26. પતિ કે પુત્ર ? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

રાજાનો નિશ્ચય ફેરવવા અને તેને આજે રાજસભામાં જતો અટકાવવા માટેના મુરાદેવીના બધા પ્રયત્નો નિષ્ફળ થયા. રાજા ધનાનન્દે તેનું કાંઈ પણ સાંભળ્યું નહિ. તેણે તો પોતાનો હઠ પકડી જ રાખ્યો તેણે કહ્યું, “આજે તારું કાંઈ પણ ન માનવાનો મેં નિશ્ચય કરેલો છે. હાલ તો તને પ્રહર દોઢ પ્રહર જરાક માઠું લાગશે; કારણ કે, મને પાછો આવવામાં એટલો સમય તો થવાનો જ. પણ જયારે હું પાછો આવી પહોંચીશ, એટલે તારી આવી શંકાઓનો સદાને માટે ઉચ્છેદ થઈ જશે. ખાસ એ જ હેતુથી આજે મેં જવાનો પાકો વિચાર કર્યો છે. આજે તારી વિનંતિ કે આર્જવતાને હું લક્ષમાં લેવાને નથી જ. તારી આજ્ઞાનો હું ભંગ કરીશ જ – માટે હવે તારે કાંઈ પણ વધારે બોલવું નહિ. મારા જવાની તૈયારી કર. જો તને અહીં ન જ ગમે, તો તું પણ ચાલ મારી સાથે – તું પણ એક હાથીપર બેસી જા – ચાલ. એથી જો મને ભમાવવાનો કોઈ પ્રયત્ન કરશે, તો તું પાસે હોવાથી મને પાછો તારે ત્યાં લઈ આવી શકીશ. કેમ, છે કે આવવાની ઇચ્છા? જો આવવું હોય, તો તારા માટેની હું વ્યવસ્થા કરાવું.”

રાજા ધનાનંદ એવી રીતે કાંઈક વિનોદ અને કાંઈક સત્યતાના મિશ્રભાવથી બોલતો હતો; પરંતુ એ સઘળા ભાષણથી મુરાદેવી માત્ર એક વિષયનો દૃઢતાથી નિર્ણય કરી શકી કે, “રાજા કોઈ પણ રીતે મારા કહેવા પ્રમાણે અત્યારે ચાલે તેમ નથી. પોતાનો રાજસભામાં જવાનો નિશ્ચય એ ફેરવશે નહિ જ.” રાજા જો કે કાંઈક વિનોદથી બોલતો હતો, પણ તેનું તેવા જ વિનોદથી પ્રત્યુત્તર આપી શકે, તેવી મુરાદેવીના મનની સ્થિતિ હતી નહિ. તેનું મન સર્વથા ગભરાઈ અકળાઈ ગયું હતું; એ નવેસરથી કહેવાની કાંઈ પણ અગત્ય નથી. “હું જો આ વેળાએ સ્વસ્થતા ધારી બેસી રહીશ, તો મારા પુત્રને રાજ્ય પણ મળશે અને મારી પ્રતિજ્ઞા પણ ખરી થશે. પરંતુ પતિની હત્યાનું મહાપાતક લાગવાથી મારો ચિરકાલ રૌરવ નરકમાં નિવાસ થશે. અર્થાત્ પુત્રને રાજ્યાસને વિરાજેલો જોઈને જે આનંદ થાય, તેને બદલે પ્રત્યેક પળે પતિનું સ્વરૂપ નેત્રો સમક્ષ આવીને ઉભું રહેવાથી શોકનો જ વિશેષ આવિર્ભાવ થશે. પતિહત્યાના પાતકથી મન સર્વદા ઉદ્વિગ્ન જ રહ્યા કરશે. માટે એમ તો ન જ કરવું – સ્વસ્થતાથી બેસી ન જ રહેવું. જે જે કારસ્થાનો મેં આજ સૂધીમાં કર્યા છે અને જે જે વ્યૂહોની રચના કરી છે, તેમનો બધો ભેદ પતિને જણાવી દેવો, પછી મારું જે થવાનું હશે તે થશે. વળી પણ તે જે કાંઈ શિક્ષા કરશે તે હું આનંદથી સહન કરીશ. વધારેમાં વધારે એ શું કરશે? વળી પણ મને કારાગૃહમાં નાંખશે, એટલું જ કે નહિ? કારાગૃહમાં રહેવાની તો હવે મને ટેવ જ પડી ગએલી છે, એથી વધારે કરશે, તો તે મારો વધ કરાવશે ! પણ ના – મને કારાગૃહમાં નાંખવાથી કે મારી નખાવવાથી જ એ વિષયની સમાપ્તિ થશે નહિ – એ ખરેખર વિચારવા જેવો વિષય છે, જેનો જન્મતાં જ ઘાત કરવામાં આવ્યો હતો, એવી ધારણાથી મેં જેનું વૈર વાળવા પ્રતિજ્ઞા કરી હતી, તે મારો પુત્ર આજે આટઆટલાં વર્ષ પછી મારી દૃષ્ટિએ પડ્યો છે અને તેને રાજ્ય મળવાની પણ સર્વ તૈયારીઓ થઈ ચૂકી છે, તે મારા બાળકનું શું થશે? આજ સુધી નાના પ્રકારનાં કાવત્રાં રચીને અંતે અણીના અવસરે હું તેના પ્રયત્નને માટીમાં મેળવું છું, એમ જોઈને આર્ય ચાણક્ય બધી બીના જાહેર કરી નાંખશે, અને એમ થયું એટલે રાજા અવશ્ય ચન્દ્રગુપ્તને પણ ઠાર કરશે જ. આ પુત્ર આપનો નથી, એમ કહીને જેને મારી નાંખવા માટે મારાઓના હાથમાં આપ્યો હતો, તે તે વેળાએ બચી ગયો હતો – એથી જુઓ કે આપના પર આજે કેવું સંકટ આવ્યું તે? એ જ પુત્ર રાજ્ય લેવા માટે આ૫ના પ્રાણહરણનો પ્રયત્ન આદરી બેઠો છે,

