2. પાટલિપુત્ર – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ગત પ્રકરણોમાં પ્રસંગોપાત વાંચકોને મગધદેશની રાજધાની પાટલિપુત્ર નગરની થોડી ઘણી માહિતી મળી ચૂકી છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં વાચકોને એ નગરનો પૂરેપૂરો પરિચય કરાવવાની અમારી મનોભાવના છે. આર્ય ચાણક્ય પોતાના આશ્રમમાંથી નીકળીને પાટલિપુત્રમાં આવી પહોંચે, તે પહેલાં વાચકોને એ શ્રી વિશાળ નગરીની જો પૂરેપૂરી માહિતી મળી જાય અને ત્યાંના નંદ નૃપતિનો પણ પરિચય થઈ જાય, તો એકંદર કથાનક સમજવામાં તેમને ઘણી જ સરળતા થવાનો સંભવ છે.

પાટલિપુત્રનું પુષ્પપુર એવું એક બીજું પણ નામ હતું. પરંતુ આપણે જે કાળનો ઇતિહાસ લખીએ છીએ, તે કાળમાં મગધદેશના એ મુખ્ય નગરનું પાટલિપુત્ર એ જ નામ સર્વ જનોના મુખમાં રમી રહ્યું હતું. કેટલાકોનો એવો અભિપ્રાય છે કે, રામાયણના સમયમાં એ જ નગરી કૌશામ્બી અથવા તે કુસુમપુરના નામથી વિખ્યાત હતી. ગમે તેમ હો, પણ એટલો સિદ્ધાન્ત તો નિશ્ચિત છે કે, આપણા કથાનકના કાળથી પહેલાંની જ એ નગરી પુરાણપ્રસિદ્ધ તો હતી જ, અને આપણે જે કાળના ઇતિહાસનો ઉલ્લેખ કરવા ધારેલો છે, તે કાળમાં તો સમસ્ત આર્યાવર્તમાં પાટલિપુત્ર જેવું મોટું અને વૈભવશાળી બીજું એક પણ નગર હતું નહિ. ત્યાંનો નંદરાજા અતિશય સમર્થ હોવાથી તેના કીર્તિકુસુમનો સુરભિ જ્યાં ત્યાં પ્રસરેલો જોવામાં આવતો હતો. હવે ખરી રીતે જોતાં એ નગરી એવી જ હતી કે, સાધારણ રીતે રાજાની કીર્તિ સાથે એની કીર્તિનો પણ પ્રસાર થએલો હતો, એનો આપણે વિચાર કરવાનો છે. રાજા ગમે તેવો હોય, પણ એ તો સત્યજ છે કે, માત્ર પાટલિપુત્ર નગર સર્વથા દિગંતવિશ્રુતકીર્તિ (જેની પૃથ્વીના પટમાં ચારે દિશામાં કીર્તિ છવાયલી હોય તે) એ વિશેષણને યોગ્ય હતું. એ નગરીની લંબાઇ પાંચ ગાઉની અને પહોળાઈ ત્રણ ગાઉની અંકાતી હતી. તે સમયમાં ગ્રીક લોકોએ એ નગરનું વર્ણન આપેલું છે, તે વાંચતાં એવી માહિતી મળે છે કે, એ નગરની આસપાસ ચારેતરફ એક જંગી ખાઈ ખોદેલી હતી અને તેના અંદરના ભાગમાં નગરને ઘેરી લેનારી એક લાકડાની ભીંત બાંધેલી હતી. એ લાકડાની ભીંતના અંદરના ભાગમાં વળી એક બીજો નગરના રક્ષણ માટેનો તેવો જ ઘેરાવાવાળો કોટ ચણી લેવામાં આવ્યો હતો. તે વેળાએ એ નગર ગંગા અને શેાણ એ બે નદીઓના સંગમના મધ્ય ભાગમાં લાંબું ને લાંબું પ્રસરેલું હતું. એ નગરના નિવાસિજનોને પ્રાચ્યના નામથી ઓળખવામાં આવતા હતા.

