ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની કથા

ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં સર્જન માટે મન્વંતરોની રચના કરી છે. આવાં તો અનેક મન્વંતરો થયાં છે જેમને જે તે યુગમાં સૃષ્ટિનાં સર્જનમાં બ્રહ્માજીને મદદ કરી છે. ભગવાન બ્રહ્માજીએ જ્યારે આ નવ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે કોઈને કોઈ અનિષ્ટનું આગમન થયું છે. જેમાંથી જ ઉભું થાય છે —– દુષ્ટત્વ. આ દુષ્ટત્વ સમાજ માટે હાનિકરક હોય છે. માનવીઓ જ્યાં હોય ત્યાં કોઈકને કોઈક ખામીઓ તો રહેવાની જ. માનવ આમ જોવાં જઈએ તો એ સર્વગુણ સંપન્ન તો નથી હોતો જ

કારણકે એ જે પણ દુનિયામાં રહે છે ત્યાં અસત્ય અને અનિષ્ટનું પ્રાધાન્ય તો રહેવાનું જ. આને જ દૂર કરવાં સમાજની પુનર્રચના કરવાં માટે ભગવાનને અવતાર લેવાં પડતાં હોય છે. જે કાર્ય માટે અવતાર લેવો પડતો હોય છે ભગવાનને એ કાર્યમાં બાધાઓ પણ આવતી જ હોય છે એટલે એ બાધાઓ દૂર કરવાં માટે ઘણીવાર ભગવાન વિષ્ણુએ જે આવતાર ધારણ કર્યો હોય છે. એમાં અનેક રૂપો પણ ધારણ કરવાં જ પડતાં હોય છે. ભગવાન વિષ્ણુનાં અવતારમાં મદદરૂપ થવાં ભગવાન શિવજીને પણ અવતાર લેવાં પડતાં હતાં. ભગવાન શિવજી અંશાવતાર રૂપે અવતાર લેતાં હતાં. એવો જ એક ભગવાન શિવજીનો અંશાવતાર છે ભગવાન હનુમાનજી એ ચિરંજીવ અને પૂર્ણ ભગવાન છે

ભગવાન હનુમાનજીની પરાક્રમ ગાથાઓ પુરાણોમાં અને મહાકાવ્ય રામાયણમાં વર્ણવાયેલી જ છે. ભગવાન હનુમાનજીનું મુખ્ય કાર્ય હતું ભગવાન વિષ્ણુનાં સાતમા અવતાર ભગવાન શ્રી રમચંદ્રજીને સહાયરૂપ થવાનું. આ સહાય એમણે માતા સીતાની શોધમાં અને રાવણની સેનાનો કચ્ચરઘાણ વાળવામાં કર્યો હતો. રાવણ આમ તો ખુદ એક પરમ શિવભક્ત હતો. રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર એનો ઉત્તમ નમૂનો છે. રાવણે શિવલિંગોની પણ સ્થાપના કરી એની પૂજા અર્ચના કરી હતી. હવે રાવણ જો પરમ શિવ ભક્ત હોય તો ભગવાન શિવજી જ એનાં નાશ માટે કારણભૂત બની શકે એમ હતાં. રાવણનો અંત તો નિશ્ચિત જ હતો, પણ એ જેટલું સહેલું લાગતું હતું એટલું એ સહેલું નહોતું એટલે જ ભગવાન શિવજીએ અંશાવતાર ભગવાન હનુમાનજી રૂપે લેવો પડ્યો હતો

રાવણ પણ શક્તિશાળી યોદ્ધો હતો તો એનાં ભાઈઓ અને ખાસ કરીને એનો પુત્ર મેઘનાદ તો સૌથી શક્તિશાળી હતો. મેઘનાદ પાસે અદ્વિતિય શસ્ત્રો અને તાકાત હતાં તો રાવણનાં ભાઈઓ પણ અદભુત અને અપ્રતિમ શક્તિઓ ધરાવતાં હતાં. આવી જ એક ઘટનાનો ઉલ્લેખ પહેલાં સ્કંદ પુરાણમાં ત્યાર પછી મહાકાવ્ય રામાયણમાં થયેલો જોવાં મળે છે. જે ઘટના બની હતી જેમાંથી ભગવાન શ્રી રામચંદ્રજીના ભાઈ લક્ષ્મણને બચાવવાં માટે ભગવાન હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું !!! કેમ લેવું પડયું હતું એમણે પંચમુખી સ્વરૂપ ? એની જ આ કથા છે જે પ્રમાણમાં સવિસ્તર સમજાવવાની કોશિશ હું કરું છું !!!

પંચમુખી હનુમાનજી સ્વરૂપ કથા—–

આ કથા માત્ર રામાયણમાં જ આવે છે એવું નથી, પણ રામયણને જ આપણે આધારભૂત ગ્રંથ માનીએ છીએ એટલે એમાં પણ આ વણી લેવાઈ છે. રામાયણ આધારભૂત એટલાં માટે છે કે એવું કહેવાય છે કે રામાયણ પહેલાં લખાયું હતું અને ઘટના પછીથી બની હતી, પણ પૌરાણિક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે જ જો કે આ સ્વરૂપ કથા પહેલાં પુરાણોમાં જ આવી છે ખાસ કરીને સ્કંદ પુરાણમાં !!!

કથા કંઇક આવી છે —-

લંકામાં રામ-રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું એ યુદ્ધ ઘણું જ ભયંકર હતું !!! અતિપરાક્રમી રાવણપુત્ર મેઘનાદ સાથે ભીષણ યુદ્ધ ચાલ્યું. અંતત: મેઘનાદનો વધ લક્ષ્મણજીએ કર્યો. રાવણ જે અભિમાનનો પર્યાય ગણાતો હતો તે હજી સુધી તો અભિમાનમાં રચ્યો પચ્યો રહેતો હતો, તે પણ ખાસ કરીને લક્ષ્મણનું આ પરાક્રમ જોઇને ભયભીત થઇ ગયો. તેને હવે પોતાનો અંત નજીક દેખાવાં લાગ્યો હતો !!! તે થોડો અચંબિત થઇ ગયો હતો અને દુઃખમાં આમતેમ આંટા મારવાં લાગ્યો. રાવણને આમ દુખી દુખી જોઇને રાવણની માતા કૈકસીએ એને પાતાળમાં રહેતાં બે ભાઈઓ અહિરાવણ અને મહિરાવણની યાદ અપાવી.

