9. પત્ર વાચન – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ચાણક્ય અને વસુભૂતિનો પરસ્પર સારો પરિચય થતો ચાલ્યો હતો. વૃન્દમાલા રોજ રાત્રે અથવા તે એક બે દિવસના અન્તરે વસુભૂતિપાસે આવીને પોતાની સ્વામિનીનો સર્વ વૃત્તાંત કહી જતી હતી અને ચાણક્ય પણ તે સમયે હાજર રહીને બધી વાત સાંભળી લેતો હતો. વૃન્દમાલા પણ ચાણક્યને ચહાવા લાગી અને વસુભૂતિના મનમાં પણ તેને માટે આદર ઉત્પન્ન થયો. વસુભૂતિએ પોતાના શિષ્ય કોઈ પણ શેઠદ્વારા રાજસભામાં તેનો પ્રવેશ કરાવી આપવાનું ચાણક્યને વચન આપ્યું, પરંતુ ચાણક્યે હાલમાં એ પંચાતમાં પડવાની તેને ના પાડી. કારણ કે, એકદમ રાજસભામાં જવાથી કદાચિત કોઈ ઓળખી કાઢે અને જો કોઈ ઓળખી કાઢે તો થવાનું કાર્ય ત્યાં જ રહી જાય અને મહીંથી વળી બીજો જ બૂટ્ટો જાગે; માટે હાલ તો ત્યાં શું થાય છે, તે દૂર દૂરથી જ જોયા કરવાનો અને જ્યાં યોગ્ય લાગે ત્યાં પ્રવેશ કરવાનો ચાણક્યે નિશ્ચય કર્યો. રાજસભામાં પ્રવેશ કરવાની ચાણક્યની ઇચ્છા હતી જ નહિ. રાજસભામાં પ્રવેશ કરી પોતાની વિદ્વત્તાનું દર્શન કરાવીને રાજાશ્રય મેળવવાની તેની મનોભાવના નહોતી; કિન્તુ મુરાદેવીને મળીને તેને પોતાના પક્ષની કરી લેવાનો જ તેનો અંતસ્થ હેતુ હતો.

પોતાના પ્રયત્નમાં સફળતા મળવાનો અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાનો તેને સંપૂર્ણ રીતે ભાસ થઈ ચૂક્યો હતો અને તેથી હવે પછી શું કરવું? એનો પણ તેણે મનમાં નિશ્ચય કરી રાખ્યો હતો. રાજા અને તેના કુળનું ઉચ્છેદન કરીને તેના સ્થાને ચન્દ્રગુપ્તની યેાજના કરવા માટેના જે જે ઉપાયો હતા, તેમાંનો પ્રથમ ઉપાય એ હતો કે, રાજગૃહમાં ભેદ-કલહ ઉત્પન્ન કરવો અને એ કલહ ઉત્પન્ન કરવા માટે મુરાદેવી જેવું સાધન મળી જવાથી, પોતાનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે જ, એવો ચાણક્યનો નિર્ધાર થઈ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, “ત્યારે હવે અમલમાં ઢીલ કરવી ન જોઈએ, પાટલિપુત્રમાં આવતી વેળાએ કેવી રીતે કાર્યનો આરંભ કરવો, એની જે ભીતિ હતી, તે હવે દૂર થઈ ગઈ છે. તૈયાર ભોજનના થાળ પ્રમાણે આ મુરાદેવીનું સાધન અચિન્ત્ય હસ્તગત થએલું છે, માટે જો એ સાધનને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં ન આવે, તો તેમાં દોષ કોનો ગણાય? મારો જ.” એવો વિચાર કરીને તેણે મુરાદેવીને મળવા માટે શો ઉપાય કરવો જોઈએ, એ વિશે વિચાર કરવા માંડ્યો,