એ નગર ગંગા અને શોણ નદીના સંગમસ્થાને વસેલું હોવાથી વ્યાપાર અને ઉદ્યમનું એક મુખ્ય સ્થળ બની રહ્યું હતું. ઉપરાંત એ રાજધાનીનું નગર હોવાથી સર્વ પ્રકારના કળાકુશળ અને ગુણી લોકો પણ ત્યાં આવતા જ રહેતા. જે કોઈ પણ મનુષ્યને પોતાના ગુણના બળથી રાજાશ્રય મેળવવાની મહત્ત્વાકાંક્ષા હોય, તે પાટલિપુત્રની દિશામાં પ્રવાસ કરવાનો જ, એ નિશ્ચિત હતું. પાટલિપુત્ર વૈદિક ધર્મનું અગ્રસ્થાન હતું. નાના પ્રકારના યજ્ઞ અને બીજા હવ્યકવ્યો ત્યાં નિયમિત રીતે થતાં રહેતાં હતાં. યજ્ઞધર્મનો અતિ પ્રસાર થવાથી તેમાં બલિદાન અપાતાં. પશુઓની દુર્દશા દેખીને સધૃણ હૃદય બુદ્ધિદેવે પ્રચલિત કરેલા અહિંસા ધર્મના પ્રસારકો પણ પાટલિપુત્રમાં ક્યાંક ક્યાંક પોતાના ધર્મ પ્રસારના કાર્યમાં મચેલા જોવામાં આવતા હતા અને તેમને તેમના કાર્યમાં થોડી ઘણી સફળતા પણ મળતી ચાલી હતી; પરંતુ એ તેમના અહિંસા ધર્મના પ્રસારનું કાર્ય થોડે ઘણે અંશે ગુપ્ત રીતે જ ચાલતું હતું. કારણ કે, વૈદિક ધર્મને રાજાશ્રય ધણો જ બલવાન્ હોવાથી એ બિચારા નિરાધાર બુદ્ધ યતિઓને પોતાના ધર્મ કાર્યને આગળ વધારવાનાં જોઈએ તેટલાં અને તેવાં સાધનો મળી શકતાં નહોતાં. વિરુદ્ધ પક્ષ કવચિત્ કવચિત્ તેમની એ ધર્મ સંબંધી ખટ૫ટોની રાજાના આશ્રિત પુરોહિતોને ખબર પડતાં જ તેમના પર જુલમ પણ થતો હતો, એવાં કેટલાંક વર્ણનો મળી આવે છે. હાલ તો આપણે પાટલિપુત્રનું એક બીજા જ પ્રકારનું વર્ણન આપવાના છીએ.