ઇત્યાદિ વાતો કરીને મારાં પ્રતિપક્ષી જનો રાજાને ઉશ્કેર્યા વિના રહેવાના નથી જ અને એવાં ભાષણોથી એકવાર રાજા ચીડાયા, એટલે કોપના આવેશમાં તે શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. ચન્દ્રગુપ્ત પોતાનો પુત્ર છે, એવો વિચાર માત્ર પણ તેના મનમાં આવશે નહિ. કદાચિત્ તેને ઊભો ને ઊભો બાળી પણ નાંખે ! ત્યારે હવે અનિષ્ટના નિવારણને શો ઉપાય કરવો ? શું મારે જ મારા પુત્રનો ઘાત કરવો? અને તેને રીબાઈ રીબાઈને મરતો આ નેત્રોથી જોવો ? ના-ના-એમ તો બને જ નહિ. ત્યારે બચાવવો કોને? પતિને કે પુત્રને ? બન્ને બચી જાય તો કેવું સારું થાય? મારો પુત્ર જીવતો છે, એ મારા જાણવામાં આવી ગયું છે, એટલે હવે પછી સુમાલ્યને બદલે એને જ સિંહાસન અપાવવા માટે પાછળથી જોઇએ તેટલી ખટપટો કરી શકાશે. જો આજનો પતિહત્યાનો પ્રસંગ પણ ટળી જાય અને પુત્રના જીવની પણ હાનિ ન થાય, તો આગળ ઉપર મહારાજાનું મન તો ગમે તેમ કરીને પણ વાળી શકાય તેમ છે. કોઇ પણ રીતે ચન્દ્રગુપ્તને પાટલિપુત્રનો રાજા બનાવી શકાશે. પરંતુ ખાસ એટલા માટે જ રાજાનો ઘાત કરવાની કશી પણ આવશ્યકતા નથી. અરે રે! હું કેવી ગાંડી કે એ કારસ્થાની બ્રાહ્મણના કપટજાળમાં ફસી પડી ! પોતાનું દુષ્ટ કાર્ય સાધી લેવા માટે એણે મને પોતાના હાથમાં લીધી અને હું પણ તેની સાથે કપટસમુદ્રમાં વહેતી ચાલી ! હવે જો હું સ્વસ્થ નહિ બેસું અને તેના સઘળા પ્રયત્નો હું નષ્ટ કરવા બેઠી છું, એવી તેને શંકા પણ આવશે, તો તે પોતે પોતાના જીવપર ઉદાર થઈને મારા જીવપર પણ તરાપ મારશે અને સાથે વળી મારા આટલાં વર્ષો પછી મળેલા બાળકના પ્રાણની પણ હાનિ કરી નાંખશે.