પ્રત્યેક સોમવારે મુરાદેવી કૈલાસનાથનાં દર્શનમાટે આવે છે, ત્યાં કોઈ પણ યુક્તિથી તેનો ભેટો થઈ શકશે; એમ તેને સિદ્ધાર્થકે સૂચવેલું હતું. પરંતુ એવી રીતે મેળાપ કરવાથી લાભની રંચમાત્ર પણ આશા હતી નહિ. ચાણક્ય તેને જુદી રીતે જ મળવા માગતો હતો અને તેમ થાય, તો જ તેને પોતાના કાર્યની સિદ્ધિ થવાની આશા હતી. અન્યથા નહિ. માટે જ તેણે કૈલાસનાથના દેવાલયમાં તેની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો નહિ; કોઈ બીજા જ માર્ગે તેને મળવાનો તે વિચાર કરવા લાગ્યો.  એક દિવસે રાત્રે વૃન્દમાલા વસુભૂતિ પાસેથી જરાક વહેલી જ ઊઠી અને રાજમહાલય પ્રતિ જવાને નીકળી. ચાણક્ય પણ તેની સાથે જ ઊઠ્યો અને નિત્ય પ્રમાણે શ્રી કૈલાસનાથના મંદિરમાં જવાને બદલે વૃન્દમાલા સાથે વાતો કરતો કરતો આગળ વધવા લાગ્યો, “મારો પરિચારક સાથે છે,તો પછી આપ રાત્રે શા માટે શ્રમ લ્યો છો?” એમ વૃન્દમાલાએ વિનયથી તેને કહ્યું. પરંતુ એનું “કાંઈ ચિન્તા જેવું નથી. મને વહેલી નિદ્રા આવતી નથી અને તને આજે કાંઈક ગુપ્ત વાત કહેવાની છે, તેથી જ હું તારી સાથે આવું છું.” એવું ઉત્તર આપીને ચાણક્યે પોતાને ચાલવાનો વ્યાપાર ચાલુ જ રાખ્યો. “ચાણક્ય એવી તે શી ગુપ્ત વાર્ત્તા કહેવાનો હશે ?” એ વિચારથી વૃન્દમાલાના મનમાં વિસ્મયતા થવા લાગી.

થોડોક માર્ગ કાપી ગયા પછી ચાણક્ય વૃન્દમાલાને ઉદ્દેશીને બોલવા લાગ્યો કે, “વૃન્દમાલે ! હું કોણ છું અને ક્યાંથી આવેલો છું, ઇત્યાદિ કથા આજ સૂધી મેં તને કહી નહોતી સંભળાવી; પરંતુ આજ તે સંભળાવું છું તે સાંભળ. હું કિરાત રાજા તરફથી અહીં કોઈ કાર્ય માટે આવેલો છું – અથવા આવ્યો હતો, એમ કહીશું તો પણ ચાલશે; કારણ કે, હવે તે કાર્ય કરવાનું બાકી રહ્યું નથી. તથાપિ એકવાર મુરાદેવીને મળીને હું કોણ, શા માટે અહીં આવ્યો હતો અને કિરાત રાજાએ મને શા કારણથી અહીં મોકલ્યો હતો, એ સઘળું જણાવી તેની આજ્ઞા લઈને જવું, એ જ મને યોગ્ય જણાય છે. અર્થાત્ હું તને એક પત્રિકા આપીશ, તે જો તું મુરાદેવીને પહોંચાડીશ, તો ઘણો જ આભાર થશે. વૃન્દમાલે ! પોતાની ભગિનીનું આવું અપમાન થએલું સાંભળીને કિરાત રાજાના મનમાં જે ખેદ થયો હતો, તે ન વર્ણવી શકાય તેવો છે ! પરંતુ રાજા ધનાનન્દ વિશેષ બલવાન્ અને તે પોતે અલ્પ શક્તિમાન હોવાથી પોતાના બનેવી સાથે વિશેષ કલહ કરવાનું તેણે યોગ્ય ધાર્યું નથી. પરંતુ મુરાદેવીની માતા માયાદેવીથી એ સહન ન કરી શકાયું અને તેથી તેણે પોતાના પુત્ર કિરાત રાજાને કહ્યું કે, “આટલાં વર્ષ તો તેં આલસ્યમાં વીતાડ્યાં તે વીતાડ્યાં, પણ હવે તો કોઈપણ ઉપાય યોજીને તારી ભગિનીને એ દુષ્ટ રાજાના કારાગૃહમાંથી મુક્ત કરીને અહીં લઈ આવ. મારી વૃદ્ધાવસ્થા થએલી છે માટે મારી પુત્રીનું મુખદર્શન કર્યા વિના હવે મારાથી રહી નથી શકાતું.” એવી રીતે તેણે પ્રદ્યુમ્નદેવને કહ્યું, એટલે તેણે મને પાટલિપુત્રની સ્થિતિ શી છે અને આપણે મુરાદેવીને બંધનમુક્ત કરવાનો પ્રયત્ન કરીએ, તો તેમાં વિજય મળે ખરો કે નહિ, ઇત્યાદિ માહિતી મેળવવા માટે જ અહીં મોકલેલ છે.

સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થવાનો હતો, તે વેળાએ સર્વ નાના મોટા માંડલિકોને આમંત્રણ પત્ર – અરે આમંત્રણ પત્ર શાનાં? – આજ્ઞાપત્રો રાજા ધનાનંદ તરફથી મોકલવામાં આવ્યાં હતાં. અર્થાત પ્રદ્યુમ્નદેવને પણ તેવું એક આજ્ઞાપત્ર આવ્યું હતું. એ વાત માયાદેવીના જાણવામાં આવી અને ત્યારથી માયાદેવીની ચિત્તવૃત્તિમાં ઘણો જ ફેરફાર થઈ ગયો છે. મુરાદેવીને છોડવી લાવવા માટે તે રાત દિવસ તેને પજવ્યા કરે છે; પણ નિર્બળ અને નિરાધાર પ્રદ્યુમ્નદેવ તે શો ઉપાય કરી શકે વારુ ? એ તો હવે નામ માત્રનો જ કિરાતરાજા રહ્યો છે. તથાપિ પોતાની ભગિનીના પુત્રને જે અભિષેક થવો જોઈતો હતો, તે બીજા જ રાજપુત્રને થતો હોવાથી એ ઉત્સવ પ્રસંગે જવું એ યોગ્ય નથી એમ ધારીને અને માયાદેવીએ પણ જવાની ના પાડવાથી તે અહીં આવ્યો નહોતો. રાજ્યાભિષેકનો એ સમારંભ થઈ જવા પછી અહીંની સ્થિતિનું ગુપ્ત અવલોકન કરવા માટે જ તેણે મને અહીં મોકલ્યો.

સુમાલ્યના યૌવરાજ્યાભિષેકના આનંદમાં બીજા કેદીઓ સાથે મુરાદેવીને પણ બંધનમુક્તિ આપવામાં આવી હશે અને રાજાએ પુન: તેનામાં સ્નેહ રાખ્યો હશે, એવી તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, પરંતુ હવે તારા કહેવાથી એમ જણાય છે કે, એ વાર્તા સત્ય છે, ત્યારે હવે અહીં રહીને વધારે શોધ કરવાની મને કશી પણ આવશ્યકતા નથી. વૃન્દમાલે ! તારા કરતાં બીજા કોઈપાસેથી મને વધારે શી બાતમી મળવાની હતી વારુ? આ બધા બનાવોની જાણ થતાં હું ક્યારનોય ચાલ્યો ગયો હોત; પરંતુ જો પ્રદ્યુમ્નદેવ મને એમ પૂછશે કે, “તું મુરાદેવીને પ્રત્યક્ષ મળીને જ આ કુશળ સમાચાર લાવ્યો છે કે કેમ?” તો એનું ઉત્તર હું શું આપીશ! એવો સંશય થવાથી જ તને આજે આ ભેદ જણાવવો પડ્યો છે. હવે હું આવતી કાલે તને પત્રિકા આપીશ, તે તું તારી સ્વામિનીને આપજે – અને જો તે મને બેાલાવશે, તો તે નિયમિત સમયે તારી સાથે આવીને હું તેનાં દર્શનનો લાભ લઈશ. પ્રદ્યુમ્નદેવ અને માયાદેવીને જો કાંઈ સંદેશો કહેવરાવવો હશે, તો તે સાંભળીશ અને મારે માર્ગે પડીશ. એટલું જ મારું કર્તવ્ય બાકી છે.”