રાવણને પણ હવે એ યાદ આવી જ ગયું કે આ બંને તો એનાં બાળપણનાં મિત્રો રહી ચુક્યા છે !!! લંકાધિપતિ થયાં પછી એની મતી જ બહેર મારી ગઈ હતી જાણે!!! રાવણની યાદશક્તિ ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ હતી. રાજા થવું આમેય સહેલું તો નથી જ હોતું ને !!! પણ જેવું એને એની માતાએ કહ્યું એવું બધું જ એને યાદ આવી ગયું !!! રાવણ એ બહુ જ સારી રીતે જાણતો હતો કે અહિરાવણ અને મહિરાવણ તંત્ર -મંત્રનાં મહા પંડિત હતાં. જાદુટોનામાં પણ એમને મહારત હાંસલ હતી !!! કારણકે તેઓ માં કામાક્ષીનાં પરમ ભક્ત હતાં !!! રાવણે એમને કહેવડાવ્યું કે એ પોતાનાં છળકપટથી અને એમણે મળેલી તાંત્રિક શક્તિનાં જોરે ભગવાન શ્રી રામને અને લક્ષ્મણજીને સ્વધામ પહોંચાડી દે. આ વાતની ભડન પોતાનાં ખાસ દૂતો દ્વારા રાવણના નાનાં ભાઈ વિભીષણને ખબર પડી ગઈ. યુદ્ધમાં અહિરાવણ અને મહિરાવણ જેવાં પરમ માયાવી રાક્ષસોનાં શામિલ થવાથી વિભીષણ માટે એક મોટો ચિંતાનો વિષય બની ગયો

હવે વિભીષણને લાગ્યું કે ભગવાન શ્રી રામચન્દ્રજી અને લક્ષ્મણજીની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવી પડશે. એના માટે વિભીષણને એમ લાગ્યું કે આની જવાબદારી જો ભગવાન હનુમાનજીને સોંપવામાં આવે તો પછી કોઈ ચિંતાનો વિષય રહેશે જ નહીં !!! ભગવાન શ્રીરામની અને ભ્રાતા લક્ષ્મણની કુટીર સુવેલ પર્વત પર બનાવેલી હતી. ભગવાન હનુમાનજીએ ભગવાન શ્રી રામની કુટીરની ચારે તરફ એક સુરક્ષા કવચ બનાવી દીધું. એમણે પોતે જ આ કવચ તૈયાર કર્યું હોવાથી કોઈ જાદુટોના કે તંત્રમંત્રની અસર આનાં પર થઇ શકે જ નહીં કે કોઈ માયાવી રાક્ષસ આની અંદર પ્રેવેશી જ ના શકે !!! બિલકુલ લક્ષ્મણ રેખા જેવો જ પ્રબંધ કર્યો હતો ભગવાન હનુમાનજીએ !!!

અહિરાવણ અને મહિરાવણ આ કુટિર પાસે ભગવાન શ્રી રામને અને લક્ષ્મણજીને મારવાંનાં મક્કમ ઈરાદાથી અહી આવી તો પહોંચ્યા પણ એમની કોઈ રીત કારગત ના નીવડી. મહિરાવણ વિભીષણનું રૂપ ધારણ કરીને આ કુટિરમાં પ્રવેશી ગયો !!! ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજી પત્થરની સપાટ શિલા પર ગાઢ નિંદ્રામાં પોઢેલાં હતાં. હવે આ બંને રાક્ષસોએ વિના આહટે શિલા સમેત બન્ને ભાઈઓને ઉઠાવી લીધાં અને પોતાનાં નિવાસસ્થાન પાતાળલોક તરફ પ્રયાણ કર્યું !!! વિભીષણ તો સતત જ સતર્ક હતો. એણે તો પળવારમાં જ ખબર પડી ગઈ કે કંઇક અનહોની થઇ છે. વિભીષણને શક તો મહિરાવણ પર જ હતો એટલે જ એણે ભગવાન શ્રીરામચંદ્રજી-લક્ષ્મણજીની ચિંતા સતાવવા લાગી !!! વિભીષણે ભગવાન હનુમાનજીને મહિરાવણ વિષે બતાવતાં કહ્યું કે એ એમનો પીછો કરે !!!

લંકામાં પોતાનાં અસલી રૂપમાં હરવું ફરવું ભગવાન શ્રી રામજીનાં પરમ ભક્ત ભગવાન હનુમાનજીને બરોબર નાં લાગ્યું તો એમણે પક્ષીનું રૂપ ધારણ કરીને જ નિકુંભલા નગર પહોંચી ગયાં. નિકુંભલા નગરીમાં પક્ષીનું રૂપ ધારણ કરેલાં ભગવાન શ્રી હનુમાનજીએ કબુતર અને કબુતરીની અંદરો અંદર થતી વાતો સાંભળી. કબુતર કબુતરીને કહી રહ્યો હતો કે હવે તો રાવણની જીત પાકી જ છે. અહિરાવણ અને મહિરાવણ ભગવાન રામચન્દ્રજી અને લક્ષ્મણજીની બલિ ચઢાવી દેશે બસ પછી યુદ્ધ સમાપ્ત !!! કબૂતરની આ વાતો પરથી શ્રી બજરંબલીને એ તો ખબર પડી જ ગઈ કે આ રાક્ષસો ઊંઘમાંને ઊંઘમાં જ ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજીને ઉઠાવીને કામાક્ષી દેવીને બાલિ ચઢાવવા પાતાળલોકમાં લઇ ગયો છે. આમેય ભગવાન હનુમાનજી તો વાયુપુત્ર તો ખરાં જ ને !!! એટલે એ વાયુવેગે રસાતાળ તરફ આગળ વધ્યાં અને તરત જ ત્યાં પહોંચ્યા !!!

