બારીઆ પરગણાના બાડીધાર ગામ માથે અષાઢની વાદળીના મોઢા જેવી અમાસની અધોર રાત ઉતરી ગઇ છે. અંધાર પછેડો ઓઢીને પોઢેલા બાડીધાર માથે શિશિરનો સમીર દોટું દઇ રહ્યો છે. આભના અચળામાં વિજોગણ નારના નયન જેવા તેજ વગરના તારલા ટમટમી રહ્યા છે. ગામનું માણસ ભરનીંદરમાં પોઢી ગયું છે.
એવે ટાણે ગામના ઝાપામાં ઘોડાની હાવળ્યું સંભળાણી. હાકોટા પડકારે દેવળના ગુંબજો ગર્જ્યા. હમચી ખૂંદતા તેર ઘોડાઓ ઉપર બેઠેલા.
બુકાનીબધા બહારવટીઆની બદૂકો ધણણી ઉઠી, મોરલા ટહુક્યા, પંખી ફફડયા, માણસોની મીઠી નિદરને પાંખો ફૂટી. તેર અસવારોની રાગમાં તેજી તોખારો ડાબા પછાડી રહ્યા છે ને દાઢીએ ઢબુરાયેલા મોં માથેથી પાણીદાર ડોળા ગામને ડારા દઇ રહ્યા ને ઝબૂકતી જ્યોત જેવી આંખ્યમાંથી તેજના તણખા વેરી રહ્યા છે.
તેર બહારવટીઓની બંદૂકના કંદા માલેતુજારની ડેલીએ ભટકાણાં. રાકડી રૈયતે ભડોભડ ભોગળ ઉઘાડયા, પેટી પટારાને વેપારીઓની હાટડીઓના હડફામાં હાથફેરો કરીને દર દાગીનાને રોકડ નાણાના હમાયચા ટાઢે હૈયે ભરવા માડયાં, બાડીધારનો ખંખેરો કરીને તેર જણાએ બંદૂકનો તાશીરો બોલાવતા ગામને ઝાપે પુગીને ભડાકા કર્યા.
ગર્જેલી ઝંઝાળ્યોના વિધ્યાચળ પર્વતના પોલાણોએ પડછદા ઝીલ્યા.
મોટું ભળકડું થતા બારીઆના દરબારગઢની તોંતીગ ડેલી માથે પોકાર પડયો.
ફરિયાદ ! ફરિયાદ !
રૈયતની રાવ સાંભળીને બારીઆ રાજનો ધણી રણજીતસિંહ જાગી ગયો. ઝરૃખે ઉભા રહીને ઠણક દીધી.
શું ફરિયાદ છે. બાપુ, અમારું ગામ લૂંટાણું.
સાંભળતા જ રાજનો ધણી રણજીતસિંહ રાતોપીળો થઇ ગયો. કટકટ મહેલના પગથીઓ ઉતરી પડયના ભાઇ નહારસિંહને ઊંઘમાંથી ઉઠાડી ફોજ સાબદી કરી બંને રજપૂતોએ બહારવટીઆનો પગલા દબાવ્યા ત્યારે ઉગમણા આભને ટોડલે પ્રભાતના પડધમ વાગી રહ્યાં હતાં.
હાથમાં બદૂકોને રમાડતા વકીવાટ વટાવતા ઘોડાઓને રમાડતા રણે ચડેલા રજપૂતો બાડીધાર ભાગીને ભાગેલા બહારવટીઆને ઝબ્બે કરવા ધટાટોપ ઝાડીને અઝાઝુડ જંગલ, હડક અને પાનમ નદીઓના વહેણ વટાવતા ઠઠે જાતા પુગ્યા ડુંગરની ગાળીમાં ત્યારે નવેલી નારના ગુલાબી મોં જેવો ભાણ ઉગી ગયો હતો. અવળી આટીએ ચઢેલી વનરાજીમાંથી ચળાઇને સૂરજના કિરણો આછું ઓછું અજવાળું પાથરી રહ્યા હતા. એ આછા અજવાળે તેર બુકાની બધા ખુખાર બહારવટીઆ ઘરેણા ગાઠાના હમાયચા ઠાલવીને ભાગ પાડી રહ્યા હતા. ફોજની નોકરીને પડતી મૂકીને તેર નિશાનબાજ પઠાણોએ લૂંટ ધાડનો ધંધો આદર્યો હતો.
નેકી ટેકીનો ચીલો ચાતરી જનાર પહાડની નાનકડી ટૂંક જેવા બહારવટીઓને જોતા જ રણજીતસિંહે ફોજનો ભરડો લઇને પડકાર કર્યો.
થાજો માટી.
અણધાર્યો પડકાર કાને પડતાં તેરેય જણાએ સબોસબ બંદૂકો સમાલી સોથ લેવા હડી કાઢી ત્યાં તો નહારસિંહનો હુકમ છુટયો.
ખબરદાર, જો ડગલું દીધું છે તો, આ કાકી નહીં થાય.
તેરેયજણાની નજર નહારસિંહ માથે તોળાઇ રહી. દશેય દિવાથી ધેરાયેલા બહારવટીએ હાથમાં ઘડી પહેલા ઠાળજાળ લાગતી બંદૂકો રમકડા જેવી રાકડી બની ગઇ. તેરેય બહારવટીઓને પકડીને બંને ભાઇઓ પાછા વળ્યા. રાજની રૈયતે ધણીને મોતીડે વધાવ્યા.
વધુ વિગત – આ બનાવ ઇ.સ. ૧૯૨૪ના જાન્યઆરી મહિનામાં બન્યો હતો. બારીયાના મહારાજા કંપન રણજીતસિંહ ૧૯૧૫ના પહેલા વિશ્વ યુધ્ધમાં ફારાન્સ અને કલાન્સની રણભૂમિ પર ગયા હતા.
લેખક – દોલત ભટ્ટ, ધરતીનો ધબકાર