સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુ એન સંગે ભારતમાં તે વખતની શિક્ષણપ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે. એ ઉપરથી આર્યોની જે શિક્ષણપધ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત રહેલો જણાય છે.
સાત વર્ષની ઉંમરે વિધાર્થી આશ્રમ અથવા મઠમાં ગુરુ પાસે વિધાભ્યાસ માટે જતો. આશ્રમનાં નાનાંમોટાં કામો જાતે કરી, ગુરુનો નિકટનો પરિચય સાધી, ગુરુમુખે મોટા ભાગનું જ્ઞાન તે મેળવતો. આ સંસ્થાઓમાં હરકોઈ કોમના વિધાર્થીને ગરીબ કે તવંગરના ભેદ વિના પ્રવેશ મળી શકતો.
આ સંસ્થાઓમાં વિધાર્થીઓને શબ્દ (વ્યાકરણ અને સાહિત્ય), શિલ્પ (હૂન્નર- ઉધોગ), ચિકિત્સા (વૈદક), હેતુ (ન્યાયશાસ્ત્ર) અને અધ્યાત્મ વિધા (ધર્મ તથા તત્તવજ્ઞાન)નામે ઓળખાતાં પાંચ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો. ત્રીસ વર્ષની ઉંમર સુધી વિધાભ્યાસ ચાલુ રહેતો.
એ સમયના શિક્ષકોની શક્તિ અને બુધ્ધિનાં હ્યુ એન સંગે ખૂબ વખાણ કરેલાં છે. નાના નાના આશ્રમો કે મઠો ઉપરાંત આજે આપણએ જેને વિધાપીઠ તરીકે ઓળખીએ છીએ તેવી કેળવણીની વ્યવસ્થિત સંસ્થાઓ ભારતમાં ઠેર ઠેર હતી અને તેમાંની કેટલીક તો ખાસ ખાસ પ્રકારની વિધાઓ માટે વિખ્યાત હતી. ઉદાહરણ તરીકે તક્ષશિલાની વિધાપીઠ વૈદક માટે, ઉજ્જયિનીની જ્યોતિષ માટે, વલભીની જૈન દર્શનો માટે, કાશીની વેદવેદાંગ માટે અને નાલંદાની મહાયાન બૌદ્ધ સંપ્રદાય માટે જાણીતી હતી.
પ્રાચીન ભારતે વિધોપાસનામાં કેવી અદ્ભુત પ્રગતિ સાધી હતી તેનો ઘણો સારો ખ્યાલ આ વિધાપીઠોના વર્ણપીઠોના વર્ણનોમાંથી આવી શકે છે.
તક્ષશિલા : જગતની સૌથી જૂની વિદ્યાપીઠોમાં જેની ગણના થઈ શકે એવી માત્ર ભારતની જ નહિ પણ સમસ્ત એશિયાની આ વિદ્યાદાત્રી ભારતના વાયવ્યના પ્રવેશદ્વાર ઉપર નિસર્ગની અપ્રતિમ સુંદરતાને ખોળે વિકસી હતી.
દૌમ્ય ૠષિ, ચાણક્ય, પાણિનિ, નાગાર્જુન જેવા ભારતના સમર્થ પંડિતો એના જ્યોતિર્ધરો હતા.
બૌદ્ધ ધર્મના ઊગમ પહેલાં વૈદિક સાહિત્યના અધ્યયનનું એ આગળ પડતું કેન્દ્ર હતું. એ પછી બૌદ્ધ ધર્મ અને તત્તવજ્ઞાનના અભ્યાસ માટે એનું સ્થાન અદ્વિતીય જેવું બન્યું.
કનિષ્કના સમયમાં એ એના વિકાસની પૂર્ણ કળાએ પહોંચી હતી. એવી જ રીતે યુદ્ધકળાની તાલીમ માટે પણ એ ખૂબ મશહૂર હતી.
એમાં ગરીબ તેમજ રાજાના કુંવરો કોઈ પણ જાતના ભેદભાવ વિના એક સાથે અધ્યયન કરી શકતા.
ભારતમાંથી પાછા વળતાં આ વિધાપીઠમાંથી કેટલાક સમર્થ અધ્યાપકોને સિકંદર પોતાની સાથે લઈ ગયો હતો. જગતમાં બીજી કોઈ પણ વિધાપીઠે ન ભોગવ્યું હોય એવું લગભગ બાર સૈકાનું યશસ્વી અને દીર્ઘસમય સુધી તેનું અસ્તિત્વ રહ્યું હતું. ઈ.સ. ૫૦૦ના અરસામાં તોરમાણનાં જંગલી હૂણ ટોળાંઓને હાથે આ વિધાપીઠ નાશ પામી.
કાંચી વિધાપીઠ ઃ તક્ષશિલા ને નાલંદા ઉત્તર ભારતનાં વિદ્યાકેન્દ્રો હતાં, તો કાંચી દક્ષિણ ભારતનું એક મહત્તવનું કેન્દ્ર હતું. હ્યુ એન સંગે એની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે. દક્ષિણ ભારતના નાલંદા તરીકે એની ખ્યાતિ આખા ભારત વર્ષમાં હતી.
નાલંદા સાથે એને અધ્યાપકોની આપ-લેનો પણ સંબંધ હતો. શિલ્પશાસ્ત્ર અને સ્થાપત્યના અધ્યયનમાં એનું સ્થાન અનન્ય જેવું હતું. પલ્લવ રાજાઓએ તેને છૂટે હાથે મદદ કરી હતી. સુપ્રસિધ્ધ નૈયાયિક વાત્સ્યાયન ને સમર્થ પંડિત દિઙ્નાગ જેવા આચાર્યોથી એની પ્રતિભા ખૂબ પાંગરી હતી.
નાલંદા વિદ્યાપીઠ ઃ હ્યુ એન સંગ આ વિદ્યાપીઠનો હેવાલ આપતાં જણાવે છે કે અસલ ત્યાં એક આંબાવાડિયું હતું. પાંચસો બૌદ્ધ વેપારીઓએ તે ખરીદી લઈ ભગવાન બુદ્ધને અર્પણ કર્યું. ભગવાન બુદ્ધે ત્યાં ત્રણ મહિના રહી ઉપદેશ કર્યો હતો.
હૂણોએ તક્ષશિલાનો નાશ કર્યા પછી નાલંદાનું મહત્તવ ઘણું વધી ગયું. સાતમી સદીમાં તો ભારતની અગ્રણી વિધાપીઠ તરીકે એને કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
પટણા અને ગયાની વચ્ચે ગંગા નદીને કિનારે અતિ રમણીય સ્થળે આ વિદ્યાપીઠ વસી હતી. પ્રાતઃસંધ્યાના ધુમ્મસમાં ભળી જતા નાલંદા વિધાપીઠમાં આવેલાં સ્તૂપો, વિહારો અને મંદિરોના આયોજનમાં કુશળનગર રચના સ્પષ્ટ જણાતી હતી.
અહીંનું સઘળું બાંધકામ ખૂબ જ મજબૂત હતું. ઊંચી વેધશાળા, એનો વિશાળ કોટ, એનું ભવ્ય વિધાલય, તેની ફરતેનાં આઠ સભાગૃહો ને સો વ્યાખ્યાન ખંડોનું વર્ણન કરતાં હ્યું એન સંગનું હૈયું જાણે ઝાલ્યું રહેતું નથી.
એનાં વિશાળ અને કળામય દ્વારો, ઊંચી કારીગરીવાળા સ્તંભો ને સુંદર છતો જોઈને સૌ કોઈ ચકિત બનતા. એનાં હરિયાળાં ઉપવનો તથા લાલ કનક ફૂલોથી ભરચક તેનાં સુંદર જળાશયોની વાત કરતાં હ્યુ એન સંગ ધરાતો નથી.
ઈસુની પાંચમી સદીમાં સ્થાપવામાં આવેલી વિશાળ નાલંદા વિશ્વકક્ષાની વિદ્યાપીઠ હતી.
તેની સ્થાપનાથી માંડી – તેનો વિનાશ થયો ત્યાં સુધી સાત-સાત સદી સુધી તેની ભારે જાહોજલાલી હતી. ભારતના રાજા-મહારાજાઓએ તેને સમૃદ્ધ કરવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
તિબેટ, ચીન, જાવા, સુમાત્રા અને સિલોન (શ્રીલંકા)માંથી અહીં વિધાર્થીઓ આવતા. હ્યુ એન સંગ જેવા ચીની પંડિતે નાલંદામાં લાંબો સમય ગાળીને હિન્દુ ધર્મ, વેદ ઉપરાંત બૌદ્ધ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.