પાટલિપુત્રમાં અર્થાત સમસ્ત મગધસામ્રાજ્યમાં એ વેળાએ નંદ રાજાનો વંશજ ધનાનન્દ ઉર્ફ હિરણ્યગુપ્ત રાજા તરીકે સત્તા ચલાવતો હતો, એ વાંચકો જાણી ચૂક્યા છે, એ રાજા ઘણો જ દાતા, શુરવીર અને મહાન ગુણગ્રાહી છે, એવો કેટલાક દૂર દૂરના દેશોના લોકોનો જોકે અભિપ્રાય હતો, તો પણ ખરી રીતે જોતાં તે તેવો જ હતો, એ નિશ્ચયપૂર્વક માનવા માટે આપણી પાસે કશું પણ પ્રમાણ નથી. તે હૃદયનો ઘણો જ ક્ષીણ, કોઈ પણ વિષયમાં નિશ્ચય વિનાનો અને દુર્વ્યસની પણ હતો. દૂરના પ્રદેશોમાં તેની કીર્તિ ગમે તેટલી પ્રસરેલી હોય, છતાં પણ પાસે વસનારા લોકોને તો તે બિલકુલ જ ગમતો નહોતો. પ્રાચીન કાળમાં શું કે આજે શું રાજા એટલે પરમેશ્વરનો અવતાર જ, એવી સાધારણ લોકોની દૃઢ ભાવના છે, અને તે કાળમાં તો એ ભાવના વધારે મજબૂત હોવાથી રાજા ગમે તેવો દુર્ગુણી હોય, તો પણ તેને શિરસાવંદ્ય માનવામાં લોકો સારાસારનો જરા પણ વિચાર કરતા નહોતા. ધનાનન્દની દશા પણ એક દુર્ગુણી રાજાના જેવી જ હતી. એ રાજા બધી બાબતોનો નિકાલ પોતાના આસપાસના લોકોની સંમતિથી જ કરતો હતો. હીન બુદ્ધિના રાજાઓ પાસે કેવા પ્રકારના લોકો હોય છે, એ વાંચકોએ પ્રત્યક્ષ જોયા ન હોય તો તેમના વિશે કાંઈક પણ સાંભળ્યું તો હશે જ. રાજાની આસપાસ બધા વ્યસની અને લફંગા લોકો જ ભેગા થયેલા હોવાથી અને રાજાની પ્રીતિ મેળવવા માટે તેઓ ગમે તેવું ભૂંડું કામ કરવામાં અચકાતા ન હોવાથી રાજા રાજાને ઠેકાણે રહી જાય છે અને ખરા રાજાઓ એ ખુશામદીયા જ બની જાયછે. કોઈ પણ બાબતમાં જેને પોતાનો મતલબ સાધવાનો હોય, તો રાજાને તે પ્રમાણે ઉપદેશ આપીને તેની મરજીથી જ પોતાના કાર્યને તેઓ સાધી લે છે. રાજા ઉપર પોતાનું વજન હોવા છતાં પણ તેને તેવો ભાસ તેઓ થવા નથી દેતા અને પોતાના વજન અને દાબને તેના મનપર કાયમ જ રાખે છે. રાજા માત્ર મનમાં જ સમજતો હોય છે કે, “હું સારું કે નઠારું ગમે તે કરવાને મુખત્યાર છું.” પરંતુ તે બિચારાને ખરા મુખત્યારો કોણ છે અને તે પોતાની મુખત્યારી કેવી રીતે ચલાવે છે, એની કલ્પના માત્ર પણ હોતી નથી. ધનાનન્દની સ્થિતિ પણ એવી જ હતી. તેના જે જે ખાસ ખુશામદિયા પરિચારકો હતા, તેઓ પોતાની ઇચ્છામાં આવે, તે પ્રમાણે ગમે તે કૃત્યો રાજાના હાથે કરાવતા જતા હતા; અને રાજા માત્ર પોતાના મનમાં આવે તે પ્રમાણે હું બધું કરું છું, એવા વિચારથી પોતાના મનનું સમાધાન કરીને તેમાં જ અભિમાન માનતો હતો.

