જ્ઞાન-વિજ્ઞાનના ભંડાર સમા ભારતના પ્રાચીનગ્રંથો

દુનિયાના દેશોની વૈજ્ઞાનિક શોધોની વાતો સાંભળીને આપણે હરખઘેલા થઇ જઇએ છીએ પણ પ્રાચીન ભારતવર્ષમાં આપણા ઋષિમુનિઓ અને મનિષીઓ દ્વારા સર્જન પામેલા જ્ઞાનવિજ્ઞાનના ભંડારરસમા સંસ્કૃત ગ્રંથોને નજરઅંદાજ કરવાનું વીસરી જઇએ છીએ. આજે એવા ગ્રંથોની વાત કરીએ.

થોડા દાયકાઓ પૂર્વેની વાત છે. ત્રિવેન્દ્રમમાં ‘વિજ્ઞાન અને સંસ્કૃત’ એ વિષય પર ત્રણ દિવસના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અનેક વિદ્વાનોએ પોતાના અભ્યાસી નિબંધો રજૂ કર્યા હતા. એમાંનો ધ્યાન ખેંચે એવો નિબંધ મદ્રાસની તામિલ, સંસ્કૃત અને બીજી ભાષાઓ અંગેના સંશોધન માટેની સંસ્થાના સંસ્કૃત વિભાગના પં. તિરૂજ્ઞાન સંબંધને રજૂ કર્યો હતો. સંસ્કૃત પ્રત્યે આ લેખકને અનહદ પ્રેમ છે. વિજ્ઞાન એમનો પ્રિય વિષય છે એટલે આ બંનેનું સંયુક્ત સ્થાન પ્રાચીન ભારતમાં કેવું હતું એના પર પ્રકાશ ફેંકતા શ્રી તિરૃજ્ઞાન સંબંધનના લેખને આધારે શ્રી મનુભાઈ મહેતાએ લખેલ લેખમાંથી આપણા પ્રાચીન ભારતના અદ્ભુત જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોની માહિતી સાંપડે છે.

આ પરિસંવાદમાં સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દે એવી અનેક અવનવી વાતો બહાર આવી. આપણને ચોંકાવી મૂકી એવી એક વાત એ હતી કે પ્રાચીન ભારતીઓને ધડાકાબંધ ફૂટતાં હથિયારો ફાયર આર્મ્સની અને ગનપાવડર-બંધૂકના દારૂની જાણ હતી. ઓપર્ટ નામના એક પાશ્ચાત્ય વિદ્વાને તો ‘શુક્રનીતિ’ તથા વૈશમ્પાયનની ‘નીતિ પ્રકાશિકા’એ બે કૃતિઓના આધારે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો હતો તે મુજબ પ્રાચીન ભારતીઓને ‘ફાયર આર્મ્સ’નું જ્ઞાન હતું. આ દિશામાં સંશોધનનો ઘણો મોટો અવકાશ છે.

‘ધનુર્વેદ’ નામનું વિશ્વામિત્રે લખેલું કહેવાતું પ્રાચીન પુસ્તક હથિયારો, યુધ્ધની કલા, ગુપ્ત શસ્ત્રો, મંત્રો વગેરેની ચર્ચા કરે છે. ‘ભગવદ્ગોમંડલ’ નોંધે છે કે ધનુર્વિદ્યા શિલ્પ સંહિતામાં વર્ણવેલ મુખ્ય ૩૨માંની એક વિદ્યા છે. આ વિદ્યામાં મલ્લયુધ્ધ અને શલ્યાદ્રતિ નામની કળાઓનો સમાવેશ થાય છે. ધનુષ્યએ વાપરવાની – કામઠું ખેંચીને તીર મારવાની વિદ્યા કળા તેમાં આવી જાય છે. ધનુર્વિદ્યા યજુર્વેદનો ઉપવેદ છે. અથર્વેવેદની માફક એ પણ બ્રહ્મદેવના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાનું મનાય છે.

