવું રક્ષાબંધન બાંધવાની પુરાતન રીતિ છે. પણ તમારું આ રક્ષાબંધનવિશે શું કહેવું છે?”

“જે કહેવાનું છે તે કહું છું. શારદ્વત જરા અહીં આવને.” આજ્ઞા સાંભળીને ચાણક્યનો શિષ્ય શારદ્વત્ બહાર ઉભેા હતો, તે અંદર આવ્યો. તેને ચાણક્યે રાક્ષસ સમક્ષ ઉભો રાખ્યો, અને તેને પોતાના જમણા હાથની રેષા ઉધાડી રાખવાની આજ્ઞા કરીને કહ્યું કે, “રાક્ષસ! આ જુઓ, આ બાળકની હસ્તરેષાનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, તમે સામુદ્રિક ચિન્હોને સારી રીતે ઓળખી શકો છો, તેથી જ આ ચિન્હો તમને બતાવું છું. આ બધાં ચિન્હ ચક્રવર્તી રાજા થવાનાં છે કે નહિ, તે કહો જોઈએ.”

“હા – છે.” એટલું બોલીને રાક્ષસ ગભરાટમાં પડી ગયો. હવે પછી ચાણક્ય શું કરવાનો છે, એનું તેનાથી અનુમાન કરી ન શકાયું.

“રાક્ષસરાજ ! હવે તમે જ વિચાર કરો, કે જે ખરો રાજબીજ પુરુષ ન હોય, તેની હસ્તરેષા આવી હોઈ શકે ખરી કે? ન જ હોય.” ચાણક્ય બોલ્યો.

રાક્ષસે એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ.

એટલે ચાણક્યે પોતાના ભાષણનું અનુસંધાન કરતાં કહ્યું કે, “અમાત્યરાજ! હવે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કેમ નથી કરતા વારુ ? આ તમારા સમક્ષ ઊભો રહેલો બાલક તે નન્દવંશનો અંકુર છે, એના જન્મ સમયે એના મણિબંધપર આ રક્ષાબંધન બાંધેલું હતું. એના ગ્રહો સારા હોવા છતાં પણ એક અનિષ્ટ ગ્રહની દશાથી એના જન્મ પછી આયુષ્યના પ્રથમ બાર વર્ષ દારિદ્રયમાં ગાળવાં પડ્યાં છે. એની માતા તે વ્યાધરાજાની કન્યા હતી. ભાગુરાયણે વ્યાધરાજાને જિતી તેની કન્યાને હરી લાવી ધનાનંદને અર્પણ કરી હતી, ધનાનંદે તેનાથી ગાંધર્વવિવાહ કર્યો અને તેના ઉદરથી એક પુત્ર ઉત્પન્ન થયો. ગ્રહદશાના પ્રભાવથી તમે તેના જન્મ વિશે સંશયશીલ થયા અને તેને મારી નાંખવામાટે અરણ્યમાં મોકલાવી દીધો. પરંતુ ભવિષ્યમાં તેને ચક્રવર્તીની પદવીએ ચઢાવનારા ગ્રહોની પ્રબળતાથી તેને મારવા માટે નિયત થએલા મારાઓના હૃદયમાં દયા આવવાથી તેના પ્રાણ બચ્યા. તેમણે તેને હિમાલયના એક અરણ્યમાં છોડી દીધો અને ત્યાર પછી ધર્મકર્મસંયોગે તે એક ગોવાળિયાને હાથ લાગ્યો. ગોપાળકને ત્યાં બાર તેર વર્ષ કાઢયા પછી તે મારી દૃષ્ટિએ પડ્યો. એટલે તેનાં રાજચિન્હોને જોઈ એક રાજકુમારને મળવું જેઈએ તેવું શિક્ષણ આપવાના હેતુથી મેં તે ગોપાળક પાસેથી તે બાળક માગી લીધો. તે બાળક હાલમાં મારા તાબામાં છે, તેનો તો તમે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સ્વીકાર કરો. એમાં તો કાંઈ દોષ જેવું નથી ને?”

આ બધો વૃત્તાંત સાંભળીને રાક્ષસ ઘણો જ ગભરાટમાં પડી ગયો–તેને આ ભેદોથી ભરેલા અટપટા નાટકની કાંઈ પણ સમજ પડી નહિ. એટલે ચાણક્ય પુનઃ તેને સંબોધીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! હવે કાંઈ પણ ઉત્તર કેમ આપતા નથી ? મારો વૃત્તાન્ત તમને અસત્ય તો નથી ભાસતો ને ? અને જો અસત્ય ભાસતો હોય, તો પ્રતિજ્ઞાનો ભંગ કરવાની ઇચ્છા તો નથી થતી ને?”

ચાણક્ય! આ બાળકની હસ્તરેષાનાં ચિન્હો તો બધાં ચક્રવર્તી થવાની જ સૂચના આપે છે, અને આ રક્ષાબંધન પણ નન્દનું જ છે; પરંતુ……”

“હવે પરંતુ શું?” રાક્ષસને બોલતો અટકાવી ચાણક્યે ઝટકો માર્યો.

“આ ધનાન્દનો બાળક છે તેનો આધાર શો? અરણ્યમાં મારવા માટે મોકલાવેલો બાળક આજ છે એની ખાત્રી થવી જોઈએ.” રાક્ષસે કહ્યું.

“જેણે એ બાળકનું અરણ્યમાં બાર વર્ષ પર્યન્ત પાલન કરેલું છે તે ગોવાળિયો ખાત્રી આપવા માટે હજી જીવતો છે, અને તે અત્યારે પાટલિપુત્રમાં જ છે. જો તમારી ઇચ્છા હોય, તો તેને બોલાવીએ, પરંતુ પ્રતિજ્ઞા પ્રમાણે હવે તમારાથી આનો અસ્વીકાર થવાનો નથી. આપના વચનનું પાલન થવું જ જોઇએ.”

ચાણક્યના એ શબ્દોનો રાક્ષસે ઘણી વાર સુધી વિચાર કર્યો ને ત્યાર પછી કહ્યું કે, “ચાણક્ય! જે મુરાએ પ્રત્યક્ષ પોતાના પતિનો ઘાત કર્યો તેના પુત્રનો સ્વીકાર કરતાં મારું હૃદય ચીરાઈ જાય છે; પરંતુ આના વિના હવે નન્દનો બીજો કોઈ પણ અંકુર ન હોવાથી નિરુપાયે હું એનો સ્વીકાર કરું છે. પણ હું આવો બલહીન થએલ હોવાથી એની સેવામાં રહેવા છતાં પણ મારાથી એનું શું હિત સાધી શકાવાનું હતું; એનો જ મારા મનમાં વિચાર થયા કરે છે?”

“ધારશો તો એને જ તમે મગધના રાજ્યસિંહાસને બેસાડી શકશો.”

“કેવી રીતે, બ્રહ્મદેવ?” રાક્ષસે હસીને પૂછ્યું, તેને તો આ બધું ટીખળ જેવું જ ભાસતું હતું કે કેમ, તે તો પરમાત્મા જાણે. “કોઈની પણ સહાયતાથી.” ચાણક્યે પ્રત્યુત્તર આપ્યું.

“આવી પડતીના સમયમાં મને સહાયતા પણ કોણ આપવાનું હતું ? માટે આપની કલ્પના યોગ્ય નથી.” રાક્ષસે નિરાશા બતાવી.

“જો ઇચ્છા હોય તો સહાયતા અત્યારે ને અહીં જ મળી શકે એમ છે. મારી કલ્પના યોગ્ય જ છે. હું આ૫ને સહાયતા આપી શકું તેમ છે.” ચાણક્યે કહ્યું.

“કેમ, ચન્દ્રગુપ્તને અને આપનો સંપ તૂટી ગયો કે શું ? તેને ત્યાગી દેવાની તો તમારી ઇચ્છા નથીને ?” રાક્ષસે ઉપહાસ્ય કર્યું.

“ના – તેવું કાંઈ પણ નથી. આને અને ચન્દ્રગુપ્તને – બન્નેને આપણે પાટલિપુત્રના સિંહાસને સ્થાપિત કરીશું, એટલે પછી કાંઈ ચિન્તા જેવું નહિ રહે.” ચાણકયે દ્વિઅર્થી ભાષણ કર્યું.

“એટલે?” રાક્ષસે એનો ભેદ ન સમજવાથી પ્રશ્ન કર્યો.

“એટલે શું? આ બાળક તે જ ચન્દ્રગુપ્ત છે !” ચાણક્યે ભેદને તોડીને માર્ગને સરળ બનાવી દીધો.

રાક્ષસ આશ્ચર્યમાં લીન થઈ ગયો.

ઉપસંહાર.