અહીં વિધાભ્યાસ માટેનું ધોરણ ઘણું ઊંચું હતું. એનો ગ્રંથભંડાર અદ્ભુત હતો. ત્રણ વિશાળ મકાનોમાં એ ગ્રંથો ખીચોખીચ ભર્યા હતા.
નાલંદા એ ધર્મ અને ફિલસૂફીનું, વ્યાકરણ અને વ્યુત્પત્તિશાસ્ત્રનું તર્કશાસ્ત્ર અને સાહિત્યના જ અભ્યાસનું કેન્દ્ર હતું તેમ ન હતું, પરંતુ શિલ્પ- સ્થાપત્ય તેમ જ અન્ય કળાઓના શિક્ષણ- અભ્યાસમાં પણ તેનું બહુમૂલ્ય પ્રદાન હતું.
નાલંદામાં દસ હજાર વિધાર્થીઓ અને પંદરસો અધ્યાપકો રહેતા હતા. સુખસગવડથી રહી શકાય એ માટેની બધી અનુકૂળતાઓ એમાં હતી.
એના નિભાવ માટે સો મોટાં ગામોની એને જાગીર મળી હતી. ભારતના રાજવીઓ એને વખતોવખત મોટાં દાન કરતા. અહીં મુખ્યત્વે મહાયાન બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે અનુકૂળતા હતી. આમ છતાં બ્રાહ્મણ ધર્મનું પણ ઊંડું જ્ઞાન ત્યાં અપાતું. એ ઉપરાંત સાહિત્ય અને કળાઓની પણ ઊંચી તાલીમ ત્યાં અપાતી.
વિક્રમશીલા વિદ્યાપીઠઃ હ્યુ એન સંગ આપણા દેશમાંથી વિદાય થયો ત્યાર પછી લગભગ બે સૈકે ઈસવીસનની નવમી સદીમાં વિક્રમશિલા નામની આવી જ એક બીજી વિધાપીઠ ગંગા નદીને કિનારે ભાગલપુર જિલ્લામાં અસ્તિત્વમાં આવી હતી.
એ વખતે તિબેટમાંથી એ વિધાપીઠમાં અધ્યયન અર્થે એટલી મોટી સંખ્યા આવતી કે વિક્રમશિલાનું એક છાત્રાલય તિબેટભવન નામે ઓળખાતું. આઠ હજાર વિધાર્થીઓ એક સાથે બેસી શકે એવું વિશાળ સભાસ્થાન વિક્રમશિલામાં હતું.
નાલંદાની જેમ એની ફરતે પણ એક વિશાળ કોટ હતો. તેમાં છ પ્રવેશદ્વાર હતાં. તે દરેક ઉપર એક વિદ્વાન આચાર્યની દેખરેખ રહેતી. છ આચાર્યો ને વિધાપીઠના પ્રમુખ આચાર્ય મળી સાત સમર્થ પંડિતો વિક્રમશિલાનો વહીવટ કરતા. અહીં પણ નાલંદાના જેવો જ પ્રવેશવિધિ હતો.
વલભી વિદ્યાપીઠ ઃ નાશિક થઈ માળવા જતાં હ્યુ એન સંગે સૌરાષ્ટ્રમાં હર્ષના જમાઈ મૈત્રકવંશી ધુ્રવસેનની રાજધાની વલભીની પણ મુલાકાત લીધી. ધુ્રવસેને પણ સમ્રાટ હર્ષની જેમ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. હર્ષની પંચવર્ષીય પરિષદની જેમ વલભીમાં પણ એક મોટો ધાર્મિક મેળો ભરાતો.
તે વખતે સાધુઓને છૂટે હાથે દાન અપાતાં. હ્યુ એન સંગના એક શિષ્ય હુવેઈલીએ આ સમયના ગુજરાતની સમૃદ્ધિ સંબંધી લખતાં નોંધ્યું છે કે, ‘આ રાજ્યમાં દૂર દૂરના મુલકોથી ચાલી આવતી, બહુમૂલ્ય વસ્તુઓથી લદાયેલી, માઈલો સુધી વિસ્તરતી વણજારની પોઠો નજરે પડે છે.
પચીસ લાખ તોલા ચાંદી કરતાં પણ વધુ સમૃદ્ધિ જેમની પાસે છે એવાં સોથી પણ વધુ કુટુંબો અહીં છે.’ વલભીમાં પણ આ સમયે નાલંદાના જેવી એક મહાન વિધાપીઠ હતી.