પ્રાચીન ભારતીઓની દ્રષ્ટિ સમાજજીવન સાથે સંકળાયેલાં જ્ઞાનવિજ્ઞાન અને કલાના બધાં જ ક્ષેત્રો પર ફરતી હતી. ૭મી સદીમાં લખાયેલ ‘માનસર’ નામનું પુસ્તક સ્થાપત્ય અને શિલ્પની વિગતવાર ચર્ચા કરે છે. કૈલાશ શિખર પર આવેલા માનસરોવરની રચના અંગે કહેવાય છે કે કૈલાશશિખરે રામ મનસા નિર્મિતં સર: અર્થાત્  કૈલાશના શિખર ઉપર બ્રહ્માએ નિર્માણ કરેલાં સુંદર સરોવરને ‘માનસરોવર’ એવું નામ આપવામાં આવ્યું છે. અહીં રામ એ વિશેષણ છે. એનો અર્થ સુંદર એવો થાય છે. આથી રામ એ વિશેષણ છે. એનો અર્થ સુંદર એવો થાય છે. આથી જ સ્થાપત્ય અને શિલ્પમાં બ્રહ્માના જેવું જ નિર્માણ કરવાનું જ્ઞાન આ પુસ્તક વાંચવાથી મળશે એવું કંઇક સૂચવવા જ આ પુસ્તકનું નામ ‘માનસર’ આપવામાં આવ્યું હશે !

જૂના જમાનામાં ‘વાસ્તુવિદ્યા’ના પણ ગ્રંથો હતા. પ્રાચીન ભારતના શિલ્પીઓ વાસ્તુ એટલે કે મકાનો બાંધવા માટે જગ્યા પસંદ કરવામાં, મકાનોના પ્લાન તૈયાર કરવામાં, મંદિરોનું આયોજન કરવામાં, ગામડાંઓ અને મોટા નગરોની સુયોજિત રચના કરવામાં અને ચોક્કસ માપની મૂર્તિઓ ઘડવામાં કેટલા નિષ્ણાત હતા તે તો ‘કાશ્યપ શિલ્પમ્’, ‘પ્રતિમા લક્ષણમ્’, ‘સમરાંગણ સૂત્રધાર’, ‘માયામતમ્’, ‘વાસ્તુવિદ્યા’, ‘તંત્ર સમુચ્ચય’ વગેરે ગ્રંથો ઉપરથી સ્પષ્ટ થાય છે. ‘મત્સ્યપુરાણ’ ‘કારણગમ’ ‘વૈખાનસાગમ્’ ‘આર્યમંજુશ્રી’ તથા ‘મૂલકલ્પ’માં સ્થાપત્યકલાનું આર્કિટેકચરનું વિગતવાર વર્ણન મળે છે.

પ્રાચીનકાળે કલા તરફ પણ સામાન્ય માનવીનો અભિગમ રહેતો. ૧૪ વિદ્યા અને ૬૪ કે ૭૨ કલાઓનું પ્રચલન નગરજનોમાં વિશેષ હતું. તમે ઘર બાંધો તો એને ચિત્રો વડે સુશોભિત કરી શણગારવું તો જોઇએ જ ને ! એટલે ચિત્રશાસ્ત્રનું સાંગોપાંગ શિક્ષણ આપતું ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ નામનું પુસ્તક લખાયેલું છે. ‘તિલકમંજરી’ અને ‘અભિલાષ ચિંતામણિ’માં પણ ચિત્રકળાની વિદ્યાનો ઉલ્લેખ જોવા મળે છે.