ધનાનન્દની સ્થિતિ એવી હોવાથી રાજ્યનું ગાડું ચલાવવામાં અમાત્ય (પ્રધાન) આદિ અધિકારી જનોને ઘણો જ શ્રમ વેઠવો પડતો હતો. તોપણ કેટલાક અમાત્યો પોતાની રાજકુળમાં રહેલી નિષ્ઠાને લીધે પોતપોતાનાં કર્તવ્યો એકનિષ્ઠાથી કરીને જેમ તેમ દિવસો વીતાડતા જતા હતા. એ સમસ્ત અમાત્યોમાં રાજકુળમાં સર્વે કરતાં અધિક નિષ્ઠા રાખનારો અને રાજાના હિતમાટે પ્રાણ પાથરનારો એક રાક્ષસ નામનો પોતાના નામથી સર્વથા ભિન્ન સ્વભાવનો મુખ્ય અમાત્ય હતો. એનું રાજા૫ર પણ ઘણું જ સારું વજન પડતું હતું. બીજાઓના સંબંધમાં રાજા ગમે તેમ વર્તતો હતો, પરંતુ રાક્ષસના વિષયમાં કોઈવાર પણ તેણે આડી ચાલ ચલાવી નહોતી. બીજા કોઈએ ગમે તેવી સલાહ આપી હોય, પણ રાક્ષસનો જો તેથી વિરુદ્ધ અભિપ્રાય પડ્યો, તો બીજાનું કાંઈ પણ ન સાંભળતાં તે રાક્ષસના મત પ્રમાણે જ કાર્યની વ્યવસ્થા કરતો હતો. ધનાનન્દના માંડલિક રાજાઓમાંના કેટલાકના મનમાં કોઈ પ્રસંગે પોતે જ ધનાનન્દના રાજ્યના સ્વામી બની બેસવાની મહત્વાકાંક્ષા થઈ આવતી હતી, પરંતુ “જ્યાં સૂધી મગધદેશનું રાજ્ય રાક્ષસ ચલાવે છે, ત્યાંસુધી આપણી મહત્વાકાંક્ષાને મનમાં જ રહેવા દેવી જોઈએ. જો તેને સિદ્ધ કરવાનો યત્ન આદરીશું તો આપણું છે તેટલું રાજ્ય પણ ચાલ્યું જશે અને અંતે ભિક્ષાવૃત્તિનો પ્રસંગ આવી પહોંચશે.” એવા વિચારથી તેઓ છાનામાના બેસી રહેતા હતા. મગધદેશમાં જો તે વેળા એ રાક્ષસ અમાત્ય ન હોત તો ધનાનન્દના રાજ્યનો ક્યારનોએ નાશ થઈ ગયો હોત અને તેને સ્થાને કંગ કિંવા કલિંગ દેશનો ભૂપાલ એ દેશમાં રાજ્ય કરવા લાગ્યો હોત ધનાનન્દની એવી સ્થિતિ હોવાના કારણથી તેની પ્રજા પોતાના રાજાને કેટલી અને કેવીક આદરબુદ્ધિથી જોતી હશે, એની કલ્પના વાંચકોએ જ કરી લેવી. ખરેખર જો યુદ્ધનો કોઈ પ્રસંગ આવ્યો હોત, તો લોકો ધનાનન્દને છોડીને શત્રુઓને જઈ મળ્યા હોત કે નહિ? એ પ્રશ્ન જુદો છે – કદાચિત્ તેઓ પોતાના જ રાજાના પક્ષમાં રહ્યા હોત અને સ્વરાજ્ય અને સ્વરાજ્યના અધિપતિના રક્ષણ માટે તેમણે તનમનથી પ્રયત્નો કર્યા હોત, પરંતુ વસ્તુતઃ સમસ્ત પ્રજાનો એક રાજામાં જેવો પ્રેમ હોવો જોઈએ તેવો તેનો પ્રેમ ધનાનન્દમાં નહોતો જ, એમ કહેવામાં અતિશયોક્તિ જેવું કાંઈ પણ નથી. કેટલાકો તો તેને પ્રજાપીડ પ્રજાપતિની ઉપમા પણ આપતા હતા. તે હૃદયશુન્ય અને બુદ્ધિહીન પ્રજાપાલ હતો.

