28. પર્વતેશ્વર પકડાયો – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

પર્વતેશ્વરને રાક્ષસનું – એટલે રાક્ષસની મુદ્રાવાળું પત્ર મળ્યું, ત્યારથી તે સર્વથા આનન્દમાં લીન થઈ ગયો હતો. ગ્રીક યવનોના બાદશાહ સિકંદરે હિંદુસ્તાનપર ચઢાઈઓ કરીને જે રાજાને પાદાક્રાન્ત કર્યો હતો અને ત્યારપછી પોતાના એક માંડલિક તરીકે તેના જૂના રાજ્યની સત્તા તેને પાછી આપી હતી, તે જ એ પર્વતેશ્વર હતો. એવા બીજા પણ પદભ્રષ્ટ રાજાઓ હતા, પણ સર્વમાં મુખ્ય પર્વતેશ્વર જ હતો. એ કારણથી પાટલિપુત્રના નન્દ રાજાઓ એનો ઘણો જ દ્વેષ કરતા હતા. મ્લેચ્છોનો- યવનોનો એ માંડલિક હતો, તેમજ વળી તેની સેનામાં મ્લેચ્છ અને યવન ઇત્યાદિ જાતિના લોકો પણ હતા, એથી પર્વતેશ્વરને પણ નન્દરાજા મ્લેચ્છ જ માનતા હતા. એ સર્વ રાજાઓ મ્લેચ્છના માંડલિક થયા, પરંતુ પોતે અદ્યાપિ સ્વતંત્ર રહીને આર્યોનું આર્યત્વ અને શ્રેષ્ઠત્વ રાખી શક્યા હતા, તેથી તેમને ઘણું જ અભિમાન હતું. નન્દરાજાના એ અભિમાનનું પરિણામ એવું થયું કે, પર્વતેશ્વર જેવા રાજાઓ તેમનો દ્વેષ કરવા લાગ્યા. તેમને એમની ઘણી જ અદેખાઈ આવવા માંડી. કોઈ પણ પ્રસંગ મળે, એટલે એ નન્દોનાં પોતાના આર્યત્વ માટેના અહંકારને ઉતારી નાંખવો જોઈએ, એવી તેમના હૃદયમાં આકાંક્ષા ઉત્પન્ન થઈ. એવી દશા હોય અને તેવામાં અમાત્ય રાક્ષસ જેવો મનુષ્ય રાજદ્રોહી અને સ્વામિદ્રોહી થાય તો શત્રુઓને પછી બીજું શું જોઈએ વારુ ?

પર્વતેશ્વરનો આનંદ ગગનમાં પણ માતો નહોતો. તેણે રાક્ષસને કાંઈક ઉત્તર મોકલ્યું, પુનઃ તેનું ઉત્તર આવ્યું અને અંતે પાછું એક પત્ર આવ્યું, તેમાં તો સ્પષ્ટ લખેલું હતું કે, “અમુક દિવસે અને અમુક વેળાએ જો આ૫ પોતાના થોડા સૈન્ય સાથે પધારીને પાટલિપુત્રને ઘેરો નાંખશો, એટલે થઈ ચૂક્યું. વધારે સૈન્ય લાવવાની કાંઈ પણ આવશ્યકતા નથી. આપ મગધની સીમામાં આવશો, એટલે લોકો ગભરાશે, માટે તેમને એમ કહેવું કે, અમે રાજા ધનાનંદના આમંત્રણથી ચાર દિવસ પાટલિપુત્રમાં અતિથિ થવાને જઈએ છીએ. જો તમારી સાથે સૈન્ય થોડું હશે ને માગધી પ્રજાને કાંઈ પણ ઉપદ્રવ નહિ કરે, તો લોકો મૌન્ય ધારી બેસી રહેશે. અર્થાત્ એથી હોહા થવા નહિ પામે ને કાર્ય સિદ્ધ થઈ જશે. અહીં તો મારી સર્વ સેના તૈયાર જ છે; સેનાપતિ ભાગુરાયણ પૂર્ણ રીતે આપણા પક્ષમાં છે – તેથી આવતાં જ આપ પાટલિપુત્રના રાજ્યાસનને પોતાના કબજામાં લઈ શકો, એવી સર્વ વ્યવસ્થા કરી રાખી છે. નન્દોનો વંશવૃક્ષ સમૂળ, સશાખ અને સાંકુર ઉખડી જાય – નષ્ટ થાય – એક ક્ષણમાં જ નષ્ટ થાય, એવી ઉત્કૃષ્ટ યોજના કરવામાં આવી છે. વધારે લખવાનો અત્યારે સમય નથી. આ સમય ઘણો જ મૂલ્યવાન છે. માટે જો આ વેળા આ૫ જવા દેશો, તો મારો અવશ્ય નાશ થશે ને આપનો લાભ જશે. જો આ વેળાએ આપણો વિજય થશે, તો આપના જેવા ગુણગ્રાહક ચક્રવર્ત્તી રાજાના પ્રધાનપદે રહેવાને હું તૈયાર છું અને મગધદેશના પ્રજાજનોને ધનાનન્દના ત્રાસમાંથી છોડવવાનું શ્રેય મેળવીને આપ ચક્રવર્ત્તી પણ થવા પામશો. એ જ લેખનમર્યાદા, ઇતિ શમ્”

નંદની માનહાનિ કરીને મગધદેશનું ચક્રવર્તિત્વ મેળવવાની ઇચ્છા રાખનારો પર્વતેશ્વર એથી ઘણો જ હર્ષાયો. તેના મનમાં એ બીજા પત્ર વિશે શંકા માત્ર પણ આવી નહિ અને તેણે તત્કાલ રાક્ષસની આજ્ઞા પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો. વળી પત્ર પણ તેને એવી અણીની વેળાએ પહોંચાડવામાં આવ્યું હતું કે, એમાં શંકા વિશંકા કાઢીને વ્યર્થ વેળા વ્યતીત કરવાનો અવસર જ રહ્યો નહોતો. “જો આ વેળાએ પ્રયાણ નહિ કરીએ, તો આવો અમૂલ્ય પ્રસંગ હાથમાંથી જતો રહેશે, માટે આ ક્ષણે ત્વરા કરવા વિના બીજો ઉપાય જ નથી. રાક્ષસ લખે છે કે, સેનાધિપતિ ભાગુરાયણ આપણને પૂર્ણરીતે અનુકૂલ છે, તેથી વધારે સૈન્ય સાથે રાખવાની કાંઈપણ આવશ્યકતા નથી. પાટલિપુત્રના લોકોના મનમાં ધાક બેસી જાય, એટલું સૈન્ય હોય, તો તે બસ છે. ભાગુરાયણની સહાયતાથી આપણું કાર્ય સહજમાં જ સિદ્ધ થઈ શકશે. પ્રજા તો સર્વદા ગાય પ્રમાણે જ હોય છે – એટલે કે એક ધણીએ છોડી દીધા પછી બીજા ધણીના હાથમાં જતાં સુધી જે ધાંધલ કરે, તેટલું જ – એકવાર બંધાઈ એટલે થઈ ચૂક્યું.” એવો દૃઢ વિચાર કરીને પર્વતેશ્વરે પોતા સાથે સૈનિકો વધારે સંખ્યામાં લીધા નહિ. પાટલિપુત્રમાં પહોંચે, ત્યાં સૂધી માર્ગમાં માગધી પ્રજાને તે એમ જ કહેતો રહ્યો કે, “કાંઈક મૈત્રિનો સંબંધ જોડવામાટે ધનાનન્દ મહારાજે બોલાવવાથી અમે થોડા સૈન્ય સાથે પાટલિપુત્ર જઇએ છીએ.”

