રાજગોર ના રાજવટ્ટઃ

૧)સાંગા દાદા ગોર
ભાવનગર રાજ ના અઢારસેં પાદરમાં જોગીદાસના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે, ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખાનુ બહારવટીયા નુ સગડ શોધતું રગડ રગડ ફર્યા કરે છે, પણ જંજાડ્ય નાગ જેવો જોગીદાસ કરંડિયે આવતા નથી.
જોગીદાસ ખુમાણ ના બહારવટા ના પડકાર સામે ભાવનગર રાજ્યે પણ સબળ સૈન્ય પ્રશાસન હોવા છતા બહારવટીયા ને ઝેર કરવાના મનસુબા સાથે સામ, દામ, દંડ,ભેદ ના ઉપચારો લગાડ્યા હતા..

ચારણો ને કનડતા તેમના માલ ઢોર ને પુરી દેતા ભાવેણા ના જમાદાર બચ્ચાને હાદા ખુમાણ ઠાર કરી ચુક્યા હતા. તેમ આ વખતે વળી પ્રયાસ થયો ગીસત જોગીદાસ ને પકડી ના શકી તો કુંડલા ના ધણ નુ હરણ કર્યુ જેથી તેમને નબળા પુરવાર કરી શકે, સૈનીકો એ ગાયો ની લાવી ને પલાણીયા ડુંગર મા પુરી, આ ડુંગર ની રચના કુદરતી ગઢ જેવી છે, ડુંગર માં જવા માટે ફક્ત એક જ રસ્તો છે અને આજુબાજુ કોતરો છે,વચ્ચે મેદાન મા ગાયો ને રાખી રસ્તા આડે કાંટા ના ખણીયા નાખી દિધા,

જોગીદાસ ખુમાણ અને સાથીદારો હવે વળતા હુમલા ની તૈયારી મા અને ગાયો ને છોડાવવા સાબદા થયા, અને પલાણીયા ડુંગર જવા નો મારગ લીધો, એ વાટ મા ગામ ચરખા આવ્યા, ત્યા સાંગા ગોર કરી ને કાઠી રાજગોરે આવકાર્યા, આસન અને ભોજન ના આગ્રહ કર્યા, પણ જોગીદાસે પોતાનુ પ્રયોજન જણાવ્યુ અને કહ્યુ કે ગાયો ભુખ તરસ થી ભાંભરડા નાખતી હશે, ગાયો માટે વારે જાવુ પડે એમ છે એટલે હમણા રોકાવાય તેમ નથી,

ગાયો ના હરણ થયા ના સમાચાર સાંભળી સાંગા ગોર તીખા ધમેલ ત્રાંબા જેવા તપી ગયા, તેમણે આ કાર્યુ પોતે ઉપાડવા નિર્ણય કર્યો અને ખુમાણો ને મતિયાળા ના ડુંગરો મા જવા સમ દઇ રવાના કર્યા, અને જે નારયણ કરી પોતે હાલ ના ગામ વિજ્યાનગર પાસે ના પલાણીયા ડુંગર મા અચાનક ચડી આવી કાળો બોકાસો બોલાવી દિધો અને કંઇક સૈનીકો ને ઠાર કર્યા અને પોતે વિરોચીત મૃત્યુ ને ધારણ કર્યુ. આ સ્થળે તેમની દેરી આવેલી છે.

૨)રુખડદાદા ગોરઃ
ભાવનગરને પાદર ઉગેલો સવાર નો સુરજ જોગીદાસ ના પતન માટે વંદાય છે, તો કુંડલાની નાવલી નદી પર ઉગેલો સુરજ જતિ પુરુષ જોગીદાસ ના હેમખેમ માટે વંદાય છે, અને બેવ જાની દુશ્મનો વચ્ચે ખાનદાની કસોટી કરી રહિ હોય છે કારણ કે દોસ્તી અને દુશ્મની એક જ ક્યારા માંથી તો ઉગ્યા હોય છે.
એક દિવસ ભાવેણા ના ધણી એ એના અંગત ચોખવાન ને તપાસ્યોઃ “સાંભળ્યુ છે કે આપા જોગીદાસ સાથે એક કુંડલા નો બ્ર્હામણ પણ છે”

“હા મહારાજ સાચુ”!
“આ તો કોપ કર્યો, આપણે કાંઇ બ્ર્હામણ નુ આંચકિ લિધુ છે.!”
એવુ નથી બાપુ, પણ, એ ખુમાણ કાઠી ના રાજગોર છે રુખડ ધાંધીયા નામ છે, એ બહારવટીયા ની સાથે જ રહે એને નીમ છે કે ખુમાણો નુ બહારવટુ પાર ના પડે ત્યા સુધી પગરખા અને પાઘડી ધારણ કરવી નહિ.
તે માને છે કે સુખ મા ભાગ પડાવ્યો માનપાન મેળ્વ્યા તો હવે દુખ મા ભાગ લેવો ધર્મ છે
“તો તો વાત કાંક ચિંત્યાળી થઇ..”

છેવટે સમાધાન ની ઘડીઓ આવિ પહોંચી,તરવારો તાણતી ભુજાઓ ભાઇ ભાઇ બની ને ભીડાણી.
મહારાજ વજેસંગે કહ્યુઃ “આપા જોગીદાસ! તમારા બહારવટા ના ઘણા અચરજ દેખાણા છે, એમાનુ એક તમારા કુળગોર નુ છે, એમણે તમારા દુઃખ મા સાથ લીધો, ઉઘાડા પગે અને ઉઘાડા માથે એય ભેગા રહ્યા,”

“હાજી આજ ની આ ઘડી એમના આર્શીવાદ અને માનતા ના ફળે પણ ખરી.”
“તો બોલાવો રાજગોર ને એમને મારે પાઘડી બંધાવવી છે અને મર્દાનગી ને વધાવવા તલવાર બંધાવવી છે,” અને આ રીતે કુંડલા ના એ રાજગોર ને બોલાવી એમનુ બહુમાન કરવા માં આવ્યુ.

સંકલનઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
સાભારઃ બારોટ મનસુખભાઇ, કાંતિલાલ ધાંધિયા, નાનાભાઇ જેબલીયા.
જય કાઠીયાવાડ 

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

error: Content is protected !!