એ બ્રાહ્મણ છે, માટે ધનાનંદ કદાચિત્ એની હત્યા કરશે નહિ; પરંતુ પોતાના પિતા પાસેથી રાજ્ય છીનવી લેવાના હેતુથી પિતાની હત્યા કરવાને તત્પર થએલા પુત્રને કદાપિ કોઈએ ક્ષમા આપવાનું નથી. ત્યારે હવે ? પુત્રનો શિરચ્છેદ થવા દેવો ? ના-ના-ત્યારે કરવું કેમ? પતિની હત્યા થવાનું મનમાં આવતાં જ મારા મનમાં કોણ જાણે શુંય થઈ જાય છે ! જો પતિને મરતો બચાવું છું તો પુત્ર મરે છે. એ પણ કેમ જોઈ શકાય? હવે એ બન્ને ઉગરે અને ભેદ સંતાયલો જ રહી જાય, એવો તે શો ઉપાય યોજવો? ઉપાય કોઈ નથી. સ્વસ્થ બેસી રહેવું. પણ સ્વસ્થ પણ કેમ બેસી શકાય ? સ્વસ્થ બેઠી કે પતિ મુઓ જ ! તે ન મરે તેટલા માટે તો હું તલપી રહેલી છું, ત્યારે તેમ ન થાય તો લાભ શો ?” એવા વિચારો તેના મનમાં એક પછી એક આવતા જતા હતા. એ વિચારો ચાલતા હતા અને સાથે તે મહારાજાની સેવા પણ કરતી જતી હતી. પરંતુ તે સેવા ભ્રાંત ચિત્તથી થતી હતી. રાજા તેના ચિત્તભ્રમને તત્કાળ ઓળખી ગયો; પરંતુ “એની ના છતાં આપણે જવાનો નિશ્ચય કર્યો છે, તેથી જ એના મનની આવી સ્થિતિ થએલી છે. હું એક વાર જઈને પાછો આવીશ, એટલે એનો આ બધો ભ્રમ ચાલ્યો જશે અને એને દ્વિગુણિત ઉલ્લાસ થશે. માટે પાછા આવવા સુધી મારે એક પણ શબ્દ બોલવો ન જોઈએ.” એવી ધારણાથી રાજા એ સંબંધી કાંઈ પણ બોલ્યો નહિ. તેણે તો પોતાના ગમનની તૈયારીઓ કરવા માંડી સ્નાન સંધ્યા આદિ કર્મોની સમાપ્તિ થઈ અને ઉપાહાર પણ લેવાયો.