ભગવાન હનુમાનજીને રસાતાળનાં પ્રવેશદ્વાર પર એક અદભૂત પહેરેદાર મળ્યો જેનું અડધું શરીર વાનરનું અને અડધું શરીર માછલીનું હતું !!! એણે ભગવાન હનુમાનજીને પાતાળમાં પ્રવેશતાં રોકી દીધાં !!! દ્વારપાળે ભગવાન હનુમાનજીને કહ્યું કે મને પરાસ્ત કાર્ય વગર તમારું અંદર જવું અસંભવ છે એ બને વચ્ચે ભારે લડાઈ થઇ. ભગવાન હનુમાનજીની આશાથી વિપરીત એ દ્વારપાળ બહુજ બળવાન અને એક નિપુણ યોદ્ધો નીકળ્યો. બન્ને બહુ જ શક્તિશાળી હતાં !!! બન્ને વચ્ચે બહુજ ખતરનાક યુદ્ધ થયું પરંતુ એનું ભગવાન બજરંગબલી આગળ કશું જ ના ચાલ્યું. આખરે ભગવાન હનુમાનજીએ એને હરાવી તો દીધો પણ એ આ દ્વારપાળની પ્રશંસા કર્યાવગર ના રહી શકયાં. ભગવાન હનુમાનજીએ એ વીર યોધ્ધાને પૂછ્યું —– ” તું ભાઈ તારો પરિચય તો આપ !!! તારું આ સ્વરૂપ જ એવું છે ને કે જેથી હું આશ્ચર્યમાં પડી ગયો છું મને એ જાણવાની ઈચ્છા છે કે તારું સ્વરૂપ આવું કેમ છે તે !!! ”

તો એ વીરે ઉત્તર આપ્યો —-
” હું ભગવાન હનુમાનજીનો પુત્ર છું અને એક માછલીનાં પેટમાંથી હું જન્મ્યો છું. મારુ નામ છે મકરધ્વજ !!! ” જયારે ભગવાન હનુમાનજીએ આ સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયાં !!!

મકરધ્વજે આગળ જણાવ્યું કે —-
લંકાદહન પછી ભગવાન હનુમાનજી સમુદ્રમાં પોતાનો અગ્નિ શાંત કરવાં પહોંચ્યા ત્યારે એમનાં શરીરમાંથી પરસેવાનાં રૂપમાં એક તેજ પડયું. બરોબર એ જ સમયે મારી માં એ આહાર માટે પોતાનું મો ખોલ્યું હતું અને એ તેજને મારી માતાએ પોતાનાં મુખમાં લઇ લીધું અને એ ગર્ભવતી બની ગઈ
એમાંથી જ મારો જન્મ થયો છે !!!

જ્યારે ભગવાન હનુમાનજીએ આ સાંભળ્યું તો એમણે મકરધ્વજને કહ્યું કે એ જ પોતે ભગવાન હનુમાનજી છે !!! મકરધ્વજે ભગવાન હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને ભગવાન હનુમાનજીએ પણ પોતાનાં દીકરાને ગળે લગાડયો અને અહી કેમ આવવું પડયું એનું કારણ પણ એને કહ્યું !!! એમણે પોતાનાં પુત્રને કહ્યું કે પોતાનાં પિતાનાં સ્વામીની રક્ષામાં સહાયતા કર !!!

મકરધ્વજે ભગવાન હનુમાનજીને બતાવ્યું કે થોડીક જ વારમાં એ રાક્ષસો બલિ માટે અહીં આવવાનાં છે બહેતર એ છે કે તમે રૂપ બદલીને માં કામાક્ષીનાં મંદિરમાં જઈને બેસી જાઓ તો સારું !!! અને એ આખી પૂજાવિધિ ઝરૂખામાંથી કરવાની કહો!!! ભગવાન હનુમાનજી પહેલાં તો મધમાખીનું રૂપ ધારણ કરીને માં કામાક્ષીનાં મંદિરમાં ઘુસી ગયાં.

ભગવાન હનુમાનજીએ માં કામાક્ષીને નમસ્કાર કરીને સફળતાની કામના કરી અને પછી પૂછ્યું કે —– ” હે માં શું તમે સાચેસાચ વાસ્તવમાં ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીની બલિ ચઢે એવું ઈચ્છો છો ? ”

ભગવાન હનુમાનજીનાં આ પ્રશ્ન પર માં કામાક્ષીએ ઉત્તર આપ્યો કે —-
” ના …… હું તો દુષ્ટ અહિરાવણ અને મહિરાવણની બલિ અપાય એવું ઈચ્છું છું, આ બંને મારાં ભક્તો તો છે પણ અધર્મી અને અત્યાચારી પણ છે !!! તમે તમારો પ્રયત્ન કરતાં રહો તમે જરૂર સફળ થશો જ !!!” મંદિરમાં પાંચ દીવા જલી રહ્યાં હતાં. અલગ-અલગ દિશાઓમાં અને અલગ -અલગ સ્થાન પર ત્યારે માં કામાક્ષીએ કહ્યું કે —- આ દીવા તો અહિરાવણે હું પ્રસન્ન રહું એટલાં માટે જલાવ્યાં છે જયારે આ બધાં દીવા એકસાથે બુઝાવી દેવામાં આવશે ત્યારે એનો અંત સુનિશ્ચિત જ છે !!!

આ વચ્ચે ગાવાં-વગાડવાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો અહિરાવણ- મહિરાવણ બલિ ચઢાવવા માટે આવી રહ્યાં હતાં. ભગવાન હનુમાનજીએ હવે માં કામાક્ષીનું રૂપ ધારણ કર્યું. જયારે અહિરાવણ અને મહિરાવણ મંદિરમાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ હતાં ત્યારે ભગવાન હનુમાનજીનો મહિલા સ્વર ગુંજ્યો !!!

