પ્રાચીન ભારતીય વિદ્યાઓની રસપ્રદ વાતો

સને૧૯૬૨ના વર્ષની વાત આજેય મારી સ્મૃતિમાં એવી ને એવી લીલીછમ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કોલેજ કાળનું ભણતર પૂરું થયું ન થયું ત્યાં તો અમારા કારડીઆ જ્ઞાતિમાંથી ઓશિયાળા બાપના આંટાફેરા અમારા આંગણે શરું થઈ ગયા. આપણા રામમાં ભણતર ખરું પણ કન્યા પારખવાનું ગણતર ન મળે. આની કંઈ થોડી જ નિશાળ હોય છે ! અમારી રાજપૂત જ્ઞાતિમાં બાપ-દીકરા વચ્ચે મર્યાદા બઉ જાળવવી પડે. મારા પિતાશ્રી ચાર ચોપડી ભણેલા પણ એમની કોઠાસૂઝને કારણે પચાસ ગાઉના પંથકમાં એ પંકાતા. એક દિવસ કાગળ લખીને મારી બહેન મારફત મને પહોંચાડયો. એમાં લખ્યું હતું કે કન્યા પસંદ કરવા જઈએ ત્યારે આટલા વાનાં જોવા જોવી.

‘કન્યા નાકે-નકશે નમણી, ઊંચી, કેરીની ફાડય જેવી આંખોવાળી અને ઊજળા વાને હોવી જોવી (ભીને વાને હોય તો છોકરાંઓનો ઓર આખો કાળો થાય.) એની મોરલા જેવી (લાંબી) ડોક અને ઘોડલા જેવા પગ (પગના અંગૂઠા અને પાની વચ્ચે ઘોડાના ડાબલા જેવી અર્ધગોળાકાર ગોળાઈ પડતી હોય) એની મા, મોસાળ, અને સંસ્કાર જોઇ શિંગડે પગ દઈને ચડે એવું કુટુંબ પસંદ કરવું. અમે તો ઘોડા જેવા જાનવર ઘરમાં લાવવા હોય એની મા, બાપનો વેલો (વંશાવળી) જોઈને જાતવાન જાનવર પસંદ કરવી. ઇઅણીના સમે કોઈ દિ’ દગો ન દે. ફિલમની નટી જેવું નકરું રૂપ જ નો જોવાય.’

મારી ભણેલી બુદ્ધિએ તર્ક કર્યો. બાપા આગળ તો બોલાય નંઈ એટલે મેં મારી બાને કીધું ઃ ‘બાપા કયા જમાનામાં જીવે છે ? વીસમી સદીમાં અઢારમી સદીનીઔન કરી વાતું કરે છે ?’ પણ ભાઈ જ્યારે મેં ભારતીય સામૂહિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે મારા બાપુની વાત મને બગાસું ખાતાં મોંમાં કોઈ આવીને સાકરનો ગાંગડો મૂકી ગ્યું હોય એવી મીઠી લાગી, ચાર ચોપડી ભણેલા મારા બાપુ કઈ કોલેજમાં સામુદ્રિકશાસ્ત્ર ભણવા ગયા હશે ! મને તે દિ’થી એમની આ આગવી કોઠાસૂઝની વિદ્યા માટે મબલખ માન ઉપજયું. આજે મારે અહીં લુપ્ત થઇ ગયેલી આપણી પ્રાચીન વિદ્યાઓની જ વાત માંડવી છે.

ભારતીય કલા અને વિદ્યા, પુરુષોની ૬૪ અને સ્ત્રીઓની ૭૨ કલા પરથી સમજી શકાય છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં વર્ણવેલ ચૌદ કલા એટલે શાસ્ત્ર કે જ્ઞાન, એમાં ચાર વેદ, છ વેદાંગ એટલે શિલ્પ, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ તથા જ્યોતિષ ઉપરાંત ધર્મશાસ્ત્ર પુરાણો, ન્યાય અને મીમાંસા. લોકહૈયે એકચક્રી રાજ કરતા વિક્રમ રાજા ચૌદ વિદ્યાના માલમી હતા, એમ પ્રાચીન લોકવાર્તાઓ કથે છે. આ વિદ્યા-કલાઓ ઉપરાંત બીજી અનેક વિદ્યાઓ આપણે ત્યાં પ્રચલિત હતી. વિદ્યા અને કલા જોડકી બહેનો જેવી છે.