એટલા સમયમાં વળી પણ મુરાદેવીએ વિચાર કર્યો કે “મારે એકવાર હજી પણ અંતની વિનતિ કરવી જોઈએ અને રાજાને જતો અટકાવવો જોઈએ. નહિ તો પછી જે થાય તે ખરું. પણ એને બધો ભેદ તો કહી સંભળાવવો, મારનાર કે તારનાર પરમેશ્વર છે, તેના પર આધાર રાખીને સ્વસ્થ બેસવું, એ જ સારું છે. હું મને મારા પુત્રને અને આર્ય ચાણક્યને પણ ક્ષમા આપવાની પ્રાર્થના કરીશ. પછી તે ક્ષમા આપે તો પણ ઠીક અને ન આપે તોપણ ઠીક.” એવો નિશ્ચય કરી નેત્રોમાં અશ્રુ લાવી તેણે હાથ જોડ્યા અને અત્યંત નમાણું મોઢું કરીને મહારાજને પુનઃ એકવાર અંતિમ વિનતિ કરતાં કહ્યું કે, “ગમે તેમ થાય તો પણ આજે આપ જશો નહિ.” પરંતુ રાજાએ પણ પોતાની દૃઢતામાં કાયમ રહીને જણાવ્યું કે, “એ વિશે હવે તારો ઉપદેશ હું સાંભળવાનો નથી.” એમ કહીને રાજા પોતાનાં વસ્ત્રાલંકારો ધારણ કરવાના કાર્યમાં રોકાયો. એ સર્વ કાર્ય થઈ રહ્યું, તે વેળાએ એક પ્રહર દિવસ ચઢી ગયો હતો. મુરાદેવી સર્વથા હતાશ-નિરાશ થઈ ગઈ, તેથી પોતાના દ્વિતીય નિશ્ચયને પાર પાડવાનો – કારસ્થાનનો બધો ભેદ મહારાજને જણાવી દેવાનો વિચાર કરીને ધનાનન્દના ચરણોમાં દંડ પ્રમાણે પડી ગઈ અને કહેવા લાગી કે, “મહારાજ ! આપ મારું કાંઈ પણ સાંભળતા નથી, ત્યારે હવે એકવાર મને મારા પા……………..….”

પરંતુ તેનો એ નિશ્ચય સિદ્ધ થાય, એમ નિર્માયલું જ નહોતું. એટલે કે તે એ પ્રમાણે વાક્યો ઉચ્ચારતી હતી, એટલામાં તો “મહારાજનો જયજયકાર હો !” એવા એકાએક દશ મનુષ્યોએ ઉચ્ચારેલો ધ્વનિ તેના સાંભળવામાં આવ્યો. એકદમ આવી રીતે દશ મનુષ્યોનો ધ્વનિ ક્યાંથી આવ્યો, એમ ધારીને તે જેવી ઊંચું મુખ કરીને જોવા લાગી, કે ત્વરિત જ એકથી એક નાના એવા નવ કુમારો અને અમાત્ય રાક્ષસ એવી રીતે દશ માનવીઓ રાજાનો જયજયકાર કરતા ઉભા રહેલા તેના જોવામાં આવ્યા. એ નવ કુમારોમાં સુમાલ્ય તથા પોતાના પુત્ર ચંદ્રગુપ્તને પણ તેણે ઉભેલા જોયા. ચન્દ્રગુપ્તને પોતાના પુત્ર તરીકે જાણવા પછીની તેની સાથેની આ પહેલી જ મુલાકાત હતી અર્થાત્ તેને જોતાં જ તેના મનમાં પાછો મોહ ઉત્પન્ન થયો. તેનું તેજસ્વી સ્વરૂપ જોતાં જ મુરાદેવીનું ચિત્ત તત્કાલ તેના પ્રતિ આકર્ષાયું. તેના અને પોતાના સ્વરૂપમાંના સામ્યનું મનમાં પ્રતિબિંબ પડતાં જ “એ ખરેખર મારો જ પુત્ર છે.” એવો તેનો નિશ્ચય થઈ ગયો. અને તેથી “એને મરી ગએલો જાણવા છતાં પણ આટલા દિવસ એના માટે પ્રેમ થતો હતો; ત્યારે એને જીવતો જોયા પછી એને રાજ્ય મળવાના કાર્યમાં હું આડી આવું છું, એ મારી કેટલી બધી મૂર્ખતા!” એવો પણ તેને વિચાર થયો.