ભગવાન હનુમાનજી બોલ્યાં —–
” હું દેવી કામાક્ષી છું અને આજે મારી પૂજા આ ઝરૂખામાંથી કરો !!!” ઝરૂખામાંથી પૂજા આરંભ થઇ માં કામાક્ષીને બહુ બધો ચઢાવો આ ઝરૂખામાંથી જ કરવામાં આવ્યો !!! અંતમાં બંધક બલિનાં રૂપમાં ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજીને એમાં નાંખવામાં આવ્યાં બંને બંધનમાં હજી બેહોશ જ હતાં !!! ભગવાન હનુમાનજી એ તરત જ એમણે બંધન મુક્ત કર્યા. હવે પાતાળ લોકમાંથી નીકળવાનો સમય હતો પણ એ પહેલાં માં કામાક્ષી સમક્ષ અહિરાવણ – મહિરાવણની બલિ આપીને એમની ઈચ્છા પૂરી કરવાનો અને આ બન્ને રાક્ષસોને એમનાં કુકર્મોની સજા આપવી જ શેષ હતી !!!

હવે ભગવાન હનુમાનજીએ મકરધ્વજને કહ્યું કે એ અચેત અવસ્થામાં સુતેલાં ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજીનું ખાસ ધ્યાન રાખે અને પછી એ બન્નેએ સાથે મળીને રાક્ષસોની વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું !!! પણ આ યુદ્ધ ધાર્યું હતું એટલું સહેલું તો નહોતું જ. એક તો આ અહિરાવણ અને માહિરાવણ બહુ જ મુશ્કેલીથી મારતાં હતાં અને બીજું જેવાં એ મારતાં તો પછીથી તરતજ પાંચ-પાંચના રૂપમાં ફરીથી જીવતાં થઇ જતાં હતાં

આવી વિકટ સ્થિતિમાં મકરધ્વજે બતાવ્યું કે અહિરાવણની એક પત્ની નાગકન્યા છે. અહિરાવણ એણે જબરજસ્તીથી ઉઠાવી લાવ્યો છે એ એણે પસંદ નથી કરતી પણ મન મારીને એની સાથે રહે છે એ જરૂર અહિરાવણનું કોઈ રાઝ જાણતી હશે એને એની મોતનો ઉપાય પૂછવામાં આવે તો સારું !!! તમે એની પાસે જાઓ અને એની સહાયતા માંગો !!! મકરધ્વજે એ બંને રાક્ષસોને લડાઈમાં ઉલઝેલા રાખ્યાં અને ત્યાં ભગવાન હનુમાનજી અહિરાવણની પત્નીની પાસે પહોંચ્યા અને એને કહ્યું કે તું જો અહિરાવણનાં મૃત્યુનો ભેદ બતાવી ડે તો અમે એણે મારી નાખીને તને એની ચંગુલમાંથી છોડાવીને મુક્તિ અપાવીશું !!!

અહિરાવણની પત્નીએ કહ્યું કે ——-
” મારું નામ ચિત્રસેના છે હું ભગવાન વિષ્ણુની પરમ ભક્ત છું. મારાં આ ખુબસુરત રૂપ પર અહિરાવણ મોહિત થહી ગયો અને મારું અપહરણ કરીને અહીંયા કેદ કરીને રાખી છે પણ હું એણે નથી પ્રેમ કરતી, પરંતુ હું અહિરાવણનાં મૃત્યુનો ભેદ ત્યારે જ બતાવીશ જયારે મારી ઈચ્છા તમે પૂરી કરશો !!! ”

ભગવાન હનુમાનજીએ અહિરાવણની પત્ની નાગકન્યા ચિત્રસેનાણે પૂછ્યું કે ——- ” તું અહિરાવણનાં મૃત્યુનું રહસ્ય બતાવવાનાં બદલામાં શું ઈચ્છે છે ? ”

ચિત્રસેનાએ કહ્યું : – ” દુર્ભાગ્યવશ અહિરાવણ જેવો અસુર મને હરી લાવ્યો છે ……. એનાથી મારું જીવન ખરાબ થઇ ગયું છે હું આ મારાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા ઈચ્છું છું. જો તમે મારો વિવાહ ભગવાન શ્રી રામચન્દ્રજી જોડે કરાવી આપવાનું વચન આપો તો હું અહિરાવણનાં વધનું રહસ્ય તમને બતાવીશ !!!”

ભગવાન હનુમાનજી તો વિચારમાં પડી ગયાં “ભગવાન શ્રી રામચન્દ્રજી એક પત્ની વ્રતા છે. પોતાની ધર્મપત્ની દેવી સીતાને મુક્ત કરવાં માટે જ તેઓ અસૂરોસાથે યુદ્ધ કરી રહ્યાં છે. તેઓ આ વિવાહની વાત કયારેય નહીં સ્વીકારે. હું આવું વચન કેવી રીતે આપી શકું ?”

ભગવાન હનુમાનજી ફરી પાછાં વિચારવા લાગ્યા…..
” જો યોગ્ય સમયે ઉચિત નિર્ણય ના લીધો તો પોતાનાં સ્વામીનો પ્રાણ સંકટમાં આવી શકે છે. અસમંજસભરી આવી પરિસ્થતિમાં બેચેન ભગવાન હનુમાનજીએ એવો રસ્તો શોધ્યો કે જેનાથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે !!!

ભગવાન હનુમાનજી બોલ્યાં —–
” તારી શરત મને સ્વીકાર્ય છે પણ સામે મારી પણ એક શરત છે આ વિવાહ ત્યારે જ થઇ શકશે જ્યારે તારી સાથે ભગવાન રામજી જે પલંગ પર બેઠાં હોય એ સલામત રહેવો જોઈએ જો એ તુટ્યો તો એને અપશુકન માનીને હું વચનથી ફરી જઈશ !!”