ચાણક્ય ખાસ પોતાના હેતુથી જ ચન્દ્રગુપ્તને શિષ્યનો વેશ પહેરાવીને પોતાસાથે લઈ આવ્યો હતો, અને શિષ્યનો તેણે જે બધો વૃત્તાન્ત રાક્ષસને કહી સંભળાવ્યો, તે સર્વ વૃત્તાન્ત ચન્દ્રગુપ્તનો જ હતો. રાક્ષસે એ બધો વૃત્તાન્ત સાંભળ્યો, તે આશ્ચર્યચકિત થયો અને અંતે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે નન્દનો અંકુર જે ચન્દ્રગુપ્ત તેની સેવાનો સ્વીકાર તેણે આનંદથી કર્યો. રાક્ષસ પાછો સચિવપદે નીમાયાથી ભાગુરાયણ મનમાં કાંઈક અસંતુષ્ટ થયો, પરંતુ ત્વરિત જ ચાણક્યે તેને સમજાવીને શાંત કરી નાંખ્યો. રાક્ષસ અને ચાણક્ય એ બન્ને એક થયા. એટલે પછી પૂછવું જ શું હોય ? સલૂક્ષસ અને મલયકેતુ પોતાનાં સૈન્યો લઈને આવે, તે પહેલાં જ તેમણે પોતાની એક પ્રચંડ સેના તૈયાર કરી. તે સેનામાં ૬૦૦૦૦૦ પાળદળ, ૩૦૦૦૦ ઘોડેસ્વાર અને ૯૦૦૦ હાથી હતા. એવી પ્રચંડ સેના હોય અને ચન્દ્રગુપ્ત જેવો તરુણ, મહત્ત્વાકાંક્ષી અને શૂર પુરુષ તેનો નેતા હોય, એટલે પછી તેના વિજયમાં શંકા જ શાની રહે ? પહેલે ફટકે જ સલૂક્ષસ અને મલયકેતુનાં સૈન્યોની તેમણે ધૂળધાણી કરી નાંખી; અને લગભગ વર્ષથી દોઢ વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ ચન્દ્રગુપ્તે સલૂક્ષસને કાશ્મીરથી પેલી તરફ હાંકી કાઢ્યો. અંતે સલૂક્ષસે ચન્દ્રગુપ્ત સાથે સુલેહ કરીને સિંધુ નદીની પશ્ચિમે આવેલો સર્વ દેશ છોડી દીધો. એ છોડેલા દેશમાં ગાંધાર દેશ પણ આવી ગયો હતો. તેણે પોતાની એક પુત્રીનું ચન્દ્રગુપ્ત સાથે લગ્ન કીધું અને પેાતાના એક મેગાસ્થનીસ નામના એલચી (પ્રતિનિધિ)ને ચન્દ્રગુપ્તની રાજધાનીમાં રાખ્યો. પર્વતેશ્વરને બંધનમુક્ત કરવામાં આવ્યો અને ત્યારથી તે ચન્દ્રગુપ્તનો માંડલિક થઇને રહ્યો. રાક્ષસે સચિવ પદવીને સંભાળી અને સલૂક્ષસનો એક બે વાર પરાજય થયો, એટલે થોડા દિવસ પછી ચાણક્ય પોતાના હિમાલયમાંના આશ્રમમાં ચાલ્યો ગયો અને ત્યાં તપશ્રર્યા કરતો કાળ વ્યતીત કરવા લાગ્યો. ચન્દ્રગુપ્તે આશ્રમમાંના પોતાના બધા સહાધ્યાયીઓને પાટલિપુત્રમાં બોલાવ્યા અને તેમને પોતાના સૈન્યમાં સારાસારા અધિકારો આપ્યા. રાજકુળના ગોધનના સંરક્ષણનું કાર્ય તેણે પોતાના પાલક પિતા ગોપાલને સોંપ્યું. પોતાની સાપત્ન માતાઓને ચન્દ્રગુપ્ત ઘણા જ આદરથી રાખવા લાગ્યો. પોતાની માતાએ પોતાના લાભ માટે આટલાં બધાં વિલક્ષણ સાહસો કર્યાં, તેથી ચન્દ્રગુપ્ત પોતાને મૌર્યના (મુરાના પુત્રના) નામથી ઓળખાવવા લાગ્યો. તેણે નન્દ નામનો ત્યાગ કર્યો હતો, છતાં પણ રાક્ષસ તો તેને નન્દ જ જાણતો હતો. વૃન્દમાલા અને તેના ઉપદેશથી સુમતિકા એ બન્ને પરિચારિકાઓ બૌદ્ધ યોગિનીઓ થઈ. વસુભૂતિના નિર્વાણપદે જવાપછી સિદ્ધાર્થક વિહારનો અધિકારી થયો અને તેણે પોતાના વિહારનો ઘણો જ બહોળો વિસ્તાર કર્યો, એના પ્રયત્નથી બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો જ વધવા લાગ્યો – તેનું પ્રાબલ્ય વિશેષ થયું.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!