ચંદ્રપીડ નામનો કાશ્મીરમાં એક મહાપ્રતાપી રાજવી નામે વજ્રાદિત્ય થઈ ગયો. પિતા પ્રતાપદિત્યના મરણ પછી શક સંવત ૬૦૪માં ગાદી ઉપર આવ્યો. તે ઉદાર, ધર્માત્મા અને ૪૭ વિદ્યાઓમાં પારંગત હતો એમ ભગવદ્ ગોમંડલ નોંધે છે. આ રહી એ વિદ્યાઓ ઃ ૧ પદ (વ્યાકરણ), ૨. પ્રમાણ (ન્યાયશાસ્ત્ર), ૩. વાક્ય (મીમાંસા), ૪. ધર્મશાસ્ત્ર, ૫. રાજનીતિ, ૬. વ્યાયામ વિદ્યા, ધનુષ વિદ્યા, ચક્ર ચલાવવું, બાણવિદ્યા, ભાલાના ખેલ, કૃપાણ, ફરસી, ગદા, શકિત વગેરે, ૭. રથ ચલાવવો, ૮. હાથી ચલાવવો, ૯ વીણા વગાડવી, ૧૦. વાંસળી -બંસી વગાડવી, ૧૧. મૃદંગ, ૧૨. તંબુરા, ૧૩. તબલાં, ૧૪. શરણાઈ, ૧૫. ભરત પ્રબિત નૃત્ય શાસ્ત્ર, ૧૬. નારદાદિ પ્રણિત ગાનશાસ્ત્ર, ૧૭. હાથીઓની વિદ્યા, ૧૮. અશ્વોની ઓળખ, ૧૯ માણસના લક્ષણ જાણવા, ૨૦. ચિત્રકલા, ૨૧. શૃંગાર શાસ્ત્ર, ૨૨. લેખન કલા, ૨૩. દ્યુતકલા, ૨૪. પક્ષીની બોલીનું જ્ઞાાન, ૨૫. ગૃહ જયોતિષ જ્ઞાાન, ૨૬. રત્ન પરીક્ષા, ૨૭. લાકડાની કોતરકામ વિદ્યા, ૨૮. હાથીદાંત નકશીની કલા, ૨૯. મકાન બનાવવાની વિદ્યા, ૩૦. વૈદિક જ્ઞાાન, ૩૧. મંત્રશાસ્ત્ર, ૩૨. ઝેર દૂર કરવાની વિદ્યા, ૩૨. મંત્ર શાસ્ત્ર, ૩૩. સુરંગ ફોડવાનું જ્ઞાાન, ૩૪. નદી-તળાવમાં તરવાની વિદ્યા, ૩૫. જમીન પરથી ઉછળી પડવાની વિદ્યા, ૩૬. કૂદવાની વિદ્યા, ૩૭. માયિક વિદ્યા, ૩૮. નાટકી વિદ્યા, ૩૯. કાવ્યરચના, ૪૦. ઉખાણાં, કહેવતોનું જ્ઞાાન, ૪૧. મહાભારત, ૪૨. રામાયણ, ૪૩. પુરાણ, ૪૪. દરેક દેશના ઇતિહાસ, ૪૫. દરેક જાતની તથા દેશની ભાષાનું જ્ઞાાન, ૪૬. સંકેત વિદ્યા, ૪૭. ઇંદ્રશાસ્ત્ર અને બીજા પ્રકારની વિદ્યાઓ. આટલી વિદ્યાઓમાં આ રાજા માત્ર ૧૦ વર્ષમાં પારંગત થયો હતો.

