35. પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ! – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

શકટદાસે માત્ર અત્યંત આશ્ચર્ય જ નહિ, કિન્તુ અવિશ્વાસ પણ દેખાડ્યો અને તે કહેવા લાગ્યો કે, “મહારાજાના અને તેના કુળનો વિધ્વંસ કરવાનો તેણે જે યત્ન કર્યો હતો તે તો સફળ થયો, પણ પછીના સર્વ પ્રકાર પોતાની ઇચ્છાથી વિરુદ્ધ અને હાનિકારક થએલો હોવાથી રાક્ષસ એક ક્ષણ માત્ર પણ આ પુષ્પપુરમાં રહે, એ સર્વથા અશક્ય છે. માટે આપનાં વચનોને હું સત્ય તરીકે માન્ય રાખી શકતો નથી.” એટલે પોતે જ રાક્ષસ છે, એવી તેની ખાત્રી કરી આપવા માટે રાક્ષસને ઘણો જ શ્રમ વેઠવો પડ્યો. અન્તે “આપ જ જો ખરેખર રાક્ષસ છો, તો હું આવું છું અને આપને ચન્દનદાસ પાસે લઈ ચાલું છું. જો તે અદ્યાપિ જીવતો હશે, તો તો ઠીક; નહિ તો આપનો હાથ ચન્દ્રગુપ્તના હાથમાં સોંપીને હું તો આત્મહત્યા કરવાનો જ. જો તે જીવતો હોય, તો તેને છોડવવાનો પ્રયત્ન કરશો; કારણ કે, મારા મિત્રને હું વિટંબનામાં પડેલો જોઇ શકતો નથી. ભગવાન અરિહંતા મને અને તેને ઉભયને નિર્વાણપ્રાપ્તિ કરાવશે, એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી.”

એમ કહીને શકટદાસે ચાલવા માંડ્યું અને તેની પાછળ પાછળ રાક્ષસ પણ ચાલતો થયો. ગંગા નદીના તીરે સ્મશાનમાં ખરેખર ચન્દનદાસને વધનાં સર્વ ચિન્હોથી વિભૂષિત કરીને ઊભો રાખવામાં આવ્યો હતો. ત્યાં એ બન્ને આવી પહોંચ્યા. ચન્દનદાસને લાલરંગનાં વસ્ત્રોથી આચ્છાદિત કરેલો હતો. રકત પુષ્પોની માળા તેના સમસ્ત શરીરપર નાંખવામાં આવી હતી અને તેનું સર્વાંગ કુંકુમ આદિ રક્ત ચૂર્ણવડે લિપ્ત કરવામાં આવ્યું હતું. તેની પત્ની અને તેનો એક દશ વર્ષના વયનો પુત્ર પણ ત્યાં આવેલાં હતાં. તેની પત્ની પોતાના પતિ સાથે સતી થવા માટે આવી હતી અને પુત્ર પોતાનાં માતા પિતાને “તમે આજે આવો વેશ શામાટે લીધેલો છે – તમે ક્યાં જાઓ છે ?” એવા નિર્દોષ પ્રશ્નો દીનવાણીથી પૂછતો ઉભો હતો. અનેક પ્રયત્ન કરવા છતાં પણ તેના રોદનને અટકાવ થઈ શક્યો નહિ. એ કરણોત્પાદક આદર્શને જોઇને રાક્ષસનાં નેત્રોમાં પણ પાણી ભરાઈ આવ્યું, “મારો મિત્ર મારા માટે વિના કારણ માર્યો જાય છે, એટલું જ નહિ પણ તેની સ્ત્રી પણ પતિ સાથે સતી થાય છે, અને માત્ર એક જ શબ્દથી મુક્તિ મળવાનો સંભવ છતાં પણ મિત્રધર્મના પાલન માટે તેમ કરતાં એ અચકાય છે – એ એનું કેવું ધૈર્ય અને કેટલું સાહસ!!” એવો વિચાર કરી આગળ વધી તે વધ કરનાર ચાંડાલને કાંઈક કહેવા જતો હતો, એટલામાં તે ચાંડાલ ચન્દનદાસને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે – “શેઠ! આ૫ વ્યર્થ પોતાનો પ્રાણ પોતાને હાથે જ શામાટે ગુમાવો છો? રાક્ષસનાં બાલ બચ્ચાં ક્યાં છે, તે જણાવી દો ને? મહારાજ ચન્દ્રગુપ્ત ઘણા જ દયાળુ છે. તે કાંઈ રાક્ષસના વંશનો નાશ કરવાનો નથી. માત્ર રાક્ષસને પોતાના તાબામાં રાખવા માટે જ આ બધી કોશિશો કરવામાં આવે છે.”