સુમાલ્યને જોતાં જ તેના વિશેનો દ્વેષ તેના હૃદયમાં નવીનતાથી જાગૃત થયો. “જેવી રીતે આનું પાલન પોષણ કર્યું; તેવી જ રીતે જો મારા પુત્રનું પણ પાલન પોષણ કરવામાં આવ્યું હોત અને આ અમાત્ય રાક્ષસની ભંભેરણીને અસત્ય માની એને મારી નાંખવા માટે આ ધનાનન્દ રાજા ઉદ્યુક્ત થયો ન હોત, તો આજે આવો અશુભ પ્રસંગ આવ્યો જ ન હોત !! પરંતુ હવે જયારે એ પ્રસંગ આવ્યો જ છે – અરે પરમેશ્વરે જ એ પ્રસંગ આણ્યો છે; તો તેથી આ મૂર્ખ રાજાનો નાશ થાય અને મારા પુત્ર ચન્દ્રગુપ્તને રાજ્ય મળે, એવી જ પરમેશ્વરની ધારણા હોય, એમ દેખાય છે. એટલે મારે હવે એ કાર્યમાં વચ્ચે આવવું ન જોઈએ.” એવી રીતે તેનો નિશ્ચય ડગી ગયો. સુમાલ્ય અને અમાત્ય રાક્ષસ જો એક ક્ષણ માત્ર મોડા આવ્યા હોત, તો મુરાદેવીએ પોતાનાં બધાં પાપો રાજાને જણાવી દીધાં હોત; પરંતુ તેમને જોતાં જ તે બન્ને વિશેનો દ્વેષ તેના મનમાં પાછો જાગૃત થયો અને ચક્ર એકાએક ફરી ગયું. પોતે મહારાજનાં ચરણમાં પડેલી હતી અને એ સર્વ આવી પહોંચ્યા, એ માટે પણ હવે તેને સંતાપ થવા માંડ્યો. તે એકદમ ઊઠીને દૂર જઈ ઊભી રહી અને રાજાને ઉદ્દેશીને કહેવા લાગી કે, “આર્યપુત્ર ! આ મંડળ આપને બોલાવવા માટે આવેલું છે, માટે હવે હું જાઉં છું. આપ સુખેથી જાઓ, રાજકાર્ય કરો અને પાછા આવો.” એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ, જતાં જતાં તેણે એકવાર પોતાના પુત્રના મુખનું પ્રેમદૃષ્ટિથી અવલોકન કર્યું.

રાજાના ગમનની સઘળી તૈયારી થઈ ચૂકી. સવારી નીકળવાનો સર્વ સમારંભ નીચે મુરાદેવીના મંદિર સામે જ કરવામાં આવ્યો હતો. રાજાનો બેસવાનો હાથી અંબાડી સુદ્ધાં તૈયાર હતો. રાજા નીચે જઈ તે હાથીપરની અંબાડીમાં બેઠો. તેના આગળના ભાગમાં ઢોલ, તાસાં આદિ અનેક રણવાદ્યો અને ભેરી શૃંગ આદિ સમારંભવાદ્યો એકદમ વાગવા લાગ્યાં. ધ્વજાઓ હવામાં ફર ફર ધ્વનિ કરતી ઉડતી હતી. રાજાના હાથીની જમણી બાજુએ તેનો યુવરાજ એક હાથીપર બેઠેલો હતો અને ડાબી બાજૂએ અમાત્યરાજ હસ્તીના પૃષ્ટભાગે આરુઢ થઈને ચાલતો જોવામાં આવતો હતો. રાજાના બીજા સાત પુત્રો અશ્વારુઢ થઈને ચાલતા હતા, માત્ર ચન્દ્રગુપ્ત એકલો જ વાદ્ય વગાડનારાઓની પાછળ અને રાજાના હાથીની આગળ ચાલ્યો જતો હતો. એવા ઠાઠમાઠથી સ્વારી ચાલતી હતી. અમાત્ય રાક્ષસના મનમાં ઘણો જ આનંદ થતો હોય, એમ તેની પ્રફુલ્લ મુખમુદ્રાથી અનુમાન કરી શકાતું હતું. નાગરિકોની ભીડ ન થાય, તેટલા માટે સૈન્યમાંના કેટલાક લોકો રાજા અને રાજપુત્રના હાથીઓની આગળ પાછળ રહી તેમને બીજા લોકોથી કેટલાક અંતરપર રાખતા હતા.