જો અહી જે પલંગ છે એના પર મહાકાય અહિરાવણનાં બેસવાથી જો એ પલંગ નથી તુટ્યો તો ભલા ભગવાન રામચન્દ્રજીનાં બેસવાથી આ પલંગ કેવી રીતે તૂટી શકે !!! આવું વિચારીને ચિત્રસેના તો તૈયાર થઇ ગઈ એને અહિરાવણ સમેત બધાં જ રાક્ષસોનાં અંતનો બધો જ ભેદ ભગવાન હનુમાનજીને બતાવી દીધો

ચિત્રસેનાએ કહ્યું ——- બંને રાક્ષસોના બાળપણની વાત છે. આ બંનેનાં કેટલાંક શરારતી રાક્ષસ મિત્રોએ ક્યાંકથી એક ભ્રામરી(ભમરી)ને પકડી લાવ્યાં હતાં. મનોરંજન માટે એ લોકો આ ભ્રામરીની વારંવાર કાંટાથી છેડી રહ્યાં હતાં. આ ભ્રામરી પણ કોઈ સાધારણ ભ્રામરી નહોતો એ પણ બહુ જ માયાવી હતી પણ કોઈક કારણવશ એ આ લોકોની પકડમાં આવી ગઈ. ભ્રામ્રીની પીડા જોઇને અને એની બુમો સાંભળીણે અહિરાવણ અને મહિરાવણને ડયા આવી ગઈ અને એમને એમના મિત્રો સાથે લડી-ઝઘડીને એને છોડાવી દીધી !!!

માયાવી ભ્રામરી નો પતિ પણ પોતાની પત્નીની પીડા સાંભળીને અહીં આવ્યો હતો. પોતાની પત્નીની મુક્તિથી અતિપ્રસન્ન થઈને એ ભમરાએ વચન આપ્યું કે તમારાં આ ઉપકારનો બદલો અમે બધાં જ ભ્રમર જાતિ સાથે મળીને ચુકાવીશું !!! આ ભમરાઓ અધિકતમ સમય તો એમનાં શયનકક્ષની પાસે જ રહેતાં હોય છે એ બહુ જ મોટી સંખ્યામાં હોય છે. આ બંને રાક્ષસોને જયારે જ્યારે મારવાનો પ્રયાસ થયો છે અને એ મરવાની અણી પર હોય છે ત્યારે ત્યારે આ ભ્રમરો એમનાં મુખમાં એક બુંદ અમૃત નાખી દેતાં હોય છે !!! બસ આ અમૃતને જ કારણે એ બંને રાક્ષસો મરીને પણ પાછાં જીવતા થઇ જાય છે. એમનાં ઘણાંબધાં રૂપ આ અમૃતને કારણે જ ધરાતાં હોય છે એમને જેટલીવાર પણ જીવતદાન મળ્યું છે તેટલી વાર તેઓ કોઈને કોઈ નવું રૂપ ધારણ કરતાં જ હોય છે એટલાં માટે તમારે પહેલાં આ ભ્રમરોને મારવાં પડશે. ભગવાન હનુમાનજી આ રહસ્ય જાણીને પાછાં ફર્યા !!!

મકરધ્વજે તો અહિરાવણને યુધ્ધમાં ઉલઝેલો જ રાખ્યો હતો તો આ બાજુ ભગવાન હનુમાનજીએ ભ્રમરનો ખાત્મો બોલાવવો શરુ કર્યો. એ લોકો પણ બિચારા ક્યાં સુધી ભગવાન હનુમાનજી સામે ક્યાં સુધી ટકી શકતાં ? જ્યારે બધાં જ ભ્રમરો ખતમ થઇ ગયાં અને માત્ર એક જ બચ્યો હતો તે પણ ભગવાન હનુમાનજીનાં ચરણોમાં પડી ગયો. એણે ભગવાન હનુમાનજી પાસે પોતાનાં પ્રાણની રક્ષાની યાચના કરી. હનુમાનજીએ એને માફ કરી દીધો પણ એણે ક્ષમા આપતાં એક કામ સોંપ્યું. ભગવાન હનુમાનજી બોલ્યાં—–” હું તને પ્રાણદાન આપું છું પણ એક શરત પર કે થી અહીંથી તરત જ ચાલ્યો જઈશ અને અહિરાવણની પત્નીનાં પલંગની પાટોમાં ઘૂસીને એને જલ્દીથી સપૂર્ણ રીતે ખોખલો બનાવી દેજે ”

ભ્રમર તો તત્કાલ ત્યાંથી ચિત્રસેનાનાં પલંગની પાટીમાં ઘુસવાં માટે પ્રસ્થાન કરી ગયો ત્યારે અહી અહિરાવણ અને મહિરાવણને પોતાનાં ચમત્કારો લુપ્ત થતાં જોઇને બહુજ અચરજ થયું, પણ એમણે માયાવી યુદ્ધ તો ચાલું જ રાખ્યું. ભ્રમરોને તો ભગવાન હનુમાનજી એ સમાપ્ત કરી દીધાં હતાં તેમ છતાં પણ ભગવાન હનુમાનજી અને મકરધ્વજનાં હાથે અહિરાવણ અને મહિરાવણનો અંત નહોતો થઇ શકતો. આ જોઇને ભગવાન હનુમાનજી થોડાં ચિંતિત જરૂર થયાં પછી એમને દેવી કામાક્ષીનું વચન યાદ આવી ગયું. માં કામાક્ષીએ એમને બતાવ્યું હતું કે અહિરાવણની એ સિદ્ધિ છે કે એ પંચે દીપકો એક સાથે જલતાં હોય. જ્યારે એ પાંચે દીપકો એક સાથે બુઝાઈ જાય તો જ એ નવાં નવાં રૂપો ધારણ કરવાં માટે અસમર્થ થઇ જશે અને એનો વધ ત્યારે જ થઇ શકશે.

Panchmukhi-Hanuman-HD-Pictures

ભગવાન હનુમાનજીએ તત્કાળ પંચમુખી રૂપ ધારણ કર્યું.

