‘રંગમોલમાં રમવાથી રાજનાં રખવાળાં ન થાય’

અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી જાડેજા કુળનો ઝબકારે ઝગમગતો દરબારી દિવડો લાખોજી સવામણની તળાઇમાં પોઢયો છે. રૈયતને રુદિયામાં રમાડતા પ્રજાપાલક પ્રૌઢપ્રતાપી લાખાજીના માથે નિરાંતની નિંદરાના ઘારણ વળી ગયા છે. રૈયતને અને રાજને દિલાવરીના દોરે બાંધી બેઠેલા દલવાડાના દરવાજા આઠેય પહોર ઉઘાડા રાખીને રાજનો ભોગવટો ભોગવનાર ભુપતિ રંગમોલની મોલાતમાં મીઠી નીંદર માણી રહયો છે.

કોઈ ભીનલવરણી ભીલડી પિયુના અંતરમાં ઓગળી જવા અધિરી થઈને પગલાં ઉપાડતી હોય એમ રૂમઝુમ રૂમઝુમ કરતી રાત-રાજેણા માથેથી સરી રહી છે.
એવે ટાણે ધડીંબ ધડીંગ કરતા બંદુકના ઘોર ઉઠયાને રાજેણાના રાજમહેલ માથેથી ગોળીયું ગળગોટીઆ ખાવા લાગી ને લાખાજી રાજની આંખ ઉઘડી ગઈ. બોડમાંથી છલાંગ મારીને સાવજ બેઠો થાય એમ પગંલ પથારીએથી ઝુકીને લાખાજીએ ત્રાડ નાંખી,

‘કોણ છે હાજર ?’

‘જી..’ કહેતાં હજુરીયાઓએ શીર ઝુકાવ્યા.

બીજો સવાલ છૂટયો.
‘બંદૂકના બાર કોણ કરે છે..?’

એટલી વારમાં તો રાજની પોલીસે મહેલનાં રક્ષણ માટે અજગર ભરડો લીધો. હાજર થયેલા પોલીસે કીધું-

‘બાપુ, જેલમાંથી ગોળીઓ છુટે છે. આપના રક્ષણ માટે હું હાજર છું..’

”વાત શું છે ?’ બોલતાં તો રાજપૂતની રગ રગમાં લોહી જાણે હડીયું કાઢવા લાગ્યું. અંધકારના પડદા ફાડતા લાખાજી રાજની આંખમાંથી અંગારા ખર્યા.

‘બાપુ ! પાકા કામના કેદીઓએ જેલના પોલીસના હથિયાર પડાવી લઈને જેલનો કબજો લઈ લીધો છે. બંદૂકો અને કારતુસોનો મોટો જથ્થો હાથે કરીને ધીંગાણે ચડયા છે. ગોળીઓની રમઝટ બોલે છે. કોઈથી જેલની પાસે જઈ શકાતું નથી !’

સાંભળતાં જ લાખાજી રાજ કટકટ શાહી મહેલના પગથિયા ઉતરી ગયા. હથિયાર હાથ કરી પોલીસને હુકમ કર્યો-

‘આગળ વધો.’

પોલીસ અમલદાર હાથ જોડી વિનવવા લાગ્યો.

‘બાપુ! જીવનું જોખમ છે, આપ બહાર ન નીકળો.’

લાખાજી રાજના વળતા વેણ છુટયા, ‘રંગમોલમાં રમવાથી રાજના રખવાળા ન થાય. રાજની રૈયત પારેવાની જેમ ફફડતી હોય ત્યારે મારાથી ખોટીપો થાય નહીં.’

લાખાજી રાજ ઘોડે રાંગ વાળી ફોજ લઈ જેલ પાસે પુગ્યા. ઓથ લઈ ઓડા બાંધ્યા. જેલમાંથી ગોળીઓનો વરસાદ વરસતો હતો. રાજેણું ધણધણી ઉઠયું હતું. કાળનો મુકાબલો કરી રહેલા ફૂણા કાળજાનો રાજપૂત આજ કરડો બનીને  ખુંખાર કેદીઓને કબજે કરવા કારણ ગોઠવવા માંડયો.

એક હુકમ છુટયો.

‘ગોંડલની મોટી તોપ મંગાવો. જેલ માંથે માંડીને જેલને તોપે ઉડાડી દીધો.’

ગોંડલના માર્ગે ઘોડા છૂટયા-

બીજો હુકમ પડયો-
‘બંબો મંગાવો.’

બંબો હાજર થયો. પાણી ખાલી કરાવીને ઘાસલેટ ભરાવ્યું. લોખંડનું એક પીપડું મંગાવી લાખાજી રાજે એક સૈનિકના હાથમાં બંબાનો નળ દીધો અને લોખંડના પીપડાની ઓથ લઈને પીપડાને દંડવતો દેડવતો જેલની દિવાસ સુધી પુગાડયો ને બંબામાંથી ઘાસલેટનો ધોધ છોડયો. માણસ જેલને ઘાસલેટથી માથાબોળ નવરાવી આગ ચાંપી પાછો વળ્યો.

થોડીવારમાં ભયંકર ગુન્હેગારોને પોતાના કાળા કાળજામાં કેદ કરીને બેઠેલી રાજકોટની જેલ ભડભડ ભડકે બળવા લાગીને જોતજોતામાં આગના લબકારા ધીંગાણે ચડેલા કેદીઓના અંગને લપેટવા લાગ્યા. મોતને સામે પગલે જોઈ ગયેલા કાળમુખા કેદીઓએ હથિયાર હેઠા મૂકી રાજકોટના રાજવીનાં શરણે શીર ઝુકાવ્યા.

ત્યારે રાજકોટની રૈયતે રાજના રક્ષણ માટે મોતને મુઠીમાં લઈ મુકાબલો કરનાર લાખાજી મહારાજના વારણાં લીધા હતા.

નોધ- રાજકોટની ગાદી માટે સર લાખાજી રાજ વિરવિક્રમ સવંત ૧૯૬૩ની અશ્વિન સુદ પૂનમને દિવસે આરૂઢ થયા હતા ને રર વર્ષ રાજ ભોગવી સંવત ૧૯૮૬ના માઘ સુદ ૪ને દિવસે દેવ થયા હતા.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!