આ વિદ્યાઓ નાગરિક જીવનમાં અને લોકજીવનમાં બે પ્રકારે મળતી. ઋષિ-મુનિઓ આશ્રમમાં આ વિદ્યાઓ વિદ્યાર્થીઓને ગુરુ-શિષ્યની પરંપરાએ શીખવતા. જયારે બીજી પરંપરા કંઠસ્થ વિદ્યાની હતી. જે કંઠસ્થ સાહિત્ય દૂહા, ચોપાઇ, કહેવતો, ઉખાણાં, ઓઠાં, વાર્તાઓ, દ્વારા કોઠાસૂઝ, અનુભવ અને નિરીક્ષણવાળા માણસો એમાં પારંગત બનતા. એકવાર યુરોપનો એક વિદ્વાન વેદના અભ્યાસ અર્થે ભારતમાં આવ્યો. તે સૌરાષ્ટ્ર પંથકના વગડામાંથી વહ્યે જતો હતો. એ વખતે સોએક ગાયોનું ધણ વગડામાં ચરાવતો માલધારી સોરઠિયો રબારી સરજુ ગાતો હતો. અભણ રબારીને સામવેદની સરજુ ગાતો સાંભળીને એ બોલી ઊઠયો ઃ ‘આ દેશના અભણ રબારીઓ સામવેદની સરજુ ગાય છે તો અહીંના વિદ્વાનો કેટલા જ્ઞાનસમૃદ્ધ અને મહાન હશે ! રબારીમાં વધુ રસ પડયો એટલે એની ઢૂંકડા જઈને પૂછયું ઃ ‘ભાઈ, તમને કેટલી વિદ્યાઓ આવડે છે ?’ એણે કહ્યું ઃ ‘હું તો અભણ છું. રાત દિ’ વગડામાં પડયો પાથર્યો રઉં છું. એટલે વિદ્યાફીદ્યા તો નથી આવડતી પણ એક વિદ્યા મને કોઠે સડી સે. આ મારી એક હો ગાયમાતાજીયું છે. ઇ બધી સરે છે. ઇમાંથી કોઇને બોલાવી દઉં.’ યુરોપિયન તો ભાઈ હેરત પામી ગ્યો. એ કહે ઃ ‘બોલાવી બતાવો.’ રબારી એ હેઇઇઇ એમ વાંભ કરીને બોલ્યો ઃ ધોખ્ય, મૂંઝી, કાબૈડી, ગોરડય, માંકડી, પિયોળ, ઉજાળ્ય, ગોમતી ગંગા, લાખણ્ય. ત્યાં તો નવ ગાયો ઘેરામાંથી છૂટી પડીને પૂંછડાં ઊંચાં કરતી આવીને રબારી ફરતી ઘેરો વળીને ઊભી રહી ગઈ. ગોરો અભણ રબારીની વિદ્યા કલાથી અંજાઈ ગયો ને એને સલામ કરીને વહેતો થઈ ગયો.

લોકકંઠે રમતી ભમતી સૌરાષ્ટ્રની લોકવારતામાં એક છપ્પય આવે છે. તેમાં ચૌદ લોકવિદ્યાઓની વાત કરવામાં આવી છે. સાંભળો ઃ

પહેલી ભણતર વિદ્યા, બીજી વિદ્યા નટની
ત્રીજી વિદ્યાકરણ વિદ્યા, ચોથી વિદ્યા ધનકની

પાંચમી શણગારવિદ્યા, છઠ્ઠી ગ્રહસાગરે
સાતમી ધુતાર વિદ્યા, આઠમી હીંગારડી

નવમી તોરંગ વિદ્યા, દસમી પારખું
અગિયારમી રાજવિદ્યા, વેશ્યાવિદ્યા બારમી
તેરમી હરિસ્મરણ, તસગર વિદ્યા ચૌદમી.

ભારતમાં હજારો વર્ષ પૂર્વે પ્રાચીન વિદ્યાના વાહકો અને જાણતલો થઈ ગયા. આ ત્રિકાળજ્ઞા ઋષિમુનિઓ અને આચાર્યો આયુર્વેદ, શિલ્પ, તંત્ર, સંગીત, જ્યોતિષ, ભૂગર્ભશાસ્ત્ર, આધ્યાત્મિક શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન આપી ગયા છે. આપણા આ સંહિતાગ્રંથોનો વારસો જગત આખાને આજે ય આશ્ચર્ય પમાડે છે.

જૂના જમાનાના લોકો ‘પાતાલ સિધ્ધિ’ નામની વિદ્યા જાણતા હતા. આ વિદ્યાના બળે તેઓ કોઈપણ જમીનના પેટાળમાં શું છૂપાયેલુ છે તે સચોટ રીતે કહી શકતા હતા. જમીનમાં કયાં ખનિજો દટાયેલા છે કે ક્યાં આરસની ખાણો ખોદી શકાય છે તેની માહિતી કોઇપણ જાતના વૈજ્ઞાનિક ઉપકરણની મદદ વગર આપી શકતા હતા.