  • જેમાં ઉત્તર દિશામાં વરહ મુખ
  • દક્ષિણ દિશામાં નરસિંહ મુખ
  • પશ્ચિમ દિશામાં ગરુડ મુખ
  • આકાશની તરફ હયગ્રીવ મુખ
  • અને પૂર્વ દિશામાં હનુમાન મુખ

એનાં પછી ભગવાન હનુમાનજીએ પોતાનાં એ પાંચો મુખો દ્વારા દીપકો એક સાથે બુઝાવી નાંખ્યા. હવે અહિરરાવણની વારંવાર ફરી જન્મવાની અને લાંબા સમય સુધી જીવતાં રહેવાની બધીજ આશંકાઓ સમાપ્ત થઇ ગઈ હતી. ભગવાન હનુમાનજી અને મકરધ્વજનાં હાથે શીઘ્ર જ બન્ને રાક્ષસો માર્યા ગયાં !!!

એનાં પછીથી એમણે ભગવાન શ્રી રામચન્દ્રજી અને લક્ષ્મણજીની મૂર્છા દુર કરવાનો ઉપાય કર્યો. એ બન્ને ભાઈઓ ત્યાર પછીથી હોશમાં આવી ગયાં
ચિત્રસેના પણ ત્યાં આવી હતી. ભગવાન હનુમાનજીએ કહ્યું —–” પ્રભુ ! હવે તમે અહિરાવણ અને મહિરાવણનાં છળકપટ અને બંધનમાંથી મુક્ત થહી ગયાં છો !!! પણ આને માટે અમારે આ નાગકન્યા ચિત્રસેનાની સહાયતા લેવી પડી હતી. અહિરાવણ એણે બળપૂર્વક અહીં ઉઠાવી લાવ્યો હતો !!! એ તમારી સાથે વિવાહ બંધનમાં બંધાવા માંગે છે. કૃપયા આપ એની સાથે વિવાહ કરીને એને પોતાની સાથે લઇ ચલો એનાથી એને મુક્તિ મળશે !!! ”

ભગવાન શ્રીરામજી ભગવાન હનુમાનજીની આ વાત સાંભળીને ચકરાયા. ભગવાન શ્રી રામજી કશું પણ બોલે એની પહેલાં જ ભગવાન હનુમાનજીએ કહી દીધું ” ભગવન તમે તો મુક્તિદાતા છો !!! અહિરાવણને મારવાનો ભેદ એણે જ અમને બતાવ્યો છે એનાં વગર અમે એને મારી નાંખીને તમને બચાવવામાં સફળ નાં જ થઇ શકયાં હોત !!! કૃપા નિધાન આને પણ મુક્તિ મળવી જ જોઈએ, પરંતુ તમે ચિંતા ના કરો. આપણા સૌનું જીવન બચાવનાર માટે એટલું કરો કે આપ આ પલંગ પર બેસી જાઓ. બાકીનું કામ હું સંપન્ન કરાવું જ છું !!!”

ભગવાન હનુમાનજી વિદ્યુતવેગે પોતાનું કાર્ય કરી રહ્યાં હતાં કે ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજી એ બંને ચિંતામાં પડી ગયાં. એ કોઈ પણ કદમ ઉઠાવે પહેલાં તો ભગવાન હનુમાનજીએ ભગવાન શ્રી રામજીની બાહુ પકડી લીધી અને ભગવાન હનુમાનજીએ ભાવાવેશમાં પ્રભુ શ્રી રામજીની બાહુઓ પકડીને ચિત્રસેનાનાં એ સજેલાં-ધજેલાં પલંગ પર બેસાડી દીધાં !!!

ભગવાન શ્રી રામચંદ્રજી કંઇ પણ સમજી શકે એ પહેલાં તો એ ખોખલી પાટી ચરરર કરતી તૂટી ગઈ !!! પલંગ ધરાશયી થઇ ગયો, ચિત્રસેના પણ જમીન પર પડી ગઈ. હવે ભગવાન હનુમાનજી હસી પડયાં અને પછી ચિત્રસેનાને કહ્યું ——
” હવે તારી શરત તો પૂરી થઇ નહીં ……. એટલાં માટે હવે આ વિવાહ તો આ જન્મમાં શક્ય જ નથી !!! તું હવે મુક્ત છું અને અમે તને તારાં લોકમાં મોકલવાનો પ્રબંધ કરીએ છીએ ”

ચિત્રસેના સમજી ગઈ કે એની સાથે કોઈ રમત રમાઈ છે એણે કહ્યું કે —– ” મારી સાથે છળ થયું છે. મર્યાદા પુરુષોત્તમનાં સેવક એમની જ સામે કોઈની સાથે છળ કરે એ તો બહુ જ અનુચિત કહેવાય. હું ભગવાન હનુમાનજીને શ્રાપ આપીશ !!!”

ચિત્રસેના ભગવાન હનુમાનજીને શ્રાપ આપવાં જ જઈ રહી હતી ત્યાં ભગવાન શ્રી રામચન્દ્રજીનો સમ્મોહન ભંગ થયો. એ આ આખાં નાટકને સારી રીતે સમજી ગયાં. એમણે ચિત્રસેનાને સમજાવ્યું ——
” મેં એક પત્ની ધર્મથી બંધાઈ રહેવાનો સંકલ્પ કર્યો છે એટલાં માટે ભગવાન હનુમાનજી આવું કરવું પડયું છે. એમને ક્ષમા આપી દે !!!”

કૃદ્ધ ચિત્રસેનના તો એમની સાથે વિવાહ કરવાની જીદ પકડીને બેઠી હતી
ભગવાન શ્રી રામચન્દ્રજીએ કહ્યું —— ” હું જ્યારે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર લઈશ ત્યારે હું તને સત્યભામાનાં રૂપમાં પોતાની પટરાણી બનાવીશ !!!” આનાથી તે માની ગઈ !!!