તમે સુંદરમજાનું સગવડભર્યું ઘર બનાવો, એને મનપસંદ ચિત્રોથી સજાવો પછી એના વાતાવરણને રસમય, ઉલ્લાસમય અને આનંદથી ભર્યુંભર્યું બનાવવા સંગીત તો જોઇએ જ ને ! સંગીત તો ભારતીય સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણ છે. જૂનાકાળે સંગીતની અગત્યતા ભારતીઓને મન એટલી હતી કે એને ‘ગંધર્વવેદ’નું નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સંગીતની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણને ભરતમુનિનું ‘નાટયશાસ્ત્ર’ યાદ આવે. સંગીત એ નાટયનું મહત્ત્વનું અંગ છે, એટલે ભરતે એના નાટયશાસ્ત્રમાં સંગીત અંગે આઠ પ્રકરણો લખ્યાં છે. એ પ્રકરણોમાં સંગીતના સિધ્ધાંતની, સંગીતના વાદ્યોની, તાલ, લય અને એવા બીજાઓને આનુષગિક વિષયોની છણાવટ કરી છે. સંગીતના જે મૂળ ત્રણ તત્ત્વો છે સ્વર, તાલ, લયની વિગતવાર સમજણ આપી છે.
નારદમુનિએ લખેલું કહેવાતું ‘સંગીત મકરંદ’, કાશ્મીરના સારંગદેવે લખેલું ‘સંગીત રત્નાકર’, દામોદરે લખેલું ‘સંગીત દર્પણ’, માતંગે લખેલું ‘બ્રહ્મદેશી’ હરિયાલે લખેલું ‘સંગીત સુધાકર’, શુભંકરે લખેલું ‘સંગીત દામોદર’ તથા નંદીકેશ્વરે લખેલું ‘અભિનય દર્પણ’ આ બધાં પુસ્તકો અભિનયકળામાં આપણે કેટલા આગળવધ્યા હતા તે સ્પષ્ટપણે દર્શાવી આપે છે. આપણા ભૂતપૂર્વ સંગીતપ્રેમી રાજવીઓએ પણ સંગીતકળાના ઘણા ગ્રંથો લખેલા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તો વડોદરામાં સૌ પ્રથમ સંગીતશાળા પણ શરૂ કરી હતી.

મનગમતું ઘર બનાવ્યું હોય, ચિત્રોથી ભર્યું ભર્યું બનાવ્યું હોય, જેમાં અહર્નિશ સંગીતની સૂરાવલી વહેતી હોય એ ઘરની હોંશિલી નારીને સોના, રૂપા અને હીરામાણેકના અલંકારો વગરની અડવાણી થોડી રખાય ? એટલે વિવિધ પ્રકારના રત્નોની અને હીરા-માણેકની પરીક્ષાની વિદ્યા પણ આપણા પૂર્વજોએ વિકસાવી હતી. માનવીએ જાણવાની ૬૪ કલાઓમાં રત્ન પરીક્ષાનો પણ સમાવેશ થતો. નારાયણ પંડિતની ‘નવરત્નપરીક્ષા’, વરાહમિહિર રચિત ‘બૃહત્ સંહિતા’ તથા અન્ય ગ્રંથોમાં રત્નો ક્યાં ઉત્પન્ન થાય છે, એનો રંગ કેવો હોય છે, એ સાચા છે, કે ખોટા એનું મૂલ્ય શું હોઈ શકે,  એની અગત્યતા કેટલી વગેરે બાબતોની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી છે.

આ બધામાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવતો પ્રાચીન વિજ્ઞાન ગ્રંથ ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ છે. કોલેજોમાં સંસ્કૃત અને ‘અર્થશાસ્ત્ર’ ભણનારાઓથી આ નામ અજાણ્યું નથી. આ અમૂલ્ય ગ્રંથમાં પૂરા ૧૮૦ વિષયોની છણાવટ કરવામાં આવી છે. એમાં રાજકારણની અને વહીવટી વ્યવસ્થાની છણાવટ છે. એમાં ખાણ ખોદવાના અને ધાતુ ગાળવાના વિજ્ઞાનની છણાવટ છે, તો ઢોર, ઉછેરવાના વિજ્ઞાનની છણાવટ છે. ખેતીવાડી, યુધ્ધ અને શાંતિ જેવા વિષયોની વિગતવાર છણાવટ છે. તર્કબધ્ધ વિચારસરણીનો ‘અર્થશાસ્ત્ર’ એક ઉત્તમ નમૂનો છે. અર્થશાસ્ત્રની હરોળમાં મૂકી શકાય તેવો બીજો ગ્રંથ છે ‘કામંદકીય નીતિશાસ્ત્ર.’ એ જ પ્રમાણે પ્રજાને રાજાનો ધર્મ સમજાવતું સોમદેવનું ‘નીતિવાક્યામૃત’ પણ આ જ વર્ગનું પુસ્તક છે, આ પ્રકાશયુગના વિજ્ઞાન લેખકો પણ કેવા મોજીલા અને મસ્ત માનવીઓ હતા ! બાગબગીચાઓમાં ઉગાડવા માટેના વૃક્ષ અને છોડવાઓના વિજ્ઞાનનું વર્ણન કરતાં એક પુસ્તક શારંગધરે લખેલું ‘ઉપવન વિનોદ’ છે. ઉપવનમાં ફરતાં જેવો આનંદ આવે એવો જ આનંદ આ પુસ્તક વાંચતા આવશે એવું જ કદાચ એના લેખક સૂચવવા માગતા હશે ! ખેતીવાડી સંબંધી બીજા એક ગ્રંથનું નામ ‘કૃષિ-પરાશર’ છે !