એ વર્ણન તો જાણે ધનાનન્દ વિશે થયું. રાજા એ પ્રમાણે ક્ષીણ ચિત્તનો અને વ્યસની હોય, તો તેના રાજપુત્રો કેવા હોવા જોઈએ, એનું સાધારણ રીતે વાંચકો સહજમાં જ અનુમાન કરી શકે તેમ છે. તેના પુત્રો “બાપથી બેટા સવાઇ.” એ કહેવત પ્રમાણે કેટલીક બાબતોમાં ધનાનન્દ કરતાં પણ ચાર ડગલાં આગળ વધેલા હતા. રાક્ષસના ભાર બોજને લીધે એક મંત્રિમંડળ માત્ર સર્વથા નિષ્કલંક રહેલું હતું અને તેથી જ મગધદેશના રાજાની અને રાજસભાની કીર્તિનો દૂર દૂરના દેશોમાં પણ પ્રસાર થએલો હતો. પરંતુ રાજસભામાંના પંડિતો વગેરે સ્વાર્થીજનો રાજાના મનને પોતાની ઇચ્છા અનુસાર ફેરવવા માટે તેટલા પ્રમાણમાં જ ખટપટો કર્યા કરતા હતા અને તેમની એ ખટપટો કેવી રીતે ફળીભૂત થતી હતી, એનું થોડુંક ઉદાહરણ વાંચકોને ઉપક્રમના પૂર્વાર્ધમાં મળી ચૂક્યું છે, માટે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી.

સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ પાટલિપુત્ર નગર દિગંતવિખ્યાત હતું અને તે કેટલાંક ખ્યાતિનાં યોગ્ય કારણો પણ હતાં. પાટલિપુત્ર એક ઘણું જ વિસ્તીર્ણ નગર હતું અને ત્યાંની લોકવસતિની સંખ્યા પણ ઘણી જ મોટી હતી. પ્રજાજનો તો અસંખ્ય હતા જ, પરંતુ તે ઉપરાંત ભગવાન સિદ્ધાર્થ પ્રચલિત કરેલા અહિંસાધર્મના અનુયાયીજનો પણ થોડાઘણા પ્રમાણમાં ત્યાં વસતા હતા; વળી યવન, મલેચ્છ, બર્બર, હુણ, કિરાત, શષ્ક, ચીન, ગાંધાર, ખાસ, પારસિક અને કાબુલી ઇત્યાદિ લોકો પણ ત્યાં વ્યાપાર આદિના નિમિત્તથી આવીને નિવાસ કરી રહેલા હતા. એ મગધનગરી સંપત્તિવડે પણ સર્વદા ભરેલી હતી; તેમ જ સુંદર સુંદર ભવનો અને મંદિરો, ઉપવનો તથા અનેકવિધ શાળાઓથી પણ એની શોભામાં સારો વધારો થએલો હતો. સર્વ માર્ગો એવા વિવિધ મંદિરોથી શૃંગારેલા હોવાથી જ્યાં ત્યાં એ નગરીનું સ્વરૂપ મનને વેધી નાખનારું જ દેખાતું હતું. ધનાનન્દનું રાજમહાલય તો જાણે ઐશ્વર્ય અને સૌન્દર્યના ભંડારરૂપ જ હતું, એમ કહેવામાં અતિશયોક્તિ જેવું કાંઈપણ નથી. સમગ્ર આર્યવર્તમાં જેટલી જેટલી સુંદર વસ્તુઓ મળી શકતી હતી, તે સર્વનો એ રાજમહાલયમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આર્યાવર્તના ભિન્ન ભિન્ન ભાગોમાં વસનારા ઉત્તમ કારીગરોને બોલાવીને રાજાએ એ વસ્તુઓ બનાવરાવી હશે એવું અનુમાન થઈ શકે છે. સારાંશ કે, તે સમયમાં જેટલી જેટલી ઉચ્ચ કળાઓ માનવામાં આવતી હતી. તે સર્વને ઉપયોગમાં લાવીને ધનાનન્દે અને તેના પૂર્વજોએ એ શ્રીવિહાર નામનું પોતાનું રાજમહાલય બંધાવેલું હતું. રાજસભામાંનું રહસ્ય ગમે તેવું હોય, પરંતુ નગરનું બાહ્ય સ્વરૂપ ઘણું જ સુંદર થએલું હતું, એમાં તો કશી પણ શંકા નથી.