ભગવાન હનુમાનજીએ ચિત્રસેનાને એનાં પિતાની પાસે પહોંચાડી દીધી. ચિત્રસેનાને પ્રભુએ આગલાં જન્મમાં પોતાની પત્ની બનાવવાનું વરદાન આપ્યું હતું. ભગવાન વિષ્ણુની પત્ની બનવાની ચાહતમાં એણે સ્વયંને અગ્નિમાં ભસ્મ કરી દીધી !!! ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી, મકરધ્વજ અને ભગવાન હનુમાનજી સહિત બધાં પાછાં લંકામાં સુવેલ પર્વત પર પાછાં આવી ગયાં
( સ્કંદ પુરાણ અને આનંદ રામાયણની સાર કથા )

ભગવાન હનુમાનજીનાં પંચમુખી રૂપ ધારણ કરવાં પાછળ એક બીજી પણ કથા પ્રચલિત છે ——

જ્યારે મરિયલ નામનો એક દાનવ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચોરી લે છે અને આ વાત જ્યારે ભગવાન હનુમાનજીને ખબર પડે છે ત્યારે તેઓ સંકલ્પ લે છે કે એ એમનું ચક્ર પુન: પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુને પાછું સોંપી દેશે !!! મરિયલ દાનવ ઈચ્છાનુસાર રૂપ બદલવામાં ઉસ્તાદ હતો. અતઃ વિષ્ણુ ભગવાને ભગવાન હનુમાનજીને આશીર્વાદ આપ્યાં સાથો સાથ ઈચ્છાનુસાર વાયુગમનની શક્તિ પણ આપી અને એની સાથે ગરુડ મુખ , ભય ઉત્પન્ન કરવાંવાળું નરસિંહ મુખ અને હયગ્રીવ મુખ જ્ઞાન પ્રાપ્ત કરવાં માટે તથા વરાહ મુખ સુખ અને સમૃદ્ધિ માટે આપ્યાં. દેવી પાર્વતીજીએ ભગવાન હનુમાનજીને કમલ પુષ્પ એવં યમ – ધર્મરાજે એમણે પાશનામનું અસ્ત્ર પ્રદાન કર્યું . આશીર્વાદ એવં આ બધી શક્તિઓની સાહે ભગવાન હનુમાનજી મરિયલ દાનવ પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં ત્યારથી જ ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપને પણ માન્યતા પ્રાપ્ત થઇ !!!

થોડુંક વધારે ——-

ભગવાન મહાદેવજીનાં પાંચ મુખ ——– તત્પુરુષ, સદ્યોજાત, વામદેવ, અઘોર અને ઇશાન છે. તો એ જ ભગવાન શંકરજીનાં અંશાવતાર ભગવાન હનુમાનજી પણ પંચમુખી છે. માર્ગશીર્ષ(અગહન)માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિએ પુષ્ય નક્ષત્રમાં સિંહ લગ્ન તથા મંગળવારનાં દિવસે ભગવાન હનુમાનજીએ પંચમુખી અવતાર – સ્વરૂપ ધારણ કર્યું હતું . ભગવાન હનુમાનજીનું આ સ્વરૂપ બધાં જ પ્રકારની સિધ્ધિઓ પ્રદાન કરવાંવાળું છે !!
ભગવાન હનુમાનજીનાં એકમુખી, પંચમુખી અને અગિયારમુખી સ્વરૂપો વધારે પ્રચલિત છે !!!

” શ્રીહનુમત – મહાકાવ્ય ” અનુસાર એક વખત એક પાંચ મુખવાળો રાક્ષસ ભયંકર ઉત્પાત મચાવતો હતો. એણે ભગવાન બ્રહ્માજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત થયું હતું કે એણે એનાં જેવાં રૂપવાળો જ કોઈ વ્યક્તિ એને મારી શકશે. દેવતાઓની પ્રાથના કરવાથી ભગવાન વિષ્ણુએ ભગવાન હનુમાનજીને એ રાક્ષસને મારવાની આજ્ઞા આપી ત્યારે ભગવાન હનુમાનજીએ વાનર, નરસિંહ, વરાહ,હયગ્રીવ અને ગરુડ – એમ પંચમુખ ધારણ કરીને આ રાક્ષસનો અંત લાવી દીધો. પંચમુખી હનુમાન પીતામ્બર અને મુકુટથી અલંકૃત હોય છે. એમનાં નેત્રો નો રંગ પીળો હોય છે એટલાંજ માટે એમને “પીંગાક્ષ” પણ કહેવામાં આવે છે. ભગવાન હનુમાનજીનાં નેત્ર અત્યંત કરુણાપૂર્ણ અને સંકટ અને ચિંતાઓને દૂર કરીને ભક્તજનોને સુખ આપવાંવાળાં છે. ભગવાન હનુમાનજીનાં પાંચમુખોમાં ત્રણ – ત્રણ સુંદર નેત્ર આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક તાપો (કામ, ક્રોધ અને લોભ)થી છુટકારો આપાવે છે. ભગવાન હનુમાનજીનાં નેત્રોની આ જ વિશેષતા છે કે એ પોતાનાં સ્વામી ભગવાન શ્રી રામચંદ્રજીનાં ચરણોનાં દર્શનમાટે સદૈવ લાલાયિત રહેતાં હોય છે

વિરાટ સ્વરૂપવાળાં ભગવાન હનુમાનજીનાં પાંચમુખ અને પંદરનેત્રો અને દસ ભુજાઓ છે. જેમાં દસ આયુધ પણ છે —— ખડગ, ત્રિશુલ,ખટવાંગ, પાશ, અંકુશ, પર્વત, સ્તંભ, મુષ્ટિ, ગદા અને વૃક્ષની ડાળી

– પંચમુખી ભગવાન હનુમાનજીનું પૂર્વ દિશા તરફનું મુખ વાનરનું છે જેની પ્રભા કરોડો સૂર્ય સમાન છે. એ વિકરાળ દાઢોવાળું છે અને એની ભ્રુકુટીઓ ચઢેલી છે

– પંચમુખી ભગવાન હનુમાનજીનું દક્ષિણ દિશા તરફનું મુખ ભગવાન નરસિંહનું છે. આ અત્યંત ઉગ્ર તેજવાળું ભયંકર છે કિન્તુ શરણમાં આવેલાંઓનો ભય દૂર કરવાંવાળું છે

– પંચમુખી ભગવાન હનુમાનજીનું પશ્ચિમ દિશા તરફનું મુખ ગરુડનું છે
એમની ચાંચ વાંકી છે …… આ બધાં નાગોનાં વિષ અને ભૂત -પ્રેતને ભગાડનારું છે. આનાથી સમસ્ત રોગોનો નાશ થાય છે અને શરીર રોગમુક્ત બની જાય છે