તમને ખબર છે ‘અશ્વ આયુર્વેદ’ એટલે શું ? ‘હસ્ત્યાયુર્વેદ’ એટલે શું ? વૃક્ષાયુર્વેદ એટલે શું ? આપણામાંના ઘણાંને આ નામો કદાચ અજાણ્યા લાગશે. ભારતીય સંસ્કૃતિની અને સંસ્કૃત સાહિત્યની આલબેલ પોકારતા આ પ્રાચીન ગ્રંથો છે. બે હજાર વર્ષ પૂર્વે આપણે ઔષધવિજ્ઞાાનના ક્ષેત્રે કેવી પ્રગતિ કરી હતી તેની ગાઈ બજાવીને ઘોષણા કરતાં નામો છે.

ઉપરોક્ત પરિસંવાદમાં ‘અશ્વવિદ્યા’ અને ‘અશ્વઆયુર્વેદ’ એ બે ગ્રંથોનો ઉલ્લેખ થયો હતો. આ બે ગ્રંથોના કર્તા કોણ છે તે જણાયું નથી. અશ્વવિદ્યા ઉપરનો આવો જ બીજો ગ્રંથ ‘શાતિહોત્ર’ છે. આરબો સાથેના સંપર્કથી આ ગ્રંથોનું વસ્તુ તેના સર્જકોને પ્રાપ્ત થયું હોવું જોઇએ. આ બે ગ્રંથોમાં અશ્વના ઉછેરની અનેકવિધ આંટીઘૂંટીઓની અને એને થતા અનેકવિધ રોગોની ચિકિત્સાની વાત છે. આપણે ત્યાં જ્યારે અંગ્રેજો હોર્સરેસીંગ-ઘોડાદોડની સ્પર્ધાઓ લાવ્યા ત્યારથી જ ઘોડા ઉછેરની કળા આરંભાઈ એમ કહેનાર કેટલાક ઇતિહાસકારોને આ ત્રણ ગ્રંથો સીધો અને સચોટ જવાબ આપે છે.

‘હસ્ત્યાયુર્વેદ’ અને ‘વૃક્ષાયુર્વેદ’ નામના ગ્રંથોની વાત જરા જુદી છે. હસ્તાયુર્વેદ પાલકાપ્ય નામના ઋષિએ લખ્યો હતો. એટલે એને ‘પાલકાપ્ય સંહિતા’ પણ કહે છે. વૃક્ષાયુર્વેદ પરાશર મુનિએ લખ્યો હતો એટલે એ ‘પરાશરસંહિતા’ તરીકે પણ ઓળખાય છે. અગ્નિપુરાણ, અર્થશાસ્ત્ર અને વરાહમિહિરની બૃહત્સંહિતામાં વૃક્ષાયુર્વેદનો એક આખો વિભાગ છે. એમાં વૃક્ષોને થતા રોગોની ચિકિત્સાનું વિગતવાર વર્ણન મળે છે. ‘મધુમાન્નો વનસ્પતિ’ અમારી વનસ્પતિ મધુમય બની રહો એવી પ્રાર્થના કરનારી વેદિક પ્રજાએ પોતાના વૃક્ષોની જાળવણી માટેનું વિજ્ઞાાન એ કાળે શોધી કાઢ્યું હતું. બે હજાર વર્ષો પૂર્વે રચાયેલા આ ગ્રંથો પર નજર કરતાં સમજાય છે કે આપણે ત્યાંનો અંધકાર યુગ શરૂ થયો તે પૂર્વેનો યુગ કેટલો જ્ઞાનમય અને પ્રકાશમય હતો એમ શ્રી મનુભાઈ મહેતા નોંધે છે.