ચાણક્યનું એ લંબાતું જતું ભાષણ વૃન્દમાલા શાંતિથી સાંભળ્યા કરતી હતી. આટલા દિવસ સુધી એ બ્રાહ્મણે પોતાની એ વાર્તા બિલ્કુલ જણાવી નહિ, એનું તેને ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ આજ સૂધીમાં પોતા સાથે કરેલા સંભાષણમાંથી મેળવેલી માહિતીઓને આધારે જ ચાણક્યે આ બધી બનાવટ કરેલી છે, એવી તેના મનમાં કિંચિન્માત્ર પણ શંકા આવી નહિ. આટલા દિવસ એ ભેદને ગુપ્ત રાખવાનું કારણ શું? એટલો જ પ્રશ્ન માત્ર તેના મનમાં થયા કરતો હતો. એ વિષયમાં તે કાંઈક બોલવા જતી હતી, તેવામાં જાણે તેના મનનો ભાવ જાણી ગયો હોયની, તેવી રીતે ચાણક્ય વચમાં જ કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે ! આજે તને મેં જે કાંઇપણ કહેલું છે, તે ભગવાન વસુભૂતિને કહેતી નહિ હો કે! તેને મેં આ વિશે એક અક્ષર સુદ્ધાં જણાવ્યો નથી. કહું કેવી રીતે? હું આવી આવી રીતે કિરાતરાજા તરફથી ગુપ્ત રહસ્ય જાણવા માટે આવેલો છું, એમ મારાથી કેમ બોલી શકાય ? જો એમ કરું, તે એકના મુખેથી બીજાના મુખમાં અને બીજાના મુખેથી ત્રીજાના મુખમાં એ વાર્તા સર્વત્ર પ્રસરી જાય અને તેથી અંતે તો રાજપુરુષોના કાને જવાનો સંભવ પણ ધારી શકાય. રાજપુરુષોએ જે વાત સાંભળી, તે રાજાએ જાણી જ જાણવી. અર્થાત્ રાજા જો એ વાત જાણે, તે કાંતો રાતોરાત ગચ્છતી કરવી પડે અથવા તો તે જે દંડ આપે, તે સહન કરવો પડે તેમાં પણ રાજા ધનાનન્દ તો જો એ વાત જાણે, તો મને દેશનિકાલ જ કરે; અને આવી રીતે ગુપ્ત દૂતોને મોકલી રાજ્યનાં રહસ્યો જાણવાની ખટપટમાટે રાજા પ્રદ્યુમ્નદેવને પણ શાસન આપવાની યોજના કરવા માંડે. તું મહાસ્વામિનિષ્ઠ અને ચતુર સ્ત્રી હોવાથી તારી મારફતે જ મુરાદેવીનો અને મારો મેળાપ થશે, એમ ધારીને જ તને મેં આ ભેદ જણાવી દીધો છે. કારણ કે, હવે હું અહીંથી જવાનો છું. મુરાદેવી સુખમાં છે, માટે વધારે તપાસ કરવી નકામી છે. માત્ર એક વાર તેનું સુખ પ્રત્યક્ષ નિહાળીને, તેને મળીને અને તેનો સંદેશો લઇને જવું, એટલી જ કર્તવ્યતા રહેલી છે. મારું પત્ર કાલે મુરાદેવીને આપજે એટલે બધું જોઇએ તેમ થઈ રહેશે. પોતાની કન્યા પાછી સુખિની થએલી છે, એમ સાંભળતાં માયાદેવીને પણ આનંદ થશે. પરંતુ તેના પુત્રનો યૌવરાજ્યાભિષેક જોવાનું તેમના ભાગ્યમાં નહિ જ હોય તો તેનો આપણે શો ઉપાય કરી શકીએ વારુ ?”