“ચાંડાલ !” ચન્દનદાસ કહેવા લાગ્યો. “રાક્ષસે પોતાનું કુટુંબ મને સોંપેલું છે, માટે હું જીવતો છું ત્યાં સૂધી તો તેમને કોઇના હાથમાં સોંપવાનો નથી. જો આટલી મિત્રનિષ્ઠા અને વચનનિષ્ઠા પણ મનુષ્યમાં ન હોય, તો પછી મનુષ્યનું જીવન જ શા ઉપયોગનું છે ? જેવો વાયુ વાય તેને તેવી પીઠ આપીને પોતાનું પાપી પેટ ભરનારા તો જગતમાં ઘણાય છે – ત્યારે સારા ને નઠારામાં ફેર શો ?” ચન્દનદાસે ઉત્તર આપ્યું.

ચન્દનદાસનાં એ વચનો રાક્ષસે સ્પષ્ટતાથી સાંભળ્યાં, અને તેથી તેને ઘણો જ ખેદ થવા લાગ્યો. “મારા મિત્રની મારામાં આટલી બધી નિષ્ઠા હોવા છતાં હું આજે વિનાકારણ એના નાશનો હેતુ થાઉં છું. એનો મિત્ર આ શકટદાસ અચાનક મારી દૃષ્ટિએ પડ્યો અને એણે મને આ બધી બીનાની ખબર આપી, એ ઘણું જ સારું થયું.” એમ ધારીને તેણે એક નિઃશ્વાસ નાંખ્યો અને એકદમ આગળ વધીને ચાંડાલને કહ્યું કે, “અરે ચાંડાલ ! જેનાં સ્ત્રી પુત્રોના શોધ માટે તું આ નિર્દોષ મનુષ્યનો વધ કરવા માટે તૈયાર થએલો છે, તે રાક્ષસ હું પોતે તારા સમક્ષ ઉભો છું, માટે એને એકદમ છોડી મૂકો અને તેને બદલે તમારી ઇચ્છા હોય તો મારો વધ કરો. દુષ્ટ ચાણક્ય અને ચન્દ્રગુપ્તના કપટજાળમાં જેવી રીતે આખું જગત્ ફસાયું છે, તેવી જ રીતે આ બિચારો પણ ફસાયો છે – માટે એને જવા દ્યો. એનો જરા જેટલો પણ અપરાધ હોય, એમ મારું ધારવું નથી.”

એ ભાષણ સાંભળીને બધા ચાંડાલો રાક્ષસના મુખને જોવા લાગ્યા. ચન્દનદાસની પત્ની પણ આશ્ચર્યચકિત, પરંતુ આશાપૂર્ણ દૃષ્ટિથી તેની મુખમુદ્રાનું અવલોકન કરવા લાગી, અને ચન્દનદાસ પોતે પણ “એ આવી અણીની વેળાએ ક્યાંથી આવી પહોંચ્યો?” એવા ભાવથી તેને તાકી રહ્યો. એ આશ્ચર્યની ઘડી વીતી ગયા પછી ચાંડાલ રાક્ષસને સંબોધીને બોલ્યો કે, “આર્યશ્રેષ્ઠ ! અમને ચન્દ્રગુપ્ત મહારાજની એટલી જ આજ્ઞા છે કે, જો આ શેઠ અમાત્ય રાક્ષસનાં સ્ત્રી પુત્રોનો પત્તો આપે અને તેમને તમારા હાથમાં સોંપે, તો એને જીવતો છોડી દેવો. માટે જ્યાં સૂધી એ એમ ન કરે, ત્યાં સૂધી અમારાથી એને છોડી શકાય તેમ નથી. અમાત્ય રાક્ષસ આવે અને તે તમારે સ્વાધીન થાય, તો ચન્દનદાસને છોડી દેજો, એવી કાંઈ અમને આજ્ઞા મળેલી નથી. માટે અમારાથી શું થઈ શકે? શેઠ ! જો તમે જીવવાથી કંટાળી જ ગયા હો, તો અમારો ઉપાય નથી; પણ હજી પણ જો આર્યશ્રેષ્ઠ રાક્ષસનાં સ્ત્રી પુત્રોનો પત્તો આપતા હો, તો જીવતા છૂટીને પોતાના કુટુંબ સહિત સુખેથી રહી શકશો. માટે તેમ કરી નાંખવામાં શી અડચણ છે ?”