વૃક્ષ આયુર્વેદ વિભાગમાં વરાહમિહિર નોંધે છે કે વૃક્ષ વાવતા પૂર્વે સ્નાન કરી પવિત્ર થઇને ચંદન વગેરેથી વૃક્ષની પૂજા કરવી. તે પછી તેને બીજા સ્થાનમાં રોપવું. આ પ્રમાણે કરવાથી તેના તેજ પાંદડાં સાથે ઝાડ ચોંટી જાય છે, સૂકાતું નથી. રોપેલા ઝાડને ગ્રીષ્મમાં સાંજ સવાર બેઉ વખત, ઠંડી ઋતુમાં એકાંતરે દિવસે, વર્ષામાં જમીન સૂકાય ત્યારે સીંચવા જોઇએ, જાંબુ, વેતસ, વાજાર, કદંબ, ઉમૈડા, અર્જુન, બીજોરાં, દ્રાક્ષ,લકુચ, દાડમ, તિંકુજ, કરંજ, તિલક, કટહલ, તિમિર, અંબાડો આ સોળ વૃક્ષો પુષ્કળ પાણીવાળા પ્રદેશમાં થાય છે.

સઘળાં વૃક્ષો માટે કોમળ-પોચી જમીન સારી ગણાય છે. વળી જે ભૂમિમાં બગીચા બનાવવા હોય તેમાં સર્વપ્રથમ તલ વાવવા. જ્યારે તલને ફૂલ આવે ત્યારે તેને તે જ જમીનમાં પાડી નાખીને ખાતરરૃપે મેળવી દેવા. આ જમીનનું પ્રથમ કર્મ-સંસ્કાર ગણાય છે. સૌથી પહેલાં બગીચામાં ઘરની પાસે કલ્યાણ કરનારા લીમડો, અશોક, પુન્નાગ, શિરિષ, પ્રિયંગુ વગેરે વૃક્ષો રોપવાં. કુદરતદીધાં વૃક્ષ અને ઔષધિય છોડવાઓમાંથી પણ માનવીને સ્વાસ્થ્ય સાંપડે છે, તેમ આપણા ઋષિમુનિઓએ સદીઓ પહેલાં કહ્યું છે. એ કઇ મેડીકલ કોલેજમાં ભણવા ગયા હતા ? આવું વિજ્ઞાન વિશ્વના ઇતિહાસમાં ક્યાંય જોવા મળતું નથી. આમ વૃક્ષો, વનસ્પતિ અને છોડનું ઔષધિય જ્ઞાન ભારતીય ઋષિમુનિઓ, મનિષીઓ અને સંસ્કૃતિની અણમોલ ભેટ છે. વિશ્વભરના વિજ્ઞાનીઓનું ધ્યાન આજે તેના  તરફ ખેંચાવા માંડયું છે તેથી તેમણે આપણા ભારતીય વૃક્ષો લીમડા વગેરે વૃક્ષોની પેટન્ટ લેવા માંડી છે. આજે જે રીતે વિશ્વમાં જીવનશૈલી આધારિત અને માનસિક બિમારીઓ તેમજ એલોપથીની આડ અસરો માનવ જગત ભોગવી રહ્યું છે તે જોતાં ભારતીય સંસ્કૃતિ તરફ વળ્યા વગર તેમનો આરોવારો નથી. અન્ય અદભુત ગ્રંથોની વાત હવે પછી. અસ્તુ.

(ચિત્ર : કચ્છ એન્ડ રામરાંધના સૌજન્યથી)
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!