મુરાદેવીનું મંદિર રાજમહાલયથી દૂર હતું. તેને કારાગૃહમાં નાંખવામાં આવી, ત્યારથી તે એ જ મંદિરમાં રહેતી હતી અને બંધનમુક્ત થયા પછી પણ આગ્રહ કરીને તેણે એ જ મંદિરમાં રહેવાનું પસંદ કર્યું હતું. ઉપર લખ્યા પ્રમાણે મોટા ઠાઠમાઠથી એ સમારંભ રાજગૃહ પ્રતિ ચાલ્યો જતો હતો. માર્ગમાં સ્થળે સ્થળે પ્રજાજનોએ તોરણો-મંડપો-ઉભાં કર્યા હતાં અને તે તોરણો તળેથી રાજાની સવારી ચાલી જતી હતી. માર્ગમાં બન્ને બાજૂએ આવેલાં ગૃહોની બારીઓમાંથી રાજા અને રાજપુત્ર પર એક સરખી પુષ્પવૃષ્ટિ થતી હતી. જાણે કે ઘણાં વર્ષો પછી એ રાજાની સવારી નવેસરથી જ પાટલિપુત્રમાં નીકળી હોય અને તેથી જ લોકો આવો ઉત્સવ કરતા હોયની એવો સર્વત્ર આદર્શ થઈ રહ્યો હતો. એવા સમારંભની સવારી ચાલી જતી હતી, એટલામાં સામેથી એક ઘોડેસ્વાર ઘણા જ વેગથી પોતાના ઘોડાને દોડાવતો ત્યાં આવી લાગ્યો. એ કોણ છે અને આટલા બધા વેગથી શામાટે આવ્યો છે, એની હજી લોકો ચોકસી કરતા હતા, એટલામાં તે ઘોડેસ્વાર રાક્ષસનાં હાથી પાસે જઈને પોતાના હાથમાંના ભાલાની અણીપર એક પત્રિકા ટોંચીને તે અમાત્યને આપી. એમાં શું હશે, તે જાણવા માટે રાક્ષસે તે પત્રિકા લીધી અને વાંચી જોઈ વાંચતાં જ તેનું મોઢું એકદમ ઊતરી ગયું. એટલું સારું થયું કે, રાજાનું ધ્યાન એ વેળાએ તેની તરફ હતું નહિ. તેણે પોતાના હાથીને રાજાના હાથીની જોડમાં લઈને ધીમેથી રાજાને કહ્યું કે, “મહારાજ ! આટલી વાર હું આપ સાથે ચાલ્યો, માટે હવે જૂદા જ માર્ગથી મને આગળ રાજસભામાં જવાની આજ્ઞા મળવી જોઈએ; એટલે ત્યાં જઈને આદર માટેની જે તૈયારી કરવી હોય, તે મારાથી કરી શકાય.”

એટલું કહી રાજાની અનુમતિ મળી કે નહિ, તેની વાટ ન જોતાં તેણે પોતાના હાથીને બીજા માર્ગમાં વાળ્યો. રાજાએ પણ તે તરફ વિશેષ લક્ષ આપ્યું નહિ – કિંવા તેનું લક્ષ તે તરફ દોરાયું જ નહિ, એમ કહીએ તોપણ ચાલે. તેનું સર્વસ્વ ધ્યાન પોતાપર પુષ્પવૃષ્ટિ કરનારી યુવતીઓમાં જ પરોવાયલું હતું. ધીમેધીમે આખી સવારી ચાણક્યે રાજગૃહના દ્વાર પાસે જે વિવક્ષિત સ્થાન તળે પોચી જમીન કરી રાખી હતી, ત્યાં આવી પહોંચી. ચન્દ્રગુપ્ત થોડીક વાર આણી બાજુ ઊભો રહ્યો. જે સ્થાનેથી જવામાં કાંઈ ભય જેવું નહોતું ત્યાંથી નીકળી જવાને તેણે પૂર્વ સંકેત પ્રમાણે પોતાના અશ્વને જરાક વાંકો વાળ્યો.