જે પ્રમાણે નગરીની વ્યવસ્થા હતી, તે જ પ્રમાણે રાજાના સૈન્યની પણ વ્યવસ્થા હતી. રાજા બીજા વિષયોમાં ગમે તેમ વર્તતો હતો, છતાં પણ તેણે સેનાપતિના અધિકારમાં કોઈવેળાએ પણ વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો નહોતો. રાજ્યકાર્યભારમાં જેવી રીતે રાક્ષસને, તેવી જ રીતે સૈન્યની વ્યવસ્થાના કાર્યમાં પોતાના સેનાપતિને જાણે તેણે સ્વતંત્ર અધિકાર જ આપી દીધા હોયને ! એવો ભાસ થતો હતો. એ બે વાતો જો ન હોત તો ધનાનન્દ આટલાં વર્ષો સુધી પાટલિપુત્રના પવિત્ર સિંહાસને બેસી પણ શક્યો ન હોત – એમ કહેવામાં કાંઈ પણ સંશય જેવું નથી જ.

અહીં સુધી પાટલિપુત્ર નગરનું અંતર્બાહ્ય વર્ણન થયું. હવે તેના સૌન્દર્યનું અથવા તો તેના સૌન્દર્યના કારણીભૂત અનેક વન ઉપવનોનું વર્ણન કરવા કરતાં આપણા કથાનકમાં વિશેષતઃ આવનારા એક પાત્ર સાથે વાચકોને પરિચય કરાવવો, એ વધારે સારું અને યોગ્ય છે.

પૂર્ણ સંધ્યાનો સમય થએલેા હતો. પુષ્પપુરી જેવી એક વિશાળ નગરીમાં એ વેળાએ મોટી ધામધૂમ હોય, તો તે સ્વાભાવિક છે. નગરીના જુદા જુદા મોટા બજારો તો માણસોની ભીડથી ઉભરાઈ જવા લાગ્યા હતા. કેટલાક ભાવિક આર્યો દીપોત્સવથી પોતાની દુકાનોને સુશોભિત કરવામાં અને દીપજ્વલન થયા પછી કાયા વાચા મનથી તે દીપદેવતાને નમસ્કાર કરવાના કાર્યમાં ગુંથાયલા દૃષ્ટિગોચર થતા હતા. સંધ્યાકાળના સમયે ખાસ કરીને ખપનારી અયશ આરામની ચીજો વેચનારા દુકાનદારો તો વધારે ધાંધલમાં પડેલા જોવામાં આવતા હતા. એ સાયંકાળે પાટલિપુત્રના પુષ્પવીથિકા નામના માર્ગમાં માળાકાર (કૂલના હારો વેચનાર) ની દુકાને ગ્રાહકોની ઘણી જ ભીડ જામી હતી. જયાં ત્યાં નાગરિકો પુષ્પો લઈને જતા આવતા હતા – પ્રત્યેક દુકાને એવી જ ગિરદી હતી અને દીપાવલીના દિવસેામાં જેવી રીતે દીપોત્સવ કરવામાં આવે છે, તેવી જ રીતે સમસ્ત નગરમાં દીપોત્સવ થએલો સ્પષ્ટ દેખાતો હતો. એક પુષ્પવીથિકા વિના બીજા બજારોમાં એટલો બધો આપવા લેવાનો વ્યવહાર ચાલતો ન હોતો. પ્રત્યેક પ્રાસાદ (મોટાં ઘરો) માં નીચેથી તે ઠેઠ ઉપરના મજલા સુધી દીપોની પંક્તિઓ ગોઠવેલી હતી અને બારીઓમાં સ્ત્રીપુરુષો ઉભાં રહેલાં જોવામાં આવતાં હતાં – અર્થાત્ આજે નગરના જૂદા જૂદા બજારોમાંથી કોઈ પણ મહાન્ મંગલ સમારંભ પસાર થવાનો હશે જ, એવું સ્પષ્ટ અનુમાન કરી શકાતું હતું. એ સમારંભની શોભાને નિહાળવા માટે પ્રત્યેક સ્ત્રી- પુરુષ અતિશય ઉત્સુક થએલાં હતાં; અને પ્રત્યેક વાતાયન (બારી) માં ઊભેલા યુવક યુવતીઓની અને માર્ગમાં હારબંધ ઊભા રહેલા બીજા જનોની દૃષ્ટિ એક જ દિશામાં લાગેલી હોય, એવો પ્રકાર દેખાતો હતો.