ચન્દનદાસે ચાંડાલની એ પ્રાર્થનામાં કાંઈ પણ ધ્યાન રાખ્યું નહિ. તે એકદમ રાક્ષસને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપ મારા મિત્ર છો, માટે આપની આજ્ઞા ભૂલભરેલી તો નહિ જ હોય, એવા ભાવથી મેં આપનું પત્ર વાંચતાં જ મારા ઘરમાંથી ભોંયરું ખોદવાના કાર્ય માટે અનુમોદન આપ્યું. એનું કારણ સુદ્ધાં પણ મેં આપને પૂછ્યું નહિ. જો કે ખરી રીતે તો તે મારે જાણવું જ જોઈતું હતું. એ અંધત્વનું પ્રાયશ્ચિત્ત હું અત્યારે ભોગવતો ઊભો છું. માટે આપ હવે મને છોડવવાનો પ્રયત્ન કરશો નહિ. આપ અહીં મારી પાસે આવો, એટલે આ૫નાં સ્ત્રીપુત્ર ક્યાં છે, તે વિશે આપને હું ગુપ્ત માહિતી આપી દઉં. તે સાંભળો અને તેમને બચાવવાના પ્રયત્ન કરો. આપ જો વધારે વાર અહીં ખોટી થશો, તો આપના શિરપર પણ કોણ જાણે શું સંકટ આવશે, એનો નિયમ નથી. આપણો સર્વથા અને જડમૂળથી નાશ કરવામાટે જ આ બધો પ્રપંચ રચાયો છે. મેં જો આપને ત્યાં આવીને કાંઈપણ પૃચ્છા કરી હોત, તો આ૫ ૫ણ જાગૃત થઈ શક્યા હોત, પરંતુ હું અંધ અને બુદ્ધિશૂન્ય બની ગએલો હોવાથી બીજા જ વિચારોના પ્રવાહમાં તણાઈ ગયો અને આપને કાંઈ પણ ન પૂછતાં નિઃશંક તેમને આજ્ઞા આપીને તેમના કપટજાળમાં ફસાઈ રાજવંશના ઘાતનો હેતુ થયો. એ મારા દુષ્કૃત્યની ક્ષિક્ષા મને મળવી જ જોઈએ. માટે અમાત્યરાજ ! કૃપા કરીને મને આ પ્રાયશ્ચિત્ત – દેહાંત પ્રાયશ્ચિત્ત ભોગવવા દો.”

એ ભાષણ સાંભળીને અમાત્યના મનમાં ઘણું જ આશ્ચર્ય થયું. પરંતુ એવી રીતે આશ્ચર્યમાં પડી ચૂપ થઈ બેસી રહેવાનો એ સમય હતો નહિ. એટલે તેણે ચન્દનદાસને કહ્યું કે, “ચન્દનદાસ ! ગમે તેમ થયું હોય, પણ હવે તારે જીવપર ઉદાર થવાનું કાંઈપણ કારણ નથી. હું તને જેમ કહું છું તેમ તું કર. મારી પત્ની ક્યાં છે, તે તું મને જણાવ, એટલે હું તને આ જવાબદારીમાંથી મેાકળો કરી દઈશ. હું પ્રત્યક્ષ અહીં આવી પહોંચ્યો છું અને ચન્દ્રગુપ્ત જ્યારે મને પોતાને પણ કાંઈ શિક્ષા કરતો નથી, તો મારાં સ્ત્રી પુત્રને તે શું કરનાર છે? ચાંડાલો ! એને છોડી – છોડી મૂકો – મારાં સ્ત્રી પુત્રો ક્યાં છે, તે હું તમને જણાવું છું.”

“અમાત્યરાજ !” ચાંડાલે ઉત્તર આપ્યું, “અમે તો આજ્ઞાના દાસ. જો એને છોડવા માટે ચન્દ્રગુપ્ત મહારાજની આજ્ઞા મળે, તો પછી અમને તેમ કરવામાં કશો પણ વાંધો નથી. આજ્ઞા વિના અમારાથી કશું પણ કરી શકાય તેમ નથી.”

“ચન્દ્રગુપ્ત ક્યાં છે? મને કહો એટલે હું જઈને તેને વિનતિ કરું ને આને છોડી મૂકવાની આજ્ઞા લઈ આવું, પછી તો આપને વાંધો નહિ રહેને?” રાક્ષસે પૂછ્યું.