ચાણક્યના ભાષણમાં વિશેષ મોહકતાનો ભાવ હતો અને વૃન્દમાલા બિચારી એક ભોળી અબળા હતી – મુરાદેવી આ બધું સાંભળશે, માયાદેવીએ અને પ્રદ્યુમ્નદેવે તેની ખબર કાઢવાને આમ એક બ્રાહ્મણને મોકલ્યો છે, એ સમાચાર આપવાથી તેને ઘણોજ આનંદ થશે. મુરાદેવીના ચાલતા આનંદમાં સામો વધારો થશે, એવી ધારણાથી વૃન્દમાલાના મનમાં ઘણો જ આનંદ થયો. વસુભૂતિને એ બ્રાહ્મણે આજસુધી કાંઇ પણ કહ્યું નહિ, એ સારું જ થયું, એવો તેનો નિશ્ચય થયો, તથાપિ હવે તમે ખરી હકીકત વસુભૂતિને જણાવશો તો કાંઈ પણ હરકત જેવું નથી. તેમના મુખેથી એ વાત બહાર નીકળવાની નથી, એવી તેણે ચાણક્યને ભલામણ કરી,  અને, “આ૫ પત્ર આપશો તો તે હું દેવીને પહોંચાડવાની જ, પરંતુ આપે મોઢેથી કહી સંભળાવેલો આ સઘળો વૃત્તાંત પણ હું તેને જણાવીશ. મુરાદેવી આપને મળશે અને આપના મુખથી માયાદેવી તથા પ્રદ્યુમ્નદેવના વૃત્તાંત સાંભળશે એટલે તેને ઘણો જ આનંદ થશે.” એવી રીતે તેનું કાર્ય કરી આપવાનું આશ્વાસન દીધું.

એ સાંભળીને ચાણક્ય મોટેથી હસ્યો, અને વૃન્દમાલાને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે, તારી જ સ્વામિનીનું કાર્ય હોય અને તે તને જ સોંપવામાં આવે, તો પછી તેની સિદ્ધિ માટે શંકા કરી જ કેમ શકાય ? ખરેખર તારો મુરાદેવી માટેનો પ્રેમ જોઇને મારા હૃદયમાં વિલક્ષણ આનંદની ભાવના થયા કરે છે. પરિચારિકા હોય, તો તારા જેવી જ હોવી જોઇએ. પરમેશ્વર તને ચિરાયુ કરે અને અંતપર્યન્ત તારી સ્વામિનીની સેવા તારા હસ્તે આવી જ રીતે થયા કરે. હવે હું તારી આજ્ઞા ઇચ્છીશ. મારું કાર્ય સિદ્ધ થયું જ, એમ હું ધારું છું. આજ સુધી મારા વિશે તને કાંઈ બીજું જ કથન સંભળાવ્યું હોય, તો તેની ક્ષમા કરજે; કારણ કે, તેમ કરવામાં પણ એક કારણ સમાયલું હતું, અને તેથી હું નિરુપાય હતો. જેને પોતાને ભેદ જણાવવો હેય, તે માણસ જાતે કેવું છે, એ જાણ્યા વિના સાહસ કરવું નહિ, એવો નીતિશાસ્ત્રવેત્તાઓનો ઉપદેશ છે અને હું તે ઉપદેશને અનુસર્યો હતો. હવે હું તને સારી રીતે ઓળખી ગયો છું અને તારી મુરાદેવીમાં કેવી નિષ્ઠા છે એ પણ જાણી ચૂક્યો છું. મારે કાંઈ કાર્ય પણ અવશેષ રહ્યું નથી – તેથી જ આજે તને બધું ખોલીને જણાવી દીધું. માત્ર હવે તું મુરાદેવીની મુલાકાત કરાવી આપે, એટલે મારે છૂટકો થઈ જાય. પોતાનાં બંધુ અને માતાના દૂતને મળવાને કઈ સ્ત્રી ઉત્સુક નથી હોતી? માટે સત્વર જા અને હું પણ જાઉં છું. મેં તને માર્ગમાં ઘણી જ ખોટી કરી રાખી.”