રાજાની સવારી પોતાના મંદિરમાંથી નીકળી જવા પછી પાછો મુરાદેવીની ચિત્તવૃત્તિમાં ફેરફાર થઈ ગયો, પુન: “ પતિ કે પુત્ર?” એ પ્રશ્ન તેના હૃદયને દુ:ખ દેવા લાગ્યો. “મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થાય તેટલા માટે હું પતિની હત્યા થવા દઉં છું, એ મારી અત્યંત નીચતા છે. પોતાના સૌભાગ્યને પોતાના હસ્તે જ નષ્ટ કરીને પુત્રના મસ્તકે રાજમુકુટ જોવાની હું ઇચ્છા રાખું છું, તે યોગ્ય નથી. આ અત્યંત નિંદ્ય કાર્ય છે. આર્યાવર્તમાં અતઃ પૂર્વ મારા જેવી દુષ્ઠા બીજી કોઈ પણ સ્ત્રી જન્મી નહિ હોય અને હવે પછી જન્મશે પણ નહિ ! હજી-હજી પણ હું શિબિકા (પાલખી) માં બેસી એ સવારીમાં પહોંચીને રાજાને જાગૃત કરી શકું તેમ છે. હજી પણ રાજાના પ્રાણનું રક્ષણ કરી શકીશ. આ વાત સુમતિકાને કહીશ, તો તે કદાચિત્ માનશે નહિ, માટે વૃન્દમાલાને જ બોલાવું.” એવો વિચાર કરીને તેણે વૃન્દમાલાને બોલાવી અને તેને પોતામાટે એક શિબિકા તૈયાર કરાવવાની આજ્ઞા આપી. “મુરાદેવી અત્યારે ક્યાં જવાની હશે !” એવા વિચારથી વૃન્દમાલા ક્ષણમાત્ર ત્યાંની ત્યાં જ તટસ્થ બની ઊભી રહી; એટલે મુરાદેવી ઝટ તેના શરીરપર ધસી આવીને કહેવા લાગી કે, “શું મારા હાથે પતિહત્યા કરાવવાનો તમારો બધાનો જ નિશ્ચય થએલો છે કે શું? જા-જા-જો એક ક્ષણનો પણ વિલંબ કરીશ, તો મહારાજ મુઆ જ જાણજે. હા-થોડી જ વારમાં સર્વત્ર અંધકાર છવાઈ જશે, જા–દોડ-વાયુવેગે ધા–”

રાણીનાં એ વચનોથી બિચારી વૃન્દમાલા તો કાવરી બાવરી જ બની ગઈ અને ગાંડા માણસ પ્રમાણે એકદમ દોડી, તેણે બની શકી તેટલી ઉતાવળ કરી અને શિબિકા લાવી આપી; પરંતુ એ અલ્પ સમય પણ મુરાદેવીને યુગ સમાન ભાસવાથી તે ઘણી જ કોપાઈ ગઈ છેવટે શિબિકામાં બેસીને તેના વાહકો (ભોઈઓ) ને “મહારાજાની સવારીમાં જલદી મને લઈ ચાલો.” એવી તેણે આજ્ઞા આપી. ભોઈઓ પોતાના પગેામાં જેટલી શકિત હતી, તેટલી શીઘ્રતાથી ચાલવા લાગ્યા; છતાં પણ અંદરથી મુરાદેવીના “જલ્દી ચાલો–પગ ઉપાડો.” એવા પોકારો ચાલુ જ હતા. સવારી પાસે આવતાં જ અત્યંત વિલક્ષણ હાહાકારનો ગગનભેદક ધ્વનિ મુરાદેવીના સાંભળવામાં આવ્યા, તે મૂર્છિત થઈ ગઈ !

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!