માર્ગમાં લોકોને જરા જેટલો પણ ત્રાસ થયો નહિ. એથી લોકોને શંકા પણ આવી નહિ. પર્વતેશ્વર ત્વરિત અને નિર્વિઘ્ન પાટલિપુત્રમાં પહોંચી શક્યો. જે પત્રના પરિણામે મૂઢ પર્વતેશ્વર આટલી બધી ઊતાવળથી આવી પાટલિપુત્રને ઘેરો નાંખી બેઠો હતો, તે પત્ર પણ આર્ય ચાણક્યે જ રાક્ષસના નામે તૈયાર કરીને મોકલ્યું હતું, એ રહસ્ય ચતુર વાચકો જાણી જ ગયા હશે. એ પત્રપર પણ પૂર્વ પ્રમાણે રાક્ષસની મુદ્રા ઇત્યાદિ સર્વ ચિન્હો હતાં અને તે પર્વતેશ્વરના હાથમાં એવા અણીના સમયે આવ્યું હતું કે, નકામી શંકાઓ કાઢીને વેળા વીતાડવાનો તેને અવકાશ જ હતો નહિ. બે માર્ગ હતા, કાં તો પત્ર પ્રમાણે વર્તવું ને કાં તો પોતાની મેળે આવેલો અવસર વ્યર્થ જવા દેવો. પરંતુ ઘણા દિવસની ઇચ્છા તૃપ્ત થવાની વેળા આવી લાગી હોય, તેને વ્યર્થ કોણ જવાદે વારુ ? અર્થાત્ ઊપર કહ્યા પ્રમાણે પર્વતેશ્વરે સૈન્યસહિત આવીને પાટલિપુત્રને ઘેરી લીધું અને ભાગુરાયણ પોતાનું સૈન્ય લાવીને આપણને પાટલિપુત્રમાં લઈ જશે તથા રાક્ષસ અને તે આપણો જયજયકાર ધ્વનિકરીને આપણને સિંહાસને બેસાડશે, એની વાટ જોતો તે બેઠો. એના મનમાં ઘણી જ મોટી આશા વસી રહેલી હતી; પરંતુ એ આશા નિરાશાના રૂપમાં ફેરવાઈ ગઈ. પાટલિપુત્રના દુર્ગપરથી તેના સૈન્ય પર એકાએક મારો શરુ થયો. પોતાની સહાયતા માટે સૈન્ય આવવાનું એક બાજુએ રહીને વિરુદ્ધ પક્ષે દુર્ગપરથી પોતાપર બાણ, શતધ્ની, ભુશુંડી અને યંત્રો તથા મહાયંત્રોમાંથી વિમુક્ત થએલી પાષાણવૃષ્ટિનો એકસરખો મારો શરુ થએલો જોઈને પર્વતેશ્વર અને તેના સૈનિકો ઘણા જ ગભરાઈ ગયા. “અમાત્ય રાક્ષસે વિશ્વાસધાત તો નથી કર્યો? હું તેના રાજાનો દ્વેષ કરું છું અને મગધદેશનું રાજ્ય લેવાની ઇચ્છા રાખું છું એથી આવી રીતે મારા પર તેણે પોતાનું વેર તો નહિ વાળ્યું હોય ?” એવી શંકા આવી, તેથી પર્વતેશ્વરને પોતાની ભોળાઈ માટે ઘણું જ માઠું લાગવા માંડ્યું, “અમાત્ય રાક્ષસ ઘણો જ સ્વામિભક્ત કહેવાય છે.

તે પોતે એકાએક સ્વામિ દ્રોહ કરવાને તત્પર થયો અને તેણે આવીરીતે મને બોલાવ્યો. એમાં કાંઈ પણ ભેદ હોવો જોઈએ, એવી શંકા મારે પ્રથમ જ કરવાની હતી. અને તે શંકાને દૂર કરવામાટે ગમે તે પ્રયત્ન કરીને મારા ગુપ્ત રાજદૂતોને મોકલીને ખરી બીના શી છે, તે મારે જાણવી જોઈતી હતી, પરંતુ એ જાણવાનો મેં જરા જેટલો પણ યત્ન કર્યો નહિ, એ મારી કેટલી બધી મૂર્ખતા ? રાક્ષસ જેવાં સ્વામિભક્ત અમાત્ય એવું પત્ર લખે જ કેમ ? અને કદાચિત્ લખ્યું