પારસમણિ – કુરબાનીની કથાઓ

વૃન્દાવનની અંદર, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા.

સનાતને પૂછયું : ‘ભાઈ, કયાંથી આવો છો ? તમારું નામ શું ?’

બ્રાહ્મણ બોલ્યો : ‘મહારાજ ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુઃખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા : ‘યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઇને યાચના કરજે, તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના.’

સનાતન બોલ્યા : ‘બેટા, મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું ? જે હતું તે બધું ફેંકી દઇને, ફક્ત આ ઝોળી લઇને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં ! હાં ! મને યાદ આવે છે. એક દિવસ કોઇને દેવા કામ આવશે, તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે. જા ભાઇ, એને લઈ જા. તારું દુઃખ એનાથી ફિટવાનું. તને અખૂટ દોલત મળવાની.’

સ્પર્શમણિ ! આહા ! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તે માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈં કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શેભા નિહાળી. પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા, સૂર્યાસ્ત સામે નજર કરી.

બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાતન. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી.

દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડયો. આંખમાં આંસુ લાવીને એ ગદ્ગદ સ્વરે બોલ્યોઃ ‘અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.’

એમ બોલીને એણે નદીના ઊંડા પાણીમાં મણિ ફેંકી દીધો.

મણિ દેનાર અને મણિ લેનાર બને જીતી ગયાં.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ વાર્તા કુરબાનીની કથાઓ માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!