આ બધો પ્રકાર શો છે, એ જાણવાની હવે વાંચકોને જિજ્ઞાસા થએલી હશે; પરંતુ તે જિજ્ઞાસા થોડા જ સમયમાં પૂરી થશે. હાલ તો પાટલિપુત્રના પ્રેક્ષકો પ્રમાણે વાંચકોએ પણ ધૈર્ય ધારવું જોઈએ. કોઈ પણ એવા એક મહાન્ સમારંભની વેળાએ અનેક પ્રકારના લોકોના અનેક પ્રકારના તર્કો થતાં અને કેટલીક ખેાટી ગપ્પો ઉડતાં પ્રેક્ષકોની તે સમારંભને જોવાની ઉત્સુકતા ઘણી જ વધી જાય છે. પરંતુ પળવાર પછી તે ગપ્પની અસત્યતા પ્રકટ થતાં તેમની આશાનો ભંગ થઈ જાય છે. તેવી જ રીતે આ સમારંભને જોવા માટે ઉત્સુક થએલા પ્રેક્ષકોના સમુદાયમાં પણ કાંઈક પ્રકાર ચાલતો હોય, તેવો ભાસ થતો હતો. કાંઈ પણ કોલાહલ થતાં લોકો એકદિશામાં દોડવા માંડતા હતા, પોતાના પગોપર ઉંચા થઈ થઈને દૂરના પદાર્થોને જોવાનો પણ યત્ન કરતા હતા અને છતાં કાંઈ પણ જોવામાં આવે નહિ, એટલે કોલાહલ કરનાર અજ્ઞાત મનુષ્યને મનમાં ને મનમાં ગાળો આપતા હતા. બધી જગ્યાએ એવી વિચિત્ર ધામધૂમ ચાલી રહેલી જોવામાં આવતી હતી. ધીમે ધીમે સમસ્ત નગર નખથી શિખા પર્યન્ત દીપોત્સવથી પ્રજ્વલિત થએલું દેખાવા લાગ્યું. ઊપર કહેલું જ છે કે, એ નગર તે વેળાએ ગંગા અને શોણ એ બે નદીઓના સંગમના મધ્ય ભાગમાં વસેલું હતું. અર્થાત્ એ નગરની બંને બાજુએ સવેગ જળના પ્રચંડ પ્રવાહો વહેતા હોવાથી એ દીપોના પ્રતિબિંબ તે નદીપ્રવાહમાં પડવાથી જાણે નગરીની પ્રજાનો નગરીમાં સમાવેશ ન થઈ શકવાથી તે તપ્તસુવર્ણ પ્રમાણે પ્રવાહી રૂપથી સમસ્ત નગરને ઘેરીને ઊભી રહેલી હેાયની ! એવો ભાસ થતો હતો. અસ્તુ. ઘણા વખત પછી નગરથી પણ એક દૂરના ભાગમાંથી અનેક વિધ વાદ્યોનો ધ્વનિ આવતો સંભળાયો. તેથી નગરને છેડે બેઠેલા પ્રેક્ષકોનું ધૈર્ય ન રહેતાં તેઓ તે ધ્વનિ આવતો હતો, તે દિશામાં કોઇ એક પાણીના પ્રચંડ પ્રવાહ પ્રમાણે ગમન કરવા લાગ્યા. જેને તેને એ જ ઉત્સુકતા હતી કે, “એ સમારંભ પ્રથમ મારી દૃષ્ટિએ પડે.” ક્ષણે ક્ષણે ઢોલ નગારાં અને તાસાંનો ધ્વનિ વધારે અને વધારે ખુલ્લી રીતે સંભળાવા લાગ્યો. એથી પ્રેક્ષકોના મનના કૌતુકની પણ વધારે અને વધારે વૃદ્ધિ થવાથી તેમનાં મુખમાંથી આનંદના ઉદ્દગારો બહાર નીકળવા લાગ્યા. વાજિંત્રોનો ધમધમાટ હવે એકદમ પાસે આવી પહોંચ્યો.