આજે પણ કાઠિયાવાડના ગામડાંઓમાં એવા પાણીકળાઓ જોવા મળે છે જેઓ નેતરની સોટીથી કે તાંબાના સળિયાની મદદથી ભૂગર્ભમાંથી ક્યાંથી પાણી નીકળશે તે સચોટ રીતે કહી આપે છે. આ પાણીકળાઓ કોઈ યુનિવર્સિટીમાં કે કોચિંગ ક્લાસમાં ભણ્યા વિના આ કળા વંશપરંપરાગત રીતે ભણતા ને ભણાવતા આવ્યા છે. આજે પણ ગામડાનાં ખેડૂતો કૂવો કે પાતાળ કૂવો ગાળવો હોય તો પાણીકળાની મદદ લે છે. આ પાણીકળાની વિદ્યા પાછળ વિજ્ઞાન હતું એની કદાચ પાણીકળાઓને ય ખબર નહીં હોય ! એમની પાસે અનુભવ જ્ઞાન અવશ્ય હોય છે. આવા પાણીકળા ભૂગર્ભવેત્તા કે ભૂગર્ભશાસ્ત્રી તરીકે ઓળખાતા. જૂના કાળે ભૂતલવિદ્યા આપણે ત્યાં હતી. ભૂ એટલે પૃથ્વી તલ એટલે સપાટી- પૃથ્વીના તલ ઉપરના કુદરતી પદાર્થોનું જ્ઞાન આપનાર વિદ્યા. ભૂગર્ભ શાસ્ત્ર એટલે ભૂગર્ભ વિદ્યાનું શાસ્ત્ર. પૃથ્વીના પેટાળમાં રહેલા પાણીને લગતું શાસ્ત્ર. એના જાણકાર વરાહમિહિર આપણે ત્યાં થઈ ગયા.

આશરે ૨ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ હિંદના મહાસમ્રાટ વિક્રમાદિત્યની રાજધાની ઉજ્જૈનમાં હતી. એના રાજદરબારમાં કાળિદાસ, ત્રિલોચન, હરિ, ઘટખર્પર, અમરસિંહ વગેરે સભારત્નોમાં વરાહમિહિર રાજસભાના એક રત્ન હતા. એમણે રચેલો ગ્રંથ ‘બૃહત્ સંહિતા’ યાને વારાહી સંહિતામાં જમીનમાં પાણી જોવાની, જ્યોતિષ, શુકન, વર્ષા લક્ષણો, વાસ્તુવિદ્યા, વૃક્ષ આયુર્વેદ, હાથી, અશ્વ, ગાય, મરઘો અને માણસના લક્ષણોની વિશદ માહિતી આપી છે.

આપણા ઋષિમુનિઓના જ્ઞાનને વંદન કરીને આગળ વાત કરીએ મસ્તક વિદ્યાની. અંગ્રેજીમાં જેને ફ્રેનોલોજી કહે છે એ માનવીનું મસ્તક્ જોઈને એના આકાર અને ઘાટને આધારે એના અંતઃકરણની લાગણીઓ અને ગુણ પારખવાની આ વિદ્યા હતી. આને કપાળવિદ્યા પણ કહેવાતી. એના જાણકાર કપોળશાસ્ત્રી કે મસ્તક સામુદ્રિક શાસ્ત્રી કહેવાતા. માથા અને ચહેરા પરથી માનવીના અંતઃકરણમાં જે વૃત્તિઓ થાય છે તેના નિયત સ્થાન માણસના મગજમાં સ્થાપેલા છે તે આ વિદ્યાથી જાણી શકાય છે.