હોય, તો તે તેણે જ લખ્યું છે કે નહિ, એની ખાત્રી કરવી જોઈતી હતી, પરંતુ મારા મનમાં એની શંકા માત્રપણ આવી નહિ ને જે થોડી ઘણી આવી, તેને તત્કાલ મેં દૂર કરી દીધી. અર્થાત્ આ ઘણું જ અવિચારનું કાર્ય કરીને મારે હાથે જ મેં મારા શિરે સંકટની વર્ષા વર્ષાવી આને શું કહેવું ? “એવા પશ્ચાત્તાપના અનેક વિચારો મનમાં આવતાં પર્વતેશ્વર મનમાંને મનમાં ઘણો જ શોકાતુર થઈ ગયો. તેમાં પણ તેના વિશેષ શોકનું કારણ તો એ હતું કે, તે ઘણા જ થોડા સૈન્ય સાથે આવ્યો હતો. કારણ કે, પાટલિપુત્રમાંથી સહાયતા મળવાની તેના મનમાં પૂરેપૂરી આશા હતી. તે પોતે જો યુદ્ધની તૈયારી કરીને મગધરાજાના સૈન્ય સમક્ષ ઝુંઝવાને જ આવ્યો હોત, તો તો તે બીજી જ વ્યવસ્થાથી આવ્યો હોત. પરંતુ એ તો એવા જ વિશ્વાસથી આવેલો હતો કે, “પાટલિપુત્રને ઘેરો ઘાલવાનો તો માત્ર વેશ ભજવવાનો છે – ત્વરિત જ આપણો જયજયકાર થશે – પાટલિપુત્ર – મગધદેશ-ના સિંહાસને આપણી સ્થાપના થશે અને આપણે મગધદેશના મહારાજાધિરાજ કહેવાઈશું ?” એ સર્વ આશાઓ આકાશમાં ઊડી ગઈ અને તેને સ્થાને ઉપર જણાવ્યા પ્રમાણે ન ધારેલો એવો શાસ્ત્રાસ્ત્રોને માર સહન કરવાનો અને ચોર પ્રમાણે ન્હાસી છૂટવાનો ઘણો જ લજજાસ્પંદ પ્રસંગ આવી પહોંચ્યો. પ્રથમ તો થોડીકવાર “એ તેમની ભૂલ થઈ હશે – એટલે હમણાં જ એ મારો બંધ થશે” એમ કહીને તેણે પોતાના સૈનિકોને ધૈર્ય આપ્યું; પરંતુ એવું ખોટું ધૈર્ય ક્યાંસુધી ટકી શકે ? તત્કાલ પીઠ બતાવીને સૈન્યે પોતાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

જ્યાં સુધી કોઈપણ પક્ષના સૈન્યે પલાયનનો પ્રયત્ન કરેલો હોતો નથી, ત્યાં સૂધી તેનો કાંઈક પણ મોભો જળવાયેલો રહે છે; પરંતુ એકવાર પોતાના પ્રતિપક્ષીને પીઠ બતાવી, એટલે પછી તે પલાયન કરતા સૈન્યની કૂતરા જેટલી પણ આબરુ રહેતી નથી. તેવી જ દશા પર્વતેશ્વરના સૈન્યની અને તેની પેાતાની પણ થઈ. પર્વતેશ્વરના સૈન્યે જેવો પલાયનનો પ્રયત્ન કર્યો કે, તે જ ક્ષણે પાટલિપુત્રના દુર્ગનાં દ્વારો એકાએક ઊઘાડી નાંખવામાં આવ્યાં. અને તેમાંથી ભાગુરાયણના સૈનિકોએ બહાર પડીને પર્વતેશ્વરના સૈનિકોનો પીછો પકડ્યો. એ સૈન્યના અગ્રભાગે ચન્દ્રગુપ્ત હતો અને તે મહાન વીરતાના ભાવથી પોતાના શૂર સૈનિકોને શત્રુઓને પકડી પાડવાની આજ્ઞાઓ આપતો જતો હતો. ચન્દ્રગુપ્તનો આદર્શ એ વેળાએ ઘણો જ વિલક્ષણ દેખાતો હતો. તેનાં સર્વાંગ–રોમરોમાંચ–વીરશ્રીની પ્રતિમાથી સ્ફુરણ પામતાં દેખાતાં હતાં, તેની દૃષ્ટિ એટલીબધી ચંચલ થયેલી હતી કે, સર્વવ્યાપી થવાનો પ્રયત્ન કરતી હોયની, એવો ભાસ થતો હતો. શત્રુઓ કઈ દિશામાં ન્હાસે છે અને આપણે તેમને કઈ બાજુએથી અટકાવવાનો યત્ન કરવો જોઈએ. એનાં પોતાનાં વિશાળ અને તેજસ્વી નેત્રોને ફેરવીને તેણે ક્ષણના અર્ધ ભાગમાં જ નિશ્ચય કરી નાંખ્યો, અને તેને અનુસરતી પોતાના સૈનિકોને આજ્ઞા આપી દીધી. તેની આજ્ઞાને અનુસરીને સૈનિકોએ શત્રુઓની પીઠ પકડી. અંતે શત્રુઓ હતાશ થઇને ચાલવામાં ધીમા પડ્યા, એટલે ચન્દ્રગુપ્તના સૈનિકોએ તેમને એકપછી એક કેદી કરવા માંડ્યા. થોડા જ વખતમાં ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણે મળીને પર્વતેશ્વરના સૈનિકોની મોટી સંખ્યાને પોતાના તાબામાં કરી લીધી. પરંતુ જ્યાં સુધી પર્વતેશ્વર પોતે પકડાય નહિ, ત્યાં સૂધી ચન્દ્રગુપ્તને સંતોષ થાય નહિ, એ સ્વાભાવિક હતું. એ કારણથી બાકીના સૈન્યના પ્રતિબંધનું કાર્ય ભાગુરાયણને સોંપીને ચન્દ્રગુપ્ત પોતે પર્વતેશ્વરને પકડવા માટે ધસ્યો. “એ રાજાને તું પકડી પાડીશ, તો પાટલિપુત્રના સિંહાસનપર તારી સ્થાપના થએલી જ તારે સમજવી અને પર્વતેશ્વરને પકડી લાવે, તો જ મને મોઢું બતાવજે, નહિ તો આવીશ નહિ.” એવી રીતે ચાણક્યે ચન્દ્રગુપ્તને ભાર મૂકીને કહ્યું હતું. અર્થાત્ એથી ચન્દ્રગુપ્તના હૃદયમાં વિચિત્ર શૈાર્ય ઉદ્દભવ્યું હતું.

અકસ્માત્ નન્દોનો સર્વથા નાશ થયો, તેમના વંશવૃક્ષનો એકપણ અંકુર રહ્યો નહિ, એવી સ્થિતિ જોઇને એકદમ ખળભળી ગએલા લોકો રાક્ષસવિશેના સંશયથી ગમે તેટલા સંતપ્ત થયા હોય, તોપણ ચન્દ્રગુપ્ત જેવા એક અજ્ઞાત રાજકુમારને તેઓ એકાએક સિંહાસને આરૂઢ થવા દેશે નહિ. માટે આ વેળાએ એના હસ્તે કોઈ અલૈાકિક કૃત્ય કરાવીને ત્યારપછી જ એને નગરમાં લાવવો જોઇએ. મગધદેશનો પૂર્ણવૈરી અને જે મગધદેશને જિતી લેવામાટે આવ્યો હતો, તે પર્વતેશ્વરને બંદીવાન કરીને પકડી લાવવો, એના જેવું તે અલૌકિક કૃત્ય બીજું શું હોઈ શકે ? એ જ કૃત્ય ચન્દ્રગુપ્તના હસ્તે કરાવવાના હેતુથી આટલા મોટા પર્વતેશ્વર જેવા રાજાને રાક્ષસના નામનાં ખોટાં પત્રો મોકલીને પાટલિપુત્રમાં લાવવાનો ચાણક્યે પ્રપંચ રચ્યો હતો અને તેથી ચન્દ્રગુપ્તને તેને પકડવા માટેની એવી કઠિનતમ આજ્ઞા આપી હતી. અંદરખાનેથી ભાગુરાયણની તો તેને સહાયતા હતી જ અને ચન્દ્રગુપ્તની મહત્ત્વાકાંક્ષા પણ પૂર્ણ ઉદીપ્ત થએલી હતી. એટલે તેણે પણ પોતાના શત્રુને પકડવામાટે પરાકાષ્ટાનો શ્રમ લીધો. અંતે મગધદેશની અને પર્વતેશ્વરના