એમ કહીને ચાણક્ય ખરેખર પાછો ફર્યો – પણ થોડેક છેટે જવા પછી પાછી તેણે વૃન્દમાલાને બેાલાવી અને તેને ધીમા સ્વરથી કહ્યું કે:-

“વૃન્દમાલે! મેં કહેલે વૃત્તાંત અને મારો સંદેશો બીજા કોઇના દેખતાં મુરાદેવીને કહીશ નહિ, નહિ તો મુરાદેવીની પ્રતિસ્પર્ધા કરનારાને તેને તેના હાલના સુખશિખર પરથી નીચે ઢોળી પાડવામાં અને તેની પૂર્વ પ્રમાણે સ્થિતિ કરી નાખવામાં ઘણી જ સુલભતા થઇ પડશે. તું ચતુર હોવાથી જો કે તને વધારે શિખામણ આપવાની અગત્યતો નથી જ, છતાં પણ તારામાટે અને દેવીમાટે મને ઘણી કાળજી રહ્યા કરે છે, તેથી કહ્યા વિના રહી નથી શકાતું.” એટલું કહીને ચાણક્ય ત્યાંથી ગચ્છતી કરી ગયા અને વૃન્દમાલા પોતાને માર્ગે ચાલતી થઈ. એના મનમાં આ વેળાએ નાના પ્રકારના વિચારો આવવા લાગ્યા હતા. પરંતુ ચાણક્યે જે કાંઈપણ કહ્યું, તે અસત્ય હશે, એવો સંશય તો તેના મનમાં ન જ આવ્યો. આ વૃત્તાંત સાંભળવાથી મુરાદેવીને કેટલો બધો આનંદ થશે, તે એને માટે શું કહેશે, ચાણક્યનો અને તેનો મેળાપ કેવી રીતે થશે અને ચાણક્ય જ્યારે તેના પિતૃગૃહનો વૃત્તાંત કહી સંભળાવશે, એટલે તેનો પરામર્ષ કેવો થશે; ઇત્યાદિ વિચારતરંગો તેના હૃદયસમુદ્રમાં ઉદ્દભવ્યા કરતા હતા. વળી થોડાક ભીતિ ઉપજાવનાર વિચારો પણ તેના મનમાં આવ્યા. મુરાદેવીના બંધુનો સંદેશો લઈને એ બ્રાહ્મણ આવેલો છે, એની જાણ થશે, તો મહારાજાનો અવશ્ય એનાપર કોપ થશે કે હમણાં હમણાં મુરાદેવીમાં તેમનો મોહ વધતો જાય છે, માટે સામો એ બ્રાહ્મણ આદરને પાત્ર થશે ? એ શંકાનો નિર્ણય તેનાથી થઈ ન શક્યો. અંતે તેનો એવા નિર્ધાર થયો કે, રાજા ધનાનન્દ એક ક્ષણિક બુદ્ધિનો પુરુષ છે, અર્થાત્ કઈ વેળાએ તેના મનમાં કયા વિચારો આવશે અને તે કેવું કૃત્ય કરી બેસશે, એનો નિયમ નથી, અર્થાત્ મુરાદેવી પાસે ચાણક્ય વિશેની જે કાંઇપણ વાત કરવી તે પ્રથમ ગુપ્ત રીતે જ કરવી જોઇએ, પછી તે વિચાર કરશે અને કોને એ વાત જણાવવી અને કોને ન જણાવવી, એનો નિશ્ચય કરશે અને તે આજ્ઞા કરશે તેમ આપણે પણ કરીશું એવા વિચારો કરતી કરતી તે નિત્ય પ્રમાણે પોતાની સ્વામિનીના મહાલયમાં પોતાના ઓરડામાં ગઈ અને ત્યાંથી વસ્ત્રો બદલીને મુરાદેવીની સેવામાં ઉપસ્થિત થઇ.