આપણને આશ્ચર્ય પમાડે એવી પ્રાચીન વિદ્યા સરોદો અર્થાત્ સ્વરોદય, નાકમાં ચાલતા શ્વાસ ઉપરથી  ભવિષ્ય કહેવાની વિદ્યા હતી.
આ વિદ્યાના જાણતલો શ્વાસ પરથી માણસ કેટલું જીવશે તે કહેતા. કાગવિદ્યા એ કાગડાની બોલી પરથી ભવિષ્ય જાણવાની વિદ્યા હતી. એવું મનાય છે કે કાગડો, ચીબરી અને અજાણ્યા બિહામણાં પક્ષીઓ બોલી દ્વારા ભવિષ્યના બનાવની આગાહી કરતા. કાગડાની બોલી જાણનાર અને ભવિષ્ય ભાખનાર બ્રાહ્મણો ભોગળભટિયા કે ચૂંદડિયા મહારાજ તરીકે ઓળખાતા.

આપણે ત્યાં ગારૃડી અર્થાત્ મદારીની, ગોડબજાણિયાની નજરબંધીની, તેલિયારાજાની, ઘર બાંધવાની વાસ્તુવિદ્યા, ઈલમ જાદૂની વીરવિદ્યા, કામણ, ઇલમની વાજીકરણ વિદ્યા. અશ્વો અંગેની બાજી વિદ્યા. ધનુવિદ્યા, ગજવિદ્યા, અને ભૂતકાળની વાત કહી શકે પણ ભવિષ્ય જણાવી શકે એવા હરિજન ગરો બ્રાહ્મણની કર્ણપિશાચીની વિદ્યા, અને ભૂતપ્રેત વગેરે અંગેની ભૌતિકવિદ્યા કે ભૂતવિદ્યા પણ જૂના કાળે પ્રચલિત હતી. ભૂતવિદ્યા, આયુર્વેદનો એક ભાગ ગણાય છે. ભગવદ્ ગોમંડળ લખે છે કે માનસિક વ્યાધિશાસ્ત્ર, તેમાં મનની વ્યાધિઓની ચિકિત્સા એટલે ભ્રમિત થયેલાઓને શાંત કરવાનાં ઉપાયો બતાવ્યા છે. પિશાચ રોગ અથવા વળગાડથી થતાં માનસિક રોગો પ્રાર્થનાથી, બલિદાનથી અને દવાઓથી મટાડવાનું આ વિભાગમાં બતાવવામાં આવ્યું છે. ભૂતપ્રેતને ભગાડવાની વિદ્યામાં એ અંગેના મંત્રો પણ બતાવ્યા છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને થળાધરી પગેરું લેવાની વિદ્યા પગીઓ પાસે હતી. અનુભવ પરથી પગેરું લેવાની આવડત પરંપરાગત અને પ્રાચીન છે. મહાભારતમાં આના ઉલ્લેખો મળે છે. જે રિવાજ કે ચાલ અલિખિત હોય અને જે વિજ્ઞાન પરંપરાગત અને અલિખિત હોય તે લોકશાસ્ત્રનું એક અંગ બને છે એમ પ્રો. પુષ્કર ચંદરવાકર નોંધે છે. આ વ્યાખ્યા પ્રમાણે પગેરું લેવાની આવડત લોકવિજ્ઞાન બને છે.

લોકશાસ્ત્રના આ નાનકડા અંગને સમજવા માટે ઋગ્વેદનો એક પ્રસંગ અહીં ઉતારું છું. ઇન્દ્ર દેવની ગાયો પણ લોકો ચોરી ગયા હતા ત્યારે ઇન્દ્રએ સરમા નામની કૂતરીને ગાયો અને ગાયોના ચોરોને શોધી લાવવાનું કામ સોંપ્યું. તે કૂતરીએ ગાયો ચોરવા આવનારના સગડ (પગેરું) સૂંઘીને પગેરે ચડીને ચોરોને પકડયા હતા. આજના પોલીસ ડૉગનું પગેરું અહીં સુધી પહોંચે છે ભાઈ. આમ એક લોકપરંપરા વિજ્ઞાનના યુગમાં પણ પ્રાચીનતાને જાળવીને અર્વાચીનતા પામે છે માટે લોકશાસ્ત્રના ભિન્ન ભિન્ન અંગોનો અને પરંપરાઓનો અભ્યાસ કરીને તેને આ યુગના વિજ્ઞાન સાથે સાંકળીને માનવ જીવનને ઉપકારક ન બનાવી શકાય ? લોકશાસ્ત્રનું સત્ત્વ, તત્ત્વ અને ફળ આ હોઇ શકે.

ચિત્ર ઃ રમેશચંદ્ર રાઠોડ – ભાવનગર.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!