– પંચમુખી ભગવાન હનુમાનજીનું ઉત્તર દિશા તરફનું મુખ વારાહ (સુવ્વર)નું છે જેનો આકાશ સમાન કૃષ્ણવર્ણ છે. આ મુખનાં દર્શન માત્રથી પાતાળમાં રહેવાંવાળાં જીવો, સિંહ અને વેતાળનાં ભયનો અને જવરનો નાશ થાય છે

– પંચમુખી ભગવાન હનુમાનજીનું આકાશ તરફ ઉઠેલું મુખ હયગ્રીવ (ઘોડા)નું છે. આ બહુ જ ભયંકર છે અને અસૂરોનો સંહાર કરવાંવાળું છે. આ જ મુખ દ્વારા ભગવાન હનુમાનજીએ તારક નામનાં મહાદૈત્યનો વધ કર્યો હતો !!!

ભગવાન હનુમાનજીનાં પાંચ મુખની આરાધનાથી મળે છે પાંચ વરદાન —–

  • નરસિંહમુખની સહાયતાથી શત્રુ પર વિજય
  • ગરુડમુખની આરાધનાથીથી બધાં જ દોષો પર વિજય
  • વરાહમુખની સહાયતાથી સમસ્ત પ્રકારની સમૃદ્ધિ
  • હયગ્રીવમુખની સહાયતાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે
  • હનુમાન મુખની સહાયતાથી સાધકને સાહસ એવં આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે !!!

પંચમુખી ભગવાન શ્રી હનુમાનજીમાં ભગવાનનાં પાંચ અવતારોની શક્તિ સમાયેલી છે એટલાં જ માટે એ કોઈ પણ મહાન કરવાં માટે સમર્થ છે. પંચમુખી ભગવાન હનુમાનજીની પૂજા – અર્ચનાથી વરાહ,ભગવાન નરસિંહ, ગરુડ અને ભગવાન શંકરની ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય છે. જેવી રીતે ગરુડજી વૈકુંઠધામમાં ભગવાન વિષ્ણુની સેવામાં લાગેલાં રહેતાં હોય છે બિલકુલ એવી જ રીતે ભગવાન હનુમાનજી ભગવાન શ્રી રામચન્દ્રજીની સેવામાં લાગેલાં રહેતાં હોય છે. જેવી રીતે ગરુડજીની પીઠ પર ભગવાન વિષ્ણુ બેસતાં હોય છે એવી જ રીતે ભગવાન હનુમાનજીની પીઠ પર ભગવાન શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી બેસતાં હોય છે. ગરુડજી પોતાની માં માટે સ્વર્ગમાંથી અમૃત લાવ્યાં હતાં એવી જ રીતે ભગવાન હનુમાનજી લક્ષ્મણજી માટે સંજીવની જડીબુટી લઈને આવ્યાં હતાં !!!

પંચમુખી ભગવાન હનુમાનજીની આરાધના માટેનો એક મંત્ર પણ છે

પંચાસ્યમચ્યુતમનેક વિચિત્રવીર્યમ વક્તં સુશંખવિધૃતં કપિરાજ વર્યમ ।
પીતામ્બરાદિ મુકુટૈરભિ શોભિતાંગં પિંગાક્ષમાદ્યમનિશંમનસા સ્મરામિ ।।
(શ્રીવિદ્યાર્ણવ – તંત્ર )

પંચવકત્રં મહાભીમં ત્રિપંચનયનૈર્યુતમ ।
બાહુભિર્દશાભિર્યુંકતં સર્વકામ્યાર્થ સિદ્ધિદમ ।।
(શ્રીવિદ્યાર્ણવ – તંત્ર)

ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપનો દ્વાદશાક્ષર મંત્ર છે ——

“ॐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ । “

ઘણી વાર આપણે પૌરાણિક કથાનું મહત્વ ઓછું આંકીએ છીએ અને ઘણી વાર એમાં થયેલાં ઉલ્લેખોને આપણે નજર અંદાજ કરતાં હોઈએ છીએ. મૂર્તિ જો પંચમુખી ભગવાન હનુમાનજીની હોય તો કથા પણ એમની જ હોવાની. આ કથા આપણે પણ પહેલાં સાંભળેલી કે જોયેલી છે પણ તે જોતી વખતે કે સાંભળતી વખતે આપણા મનમાં એવો ક્યારેય પ્રશ્ન થયો છે ખરો કે આ પ્રસંગ કે ઘટના ખરેખર ક્યાં બની હતી તે ? ક્યાં બની હતી તે તો હજી અધ્યાહાર જ છે પણ બની હતી તે પણ એક હકીકત છે તો જ આ પંચમુખી ભગવાન હનુમાનજીની મૂર્તિ સૌ પ્રથમ કરાંચીમાં મળી હતી અને ત્યાં જ પહેલું પંચમુખી મંદિર બંધાયું હતું

ભગવાન શ્રીરામચન્દ્રજીએ પોતાનો અને ભ્રાતા લક્ષ્મણનો જીવ બચાવવાં માટેનો અહેસાન ચુકવવા માટે કરાંચીમાં જ્યાં આ મદિર સ્થિત છે ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીએ ભગવાન હનુમાનજીની પૂજા કરી હતી ‘ એનો ઉલ્લેખ પુરાણોમાં છે એટલે એ જગ્યા ૧૭ લાખ વર્ષ જૂની ગણાય છે બાકી ત્યાં જ આ પાતાળલોક હતો એ નક્કી ના જ કરી શકાય પણ મૂર્તિની કથા અત્યંત રોચક અને રસપ્રદ હોવાથી અહી રજુ કરી છે. જે વાંચજો બધાં અને ભગવાન હનુમાનજી જેવી શક્તિ મેળવવા એમની પૂજા અર્ચના કરજો પાછાં હોં કે !!!

!! જય હનુમાનદાદા !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!