મુરાદેવી એ વેળાએ રાજાની સેવામાં નિમગ્ન થએલી હતી. પોતે રાજાપર નાખેલાં મોહિની અસ્ત્રોનો પ્રભાવ કિચિન્માત્ર પણ ઓછો થવો ન જોઇએ – દિવસે દિવસે તે વધતો જ જવો જોઇએ અને બીજી રાણીઓ, વિશે રાજાના મનમાં જેટલો તિરસ્કાર ઉત્પન્ન થઈ શકે, તેટલો તિરસ્કાર ઉપજાવવા, એની મુરાદેવીના મનમાં સતત ચિંતા રહ્યા કરતી હતી. અર્થાત્ એ કાર્યની સિદ્ધિ માટેના જેટલા શક્ય પ્રયત્નો હોય, તે કરવાને તેણે દૃઢ નિશ્ચય કરેલો હતો. સારાંશ કે રાજા જ્યારથી આવીને તેના મંદિરમાં નિવાસ કરી રહ્યો હતો, ત્યારથી ક્ષણવાર પણ તેને તેણે પોતાનાવિના એકલો બેસવા દીધો નહોતો. તે સર્વદા તેની પાસે જ બેસી રહેતી હતી, અને રાજા જેવા એક રંગીલા અને લહેરી સ્વભાવના પુરુષને પોતાના વશમાં રાખવા માટે જે જે વિવિધ હાવભાવ અને મોહક ચેષ્ટાઓ કરવી જોઇએ, તે સર્વના પ્રયેાગો તેણે દિનરાત ચાલૂ જ રાખ્યા હતા. એવી સ્થિતિ હોવાથી તેને ચાણક્યની કથા કહી સંભળાવવાને વૃન્દમાલાને બિલ્કુલ અવકાશ મળ્યો નહિ.

તથાપિ અગવડમાં પણ સગવડ કરીને ચાણક્યનો વૃત્તાંત અને સંદેશો તેણે મુરાદેવીને કહી તો સંભળાવ્યો; પરંતુ તેનું જોઇએ તેવું પરિણામ થયું નહિ. પોતાના પિતૃગૃહનો સંદેશો લઈ આવનારા માણસને તો તત્કાળ મળવાને બોલાવશે, એવી જે વૃન્દમાલાની ધારણા હતી, તે ફળીભૂત થઈ નહિ. વૃન્દમાલાએ કહેલો વૃત્તાંત સાંભળતાં જ મુરાદેવીએ એકદમ કપાળમાં કરચલીઓ ચઢાવી અને કાંઈક મનસ્વી અને કાંઈક વૃન્દમાલાને ઉદ્દેશીને કહ્યું કે, “ બંધુને અને માતાને આટલું બધું વહેલું મારું સ્મરણ કેમ થયું હશે, એનું જ મને આશ્ચર્ય થયા કરે છે. જા તેને કહે કે, હું સુખરૂપ છું – પ્રત્યક્ષ મળવાનો મને અવકાશ નથી.” એ ઉત્તર સાંભળીને વૃન્દમાલા તો દિઙ્મૂઢ જ બની ગઈ અને રાત્રે જ્યારે ચાણક્યને તેણે એ ઉત્તર કહી સંભળાવ્યું, ત્યારે તેને પણ તેટલું જ આશ્ચર્ય થયું. તથાપિ થોડીક વેળા વિચારમાં ગાળી એક ભૂર્જપત્રપર લખેલું પત્ર તેના હાથમાં આપીને ચાણક્યે તેને કહ્યું કે, “વૃન્દમાલે ! કાંઈ ચિન્તા નથી, પણ આટલું આ પત્ર તું તેને જરૂર આપજે. મારો એવો સોએ સો ટકા નિશ્ચય છે કે, આ પત્ર વાંચતાં જ તે મને મળવા બેલાવ્યા વિના કદાપિ રહેનાર નથી.” વૃન્દમાલાએ પ્રથમ તો એ પત્રથી કાંઈપણ લાભ થવાનો નથી, એમ તેને જણાવ્યું; પરંતુ ચાણક્યના અત્યંત આગ્રહથી નિરુપાય થઇને અંતે તેણે તે પત્ર મુરાદેવીને પહોંચાડવાનું કબૂલ કર્યું. તેણે બીજે દિવસે તે પત્ર મુરાદેવીના કરકમળમાં ઉપસ્થિત કર્યું.

ત્રાસ પામીને એ પત્ર મુરાદેવીએ લીધું તો ખરું, પણ તેની મુખમુદ્રામાં તિરસ્કારનો ભાવ પ્રત્યક્ષ દેખાતો હતો ! પરંતુ શો ચમત્કાર! તેને આદિથી અંતપર્યન્ત વાંચતાં જ તેની મુખચર્યામાં એકાએક પરિવર્તન થઇ ગયું અને તે બ્રાહ્મણને પોતાપાસે લઈ આવવાની તેણે વૃન્દમાલાને તત્કાળ આજ્ઞા કરી. એ પત્રમાં એવું તે શું હતું?

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!