“અમાત્યરાજ ! પછી અમારે શો વાંધો હોય?” ચાંડાલે કહ્યું.

“અરે હું અમાત્યરાજ શાનો? મારા અંધત્વથી હવે તો હું તમારા કરતાં પણ વધારે નીચતાને પાત્ર થએલો છું. કૈલાસનાથ ! આ મારા પર કેવું સંકટ!” રાક્ષસે ઉદ્દગાર કાઢ્યો.

હવે પછી શું કરવું, એનો ઉપાય રાક્ષસને સૂઝ્યો નહિ. તેને જાણે તે પોતે ચારે તરફથી ઘેરાઈ ગયો હોયને, એમ ભાસ્યું, “મિત્રને બચાવવા માટે જે કાંઈ પણ કરવું હોય, તે અત્યારે જ કરવું જોઈએ. અર્થાત્ ચન્દ્રગુપ્ત પાસે જઈને “હું તમારી સામો ઊભો છું, માટે મને જે શિક્ષા કરવાની હોય તે કરો, એમ કહેવું ને ચન્દનદાસને છોડી દેવા માટે વિનતિ કરવી. એના વિના હવે બીજો ઉપાય નથી જ.” એ તેને સ્પષ્ટતાથી ભાસ્યું, તેથી તે પુનઃ ચાંડાલોને કહેવા લાગ્યો કે, “ભલા ભાઈઓ ! હું અને આ શકટદાસ બને ચન્દ્રગુપ્ત પાસે જઈને પાછા આવીએ, ત્યાં સુધી આના પ્રાણનો નાશ કરશો નહિ. હું એક બે ઘટિકામાં જ ચન્દ્રનદાસની મુક્તિ માટેની આજ્ઞા૫ત્રિકા લઈને આવી પહોંચીશ.” એમ કહીને તેણે શકટદાસને સંબોધીને કહ્યું કે, “ચાલો – આ૫ને વચન આપ્યા પ્રમાણે આપણા આ મિત્ર અને તેની પત્નીના પ્રાણ બચાવાવા માટે આપણે ચન્દ્રગુપ્ત પાસે જઈએ.”

“અમાત્યરાજ ! “ચન્દ્રગુપ્ત મહારાજ પાસે જઈએ ” એમ કેમ નથી બોલતા? તેમને મહારાજ કહ્યા વિના તે આપણી વિનતિને માન આપશે કે ? શકટદાસે કહ્યું.

શકટદાસના એ શબ્દો સાંભળતાં જ રાક્ષસ ખિન્ન થઈ ગયો અને લાલ ચોળ નેત્રો કરીને તેને કહેવા લાગ્યો કે, “શું ? ચન્દ્રગુપ્તને – એ રાજધાતક નર૫શુને હું મારા મુખથી મહારાજની પદવી આપું? તું શું બેાલે છે ?”

“હું શું બોલું છું કે આપ શું બોલે છો? ચન્દ્રગુપ્ત સિંહાસનારૂઢ થઈ ચૂક્યા છે, તેથી જો કે આપના મનમાં ખેદ તો થતો જ હશે; પણ તે બોલી બતાવવાથી શો લાભ થવાનો છે? આપને એટલો પણ વિચાર નથી થતો કે, એમ બોલવાથી આપણું કાર્ય બનશે કે બગડશે?” શકટદાસે કહ્યું. “બગડે કે સુધરે તેની મને દરકાર નથી. હું તો મારા મુખથી એ નીચને કોઈ કાળે મહારાજ કહેવાનો નથી.” રાક્ષસે પોતાના મનની દૃઢતા દેખાડી.

“એટલે કે ચન્દનદાસને અવશ્ય શૂળીએ ચડાવી દેવાના છો, એમ જ કહોને?” શકટદાસે જરાક ઉપાલંભ આપીને કહ્યું.

“એટલે? એમ સમજવાનું કાંઈ કારણ ? શું હું પોતે તેના સમક્ષ જઈને ઉભો રહીશ, અને તે ચન્દનદાસને શૂળિએ ચઢાવી શકશે કે? ત્યારે તો અહીં હવે પછી એવા જ ન્યાયો અપાશે કેમ ? ” રાક્ષસ એ શબ્દો ઉચ્ચારતી વેળાએ ઘણો જ સંતપ્ત દેખાયો.