રાજ્યની સીમાના સંમેલનના સ્થાનથી થોડીક આણીબાજૂ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પકડ્યો અને બન્ને સૈન્યનું થોડીકવાર સારું યુદ્ધ થયું. એ ઝપાઝપીમાં ચન્દ્રગુપ્તે અત્યંત વિલક્ષણ શૈાર્ય તથા ચાતુર્ય બતાવીને પોતાના શત્રુનો પરાજય કર્યો અને તેને કેદ કરી લીધો. પર્વતેશ્વરે પુષ્કળ ખંડણી આપવાનું કબૂલ કર્યું, સંધિની માગણી કરી, પરંતુ વ્યર્થ ! તેને છોડી દેવો, એ ચન્દ્રગુપ્તને બિલકુલ ઇષ્ટ નહોતું. પોતાના ગુરુના ચરણ સમક્ષ પર્વતેશ્વરને પ્રથમ ગુરુદક્ષિણાના રૂપે લઈ જઈને ઊભો કરવાનો હતો. તેમ જ રાક્ષસને એમ દેખાડવાનું હતું કે, “પ્રપંચ કરીને જેણે નંદવંશનો સંહાર કર્યો, તે આ મ્લેચ્છ રાજાને પકડીને હું તમારા આખા નગરમાં તમારા સમક્ષ ફેરવું છું.” એમ કરવામાં મગધના લોકોની પ્રીતિ મેળવવાનો આ રાક્ષસપ્રતિ તેમના મનમાં ધિક્કાર ઉપન્ન કરવાનો હેતુ સમાયલો હતો. વસ્તુસ્થિતિ આવી હોવાથી ખંડણી કે સંધિમાટેની પર્વતેશ્વરની માગણીને તો કેમ સ્વીકાર કરી શકે વારુ ? અર્થાત્ તેનું કાંઈપણ ન સાંભળતાં ચન્દ્રગુપ્ત તેને પાટલિપુત્રની દિશામાં લઈ ચાલ્યો.

પર્વતેશ્વર સર્વથા નિરુપાય થઈ ગયો. ચન્દ્રગુપ્તના કેટલાક સૈનિકોના ચોકી પહેરામાં તે મૌન મુખે ચાલવા લાગ્યો. એ વેળાએ તેના મનમાં એટલો બધો પશ્ચાત્તાપ થવા લાગ્યો કે, જેનું વર્ણન થવું અશક્ય છે. “કાંઈ પણ વિચાર ન કરતાં માત્ર વિશ્વાસથી જ – અંધ વિશ્વાસથી રાક્ષસનાં વચનોને ખરાં માનીને હું પાટલિપુત્રપર ચઢી આવ્યો, એમાં મેં કેટલી મોટી ભૂલ કરી હતી, તે હવે જણાયું, રાક્ષસે વિશ્વાસધાત કરવામાટે જ તો એ પત્રો નહિ લખ્યાં હોયને? એવો પ્રશ્ન જ મારા મનમાં થયો નહિ. દુષ્ટ રાક્ષસ ! તારા માટે મારા મનમાં ઘણું જ માન અને ઘણો જ પૂજ્યભાવ હતો, તેથી જ હું ફસાયો. પણ એ માન શાથી હતું? તું ઘણો જ સ્વામિનિષ્ઠ છે, એથી અને જ્યારે એ સ્વામિનિષ્ઠ હોવાથી જ મારા મનમાં એનામાટે માન હતું, ત્યારે એને સ્વામિદ્રોાહી થએલો જોઇને મને એનાપર ધિક્કાર કેમ ન આવ્યો? એ મારા લોભનું પરિણામ; બીજું કાંઈપણ નહિ. મારા હૃદયમાં જો આ રાજ્યનો લોભ હોત નહિ, તો આજે હું આવી રીતે ફસાયો પણ ન હોત. પણ હવે એની ચિન્તા કરવી વૃથા છે.” એવી રીતે તે પોતે જ પોતાને પ્રશ્નો પૂછતો અને તેનાં પોતે જ ઉત્તરો આપતો ચાલ્યો જતો હતો. એટલામાં તેની વળી એવી ઇચ્છા થઈ કે, એકવાર ચન્દ્રગુપ્તને પ્રશ્ન કરવો અને આવી રીતે પોતાને ફસાવવામાં રાક્ષસને શેનો હેતુ હોવો જોઇએ, તે જાણી લેવું. એ ઇચ્છા પ્રમાણે તેણે પ્રશ્ન કર્યો, પરંતુ ચન્દ્રગુપ્ત એનું ઉતાવળમાં એટલું જ ઉત્તર આપ્યું કે, “રાક્ષસ ઘણો જ ચતુર અને સ્વામિભક્ત અમાત્ય છે; એટલે એના વિચારોને જાણવાની શક્તિ અમારામાં નથી.” એ ઉત્તર આપવામાં પણ તેનો એવો ભાવ સમાયલો હતો કે, હવે પછી પર્વતેશ્વર બીજો પ્રશ્ન કરે જ નહિ. આવું ઉત્તર આપવાનું બીજું એ પણ કારણ હતું કે, ચન્દ્રગુપ્તે ખરું બોલવાનું નહોતું, જો તો ખરું બોલે, તો તો “તમને અહીં બોલાવવાની બાબતમાં રાક્ષસ કશું જાણતો જ નથી — તમને ફસાવનાર તો બીજો જ કોઈ પુરુષ છે.” એવું જ ઉત્તર આપવું જોઇએ. પરંતુ એ રહસ્ય તેને જણાવવું અને પોતેજ પોતાની હાનિ કરવી એ સમાન હતું તેમ જ “આ બધું રાક્ષસે જ કર્યું.” એમ કહીને તેને વધારે ગુંચવાડામાં નાખવાનું કાર્ય પણ ચન્દ્રગુપ્તથી બની શકે તેમ હતું નહિ. કારણ કે, ચાણક્ય તેનો ગુરુ હતો, તેણે જ તેને પિતા પ્રમાણે પ્રેમથી પાળીને મોટો કર્યો હતો અને તેને રાજ્યાસને બેસાડવાના હેતુથી તે જે જે કારસ્થાનો કરતો હતો, તે ચન્દ્રગુપ્ત સર્વ સારી રીતે જાણતો હતો, છતાં પણ તેનાં તે કારસ્થાનોમાં રહેલું અત્યંત કાળાપણું તેને તિલભાર પણ ગમતું હતું નહિ. જેવી રીતે કોઈ પિતાનાં કૃત્યો તેના પુત્રને ન ગમતાં હોવા છતાં પણ તેનાથી તે વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારી શકાતો નથી અને તે ઉચ્ચારવામાં પિતૃદ્રોહની શંકા થાય છે, તેવી જ આ વેળાએ ચન્દ્રગુપ્તની સ્થિતિ થએલી હતી. સારું શું અને નઠારું શું, એ જોવાનું કાર્ય ચન્દ્રગુપ્તનું નહોતું. ચાણક્યની આજ્ઞાનુસાર વર્તવું, એ જ તેનું કર્તવ્ય હતું. ચાણક્ય પણ એ જ રીતે તેને વર્તાવતો હતો અને ચન્દ્રગુપ્ત પણ એ જ રીતે વર્તતો હતો. પર્વતેશ્વર જો કાંઈપણ પૂછે, તો તેને ઉડાવનારા જવાબો જ આપવાનું ચાણક્યે એને કહી મૂક્યું હતું, તેથી ચન્દ્રગુપ્ત તે જ પ્રમાણે વર્ત્યો, એ આપણે જોયું.

ચન્દ્રગુપ્ત પર્વતેશ્વરને પકડી લાવે છે કે નહિ ? એ જ ચિન્તામાં ચાણક્ય નિમગ્ન થઈ ગયો હતો. એટલામાં દૂતોએ આવીને પર્વતેશ્વરના પકડાવાના સમાચાર સંભળાવતાં જ તેના હર્ષનો પાર રહ્યો નહિ. તેને હવે પોતાના જન્મની સફળતા ભાસવા લાગી. તે એકદમ ઊઠ્યો અને હવે ચન્દ્રગુપ્તને મહાન્ જયઘોષથી પાટલિપુત્રમાં લાવવા માટેની અને તેના નામની દોહાઈ ફેરવવા માટેની શી શી યોજનાઓ કરવી, એના વિચારમાં લીન થયો.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!