અંતે મગધદેશના એક મોટા હાથીપરની વિજયધ્વજા લોકોને દેખાવા લાગી. તેની પાછળ અનેક વાદ્યો, કેટલાંક હાથીએાપર, કેટલાંક ઊંટોપર, કેટલાંક ઘોડાઓની પીઠે અને કેટલાંક પગે ચાલતા ઢાઢીએાની છાતી અને હાથમાં હોઇને તે સર્વનો એક સમયાવચ્છેદે ઘોષ થતો સાંભળવામાં આવતો હતો. એ વાદ્યો સો સવાસો જાતિનાં હતાં અને તેમની પાછળ પાયદળ સૈન્ય, તેની પાછળ અશ્વારૂઢ (ઘોડેસ્વાર) સૈન્ય અને તેની પૂઠે કેટલુંક ગજારૂઢ (હાથી પર બેઠેલું) સૈન્ય ચાલતું હતું. ગજારૂઢ સૈન્યની સમાપ્તિ થતાં તેની પાછળ એક મોટો ગજરાજ ધીમે ધીમે ચાલતો દેખાયો. એની પીઠપર બાંધેલી હીરા માણેકથી જડેલી સોનાની અંબાડીમાં ધનાનન્દ રાજાનો યુવરાજ પાટવી કુમાર બેઠેલો હતો, અને તેના સમક્ષ એક અવગુંઠનવતી કન્યકા પણ બેઠેલી હતી. પોતે ઉછાળેલાં પુષ્પો યુવરાજના શરીરપર પડવાં જ જોઇએ, એવા હેતુથી પુષ્પોનું સિંચન કરવાને જ એકઠા થએલા પ્રેક્ષકોમાં એટલી બધી ગડબડ થએલી હતી કે, પોતાનાં પુષ્પો ઊપર સુધી પહોંચશે કેવી રીતે, એનો વિચાર માત્ર પણ તેમને થયો નહિ હોય, એમ તેમની લીલાને જોઇ નિ:શંક જાણી શકાતું હતું. અહીંથી એ સમારંભ જે આગળ વધ્યો તે, એટલો તો ધીમે ધીમે ચાલ્યો કે, પાટલિપુત્રના અંતર્ભાગમાં પ્રવેશ કરીને તેને રાજમાર્ગમાં આવતાં બરાબર એક પ્રહર જેટલો સમય વીતી ગયો. બે અઢી પ્રહરથી પ્રેક્ષકોએ ઊભા રહેવાનો શ્રમ વેઠ્યો હતો અને તેથી જો તેમના પગમાં લોહી ઊતરવા માંડે તો તે સ્વાભાવિક હતું. પરંતુ આનંદની ઉત્સુકતા એક એવી વસ્તુ છે કે, તેમાં શ્રમ પણ વિશ્રાંતિ સમાન દેખાય છે. જેમ જેમ એ સમારંભ આગળ ચાલતા જતા હતા, તેમ તેમ લોકો પણ તેની સાથે જ આગળ વધતા જતા હતા.

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!