એટલે શકટદાસ તેને ધીમેથી કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપનો આ સંતાપ વ્યર્થ છે. આવા સંતાપના આવેશમાં આપ ચન્દ્રગુપ્ત મહારાજ પાસે જશો, તો કદાચિત્ વધારે હાનિનો જ સંભવ થવાનો. એના કરતાં તો ચન્દનદાસનું જે થવાનું હોય તે થવા દો અને મને પણ મારા મિત્ર પાછળ મરવા દ્યો. – પછી તમે જાણો ને ચન્દ્રગુપ્ત જાણે.”

ચન્દનદાસના વધની વાર્તા આવી કે, રાક્ષસનો બધો સંતાપ શમાઈ જતો હતો, “તે મારા માટે મરે છે અને મહા ઔત્સુકયથી મરણને કબૂલ કરે છે.” એ વાતનું સ્મરણ થતાં જ તેનું અંતઃકરણ પીગળી જતું હતું. માટે અંતે ગમેતેમ થાય, પણ ચન્દ્રગુપ્તને વિનતિ તો કરવી જ, એવો નિશ્ચય કરીને જેવો તે ચાલવા જતો હતો, તેવો જ “ચન્દ્રગુપ્ત મહારાજનો જય જયકાર હો!” એવો પ્રતિહારીએાનો ધ્વનિ તેના સાંભળવામાં આવ્યો. ચન્દ્રગુપ્તને જોતાં જ રાક્ષસના કપાળમાં કરચલિઓ ચઢવા માંડી અને તેણે પોતાનું મોઢું ફેરવી નાંખ્યું. ચન્દ્રગુપ્તે જાણે પોતે કાંઈપણ જોયું જ ન હોયને, તેવી રીતે તે ચાંડાલને આજ્ઞા આપતાં કહ્યું કે, “કેમ અદ્યાપિ આ રાજઘાતકને તમે શૂળિએ નથી ચઢાવ્યો ? આ અપરાધમાટે તમને હવે શું કહેવું ? ચાલો મારા દેખતાં જ એનું કામ તમામ કરી નાંખો. આવા ભયંકર અપરાધીને આવી ભયંકર શિક્ષા જ થવી જોઈએ, ” ચન્દ્રગુપ્તની એ આજ્ઞા સાંભળતાં જ ચાંડાલોનો પ્રમુખ બેાલ્યો કે, “મહારાજ ! અમે અમારું કર્તવ્ય બજાવવાના વિચારમાં જ હતા, એટલામાં આ અમાત્યરાજ અહીં પધાર્યા અને તેમણે ચન્દનદાસને છોડી દેવામાટે મહારાજનું આજ્ઞાપત્ર લઈ આવું છું, માટે ત્યાંસુધી એનો વધ કરશો નહિ.” એવી અમને આજ્ઞા કરી, તેથી જ આ વિલંબ થવા પામ્યો છે.”

“કોણે? અમાત્ય રાક્ષસે? ઠીક સારું, તે અહીં જ છે કે શું?” ચન્દ્રગુપ્તે કહ્યું. “હા-ચન્દ્રગુપ્ત ! હું અહીં જ છું.” રાક્ષસ તેના સમક્ષ આવીને બોલ્યો “મારી પત્ની અને મારાં બાળકોને કારાગૃહમાં નાંખવાની તારી ઇચ્છા હોય, તો હું તેમને તારે સ્વાધીન કરું છું, અને હું પોતે પણ તારે સ્વાધીન થાઉં છું, એથી વધારે તારી શી ઇચ્છા છે ?”

