સગા પુત્રનું બલિદાન આપનાર પન્ના ધાય

પન્ના ધાય એ રાજસ્થાનના મહારાણા સાંગાના પુત્ર ઉદયસિંહ [ દ્વિતીય ]ની પરિચારીકા હતી. ઉદયસિંહજીના માતા મહારાણી કર્માવતી તો મુસ્લીમોના આક્રમણ વખતે સર્વે રાજરાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદી પડેલાં. રાજપૂતાણી એના જીવતા તો પોતાના શરીરને દુશ્મનની નજરે થોડી ચડવા દે ! એને તો મૃત્યુ જ પ્યારુ લાગે અને અગ્નિદેવ એની લાજ રાખવા માટેનો સર્વોત્તમ માર્ગ હોય ! પન્ના ધાય બાળક ઉદયસિંહને ધવરાવતી અને એને સગી માતાની ખોટ ન પડે એવી સંભાળ રાખતી. કારણ એ મેવાડના ભાવિ રાજવીને પાળી રહી હતી….!

પન્ના ધાયને ઉદયસિંહની જ ઉંમરનો એક દિકરો હતો – ચંદન [ ઘણાં કહે છે – મોતી ]. બંને ભેળાં જ રમતા, ભણતા અને રહેતા. પન્ના ઉદયસિંહને ચંદન કરતા પણ વધુ સવાયો રાખતી. આમેય પન્ના ધાય મહારાણી કર્માવતી જીવતા ત્યારે એને રાજકીય કાવાદાવાની સલાહો દેતી એવી બુધ્ધિમાન પણ હતી.

એક વખત બન્યું એવું કે દાસીપુત્ર બનવીરના મનમાં મેવાડનો મહારાણો બનવાની લાલચ જાગી. અને તેણે ઘણાં લશ્કરને પોતાને વશ કરી અને એક અંધારી રાતે મેવાડ રાજઘરાનાના ઘણાં લોકોની હત્યા કરી નાખી….! વિક્રમાદિત્યની હત્યા કરીને તે ઉદયસિંહને રોળવા માટે આવી રહ્યો હતો. હવે ચિત્તોડમાં પળાતું એ એક ફુલ હતું જે આગળ જતાં પોતાને માટે ખતરો બની શકે અને એ આશયે બનવીર એનું કાસળ કાઢી નાખવા ખુલ્લી રક્ત તરબોળ, વિક્રમાદિત્યના લોહીથી નવડાવેલી તલવાર લઇને આવી રહ્યો હતો.

Panna Dhai story

એ ગોઝારી રાતના ચિત્તોડના ગઢમાં આવીને પન્ના ધાયના વિશ્વસનીય ગુપ્તચરે સમાચાર આપ્યાં કે, બનવીર નાગી તલવાર લઇને ઉદયસિંહને મારવા આવી રહ્યો છે….! પન્ના ધાય ચેતી ગઇ. એક ઘડીભરમાં આર્યાવર્તની એ મહાન નારીએ નિશ્વય કરી લીધો. એણે ઉદયસિંહને એક ટોપલામાં મુકીને એના પર પાંદડા ઢાંકી એ ટોપલું એના વિશ્વસનીય સૈનિક સાથે ગુપચુપ રીતે ગઢની બહાર સરકાવી દીધું….! અને ઉદયસિંહના પલંગ પર પોતાના પેટના વ્હાલસોયા દિકરા બનવીરને સુવડાવી દીધો….! પોતાને પુત્રને મોતના મુખમાં ધકેલતી વખતે એને શુંયે થતું હશે….! પણ વિચાર કરવાનો કે પોતાના ભાવ કળાવી દેવાનો આ વખત નહોતો. બનવીરને લેશમાત્ર ગંધ ન આવે એની કાળજી રાખવાની હતી.

અને બનવીર આવ્યો. ખુન્નસ ભરેલી આંખો, મારી કાપીને કટકાં કરી નાખવાની થનગનતી ક્રુર ભાવનાવાળો ચહેરો અને હાથમાં ઉના ઉના લોહીના ટીપાં ધરતી પર પાડીને ઘડીભર તો ધરાને ધગવી દેતી ખુલ્લી તલવાર….!

“ક્યાં છે મારો શત્રુ ?” એણે રીતસર બુમ પાડી.

પાછળના બારણે ઉભેલી પન્નાએ પલંગ ભણી આંગળી ચીંધી. બનવીર જોસથી પલંગ ભણી ગયો અને ચાદર ઓઢીને સુતેલા ચંદનના શરીર પર પ્રંચડ વેગથી તલવાર મુકી. ખસાક…..! લોહીનો ધોધ ફુટ્યો. પલંગ પર લાલ રંગના વિશાળ ધાબા પડ્યા. અને ક્રોધના આવેશમાં ને છેલ્લું કાસળ કાઢી નાખ્યાના આનંદમાં હરખાતો બનવીર હલકટ અટ્ટહાસ્ય કરીને ચાલ્યો ગયો. પણ એને ક્યાં ખબર હતી કે આતો પન્ના ધાયનો દેવનો દીધેલ ચંદન હતો….! જેની જનેતાએ એક આસું પણ દિકરા પાછળ ન પડે એની કાળજી રાખી હતી, રખેને સત્ય છતું થઇ જાય એની બીકે….!

પછી પન્ના ધાય ઉદયસિંહને લઇને છુપાતી છુપાતી દર બદર ભટકે છે. અંતે કુંભલગઢમાં એને આશરો મળે છે. અને ૧૫૪૨માં ઉદયસિંહજી મેવાડના મહારાણા બને છે. પણ એની પાછળ પન્ના ધાયએ આપેલ બલિદાનને ભુલી શકાય ખરું….!

ગુજરાતની આહિર બેલડી અને રાજસ્થાનની પન્ના ધાય કદી વિસરાવવાના નથી. અમુક સમ્રાટોની પાછળ ઉગો અને ચંદન વેતરાયા હોય છે….! મહારાણા પ્રતાપ નહિ ભુલાય કે નહિ ભુલાય પન્ના ધાય. અમર રહો એ આર્યરમણી….!

– Kaushal Barad.

error: Content is protected !!