“અમાત્યરાજ ! રાજશત્રુને અનુકૂલ થઈને રાજઘાતમાં અગ્રભાગે રહી સહાયતા કરનારને છોડી દેવાની સલાહ આપો છો કે? આ વ્યાપાર કરનારો વણિક અનેક વેળા પોતાના વ્યાપાર માટે મ્લેચ્છોને ત્યાં જાય આવે છે. અર્થાત્ એ પર્વતેશ્વર સાથે મળી ગયો અને તેથી જ એણે તેની સહાયતા કરવા માટે પોતાના ઘરમાંથી ભોંયરું ખોદાવીને રાજગૃહના દ્વાર પાસે ખાડો તૈયાર કરાવ્યો હતો. એટલું બધું કારસ્થાન કરવા છતાં પણ એ તો વળી એમ કહે છે કે, “આ બધું મેં અમાત્ય રાક્ષસના કહેવાથી જ કર્યું;” અર્થાત્ જેવી રીતે પર્વતેશ્વર આપનું નામ લે છે, તેવી જ રીતે આ પણ આપના નામનો જ ઉચ્ચાર કરે છે. એથી સ્પષ્ટ જણાય છે કે, એ પર્વતેશ્વરનો જ પઢાવેલો હોવો જોઈએ; એમાં રંચ માત્રપણ શંકા જેવું નથી. આપ એ કારસ્થાનમાં શામેલ હશો, એવી કલ્પના મારા મનમાં તો આવી નથી શકતી, એ તો હું પ્રથમથી જ આપને કહી ચૂક્યો છું. વસ્તુસ્થિતિ આવી છે, એટલે એને હવે જીવતો કેમ છોડી શકાય, તે આપ જ જણાવેા? વળી કદાચિત્ આપનાં સ્ત્રી અને બાળકોની પણ એણે હાનિ કરી હશે. તેઓ એના તાબામાં હતાં, એટલે આપ મ્લેચ્છોને અનુકૂલ હતા, એમ દેખાડવા માટે તેમને એણે મ્લેચ્છોના હાથમાં સોંપી દીધાં હશે, એવો અમારા મનમાં સંશય આવવાથી જ તેમને અમારે સ્વાધીન કર, એવી માગણી અમે કરીએ છીએ,” ચન્દ્રગુપ્તે બધો ખુલાસો કર્યો.

“ચન્દ્રગુપ્ત ચન્દનદાસથી આમાંનો એક પણ અપરાધ બની શકે તેમ નથી. એના માટે તું કહે તેવી જામીનગીરી આપવાને હું તૈયાર છું. જેવી રીતે મારી મુદ્રાવાળાં પત્ર મોકલીને કોઈએ પર્વતેશ્વરને ફસાવ્યો છે, તેવી જ રીતે આ બિચારા ચન્દનદાસને પણ ફસાવવામાં આવ્યો છે, એમાં જરા પણ શંકા નથી, માટે તારે એને છોડી દેવો, એવી મારી વિનતિ છે.” રાક્ષસે પોતાના મિત્રની વકીલાત કરીને કહ્યું.

“અમાત્યરાજ ! વિનતિ કરવાનું શું કારણ છે ? હું એને આપની આજ્ઞા જ સમજીશ. પણ…” ચન્દ્રગુપ્ત એટલું જ બોલીને અટકી ગયો. એટલે ભાગુરાયણ આગળ બોલવા લાગ્યો. “પણ આપે હવે પોતાના પક્ષાભિમાનને છોડી દેવો અને આ રાજ્યશકટને પૂર્વ પ્રમાણે ચલાવવું. એવી અમારી ઇચ્છા છે.”  “ભાગુરાયણ ! જે કંઈ બોલવાનું હતું, તે હું એકવાર બોલી ચૂક્યો છું, માટે હવે બીજીવાર શું બેાલું ? શું તારું એમ ધારવું છે કે, અમાત્ય રાક્ષસ તમારા જેવા રાજઘાતકીઓના પક્ષનો સ્વીકાર કરશે? મારી શી પ્રતિજ્ઞા છે, તે શું તું નથી જાણતો ? એ મારી પ્રતિજ્ઞાનો કોઈ કાળે પણ ભંગ થવાનો નથી.” રાક્ષસે પુનઃ પોતાનો નિશ્ચય કહ્યો.

એ સાંભળીને પુન: ભાગુરાયણ બોલ્યો કે, “ત્યારે ચન્દનદાસને મારવા વિશેની ચન્દ્રગુપ્ત મહારાજની આજ્ઞાનો ભંગ કેવી રીતે થઈ શકશે?”

“અને જો તેમ નહિ થાય, તો મારા મિત્રના પ્રાણનું રક્ષણ કેવી રીતે થઈ શકશે ? અને તેની પત્ની પણ પોતાના પતિના શબ સંગે સતી થશે. એથી હું પણ પાછો તે વટવૃક્ષ તળે જઈને ફાંસો ખાઈ આત્મહત્યા કરીશ. અરે જ્યારે આમ જ કરવું હતું, ત્યારે મને અને ચન્દનદાસની સાધ્વી પત્નીને આટલી વાર આશામાં શા માટે રાખ્યાં ?” શકટદાસે વચમાં જ પોતાની કર્મકથા કાઢી.

એ વચનો સાંભળતાં જ રાક્ષસ એકાએક સ્તબ્ધ થઈ ગયો. એનું શું ઉત્તર આપવું? એનો તેને માર્ગ સૂઝ્યો નહિ.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!